Showing posts with label Zoya Akhtar. Show all posts
Showing posts with label Zoya Akhtar. Show all posts

Tuesday, March 26, 2019

‘મેઇડ ઇન હેવન’માં શું છે?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 24 March 2019
મલ્ટિપ્લેક્સ
અભિનય, પ્રોડક્શન વેલ્યુ, ડિટેલિંગ આ બધું જ  અફલાતૂન, પણ ઝોયા અખ્તરના આ નવાનક્કોર વેબ શોમાં ખૂટતું તત્ત્વ આ એક જ છે – નાવીન્ય.    



ટ્સ ઓફિશિયલઃ ઝોયા અખ્તર આજની તારીખે આ લખનારની અને એના જેવા અસંખ્ય સિનેમાપ્રેમીઓની મોસ્ટ ફેવરિટ હિન્દી ફિલ્મમેકર છે. ઝૂમાવી દે એવી અફલાતૂન કન્ટેમ્પરરી ક્લાસિક ગલી બોયફિલ્મે પુનઃ જડબેસલાક રીતે પૂરવાર કરી દીધું કે ઝોયા જેવું સ્ટોરીટેલિંગ, દષ્ટિ અને વાર્તા-પાત્રોની સૂક્ષ્મતાઓ ઝડપી શકવાની ક્ષમતા બહુ ઓછા ફિલ્મમેકરો પાસે છે.     

ગલી બોય રિલીઝ થઈ એ વાતને હજુ એક મહિનો પણ થયો નહોતો ત્યાં ઝોયા અખ્તરનું ઓર એક સર્જન આપણી સામે પેશ થાય છે. આ વખતે વેબ સિરીઝના સ્વરૂપમાં. તેનું નામ છે મેઇડ ઇન હેવન. એમેઝોન પ્રાઇમની આ ઓરિજિનલ પેશકશ છે. વેલ, મેઇડ ઇન હેવનને માત્ર ઝોયા અખ્તરનું સર્જન ન કહેવું જોઈએ. ઝોયા અને સુપર ટેલેન્ટેડ સાથીદાર રીમા કાગતી બન્ને આ શોનાં ક્રિયેટર છે. આ શોનાં લેખક તરીકે આ બે મહિલાઓ ઉપરાંત અલંકૃતા શ્રીવાસ્તવનું નામ પણ બોલે છે. કુલ નવ એપિસોડમાંથી ઝોયાએ ફક્ત પહેલા બે એપિસોડ જ ડિરેક્ટ કર્યા છે. બાકીના સાત એપિસોડનું ડિરેક્શન નિત્યા મહેરા, પ્રશાંત નાયર અને અલંકૃતા વચ્ચે વહેંચાઈ ગયું છે.  

તો કેવો છે મેઇન ઇન હેવન શો? ઝોયા અખ્તરની ફિલ્મોની ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ આ શોમાં મેઇન્ટેઇન થયાં છે? ઉત્તર છેઃ ના. આ શોનું ટીઝર જોયું હતું ત્યારે મનમાં સવાલ જાગ્યો હતો કે આમાં નવું શું છે? નવેનવ એપિસોડમાંથી પસાર થયા પછી જે પ્રમુખ લાગણી મનમાં તરતી રહી તે આ જ છેઃ શોમાં બધું સરસ અને રૂપકડું છે, રસ પડે અને ઇવન જકડી રાખે એવું છે, પણ આમાં ઝોયા એન્ડ પાર્ટીએ નવું શું કહ્યું? શોનાં પાત્રો, દુનિયા, સંબંધો, કોમ્પ્લિકેશન્સ આ બધું જ આપણે અગાઉ જોઈ ચુક્યા છીએ.

તારા (શોભિતા ધૂલીપાલા) અને કરણ (અર્જુન માથુર) મુખ્ય પાત્રો છે. બન્નેની ઉંમર હશે ત્રીસની આસપાસ. તેઓ મેઇન ઇન હેવન નામની વેડિંગ પ્લાનર એજન્સી ચલાવે છે. લગ્નપ્રસંગ માટે ચાર-પાંચ કરોડનું બજેટ હસતાંરમતાં ફાળવી નાખતા સાઉથ દિલ્હીના અત્યંત ધનાઢ્ય પરિવારો એમનાં ક્લાયન્ટ્સ છે. આ અતિ હાઇ-ફાઇના લોકોનાં જીવનમાં કેવી સમસ્યાઓ, વિચિત્રતાઓ અને વિરોધિતાઓ છે? એમનાં લગ્નો રંગેચંગે ઉકેલી આપનારાં તારા અને અર્જુનનું અંગત જીવન કેવું છે? આ બધા સવાલના જવાબ શોના નવ એપિસોડ દરમિયાન ધીમે ધીમે ઊઘડતા જાય છે.



તારા મૂળ મધ્યમ-મધ્યમ વર્ગની છોકરી. જે કંપનીમાં જુનિયર લેવલ પર કામ કરતી હતી એના જ બોસ આદિલ (જિમ સર્બ) સાથે એ લગ્ન કરે છે. એકાએક એ દિલ્હીના ભદ્ર વર્તુળની સદસ્ય બની જાય છે. બહુ ઝડપથી એ નવા માહોલમાં એડજસ્ટ થઈ જાય છે. પતિ એને ખૂબ પ્રેમ કરે છે, પણ એને જ્યારે એને ખબર પડે છે કે પીઠ પાછળ પતિદેવનું પોતાની જ પાક્કી બહેનપણી ફૈઝા (કલ્કિ કોચલીન) સાથે અફેર ચાલે છે ત્યારે એની દુનિયા ડામાડોળ થઈ જાય છે.

સોહામણો, શાલીન અને મહત્ત્વાકાંક્ષી કરણ બેડરૂમના અંધકારમાં હોમોસેક્સ્યુઅલ છે. સ્કૂલનાં વર્ષોમાં મમ્મીને જ્યારે કરણના સેક્યુઅલ ઓરિએન્ટેશન વિશે ખબર પડી ગયેલી ત્યારે એણે દીકરાને બેટથી એટલો ધીબેડ્યો હતો કે એનો હાથ તૂટી ગયેલો. કરણને જોકે ખુદની સચ્ચાઈ સામે કોઈ વિરોધ નથી. એ અલગ મકાનમાં ભાડે રહે છે અને મોજમસ્તી માટે નવા નવા પુરુષોને ઘરે લાવે છે. સૃષ્ટિ વિરુદ્ધ કર્મ કરવા બદલ એ જેલની હવા પણ ખાઈ આવ્યો છે, પણ હવે એનામાં હિંમત આવી ગઈ છે. એલજીબીટી વર્ગના અધિકારો માટે એ ખુલ્લી લડત ચલાવતો થઈ ગયો છે. શોમાં ગે સેક્સના નવાઈ લાગે એવાં ઉઘાડાં દશ્યો છે.

તારા અને કરણના ભૂતકાળની વિગતો ફ્લેશબેકના ટુકડાઓમાં આવતી રહે છે. શોના લગભગ દરેક એપિસોડમાં એક નવા લગ્નસમારોહની વાત છે. ક્યાંક છોકરાના પરિવારને બેકગ્રાઉન્ડ ચેકિંગ દરમિયાન ખબર પડે છે કે કન્યા ભૂતકાળમાં અબોર્શન કરાવી ચુકી છે, તો ક્યાંક પરિવારની કન્યા સંગીતસંધ્યામાં પર્ફોર્મ કરવા આવેલા બોલિવૂડના હીરો સાથે સૂઈ જાય છે. ક્યાંક એનઆરઆઇ મુરતિયાને પરણવા ઇચ્છતી કોડીલી કન્યાઓ માટે રીતસર બ્યુટી કોન્ટેસ્ટ ગોઠવાય છે (દિલ્હીમાં ખરેખર આ પ્રકારનાં નાટક થાય છે), તો ક્યાંક મુરતિયાનો બાપ છેલ્લી મિનિટે કરોડોનું દહેજ માગે છે. ક્યાંક લગ્નના અંચળા હેઠળ રાજકીય પક્ષો વચ્ચે જોડાણ થાય છે, તો ક્યાંક રોયલ ફેમિલીના કર્તાધર્તા મેંદી મૂકવા આવેલી છોકરીનું શિયળ લૂંટવાની કોશિશ કરે છે. તારા અને કરણ લગ્નનાં હજાર કામોની વચ્ચે આ બધી સમસ્યાઓ પણ સોલ્વ કરતાં રહે છે.

શોની પહેલી જેન્યુઇન ઇમોશનલ મોમેન્ટ છેક ત્રીજા એપિસોડમાં આવે છે, જેમાં દીપ્તિ નવલ હમઉમ્ર સિનિયર સિટીઝન સાથે લગ્ન કરવા માગે છે, પણ એનાં સંતાનોને માનાં પુનર્લગ્ન સામે તીવ્ર વિરોધ છે. શોમાં ઉત્તમ અદાકારોની ચકાચૌંધ કરી મૂકે એવી આખી આકાશગંગા છે – નીના ગુપ્તા, વિજય રાઝ, વિનય પાઠક, પુલકિત સમ્રાટ, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, વિક્રાંત મેસી... આ સૌએ ટચૂકડા એપિસોડિક રોલ્સ કર્યા છે. જાઝ અથવા જસપ્રીત બનતી શિવાની રઘુવંશી નામની ટેલેન્ટેડ યુવા અભિનેત્રીની ગાડી આ શો પછી ચાલી નીકળશે તે નક્કી. વિડીયોગ્રાફર બનેલો શશાંક અરોરા દરેક એપિસોડને અંતે મોરલ-ઓફ-ધ-સ્ટોરી અથવા ટૂંકસાર બોલે છે, જેની બિલકુલ જરૂર નથી. ઝોયા અખ્તર અને રીમા કાગતી સૂત્રધાર પ્રકારનું કિરદાર વિકસાવવામાં આ વખતે ફરી પાછું ગોથું ખાઈ ગયાં. અગાઉ દિલ ધડકને દોમાં આમિર ખાનના અવાજમાં સૂત્રધારવેડા કરતો કૂતરો પણ જરાય જામ્યો નહોતો. 


અફલાતૂન અભિનય, સુપર્બ પ્રોડક્શન વેલ્યુ અને પ્રભાવશાળી ડિટેલિંગ - શોનાં આ સૌથી મોટાં પ્લસ પોઇન્ટ્સ છે. આ શો જોતી વખતે તમને રણવીર સિંહની બેન્ડ બાજા બારાત અને મીરા નાયરની અદભુત મોનસૂન વેડિંગ જરૂર યાદ આવશે. મેઇડ ઇન હેવનમાં લગ્નસંસ્થા અને સંબંધોનું તકલાદીપણું, વર્ગભેદ, સ્વીકૃતિ મેળવવા માટેનીં ઝંખના, વિવિધ પ્રકારની આઇડેન્ટિટી ક્રાઇસિસ વગેરે સહેજ પણ લાઉડ બન્યા વિના સરસ હાઇલાઇટ થયાં છે, પણ તકલીફ એ છે કે આ બધું આપણે અગાઉ જોઈ ચુક્યા છીએ.

વેલ, આમ છતાંય શો સારો છે. ચારે બાજુ ઓલરેડી એની જોરદાર પ્રશંસા થઈ રહી છે. જો તમે ઝોયા અખ્તરનું ઉચ્ચ સ્ટાન્ડર્ડઅને વધારે પડતી ઊંચી અપેક્ષાઓને એક બાજુ રાખીને ખુલ્લા મનથી શો જોશો તો તમને તેમાં મજા પડે એવી પૂરી શક્યતા છે. ઇન એની કેસ, તે બિન્જ-વર્ધી તો છે જ એટલે કે તમે એક વાર જોવાનું શરૂ કરશો પછી શોને અધવચ્ચેથી છોડવાનું મન નહીં થાય. તમારી સામે જ્યારે મનોરંજનના અસંખ્ય વિક્લ્પો ઉપલબ્ધ હોય ત્યારે બિન્જ-વર્ધી હોવું એ પણ કંઈ નાનીસૂની સિદ્ધિ થોડી છે!

 0 0 0 



Sunday, June 7, 2015

મલ્ટિપ્લેક્સ : ઝોયા કો ધડકને દો

Sandesh - Ardh Saptahik Purti - 7 June 2015

મલ્ટિપ્લેક્સ 

ઝોયા અખ્તરની ફિલ્મો ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી બન્નેમાં જોરદાર એક્સાઇટમેન્ટ પેદા કરી નાખે છે. ઝોયા કોની સાથે લગ્ન કરે છે અથવા તો લાઇફમાં ક્યારેય કોઈને પરણે છે કે નહીં એ એની અંગત વાત છે. આપણને તો એ જાણવામાં રસ છે કે ઝોયા હવે પછી શું બનાવે છે અને કેવું બનાવે છે.




હુ ઓછા એવા ફિલ્મમેકરો હોય છે જેની ફિલ્મોની અધ્ધરજીવે રાહ જોવાનું આપણને મન થાય. ઝોયા અખ્તર આ પ્રકારની ફિલ્મમેકર છે. એની પહેલી ફિલ્મ 'લક બાય ચાન્સ' ભલે બોક્સઓફિસ પર ન ચાલી, પણ તે ફિલ્મ-વિધિન-અ-ફિલ્મ જોનરની એક મસ્તમજાની ફિલ્મ હતી. 'જિંદગી ના મિલેગી દોબારા' ટીવી પર વારંવાર જોઈએ,અધવચ્ચે કોઈ પણ સીનથી જોવાનું શરૂ કરીએ તોપણ દર વખતે પહેલી વાર જોતા હોઈએ એટલો આનંદ આપે છે. કેટલી ફિલ્મોમાં આ પ્રકારની ક્વોલિટી હોય છે? લાંબી પ્રતીક્ષા પછી આ શુક્રવારે ઝોયાની લેટેસ્ટ ફિલ્મ 'દિલ ધડકને દો' આવી છે. આજનું છાપું તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં ઉત્સાહીઓએ ફેસબુક, ટ્વિટર અને વોેટ્સએપ પર 'દિલ ધડકને દો'ના રિવ્યૂઝની ધમાચકડી મચાવી દીધી હશે. ફિલ્મી પંડિતોએ આ ફિલ્મ કેટલી હિટ છે કે ફ્લોપ છે એનો લગભગ ચુકાદો આપી દીધો હશે. ઝોયા અખ્તરની ફિલ્મો ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી બન્નેમાં જોરદાર એક્સાઇટમેન્ટ પેદા કરી નાખે છે એ તો નક્કી.
ઝોયાની ફિલ્મોમાં એ જ દુનિયા અને એવાં જ કિરદારો હોય છે, જે એણે અસલી જિંદગીમાં જોયાં છે. એનાં પાત્રો કૃત્રિમતાથી દૂર રહીને સાચુકલું જીવવાની કોશિશ કરતાં હોય છે. સામાન્યપણે ઉષ્માહીન બાર્બી ડોલ જેવી દેખાતી કેટરીના કૈફ 'જિંદગી ના મિલેગી દોબારા'માં પહેલી વાર એક જીવંત અને ધબકતી યુવતી લાગી હતી. પેલા યાદગાર સીનમાં કેટરિના એના તાજા તાજા બનેલા દોસ્ત રિતિક રોશનને કહે છેઃ "સીઝ ધ મોમેન્ટ, માય ફ્રેન્ડ. આ ક્ષણને ઝડપી લે. જિંદગીમાં જે કરવાની ખ્વાહિશ છે તે આ જ પળે કરી લે. પાંચ વર્ષ પછી કે દસ વર્ષ પછી તું જીવતો હોઈશ એની શી ખાતરી છે?" ગેરસમજના પાયા પર ઊભા થઈ ગયેલા સંબંધમાં ગૂંગળામણ અનુભવતો અભય દેઓલ આખરે હિંમત કરીને તે સંંબંધના બોજને દૂર ફગાવી દે છે. ફરહાન યુવાનવયે પહેલી વાર પોતાના પિતાને મળે છે ત્યારે દર્શકને સમજાય છે કે બહારથી મસ્તમૌલા લાગતો ફરહાન ભીતર કેટલી બધી પીડાને દબાવીને જીવતો હતો. કેથાર્સિસની, પાત્રોની પરિપક્વ થવાની પ્રક્રિયાને ઝોયા પૂરી સંવેદનશીલતા સાથે પડદા પર પેશ કરી જાણે છે.
Childhood memory: Zoya with younger brother Farhan and parents Javed Akhtar - Honey Irani

 કહેનારાઓ કહેશે કે ઝોયા ટેલેન્ટેડ હોય એમાં શી મોટી વાત છે. જાવેદ અખ્તર જેવા લેજન્ડરી ફિલ્મરાઇટર-ગીતકાર પિતા હોય અને 'લમ્હેં' સહિત કેટલીય હિટ ફિલ્મો લખી ચૂકેલી હની ઈરાની જેવી લેખિકા મા હોય તો સંતાનમાં એ બધું ઊતરવાનું જ છેને. વેલ, આ પ્રકારના પરિવારમાં જન્મ લેવાથી ફર્ક ચોક્કસ પડે છે, પણ માંહ્યલામાં દમ ન હોય, મહેનત અને નિષ્ઠા સાથે બાપે માર્યા વેર હોય તો કશું જ ઉકાળી શકાતું નથી. જાવેદ-હનીનાં સંતાન હોવું આસાન પણ નહોતું. ઝોયા અને એનો ભાઈ ફરહાન નાનાં હતાં ત્યારે જાવેદ-હની છૂટાં પડી ગયાં હતાં, જાવેદે શબાના આઝમી સાથે સંસાર માંડયો હતો. હનીએ સિંગર mother બનીને બચ્ચાં ઉછેર્યાં. જાવેદ અને હની વચ્ચે કંઈકેટલાંય યુદ્ધો ખેલાયાં છતાંય એમની મૈત્રી સ્વેચ્છાએ યા તો ફરજિયાતપણેે જળવાઈ રહી. જોકે, બન્ને સંતાનો આજે જે રીતે સફળ અને સેન્સિબલ વ્યક્તિ બનીને ઊભર્યાં છે તે જોતાં લાગે છે કે જાવેદ-હનીએ લગ્નવિચ્છેદ પછીના આપસી સંબંધને ખાસ્સી સમજદારી અને પરિપક્વતા સાથે હેન્ડલ કર્યો હોવો જોઈએ.
ઝોયા આઠ વર્ષની હતી ત્યારે હનીએ પૂનાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)માં એડમિશન લીધું હતું. વીકએન્ડમાં બાળકો મા પાસે જતાં. કેમ્પસમાં આમતેમ દોડાદોડી કર્યાં કરતાં. હની પાસે દુનિયાભરની ફિલ્મોની વીડિયો કેસેટ્સનું કલેક્શન હતું. માને લીધે ઝોયા-ફરહાનને નાની ઉંમરથી જ વર્લ્ડ સિનેમાનું એક્સપોઝર મળી ગયું હતું. ઝોયા નાની હતી ત્યારે સ્કૂલમાં નિબંધો સરસ લખતી. ટીચરો હંમેશાં એને કહેતાં, તું મોટી થઈને તારા ડેડીની જેમ રાઇટર બનવાની. સારું લખવા-વાંચવા ઉપરાંત આસપાસ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું, તર્ક કરવો, પ્રશ્નો કરવા, ડિસ્કસ-ડિબેટ કરવું આ બધું પણ ઝોયા ડેડી પાસેથી શીખી છે.
ઝોયા કરતાં ફરહાન દોઢ વર્ષ નાનો. નાનપણમાં ફરહાનને આંખના પલકારામાં વાત ઉપજાવી કાઢવાની આદત. વળી, એ એવી સરસ રીતે રજૂઆત કરે કે સામેનો માણસ સાચું માની લે. એકમાત્ર ઝોયા જ એનું જૂઠ પકડી શકતી. ઘરમાં ભાઈ-બહેનને અલગ કમરા આપવામાં આવ્યા હતા, પણ ફરહાન ધરાર બહેનના રૂમમાં જ પડયોપાથર્યો રહે. આ મામલે બન્ને વચ્ચે કાયમ રમખાણો ફાટી નીકળતાં. વીસ-બાવીસ વર્ષનાં થયાં ત્યાં સુધી તેમની વચ્ચે નોર્મલ ભાઈ-બહેન વચ્ચે થતી હોય એવી તકરારો થયા કરતી. એક ઇન્ટરવ્યૂમાં ફરહાન કહે છે, "ઝોયા જેવી પ્રામાણિક વ્યક્તિ મેં બીજી એકેય જોઈ નથી. એ તમારા મોઢા પર સાચેસાચંુ બોલી દેશે, તમને માઠું લાગી જશે તે બીકે જૂઠું ક્યારેય નહીં બોલે. મને એટલે જ એના માટે ખૂબ માન છે, કારણ કે એ મારી સામે અરીસો ધરી દે છે. મારું એવું નથી. સામેના માણસને નહીં ગમે એવું લાગે તો હું ક્યારેક ગોળ ગોળ જવાબ આપી દઉં, મને ખબર નથી એવું કહી દઉં. અમારી વચ્ચે આ મુખ્ય ફર્ક છે."
Zoya - Farhan

ભાઈ-બહેનની પર્સનાલિટીમાં જોકે આ સિવાય પણ ઘણો ફર્ક છે. ફરહાન અત્યંત ચીવટવાળો માણસ. શિસ્તબદ્ધ અને ચોખલિયો પણ એટલો જ. એનાં કાગળિયા, ડ્રોઅર, કબાટનાં ખાનાં, પુસ્તકો અને ડીવીડીનું કલેક્શન, અન્ય ચીજવસ્તુઓ બધું જ ટિપટોપ હોય. ઇવન એના કમ્પ્યૂટરમાં તમને એક પણ નકામી ફાઇલ ન જોવા મળે. એના ડેસ્કટોપ પર એક જ આઇકન હોય. સામે પક્ષે ઝોયાના કમ્પ્યૂટરની સ્ક્રીન પર આઇકન, ફાઇલ અને ફોલ્ડરોની એવી જમઘટ હોય કે ટપકું મૂકવાનીય જગ્યા ન મળે. ઝોયાનું બધું જ વેરવિખેર અને આડેધડ પડયું હોય. એ પ્રમાદી પણ ખૂબ. કામ સતત પાછળ ધકેલ્યા કરે. આ અવગુણ એને પપ્પા જાવેદ અખ્તર તરફથી મળ્યો છે.
જાવેદસાહેબ અને ફરહાન ફિલ્મ લખતાં હોય ત્યારે એકાંતમાં કામ કરવા માટે હોટલનો કમરો બૂક કરતાં હોય છે. ઝોયાને આવાં નખરાંની જરૂર પડતી નથી. એ લેપટોપ લઈને બાથરૂમમાં પણ લખી શકે છે. એ જોકે ટેબલખુરશી પર બેસીને લખી શકતી નથી. એ સોફા પર કે પલંગ પર લાંબી થઈને સૂતી હોય, પેટ પર લેપટોપ ગોઠવ્યું હોય ને એની આંગળીઓ ચાલતી હોય. ઝોયાની બેસ્ટ ફ્રેન્ડ રીમા કાગતી, કે જે સ્વયં સારી ફિલ્મમેકર-રાઇટર છે. એ કહે છે, "ઝોયાને કાયમ ઊંઘ જ આવતી હોય. મારે એને કહેવું પડે કે બહેન, પહેલાં આ કામ પૂરું કર, પછી તારે સૂવું હોય એટલંુ સૂઈ લેજે. અમે સાથે ફિલ્મ લખતાં હોઈએ ત્યારે સામાન્યપણે અમારી ર્વિંકગ પેટર્ન એવી હોય કે ઝોયા સીન લખે ને પછી હું એને મઠારું, એમાં નવા રંગ પૂરું. એક વાર અમે એક ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યાં હતાં. ડેડલાઇન પાસે આવી ગઈ હતી. ખૂબ ટેન્શન હતું. મેં ઝોયાને ફોન કર્યો કે ઝોયા, તું પેલો સીન મને ગયા અઠવાડિયે મોકલવાની હતી, હજુ સુધી કેમ મોકલ્યો નથી? સોરી કહેવાને બદલે એણે મને ઊલટાની ધધડાવી નાખીઃ શું કામ મને ડિસ્ટર્બ કરી? કેટલી સરસ ઊંઘ આવી ગઈ હતી!"   
Zoya with Reema Kagti

ઝોયાના જીવનમાં મા-બાપ અને ભાઈ પછી સૌથી મહત્ત્વની કોઈ વ્યક્તિ હોય તો એ છે રીમા કાગતી છે. રીમાના નામે 'હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ' અને 'તલાશ' જેવી ફિલ્મો બોલે છે. બન્નેનો ભેટો રજત કપૂરની 'પ્રાઇવેટ ડિટેક્ટિવઃ ટુ પ્લસ ટુ વન' (૧૯૯૭) નામની ફિલ્મના મેકિંગ દરમિયાન થયો હતો. આ ફિલ્મ જોકે ક્યારેય રિલીઝ થઈ જ નહીં, પણ ઝોયા-રીમાની દોસ્તી જામી ગઈ. એમણે કેટલીય એડ ફિલ્મ્સ માટે સાથે કામ કર્યું. ફરહાને 'દિલ ચાહતા હૈ' બનાવી ત્યારે ઝોયા ફર્સ્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી અને રીમા સેકન્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટર. તે પછી 'લક્ષ્ય', 'હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ', 'જિંદગી ના મિલેગી દોબારા', 'તલાશ' જેવી ફિલ્મોમાં બન્નેએ સહલેખક, ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર વગેરે જેવી જુદી જુદી કેપેસિટીમાં સાથે કામ કર્યું.
ઝોયાએ 'લક બાય ચાન્સ'ની સ્ક્રિપ્ટ ગોવાના દરિયાકાંઠે લખી હતી. ત્રણ મહિને મુંબઈ પાછી ફરી ત્યારે એની પાસે ત્રણસો પાનાંની તોતિંગ બાઉન્ડ સ્ક્રિપ્ટ હતી. રીમા કાગતીએ સ્ક્રિપ્ટમાંથી નકામી ચરબી દૂર કરી. પછી ફરહાન, જાવેદસાહેબ અને હનીને અભિપ્રાય માટે આપી હતી.
ફરહાન સોળ-સત્તર વર્ષનો હતો ત્યારે સાવ દિશાહીન હતો. ઘરમાં સૌને ટેન્શન હતું કે આ છોકરો આગળ જઈને લાઇફમાં શું ઉકાળશે, પણ ફરહાને ઉત્તમ રાઇટર, ડિરેક્ટર, એક્ટર, પ્રોડયુસર તરીકે કમાલ કરીને સૌને ચકિત કર્યા. ફરહાન માટે હવે એવો જોક પ્રચલિત છે કે એ ધારે તો પાંચ વર્ષમાં ડોક્ટર બનીને દેખાડી શકે! ઝોયા ભાઈ જેટલી મલ્ટિ-ટેલેન્ટેડ નથી. ફરહાન નાનો છે, પણ એ વહેલો પરણ્યો, વહેલો બાપ બન્યો. ચાલીસ વટાવી ચૂકેલી ઝોયાનું મેરિટલ સ્ટેટસ આજેય સિંગલ છે.
ખેર, ઝોયા કોની સાથે લગ્ન કરે છે અથવા તો લાઇફમાં ક્યારેય કોઈને પરણે છે કે નહીં એ એની અંગત વાત છે. આપણને તો એ જાણવામાં રસ છે કે ઝોયા હવે પછી શું બનાવે છે અને કેવું બનાવે છે. ગૂડ લક, ગર્લ!
શો-સ્ટોપર

મારે કશું કરવાનું ન હોવા છતાં હું ઐશ્વર્યા સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જાઉં એમાં ખોટું શું છે? પતિ-પત્નીએ સફળતાની ક્ષણોમાં એકબીજાની પડખે રહીને ઉત્સાહ વધારવો જ જોઈએ, રાઇટ?
- અભિષેક બચ્ચન 

Saturday, July 23, 2011

ફરહાન - ઝોયા : તગડાં ટિ્વન્સ

દિવ્ય  ભાસ્કર -  રવિવાર પૂર્તિ -  ૨૪ જુલાઈ ૨૦૧૧ 

મલ્ટિપ્લેક્સ

ફરહાન અખ્તર જાદુગર માણસ છે. એ ફિલ્મો લખે, ડિરેક્ટ કરે, પ્રોડ્યુસ કરે, એક્ટિંગ કરે, ગીતો રચે, ગીતો ગાય અને ટીવી શોનું અફલાતૂન એન્કરિંગ પણ કરી બતાવે. એની ટિ્વન સિસ્ટર ઝોયા સ્ક્રિપ્ટ રાઈટિંગ અને ફિલ્મ ડિરેકશનમાં ભાઈ જેવી જ ટેલેન્ટેડ પૂરવાર થઈ છે.



તો, બોલીવૂડની હાલની સૌથી ટેલેન્ટેડ ભાઈબહેનની જોડી કઈ? ઓડિયન્સને પ્રફુલ્લિત કરી દે તવી ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ પછી આ સવાલનો જવાબ સાવ આસાન થઈ ગયો છેઃ ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર. એમ તો આ બન્નેનાં માસિયાઈ ભાઈબહેન ફરાહ ખાન સાજિદ ખાન પણ સફળ છે અને સિનિયર પણ છે, પણ ફરહાનઝોયાની ફિલ્મોમાં જે તાજગી અને  સિનેમેટિક ક્વોલિટી હોય છે તે ફરાહસાજિદની કમર્શિયલ મરીમસાલાથી ખદબદતી ફિલ્મોમાં (અનુક્રમે ‘મૈં હૂં ના’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘તીસ માર ખાં’ અને ‘હે બેબી’, ‘હાઉસફુલ’) લગભગ ગાયબ હોય છે. 

૩૭ વર્ષનાં ફરહાન અને ઝોયા જોડકાં ભાઈબહેન છે. ‘ઝિંદગી ના..’ એ ઝોયાનાં ડિરેકશનમાં બનેલી ‘લક બાય ચાન્સ’ પછીની બીજી ફિલ્મ. ફરહાન રાઈટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર-એક્ટર-સિંગર-ગીતકાર-ટીવી શો એન્કર બધું જ છે. બોલીવૂડમાં આવું ડેડલી કોમ્બિનેશન બીજા કોઈમાં થયું નથી. ફિલ્મોમાં આવતા પહેલાં ફરહાને સ્ક્રિપ્ટશોપ નામની એડ એજન્સીમાં ત્રણ વર્ષ સુધી કોપીરાઈટર તેમજ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. અદી પોચા નામના તેનો બોસે કહેલુંઃ ‘ફરહાન, જો તારે ભવિષ્યમાં ફિલ્મમેકર બનવું હોય તો સૌથી પહેલાં તો રાઈટર તરીકે ફોકસ્ડ થા. ફિલ્મમેકિંગમાં ક્રિયેટિવિટીની ઝરણાં રાઈટિંગમાંથી જ ફૂટે છે.’



Farhan Akhtar with Zoya : Rehearsing for ZindagiNa Milegi Dobara's sky-diving scene


‘મેં અદી પોચાની આ વાત ગાંઠે બાંધી લીધી,’ ફરહાન એક મુલાકાતમાં કહે છે, ‘મેં લખવા પર સંપૂર્ણ ધ્યાન કોન્સન્ટ્રેટ કર્યું. આ કન્વિકશનમાંથી જ ‘દિલ ચાહતા હૈ’ લખાઈ. શરૂઆતમાં વાર્તાના કેન્દ્રમાં આમિર ખાન  પ્રીતિ - ઝિન્ટાની લવસ્ટોરી હતી. આમિરનાં દોસ્તોનાં પાત્રો, સામાન્યપણે ફિલ્મોમાં હીરોના ફ્રેન્ડ્ઝનાં રોલ હોય છે એમ, ઉભડક અને છીછરાં હતાં. આ ડ્રાફ્ટ જામતો નહોતો અને બહુ જ બીબાંઢાળ લાગતો હતો. તેથી મેં આમિરના બે દોસ્તોની ભુમિકામાં લોહીમાંસ ભરવાનું શરૂ કર્યું. આખરે જે ડ્રાફ્ટ બન્યો તેમાં ત્રણ મિત્રો કેન્દ્રમાં આવી ગયા અને આમિર-પ્રીતિવાળો ટ્રેક સબ-પ્લોટ બની ગયો.’

‘દિલ ચાહતા હૈ’ની વાર્તામાં ફરહાનના પોતાના એટલા બધા અંગત રંગો ઉમેરાયા કે સ્ક્રિપ્ટ બીજા કોઈને આપતાં તેનો જીવ ન ચાલ્યો. તેથી ફરહાન પોતે જ ફિલ્મ ડિરેક્ટ કરવાનું નક્કી કર્યું. ‘દિલ ચાહતા હૈ’ માત્ર હિટ જ ન થઈ, તે એક ટ્રેન્ડસેટર ફિલ્મ સાબિત થઈ. ફરહાન કહે છે, ‘મેં અગાઉ ‘હિમાલયપુત્ર’ ફિલ્મ માટે પંકજ પરાશરને આસિસ્ટ કર્યા હતા. ફિલ્મ ડિરેકશનનો મારો અગાઉનો અનુભવ એટલો જ. ફિલ્મ ડિરેકશન ખાસ તો હું ફિલ્મો જોઈજોઈને શીખ્યો છું. હું અને મારી બહેન ઝોયાએ દુનિયાભરની તમામ પ્રકારની ફિલ્મો જોઈ છે  ચાઈનીઝ, જપાનીઝ, ઈટાલિયન વગેરે. ફિલ્મો જોવી, જોતા રહેવી તે એક પ્રકારનું સેલ્ફ-એજ્યુકેશન છે.’


                                 Farhan and Zoya with father Javed Akhtar


Mother Honey Irani

ફરહાન અને ઝોયાનાં (ડિવોર્સ્ડ) માતાપિતા જાવેદ અખ્તર - હની ઈરાની બન્ને  નીવડેલાં ફિલ્મલેખકો છે. તેમણે ફિલ્મી પરિવારમાં જન્મ લીધો છે તે હકીકતથી ફર્ક પડવાનો જ. ‘દિલ ચાહતા હૈ’ પછી ફરહાને ‘લક્ષ્ય’ તેમજ ‘ડોન-ટુ’ ડિરેક્ટ કરી અને  તે પછી એણે પહેલી વાર કેમેરા સામે અભિનય કર્યો, ‘રોક ઓન’માં. એ કહે છે, ‘મારે ફિલ્મલાઈનમાં કશુંક કરવું છે એ તો શરૂઆતથી જ જાણતો હતો. પણ એક્ટિંગમાં મને કોન્ફિડન્સ નહોતો. હું રાઈટિંગ તરફ વધારે ખેંચાતો હતો. ડિરેકશનમાં પણ કમ્ફર્ટેબલ હતો.  ‘રોક ઓન’ ફિલ્મ પ્રોડ્યુસ કરી ત્યારે એમાં અભિનય કરવાની મને ઈચ્છા થઈ. મેં મારી અંતઃ સ્ફૂરણા પર ભરોસો મૂક્યો. એક્ટિંગ કરવાનું જરાય સહેલું નહોતું, પણ મને સતત લાગી રહ્યું હતું કે મેં સાચો નિર્ણય લીધો છે.’



‘રોક ઓન’ ફિલ્મ વખણાઈ. ફરહાનના સંયત અને અસરકારક અભિનય જોઈને સૌને સાનંદાશ્ચર્ય થયું. તે પછી ઝોયાની ડિરેક્ટર તરીકેની સૌથી પહેલી ફિલ્મ ‘લક બાય ચાન્સ’માં તેણે અભિનય કર્યો (ઝોયા અગાઉ ફરહાનની ફર્સ્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકી હતી)ે. તે પછી આવી ‘કાર્તિક કોલિંગ કાર્તિક’ અને ત્યારે બાદ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’. ‘ઝિંદગી...’માં ઋતિક રોશન જેવા સુપરસ્ટાર સામે ટકી શકવું અને પોતાની હાજરી વર્તાવી શકવી તે જેવીતેવી વાત નથી. ઝોયા કહે છે, ‘જુઓ, ફરહાનને એવું નથી હોતું કે મારે ઈન્ડસ્ટ્રીનો નંબર વન હીરો બની જવું છે. એની એવી માનસિકતા જ નથી. તેનામાં કેરેક્ટરાઈઝેશનની બહુ જ ઊંડી સૂઝ છે. વળી, એક એક્ટર તરીકે એનામાં કોઈ જાતનો ક્ષોભ નથી. લોકો પ્રત્યે, જીવન પ્રત્યે તે સંવેદનશીલ છે. આ બધાને કારણે ફરહાન એક સારો ડ્રામેટિક એક્ટર બની શક્યો છે.’


Director Zoya Akhtar with her ZNMD team. Co-producer Ritesh Sidhwani at extreme left


 
સવાલ એ છે કે ફિલ્મમેકિંગના તમામ મહત્ત્વનાં ડિપાર્ટમેન્ટ્સમાં સરસ સ્કોર કરી શકનાર ફરહાન હવે નવું શું કરશે? ડાન્સ કોરિયોગ્રાફી? યુ નેવર નો!

શો સ્ટોપર

પ્રીતમ ક્યારેય નંબર વન મ્યુઝિક ડિરેક્ટર નહીં બની શકે. વો કિતના ભી અચ્છા કામ કર લે, લોગોં કો યહી લગેગા કિ કહીં સે ચુરાયા હુઆ હૈ.

 - સાજિદ-વાજિદ, સંગીતકાર બેલડી