Showing posts with label Gulzar. Show all posts
Showing posts with label Gulzar. Show all posts

Tuesday, April 5, 2016

ટેક ઓફ: એક દિન તુઝસે મિલને જરૂર આઉંગા...જિંદગી મુઝકો તેરા પતા ચાહિએ

Sandesh - Ardh Saptahik Purti - 6 April 2016
ટેક ઓફ 

શું મેળવી લીધું આપણે, આપણે એકમેકનો સાથ છોડીને? શું બંને સુખી-સુખી થઈ ગયા એકબીજા વગર? ના. દુશ્મનીની પણ હદ હોય છે. આપણે શું કામ એકબીજાને ધિક્કારીને શક્તિ અને જીવન વેડફી રહ્યાં છીએ?


મારા પર અમુક લોકોનો સૌથી વધુ પ્રભાવ છે, દરજ્જેદાર ફિલ્મમેકર અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ કહે છે, એમાં ડો. બશીર બદ્ર મુખ્ય છે. આ ૮૧ વર્ષીય ગઝલકાર અને કવિ આધુનિક ગઝલના સમાનાર્થી ગણાય છે. વિશાલ ભારદ્વાજ કહે છે કે, જ્યારે પણ હું હતાશ હોઉં કે વિષાદ અનુભવતો હોઉં ત્યારે ડો.બશીર બદ્રનું કોઈપણ પુસ્તક-ઊંચકી રેન્ડમલી વાંચવા લાગું છું અને દર વખતે અચૂકપણે મારી મૂંઝવણનો ઉકેલ ડો.બશીર બદ્રની કોઈ રચનામાંથી મળી જાય છે! અગાઉ કેટલીયવાર આ સઘળી ગઝલો વાંચી હોય, પણ દર વખતે એમાંથી નવા નવા અર્થ  સ્ફૂટ થતા હોય એવું લાગે. વિશાલ ભારદ્વાજના ક્રિયેટિવ કંપેનિયન ગુલઝાર કહે છે, 'ઉનકી ગઝલ કા શેર સિર્ફ એક ખ્યાલ નહીં રહ જાતા, હાદસા ભી બન જાતા હૈ,અફસાના ભી. મૈં ડો. બશીર બદ્ર કા બહુત બડા ફેન હૂં.' 
ગુલઝારસાહેબ જેવા ગુલઝારસાહેબ જેના ખૂબ મોટા ફેન છે એવા ડો. બશીર બદ્રનું નામ લોકજીભે એટલું ચડયું નથી જેટલું ચડવું જોઈતું હતું. ખાસ કરીને નોન-હિન્દી બેલ્ટ્સમાં. આ વાતનો વિશાલ ભારદ્વાજને અફસોસ છે, જે વાજબી પણ છે. આજે આપણે ડો. બશીર બદ્રની કેટલીક ચુનંદી રચનાઓથી પસાર થવું છે. એમની ગઝલોમાં જીવનના કંઈકેટલાય રંગો ઊઘડે છે. એમાંના કેટલાંક રંગોમાં આજે નહાવું છે. 

Dr. Bashir Badr

બદ્રસાહેબ કહે છે- 
લોગ ટૂટ જાતે હૈં એક ઘર બનાને મેં. 
તુમ તરસ નહીં ખાતે બસ્તિયાં જલાને મેં. 
હર ધડકતે પથ્થર કો લોગ દિલ સમજતેં હૈં 
ઉમ્ર બીત જાતી હૈ દિલ કો દિલ બનાને મેં. 
જેને પોતાનું કહી શકાય એવું ઘર ઊભું કરવામાં કે હર્યોભર્યો, સાચુકલો સંબંધ વિકસાવવામાં ક્યારેક આખી જિંદગી નીકળી જતી હોય છે. રમખાણો ફાટી નીકળ્યા હોય કે, ગમે તેવી કટોકટી ઊભી થઈ હોય, પેલા નિર્દયી લોકો ઘરોની આખેઆખી વસાહતને સળગાવી નાંખે છે? શહેરમાં પોતાનાં માથા ઉપર છત હોવી મોટી વાત છે. ક્યારેક સ્થિતિ એટલી દયનીય હોય છે કે- 
ઝિંદગી તૂને મુઝે કબ્ર સે કમ દી હૈ જમીં 
પાંવ ફેલાઉં તો દીવાર મેં સર લગતા હૈ. 
જે જમીનનો ટુકડો મારા ભાગે આવ્યો છે, એ તો કબર કરતાંય નાનો છે. કબરમાં કમસે કમ પગ તો સીધા રાખી શકાય છે, જ્યારે અહીં તો પગ લંબાવવા જાઉં તો માથું દીવાલ સાથે અથડાય છે! જગ્યા પણ એવી ને ઓઢવાનું પણ એવું. કાં પગ ઢાંકી શકાય છે,કાં માથું. 
જિંદગી ઈક ફકીર કી ચાદર 

જબ ઢંકે પાંવ હમને, સર નિકલા. 

એક સાંધો ત્યાં તેર તૂટે. આખી જિંદગી ક્યારેક ફકીરની ચાદર જેવી હોય છે. અસ્તિત્વને ટકાવી રાખવાનો સંઘર્ષ કારમો છે. આખો દિવસ ઊંધું ઘાલીને મહેનત કરીએ ત્યારે માંડ બે છેડા ભેગા થાય છે. 
શામ તક કિતને હાથોં મેં ગુઝરુંગા મૈં 
ચાયખાનોં મેં ઉર્દૂ કે અખબાર-સા. 
સાંજ પડતાં સુધીમાં તો માણસની હાલત ડૂચા જેવી જેવી થઈ જાય છે. કોઈ રોડસાઈડ રેસ્ટોરામાં એક છાપું આખા દિવસ દરમ્યાન કેટલાંય ઘરાકના હાથમાં ફરીને ડૂચો થઈ જાય છે, એમ જ! બદ્રસાહેબ આ જ પ્રકારનાં અન્ય ખૂબસૂરત શબ્દચિત્રો ઊપસાવે છે. જુઓ- 
બાદલ થે કમરે મેં બિખરે પડે 
બિસ્તર પર લેટી થી થકી હુઈ શામેં. 
થકે-થકે પૈડલ કે બીચ સૂરજ 
ઘર કી તરફ લૌટી દફતર કી શામ. 
બિસ્તર પર આડી પડેલી થાકેલીપાકેલી સાંજ. સાયકલ પર સવાર થઈને ઘર તરફ આવી રહેલી ઓફિસની થાકેલી સાંજ! કામ પૂરું થઈ ગયું હોય તોય સાંજે ઘેર જવાને બદલે બહાર દોસ્તો સાથે સમય વીતાવવાનું પસંદ કરતા લોકોની પણ કયાં કમી છે? ઘરે પ્રતીક્ષા કરી રહેલું સ્વજન કહે છે. 


યૂં હી બસબબ ન ફિરા કરો, કોઈ શામ ઘર ભી રહા કરો 
વો ગઝલ કી સચ્ચી કિતાબ હૈ, ઉસે ચૂપકે-ચૂપકે પઢા કરો. 
મુઝે ઈશ્તિહાર-સી લગતી હૈ, યે મોહબ્બતોં કી કહાનિયાં, 
જો કહા નહીં વો સુના કરો, જો સુના નહીં વો કહા કરો. 
બેસબબ એટલે અકારણ. ઈશ્તિહાર એટલે જાહેરખબર. સંબંધની માવજત કરવી પડે છે. સતત. જો વાતચીત બંધ થઈ જશે,કમ્યુનિકેશન નહીં રહે તો પ્રેમને વરાળ બનીને ઊડી જતા વાર નહીં લાગે. પ્રેમની વાતો પછી વિજ્ઞાાપન જેવી બનાવટી લાગવા માંડશે. અમુક વાત કદાચ હું બોલીને કમ્યુનિકેટ નહીં કરી શકું. પણ આવી ન બોલાયેલી મારી વાતોને તું સમજી લે...અને અમુક વાત હું તારા મોઢે સાંભળવા માગું છું, એ બોલવામાં તું મોડું ન કર!  
કમનસીબે ક્યારેક ખરેખર ખૂબ મોડું થઈ જતું હોય છે. ક્યારેક ઘરનાઓને માણસની ગેરહાજરીની ટેવ પડી જાય છે. એટલે જ. 
બેવકત અગર આઉંગા સબ ચૌંક પડેંગે 
ઈક ઉમ્ર હુઈ દિન મેં કભી ઘર નહીં દેખા. 
હૃદયથી હૃદયનો મેળ ન રહે અને આત્મીયતા ભૂતકાળ બની જાય, ત્યારે પ્રિયજન પારકું લાગવા માંડે. આવી સ્થિતિમાં ઉપરવાળાને ફકત ફરિયાદ થઈ શકે. 
તમામ રિશ્તેં કો મૈં ઘર પે છોડ આયા થા 
ફિર ઉસકે બાદ મૂઝે કોઈ અજનબી ન મિલા. 
ખુદા તેરી ઈતની બડી કાયનાત મેં મૈંને 
બસ એક હી શખ્સ માંગા, મુઝે વહી ન મિલા. 
હે ઈશ્વર, દુનિયાની કરોડો-અબજોની વસ્તીમાંથી મેં એક જ પ્રિયજન માગ્યો હતો. એક જ સાચો સંબંધ જે જીવનના અંત સુધી ટકી રહે, લીલોછમ્મ રહે. તું એ પણ મને આપી ન શક્યો? કેમ આવું બન્યું? કેમ અમારો સંબંધ હર્યોભર્યો ન રહી શક્યો? કેમ એકમેકનો હાથ છોડી દેવો પડયો? એવી તે કેવી મજબૂરી હતી?  
તુમ ભી મજબૂર હો, હમ ભી મજબૂર હૈં 
બેવફા કૌન હૈ, બાવફા કૌન હૈ. 
બાવફા એટલે વચન નિભાવનાર, બેવફાનું વિરુદ્ધાર્થી . આપણા બેમાંથી કોને બેવફા કહીશું? તને કે મને? આપણા બેમાંથી કોણે વચન નિભાવ્યું? તેં કે મેં?  
ઉન્હીં રાસ્તોં ને જિન પર કભી તુમ થે સાથ મેરે 
મુઝે રોક-રોક પૂછા- તેરા હમસફર કહાં હૈ. 
હવે રસ્તાઓ મને પૂછે છે કે અરે, તારો હાથ પકડીને ચાલતી હતી એ વ્યક્તિ, એ હમસફર કયાં છે?  
દેને વાલે ને દિયા સબકુછ અલગ અંદાજ મેં  
સામને દુનિયા પડી હૈ ઔર ઉઠા સકતે નહીં. 
વક્રતા જો. ઉપરવાળાએ બધું જ આપી દીધું, પણ હવે એનો શો મતલબ છે? કોની સાથે શેર કરું આ બધું? કહેવાતી સફળતા અને ભૌતિક-સમૃદ્ધિની પાછળ મેં એવી દોટ મૂકી કે મારાં મૂળ સપનાં તો કયાંય દફન થઈ ગયાં. 
ખ્વાબ જિસ દિલ મેં રહા કરતે થે કબ કા મર ચૂકા 
કિસકા દરવાજા યે બચ્ચે ખટખટાને આયે હૈં. 
આજ હમ સબ એક બેહતર ઝિંદગી કી દૌંડ મેં. 
કૈસે કૈસે ખ્વાબ કબ્રોં મેં સુલાને આએ હૈ. 
સમાજમાં મોટું નામ કરવું હતું. કરી લીધું. કીર્તિ મેળવવી હતી. મેળવી લીધી પછી શું? કીર્તિ હાંસલ કરવાની આખી એકસરસાઈઝ કેટલી અર્થહીન છે તે મને સમજાઈ ચૂકયું છે. 
શોહરત કી બુલંદી ભી પલ ભર કા તમાશા હૈ 
જિસ ડાલ પૈ બૈઠે હો વો ભી ટૂટ સકતી હૈ. 
સંબંધ તૂટે તેની સાથે બીજું ઘણું બધું તૂટતું હોય છે. ભ્રમ માંગી જતા હોય છે. એકલા પડયા પછી જીવનમાં બીજી વ્યક્તિ આવતી હોય છે, પણ- 
સબ નઝર કા ફરેબ હૈ વરના 
કોઈ હોતા નહીં કિસી કી તરહ. 
જાનતા હૂં હિ એક દિન મુઝકો. 
વો બદલ દેગા ડાયરી કી તરહ. 
ડાયરી બદલાય એમ સંબંધો બદલાય છે. સંબંધો તો હજુ બંધાય છે, પણ ઊંડી અપેક્ષા વગર. 
મૈં ઈસ ખ્યાલ સે ઉસકે કરીબ આયા થા 
કિ દૂસરોં કી તરહ વો ભી બેવફા હોગા. 
ખબર હોય કે દગાબાજી થવાની છે, માનસિક રીતે તૈયાર પણ હોઈએ, છતાંય જ્યારે તે ક્ષણ આવે છે ત્યારે પીડા જરૂર થાય છે. ઘા પર ઘા થતા રહે છે. વ્યક્તિત્વ બહારથી સખત બનતું જાય છે, એક ડિફેન્સ મિકેનિઝમ તરીકે. પણ દિલ ભીતરથી એટલું જ કોમળ છે જેટલું પહેલાં હતું એટલે જ. 
દે તસલ્લી કોઈ તો આંખ છલક ઉઠતી હૈ
કોઈ સમઝાયે તો દિલ ઔર ભી ભર આતા હૈ
મૂળ પ્રિયજન સાથેનો સંબંધ ભૂતકાળ બની ગયો. વર્ષો વીતી ગયાં. હવે ધારો કે એ વ્યક્તિ સાથે ફરી આમનોસામનો થાય તો? 
મૈં ઉસકો પહચાન નહીં પાયા તો ક્યા
યાદ ઉસે ભી આયા મેરા નામ કહાં.
એક સમયે જેને ખૂબ પ્રેમ કર્યો હતો એનું નામ પણ યાદ ન આવે એ તો આત્યંતિક સ્થિતિ થઈ. શક્ય છે કે તારી સાથે નવેસરથી ભેટો થવામાં વધારે વાર ન પણ લાગે. 


મુસાફિર હૈં હમ ભી મુસાફિર તુમ ભી
કિસી મોડ પર ફિર મુલાકાત હોગી.
તું ફરી મળીશ ત્યારે પ્રેમથી મળીશ, કડવાશ વગર મળીશ, પણ હા, એટલું જરૂર પૂછીશ કે- 
મેરે સાથ ચલને વાલે તુઝે કયા મિલા સફર મેં
વહી દુઃખ કી જમી હૈ વહી ગમ કા આસમાં હૈ.
શું મેળવી લીધું આપણે, આપણે એકમેકનો સાથ છોડીને? શું બંને સુખી-સુખી થઈ ગયા એકબીજા વગર? ના. દુશ્મનીની પણ હદ હોય છે. આપણે શું કામ એકબીજાને ધિક્કારીને શક્તિ અને જીવન વેડફી રહ્યાં છીએ? 
દુશ્મની જમ કર કરો લેકિન યુ ગુંજાઈશ રહે
જબ કભી હમ દોસ્ત હો જાએં તો શર્મિંન્દા ન હોં.
દુશ્મની કા સફર ઈક કદમ દો કદમ
તુમ ભી થક જાઓંગે હમ ભી થક જાયેંગે.
દુશ્મની થકવી નાંખે છે. પ્રેમ જીવંત રાખે છે...અને પ્રેમમય હોવું એ જ જીવન જીવવાની આદર્શ રીત છે! તેથી જ ડો.બશીર બદ્ર કહે છે- 
એક દિન તુઝસે મિલને જરૂર આઉંગા

જિંદગી મુઝકો તેરા પતા ચાહિએ ?
0 0 0 

Tuesday, June 25, 2013

ટેક ઓફ : જ્યારે કાચની બારી પર વરસાદ આંગળીનાં ટેરવાંથી સંદેશા લખી જતો હતો....


Sandesh - Ardh Saptahik Purti - 26 June 2013

Column: ટેક ઓફ 

પ્રેમનો અભાવ અને આત્મીયતાની ગેરહાજરી ભયાનક એકલતા જન્માવી દે છે. કદાચ જીવી શકાય છે આ અભાવો વચ્ચે. જીવી જવું પડે છે સમાધાનો કરીને, મનને ફોસલાવીને, અપેક્ષાઓને ઠારીને, ઊર્મિઓને બાળીને.



ચોમાસું કેવળ રોમાન્સની ઋતુ છે? વરસતા વરસાદને કારણે આપણાં મસ્તિષ્કમાં ફક્ત 'હેપી હોર્મોન્સ' જ સતેજ થાય છે? કે પછી, આ મોસમમાં એવા 'કેમિકલ લોચા' પેદા થઈ જાય છે જેના લીધે વિષાદ તીવ્રથી તીવ્રતર બનતો જાય છે? કદાચ આ બન્ને વિકલ્પો સાચા છે. આ બન્ને સ્થિતિઓ આપણા મનોભાવ પ્રમાણે આકાર બદલાવ્યા કરે છે.
ગુલઝારે એક ખૂબસૂરત કવિતા લખી છે, જેમાંથી વરસાદનાં ટીપાંની સાથે વિષાદ અને એકલતા પણ ટપકે છે. તાજેતરમાં મૃત્યુ પામેલા સત્ત્વશીલ બંગાળી ફિલ્મમેકર ઋતુપર્ણા ઘોષે પોતાની હિન્દી ફિલ્મ 'રેઇનકોટ'માં આ કવિતાનો અસરકારક ઉપયોગ કર્યો હતો. વરસાદી દિવસ છે. પરિણીત નાયિકાના ઘરે એનો ભૂતપૂર્વ પ્રેમી આવી ચડયો છે. નાયિકા દુખિયારી છે, નાયક પણ ઉદાસ છે. હવામાં તૂટી ગયેલા, અધૂરા રહી ગયેલા પ્રેમસંબંધના અવશેષોનો ભાર છે. બેકગ્રાઉન્ડમાં ગુલઝારના ખુદના મખમલી મર્દાના અવાજમાં આ કવિતા રેલાતી રહે છે.
કિસી મૌસમ કા ઝોંકા થા,
જો એક દીવાર પર લટકી હુઈ
તસવીર તીરછી કર ગયા થા.
ગયે સાવન મેં યે દીવારેં યૂં સીલી નહીં થી,
ન જાને ક્યોં ઈસ દફા ઇન મેં સીલન આ ગઈ હૈ.
દરારેં પડ ગઈ હૈ,
ઔર સીલન ઇસ તરહ બઢતી હૈ જૈસે,
ખુશ્ક રુખસારોં પે ગીલે આંસુ ચલતે હૈં.

દીવાલ પર એક તસવીર લટકી રહી છે, જે હવાને કારણે ત્રાંસી થઈ ગઈ છે. વરસાદના પાણીને કારણે દીવાલોને ભેજ લાગી ગયો છે. એના પર ધાબાં દેખાય છે. કવિ પૂછે છે કે ગયા વરસે તો દીવાલો ઠીકઠાક હતી, તો પછી આ વખતે કેમ તિરાડો પડી ગઈ?કેમ એના પર ભીનાશ છવાઈ ગઈ? આ ભેજ પાછો વધતો જાય છે. ધાબાં મોટાં થતાં જાય છે. કેવી છે દીવાલની ભીનાશ? સુક્કા ચહેરા પર આંસુ રેલાયાં હોય એવી. મન ઉદાસ હોય ત્યારે વીતેલા સમયનું સુખ યાદ આવ્યા કરે છે. અલબત્ત, આ સ્મરણ દર વખતે હોઠ પર સ્મિત નથી લાવતું, એ શૂળ બનીને ચુભ્યા કરે છે મનને. ખરેખર, ગયા ચોમાસાની વાત જ અલગ હતી, કારણ કે ગઈ મોસમમાં તો...
યે બારિશ ગુનગુનાતી થી ઇસ છત કી મુંડેરોં પર,
યે ઘર કી ખિડકિયોં કે કાચ પર ઉંગલી સે
લિખે જાતે થે સંદેશે.



 કેટલી સુંદર કલ્પના. ગયા વર્ષે વરસાદ મીઠું મીઠું ગણગણતો હોય તેમ અગાસીની પાળી પર ઝીણું ઝીણું વરસ્યા કરતો હતો અને કાચની બારી પર આંગળીનાં ટેરવાંથી સંદેશા પણ લખી જતો હતો... અને હવે?
ગિરતી રહતી હૈ બારિશ બૈઠી હુઈ અબ બંદ રોશનદાનોં કે પીછે,
દોપહરેં ઐસી લગતી હૈ,
બિના મુહરોં કે ખાલી ખાને રખે હૈં.
ના કોઈ ખેલને વાલા હૈ બાઝી,
ઔર ના કોઈ ચાલ ચલતા હૈ.

આ વખતે છે તો કેવળ ખાલીપો. ક્યારેય ન ખૂલતી બારીઓની પાછળ વરસાદ એકલો એકલો વરસ્યા કરે છે. નથી કોઈ સ્પંદનો જાગતાં, નથી કોઈ ચેતના પ્રગટતી. રોજ ચોપાટની ખાલી બાજી જેવી અર્થહીન બપોર ઊગે છે. માત્ર બપોર નહીં, બધું જ અર્થહીન અને ઉષ્માહીન બની ગયું છે. સાર્થકતાની સભર લાગણી વગર, પ્રિયજનની હૂંફ વગર જીવન કેટલું ભેંકાર બની જાય. વધારે પીડાદાયી વાસ્તવ ત્યારે સર્જાય છે જ્યારે ઘરમાં પોતાનું માણસ હોય, પણ પ્રિયજન કે સ્વજન બની શકવાની એનામાં ક્ષમતા ન હોય. એની સાથે કોઈ સંવાદ થઈ શકતો ન હોય, એની સાથે કોઈ સંધાન શક્ય ન હોય. એટલેસ્તો હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે...
ના દિન હોતા હૈ અબ ના રાત હોતી હૈ,
સબ કુછ રુક ગયા હૈ.
વો ક્યા મૌસમ કા ઝોંકા થા?
જો ઇસ દીવાર પર લટકી હુઈ તસવીર
તીરછી કર ગયા હૈ?

હવે દિવસ ઊગતો નથી, રાત પડતી નથી. બધું જ સ્થગિત થઈ ગયું છે. જીવન એક બિંદુ પર અટકી ગયું છે. ખુદનું હોવાપણું પણ. ગુલઝાર સાશંક થઈને છેલ્લે પ્રશ્ન પૂછી લે છેઃ શું દીવાલ પરની પેલી તસવીર સાચ્ચે જ ખરેખર પવનની લહેરખીને કારણે ત્રાંસી થઈ ગઈ છે? ખરેખર? કે પછી...


પોતાના સંતુલનબિંદુ પરથી હલી ગયેલી તસવીર જીવનનું પ્રતીક છે. આ મઢાવેલા ફોટોગ્રાફની જેમ જિંદગી પણ પોતાની સ્વાભાવિક ભ્રમણકક્ષામાંથી ચલિત થઈ ગઈ છે. પ્રેમનો અભાવ અને આત્મીયતાની ગેરહાજરી ભયાનક એકલતા જન્માવી દે છે. કદાચ જીવી શકાય છે આ અભાવો વચ્ચે. જીવી જવું પડે છે. સમાધાનો કરીને, મનને ફોસલાવીને, અપેક્ષાઓને ઠારીને, ઊર્મિઓને બાળીને. સમયના પ્રવાહમાં જીવનને વહેતું મૂકી દેવું પડે છે. વર્તમાન અને વાસ્તવ સાથે દોસ્તી કરી લેવી પડે છે, પણ અચાનક આકાશમાંથી પાણીની ધારાઓ છૂટે છે અને જેને માંડ માંડ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા એ મન પાછું ઉદાસ થઈ જાય છે. વરસાદી મોસમ જીવનમાં જે કંઈ નથી એનો અહેસાસ તીવ્ર બનાવી મૂકે છે.
ચોમાસું આ વખતે શું લાવ્યું તમારા માટે? વરસતો રોમાન્સ કે વીંધી નાખતો વિષાદ?    

0 0 0

Saturday, June 1, 2013

મલ્ટિપ્લેક્સ : ટુ મણિસર વિથ લવ


Sandesh - Sanskar Purti - 2 June 2013
મલ્ટિપ્લેક્સ 

હોલિવૂડની નકલ કર્યા વિના, ગીત-સંગીત-ડાન્સ જેવાં ભારતીયોને સ્પર્શતાં તત્ત્વોને અકબંધ રાખીને અને ટેકનિકલ ઊંચાઈ હાંસલ કરીને અદ્ભુત ફિલ્મો કેવી રીતે બનાવી શકાય એ મણિ રત્નમે્ ફિલ્મમેકરોની એક આખી પેઢીને શીખવ્યું છે

મણિ રત્નમ્નો આજે હેપી બર્થ ડે છે. આજે એમણે ૫૭ વર્ષ પૂરાં કર્યાં. સિનેમાના રસિયાઓને મણિ રત્નમ્ એટલે કોણ એ સમજાવવાનું ન હોય. હિન્દી ફિલ્મ જોતાં દર્શકોને મણિ રત્નમ્નાં નામ અને કામથી સૌથી પહેલો પરિચય ૧૯૯૨માં રિલીઝ થયેલી 'રોજા' નામની ડબ્ડ ફિલ્મથી થયો. આપણને ચકિત કરી નાખ્યા હતા આ ફિલ્મે. શું સ્ટોરીટેલિંગ!, શું વિઝ્યુઅલ્સ!, શું સંગીત! ત્યાર બાદ એક પછી એક ફિલ્મો આવતી ગઈ - 'બોમ્બે', 'દિલ સે','સાથિયા', 'યુવા', 'ગુરુ', 'રાવણ'. આ તો કેવળ હિન્દી ઓડિયન્સે જોયેલી ફિલ્મો થઈ. દક્ષિણ ભારતીય ભાષાઓમાં બનેલી ફિલ્મોને ગણતરીમાં લઈએ તો અત્યાર સુધીની મણિ રત્નમે્ કુલ ૩૧ ફિલ્મો બનાવી. ૩૦ વર્ષની કરિયરમાં ૩૧ ફિલ્મો.


બારદ્વાજ રંગન નામના નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ક્રિટિક અને પત્રકારે મણિ રત્નમ્ની પ્રલંબ મુલાકાતો લઈને એક અફલાતૂન પુસ્તક લખ્યું  છે - 'કન્વર્સેશન્સ વિથ મણિ રત્નમ્'. મણિસરની છાપ આમ તો ઓછાબોલા માણસ તરીકેની છે, પણ આ પુસ્તક માટે એમણે મન મૂકીને પોતાની ફિલ્મો વિશે વાતો કરી છે. પ્રસ્તાવના એ.આર. રહેમાને લખી છે. આપણા માટે 'રોજા' ખરેખર તો ડબલ બોનાન્ઝા જેવી પુરવાર થઈ હતી, કારણ કે આ ફિલ્મ થકી પેન-ઇન્ડિયન ઓડિયન્સને મણિ રત્નમ્ ઉપરાંત એ. આર. રહેમાન નામની એક ઔર સુપર ટેલેન્ટ પણ મળી હતી.

રહેમાનની આ સૌથી પહેલી ફિલ્મ 'રોજા'નાં ગીતો બનાવ્યાં ત્યારે એમની ઉંમર માંડ ૨૬ વર્ષ હતી. અગાઉ તેમણે જિંગલ્સ બનાવ્યાં હતાં અને ડોક્યુમેન્ટરી ફિલ્મો માટે સંગીત તૈયાર કર્યું હતું. અત્યાર સુધી મણિ રત્નમ્ની બધી ફિલ્મોમાં લેજેન્ડ ગણાતા ઇલિયારાજાએ સંગીત આપ્યું હતું. આ વખતે પહેલી વાર તેઓ બીજા કોઈ સંગીતકારને ટ્રાય કરી રહ્યા હતા. રહેમાન જેવા નવાનિશાળિયા માટે 'રોજા' બહુ મોટો બ્રેક હતો. 'પણ મારે બહુ હરખાઈ જવું નહોતું કે જેથી મારાં ગીતો નાપાસ કરીને મણિસર બીજા કોઈ મ્યુઝિક કમ્પોઝર પાસે જતાં રહે તો બહુ દુઃખી ન થવું પડે,' રહેમાન કહે છે, 'હું રિજેક્શન માટે પૂરેપૂરો તૈયાર હતો.'
Mani Ratnam with A.R. Rehman

સદ્ભાગ્યે એવું ન થયું. બન્નેની ક્રિએટિવ એનર્જી ગજબનાક પરિણામ લાવી. 'રોજા' થકી રહેમાન ફિલ્મસંગીતના ક્ષેત્રમાં બોમ્બની જેમ ફાટયા. પછી જે થયં તે ઇતિહાસ છે. રહેમાને લગભગ 'ગજિની' સુધીની પોતાની તમામ ફિલ્મોનાં ગીતો ફાઇનલાઇઝ કરતાં પહેલાં મણિસરને મોકલ્યાં છે. એક શિષ્ય પોતાના ગુરુ પાસે પોતાની કૃતિ મોકલતો હોય એમ. એ ગીતો અન્ય ફિલ્મમેકરો માટે બનાવ્યાં હોય તોપણ મણિ રત્નમ્ ધ્યાનથી ગીતો સાંભળે,પોતાનો અભિપ્રાય આપે. 'આવું સરસ ગીત તેં મને કેમ ન આપ્યું?' કહીને મીઠી મજાક કરે અથવા તો 'નહીં, આ ગીત જામતું નથી, તું વધારે સરસ કરી શકે એમ છે' એવી ટિપ્પણી કરીને આને બદલે આ ટ્રાય કર, પેલું ટ્રાય કર એમ કહીને સૂચનો કરે. મણિ રત્નમ્ સાથે કામ કરતાં કરતાં રહેમાન ઘણી નવી વાતો શીખતા જતા હતા. જેમ કે,આ બન્ને એક વાતે સહમત થયા હતા કે 'બોમ્બે' ફિલ્મમાં 'હમ્મા હમ્મા' પ્રકારનું જોશીલું ગીત ઉમેરવું જ પડશે, કેમ કે તો જ 'કહના હૈ ક્યા' જેવું સંવેદનશીલ ગીતને સંતુલન મળશે. ગીતોમાં વેરાઇટી હોય, જુદા જુદા શેડ્ઝનાં કમ્પોઝિશન્સ હોય તો જ આલબમ વધારે વેચાય.


'દિલ સે'માં મણિ રત્નમે્ ઔર એક ક્રિએટિવ ટેલેન્ટ સાથે કામ કર્યું - ગુલઝાર. આ વખતે મણિ રત્નમ્ પહેલી વાર ફિલ્મ સીધી હિન્દીમાં શૂટ કરી રહ્યા હતા. સંવાદો તમિલમાં લખાયા હતા. એનું વાયા અંગ્રેજી થઈને હિન્દીમાં અનુવાદ થતો. હિન્દીકરણ કરવાનું કામ કરનાર ઉત્સાહી યુવાનનું નામ હતું, તિગ્માંશુ ધુલિયા! 'રોજા' અને 'બોમ્બે'ની જેમ 'દિલ સે'નાં ગીતો પણ આપણાં ફેવરિટ છે. મણિરત્નમ્નું આ પર્સનલ ફેવરિટ આલબમ છે. 'તૂ હી તૂ સતરંગી રે' ગીત તૈયાર કરતી વખતે તેમણે સાંજે રહેમાનને પ્રેમના સાત તબક્કા વિશે વાત કરી. સવારે ધૂન રેડી હતી! ગુલઝાર પણ ચેન્નાઈમાં જ ડેરા-તંબુ તાણીને બેસી ગયા હતા. એમણે ટયૂન પરથી ગીતના શબ્દો લખ્યા. ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિઓ વચ્ચે કેમિસ્ટ્રી જામે એટલે જાદુ થવાનો જ.

મણિ રત્નમ્ને હિન્દીના આજની તારીખેય ફાંફાં છે, પણ ફિલ્મો બનાવતી વખતે અપરિચિત ભાષા ક્યારેય અંતરાય બનતી નથી. તમિલભાષી મણિ રત્નમ્ની પહેલી જ ફિલ્મ 'પલ્લવી અનુ પલ્લવી' કન્નડમાં હતી, જેણે એવોડ્ર્સ જીત્યા. 'દિલ સે' વખતે પોતાને એક્ઝેક્ટલી શું જોઈએ છે તે ગુલઝાર સાથે વ્યવસ્થિત રીતે કમ્યુનિકેટ કરી લેતા હતા. જેમ કે, ફિલ્મમાં વિસ્ફોટક માહોલમાં એક લવસોંગ આવે છે. મણિ રત્નમ્ ઇચ્છતા હતા કે ગીતમાં પ્રેમની વાત ભલે હોય, પણ તે સીધેસીધી ન આવવી જોઈએ. ગીતની પેટર્ન સહેજ અસુરેખ અને એબ્સટ્રેક્ટ હોવી જોઈએ. ભારતીયાર નામના એક રાષ્ટ્રવાદી તમિલ કવિ છે. મણિરત્નમે્ એમની કેટલીક કવિતાઓનો હિન્દી-અંગ્રેજીમાં અનુવાદ કરીને ગુલઝારને સંભળાવ્યો અને કહ્યું કે મારે આવું કશુંક જોઈએ છે. ગુલઝારસાહેબે પછી ગીત લખ્યું અને રહેમાને તે કમ્પોઝ કર્યું. આ ગીત એટલે 'દિલ સે રે... દિલ સે રે'.
રહેમાને લતા મંગેશકર પાસે એક સરસ ગીત ગવડાવ્યું - 'જિયા જલે', જે પ્રીતિ ઝિન્ટા પર ફિલ્માવાયું. આખી 'દિલ સે' ફિલ્મમાં હળવું સેક્સ્યુઅલ એલિમેન્ટ આ એક જ ગીતમાં આવે છે. શબ્દો આમ તો સીધાસાદા છે, પણ રહેમાને આ હિન્દી ગીતમાં મલયાલમ કોરસ ઉમેરી દીધું. તેને લીધે ગીત અનકન્વેન્શનલ અને 'હટકે' બની ગયું. 'દિલ સે'નું સૌથી પહેલું રેકોર્ડ થયેલું ગીત જોકે 'છૈયા છૈયા' હતું, જે એની ટયૂન, શબ્દો અને વિઝ્યુઅલ્સ ત્રણેયને કારણે યાદગાર બની ગયું છે.

મણિરત્નમ્ની છેલ્લી અભિષેક-ઐશ્વર્યાવાળી હિન્દી ફિલ્મ 'રાવણ' ખાસ જામી નહોતી. એમની આગામી હિન્દી ફિલ્મ વિશે જુદી જુદી વાતો સંભળાય છે. એક રિપોર્ટ એવો છે કે એમની હવે પછીની ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત હશે અને 'રંગ દે બસંતી'ના લેખક રેન્સિલ ડી સિલ્વા તે ઓલરેડી લખી રહ્યા છે. બીજી વાત એવી છે કે મણિરત્નમ્ની નેક્સ્ટ હિન્દી ફિલ્મ એકતા કપૂર પ્રોડયુસ કરવાની છે. ખેર, નવી હિન્દી ફિલ્મ આવે ત્યારે ખરી. દરમિયાન મણિસરની સાઉથ ઇન્ડિયન ફિલ્મો સબટાઇલ્સના સહારે ડીવીડી પર માણવા જેવી છે.

શો-સ્ટોપર

લગ્ન પહેલાં હું  સાવ વેરવિખેર માણસ હતો. લગ્ન પછી ટ્વિન્કલે મને નાના બાબાની જેમ 'ઉછેર્યો' છે! 

–અક્ષયકુમાર .

Monday, January 3, 2011

એક સુપરગર્લ, નામે વિપાશા

                                     અહા! જિંદગી - અંક જાન્યુઆરી ૨૦૧૧માં પ્રકાશિત

                                                                કોલમ : ફલક


એની આંખોમાં માત્ર સામેના માણસને અસ્થિર કરી દે તેવી નિર્મળતા જ નથી, તેમાં વિસ્મય પણ છે અને ઘૂંટાયેલો, દબાયેલો, શાંત થઈ ગયેલો વિષાદ પણ છે. પણ આ વાચાળ આંખો સંપૂર્ણ કથા કહેતી નથી...


એ હસે છે, ખિલખિલાટ હસે છે અને હસતી વખતે એની આંખો, એનો ચહેરો, એનું આખું વ્યક્તિત્ત્વ ગજબનાક રીતે પ્રકાશી ઊઠે છે. તે જોઈને તમે સુખદ કંપ અનુભવો છો. આવું હાસ્ય અને આવો પ્રકાશ તમે વાસ્તવની થપાટોથી અજાણ એવા નિર્દોષ બાળકના ચહેરા સિવાય બીજે ક્યાંય જોયા નથી. એ હસે ત્યારે એવું લાગે કે જાણે તેનું સમગ્ર અસ્તિત્વ, તેની સમગ્ર ચેતના તેની બુદ્ધિશાળી આંખોમાં સમેટાઈ ગયાં છે. હાસ્ય અટકી ગયા પછી એ કશુંક ધ્યાનથી સાંભળતી હોય કે વિચારતી હોય ત્યારે તમે જુઓ છો કે એની આંખોમાં માત્ર સામેના માણસને અસ્થિર કરી દે તેવી નિર્મળતા જ નથી, તેમાં વિસ્મય પણ છે અને ઘૂંટાયેલો, દબાયેલો, શાંત થઈ ગયેલો વિષાદ પણ છે.

પણ આ વાચાળ આંખો સંપૂર્ણ કથા કહેતી નથી.

આ આંખોને પેલે પાર એક મન છે, જે કદાચ બીજા કોઈ પણ પુખ્ત, વિચારશીલ માણસના મન કરતાં ઘણું વધારે જટિલ છે. તેના મનની લીલા સામેની વ્યક્તિને ગૂંચવી નાખે છે, આઘાત આપે છે, છળી ઉઠાય એવાં કલ્પન રચે છે. શું માસૂમિયતનો એક છેડો હિંસાના પ્રદેશને સ્પર્શતો હશે? શું માસૂમિયત એક પરાકાષ્ઠા પછી આપોઆપ વિકરાળ બની જતી હશે? તે સિવાય આવી કૂમળી છોકરી એવું શી રીતે લખી શકે કે -

ચાલ
ભોંક લોકની આંખોમાં ગરમ સળિયો,
ના,
બે અધમૂઈ આંખોમાં ઠંડા
સળિયા,
ને કૂચ કર.

એ તાડન અને આત્મપીડનની ઉપર ક્યાંક ઊભી ઊભી ચુપચાપ બધો તાલ જોયાં કરે છે. મનના પરદા પર પળેપળે આકાર બદલતાં શ્યામલ છાયાચિત્રોની ભાષા ઉકેલવાની શાંત કોશિશ કરતી રહે છે. શક્ય છે કે તેને ઉકેલવામાં બહુ રસ ન પણ હોય. તેને કદાચ આ છાયાચિત્રોને માત્ર નિહાળવાં છે, તેના સાક્ષી બનવું છે, તેને પોતાની કવિતાઓમાં જડી લેવાં છે. તેની કવિતાઓથી ભલે સામેનો માણસ ગૂંચવાય, આઘાત પામે કે છળી ઊઠે, પણ એ સ્વયં સ્થિર છે, શાંત છે.

એક મિનિટ. વિપાશા ખરેખર શાંત છે કે માત્ર શાંત દેખાય છે?

૦ ૦ ૦


A beautiful painting by Anju Dodia
 વિપાશા છેલ્લાં છ વર્ષથી જિદપૂર્વક અમેરિકામાં રહે છે, એકલી, પોતાના હાલી-ચાલી-બોલી ન શકતા શરીર સાથે. આ પસંદગીપૂર્વકની એકલતાને લીધે તે પોતાના મન અને શરીરમાં ઊઠતાં સ્પંદનોને કે તેની ગેરહાજરીને વધારે બારીકાઈથી તેમ જ બહાદૂરીપૂર્વક ઝીલી શકી છે. વિપાશા ૨૦૦૪માં અમેરિકા ગઈ ત્યારે તેનો પહેલો એવોર્ડવિનિંગ કાવ્યસંગ્રહ બહાર પડ્યો હતો - ‘ઊપટેલા રંગોથી રિસાયેલી ભીંતો’. હમણા ડિસેમ્બરમાં એ ઈન્ડિયાની મુલાકાતે આવી ત્યારે તેનો બીજો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો - ‘ટાપુઓ પર ફૂદડી’. આ બન્ને સંગ્રહોનાં ભાવવિશ્વો વચ્ચેનું અંતર સ્પર્શી શકાય એવું નક્કર છે. વિપાશાના પ્રકાશક-કમ-મિત્ર-જ્યાદા એવા નૌશિલ મહેતા ‘ટાપુઓ પર ફૂદડી’ વિશે લખે છેઃ ‘અહીં (એટલે કે આ કાવ્યોમાં) એ એકલી નથી. અહીં તો જાણે એકમેકથી તદ્દન ભિન્ન, એકમેક પ્રત્યે અનુકંપા વિનાનાં, જિદ્દી એવાં ત્રણ અસ્તિત્વો છેઃ શરીર, મગજ અને વ્યક્તિચેતના... આ ત્રણેય - હું-મગજ-શરીર - વચ્ચે સતત ખૂનખાર ઝનૂનપૂર્વકની ફેંદાફેંદીનો-ચૂંથાચૂંથીનો તણાવ, એકમેકને પછડાટ આપવાની હોડ આ કાવ્યોના વિષય અને વિશેષ છે.’

આ ફેંદાફેંદી અને ચૂંથાચૂંથીનું એક ઉદાહરણ જુઓ-

એક હથેળીમાં
મગજ


એક હથેળી પર
શરીર.

અફળાયાં
બન્ને એકબીજાં
સાથે.

ભુક્કા ઊડ્યા,
થોડું ચાલી
તણખાના
અજવાળામાં.

ભળી ગઈ
જમીન પર
પથરાયેલા
ભુક્કામાં.




જીવનના ચોથા દાયકાનો પ્રારંભ ઝાઝો દૂર ન હોય એવા બિંદુ પર ઊભેલી બીજી કોઈ પણ સ્ત્રી કરતાં - સ્ત્રી જ શા માટે? - બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં વિપાશાનાં સંવેદનવિશ્વનો નક્શો જુદી રીતે દોરાયો હશે? ધારો કે એમ હોય તો પણ ‘ટાપુઓ પર ફૂદડી’નાં કાવ્યોને માત્ર વિપાશાની આત્મ-અભિવ્યક્તિના ચોકઠામાં કેદ કરી દેવાની જરૂર નથી. વિપાશા જ્યારે એમ લખે કે -

જીવન ચકડોળ
ચાલે
ધમધમ
સંભળાય
બસ ખાલીખમ
અવાજો.

- ત્યારે સહેજે સવાલ જાગે કે આ અવાજો, આ ખાલીપો શું તમામ સંવેદનસભાન વ્યક્તિ જીવનના કોઈને કોઈ તબક્કે અનુભવતી હોતી નથી શું? વિપાશાની કવિતાઓની અપીલ ખાસ્સી વ્યાપક છે. આ સંગ્રહ પ્રમુખપણે વિપાશાનું અંગત એક્સપ્રેશન હોવા છતાં તેમાંની કેટલીય કવિતાઓમાં વ્યક્ત થયેલી લાગણીઓ ઘણા વિશાળ ફલક પર વિહરે છે.

એની ને મારી
વચ્ચે
લડાઈ
ચાલતી લાગે
છે.
જોઈએ
કોણ જીતે છે:
જીવન
કે
હું?

આ પ્રકારનાં દ્વંદ્વનો સામનો આપણે સૌએ કર્યો હોય છે. સંદર્ભો આપણા હોય, સ્વરૂપ આપણે આપ્યું હોય, પણ દ્વંદ્વ અનુભવાય છે એ તો નક્કી.

૦ ૦ ૦

વિપાશાનો પહેલો કાવ્યસંગ્રહ બહાર પડ્યો હતો ત્યારે તેના પિતાએ એને કાળજીપૂર્વક ઊંચકી હતી, કપડાંનું નિર્જીવ પોટલું ખભે નાખ્યું હોય તેમ, અને પછી ધીમે ધીમે સીડી ઊતરી ગયા હતા. શરીર એ જ છે, પણ આ વિપાશા આજે અમેરિકામાં પોતાના સહાયકની પોસ્ટ માટે હિસ્પેનિક કે આફ્રો-અમેરિકન કે યુરોપિયન ઉમેદવારોની જાતે પસંદગી કરે છે, મોજથી શોપિંગ કરવા ઊપડી જાય છે, પોતાના રહેઠાણથી ઘણે દૂર ક્રિયેટિવ રાઈટિંગના ઈવનિંગ ક્લાસ અટેન્ડ કરે છે. ક્લાસ પૂરા થયા પછી બીજા સ્ટુડન્ટ્સ જતા રહ્યા હોય અને ઘેરાઈ ચૂકેલા વેરાન અંધકારમાં વિપાશા વ્હીલચેર પર મોડી પડેલી બસની રાહ જોતી બેઠી હોય, પોતાનાં મન અને કહ્યું ન માનતા શરીર સાથે, એકલી. અને પછી એ લખે કે -

મનની નસોમાં અટવાઈને તાકે છે
તીક્ષ્ણ આંખો, બેબાકળી નહીં, અફાટ
ધીરજ પોતાનામાંથી ઊપજાવતી.


ધીરજ, ખુદવફાઈ, આત્મસન્માન, આત્મબળ... આ બધા શબ્દોથી વિપાશા ખૂબ આગળ નીકળી ચૂકી છે . જીવન અને તેની વચ્ચે ચાલતી લડાઈ એ ક્યારની જીતી ચૂકી છે. મગજ અને શરીર ભલે ફક્કડ જીવતાં હોવાનો ડોળ કરે, ખાનગી બાતમી એ છે કે એ બન્ને થરથર કાંપે છે. મગજ અને શરીર બેયને બરાબરનો પરચો મળી ચૂક્યો છે, વિપાશા નામની આ સુપરગર્લનો.

૦ ૦ ૦