Showing posts with label Tigmashu Dhulia. Show all posts
Showing posts with label Tigmashu Dhulia. Show all posts

Tuesday, March 15, 2016

મલ્ટિપ્લેક્સ : સંઘર્ષ, સત્ય અને મનોજ બાજપાઈ

Sandesh - Sanskar Purti - 20 Feb 2016

મલ્ટિપ્લેક્સ 

જીવનમાં યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનો ભેટો થઈ જવો અને અણીના સમયે સાચા માણસ તરફથી સાચી સલાહ મળવી - આ પ્રકારના સંયોગ ઊભા થવા માટે નસીબની જરૂર પડતી હોય છે. સદનસીબે મનોજ બાજપાઈને યુવાનીમાં ત્રણ ડિરેકટરો એવા મળ્યા જેમણે એમને કામ તો આપ્યું જ, પણ ખાસ તો એમના ધસમસતા જીવનપ્રવાહને સાચી દિશા ચીંધી, સાચી સલાહ આપી અને એમને સાચવી લીધા. આ ડિરેકટરો એટલે શેખર ક્પૂર, મહેશ ભટ્ટ અને રામગોપાલ વર્મા.




બિહારમાં બેલવા નામનું સાવ ખોબા જેવડું એક ગામડું. ગામ એટલું બધું પછાત કે અહીં નિશાળના નામે ઝૂંપડી જેવી જગ્યા. જેમાં ગામનાં બચ્ચાંઓને ધૂળ પર બેસાડીને થોડુંઘણું ભણાવવામાં આવે. 'સત્યા'થી 'ગેંગ્સ ઓફ વાસેપુર' સુધીની કેટલીય ફિલ્મોમાં યાદગાર ભૂમિકઓ કરનાર અફલાતૂન અભિનેતા મનોજ બાજપાઈ આ ગામમાં જન્મ્યા છે ને ચાર ચોપડી સુધી આ નામ વગરની નિશાળમાં ભણ્યા છે. માણસની પ્રતિભા અને પેશન અને જીદ એને કયાંથી કયાં પહોંચાડી શકે છે. ક્દાચ નસીબનું પરિબળ ખરું, પણ એનો ક્રમ સાવ છેલ્લે આવે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનો ભેટો થઈ જવો અને અણીના સમયે સાચા માણસ તરફથી સાચી સલાહ મળવી - આ પ્રકારના સંયોગ ઊભા થવા માટે નસીબની જરૂર પડતી હોય છે. સદનસીબે મનોજ બાજપાઈને યુવાનીમાં ત્રણ ડિરેકટરો એવા મળ્યા જેમણે એમને કામ તો આપ્યું જ, પણ ખાસ તો એમના ધસમસતા જીવનપ્રવાહને સાચી દિશા ચીંધી, સાચી સલાહ આપી અને એમને સાચવી લીધા. આ ડિરેકટરો એટલે શેખર ક્પૂર, મહેશ ભટ્ટ અને રામગોપાલ વર્મા.
શેખર ક્પૂરઃ 'પગ ભાંગશે તો પ્લાસ્ટર કરાવવાના પૈસા ય તમારી પાસે નથી'
મનોજ બાજપાઈએ ટીનેજર થયા પછી એક જ સપનું જોયું હતું, દિલ્હીની નેશનલ સ્કુલ ઓફ ડ્રામા (એનએસડી)માં એડમિશન લેવાનું. શા માટે? નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી જેવા ઊંચા દરજ્જાના એકટરોના ઈન્ટરવ્યૂ છાપાં-મેગેઝિનોમાં છપાતાં ત્યારે એમાં એનએસડીનો ઉલ્લેખ જરૂર થતો, એટલે. આથી બારમું ધોરણ ર્ક્યા પછી કોલેજ કરવા મનોજ બાજપાઈ દિલ્હી ગયા ને ભણતરની સાથે સાથે થિયેટર કરવા માંડયા. કમનસીબે એનએસડીએ એમને ચાર-ચાર વખત રિજેકટ ર્ક્યા. પહેલી બે વાર યોગ્યતા ઓછી પડી એટલા માટે. પછીની બે વાર તેઓ વધારે પડતા કવોલિફાઈડ હતા એટલા માટે! મનોજ બાજપાઈએ દિલ્હીની રંગભૂમિ પર મોટું નામ ગણાતા બેરી જોન સાથે ચાર કરતાંય વધારે વર્ષ કામ ર્ક્યું. તે અરસામાં શાહરુખ ખાન નામનો ઉત્સાહી યુવાન પણ બેરી જોનના ગ્રૂપમાં જોડાઈને નાટકો કરતો હતો. મનોજ બાજપાઈનું એનએસડીનું સપનું, સપનું જ રહી ગયું, પણ બેરી જોને આપેલી તાલીમને લીધે તેમનામાં રહેલો અભિનેતા ખૂબ ઘડાયો.
બન્યું એવું કે, મનોજની એકાદ તસવીર બોબી બેદી નામના પ્રોડયુસરની ઓફિસમાં ફરતી ફરતી પહોંચી ગઈ. બોબી બેદી એ વખતે 'બેન્ડિટ ક્વીન' બનાવવાની તૈયારી કરી રહૃાા હતા. ડિરેકટર હતા શેખર ક્પૂર. મનોજની તસવીર પર નજર પડતાં શેખર કપૂરે કહ્યું: મુઝે ઈસ લડકે સે મિલના હૈ. તિગ્માંશુ ધૂલિયા તે વખતે 'બેન્ડિટ કવીન'નું કાસ્ટિંગ સંભાળતા હતા. તિગ્માંશુ પોતાનું સ્કૂટર લઈને ઉપડયા. મનોજ બાજપાઈને મળીને ક્હેઃ શેખર ક્પૂર તમને મળવા માગે છે. મનોજ નારાજ થઈ ગયાઃ યાર, આવી મજાક સારી નહીં. માંડ માંડ એમના ગળે વાત ઊતરી. તેઓ શેખર ક્પૂરને મળ્યા. શેખરે એમને ફૂલનદેવીના પ્રેમી વિક્રમ મલ્લારના રોલમાં કસ્ટ કરી લીધા. આ રોલ જોકે પછી લાંબા વાળવાળા દેખાવડા નિર્મલ પાંડેને આપી દેવાયો. મનોજને ક્હી દેવામાં આવ્યું: ' સોરી,વિક્રમ મલ્લારના રોલ માટે હવે તારી જરૂર નથી'.
થોડા દિવસો પછી મનોજ પોતાના નાટક્ના શો માટે બહારગામ ગયા હતા. થિયેટરની ઓફિસની લેન્ડલાઈન પર તિગ્માંશુ ધુલિયાનો ફોન આવ્યોઃ મનોજ, તારો શો પૂરો થાય કે તાબડતોબ દિલ્હી માટે રવાના થઈ જા. માનસિંહના રોલ માટે નસીરુદ્દીન શાહે ના પાડી દીધી છે એટલે આ રોલ હવે તારે કરવાનો છે!

'Bandit Queen': Manoj Bajpai as Maan Sinh

'બન્ડિટ કવીન' (૧૯૯૪)માં જબરદસ્ત પ્રતિભા ધરાવતા એકટરોનો શંભુમેળો ભરાયો હતો. ઓડિયન્સને હેબતાવી નાખે તેવી આ ફિલ્મ ભારતીય સિનેમા માટે સીમાચિહ્નરૂપ પુરવાર થઈ. શેખર ક્પૂરે એક દિવસ જુવાન એકટરોની ટોળકીને ક્હૃાું: 'તમે બધા મુફલિસ જેવું જીવન જીવો છો. પગ ભાંગે તો પ્લાસ્ટર ક્રાવવાના ય પૈસા તમારી પાસે હોતા નથી. દિલ્હીમાં નાટકો કર્યાં કરશો તો ક્શું નહીં વળે. એકિટંગ જરૂર કરો પણ તેમાંથી બે પૈસા પણ મળવા જોઈએ. તે માટે તમારે મુંબઈ આવવું પડશે. દિલ્હી છોડો, મુંબઈ આવી જાઓ!'
શેખર ક્પૂરની આ વાત સૌના મનમાં ઘુમરાતી રહી. આ ચર્ચાના ચાર જ મહિના પછી મનોજ બાજપાઈ, તિગ્માંશુ ધૂલિયા અને બીજા કેટલાક છોકરાઓની આખી ગેંગ મુંબઈ આવી ગઈ... ફિલ્મલાઇનમાં નામ ક્માવા માટે.
મહેશ ભટ્ટઃ 'મુંબઈ છોડતો નહીં... આ શહેર તને ખૂબ બધું આપશે' 

વું તો હતું નહીં કે ટ્રેનમાંથી બહાર નીક્ળીને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ પર પગ મૂક્તાં જ સામે સ્વાગત કરવા માટે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડિરેકટરો-પ્રોડયુસરો હારતોરા તેમજ ફિલ્મની ઓફરો લઈને તૈયાર ઊભા હોય. મુંબઈમાં સ્ટ્રગલ શરૂ થઈ. ઘોલકી જેવડી ઓરડીમાં પાંચ-સાત જણા સાથે સાંક્ડમોક્ડ રહેવાનું, કામની શોધમાં એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો ચક્કર મારવાના, કાસ્ટિંગ ડિરેકટરો અને બીજા લાગતા-વળગતાઓને પોતાના ફોટોગ્રાફ્સ આપવાના (જે મોટે ભાગે ક્ચરાટોપલીમાં પધરાવી દેવામાં આવતા). દિલ્હીમાં વર્ષો સુધી રંગભૂમિ કરી હતી તે વાતનું મુંબઈની ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં કેઈ મૂલ્ય નહોતું. એમ તો દિલ્હીમાં હતા તે અરસામાં હંસલ મહેતાની 'ક્લાકાર' નામની એક સિરિયલ પણ કરી હતી. (આ જ હંસલ મહેતાએ ડિરેકટ કરેલી અને મનોજ બાજપાઈને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી 'અલીગઢ' નામની ફિલ્મ ૨૬ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ.) આખરે મુંબઈની કોઈ પ્રોડકશન કંપનીની એક ટીવી સિરિયલમાં નાનો રોલ મળ્યો. પરેલમાં કેઈક જગ્યાએ શૂટિંગ હતું. મનોજ બાજપાઈએ શોટ આપ્યો. તે સાથે જ ડિરેકટર, કેમેરામેન, ચીફ આસિસ્ટન્ટ ડિરેકટર વગેરે વચ્ચે ગુસપુસ શરૂ થઈ ગઈ. થોડી વાર પછી થર્ડ કે ફોર્થ આસિસ્ટન્ટ ડિરેકટરે મનોજ બાજપાઈ પાસે આવીને ક્હૃાું: એક કામ કરો, કોસ્ચ્યુમ ઊતારી નાખો. કાલથી શૂટિંગમાં આવવાની જરૂર નથી. તમારુંએ કામ કોઈને ગમ્યું નથી.
આત્મવિશ્વાસ તોડી નાખે એવી આ ઘટનાઓ બનતી રહી, પણ કોઈ પણ ભોગે ટકી રહેવાનું હતું. આખરે મહેશ ભટ્ટની 'સ્વાભિમાન' (૧૯૯૫) નામની સિરિયલમાં માંડ દસ એપિસોડ ચાલે એવો રોલ મળ્યો. એક જ એપિસોડ જોઈને મહેશ ભટ્ટ કૌવત પારખી ગયા. એક દિવસ પોતાની જગ્યા પરથી ઊભા થઈને મનોજ બાજપાઈ પાસે આવી, એમના ખભે હાથ મૂકીને હાજર રહેલા દસ-પંદર લોકોને ક્હેઃ 'યે જો આદમી હૈ... બહોત બડા એકટર હૈે.' પછી મનોજ બાજપાઈને ક્હેઃ 'તારા ચહેરા પરથી લાગે છે કે તું હતાશ થઈ રહૃાો છે, પણ તું હિંમત હારીને આ શહેર છોડતો નહીં. આ શહેર તને ખૂબ બધું આપવાનું છે.'
Manoj Bajpai in Swabhiman days

દૂરદર્શન પર ટેલિકસ્ટ થઈ રહેલી 'સ્વાભિમાન' સિરિયલમાં મનોજ બાજપાઈનું પાત્ર જમાવટ કરતું ગયું. જે રોલ દસ એપિસોડમાં પૂરો થઈ જવાનો હતો તે અઢીસો સુધી લંબાયો. એક એપિસોડમાં એકિટંગ કરવાના પંદરસો રૂપિયા મળતા હતા. હવે રિક્ષા બાંધતી વખતે ભાડાની ચિંતા ન કરવી પડે એટલું સુખ તો મળી જ ગયું હતું.
મહેશ ભટ્ટના પેલા શબ્દોએ મનોજ બાજપાઈને ટકી રહેવાનું બળ આપ્યું હતું. આત્મસન્માન પર લગાતાર ઘા પડી રહૃાા હોય અને આત્મવિશ્વાસ સાવ તળિયે પહોંચી ગયો હોય એવા સંજોગોમાં જેના પ્રત્યે ખૂબ આદર હોય એવી વ્યકિત તરફથી શાબાશીના બે બોલ સાંભળવા મળે, તો દુભાયેલા માણસ માટે તે સંજીવનીનું કમ કરતા હોય છે.
રામગોપાલ વર્માઃ ડોન્ટ ડુ ધિસ ફિલ્મ!

Manoj Bajpai with Ram Gopal Varma
સુપરડુપર હિટ 'રંગીલા' પછી રામગોપાલ વર્મા 'દૌડ' (૧૯૯૭) બનાવી રહૃાા હતા. એમાં પરેશ રાવલના મળતિયાનો ટચૂક્ડો રોલ કરવાના મનોજ બાજપાઈને પાંત્રીસ હજાર રુપિયા મળે તેમ હતા. રામગોપાલ વર્માની ઓફિસમાં એમને મળવાનું થયું ત્યારે રામુજીએ પૂછ્યું: અગાઉ તે શું કામ ર્ક્યુંં છે? મનોજે ક્હ્યું: સર, મેં 'બેન્ડિટ કવીન' કરી છે. રામુ ક્હેઃ 'બેન્ડિટ કવીન' તો મેં જોઈ છે. એમાં કયો રોલ તેં ર્ક્યો હતો? મનોજ ક્હેઃ માનસિંહનો. રામુજી ચમકી ગયા. ક્હેઃ ડોન્ટ ટેલ મી! 'બેન્ડિટ કવીન' મેં કમસે કમ પાંચ વાર જોઈ હશે. તું તો બિલકુલ માનસિંહ જેવો દેખાતો નથી. મનોજ ક્હેઃ સર, મેં એ રોલ માટે ખૂબ મહેતન કરી હતી, મારો લૂક ચેન્જ ર્ક્યો હતો. રામુજી હવે ઉત્તેજીત થઈ ચુકયા હતા. ક્હેઃ ડોન્ટ ડુ ધિસ ફિલ્મ! તારે 'દૌડ' કરવાની કોઈ જરુર નથી. હું તારી સાથે બીજી ફિલ્મ બનાવીશ. હું બધું જ કેન્સલ કરી નાખું છું ને હમણાં જ નવી ફિલ્મ અનાઉન્સ કરી દઉં છું!
મનોજ બાજપાઈના મનમાં ફાળ પડી. ધારો કે રામુજી આ જે બીજી ફિલ્મની વાત કરે છે તે ન બને તો મને અત્યારે જે પાંત્રીસ હજાર રુપિયા મળવાના હતા એ તો ગયા જ ને? મનોજ ક્હેઃ સર, પ્લીઝ, મુઝે 'દૌડ' કરને દીજિયે!
આખરે 'દૌડ' બની અને રામગોપાલ વર્મા જે ફિલ્મ બનાવવા માટે એકસાઈટ થઈ ગયા હતા તે પણ બની. તે ફિલ્મ એટલે 'સત્યા' (૧૯૯૮), જેમાં મનોજ બાજપાઈએ ભીખુ મ્હાત્રેની અવિસ્મરણીય ભૂમિકા ભજવી. જાણે પ્રચંડ વિસ્ફોટ થયો હોય તેમ મનોજ બાજપાઈ નામના આ બિહારી એકટરની પ્રતિભા આ ફિલ્મમાં ઊછળીને બહાર આવી. સુપરહિટ 'સત્યા'એ એમને બોલિવૂડમાં નિશ્ચિત સ્થાન અપાવ્યું અને એમનું જીવન હંમેશ માટે પલટી નાખ્યું.
'Satya': Manoj Bajpai as Bhikhu Mhatre

રામગોપાલ વર્મા જેવા સુપર ટેલેન્ટેડ ડિરેકટર પાસે ઝવેરી જેવી પારખુ નજર હોય છે, જે હીરો ઢંકાયેલો હોય તોય એની ચમક ઓળખી લે છે. એ અલગ વાત છે કે, આગળ જતાં રામુ અને મનોજ બાજપાઈ વચ્ચે બોલવાના સંબંધ પણ નહોતા રહૃાા. બન્ને વચ્ચે થયેલા મનદુખનું કરણ રામુજીની અતિ બદનામ થઈ ચૂકેલી 'રામગોપાલ વર્મા કી આગ' હતી. રામુજી મનોજ બાજપાઈને સાંભાનો રોલ આપવા માગતા હતા, જ્યારે મનોજની ઈચ્છા વીરુનું  કિરદાર કરવાની હતી. ખેર, હવે બન્ને વચ્ચે પેચ-અપ થઈ ચૂકયું છે. ભવિષ્યમાં ક્દાચ બન્ને નવેસરથી સાથે કમ કરેય ખરા. ટચવૂડ.
શો-સ્ટોપર

'કિક'માં મેં ખલનાયકનું જે પાત્ર ભજવ્યું હતું તેની પ્રેરણા મને 'અક્સ'માં મનોજ બાજપાઈનાં પર્ફોર્મન્સ પરથી મળી હતી.
- નવાઝુદ્દીન સિદ્દીકી

Sunday, March 10, 2013

સૂર્ય, સિનેમા ઔર પોલિટિક્સ


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 10  માર્ચ 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

બેકારીના દિવસોમાં ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ એક કૂતરો પાડ્યો હતો અને એને ‘એક્શન’ એવું નામ આપ્યું હતું. કૂતરાને બોલાવવાના બહાને દિવસમાં કેટલીય વાર ‘એક્શન... એક્શન...’ પોકારીને તેઓ પોતાની ડિરેક્ટર તરીકેની ભૂખ ભાંગતા!  




1999-2000ના અરસામાં સ્ટાર પ્લસ ચેનલ પર ‘સ્ટાર બેસ્ટસેલર્સ’ નામનો એક સરસ વીક્લી શો આવતો હતો. એક કલાકનો શો હોય, સાહિત્યિક મૂલ્ય ધરાવતી જુદી જુદી ભાષાઓની ટૂંકી વાર્તા પરથી એક આખો એપિસોડ બનાવવામાં આવ્યો હોય. તેમાં ચંદ્રકાંત બક્ષીની અફલાતૂન નવલિકા ‘એક સાંજની મુલાકાત’ પર આધારિત એક એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો. રસિક યુવાન, ભીરુ પત્ની અને જે ઘરમાં તેઓ ભાડે રહે છે તે મકાનની નખરાળી માલિકણ. માલિકણ આધેડ છે, પણ એની જુવાની હજુ શાંત થઈ નથી. એનાં નખરાં અને ઈશારાથી યુવાનના અરમાન ખીલી ઉઠ્યા છે. બસ, તક મળે એટલી વાર છે. આખરે વાર્તાના અંત ભાગમાં મોકો મળે છે. માલિકણ થનગન થનગન થઈ રહેલા યુવાનને એકાંતમાં મળે છે અને બોમ્બ ફોડે છે: હું તમને કેટલાય દિવસોથી એક વાત કહેવાની કોશિશ કરી રહી છું... તમે દુકાને જાઓ પછી તમારી પીઠ પાછળ રોજ બપોરે કોઈ પુરુષ તમારી પત્નીને મળવા આવે છે... ચેતજો!

 બેવકૂફ બની જતા લોલુપ યુવાનનું પાત્ર ઈરફાન ખાને ભજવેલું. ઈરફાન તે વખતે હજુ ઈરફાન નહોતો બન્યો. તિસ્કા ચોપડા (કે જેણે ‘તારે જમીં પર’ના બાળકલાકારની મમ્મીનો રોલ ભજવેલો) છૂપી રુસ્તમ પત્ની બની હતી અને નખરાળી મકાન-માલિકણનો રોલ હિમાની શિવપુરીએ ભજવેલો. એપિસોડના ડિરેક્ટર તરીકે એક નવું અને અજાણ્યું નામ હતું - તિગ્માંશુ ધુલિયા. ‘બેસ્ટસેલર્સ’ના આ સિવાયના પણ બીજા કેટલાક એપિસોડ્સ એમણે ડિરેક્ટ કરેલા. સાહિત્યકૃતિ વાંચવામાં અને એને પડદા પર જોવામાં બન્નેમાં એકસરખો જલસો પડે એવું બહુ ઓછું બનતું હોય છે. ‘એક શામ કી મુલાકાત’માં એવું બનેલું. પુત્રનાં લક્ષણ પારણામાં. આ ડિરેક્ટર દાદો માણસ છે એવી પ્રતીતિ બાર-તેર વર્ષ પહેલાં જ કરાવી ચુકનાર તિગ્માંશુ ધુલિયાએ આગળ જતાં ‘પાનસિંહ તોમર’ જેવી અદભુત ફિલ્મ બનાવી. ઓસ્કરની બેસ્ટ ફોરેન ફિલ્મની કેટેગરી માટે ‘પાનસિંહ તોમર’ જેવી ઓરિજિનલ અને અફલાતૂન ભારતીય સોડમ ધરાવતી ફિલ્મ પસંદ કરવાને બદલે નિર્ણાયકોએ ‘બરફી!’ને મોકલીને મૂર્ખતા અને બદમાશીનું પ્રદર્શન કર્યું. ખેર, તિગ્માંશુને આ પ્રકારના અપસેટ કોઈ નવાઈ નથી. પોતાની કરિઅરમાં તેઓ આવું ઘણું જોઈ ચુક્યા છે.

અલાહાબાદમાં જન્મેલા અને ઊછરેલા તિગ્માંશુને મૂળ બનવું હતું એક્ટર, પણ દિલ્હી સ્થિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ના ત્રણ વર્ષની ટ્રેનિંગ દરમિયાન સમજાઈ ગયું કે એક્ટિંગ આપણું કામ નહીં. જોકે અભિનયના જે થોડાઘણા કીડા સિસ્ટમમાં બાકી રહી ગયા હતા તે વર્ષો પછી ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં એમણે સંતોષ્યા ખરા! તિગ્માંશુ સુશિક્ષિત પરિવારના ફરજંદ છે. એમના પિતાજી અલાહાબાદ હાઈકોર્ટમાં જજ હતા અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા સાથે  સંકળાયેલા હતા. મમ્મી સંસ્કૃતનાં પ્રોફેસર. તિગ્માંશુનું નામ એમનાં મમ્મીએ જ પાડ્યું હોવું જોઈએ. સંસ્કૃત ભાષામાં ‘તિગ્માંશુ’ શબ્દના બે અર્થ થાય છે - તીક્ષ્ણ આંખ ધરાવતી વ્યક્તિ અને સૂર્ય. બહુ સુંદર નામ છે આ. એમના બે મોટા ભાઈઓ પૈકીનો એક આગળ જતા નેવીમાં જોડાયો. બીજો પપ્પાની જેમ ન્યાયાધીશ બન્યો. નાના હતા ત્યારે રોજ રાત્રે ડિનર લેતી વખતે ડાઈનિંગ ટેબલ પર મમ્મી-પપ્પા અલકમલકની વાતો કરતાં. આ વાતોએ તિગ્માંશુનું નક્કર ઘડતર કર્યું.



પહેલાં તિગ્માંશુ અલાહાબાદ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે સ્ટુડન્ટ્સ મુવમેન્ટમાં જોડાયા હતા. પાનો ચડાવતાં ગીતો લખે, સ્ટ્રીટ-પ્લેઝ કરે. સ્ટુડન્ડ પોલિટિક્સનો એમણે ર્ફ્સ્ટ-હેન્ડ અનુભવ લીધો, જે તેમની પહેલી ફિલ્મ ‘હાસિલ’ (2003)માં સરસ રીતે ઉતર્યો. ‘હાસિલ’ એક અસરકારક ફિલ્મ હતી. ‘ચરસ’ (2004) એમની બીજી ફિલ્મ. એ રિલીઝ થયા પછીનાં લાગલગાટ સાત વર્ષ સુધી તિગ્માંશુ એક પણ ફિલ્મ ન આવી. સેટ પર ‘એક્શન...!’ કહેવાનો મોકો નહોતો મળતો એટલે આ ભૂખ ભાંગવા તેમણે એક કૂતરું પાડ્યું અને તેને નામ આપ્યું ‘એક્શન’. આ રીતે કૂતરાને બોલાવવાને બહાને તેઓ દિવસમાં કેટલીય વાર ‘એક્શન... એક્શન..’ પોકારી શકતા! ત્યાર બાદ, નબળો પૂરવાર થયેલા સમયગાળાનું સાટું વાળી નાખવું હોય તેમ 2011-12 દરમિયાન દસ મહિનામાં ધડાધડ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ ગઈ - નાના પાટેકરને ચમકાવતી ‘શાગિર્દ’ (સાધારણ), ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર’ (સરસ) અને ‘પાનસિંહ તોમર’ (અતિ સરસ). સાચું પૂછો તો ‘પાનસિંહ તોમર’ તિગ્માંશુની સૌથી પહેલી ફિલ્મ હોવી જોઈતી હતી, કારણ કે તેમના મનમાં આ આઈડિયા 1991થી ઘુમરાયા કરતો હતો. તેમણે શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’ માટે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરેલું. આ ફિલ્મનું ચંબલની ભુલભુલૈયા જેવી કોતરોમાં ખૂબ શૂટિંગ થયેલું. તિગ્માંશુ ત્યારથી આ વિસ્તારથી પરિચિત હતા. ‘પાનસિંહ તોમર’ આ જ લોકાલમાં આકાર લે છે.

તિગ્માંશુ સામાન્યપણે ખરબચડા અને હાર્ડ-હિટિંગ વિષયો તરફ આકર્ષાય છે. એમની ફિલ્મો સાચા અર્થમાં ‘દેસી’ હોય છે. તેઓ નવી પેઢીના તેજસ્વી ફિલ્મમેકર્સમાંના એક ગણાય છે. એ ડિરેક્ટર ઉપરાંત લેખક અને હવે તો પ્રોડ્યુસર પણ છે. જોકે જતે દહાડે તેમને રાજકારણમાં ઝંપલાવવાની ખ્વાહિશ છે. એક મુલાકાતમાં એ કહે છે, ‘તમે કંઈ ફિલ્મો બનાવીને સમાજમાં પરિવર્તન લાવી ન શકો. ફિલ્મો બનાવવી તો સહેલી છે. જો ખરેખર સિસ્ટમ બદલવી હોય કે કશુંક નક્કર કરવું હોય તો રાજકારણમાં ઝંપલાવવું પડે.’

એક જ્યોતિષે એમને કહ્યું છે કે 16 ફિલ્મો બનાવી લઈશ પછી તારો રાજકારણ-પ્રવેશનો યોગ ઊભા થશે. તિગ્માંશુ હસતા હસતા કહે છે, ‘જુઓને,  મારી છ ફિલ્મો તો થઈ ગઈ. હવે દસ બાકી રહી!’

45 વર્ષના તિગ્માંશુની છઠ્ઠી ફિલ્મ એટલે આ શુક્રવારે રિલીઝ થયેલી ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’. આ ફિલ્મ કેવીક છે અને બોક્સઓફિસ પર કેવોક કરી કમાલ દેખાડી શકે એ તો નીવડ્યે વખાણ. હવે પછી આવનારી ફિલ્મોનાં ટાઈટલ છે, ‘બુલેટ રાજા’ અને ‘મિલન ટોકીઝ’. સૈફ અલી ખાન, જિમી શેરગિલ અને સોનાક્ષી સિંન્હાને ચમકાવતી ‘બુલેટ રાજા’, અગેન, એક ગેંગસ્ટર ફિલ્મ છે. એનું અમુક શૂટિંગ કચ્છમાં પણ થયું છે. ‘મિલન ટોકીઝ’માં પ્રિયંકા ચોપડા અને ઈમરાન ખાન દેખાશે. એમાં એક નાનકડા નગરનું સિંગલ-સ્ક્રીન થિયેટર તે ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે અને તેમાં પાયરસીના મુદ્દાને હલકીફુલકી શૈલીમાં સ્પર્શવામાં આવ્યો છે. ટૂંકમાં, તિગ્માંશુની ફિલ્મોમાં મેઈનસ્ટ્રીમ એ-લિસ્ટ કલાકારો દેખાશે ખરા.



તિગ્માંશુના મનમાં એક ઓર ડ્રીમ સબ્જેક્ટ લાંબા સમયથી ઘુમરાયા કરતો હતો- ‘કિલિંગ ઓફ અ પોર્ન ફિલ્મમેકર’! એક ચક્રમ આદમી છે, જે વાહિયાત પોર્ન ફિલ્મો બનાવે છે અને એને લાગે છે કે ગયા ભવમાં પોતે એડોલ્ફ હિટલર હતો! તિગ્માંશુ અને ઈરફાન એનએસડીના જમાનાથી મિત્રો છે. તિગ્માંશુની પહેલી ચોઈસ મોટે ભાગે ઈરફાન જ હોય. ઈરફાન ખાનને લઈને એમણે ‘કિલિંગ ઓફ અ પોર્ન ફિલ્મમેકર’ પર કામ કરવાનું શરુ પણ કર્યું, પણ કોઈક કારણસર કામકાજ અટકી પડ્યું. દોઢેક વર્ષ પહેલાં ‘જય રામજી’ નામની ફિલ્મ શરુ કરી, જેમાં ઈરફાન ઉપરાંત અર્જુન રામપાલ અને પ્રીતિ ઝિન્ટા પણ છે. આ પ્રોજેક્ટ પણ અત્યારે તો સ્થગિત થઈ ગયો છે.

ખેર, બોલીવૂડમાં આવું બધું સામાન્ય કહેવાય. ભલભલા સુપરસ્ટાર્સ અને સુપર ડિરેક્ટરોની ફિલ્મો અટકી પડતી હોય ત્યારે તિગ્માંશુ ધુલિયા જેવા ‘ન્યુ વેવ ફિલ્મમેકર’ના પ્રોજેક્ટમાં વિઘ્નો ન આવે તો જ નવાઈ.

શો-સ્ટોપર

પ્રેમ વિશે મારા મનમાં કોઈ ફુલગુલાબી ખ્યાલો નથી. મને સમજાઈ ગયું છે કે આપણે રોમેન્ટિક-કોમેડી ફિલ્મોમાં જે કંઈ જોઈએ છીએ એમાંનું કશું જ રિઅલ લાઈફમાં બનતું હોતું નથી.

- અનુષ્કા શર્મા        




‘’