Showing posts with label Vicky Kaushal. Show all posts
Showing posts with label Vicky Kaushal. Show all posts

Tuesday, July 10, 2018

વિકી કૌશલઃ અબ રોક સકો તો રોક લો!


સંદેશ - સંસ્કાર પૂર્તિ - તારીખ 8 July 2018 

મલ્ટિપ્લેક્સ                   

2018માં વિકી કૌશલ એકાએક બોમ્બની જેમ ફાટ્યો છે. બોલિવૂડ હવે જ્યારે નવા નવા વિષયો પર હિંમતભેર ફિલ્મો બનાવી રહ્યું છે ત્યારે વિકી કૌશલ જેવા તગડા અને વર્સેટાઇલ યુવા અભિનેતાનું આ રીતે ઉદય થવું એ બધા માટે ગુડ ન્યુઝ છે.


સાંજ ઢળી ચૂકી છે. વારાણસીના કોઈ ઘાટ પાસે ચારેક જુવાનિયા ખુલ્લામાં દારૂ પીતા બેઠા છે. દૂર બ્રિજ પરથી ટ્રેન પસાર થઈ રહી છે અને એની બારીમાંથી ઝબકતાં પ્રકાશનાં નાનાં નાનાં ધાબાં ધીરે ધીરે સરકી રહ્યાં છે. આ ચારમાંથી દીપક નામના યુવાને પોતાની પ્રેમિકા શાલુની ચિતા થોડા દિવસ પહેલાં જ જલાવી હતી. દીપકના દલિત પરિવારનું કામ જ આ છે - મૃતકોનાં શબની અંતિમ ક્રિયા કરાવી આપવાનું.  શાલુ એના પરિવાર સાથે જાત્રાએ ગઈ હતી. એમની બસનો એક્સિડન્ટ થઈ ગયો. જે મૃતદેહો અંતિમ ક્રિયા માટે લાવવામાં આવ્યાં એમાં એક દેહ શાલુનો પણ હતો. દીપક આઘાતથી મૂઢ થઈ ચુક્યો છે. દોસ્તારો એની ઉદાસી દૂર કરવાની કોશિશ કરી રહ્યા છેઃ કેમ ક્યારનો ચુપ બેઠો છે? કંઈક તો બોલ યાર...

દીપક જાણે કોઈ જ જુદા જ સમતલ પર મૂકાઈ ગયો હોય તેમ એ નશાની હાલતમાં બબડવા લાગે છેઃ 'એને શાયરી બહુ ગમતી... તૂ રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પૂલ સા થરથરાતા હૂં... એ કહેતી, તારી સાથે લગ્ન કરવા ભાગવું પડશેને તો ભાગી નીકળીશ...' 

પીડા ગઠ્ઠો થઈને છાતીમાં ભરાઈ ગઈ છે. એનો કઈ રીતે નિકાલ કરવો એ જુવાનને સમજાતું નથી. એ ચિત્કારી ઉઠે છેઃ

'સાલા યે દુખ કાહે ખતમ નહીં હોતા બે...'

- અને જાણે ભયાનક જોશ સાથે જમા થયેલું પાણી ડેમની દીવાલ તોડીને ધડધડાટ કરતું વહેવા માંડે એમ જુવાન બેફામ આક્રંદ કરી ઉઠે છે. દોસ્તોને સમજાતું નથી કે એને છાનો કેવી રીતે રાખવો. જુવાનના હૃદયભેદક કલ્પાંતથી જાણે બનારસનો આખો ઘાટ રડી ઉઠે છે.

'મસાન' (2015) ફિલ્મનું આ યાદગાર દશ્ય છે. કોઈ પણ જાણીતા સિતારા કે ગ્લેમર વગરની આ ફિલ્મ ખૂબ વખણાઈ હતી. એનું આ અઢી મિનિટનું દશ્ય અને એમાંય દીપક બનતો અદાકાર એટલી જબરદસ્ત ઇમ્પેક્ટ ઊભી કરે છે કે ઓડિટોરિયમમાં બેઠેલો સંવેદનશીલ દર્શક કિરદારની પીડાથી કાંપી ઉઠતો હતો.

એ શામળો, સાધારણ દેખાવનો યુવા અદાકાર એટલે વિકી કૌશલ. તાજેતરમાં 'સંજુ' ફિલ્મને કારણે એ એકાએક બોમ્બની જેમ ફાટ્યો છે. 'સંજુ'માં એ સંજય દત્તનો ગુજરાતી દોસ્તાર બન્યો છે. રણબીર કપૂર અને પરેશ રાવલની સાથે વિકી કૌશલના અભિનયની પણ ભરપૂર - અને બિલકુલ યોગ્ય રીતે - પ્રશંસા થઈ રહી છે.

એક એક્ટર તરીકે વિકી કેટલો મજાનો છે એ તો 'મસાન'થી જ પૂરવાર થઈ ચૂક્યું હતું. નેશનલ અવોર્ડવિનિંગ 'મસાન'ના પેલા યાદગાર દશ્ય વિશે ફિલ્મના લેખક વરૂણ ગ્રોવરે સરસ વાત કહી છે. મૂળ સ્ક્રિપ્ટમાં આ દશ્ય આપણે ફિલ્મમાં જોઈએ છીએ એના કરતાં સાવ જુદી રીતે લખાયેલું હતું.  સ્ક્રિપ્ટમાં એવું હતું કે દીપક પોતાની પ્રેમિકાને યાદ કરતાં કરતાં લાંબો પ્રલાપ કરશે અને અંતમાં 'સાલા યે દુખ કાહે ખતમ કયું નહીં હોતા'  વાક્ય સાથે મોનોલોગ પૂરો કરશે. દીપકે આ સીનમાં રડવાનું હતું જ નહીં. લેખક વરૂણ ગ્રોવર અને ડિરેક્ટર નીરજ ઘેવાન બન્નેએ નક્કી કરેલું કે જુવાનિયો આખી ફિલ્મમાં એક જ વાર રડશે, ફિલ્મના અંતિમ હિસ્સામાં, પોતાની પ્રેમિકાને ભેટમાં આપેલી વીંટી ગંગા નદીમાં પધરાવતી વખતે.

વિકી કૌશલ અસલી જીવનમાં દારૂ પીતો નથી. કમસે કમ, 'મસાન' વખતે તો નહોતો જ પીતો. સામાન્યપણે દારૂ પીવાનાં દશ્યોમાં અદાકારોને શરાબ જેવું દેખાતું શરબત પિરસવામાં આવતું હોય છે, પણ વિકીએ કહ્યું કે ના, આ દશ્ય બહુ જ ઇન્ટેન્સ છે એટલે તમે મને અસલી દારૂ જ આપો, હું મેનેજ કરી લઈશ.



શૂટિંગ શરૂ થયું. વિકીએ લાંબો મોનોલોગ બોલવાનું શરૂ કર્યું. કાગળ પર લખાયેલા શબ્દોને વળગી રહેવાને બદલે એ ઇમ્પ્રોવાઇઝ કરતો ગયો. લગભગ આઠેક મિનિટ સુધી એ બોલતો રહ્યો. યોગાનુયોગ એ જ વખતે દૂર પુલ પરથી ટ્રેન નીકળી એટલે વિકીએ પોતાની રીતે 'તૂ રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પૂલ સા થરથરાતા હૂં' લાઇન વણી લીધી. વિકી આ દશ્યમાં, દીપકના પાત્રની પીડામાં એટલો ઊંડો ઉતરી ગયો હતો કે અંતમાં 'સાલા યે દુખ કાહે ખતમ નહીં હોતા' વાક્ય બોલ્યા પછી અટકી જવાને બદલે એ છાતી ફાડીને રડ્યો. આ કંઈ એણે પહેલેથી વિચારેલું નહોતું. આ સહજપણે, સ્પોન્ટેનિયસલી બની ગયું. એનું હૈયાફાટ રુદન એટલું અસરકારક હતું કે સેટ પર હાજર રહેલા સૌની આંખો ભીંજાઈ ગઈ. માત્ર રાઇટર-ડિરેક્ટર જ નહીં, પણ જેમને સ્ક્રિપ્ટીંગ પ્રોસેસ ખાસ કંઈ લેવાદેવા ન હોય એવા ટેક્નિશીયનોની આંખો પણ છલકાઈ ગઈ.

લેખકને હંમેશાં પોતે લખેલા શબ્દો પ્રત્યે માયા હોવાની. વરૂણ ગ્રોવર ભલે વિકીનું પર્ફોર્મન્સ જોઈને દ્રવી ઉઠ્યા હતા, પણ એમને હજુય એવું જ લાગતું હતું કે આ સીનમાં રુદનની જરૂર જ નથી. જોકે ડિરેક્ટર નીરજ ઘેવાલે કદાચ શૂટિંગ વખતે જ વિચારી લીધું કે વિકીના રુદન માટે ફિલ્મમાં આ જ જગ્યા પરફેક્ટ છે. ફિલમનો ફર્સ્ટ કટ જોયા પછી વરૂણે પણ તે સ્વીકારવું પડ્યું. વરૂણ ગ્રોવરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છેઃ

'હું જ્યારે સ્ક્રિપ્ટ લખી રહ્યો હતો ત્યારે આ સીન મારો મોસ્ટ ફેવરિટ હતો. આજની તારીખે ફિલ્મ જોઉં છું ત્યારે પણ આ સીન મને સૌથી વધારે ગમે છે. રનવે પર પૂરપાટ દોડીને વિમાન જેમ ઉડાન ભરે એમ વિકી કૌશલ પણ આ સીનમાં મેં લખેલાં મૂળ લખાણ પર દોટ મૂકીને પોતાની રીતે આકાશમાં ઉડ્યો છે.'

એક પ્રતિભાશાળી અને બુદ્ધિમાન અદાકારની આ ખાસિયત હોય છે. લેખકે અને ડિરેક્ટરે વિચારેલા-લખેલા-ડિઝાઇન કરેલાં દશ્ય કે સંવાદનું પોતાની રીતે અર્થઘટન કરીને એ એના પર પોતાની સજ્જડ છાપ છોડી દેશે. 'મસાન' માટે વિકી કૌશલને ખૂબ બધા મેલ ડેબ્યુ અવોર્ડઝ મળ્યા. અલબત્ત, સૌથી પહેલાં બિગ સ્ક્રીન પર એની એન્ટ્રી 2012માં થઈ ચુકી હતી, 'લવ શવ તે ચિકન ખુરાના' નામની ફિલ્મમાં એણે ટચુકડો રોલ કર્યો હતો. અનુરાગ કશ્યપની સુપર ફ્લોપ 'બોમ્બે વેલ્વેટ'માં પણ એ પોલીસ ઇન્સપેક્ટરના રોલમાં હતો. 'મસાન'ના આ રોલ માટે મૂળ રાજકુમાર રાવની પસંદગી થઈ હતી, પણ છેલ્લી ઘડીએ ડેટ્સની ગરબડ થતાં એણે ખસી જવું પડ્યું. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એના એક જ મહિના પહેલાં વિકી કૌશલને આ ભુમિકામાં કાસ્ટ કરવામાં આવ્યો. 'મસાન'ના ડિરેક્ટર નીરજ ઘેવાલ સાથે આમ તો વિકીની જૂની દોસ્તી હતી. 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં નીરજ અને વિકી બન્નેએ અનુરાગ કશ્યપના આસિસ્ટન્ડ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

વિકીના પિતા શામ કૌશલ હિન્દી ફિલ્મોના જાણીતા એક્શન ડિરેક્ટર છે. વિકી જોકે કોઈ પણ સાધારણ નોન-ફિલ્મી પરિવારના ફરજંદ જેમ ઉછર્યો છે. સ્કૂલિંગ કર્યા પછી એણે એન્જિનીયરિંગની ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન બ્રાન્ચમાં એડમિશન લીધું હતું, પણ સેકન્ડ યરમાં જ એને બ્રહ્મજ્ઞાન લાધી ગયું કે આપણે ખોટી લાઈનમાં આવી ગયા છીએ. અલબત્ત, એણે ભણતર પૂરું કરીને ડિગ્રી તો મેળવી જ. પછી થિયેટર જોઈન કર્યું, નસીરુદ્દીન શાહ અને માનવ કૌલ સાથે નાટકો કર્યાં, કિશોર નમિત કપૂરનો એક્ટિંગનો કોર્સ કર્યા. ત્યાર બાદ, અગાઉ કહ્યું તેમ, અનુરાગ કશ્યપના આસિસ્ટન્ટ બનીને ફિલ્મમેકિંગનો ફર્સ્ટહેન્ડ એક્સપિરિયન્સ લીધો.  

'મસાન' પછી 2016માં 'ઝુબાન' નામની ફિલ્મમાં વિકીએ એવા યુવાનનો રોલ કર્યો જેને સંગીતથી ડર લાગે છે! આ ફિલ્મ જોકે ફ્લોપ થઈ ગઈ. ત્યાર બાદ આવી અનુરાગ કશ્યપની 'રમન રાઘવ 2.0'. નવાઝુદ્દીન સિદ્દીકી જેવો સુપર એક્ટર મુખ્ય ભુમિકામાં હોવા છતાં પોલીસ ઇન્સપેક્ટરના રોલમાં વિકીએ ધ્યાન જરૂર ખેંચ્યું.

2018નું વર્ષ વિકીને સોલિડ ફળ્યું છે. સૌથી પહેલાં તો 'લવ પર સ્કેવર ફૂટ' નામની રોમેન્ટિક કોમેડી નેટફ્લિક્સ પર ઓનલાઇન રિલીઝ થઈ. અત્યાર સુધી જોનારાઓએ વિકીને ગંભીર ભુમિકાઓમાં જ જોયો હતો, પણ આ હલકીફૂલકી એન્ટરટેનિંગ ફિલ્મમાં વિકીનું એક એક્ટર તરીકેનું નવું જ પાસું જોવા મળ્યું. ત્યાર બાદ આવી, મેઘના ગુલઝાની 'રાઝી'. આલિયા ભટ્ટ બધી વાહવાહી ઉઘરાવી ગઈ હોવા છતાં એના પાકિસ્તાની પતિના રોલમાં વિકી કૌશલના પણ વખાણ થયા.

નેટફ્લિક્સ પર થોડાં અઠવાડિયાં પહેલાં રિલીઝ થયેલી 'લસ્ટ સ્ટોરીઝ'માં કરણ જોહરવાળી વાર્તામાં વિકીએ પત્નીની શારીરિક જરૂરિયાત ન સમજી શકતા બાઘ્ઘા પતિનો રોલ પણ કેટલો સરસ રીતે ભજવ્યો છે. 'સંજુ' પછી સપ્ટેમ્બરમાં હવે 'મનમર્ઝિયાં' નામની ફિલ્મ આવશે. અનુરાગ કશ્યપનું ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વિકી-અભિષેક બચ્ચન-તાપસી પન્નુ વચ્ચે લવ-ટ્રાયેન્ગલ છે. હાલ વિકી ઉડી અટેક પર આધારિત 'ઉડી' નામની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આમાં એ ડુપ્લિકેટની મદદ લીધા વિના અસલી સ્ટંટ્સ કરવાનો છે.

ટૂંકમાં, 2018માં ઓડિયન્સ એકાએક વિકી કૌશલ નામના આ 29 વર્ષના એક્ટરને જુદા જુદા અવતારમાં જોઈ રહ્યું છે અને એની પ્રતિભાથી તેમજ અભિનયની રેન્જથી પ્રભાવિત થઈ રહ્યું છે. બોલિવૂડ હવે જ્યારે નવા નવા વિષયો પર હિંમતભેર ફિલ્મો બનાવી રહ્યું છે ત્યારે વિકી કૌશલ જેવા તગડા અને વર્સેટાઇલ એક્ટરનું આ રીતે ઉદય થવું એ બધા માટે ગુડ ન્યુઝ છે. વિકીની ગાડી હવે સ્પીડ પકડી ચુકી છે. અબ રોક સકો તો રોક લો!     


 000