Showing posts with label Aamir khan. Show all posts
Showing posts with label Aamir khan. Show all posts
Saturday, March 30, 2019
Sunday, May 6, 2018
'કયામત કે કયામત તક'નાં ત્રીસ વર્ષ
સંદેશ - સંસ્કાર
પૂર્તિ - 6 મે 2018
મલ્ટિપ્લેક્સ
આમિર ખાન- જુહી ચાવલાની 'કયામત સે કયામત તક' હિન્દી સિનેમાની એક લેન્ડમાર્ક ફિલ્મ છે. મારધાડથી ભરપૂર ફિલ્મોના
દોરમાં રિલીઝ થઈને તરંગો સર્જનાર આ માસૂમ લવસ્ટોરીની નિર્માણકથા જાણવા જેવી છે.
'હુ ઇઝ આમિર
ખાન? આસ્ક ધ ગર્લ નેક્સ્ટ ડોર.'
ફિલ્મોના અઠંગ શોખીન એવા મુંબઈના સિનિયર વાચકોને આ શબ્દો કદાચ પરિચિત
લાગશે. આ હતું 'કયામત સે
કયામત તક' ફિલ્મની પબ્લિસિટી માટેનું પોસ્ટર, જે
મુંબઈની રિક્ષાઓ પર ચોંટાડવામાં આવ્યું હતું! પોસ્ટર પર
આમિરનો રૂપકડો ચહેરો નહોતો, માત્ર આ શબ્દો જ છપાયેલા હતા. ફિલ્મ રિલીઝ થઈ એની
પહેલાં હરખપદૂડા આમિરે જાતે મુંબઈના બાંદરાથી જુહુ વિસ્તારમાં ફરીને રિક્ષાઓ પર આ
પોસ્ટરો ચોંટાડ્યા હતા. એની સાથે ફિલ્મમાં એનો દોસ્તાર બનતો રાજ ઝુત્શી પણ હતો.
એ વખતે કોઈએ કલ્પના કરી હશે ખરી કે પોસ્ટર પર જેનો ચહેરો મૂકાયો નથી એવો
આમિર ખાન નામનો આ છોકરડો ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ યુવા દિલોં કી ધડકન બની જશે અને
સમયની સાથે એનું કદ એટલું બધું વધતું જશે કે એ માત્ર મેગાસ્ટાર જ નહીં, બલ્કે 'ઓલમોસ્ટ લેજન્ડ'ની કક્ષાએ પહોંચી જશે! 'કયામત કે કયામત તક' ફિલ્મ 29 એપ્રિલ 1988ના રોજ રિલીઝ થઈ હતી.
આજે એ વાતને આજે એકઝેક્ટલી 30 વર્ષ અને સાત દિવસ થયાં. 30 વર્ષ! માની શકાય છે? આ કોલમના તમારા પૈકીના કેટલાય વાચકો એ વખતે
જન્મ્યા પણ નહોતા!
'કયામત કે કયામત તક'થી આમિરની બોમ્બની જેમ ફૂટ્યો એ સાચું, પણ આ
કંઈ એની પહેલી ફિલ્મ નહોતી. અભિનયની શરૂઆત તો એણે ગુજરાતી રંગભૂમિથી કરી હતી. પછી
કેતન મહતાની 'હોલી' નામની એક એક્સપેરિમેન્ટલ ફિલ્મમાં કામ
કરેલું, 1984માં. એ વખતે એની ઉંમર હતી 19 વર્ષ. ઇન ફેક્ટ 'હોલી'નીય પહેલાં આમિરે
'પેરેનોઇયા' નામની ચાલીસ
મિનિટની સાયલન્ટ ફિલ્મમાં અભિનય કર્યો હતો. આમિરના કાકા નાસિર હુસેન એટલે હિન્દી
સિનેમાના મોટા ગજાના પ્રોડ્યુસર-ડિરેક્ટર. એમની 'મંઝિલ મંઝિલ' તેમજ 'ઝબરદસ્ત' નામની ફિલ્મોમાં આમિરે આસિસ્ટન્ટ ડિરેક્ટર
તરીકે કામ કર્યું હતું. નાસિરસાહેબે એ જ વખતે પારખી લીધું હતું કે આ છોકરો
પરફેક્શનવાળો માણસ છે. એની બાજનજરમાંથી ઝીણી ઝીણી કોઈ ડિટેલ ચુકાતી નથી0 નાસિર
હુસેનને ખબર હતી કે આમિરને એક્ટિંગનો કીડો ઓલરેડી કરડી ચુક્યો છે, પણ જ્યારે જાવેદ
અખ્તરે એમને કહ્યું કે નાસિરસાબ, આ તમારા ભત્રીજાને હીરો તરીકે લોન્ચ કરવા જેવો છે,
ત્યારે એમણે મનોમન નક્કી કરી નાખ્યું કે બસ, મારી આગલી ફિલ્મનો હીરો આમિર જ હશે.
નાસિર હુસેનનો ખુદના દીકર મન્સૂરે પણ 'મંઝિલ મંઝિલ' અને 'જબરદસ્ત'ના મેકિંગ દરમિયાન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે
કામ કર્યું હતું. અગાઉ 'ઝમાને કો
દખાને હૈ' ફિલ્મની લાઇટિંગ ઇફેક્ટ્સ એણે સંભાળેલી.
મનસૂરનો ઝુકાવ એક્ટિંગ તરફ નહીં, પણ ડિરેક્શન તરફ હતો. એણે ડિરેક્ટ કરેલી એક ટેલીફિલ્મ
નાસિર હુસેનને ગમી ગયેલી. એમણે બીજો નિર્ણય એ લીધો કે 'કયામત સે કયામત તક'થી હું એકલા આમિરને જ નહીં, મન્સૂરને પણ
લોન્ચ કરીશ, ડિરેક્ટર તરીકે.
હિરોઈન તરીકે જુહી ચાવલા નામની એક નવી કન્યાને પસંદ કરવામાં આવી. જુહી
1984માં મિસ ઇન્ડિયા બનેલી. તે પછી 1986માં મુકુલ આનંદે એને 'સલ્તનત' નામની
ફિલ્મમાં શશી કપૂરના બોમ્બે ડાઇંગ ફેમ સુપુત્ર કરણ કપૂર સામે હિરોઈન તરીકે લોન્ચ
કરી હતી. 'સલ્તનત'માં ધર્મેન્દ્ર, સની દેઓલ, શ્રીદેવી જેવાં
ધરખમ કલાકારો હોવા છતાં ફ્લોપ થઈ હતી એટલે જુહી પર લોકોનું ખાસ ધ્યાન નહોતું
પડ્યું. ઇન ફેક્ટ, બી. આર. ચોપરા એને સુપરડુપર હિટ (અને ઓરિજિનલ) 'મહાભારત' સિરીયલમાં
દ્રોપદીના રોલમાં લેવા માગતા હતા. દરમિયાન 'કયામત સે
કયામત તક'ની ઓફર આવતાં જુહીએ સિરીયલને ના પાડી દીધી.
દ્રોપદીની ભુમિકા પછી રૂપા ગાંગુલીએ અસરકારક રીતે નિભાવી.
સંગીતકાર તરીકે અગાઉ આર.ડી. બર્મનનું નામ વિચારાયું હતું, પણ મનસૂર ખાનની
ઇચ્છા હતી કે આર.ડી.ને બદલે આનંદ-મિલિંદ નામના નવા છોકરાઓને ચાન્સ આપવામાં આવે.
મનસૂરની પેલી ટેલી-ફિલ્મમાં આનંદ-મિલિંદે મ્યુઝિક આપ્યું હતું એટલે એમની ક્ષમતાથી
મન્સૂર પરિચિત હતા. જેમની પાસે ગીતો ગવડાવવામાં આવ્યાં એ ઉદિત નારાયણ તેમજ અલકા
યાજ્ઞિક પણ લગભગ નવાં જેવાં જ હતાં.
1980નો દાયકો હિન્દી સિનેમાનો અતિ નબળો સમયગાળો ગણાય છે. ફિલ્મોમાં
મારામારી અને ધડાધડીનું પ્રમાણ જોરદાર વધી ગયું હતું. ફિલ્મસંગીત સાવ ખાડે ગયું
હતું. એ વિડીયો કેસેટ્સનો જમાનો હતો.
પાયરસીએ જોરદાર ઉપાડો લીધો હતો. લોકો પૈસા ખર્ચીને થિયેટરોમાં મામૂલી ફિલ્મો જોવા
જવાને ઘરે જ વીસીઆર મગાવીને સાગમટે મનોરંજન મેળવી લેતા હતા. આવા માહોલમાં પ્રોડ્યુસર-રાઇટર
નાસિર હુસેન એ વખતના ટ્રેન્ડથી સાવ વિપરીત જઈને તદ્દન નવા નિશાળિયાઓવાળી
હલકીફુલકી, સોફ્ટ લવસ્ટોરી લઈને આવ્યા.
રોમિયો એન્ડ જુલિયેટ, હીર-રાંઝા અને લૈલા-મજનુ કુળની આ કથામાં એકબીજાની
સામે યુદ્ધે ચડેલા બે પરિવારોની વાત છે. ઊગીને ઊભા થતાં એમનાં સંતાનો દુશ્મનાવટ
રાખવાને બદલે એકબીજાના પ્રેમમાં પડે છે અને પછી ન થવાનું થાય છે. એક તબક્કે
નાસિરસાહેબને ટેન્શન થવા માંડેલું કે લોકોએ 'એક દૂજે કે
લિયે'માં ઓલરેડી પ્રેમીઓને મરતાં જોયા છે. શું તમને
ફરી પાછો દુખદ અંત જોવો ગમશે? એના કરતાં પ્રેમીઓને
એન્ડમાં જીવતાં રાખીને પરણાવી દઈએ તો? મન્સૂર, એની
બહેન નુઝહત અને આમિરે વિરોધ કર્યો. એમનું કહેવું હતું કે ના, જે છે તે બરાબર છે.
એન્ડમાં હીરો-હિરોઈન મરશે તો એમને ઓડિયન્સની સહાનુભૂતિ મળશે. વાત દુશ્મનાવટથી શરૂ
થાય છે અને આઘાતજનક મૃત્યુ પર પૂરી થાય છે એટલે ફિલ્મનું ટાઇટલ શરૂઆતમાં 'નફરત કે વારિસ' રાખવામાં આવ્યું હતું. પછી તે બદલીને 'કયામત સે કયામત તક' કરવામાં આવ્યું.
એપ્રિલ 1988ના છેલ્લા શુક્રવારે ફિલ્મ રિલીઝ થઈ. ઓડિયન્સને જલસો પડી ગયો.
હિંસાથી ખદબદતી અને કચરા જેવાં ગીતસંગીત ધરાવતી ફિલ્મોથી કંટાળેલા પ્રેક્ષકોને સુખદ
ચેન્જ મળ્યો. આમિર ખાન નામનો સુપર ક્યુટ ચોકલેટી છોકરો અને માસૂમ ચહેરાવાળી અતિ
મીઠડી જુહી ચાવલા નામની કન્યા એમને સખ્ખત ગમી ગયાં. ખાસ કરીને ટીનેજરો અને યુવાનો
આ નવાં હીરો-હિરોઈન પાછળ ગાંડા થયા. અમુક ડિસ્ટ્રીબ્યુટરોએ સ્કીમ કાઢેલી કે જો તમે
એક સાથે આઠ કે એનાથી વધારે ટિકિટ ખરીદશો તો આમિર ખાન અને જુહી ચાવલાનું પોસ્ટર
ભેટમાં આપવામાં આવશે. આથી આમિર-જુહીનું પોસ્ટર મેળવવા કોલેજિયનોનાં ટોળેટોળાં
થિયેટરોમાં ઊભરાતાં.
ફિલ્મનાં ગીતોએ તરખાટ મચાવ્યો. એમાંય 'પાપા કહતે હૈ
બડા નામ કરેગા' સાંભળીને યંગ
ઓડિયન્સને લાગતું કે ઓહો, આ તો મારી જ વાત! 'ગઝબ કા હૈ દિન સોચો જરા... યે દીવાનાપન દેખો
જરા' હોય, 'અકેલે હૈં તો
ક્યા ગમ હૈં... ચાહે તો હમારે બસ મેં ક્યા નહીં' હોય કે 'અય મેરે હમસફર... એક જરા ઇંતઝાર' હોય... ફિલ્મના બધ્ધેબધ્ધાં ગીત સુપરડુપર
હિટ પૂરવાર થયાં. ઇવન આજની તારીખે પણ આપણને આ બધાં ગીતો ખૂબ વહાલાં લાગે છે. એ તો
આપણને પાછળથી ખબર પડી છે કે 'અકેલે હૈં તો
ક્યા ગમ હૈ' ગીત
વાસ્તવમાં નકલ છે. ધ શેડોઝ નામના બ્રિટીશ ઇન્સ્ટ્રુમેન્ટલ રોક-બેન્ડે કંપોઝ કરેલા 'રીટર્ન ટુ એલામો' (1977) નામની ટ્યુનની આ ગીતમાં બેઠી
ઉઠાંતરી કરવામાં આવી છે. પણ હવે શું થઈ શકે! ખેર.
ફિલ્મ જો હવે ધ્યાનથી જોશો તો તમને ઘણા પરિચિત ચહેરા દેખાશે. જેમ કે, એક
સીનમાં કેટલાક ગુંડા જુહીની છેડતી કરવાની કોશિશ કરે છે. આ ગુંડાઓમાં એક મકરંદ
દેશપાંડે છે, એક યતિન કાર્યેકર છે (જેને આપણે 'મુન્નાભાઈ
એમબીબીએસ' જેવી કેટલીય હિન્દી ફિલ્મો ઉપરાંત હમણાં 'રેવા'માં પણ જોયા)
અને એક આમિરનો નાનો ભાઈ ફૈઝલ ખાન છે! 'પાપા કહતે હૈ' ગીતના એક
શોટમાં આમિરની પૂર્વપત્ની રીના દેખાય છે. ફિલ્મમાં આમિરનો બાળપણનો રોલ એના ભાણિયા
ઇમરાન ખાને કર્યો છે. મન્સૂર ખાનની બીજી 'જો જીતા વહી
સિકંદર'માં પણ ઇમરાન બાળ-આમિર બન્યો હતો. ઇમરાનને
વર્ષો પછી આમિરે પોતાના બેનર હેઠળ બનેલી 'દિલ્હી બેલી'માં હીરો તરીકે લોન્ચ કર્યો.
'ક્યામત સે
કયામત તક' ફિલ્મે ઘણાં ટ્રેન્ડ પેદા કર્યા. એક તો
હિન્દી ફિલ્મોમાં રોમાન્સ અને મધુર ગીતસંગીત પાછા આવ્યાં. ભવિષ્યની કેટલીય
લવસ્ટોરીના પાયા નખાયા. ટાઇટલનું શોર્ટ ફોર્મ ક્યુએસક્યુટી ખૂબ પોપ્યુલર બન્યું એટલે આવા ચોટડુક ટૂંકા
શીર્ષકો વાપરવાની ફેશન શરૂ થઈ. ઉદાહરણ તરીકે, ડીડીએલજે (દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે),
કેએનપીએચ (કહો ના પ્યાર હૈ) વગેરે. ફિલ્મમાં રાજપૂત કન્યા બનેલી જુહી પોતાના માટે 'મૈં' નહીં પણ 'હમ' વિશેષણનો
ઉપયોગ કરે છે. આ છટાની પણ પછી ઘણી ફિલ્મોમાં કોપી થઈ.
'કયામત સે
કયામત તક' ઓડિયન્સ અને સમીક્ષકો સૌએ એકઅવાજે વધાવી
લીધી. બોક્સઓફિસ પર એણે પાંચ કરોડ રૂપિયાનો 'તોતિંગ' બિઝનેસ કર્યો. આ ત્રીસ વર્ષ પહેલાંનો આંકડો
છે એટલે સમજોને કે આજના ધારાધોરણ પ્રમાણે આ ફિલ્મ હંડ્રેડ કરોડ ક્લબમાં શામેલ થઈ
ગઈ કહેવાય. 1988માં સૌથી વધારે કમાણી અનિલ કપૂર-માધુરી દીક્ષિતની 'તેઝાબે' કરી હતી,
બીજા નંબર પર ક્ષેત્રસંન્યાસ લઈને પાછા ફિલ્મોમાં સક્રિય થયેલા અમિતાભ બચ્ચનની 'શહેનશાહ' અને ત્રીજા
નંબર પર ક્યુએસક્યુટી. ફિલ્મની નિર્માણપ્રકિયાની વાત કરતું 'કયામત સે કયામત તકઃ ધ ફિલ્મ ધેટ રિવાઇવ્ડ
હિન્દી સિનેમા' નામનું
પુસ્તક પણ લખાયું છે (લેખક ગૌતમ ચિંતામણિ).
'ક્યામત સે
કયામત તક' ફરી એક વાર જોજો. તમારું બાળપણ અથવા જુવાની
પાછાં તાજાં થઈ જશે. જો યુવાન વાચકોએ હજુ સુધી એકેય વાર આ ફિલ્મ જોઈ ન હોય તો એમણે
તે ખાસ જોવી જોઈએ. આમિર ખાનની એક અભિનેતા તરીકેની યાત્રા અને પડાવો સમજવા હોય તો એની સફરનું પહેલું પગલું ધ્યાનપૂર્વક જોવું જોઈએ, ખરું?
0 0 0
Sunday, January 1, 2017
મલ્ટિપ્લેક્સઃ બોલિવૂડનો રુદનસમ્રાટ!
Sandesh - Sanskaar Purti - Jan 1 2017
Multiplex
'...અને તે દિવસે મેં સોગન ખાધા કે હું લાઈફ્માં કયારેય ‘પ્રેકિટકલ’ નહીં બનું! ભાડમાં જાય શેડયુલ, ભાડમાં જાય આર્થિક ગણતરીઓ. બજેટ વધી જતું હોય તો વધારાના બે દિવસના પૈસા હું મારા ખિસ્સામાંથી ચૂકવી દઈશ, પણ ક્રિયેટિવિટી સાથે હું કયારેય છેડખાની નહીં થવા દઉં.'
ગેમચેન્જર. સુપરસ્ટાર વિથ મિડાસ ટચ. કોમર્સ (બોકસઓફ્સિ પર થતી જંગી કમાણી) અને ક્રેડિબિલિટી (વિશ્વસનીયતા, ગુણવત્તાની ગેરંટી) સાથે એન્ટરટેઇનમેન્ટનું અફ્લાતૂન કોમ્બિનેશન કરીને તેમાં સામાજિક સંદેશનો ઉત્તમ વઘાર કરી શકતો હિન્દી સિનેમાનો એકમાત્ર હીરો. આ બધા આમિર ખાન માટે સતત અને યોગ્ય રીતે વપરાતા વિશેષણો છે. આ સિવાય પણ આમિરની એક ખાસિયત છે, જેને અલગ તારવીને ભાગ્યે જ વાત થઈ છે. તે છે, આમિરની રુદનક્ષમતા! સ્ક્રીન પર આમિર જેટલું સરસ રડતાં બીજા કોઈ હીરોને આવડતું નથી! રડવાના દશ્યોમાં આમિર દર વખતે છગ્ગો નહીં તો કમસે કમ ચોગ્ગો તો ફ્ટકારી જ દે છે. હોલિવૂડમાં ટોમ હેન્ક્સને બેસ્ટ રડતા આવડે છે, જ્યારે બોલિવૂડમાં આમિર ખાનને!
લેટેસ્ટ ‘દંગલ’ની વાત કરીએ. બુઢ્ઢો થઈ ગયેલો હરિયાણવી પહેલવાન સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના સાહેબોને બે હાથ જોડીને આજીજી કરી રહૃાો છે કે મારી દીકરીઓએ બિચારીઓએ ભારે મહેનત કરીને ખોબા જેવડા ગામડાથી શરૂઆત કરીને નેશનલ લેવલ સુધીની સફર કાપી છે, એને મહેરબાની કરીને કાઢી ન મૂકો, એને એક ચાન્સ આપો. આ દશ્યમાં ધૂ્રજતી હડપચી સાથે રડતો આમિર એના પાત્રની અસહાયતા, લાચારી અને ઉચાટ અસરકારક રીતે વ્યકત કરી દે છે. ‘પીકે’ના ક્લાઈમેકસમાં યાન પકડતા પહેલાં અનુષ્કાને છેલ્લી વખતે અલવિદા કહી રહેલા અને મહામહેનતે આંસુને આંખોમાં દબાવી રાખવાનો પ્રયત્ન કરી રહેલા પરગ્રહવાસી આમિરના એકસપ્રેશન્સ યાદ છે?
‘તલાશ’ આમિરની કદાચ સૌથી અન્ડરરેટેડ ફ્લ્મિ છે. નાનકડો દીકરો અણધાર્યો મૃત્યુ પામ્યો છે ત્યારથી પોલીસ ઓફ્સિર આમિર જાણે પથ્થર બની ગયો છે. મૃત દીકરાનો આત્મા એને સંદેશો આપે છે કે ડેડી, બોટ તળાવમાં ઊંધી વળી ગઈ ને હું ડૂબીને મરી ગયો એમાં તમારો કોઈ વાંક નહોતો, તમારી કોઈ બેદરકારી નહોતી. તમે શું કામ ગિલ્ટ મનમાં રાખીને જીવો છો? તળાવના કિનારે મરેલા દીકરાનો કાગળ વાંચી રહેલા આમિર જે રીતે આક્રંદ કરે છે તે સંવેદનશીલ દર્શકને હલબલાવી દે છે. તમે એક દર્શક તરીકે અનુભૂતિ કરી શકો કે આમિરના આંસુ કેવળ ગ્લિસરીનનો પ્રતાપ નથી, આ આંસુ એની ભીંસાયેલી છાતીમાંથી, એની ભીતરના કોણ જાણે કયા પ્રદેશમાંથી ખેંચાઈને બહાર આવ્યાં છે. આમિરના ઓલ-ટાઈમ-ગ્રેટ પરફોર્મન્સીસમાં ‘તલાશ’નો આ સીન અનિવાર્યપણે મૂકવો પડે.
‘અકેલે હમ અકેલે તુમ’ની કલાઈમેકસમાં અદાલતનો ચુકાદો આપે છે કે આમિરે જેને એકલે હાથે જીવની જેમ સાચવ્યો હતો એ નાનકડા દીકરાનો કબ્જો વિખૂટી પડી ચૂકેલી પત્નીને સોંપી દેવો. ભૂતપૂર્વ બની ચૂકેલી સ્વકેન્દ્રી પત્ની તેડવા આવે તે પહેલાં આમિર દીકરાનો સામાન પેક કરે છે. પછી પાડોશમાં રહેતી એક ભલી મહિલા (તન્વી આઝમી) સાથે દીકરાને નીચે મોકલે છે. ઘરમાં એકલો પડતાં જ આમિર મોંફટ રુદન કરે છે. આ ૨૧ વર્ષ જૂની ફ્લ્મિમાં આમિર હજુ અદાકાર તરીકે પૂરેપૂરો મંજાયો નથી, છતાંય આ દશ્યનો સૂર બિલકુલ કરેકટ પકડાયો છે.
કેટલા બધા ઉદાહરણો છે. ‘દિલ ચાહતા હૈ’માં પિતા સાથે ફોન પર ફ્કત બે-ચાર વાકયોની આપ-લે થાય છે, પણ આ ગણતરીની ક્ષણોમાં આમિરનો રૃંધાયેલો, ભારે થઈ ગયેલો અવાજ એના કિરદારનો વિષાદ અને એકલતા આબાદ વ્યકત કરી દે છે. ‘રંગ દે બસંતી’માં આમિર ખાતાં ખાતાં રડી પડે છે તે સીનને એક માસ્ટરપીસ ગણવામાં આવે છે. સિચ્યુએશન એવી છે કે વહીદા રહેમાનનો ફૌજી દીકરા માધવનનું ફાઈટર પ્લેન ક્રેશ થતાં ઓન-ડયૂટી મૃત્યુ થઈ ગયું છે. સોહા અલી, કે જે આમિરની બહુ સારી દોસ્ત છે, તેની સાથે માધવનના લગ્ન થવાના હતા. દિલ્હીના ઇન્ડિયા ગેટ પર ભ્રષ્ટ તંત્ર વિરુદ્ધ દેખાવ કરવા એકઠા થયેલા લોકો પર પોલીસ લાઠીચાર્જ કરે છે, જેમાં વહીદા રહેમાન ખરાબ રીતે ઘાયલ થઈ જાય છે, આમિર અને બીજા દોસ્તારો પણ લોહીલુહાણ થાય છે. વહીદા રહેમાનને હોસ્પિટલમાં એડમિટ કર્યા બાદ આમિર થોડું ખાવાપીવાનું પેક કરાવીને વિદેશી ગર્લફ્રેન્ડ સૂ (એલિસ પેટન) સાથે એના ફ્લેટ પર આવે છે. ઘેરાયેલા વાદળા કોઈપણ ક્ષણે મુશળધાર વરસી પડશે તેવા આમિરના એક્સપ્રેશન્સ છે. સૂ ડાઈનિંગ ટેબલ પર પ્લેટ્સ વગેરે ગોઠવીને ખાવાનું કાઢે છે. આમિર કોળિયાં ભરવાનું શરૂ કરે છે, પણ એના મનમાં ઘમાસાણ મચ્યું છે. એ ત્રુટક-ત્રુટક બોલવાનું શરૂ કરે છે. માધવન જેવા બાહોશ અને દેશપ્રેમી ઓફ્સિરે શું કામ ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડે? સોહા… આવી મજાની છોકરી… શું વાંક હતો એનો? આમિરના મોંમાં કોળિયો છે અને એ બોલતાં બોલતાં ધોધમાર રડી પડે છે. અત્યંત અસરકારક અને દષ્ટાંતરૂપ સીન છે આ. આજની તારીખેય ફ્લ્મિોના ઓડિશન આપવા આવતા છોકરાઓને આમિરનો આ સીન ભજવી બતાવવાનું કહેવામાં આવે છે.
પણ આમિરને ખુદને આ સીન સામે ભયાનક અસંતોષ છે! હમણાં એક ન્યૂઝ ચેનલ પર આમિર અને રણવીર સિંહ વચ્ચે વાતચીતનો અફ્લાતૂન પ્રોગ્રામ ગોઠવાયો હતો, જેમાં પોતે શા માટે આ સીનથી અત્યંત નાખુશ છે તે વાત આમિરે વિગતે સમજાવી હતી. બન્યું એવું કે મુંબઈના ફ્લ્મિસિટીમાં ‘રંગ દે બસંંતી’ની ફ્રિંગી હીરોઈનના ફ્લેટનો સેટ લગાવવામાં આવ્યો હતો. શૂટિંગ શરૂ થાય તેના ત્રણ દિવસ પહેલાં આમિર, ડિરેકટર રાકેશ ઓમપ્રકાશ મહેરા અને સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાન સેટ જોવા ગયા. આમિરે સૂચન કર્યું કે આ લોકેશન પર આપણે ઘણા સીન શૂટ કરવાના છે, પણ મારો રડવાવાળો સૌથી અઘરો સીન સૌથી પહેલાં શૂટ કરીશું. બીજા દિવસે સીનનું બ્લોકિંગ કરવામાં આવ્યું એટલે કે મૂવમેન્ટ્સ નક્કી કરવામાં આવી. ત્રીજા દિવસે આમિરે કેમેરા સાથે હળવું રિહર્સલ કર્યું.
‘હું ચકાસવા માગતો હતો કે હું આ સીન કરવા માટે તૈયાર છું કે નહીં,’ આમિર કહે છે, ‘…એન્ડ આઈ વોઝ ટોટલી ધેર! જાણે કે પાણી ગ્લાસની એકદમ ધાર સુધી ભરાઈ ગયું હતું. ગ્લાસને સહેજ હલાવું તો પાણી છલકાઈને બહાર આવી જાય એટલી જ વાર હતી. રિહર્સલ પતાવીને હું ઘરે ગયો. આખી રાત એ સીન વિશે વિચારતો રહૃાો. મારા દિમાગમાં સીનનો સૂર એકદમ પકડાઈ ચૂકયો હતો. આઈ વોઝ જસ્ટ ફ્લોઇંગ! સવારે ઊઠીને શાવર લેતી વખતે ફરી એક વાર આખું દશ્ય મનોમન ભજવી નાખ્યું. આઈ વોઝ લાઈક, વાઉ… આઈ એમ રેડી ફેર ધ સીન. હું ‘ઝોન’માં પહોંચી ચૂકયો હતો અને આ જ મનઃ સ્થિતિમાં હું સેટ પર આવ્યો.’
પણ સેટ પર કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. આસિસ્ટન્ટ ડિરેકટરે મોકણના સમાચાર આપ્યા કે સર, શેડયુલ બદલાઈ ગયું છે, આજે આપણે તમારા રડવાવાળો સીન નહીં, પણ બીજો સીન શૂટ કરવાના છીએ. આમિરે ડિરેકટર રાકેશ ઓમપ્રકાશ મહેરાને બોલાવીને કહ્યું કે, યાર, ઐસા મત કર. હું રડવાવાળા સીનના જે ઈમોશન્સ છે એની એકદમ ધાર ઉપર ઊભો છું. હવે છેલ્લી ઘડીએ ફેરફાર ન કર. મહેરાએ કહૃાું કે બિનોદ પ્રધાનનું કહેવું છે કે જો તે સીન પહેલો શૂટ કરીશું તો પછી લાઈટિંગ બદલવામાં દોઢ દિવસ લાગી જશે ને સરવાળે શેડયુલ બે દિવસ વધારે ખેંચાઈ જશે. આથી આજે આપણે બીજો સીન પતાવી નાખીએ. તારા રડવાવાળો સીન ત્રણ દિવસ પછી શૂટ કરીશું.
આમિર વિચારમાં પડી ગયો. એ ફ્લ્મિ પ્રોડયૂસરનો દીકરો છે, ખુદ પ્રોડયૂસર છે, આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે કામ કરી ચૂકયો છે. એ બરાબર જાણે છે કે શેડયુલ નિર્ધારિત સમયે પૂરું થવું જ જોઈએ, કેમ કે શૂટિંગ જો એક દિવસ પણ વધારે લંબાય તો વધારાના લાખો રૂપિયા ખર્ચાઈ જાય. આ બધા પ્રેકિટકલ કારણોસર આમિરે વિરોધ કર્યા વગર વાત સ્વીકારી લીધી. પેલા રડવાવાળા સીનનું શૂટિંગ ત્રણ દિવસ પછી થયું.
‘પણ ત્રણ દિવસ પછી એ સીન હું જેવી રીતે કરવા માગતો હતો તે પ્રમાણે થયો જ નહીં!’ આમિર કહે છે, ‘હું જે રીતે ઇમોશન્સ વ્યકત કરવા માગતો હતો તે મારી અંદરથી નીકળ્યા જ નહીં. મારાથી સૂર પકડાયો જ નહીં. હું એટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો કે ન પૂછો વાત…. અને તે દિવસે મેં સોગન ખાધા કે હું લાઈફ્માં કયારેય ‘પ્રેકિટકલ’ નહીં બનું! ભાડમાં જાય શેડયુલ, ભાડમાં જાય આર્થિક ગણતરીઓ. બજેટ વધી જતું હોય તો વધારાના બે દિવસના પૈસા હું મારા ખિસ્સામાંથી ચૂકવી દઈશ, પણ ક્રિયેટિવિટી સાથે હું કયારેય છેડખાની નહીં થવા દઉં, કારણ કે પેલી મેજિક મોમેન્ટ જો હાથમાંથી જતી રહેશે તો એ કયારેય પાછી નહીં આવે…’
આટલું કહીને આમિર ઉમેરે છે, ‘લોકો જ્યારે આ સીનના ભરપેટ વખાણ કરે છે ત્યારે મનોમન મને થાય કે અરે યાર, મારું ફ્રસ્ટ્રેશન તમને કેવી રીતે સમજાવું! ફ્લ્મિમાં હાલ જે સીન છે એમાં મારા મોંમાં ખાવાનું છે ને હું રડી પડું છું. ડિરેકટરે વિચારેલું કે હું ડાઈનિંગ પર બેસીશ ને રડવા લાગીશ, પણ મેં કહૃાું કે ના, હું ખાવાનું શરૂ કરી દઈશ અને પછી ખાતાં ખાતાં રડી પડીશ. લોકોને આ ખાતાં ખાતાં રડવાવાળો ટચ બહુ ગમ્યો છે, બાકી મારું પરફેર્મન્સ કંઈ એટલું બધું સારું નથી.’
આમિરે આ દશ્ય નિર્ધારિત શેડયુલ પર શૂટ કર્યું હોત તો તે કયા લેવલ પર પહોંચ્યું હોત તેની કલ્પના જ કરવી રહી!
Sunday, August 14, 2016
મલ્ટિપ્લેક્સ: આશુતોષે નિષ્ફ્ળતાને હંમેશાં સ્પ્રિંગ બોર્ડ તરીકે વાપરી છે…
Sandesh - Sanskaar Purti - 14 Aug 2016
મલ્ટિપ્લેક્સ
સિનેમાને પૈસા રળી આપતા ધંધા તરીકે નહીં પણ ઉત્તમ કળાસ્વરૂપ તરીકે ટ્રીટ કરતા ફ્લ્મિમેકરો હંમેશાં લઘુમતીમાં હોવાના. આશુતોષ એમાંના એક. હિન્દી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિભાશાળી, એલિટ અને સૌથી એકસકલુઝિવ ડિરેકટરોનું લિસ્ટ બનાવવામાં આવે તો તેમાં આશુતોષ ગોવારીકરને અનિવાર્યપણે ઊંચા પાયદાન પર મૂકવા પડે. એમણે જિંદગીમાં ફ્કત એક ‘લગાન’ (૨૦૦૧) જ બનાવી હોત અને આના સિવાય બીજું કશું જ કામ કર્યું ન હોત તો પણ હિન્દી સિનેમાનો ઈતિહાસ એમને હંમેશાં યાદ રાખત.
આશુતોષે જોકે ‘લગાન’ની પહેલાં અને પછી બીજું ઘણું કામ કર્યું છે. ‘સ્વદેસ’ (૨૦૦૪) શાહરુખ ખાનની શ્રેષ્ઠતમ ફ્લ્મિોમાંની એક ગણાય છે, જે ‘લગાન’ પછી આવી. ત્યાર બાદ રિતિક રોશન-ઐશ્વર્યા રાયની સુપરહિટ ‘જોધા-અકબર’ (૨૦૦૮) આવી. એમ તો અત્યંત નિરાશાજનક ‘વોટ્સ યોર રાશિ?’ (૨૦૦૯) અને લોકોનાં ચિત્તમાં જેનું ટાઈટલ, એકાદું વિઝ્યુઅલ કે ગીતની એકાદ કડી સુધ્ધાં નોંધાઈ નથી એવી અભિષેક બચ્ચન-દિપિકા પદુકોણની ભયંકર નિષ્ફ્ળ નિવડેલી ‘ખેલેંગે હમ જી જાન સ’ (૨૦૧૦) પણ આશુતોષ ગોવારીકરે જ બનાવી છે. છેલ્લે એમણે પ્રોડયૂસ કરેલી ‘એવરેસ્ટ’ (૨૦૧૫) નામની ટીવી સિરીઝ પાસેથી ઠીક ઠીક અપેક્ષાઓ હતી, પણ આ સીરિયલ પણ આશ્ચર્ય થાય તેટલી હદે મામૂલી સાબિત થઈ. આશુતોષના ચાહકો વિચારમાં પડી ગયેલા કે બાવન વર્ષીય ગોવારીકરસાહેબ પોતાનો મિડાસ ટચ ઉત્તરોત્તર ગુમાવી રહ્યા છે કે શું? શું એમની ક્રિયેટિવિટી અને સફ્ળતાનો ધડાધડ નીચે ઉતરી રહેલો ગ્રાફ્ ‘મોહેન્જો દારો’થી પાછો ઉપર ચડશે? ‘મોહેન્જો દારા’ આ શુક્રવારે ઓલરેડી રિલીઝ થઈ ચૂકી છે એટલે આ સવાલોના જવાબ મહદ્દઅંશે આપણને મળી ચૂકયા હશે.
(તાજા કલમઃ 'મોહેન્જો દારો' રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મે ઓડિયન્સ અને સમીક્ષકો સૌને અપેક્ષાભંગ કર્યો છે. અફ કોર્સ, આશુતોષની છેલ્લી બે ફિલ્મો 'વોટ્સ યોર રાશિ?' અને 'ખેલેંગે હમ જી જાન સે' કરતાં આ ફિલ્મ અનેક ગણી સુંદર છે, હૃતિકે અફલાતૂન પર્ફોમન્સ આપ્યું છે, ફિલ્મ વિઝ્યુઅલી મસ્ત લાગે છે વગેરે, પણ નબળી સ્ટોરીને કારણે ફિલ્મ જમાવટ કરતી નથી. એક્સાઈમેન્ટની જોરદાર કમી છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય પણ વાનગી ખાતાં ખબર પડે કે આમાં તો મારું બેટું મીઠું નાખવાનું જ ભુલાઈ ગયું છે યા તો બહુ ઓછું નમક પડ્યું છે ત્યારે કેવી ફીલિંગ થાય? બસ, 'મોહેન્જો દારો' જોતી વખતે અને જોયા પછી એક્ઝેક્ટલી આવી જ લાગણી જાગે છે.)
આશુતોષના હવે પછીનાં કરીઅરમાં ગ્રાફ્ વિશે અટકળ બાંધતા પહેલાં એમની કારકિર્દીની શરૂઆતના તબક્કાનું સિંહાવલોકન કરી લેવું જોઈએ. આશુતોષ મૂળ તો અભિનેતા. કોલેજનાં વર્ષોમાં તેમનું ધ્યાન ભણવામાં ઓછું ને નાટક-ચેટક તેમજ ઈન્ટરકોલેજિયેટ કોમ્પિટીશન પર વધારે રહેતું. આવી જ કોઈ એકિટવિટી દરમિયાન ફ્લિમમેકર કેતન મહેતાનું ધ્યાન આ વાંકળિયા વાળવાળા અને બહુ જ કયુટ સ્માઈલ ધરાવતા લંબૂશ છોકરા પર પડી. કેતન મહેતાએ એમને પોતાની ‘હોલી’ (૧૯૮૪) નામની ઓફ્બીટ ફ્લ્મિમાં રોલ આપ્યો. કોલેજમાં થતા રેગિંગના થીમવાળી આ ફ્લ્મિનાં સેટ પર આશુતોષનો ભેટો એક નવાસવા એકટર સાથે થયો. એ છોકરો ગુજરાતી નાટકોમાં બેકસ્ટેજ વગેરે કરતો હતો ને એનેય એકટર બનવાનાં ધખારા હતા. આ છોકરાનું નામ હતું, આમિર ખાન.
આમિર તો ફ્લ્મિી પરિવારનું ફરજંદ હતો એટલે એને ‘કયામત સે કયામત તક’થી રીતસર હીરો તરીકે લોન્ચ કરવામાં આવ્યો. પહેલી જ ફ્લ્મિથી એ સ્ટાર બની ગયો ને સમયની સાથે ઈન્ડસ્ટ્રીમાં એનું સ્થાન મજબૂત બનતું ગયું. આ બાજુ આશુતોષ સફ્ળતા માટે હવાતિયાં મારતા રહૃાા. એમણે ‘સરકસ’ (૧૯૮૯) નામની સીરિયલ કરી (જેમાં એનો ભેટો ઓર એક ટેલેન્ટેડ નવા એકટર સાથે થયો હતો. એ દિલ્હીથી પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવ્યો હતો અને એનું નામ હતું શાહરૂખ ખાન), જે હજુ સુધી ખતમ થવાનું નામ લેતી નથી તે ‘સીઆઈડી’ સીરિયલમાં ય આશુતોષે થોડા એપિસોડ્સ કર્યા (૧૯૯૮). ‘નામ’ (૧૯૮૬), ‘સલીમ લંગડે પે મત રો’ (૧૯૮૯), ‘ચમત્કાર’ (૧૯૯૨), ‘કભી હાં કભી ના’ (૧૯૯૩) જેવી ફ્લ્મિોમાં નાના નાના રોલ્સ કર્યા, ખૂબ કોશિશો કરી, પણ આશુતોષ એક એકટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં ખુદને એસ્ટાબ્લિશ ન જ કરી શકયા.
એકટર તરીકે પોતાનું ખાસ કોઈ ભવિષ્ય નથી તે સત્ય આશુતોષને સમજાઈ ચુકયું હતું, પણ વાઘે લોહી ચાખી લીધું હતું. એમણે નક્કી કરી નાખ્યું હતું કે સિનેમા-ટીવી જ મારી દુનિયા છે. કરીઅર તો હું આ જ લાઈનમાં બનાવીશ. એકટર તરીકે કામ કરતી વખતે સેટ પર આશુતોષને ડિરેકટોને આસિસ્ટ કરવાની ખૂબ મજા પડતી. પોતાનો શોટ પૂરો થતાં જ તેઓ જાણે અનઓફ્શિીયલ આસિસ્ટન્ટ ડિરેકટર બની જતા. બીજા એકટરોને કયૂ આપવી, કલેપ આપવી વગેરે જેવાં કામો તેઓ કરતા રહેતા. ડિરેકટરો અને ટેકનિશીયનોને જાતજાતનાં સવાલો પૂછે, જાણવાની-સમજવાની કોશિશ કરે. આમ, ફ્લ્મિમેકિંગની એ-બી-સી-ડી આશુતોષ અનાયાસે શીખતા ગયા. અમોલ પાલેકર (જેની ‘કચ્ચી ધૂપ’ નામની ટીનેજરો માટેની મસ્ત સીરિયલમાં આશુતોષે અભિનય કરેલો), સઈદ મિરઝા, મહેશ ભટ્ટ, કુંદન શાહ જેવા કાબેલ ડિરેકટરો સાથે આશુતોષે એકટર તરીકે કામ કર્ર્યુ છે. આમ જુઓ તો આમાંનાં કોઈ આશુતોષના ગુરુ નથી. આશુતોષ એકલવ્યની જેમ સીરિયલ તેમજ ફ્લ્મિમેકિંગની પ્રોસેસ શીખ્યા છે. આશુતોષમાં જોકે એકલવ્યભાવ ગેરહાજર હતો. તેઓ માનતા કે હું જ મારો ગુરુ છું, હું બધું આપબળે શીખ્યો છું. આ પ્રકારનો આત્મવિશ્વાસ જ નહીં, તુમાખી પણ એમનામાં હતાં. આશુતોષે પોતાનું ભવિષ્ય નવેસરથી રિ-ડિફઈન કર્યું: એકટર તરીકે આગળ વધી શકાય તેમ નથી તો શું થઈ ગયું, હું ડિરેકટર બનીશ!
સહાયક દિગ્દર્શક તરીકેનો કોઈ નોર્મલ અનુભવ ન હોવા છતાં એકટર તરીકે નિષ્ફ્ળ ગયેલા આશુતોષને ૨૮ વર્ષની ઉંમરે ડિરેકટર તરીકે પહેલો બ્રેક મળ્યો. તે ફ્લ્મિ હતી, ‘પહલા નશા’ (૧૯૯૨). દીપક તિજોરી, રવિના ટંડન અને પૂજા ભટ્ટે એમાં એકિટંગ કરી. આ મર્ડર મિસ્ટરી બોકસઓફ્સિ પર ન ચાલી ને રિવ્યૂઅરોએ તેને ધોઈ નાખી. આશુતોષ ની હિંમત ન થઈ. તેમણે ‘બાઝી’ (૧૯૯૫) નામની બીજી ફ્લ્મિ બનાવી, જે હોલીવૂડની ‘ડાઈ હાડૅ’ પર આધારિત હતી. બોલીવૂડમાં મસ્ત રીતે સેટ થઈ ગયેલા આમિર ખાન તેમાં હીરો હતા. આશુતોષે ધ્યાન રાખ્યું કે ‘બાઝી’ બનાવતી વખતે એક પણ ફ્લ્મિી મસાલો ભુલાઈ જવો ન જોઈએ. મારધાડ, નાચગાના, એકશન-ઈમોશન બધું જ તેમણે સારી પેઠે ભભરાવ્યું. અરે, આમિર પાસે છોકરીનો વેશ ધારણ કરાવીને સેકસી ડાન્સ પણ કરાવ્યો. પરિણામ? ફ્લોપ. આ મસાલા ફ્લ્મિ ન ઓડિયન્સને ગમી, ન વિવેચકોેએ વખાણી. ડિરેકટર તરીકે બનાવેલી બન્ને ફ્લ્મિો ઉપરાછાપરી ફ્લોપ. હવે? એકટરની જેમ ડિરેકટર તરીકેના ભવિષ્ય પણ પણ તાળું લાગી જશે?
આમિરે ‘બાઝી’માં કામ જરૂર ર્ક્યું, પણ એમની સેન્સિબિલિટી સાથે આ ફ્લ્મિ જરાય મેચ થતી નહોતી. ઈવન આશુતોષ પણ ક્રિએટિવ લેવલ પર ‘બાઝી’થી સંતુષ્ટ નહોતા. તેઓ જાણતા હતાં કે મારધાડ ટાઈપના કમર્શિયલ મસાલાનો ઓવરડોઝ હું ફ્ક્ત બોકસઓફ્સિને ધ્યાનમાં રાખીને કરી રહૃાો છું. જોકે ‘બાઝી’ને કારણે એક સરસ વાત બની. આમિરને સમજાયું કે આશુતોષે ‘બાઝી’ બનાવવામાં લોચા માર્યા છે, પણ આ છોકરો છે ભારે તેજસ્વી. આમિર આશુતોષને કહેતા,’આશુ, તું જે કંઈ બનાવી રહૃાો છે તેમાં તું ખુદ કન્વિન્સ્ડ નથી, તો ઓડિયન્સ કયાંથી કન્વિન્સ થવાનું? જો ડિરેકટર તરીકે તારામાં સેલ્ફ્-બિલીફ્ નહીં હોય, જો તું હિંમત નહીં કરે તો તું કયારેય સારો ડિરેકટર નહીં બની શકે.’
આશુતોષને જોકે આવી બધી શિખામણોની જરૂર જ નહોતી. આશુતોષ ખુદ અનુભવે સમજી ચુકયાં હતા કે મારે મારો અપ્રોચ બદલવો પડશે. જે થતું હોય છે તે સારા માટે થતું હોય છે. જો ‘બાઝી’ કે ‘પહલા નશા’ આ બેમાંથી એકાદ ફ્લ્મિ પણ ચાલી ગઈ હોત તો આશુતોષ કયારેય ‘લગાન’ જેવો માસ્ટરપીસ શકયા ન હોત. તેમને નિષ્ફ્ળતાનાં મોટા ઝટકા લાગ્યા ન હોત તો તેઓ ‘બાઝી’ – ‘પહલા નશા’ ટાઈપની મામૂલી ફ્લ્મિો બનાવ્યા કરત. ડિરેકટર તરીકેની પોતાની બન્ને ફ્લ્મિો ઊંધાં મોંએ પછડાઈ એટલે આશુતોષે આત્મમંથન કરવું પડયું, ક્રિએટિવ ગુપ્તવાસમાં જતા રહેવું પડયું. આખરે માનસિક સ્પષ્ટતા થઈ. એમણે નક્કી કર્યું કે હવે હું બોકસઓફ્સિને ધ્યાનમાં રાખીને ફ્લ્મિ નહીં જ બનાવું. આ બધાં ઉધામા મેં કરી લીધા છે ને એનું પરિણામ પણ જોઈ લીધું છે. બોકસઓફ્સિનું કયાં કશું નક્કી હોય છે? ઓડિયન્સને શું ગમશે તેની કલ્પનાઓ કરીને હવામાં તીર ચલાવવાને બદલે મને ખુદને ગમે એવી ફ્લ્મિો કેમ ન બનાવું? હું ટ્રેન્ડને નહીં અનુસરું. રિસ્ક ઉઠાવવું પડે તો ઉઠાવીશ. મહાન ફ્લ્મિમેકરોએ કયારે બોકસઓફ્સિને ગણકારી હતી? પોતાનાં સપનાંની દુનિયામાં વિહરતા કવિની વાત કરતી ‘પ્યાસા’ કે કલકત્તામાં હાથરિક્ષા ચલાવતા ગરીબ માણસની ‘દો બીઘા જમીન’ લેન્ડમાર્ક ફ્લ્મિો બનશે એવું કોણે કહ્યું હતું? તો બસ, હું પણ એવી જ ફ્લ્મિ બનાવીશ, જેમાં મને ખૂદને ભરપૂર શ્રદ્ધા હોય. જેમાં મારું મન માનતું ન હોય તેવી સ્ક્રિપ્ટને હાથ પણ નહીં લગાડું.
આ પ્રકારના ખુન્નસ સાથે આશુતોષે ૧૯૯૬નાં ઓકટોબરમાં સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું. આ સ્ક્રિપ્ટ પરથી જે ફ્લ્મિ બની તે જ ‘લગાન’ (૨૦૦૧). હિન્દી સિનેમાની આ સર્વકાલિન કલાસિક ફ્લ્મિ ખરેખર કેવી રીતે બની તે વિશે આખું પુસ્તક લખાયું છે.
સો વાતની એક વાત. જો ‘મોહેન્જો દારો’ મસ્તમજાની પુરવાર થશે (જે કમનસીબે નથી થઈ) તો એ અપેક્ષિત ગણાશે. ધારો કે તે આશુતોષની છેલ્લી બે ફ્લ્મિોની તે માફ્ક નિરાશાજનક સાબિત થશે તો ય આશુતોષનાં નામનું નાહી નાખવાની જરૂર નથી. આ એવો કલાકાર છે જેનો માંહોલ હજુ સુધી ‘કરપ્ટ’ થયો નથી… અને ચોખ્ખો માંહોલ ધરાવતો ટેલેન્ટેડ માણસ ગમે ત્યારે ચમત્કાર સર્જી શકતો હોય છે!
શો-સ્ટોપર
મને બીજું કોઈ કામ કરતાં કયારેય આવડયું જ નથી. હું જાતજાતનાં ઉંધામાં કરવાનાં ટ્રાય કરતો, પણ દર વખતે ઊંધા મોંએ પછડાતો એટલે ચુપચાપ પાછો એકિટંગ કરવા માંડતો.
– મનોજ બાજપાઈ
Sunday, January 4, 2015
મલ્ટિપ્લેક્સ : લાફ... ક્રાય... ડ્રામા!
Sandesh - Sanskar Purti - 4 Jan 2014
મલ્ટિપ્લેક્સ
એલ-સી-ડી અર્થાત લાફ-ક્રાય-ડ્રામા! સીન એવો બનાવવાનો કે એમાં કાં તો ઓડિયન્સને ખૂબ હસવું આવવું જોઈએ અથવા રડવું આવવું જોઈએ યા તો કશોક મોટો ડ્રામા બનવો જોઈએ. આ ત્રણમાંથી એકેય વસ્તુ બનતી ન હોય તો સીન રાખવાનો જ નહીં! આ છે 'પીકે', 'થ્રી ઈડિયટ્સ' અને 'લગે રહો મુુન્નાભાઈ' જેવી સુપરડુપર હિટ ફિલ્મોના લેખક અભિજાત જોશીની મેજિક ફોર્મ્યુલા!
થેન્ક ગોડ! 'ક્વીન' જેવી નિતાંત સુંદર ફિલ્મથી પ્રારંભ થયેલા ૨૦૧૪ના વર્ષનો અંત 'પીકે' જેવી અફલાતૂન ફિલ્મથી થયો. 'પીકે' રિલીઝ થઈ ત્યાં સુધીમાં ઉત્તેજના, અટકળ અને ઈંતજાર આ ત્રણેય તત્ત્વો એટલાં તીવ્ર થઈ ચૂક્યાં હતાં કે જાણે હિંદુસ્તાનમાં કોઈ મોટી સિનેમેટિક ઘટના આકાર લઈ રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. તે વખતે કોઈએ કલ્પના સુધ્ધાં કરી હતી ખરી કે 'પીકે' દેશમાં આટલી મોટી બબાલ ખડી કરી દેશે! ફિલ્મ રિલીઝ થઈ પછી શરૂઆતના દિવસો તો શાંતિથી પસાર થયા, પણ પછી ધીમે ધીમે વિવાદ વકરતો ગયો.
ખેર, આપણી આસપાસ 'પીકે'ના વિવાદનો કાગારોળ એટલો તીવ્ર બની ચૂક્યો છે કે તેમાં નવું કશું ઉમેરણ કરવું નથી. દેશના કરોડો લોકો ઓલરેડી આ ફિલ્મ માણી ચૂક્યા છે અને ભરપેટ વખાણી ચૂક્યા છે. આપણે આ લેખમાં ફક્ત ફિલ્મનાં ક્રિયેટિવ પાસાં પર ફોકસ કરીએ. વિવાદ વકરે તેની બહુ પહેલાં 'પીકે'ના લેખક અભિજાત જોશીએ ફિલ્મ વિશે મસ્તમજાની વાતો કરી હતી. તેને રસપૂર્વક માણીએ.
"સૌથી પહેલાં 'પીકે'નો આઇડિયા ૨૦૦૪માં 'લગે રહો મુન્નાભાઈ' લખાઈ રહી હતી તે દરમિયાન આવ્યો હતો," અભિજાત જોશી વાત માંડે છે, "તે વખતે પૂરેપૂરી સ્પષ્ટતા નહોતી, પણ હું અને રાજુ બન્ને આ આઇડિયાથી એક્સાઇટેડ હતા. તે વખતે વિચારેલું કે ક્યારેક ભવિષ્યમાં આના પર કામ કરીશું. મુન્નાભાઈ પછી જોકે 'થ્રી ઇડિયટ્સ' આવી ગઈ. 'થ્રી ઇડિયટ્સ'નું કામ પૂરું થતાં જ થયું કે ચલો, વો જો આઈડિયા થા ઉસ પર ટ્રાય કરતે હૈં."
અમદાવાદમાં જન્મેલા, ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણેલા અને ૨૦૦૩થી ઓહાયો (અમેરિકા)ની ઓટરબીન કોલેજમાં પ્રોફેસર તરીકે પ્રવૃત્ત એવા ૪૫ વર્ષીય અભિજાત જોશીની ગણના આજે ભારતના સર્વોત્તમ સ્ક્રીનપ્લે-રાઈટર્સમાં થાય છે, પણ આ હકીકતની સહેજ અમથી સભાનતા પણ તેમની વાતો કે વર્તનમાં ક્યારેય ડોકાતા નથી. 'પીકે' અભિજાત જોશી અને રાજકુમાર હિરાણીએ સંયુક્તપણે લખી છે - 'લગે રહો...' અને 'થ્રી ઈડિયટ્સ'ની જેમ. પોતાની રાઈટિંગ પ્રોસેસ વિશે વાત કરતાં અભિજાત કહે છેઃ
"સમજોને કે ડિસેમ્બર ૨૦૦૯થી અમે 'પીકે' પર કામ કરવાનો શુભારંભ કર્યો. સૌથી પહેલાં તો અમારે એ ચકાસવું હતું કે જે આઇડિયા પાંચેક વર્ષ પહેલાં આવ્યો હતો તે હજુ પણ અમને એકસાઈટ કરી શકે છે કે કેમ. તે વિચારમાં અમને જાગતાં-સૂતાં ચોવીસે કલાક રમમાણ રાખી શકવાનુ કૌવત છે કે કેમ. આથી પહેલો એક મહિનો તો મેં અને રાજુએ 'પીકે'વાળા આઇડિયા પર ફક્ત વાતો કરી. અમને સમજાયું કે આ વિષય માટે અમે બન્ને સ્ટ્રોંગલી ફીલ કરીએ છીએ ને આ વાર્તા તો કહેવી જ છે."
અગાઉની ફિલ્મોની માફક આ વખતે પણ શરૂઆત તો કેવળ એક કેન્દ્રીય વિચાર, યુનિક આઈડિયા યા તો થીમથી જ થઈ હતી. પછી તે થીમને કેન્દ્રમાં રાખીને બન્નેની મૌખિક ચર્ચા ચાલતી રહી. જે કંઈક વાંચ્યું, સાંભળ્યું કે અનુભવ્યું હોય તે એકબીજા સાથે શેેર થતું રહ્યું. અભિજાત અને રાજુમાં એક સરસ વાત કોમન છે. બન્ને પોતપોતાના પિતાજીથી ખૂબ પ્રભાવિત છે અને તેમની સાથે ઊંડાણપૂર્વક સંવાદ સાધી શકે છે. પ્રોફેસર જયંત જોશી પાસે સાહિત્ય, કળા અને સમાજજીવનની ઊંડી સમજ છે, તો દેશના વિભાજન વખતે સિંધથી હિજરત કરીને હિંદુસ્તાન આવેલા રાજુના પિતા સુરેશ હિરાણી પાસે અનુભવોની સમૃદ્ધિ ઉપરાંત કમાલનો તાર્કિક દૃષ્ટિકોણ પણ છે. આ બન્નેના ઇનપુટ્સ લેખકોને ખૂબ ઉપયોગી બન્યા.
![]() |
| Abhijat Joshi and Rajkumar Hirani |
"આ બધું એક-બે મહિના ચાલ્યું," અભિજાત વાત સાંધે છે, "એપ્રિલ ૨૦૧૦માં અમને પૃથ્વી પર આવી ચડેલા પરગ્રહવાસીનું કેરેક્ટર સૂઝ્યું. અમને થયું કે આ એક એવું કિરદાર છે, જેનો ઉપયોગ કરીને અમારે જે વાત કહેવી છે તે કહી શકીશું. આમ, પહેલાં થીમ વિશે સ્પષ્ટ થયા, ત્યારબાદ કેરેક્ટર મળ્યું ને બ્રોડ પ્લોટ ઘડાયો. ત્રીજો તબક્કો હતો, રેન્ડમ સીન્સ લખવાનો. અમે વિચારીએ કે આ પરગ્રહવાસીના પાત્રને અમુક સ્થિતિમાં મૂકીએ તો શું થાય. અમે કલ્પના કરી કરીને દૃશ્યો લખતાં ગયા. આ સીન્સ સ્ટોરીમાં ક્યાં ફિટ થશે એની તે વખતે અમને ખબર ન હોય. મૂળ વાર્તા એવી હતી કે યાનનું ફ્યુઅલ ખતમ થઈ જતાં એક પરગ્રહવાસીએ પૃથ્વી પર ઊતરવું પડે છે. જો એને યુરેનિયમ મળે તો જ યાન ફરી ચાલુ થઈ શકે તેમ છે. એ પૃથ્વીવાસીઓની મદદ માગે છે. લોકો એને કહે છે કે ભાઈ, તને તો ભગવાન જ મદદ કરી શકે તેમ છે. આથી પેલો પરગ્રહવાસી પછી ભગવાનની શોધમાં નીકળે છે. આ મૂળ વાર્તામાં પછી જોકે ઘણાં ફેરફાર કર્યા."
અભિજાત અને રાજુએ સ્ક્રીનપ્લે લખવાની એક અકસીર ફોર્મ્યુલા વિકસાવી છે. તે છે એલ-સી-ડી અર્થાત લાફ-ક્રાય-ડ્રામા! સીન એવો બનાવવાનો કે એમાં કાં તો ઓડિયન્સને ખૂબ હસવું આવવું જોઈએ અથવા રડવું આવવું જોઈએ યા તો કશોક મોટો ડ્રામા બનવો જોઈએ. આ ત્રણમાંથી એકેય વસ્તુ બનતી ન હોય તો સીન રાખવાનો જ નહીં!
અભિજાત કહે છે, "તમે જોજો કે અમારી ફિલ્મોમાં માત્ર માહિતી આપતાં હોય તેવાં દૃશ્યો ભાગ્યે જ હશે. અલબત્ત, વાર્તાને આગળ વધારવા માટે આ પ્રકારના લિન્ક સીન ક્યારેક જરૂરી બની જતા હોય છે, પણ આવા સીનની આગળપાછળ સૂઝપૂર્વક પેડિંગ થવું જોઈએ. કેવળ ઈન્ફર્મેશન કે એક્સપોઝિશન (સમજૂતી, વર્ણન) આપતો સીન ફક્ત બે મિનિટનો હોય તો પણ એ બે મિનિટ પૂરતી ફિલ્મ મરી જાય છે. આવા પાંચ-છ શુષ્ક સીન આવી જાય તો નેરેટિવ બેસી જાય અને પછી એમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ થઈ જાય."
ઓડિયન્સને હસાવતાં, રડાવતાં કે ચોંકાવી દેતા નમૂનેદાર સીન લખવા કેટલા કઠિન હોય છે એ તો અનુભવે જ સમજાય. અભિજાતના દિમાગમાં કેવી રીતે આવે છે આવાં અફલાતૂન દૃશ્યો? "હું અને રાજુ ચાલતાં ચાલતાં ખૂબ વાતો કરીએ, સતત વાતો કરીએ," અભિજાત હસે છે, "વોક લેતી વખતે શરીરમાં એક્ઝેક્ટલી કેવી કેમિકલ પ્રોસેસ થતી હશે એની તો ખબર નથી, પણ પગ ચાલતાં હોય ત્યારે દિમાગમાં આઇડિયાઝ સારા આવે છે! કોઈ સીન બરાબર બેસતો ન હોય તો જ્યાં સુધી તે પૂરેપૂરો ક્રેક ન થાય ત્યાં સુધી અમે એનો તંત છોડતા નથી. મારા માટે સીન લોક થવો તે બહુ મોટી વાત છે."
આ રીતે ૩૦થી ૪૦ સીન લોક થાય એટલે સમજોને કે ઇન્ટરવલ પહેલાંનો કાચો મસાલો તૈયાર થઈ ગયો. પછી આ તમામ સીનને વ્યવસ્થિત ક્રમમાં મૂકીને નવેસરથી ચકાસવામાં આવે. વાર્તાને સુરેખ બનાવવા માટે લોક થઈ ગયેલા સીનને ખોલીને નવેસરથી મઠારવોય પડે. આ રીતે ૧૩ મહિનાની જબરદસ્ત મહેનત પછી 'પીકે'ની આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ. ઓગસ્ટ ૨૦૧૧માં આમિર ખાનને નેરેશન આપવામાં આવ્યું.
"આમિર એવો એક્ટર છે જેને તમારા પાસ્ટ રેકોર્ડ સાથે કોઈ મતલબ નથી, પછી એ ગમે તેટલો ભવ્ય કેમ ન હોય!" અભિજાત સ્મિતપૂર્વક કહે છે, "એને તો તમે હવે શું લાવ્યા છો ને કેવું લાવ્યા છો તેમાં રસ હોય. એણે નેરેશન સાંભળ્યું. ફર્સ્ટ હાફ એને બહુ ગમ્યો, પણ સેકન્ડ હાફમાં હજુ વધારે કામ કરવું પડશે એવું તેને લાગ્યું. અમે થોડો સમય માગ્યો. સેકન્ડ હાફમાં જે કંઈ કચાશ હશે તે ઝડપથી દૂર કરી શકીશું એવી અમને ખાતરી હતી. નવેમ્બર, ૨૦૧૧માં નવી સ્ક્રિપ્ટ સાથે ફરી આમિરને મળ્યા. આ વખતે આમિર બહુ જ ખુશ થયો અને એણે દિલથી સ્ક્રિપ્ટની તારીફ કરી."
હવેનો તબક્કો હતો સ્ક્રિપ્ટને વધારે સમૃદ્ધ, વધારે ધારદાર, વધારે અસરકારક બનાવવાનો... અને આ પ્રોસેસ ભયંકર લાંબી ચાલી,લગભગ બે-અઢી વર્ષ! સો કરતાં વધારે ડ્રાફ્ટ્સ લખાયા. 'પીકે'ને અભિજાત અમસ્તા જ તેમની સૌથી કઠિન ફિલ્મ નથી કહેતા. આ સમયગાળામાં પરેશ રાવળ-અક્ષયકુમારવાળી 'ઓહ માય ગોડ' પણ આવી ગઈ. આ ફિલ્મમાં પણ ભગવાન અને ધાર્મિકતાના સંદર્ભમાં તીખા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. 'પીકે'ના વિષયનું જે અનોખાપણું હતું તે 'ઓહ માય ગોડ'ને કારણે જોખમાતું હતું, પણ 'પીકે'ની ટીમ પોતાની સ્ક્રિપ્ટ પર કોન્ફિડન્ટ હતી. શૂટિંગ શરૂ થયું અને આખરે જે મસ્તમજાની ફિલ્મ બની તે આપણી સામે છે. ફિલ્મ લક્ષ્યવેધ કરવાને બદલે નિરર્થક વિવાદ પેદા કરી નાખશે એવું તો 'પીકે'ની ક્રિયેટિવ ટીમના મનમાંય ક્યાંથી હોય. ખેર...
આમિર ખાન એક એવો અદાકાર છે જેનામાં વાતને વધારે પ્રભાવશાળી બનાવી શકવાનું કૌવત છે. "એના દિમાગમાં આખેઆખી સ્ક્રિપ્ટ જ નહીં, પણ તેમાં જેે ક્રમિક ફેરફારો થયા હોય તે બધું જ રીતસર છપાઈ જાય છે," અભિજાત કહે છે, "એક જ આઈડિયા પર વર્ષો સુધી કામ કરવાને કારણે ક્યારેક એવું બને કે અમે લેખકો અમારી ઓબ્જેક્ટિવિટી કોઈક સીન પૂરતા કદાચ ગુમાવી બેસીએ, પણ આમિર અમને ઓરિજિનલ સૂરથી સહેજ પણ ચસકવા ન દે. 'પીકે'માં એણે પોતાની તમામ ઈન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીઝ અને પચીસ વર્ષોનો અનુભવ કામે લગાડી દીધો છે."
'કરીબ' અને 'મિશન કશ્મીર'થી ફિલ્મયાત્રા શરૂ કરનાર અભિજાતની બે ઔર ફિલ્મો આવી રહી છે- 'વઝીર' અને 'બ્રોકન હોર્સીસ'.બે ચેસ પ્લેયર્સની વાત કરતી 'વઝીર' મૂળ હોલિવૂડ માટે કન્સીવ થઈ હતી. 'સિક્સ્ટી ફોર સ્કવેર્સ' ઓરિજિનલ ટાઇટલ હતું. ડસ્ટિન હોફમેન અને રોબિન વિલિયમ્સ જેવા ટોચના એક્ટરોએ એમાં રસ પણ દેખાડયો હતો, પણ કોઈક કારણસર આ ફિલ્મ બની ન શકી. તે હવે 'વઝીર' નામે હિન્દીમાં બની છે, જેમાં અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરે કામ કર્યું છે. વિધુ વિનોદ ચોપડાએ હોલિવૂડ માટે ફિલ્મ બનાવવાની દાયકાઓ જૂની મંશા આખરે 'બ્રોકન હોર્સીસ'થી પૂરી કરી છે. અમેરિકન-મેક્સિકન બોર્ડર પર આકાર લેતી આ મેઈનસ્ટ્રીમ હોલિવૂડ ફિલ્મમાં તમને 'પરિંદા'ના શેડ્ઝ દેખાશે.
અભિજાત છેલ્લે કહે છે, "ફિલ્મ રાઈટર તરીકેના મારા આટલાં વર્ષોના અનુભવો પરથી હું બે વસ્તુ શીખ્યો છું - સ્ટિક ટુ યોર કન્વિક્શન્સ. તમારે જે કહેવું છે તે જ કહો. બીજાઓને કેવું લાગશે તેની ફિકર ન કરો... એન્ડ નેવર ગિવ અપ! જ્યાં સુધી સીન કે સ્ક્રિપ્ટ ક્રેક ન થાય ત્યાં સુધી એકધારા મચ્યા રહો...!"
0 0 0
Tuesday, December 17, 2013
મલ્ટિપ્લેક્સ : અંતરંગ આમિર
Sandesh - Sanskaar Purti (Sunday) - 15 Dec 2013
મલ્ટિપ્લેક્સ
આમિર એક લિવિંગ લેજન્ડ છે. પોતાના સમકાલીનો કરતાં બિલકુલ જુદી જ ભ્રમણકક્ષામાં એ એકધારી ઉર્ધ્વગતિ કરી રહ્યો છે. ખેર,પ્રોફેશનલ સિદ્ધિઓ અલગ વસ્તુ છે, પણ અંગત જીવનના તૂટેલા લયને પુનઃ સાંધતા પણ આમિરને સરસ આવડે છે.
૧૮એપ્રિલ, ૧૯૮૬નો એ દિવસ. કોલેજિયન જેવો દેખાતો રૂપકડો છોકરો. ગર્લફ્રેન્ડ લગભગ એની જ ઉંમરની. પ્રેમની તીવ્રતા એટલી વધી ગઈ છે કે પોતાના સંબંધને લોજિકલ લેવલ પર લઈ જવા માટે બન્ને કોર્ટમાં જઈને ગુપચુપ લગ્ન કરી લે છે. વિધિ પતાવીને બન્ને ડાહ્યાંડમરાં થઈને જાણે કંઈ બન્યું જ ન હોય તેમ પોતપોતાનાં ઘરે જતાં રહે છે. તે દિવસે શારજાહમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ ચાલી રહી છે. ઈન્ડિયા મેચ જીતી જ જશે એવું લગભગ નિશ્ચિત છે. છોકરો મનોમન ખુશ થઈ રહ્યો છેઃ વાહ! કેટલો સરસ દિવસ છે આજે. સવારે ગર્લફ્રેન્ડ સાથે મેરેજ ને હવે પાકિસ્તાન સામે જીત! પણ આ તો ક્રિકેટ છે. કુછ ભી હો સકતા હૈ. એક છેલ્લો બોલ બચ્યો છે ને જાવેદ મિંયાદાદ કચકચાવીને પેલો અવિસ્મરણીય છગ્ગો ફટકારે છે. પત્યું. એક બોલમાં આખી વાર્તા પલટાઈ જાય છે. ભારત હારી જાય છે, પાકિસ્તાન જીતી જાય છે!
એક દિવસમાં આટલી બધી રોમાંચક ઘટનાઓમાંથી પસાર થનાર પેલો યુવાન એટલે આમિર ખાન અને એની ગર્લફ્રેન્ડમાંથી પત્ની બનેલી યુવતી એટલે રીના દત્તા! ક્રિકેટની જેમ જીવનમાં પણ કંઈ પણ બની શકે છે. લગ્નજીવનનાં ૧૬ વર્ષે એકાએક સમાચાર આવે છે કે બોલિવૂડનાં આદર્શરૂપ ગણાતાં આ દંપતીએ ડિવોર્સ લઈ લીધા છે. આમિરના ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં આંચકો ફેલાઈ જાય છે. હોય નહીં! આમિર અને રીનાના છૂટાછેડા? પણ કેમ? બે સરસ મજાનાં સંતાનો હોવા છતાં લગ્નસંબંધનું તૂટવું એ પીડાદાયક ઘટના છે. આ અત્યંત અંગત બાબત છે, જાહેર જોણું કે પંચાત કે ગોસિપનો વિષય નથી. આમિર અને રીના બન્ને સંપૂર્ણ ગરિમા સાથે મૌન જાળવી રાખે છે.
એક સમયે કંઈકેટલાંય ખૂબસૂરત પડાવોમાંથી પસાર થયેલો ઘનિષ્ઠ સંબંધ વખત જતાં પોતાનું સત્ત્વ ગુમાવીને ભારરૂપ બની જાય, એમ બને. નિર્જીવ બની ગયેલા સંબંધના બોજને ઊંચકીને ચાલવા કરતાં તેના પર પૂર્ણવિરામ મૂકી દેવાથી ઘણી વાર નવી શક્યતાઓ ઊઘડતી હોય છે. આમિરના જીવનમાં નવી શક્યતા અને નવા ઉઘાડ કેવી રીતે સર્જાયા?
૧૯૯૯માં 'લગાન' માટે આમિર બસમાં સવાર થઈને કચ્છમાં લોકેશન શોધી રહ્યો હતો ત્યારે કિરણ રાવ નામની યુવતી સાથે એની પહેલી વાર મુલાકાત થઈ હતી. આમિર તે વખતે હેપીલી મેરિડ હતો. ઈન ફેક્ટ, પત્ની રીનાએ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર તરીકેની કઠિન જવાબદારી ઉપાડી હતી. કિરણ નામની દિલ્હીથી આવેલી આ નવીસવી છોકરી ડિરેક્ટર આશુતોષ ગોવારીકરની થર્ડ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. તે દિવસે બસમાં કિરણના મનમાં આવેલો સૌથી પહેલો વિચાર આ હતોઃ આવડો મોટો સુપરસ્ટાર અલગ કારમાં જવાને બદલે અમારી સૌની સાથે બસમાં ટ્રાવેલ કરે છે ને પાછો સૌને હાય-હેલો કરે છે ને સૌનાં નામ પણ પૂછે છે! કિરણના મનમાં પડેલી આમિરની સૌથી પહેલી ઈમ્પ્રેશન મારા-તમારા જેવા તદ્દન સીધાસાદા, રેગ્યુલર અને નોન-ફિલ્મી માણસ તરીકે પડી, જે સાચી હતી. 'લગાન'ના નિર્માણ દરમિયાન કિરણની જવાબદારી હતી, સવારના પહોરમાં કલાકારોને હેર-મેકઅપ-કોસ્ચ્યૂમ સાથે રેડી કરીને લોકેશન પર સમયસર પહોંચાડી દેવાની. એક સીનમાં ગામડિયા ભુવન બનેલા આમિરે કાનમાં એરિંગ્સ પહેરવાનાં હતાં. એની નજર કિરણના કાન પર પડી. એણે કહ્યું: યાર, તારાં એરિંગ્સ જરા ટ્રાય કરવા દેને! કિરણના એરિંગ્સ એને એવાં ગમી ગયાં કે પછી આખી ફિલ્મમાં એ જ પહેર્યાં.
'લગાન' બની ગઈ. સુપરડુપર હિટ થઈ. ઓસ્કર સુધી પહોંચી ગઈ ને પછી ટીમ વીખરાઈ ગઈ. 'દિલ ચાહતા હૈ'ના ગોવાના શેડયુલ દરમિયાન અચાનક આમિરનો ભેટો કિરણ સાથે થઈ ગયો. કિરણ 'દિલ ચાહતા હૈ'ની પ્રોડક્શન ટીમ સાથે ગોવા પૂરતી સંકળાયેલી હતી. કિરણે હસીને હળવેકથી યાદ કરાવ્યું: આમિર, તે દિવસે તેં મારાં એરિંગ્સ લીધાં એ લીધાં, મને હજુ સુધી એ પાછાં નથી મળ્યાં! કિરણે તો મજાક કરી હતી, પણ આમિર પત્ની રીનાને લઈને હોટેલ તાજના શોપિંગ આર્કેડમાંથી ખરેખર એરિંગ્સ ખરીદી લાવ્યો ને કિરણને આપ્યાં. આમિરના મનમાં કિરણની સ્પષ્ટ નોંધ 'એરિંગ્સવાલી લડકી' તરીકે થઈ. એવી ચશ્મીશ લડકી કે જે બ્રાઈટ છે, ખુશમિજાજ છે, વાતોડિયણ છે અને કાયમ હસતી હોય છે!
એકમેક સાથેના સંબંધ વિશે આમિર અને કિરણ બન્નેએ ખૂલીને વાતો કરી છે. ર૦૦૩માં કિરણ સાથે પાછો ભેટો થયો ત્યારે આમિરના ડિવોર્સ થઈ ચૂક્યા હતા. આમિર કોકાકોલા માટે મોડેલિંગ કરી રહ્યો હતો. આ એડ્સનું પ્રોડક્શન એની જ કંપની કરી રહી હતી. કિરણ આ પ્રોજેક્ટમાં એની સાથે જોડાઈ. એકમેકની સાથે ખૂબ બધો સમય વિતાવ્યો હોય એવું આ વખતે પહેલી વાર બન્યું. બન્ને સિંગલ હતાં, એક જ એરિયા બાન્દ્રામાં રહેતાં હતાં એટલે પ્રસંગોપાત કામ ન હોય તો પણ હળવામળવાનું શરૂ થયું. કિરણને શરૂઆતમાં એ જાણવામાં રસ હતો કે આમિર ખાન નામનો આ માણસ એક્ઝેક્ટલી છે કેવો. એને આમિરની સાદગી અને વૈચારિક સ્પષ્ટતા ગમતા હતા. હળવામળવાનું વધ્યું એટલે ધીમે ધીમે આમિર માણસ તરીકે ગમવા લાગ્યો. એની બીજી ખૂબીઓ દેખાવા માંડી.
આમિરના મનમાં ડિવોર્સનો ઘા સાવ તાજો હતો. એની માનસિક સ્થિતિ એવી હતી કે નવી રિલેશનશિપ વિશે વિચારી સુધ્ધાં ન શકે. એનું પીવાનું ખૂબ વધી ગયું હતં. મૂડ ઠેકાણે રહેતો નહોતો, પણ ધીમે ધીમે આમિરને પ્રતીતિ થવા લાગી કે કિરણની સાથે હોઉં છું ત્યારે હું ખરેખર ખુશ હોઉં છું. એક વાર એ કોઈક કામસર લંડન ગયેલો. હોટેલના કમરામાં દુઃખી દુઃખી થઈને એકલો બેઠો હતો ત્યાં અચાનક કિરણનો ફોન આવ્યો. અમસ્તો જ. કેમ છો-કેમ નહીં પૂછવા માટે. આમિરને કોઈ વાત કરવાવાળું આત્મીય માણસ જોઈતું હતું. અડધી-પોણી કલાક સુધી એ કિરણ સાથે વાતો કરતો રહ્યો. ફોન પૂરો થયો ત્યાં સુધીમાં એ એકદમ મૂડમાં આવી ગયો હતો. તે વખતે આમિરને પહેલી વાર તીવ્રતાથી લાગ્યું કે અરે યાર, આ છોકરી ખરેખર મારી ઉદાસી દૂર કરી શકે છે,મને સુખી કરી શકે છે!
આમિરે સૌથી પહેલાં પોતાની કઝીન નુઝહત (ઈમરાન ખાનની મમ્મી)ને વાત કરી કે આ કિરણ મને ખરેખર ગમી રહી છે. નુઝહતે સલાહ આપી કે આમિર, તું અત્યારે એટલો બધો ઈમોશનલી ડેમેજ્ડ છો કે આ સ્થિતિમાં કોઈ મોટો નિર્ણય લેવાની ભૂલ ન કરતો. જો તને કિરણની કદર હોય, તને એ ખરેખર ગમતી હોય અને તને લાગતું હોય કે તમારી રિલેશનશિપને આગળ વધારી શકાય તેમ છે તો પ્લીઝ, અત્યારે તું અટકી જા. તારી જાતને સ્પેસ આપ. કિરણને સ્પેસ આપ. તારા મનને શાંત થવા દે અને પછી વિચાર કે તમે લોકો ખરેખર શું કરવા માગો છો.
આમિરે બહેનની સલાહ માની. એણે કિરણને કહી દીધું કે પ્લીઝ, મને લાગે છે કે આપણે હવે હળવામળવાનું બંધ કરીએ. પણ પછી આમિરને જ સવાલ થયો કે આવું હું શું કામ કરું છું? કિરણ સૌથી પહેલાં તો મારી બહુ સારી ફ્રેન્ડ છે. એની હાજરીમાં હું સૌથી વધારે રિલેક્સ્ડ ફીલ કરું છું, એની સાથે મનની કોઈ પણ વાત, કોઈ પણ લાગણી શેર કરી શકું છું, હું જેવો છું એવો આખો ને આખો વ્યક્ત થઈ શકું છું. તો પછી અંતર શું કામ? પછીની મુલાકાતમાં આમિરે કિરણને કહ્યું: મને લાગે છે કે આપણે આપણી રિલેશનશિપને અજમાવવી જોઈએ. વ્હાય ડોન્ટ યુ મૂવ ઈન? આપણે એક છત નીચે રહીશું તો એકમેકને વધારે સારી રીતે ઓળખી શકીશું અને પછી આપણે નક્કી કરી શકીશું કે રિલેશનશિપને નેકસ્ટ લેવલ પર લઈ જવી છે કે કેમ.
આમિર અને કિરણની લિવ-ઈન રિલેશનશિપ દોઢ વર્ષ ચાલી. પછી કુદરતી રીતે જ તેઓ ડિસિઝન પર પહોંચી ગયાં કે ઓકે ફાઈન, ચાલો હવે પરણી જઈએ! આમિર-કિરણ લગ્ન વગર પણ સુખી જ હતાં, પણ કિરણનાં મમ્મી-પપ્પા અને બીજા સગાંવહાલાંનું કહેવું હતું કે જો તમારે ભેગાં જ રહેવું હોય તો લગ્ન કેમ કરી લેતાં નથી?
અને બસ, રેસ્ટ ઈઝ હિસ્ટ્રી. આજે આમિર-કિરણનો દીકરો આઝાદ બે વર્ષનો થઈ ગયો છે. પૂર્વ-પત્ની રીનાનાં બન્ને સંતાનો સાથે કિરણના સુમેળભર્યા, દોસ્તીના સંબંધ છે. આમિરે રિલેશનશિપની શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે મારાં સંતાનોને વિશ્વાસમાં લીધા વગર હું એક પગલું પણ નહીં ભરું. ફિલ્મી હસ્તી તરીકે આમિર એક લેજન્ડ છે, જબરદસ્ત નિષ્ઠા અને પરિશ્રમના પ્રતાપે પોતાના સમકાલીનો કરતાં બિલકુલ જુદી જ ભ્રમણકક્ષામાં એ એકધારી ઉર્ધ્વગતિ કરી રહ્યો છે. એની આગામી 'ધૂમ-થ્રી'સંભવતઃ બોક્સઓફિસ પર ઘણાં રેકોર્ડ્ઝ તોડશે એવી હવા બની રહી છે. ખેર, પ્રોફેશનલ સિદ્ધિઓ અલગ વસ્તુ છે, પણ અંગત જીવનના તૂટેલા લયને પુનઃ સાંધતા પણ આમિરને સરસ આવડે છે.
શો-સ્ટોપર
રણબીરનાં લગ્ન કેટરીના સાથે થશે ત્યારે હું મારી ભાભી કેટરીનાના તમામ સુપરહિટ સોંગ્સ પર સોલો ડાન્સ કરવાની છું. મેં તો લગ્નમાં કયો ડ્રેસ પહેરવો છે તે પણ નક્કી કરી લીધું છે!
- કરીના કપૂર (કોફી વિથ કરણમાં કરેલો એકરાર)
Subscribe to:
Posts (Atom)













