દિવ્ય
ભાસ્કર – રસરંગ પૂર્તિ – 20 ઑક્ટોબર 2019
મલ્ટિપ્લેક્સ
અત્યારે પૂરજોશમાં ચાલી રહેલા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં એવી કઈ ફિલ્મો છે જેને જોવા ફિલ્મી રસિયાઓ લાઈનો લગાવે છે?
તો, મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ-2019 ગતિ પકડી ચુક્યો છે. 17 ઑક્ટોબરે શરૂ
થયેલો આ પ્રતિષ્ઠિત ફિલ્મોત્સવ 24 તારીખે પૂરો થવાનો છે. આ વખતે 53 દેશોની 49
ભાષામાં બનેલી કુલ 190 ફિલ્મોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. કાન, સનડાન્સ, બર્લિન,
લોકાર્નો, ટોરોન્ટો, વેનિસ અને બુસાન જેવા હાઇ પ્રોફાઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ
ફેસ્ટિવલ્સમાં ખૂબ ગાજી ચુકેલી ફિલ્મો જોવાનો મોકો ફિલ્મરસિયાઓને મુંબઈની આ
ઇવેન્ટમાં મળ્યો છે. અફ કોર્સ, નવી ભારતીય ફેસ્ટિવલ ફિલ્મો તો ખરી જ.
જેમ બાળકો રમકડાંની હાઇક્લાસ દુકાનમાં ઘેલાં ઘેલાં થઈ જાય એવા જ હાલ
ઉત્સાહી સિનેમાપ્રેમીઓના થયા છે. ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલાં તેઓ ઇવેન્ટનું
શેડ્યુલ ખોલીને બેસી ગયા હતા, ગૂગલ પર રિસર્ચ કર્યું હતું કર્યું હતું અને કઈ કઈ
ફિલ્મો ‘મસ્ટ-વૉચ’ છે એનું લિસ્ટ તૈયાર કરી નાખ્યું હતું. મુંબઇ
એકૅડેમી ઑફ મુવિંગ ઇમેજીસ ઉર્ફ મામી તરીકે ઓળખાતા આ ફિલ્મોત્સવની આ વખતની સૌથી
પ્રોમિસિંગ ફિલ્મો કઈ કઈ છે? જોઈએ.
મૂથોનઃ કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલની ઑપનિંગ ફિલ્મનું વિશેષ મહત્ત્વ હોય છે. 21મા
મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ હિન્દી મિશ્રિત મલયાલી ફિલ્મ ‘મૂથોન’થી થયો. ગીતુ મોહનદાસે ડિરેક્ટ કરેલી આ ફિલ્મના
હિન્દી ડાયલોગ્ઝ અનુરાગ કશ્યપે લખ્યા છે. નિવીન પૉલી નામના મલયાલમ એક્ટર મુખ્ય
ભુમિકામાં છે. ‘મેઇડ ઇન હેવન’ વેબ સિરીઝમાં ચમકીને ફેમસ થઈ ગયેલી
શોભિતા ધુલીપાલા પણ આ ફિલ્મમાં છે. સ્ટોરી કંઈક એવી છે કે મુલ્લા નામનો એક ટીનેજ
છોકરો પોતાના મોટા ભાઈ એકબરને શોધવા લક્ષદ્વીપથી છેક મુંબઈ પહોંચી જાય છે. અકબર
પાસે બીજાઓના રોગ દૂર કરવાનું કરામતી હૂન્નર છે. ફિલ્મ ઘટનાપ્રચુર છે.
સિસ્ટમ ક્રેશરઃ આ વખતે કમસે કમ
બે ફિલ્મો એવી છે, જેમાં બાળકલાકારો મેદાન મારી ગયાં છે. એક છે, જર્મન ભાષામાં
બનેલી ‘સિસ્ટમ ક્રેશર’. નવ વર્ષની એક મીઠડી બાળકી ગંભીર
માનસિક બીમારીનો ભોગ બની છે. એનું વર્તન ઉત્તરોત્તર હિંસક અને ઉગ્ર બનતું જાય છે.
એને નછૂટકે ઘરથી દૂર હૉસ્પિટલમાં રાખવી પડે છે, પણ બેબલીને પોતાની મા પાસે જવું
છે. હૃદય ભીંજવી નાખે એવી આ ઇમોશનલ ફિલ્મ છે. આગામી ઑસ્કર અવૉર્ડઝમાં જર્મનીની
ઑફિશિયલ એન્ટ્રી તરીકે આ ફિલ્મને મોકલવામાં આવી છે.
હની બૉયઃ
શાયા લબફ જેવું વિચિત્ર નામ-અટક ધરાવતા એક્ટરને તમે ‘ટ્રાન્સફૉર્મર્સ’ સિરીઝ સહિત ઘણી ફિલ્મોમાં જોયો છે. ‘હની બૉય’ની સ્ક્રિપ્ટ એણે લખી છે ને એમાં એક્ટિંગ પણ કરી છે. આ ફિલ્મ એના ખુદના
બાળપણની પીડા અને બાપ સાથેના એના કોમ્પ્લીકેટેડ સંબંધ પર આધારિત છે. શાયાને
નાનપણમાં સૌ હની બૉય કહીને બોલાવતા. એને પણ રિહેબિલટેશન સેન્ટરમાં રાખવો પડ્યો
હતો. લુકાસ હેજસ નામના બાળકલાકારે શાયાના બાળપણના રોલમાં ચકિત થઈ જવાય એવું
પર્ફોર્મન્સ આપ્યું છે. શાયા લબફે ખુદ પોતાના પિતાનો રોલ નિભાવ્યો છે. આ ફિલ્મના
ચારે તરફ શા માટે આટલા વખાણ થઈ રહ્યા છે તે બિલકુલ સમજી શકાય એવું છે.
મિડસોમરઃ આમાં એક કપલ
સ્વીડનના કોઈ પારંપારિક ફેસ્ટિવલમાં ભાગ લેવા કશીક અંતરિયાળ જગ્યાએ જાય છે. અહીં
બધાએ સફેદ કપડાં પહેર્યાં છે. સૌ નાચે છે, ગાય છે, જલસા કરે છે, પણ અહીંની હવામાં
કશુંક અજુગતું છે. ધીમે ધીમે ખબર પડતી જાય છે કે આ શ્ર્વેતવસ્ત્રધારીઓ નોર્મલ
મનુષ્યો નથી. તેઓ મેલી વિદ્યા અજમાવનારા ભયંકર માનવપ્રાણીઓ છે. પતિ-પત્નીને પોતાના
જીવ પર જોખમ દેખાય છે. તેઓ અહીંથી નાસી જવા માગે છે, પણ આ અઘોરીઓ એને છોડે?
આ હોરર ફિલ્મ હાંજા ગગડાવી દે તેવી છે.
પેઇન એન્ડ ગ્લોરીઃ ફિલ્મ ફેસ્ટિવલની વાત ચાલતી હોય અને સ્પેનિશ ફિલ્મમેકર પેડ્રો અલમોડોવરની
વાત ન નીકળે એવું બને? ઝપાટાબંધ અને જથ્થાબંધ ફિલ્મો બનાવવા માટે જાણીતા
પેડ્રો આ વખતે આત્મકથનાત્મક ફિલ્મ લઈને આવ્યા છે. પોતે જીંદગીમાં જે નિર્ણયો લીધા,
જે પસંદગીઓ કરી, જે રસ્તા પર ચાલ્યા તે શું યોગ્ય હતા?
ફિલ્મમાં એન્ટોનિયો બેન્ડેરસ અને પેડ્રોની ફેવરિટ એક્ટ્રેસ પેનેલોપી ક્રુઝ જેવાં
સ્ટાર્સ છે.
એડ એસ્ટ્રાઃ
સ્ટાર્સની વાત
નીકળી તો ભેગાભેગું જાણી લો કે આ વખતે બ્રેડ પિટ જેવા સુપરસ્ટાર્સને ચમકાવતી સ્પેસ
ફિલ્મ ‘એડ એસ્ટ્રા’નું સ્ક્રીનિંગ પણ થઈ રહ્યું છે. બ્રેડ
પોતાના લાપત્તા પિતાશ્રી ટોમી લી જોન્સને શોધવા નીકળ્યો છે. અવકાશયાત્રી ફાધર કોઈ
સ્પેસ મિશન દરમિયાન અનંત અવકાશમાં ગાયબ થઈ ગયા હતા. હવે દીકરો એમની ભાળ કાઢવા
અંતરિક્ષ ફંફોસવા માગે છે. ઇન્ટરેસ્ટિંગ!
ધ આઇરિશમેનઃ આહા!
રોબર્ટ દ નીરો, અલ પચીનો અને જૉ પેસ્કી જેવા ત્રણ-ત્રણ ધૂરંધર એક્ટરો એકસાથે એક જ
ફિલ્મમાં અને એના ડિરેક્ટર કોણ? તો કે’
માર્ટિન સ્કોર્સેઝી! આના કરતાં વધારે જોરદાર કોમ્બિનેશન
બીજું કોઈ ન હોઈ શકે. આ ફિલ્મમાં ‘ગૉડફાધર’ની માફક એક ક્રિમિનલ ફેમિલી અને તેના કારનામાની વાત છે.
નોંધપાત્ર કહેવાય એવી બહુ બધી ફિલ્મો છે. ‘બૉયન્સી’ નામની ઑસ્કરમાં ઑસ્ટ્રેલિયન એન્ટ્રી તરીકે મોકલવામાં આવેલી સત્યઘટનાત્મક
ફિલ્મમાં 14 વર્ષના એક કંબોડિયન છોકરાની વાત છે, જે બાપડો ટ્રાફિકિંગની જાળમાં
સપડાઈ ગયો છે. આ સિવાય વેટિકનના રાજકારણની વાત કરતી ‘ધ ટુ
પોપ્સ’ (ઇટાલિયન), સ્કાર્લેટ જ્હોન્સનને ચમકાવતી ‘મેરેજ સ્ટોરી’, અલગ જ અનુભવ કરાવતી ફ્રેન્ચ એનિમેશન
ફિલ્મ ‘આઇ લોસ્ટ માય બૉડી’ અને બીજી
કેટલીય ફિલ્મો છે. વધારે વાતો ફરી ક્યારેક.
0 0 0
No comments:
Post a Comment