Wednesday, October 30, 2019

પ્રકાશનું પૂંજ વેદનાની ટનલમાંથી પસાર થાય છે...

દિવ્ય ભાસ્કર – ઉત્સવ – દિવાળી અંક – ઓક્ટોબર 2019
કાળમીંઢ દુખનો, કોઈ પણ પરિસ્થિતિનો, ઇવન પોતાનું ભયંકર અહિત કરનાર દુશ્મનનો પણ સાચા દિલથી સ્વીકાર કરવો શક્ય છે? જવાબ છે, હા, શક્ય છે.

જીવન પર ભયાનક પ્રહાર થાય, વર્તમાન થીજી જાય, અતીત ચુંથાઈ જાય અને ભવિષ્ય તરફ આગળ વધતા રસ્તા પર કાળમીંઢ દીવાલ ખડી થઈ જાય ત્યારે તમારે શું કરવું જોઈએ? તમે નાની અમથી ભુલ પણ ન કરી હોય, તમે શત પ્રતિશત નિર્દોષ છો એવું તમારો દુશ્મન ખુદ સ્વીકારતો હોય ને છતાંય જિંદગી તમને ભયંકર સજા ફટકારી દે ત્યારે તમારે કેવાં પગલાં ભરવાં જોઈએ?  
સંભવતઃ આ સવાલના જવાબ જિંદગી સ્વયં તમને વહેલીમોડી આપી દેતી હોય છે. આજે એક એવી અદભુત ડોક્યુમેન્ટરી ફિલ્મની વાત કરવી છે જેમાં આ પ્રશ્નનો ઉત્તર કેવળ એક જ શબ્દમાં આવી દેવાયો છે. તે છે, સ્વીકાર. સ્વીકૃતિ. પરિસ્થિતિ જે છે, જેવી છે એવી અપનાવી લેવી.
-અને આ એક શબ્દની પીઠ પર એક ભાવ સજ્જડ બેઠો છે. તે છે, ક્ષમાભાવ.  
સ્વાતિ ચક્રવર્તી ભટકળે ડિરેક્ટ કરેલી અને આમિર ખાનના બેનરે પ્રોડ્યુસ કરેલી 108 મિનિટની આ ફિલ્મમાં ત્રણ અલગ અલગ કહાણી વણાયેલી છે. સાવ સાચુકલી, પ્રેક્ષકને અંદરથી હલાવી દે એવી બળકટ કહાણીઓ. ફિલ્મ હિન્દી, અંગ્રેજી ઉપરાંત કુલ સાત ભારતીય ભાષાઓમાં ડિજિટલ પ્લૅટફૉર્મ હોટસ્ટાર અને નેટફ્લિક્સ પર ઓનલાઇન ઉપલબ્ધ છે. શું છે આ કથાઓમાં?                                      
                                              0 0 0
Avantika Makan Tanvar 

રા કલ્પના કરો કે કોઈ માણસ ગન લઈને તમારા પિતાજીની પાછળ દોડે છે. એનો એક જ ઉદેશ છે, તમારા પિતાજીને ખતમ કરી નાખવાનો. મારે જાણવું છે કે એ દિવસે એક્ઝેક્ટલી શું બન્યું હતું. મારે એકેએક મિનિટનો હિસાબ જોઈએ છે...
એક મધ્યવયસ્ક સ્ત્રી કૅમેરા સામે સીધું જોઈને અત્યંત વેદનાથી પોતાની આપવીતી કહેવાની શરૂઆત કરે છે. એનું નામ છે અવંતિકા માકન તન્વર. લલિત માકનની એકની એક દીકરી. લલિત માકન એટલે યુવા કૉંગ્રેસી સાંસદ, જેમની એમના ખુદના ઘરમાં ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી. 1984માં તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા થઈ તે પછી દિલ્હીમાં શીખવિરોધી હુલ્લડ ફાટી નીકળ્યા હતા. આ કોમી રમખાણને અંજામ આપવામાં જે વ્યક્તિઓને જવાબદાર ઠેરવાયા એમાં એક નામ લલિત માકનનું પણ હતું. એમના આ કૃત્યનું વેર વાળવા ત્રણ શીખ યુવાનો એમના દિલ્હીસ્થિત ઘરમાં ઘૂસી ગયા. લલિત માકન પર બંદૂક ચલાવી. પત્ની ગીતાંજલિ એમને બચાવવા વળગી પડી. એમનાં શરીરમાં પણ ગોળીઓ ધરબાઈ ગઈ. ગણતરીની મિનિટોમાં પતિ-પત્ની બન્નેના રામ રમી ગયા. આ હત્યાકાંડ થયો ત્યારે અવંતિકા હજુ માંડ પહેલા ધોરણમાં ભણતી હતી.  
કોણ હતા પેલા હત્યારાઓ? હરજિંદર સિંહ જિંદા, સુખદેવ સિંહ સુખા અને રંજિત સિંગ ગિલ.    
મેં જિનેટિક્સ એન્ડ ક્રોપ્સ સાયન્સીસમાં એમએસસી કર્યું હતું. હું ગોલ્ડ મેડલિસ્ટ હતો. અમેરિકાની કેન્સાસ યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટે મને ફેલોશિપ પણ મળી ગઈ હતી. હું આગળ ભણવા અમેરિકા જાઉં તે પહેલાં જ આ ઘટનાક્રમ બન્યો અને...
આ શબ્દો રંજિત સિંહ ગિલ ઉર્ફ કુકીના છે. માથે લાક્ષાણિક શીખ પાઘડી, ટ્રિમ થયેલી સફેદ દાઢી, આંખોમાં ન સમજાય એવું ઊંડાણ. આવો તેજસ્વી માણસ માનવહત્યા કેવી રીતે કરી શકે? ફિલ્મમાં હવે અવંતિકા અને રંજિત સિંહ બન્નેની આપવીતી સમાંતરે આગળ વધે છે. સાવ કાચી વયે અનાથ થઈ ગયેલી અવંતિકાને બૉર્ડિંગ હાઉસ મોકલી દેવામાં આવી. થોડાં વર્ષો પછી અવંતિકાના સગા નાના શંકરદયાળ શર્મા ભારતના રાષ્ટ્રપતિ બન્યા. અવંતિકાનાં તરૂણાવસ્થાનાં વર્ષો  ભવ્યાતિભવ્ય રાષ્ટ્રપતિ ભવનમાં વીતવા માંડ્યાં, પણ મા-બાપને ગુમાવવાની એની પીડા ઓછી થતી નહોતી. મા-બાપના ખૂનીઓ પ્રત્યે એના દિલ-દિમાગમાં અપાર ખૂન્નસ અને ઝેર ઘૂંટાતાં જતાં હતાં. અવંતિકા આ ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં જે રીતે પોતાનો આક્રોશ અને પીડા વ્યક્ત કરે છે એ જોઈને કાંપી જવાય છે. 
Ranjit Singh Gill

આ બાજુ અમેરિકા ચાલ્યા ગયેલા રંજિત સિંહને વિદેશની ધરતી પર જેલવાસ થયો. એમને ભારત પરત મોકલ્યા બાદ અહીં એમનો જેલવાસ ચાલુ રહ્યો. રંજિત સિંહને પોતાના કૃત્ય બદલ અફસોસનો પાર નહોતો, શીખ સમાજની અસ્મિતાના રક્ષણ માટે કહો તો એમ અથવા પાગલ ઝનૂન કહો તો એમ, પણ એણે એક માણસની હત્યા કરી હતી એ તો હકીકત હતી. એને ભરપૂર સજા ઓલરેડી થઈ ચુકી હતી, એણે અદાલતમાં દયાની અપીલ પણ કરી હતી, પણ અવંતિકા ઇચ્છતી હતી કે મારાં મા-બાપને રહેંસી નાખનારાઓનું તો મોત જ થવું જોઈએ. અરે, એમને ફાંસીએ ચડાવી દેવા જોઈએ.  
એક દિવસ અવંતિકાને કોઈ પત્રકારનો ફોન આવ્યોઃ તારા ફાધરના કાતિલ રંજિત સિંહ પેરોલ પર બહાર આવ્યો છે. તારે એને મળવું છે? અવંતિકાએ કહી દીધુઃ હા.
એક રેસ્ટોરાંમાં બન્નેની મુલાકાત ગોઠવવામાં આવી. અવંતિકા પોતાના પતિ સાથે અને રંજિત સિંહ પોતાના પરિવાર સાથે અહીં આવ્યા. અવંતિકા પહેલી વાર પોતાનાં મા-બાપના ખૂનીને નજરોનજર જોયો. થોડી વાર સુધી કોઈ કશું બોલી ન શક્યું. પછી રંજિત સિંહ હૃદયપૂર્વક પસ્તાવો વ્યક્ત કર્યો. અવંતિકાએ જોયું કે મારા મનમાં મારા પિતાના હત્યારાનું જે ચિત્ર હતું એના કરતાં તો આ માણસ સાવ જુદો છે. એને એ પણ સમજાયું કે મારા ફાધર પણ દોષી તો હતા જ. શીખોના હત્યાકાંડને આકાર આપવામાં એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો એ પણ સત્ય છે જ. રંજિત સિંહની પ્રતિશોધની ભાવના સાથે મારાં મા-બાપને મારી નાખીને આત્યંતિક પગલું ભર્યું, પણ એને પોતાના કૃત્યની સજા થઈ જ છે. આટલાં વર્ષોમાં હું પીડાઈ છું તો એ પણ પીડાયો છે.
આ પ્રત્યક્ષ મુલાકાતનું અકલ્પનીય પરિણામ આવ્યું. અવંતિકાએ અદાલતને અપીલ કરી કે રંજિત સિંહ ગિલને કાયમી મુક્તિ આપી દો. જે માણસને એણે આખી જિંદગી ધિક્કાર્યો હતો એને અવંતિકાએ ક્ષમા આપી દીધી! રંજિત સિંહ ગિલનો જાણે પુનર્જન્મ થયો. જેલમાંથી બહાર આવીને એણે એકડેએકથી નવા જીવનની શરૂઆત કરી. લગ્ન કર્યાં, એક સંતાનના પિતા બન્યા. આ કહાણીના છેલ્લા દશ્યમાં પોતાના ઘરે સપરિવાર પધારેલા રંજિત સિંહને અવંતિકા પ્રેમપૂર્વક જમાડતી દેખાય છે!
Sister Selmi Paul with Samundar Singh

બીજી કથા. કેરળનાં એક ખ્રિસ્તી સાધ્વી. સિસ્ટર રાની મારિયા એમનું નામ. 1995ના એક દિવસે, મધ્યપ્રદેશના ઉદયનગર નજીક ચાલુ બસે કોઈ તદ્દન અજાણ્યો માણસ એના પર છરો લઈને તૂટી પડે છે. જ્યાં સુધી એનો જીવ નીકળી ન જાય ત્યાં સુધી પાગલની જેમ એના શરીર પર છરાથી  ઉપરાછાપરી ઘા કરતો રહે છે. એ હત્યારાનું નામ હતું સમુંદર સિહં. શા માટે એણે સિસ્ટર રાનીને મારી નાખ્યાં?  
ઉદયનગર પંથકમાં ગરીબ ખેડૂતો સ્થાનિક જમીનદારો પાસેથી બિયારણ, ટ્રેક્ટરની ખરીદી વગેરે માટે કરજ લેતા, ભયંકર ઊંચા દરે વ્યાજ ભરતા. સિસ્ટર રાનીએ આ પંથકમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું. એમણે ગરીબ કિસાનોને બેન્ક પાસેથી ઓછા દરે લૉન લેતા શીખવ્યું. વિનામૂલ્યે ખાદવિતરણ અને બીજવિતરણ કર્યું. સમાજસેવાના બીજાં કામો પણ કર્યાં. જમીનદાર શેઠિયાઓના પેટમાં તેલ રેડાયું. એમને સિસ્ટર રાની કણાની માફક ખૂંચવા લાગી. એમણે અપપ્રચાર શરૂ કર્યો કે આ ભલીભોળી દેખાતી સિસ્ટર અને એની ગેંગ વાસ્તવમાં ગરીબ ખેડૂતોને ભરમાવીને એમને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાની કોશિશ કરી રહી છે. સમુંદર આ વાતોમાં આવી ગયો. 1995ના એ દિવસે એસટી બસમાં મુસાફરી કરતી વખતે સિસ્ટર રાનીને જોઈને એનામાં રહેલો રાક્ષસ જાગી ઉઠ્યો. એણે સિસ્ટર પર છરાથી ચોપન ઘા કર્યા ને એમનો જીવ ખેંચી લીધો.  
સિસ્ટર રાનીની સગી નાની બહેન સેલ્મી પૉલ પણ સાધ્વી છે. આ દુર્ઘટના બની ત્યારે તેમને ઓલરેડી કૅન્સરની બીમારી લાગુ પડી ચુકી હતી. એમનો એક જ સવાલ હતોઃ મરવાનું તો મારે હતું, છેલ્લા દિવસો તો હું ગણી રહી હતી... ભગવાને મારી બહેનને કેમ ઉપાડી લીધી? ત્રણ જ દિવસમાં સમુંદરને પકડીને જેલભેગો કરવામાં આવ્યો. સિસ્ટર સેલ્મીના વડા પાદરીએ કહ્યુઃ આપણે સમુંદરની સામે પડવાનું ન હોય, આપણે એના પ્રત્યે કરુણા વ્યક્ત કરવાની હોય. એને કદાચ ખબર નહોતી કે એ શું કરી રહ્યો છે. ઈશુએ આપણને આ જ શીખવ્યું છે.
પણ સિસ્ટર સેલ્મી માનસિક રીતે તૈયાર નહોતાં. કેવી રીતે હોય? સાત્ત્વિક જીવન જીવી રહેલી સગી મોટી બહેનની કરપીણ હત્યા કરનાર નરાધમ પ્રત્યે એમ કેવી રીતે કરૂણા જગાડવી? જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલો સમુંદર જોકે કંઈ ક્રિમિનલ નહોતો. એ તો અબુધ ગામડિયો હતો. એના પસ્તાવાનો પાર નહોતો. થોડી ક્ષણોના આવેશમાં એનાથી ખોટું પગલું ભરાઈ ગયું, પણ હવે એનું ખુદનું જીવન પણ રોળાઈ ગયું હતું.
સિસ્ટર સેલ્મીએ પોતાની જાતને તૈયાર કરવાં માંડી – પરિસ્થિતિનો સ્વીકાર કરવા માટે, બહેનના હત્યારા પ્રત્યે સમસંવેદન જગાડવા માટે, એને સાચા દિલથી માફ કરવા માટે. તેઓ રોજ ચર્ચમાં જાય, સૌના ભલા માટે ઈશ્વરને પ્રાર્થના કરે. દરમિયાન સ્વામી સદાનંદ નામના એક સાધુ, કે જે મધ્યપ્રદેશના ગુનેગારોના આધ્યાત્મિક ઉત્થાન માટે વર્ષોથી કામ કરે છે, તેઓ સમુંદરના સંપર્કમાં આવ્યા. સિસ્ટર રાનીનાં મૃત્યુનાં પાંચ વર્ષ પછી સ્વામી સદાનંદ, સિસ્ટર સેલ્મીને મળ્યા. પૂછ્યુઃ તમે સમુંદરને માફ કરશો? એના કાંડે રાખડી બાંધશો? સિસ્ટર સેલ્મી કહેઃ હા, હવે હું તૈયાર છું.
રક્ષાબંધનને દિવસે બન્ને જેલ ગયાં. સમુંદરને સમજાતું નહોતું કે હું કયા મોઢે સિસ્ટર રાનીની બહેનની સામે જઈશ? એ કાંપતો હતો. સિસ્ટર સેલ્મીને જોતાં જ એ રડવા લાગ્યો. કહેઃ મારાથી બહુ મોટી ભુલ થઈ ગઈ છે. હું હવે દિવસ-રાત પ્રાયશ્ચિત કરું છું. સિસ્ટર સેલ્મીએ કહ્યુઃ ઈશ્વરે તમને ક્યારના માફ કરી દીધા છે. મારાથી જરા મોડું થયું છે, પણ હવે હું પણ તમને દિલથી માફ કરી કરું છું. તમે મહેરબાની કરીને રીબાવાનું બંધ કરો અને પોતાના જીવને શાંતિ આપો.
...અને પછી સિસ્ટર સેલ્મીએ બહેનના હત્યારાના કાંડે રાખડી બાંધી, એની સુખાકારી માટે, એની રક્ષા માટે ઈશ્વરને પ્રાર્થના કરી. કેટલી પ્રચંડ આંતરિક તાકાતની જરૂર પડે છે આવું ઉદ્દાત પગલું ભરવા માટે? સ્વીકારની, કરૂણાની ઊંચાઈની આ કઈ કક્ષા છે!
સમુંદરને પછી જેલમુક્ત કરવામાં આવ્યો. એણે નવેસરથી જીવન શરૂ કર્યું. ઇવન આજે પણ સિસ્ટર સેલ્મી ભારતના કોઈ પણ ખૂણે હોય, દર રક્ષાબંધન પર એ એમની પાસે રાખડી બંધાવવા જાય છે.
Kia Scherr

ડોક્યુમેન્ટરીની ત્રીજી કથાનો સંબંધ મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલા સાથે છે. કિઆ શૅર નામની અમેરિકન મહિલાને 26 નવેમ્બર 2008ના હુમલા પછી ફોન પર કહેવામાં આવે છે કે તમારો પતિ અને તરૂણ વયની દીકરી, કે જે હોટલે ઓબેરોયમાં ઉતર્યાં હતાં, એ બન્ને આતંકવાદીઓની ગોળીથી વીંધાઈ ગયાં છે. કિઆ જે રીતે પ્રચંડ વેદનામાંથી પસાર થયાં અને દિલમાં નકારાત્મકતા સંઘરી રાખવાને બદલે દર વર્ષે મુંબઈ આવીને લોકોમાં સ્વીકૃતિ તેમજ ક્ષમાભાવના વિકસે તે માટે પ્રવૃત્તિઓ કરી તે અદભુત છે. આ કથાની વિગતોમાં વધારે ઊંડા નહીં ઊતરીએ. એ તમે સ્વયં ફિલ્મમાં જોઈ લેજો.
                                                 
                                                 0 0 0

રૂબરૂ રોશની ડોક્યુમેન્ટરીનાં ડિરેક્ટર સ્વાતિ ચક્રવર્તી ભટકળને આ ફિલ્મ બનાવતાં ત્રણ વર્ષ લાગ્યાં. એમની પાસે આમિર ખાનના સત્યમેવ જયતે જેવા લેન્ડમાર્ક ટીવી શોનાં કૉ-ડિરેક્ટર અને હેડ ફિલ્ડ રિસર્ચ તરીકે કામ કરવાનો સમૃદ્ધ અનુભવ હતો. જે રીતે એમણે વગર વાંકે સજા ભોગવી રહેલા સ્વજનો જ નહીં, પણ ગુનો આચરનારાઓ સાથે સહાનુભૂતિપૂર્વક, સંપૂર્ણ સમસંવેદન જાળવીને, જજની માફક ચુકાદો તોળ્યા વિના સંધાન કર્યું છે, એમની પાસેથી દિલના ઊંડામાં ઊડા ભાવ વ્યક્ત કરાવ્યા છે તે અદભુત છે. ફિલ્મ પાણીના રેલાની માફક વહેતી જાય છે. ફિલ્મ જોતાં જોતાં કેટલીય વાર તમારી આંખો છલકાય છે. તમારી ભીતર અનાયાસે એક પ્રકારનું મંથન શરૂ થઈ જાય છે. જાણે અમુક ગાંઠો ખૂલી રહી હોય એવી લાગણી જાગે છે. ઉત્તમ કલાકૃતિનું આ જ તો લક્ષણ છે.
Svati Chakrabarty Bhatkal

સ્વાતિ ચક્રવર્તી ભટકળ ઉત્સવને કહે છે, માણસમાં હિંસા અને અહિંસા બન્ને પ્રકારની વૃત્તિનાં બીજ પડેલાં હોય જ છે. ક્યારેક માણસ એવા સંજોગોમાં મૂકાઈ જાય કે એનામાં હિંસાની અદમ્ય લાગણી જાગી ઉઠે, ક્યારેક એવી પરિસ્થિતિ પેદા થાય કે એનામાં રહેલી અહિંસાનો ભાવ બળવત્તર બને. જો એ આવેગભરી ક્ષણ હેમખેમ વીતી જાય તો કટોકટી ટળી જતી હોય છે. કોઈ દુર્ઘટના બને એટલે આપણે તરત જે-તે માણસને ગુનેગારના ચોકઠામાં બેસાડી દઈએ છીએ. આપણા દિમાગનું, આપણી માનસિકતાનું  કંડીશનિંગ થઈ ગયું છે. આક્રમક  બની જવું, બદલો લેવો, જેવા સાથે તેવા થવું એ જાણે આપણો સાહજિક રિસ્પોન્સ છે. અવંતિકા હોય, સાધ્વી સેલ્મી હોય કે કિઆ હોય, સામેના પાત્રને માફ કરીને ખરેખર તો એમણે પોતાના મનનો ભાર દૂર કર્યો છે, ખુદની યંત્રણામાંથી મુક્તિ મેળવી છે.
નેગેટિવિટીથી છલકાતાં આજના માહોલમાં રૂબરૂ રોશની તમને વિચારતાં કરી મૂકે છે. જે રીતે આપણે મનની શુદ્ધિ માટે મેડિટેશન અને સાધના કરીએ છીએ તે જ રીતે ફરી ફરીને, દર વર્ષે કમસે કમ એક વાર આ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવાનું રુટિન બનાવી લેવું જોઈએ. દિવાળીના આ અવસરે હોટસ્ટાર અથવા નેટફ્લિક્સ પર જઈને રૂબરૂ રોશની જરૂર જોજો, જો હજુ સુધી જોઈ ન હોય તો.        

0 0 0 


Saturday, October 19, 2019

મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલ 2019: ધૂમ મચા લે!

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 20 ઑક્ટોબર 2019
મલ્ટિપ્લેક્સ
અત્યારે પૂરજોશમાં ચાલી રહેલા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં એવી કઈ ફિલ્મો છે જેને જોવા ફિલ્મી રસિયાઓ લાઈનો લગાવે છે?

તો, મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ-2019 ગતિ પકડી ચુક્યો છે. 17 ઑક્ટોબરે શરૂ થયેલો આ પ્રતિષ્ઠિત ફિલ્મોત્સવ 24 તારીખે પૂરો થવાનો છે. આ વખતે 53 દેશોની 49 ભાષામાં બનેલી કુલ 190 ફિલ્મોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. કાન, સનડાન્સ, બર્લિન, લોકાર્નો, ટોરોન્ટો, વેનિસ અને બુસાન જેવા હાઇ પ્રોફાઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ખૂબ ગાજી ચુકેલી ફિલ્મો જોવાનો મોકો ફિલ્મરસિયાઓને મુંબઈની આ ઇવેન્ટમાં મળ્યો છે. અફ કોર્સ, નવી ભારતીય ફેસ્ટિવલ ફિલ્મો તો ખરી જ.

જેમ બાળકો રમકડાંની હાઇક્લાસ દુકાનમાં ઘેલાં ઘેલાં થઈ જાય એવા જ હાલ ઉત્સાહી સિનેમાપ્રેમીઓના થયા છે. ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલાં તેઓ ઇવેન્ટનું શેડ્યુલ ખોલીને બેસી ગયા હતા, ગૂગલ પર રિસર્ચ કર્યું હતું કર્યું હતું અને કઈ કઈ ફિલ્મો મસ્ટ-વૉચ છે એનું લિસ્ટ તૈયાર કરી નાખ્યું હતું. મુંબઇ એકૅડેમી ઑફ મુવિંગ ઇમેજીસ ઉર્ફ મામી તરીકે ઓળખાતા આ ફિલ્મોત્સવની આ વખતની સૌથી પ્રોમિસિંગ ફિલ્મો કઈ કઈ છે? જોઈએ.

મૂથોનઃ કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલની ઑપનિંગ ફિલ્મનું વિશેષ મહત્ત્વ હોય છે. 21મા મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ હિન્દી મિશ્રિત મલયાલી ફિલ્મ મૂથોનથી થયો. ગીતુ મોહનદાસે ડિરેક્ટ કરેલી આ ફિલ્મના હિન્દી ડાયલોગ્ઝ અનુરાગ કશ્યપે લખ્યા છે. નિવીન પૉલી નામના મલયાલમ એક્ટર મુખ્ય ભુમિકામાં છે. મેઇડ ઇન હેવન વેબ સિરીઝમાં ચમકીને ફેમસ થઈ ગયેલી શોભિતા ધુલીપાલા પણ આ ફિલ્મમાં છે. સ્ટોરી કંઈક એવી છે કે મુલ્લા નામનો એક ટીનેજ છોકરો પોતાના મોટા ભાઈ એકબરને શોધવા લક્ષદ્વીપથી છેક મુંબઈ પહોંચી જાય છે. અકબર પાસે બીજાઓના રોગ દૂર કરવાનું કરામતી હૂન્નર છે. ફિલ્મ ઘટનાપ્રચુર છે.      

સિસ્ટમ ક્રેશરઃ આ વખતે કમસે કમ બે ફિલ્મો એવી છે, જેમાં બાળકલાકારો મેદાન મારી ગયાં છે. એક છે, જર્મન ભાષામાં બનેલી સિસ્ટમ ક્રેશર. નવ વર્ષની એક મીઠડી બાળકી ગંભીર માનસિક બીમારીનો ભોગ બની છે. એનું વર્તન ઉત્તરોત્તર હિંસક અને ઉગ્ર બનતું જાય છે. એને નછૂટકે ઘરથી દૂર હૉસ્પિટલમાં રાખવી પડે છે, પણ બેબલીને પોતાની મા પાસે જવું છે. હૃદય ભીંજવી નાખે એવી આ ઇમોશનલ ફિલ્મ છે. આગામી ઑસ્કર અવૉર્ડઝમાં જર્મનીની ઑફિશિયલ એન્ટ્રી તરીકે આ ફિલ્મને મોકલવામાં આવી છે.      

હની બૉયઃ 

શાયા લબફ જેવું વિચિત્ર નામ-અટક ધરાવતા એક્ટરને તમે ટ્રાન્સફૉર્મર્સ સિરીઝ સહિત ઘણી ફિલ્મોમાં જોયો છે. હની બૉયની સ્ક્રિપ્ટ એણે લખી છે ને એમાં એક્ટિંગ પણ કરી છે. આ ફિલ્મ એના ખુદના બાળપણની પીડા અને બાપ સાથેના એના કોમ્પ્લીકેટેડ સંબંધ પર આધારિત છે. શાયાને નાનપણમાં સૌ હની બૉય કહીને બોલાવતા. એને પણ રિહેબિલટેશન સેન્ટરમાં રાખવો પડ્યો હતો. લુકાસ હેજસ નામના બાળકલાકારે શાયાના બાળપણના રોલમાં ચકિત થઈ જવાય એવું પર્ફોર્મન્સ આપ્યું છે. શાયા લબફે ખુદ પોતાના પિતાનો રોલ નિભાવ્યો છે. આ ફિલ્મના ચારે તરફ શા માટે આટલા વખાણ થઈ રહ્યા છે તે બિલકુલ સમજી શકાય એવું છે.

મિડસોમરઃ આમાં એક કપલ સ્વીડનના કોઈ પારંપારિક ફેસ્ટિવલમાં ભાગ લેવા કશીક અંતરિયાળ જગ્યાએ જાય છે. અહીં બધાએ સફેદ કપડાં પહેર્યાં છે. સૌ નાચે છે, ગાય છે, જલસા કરે છે, પણ અહીંની હવામાં કશુંક અજુગતું છે. ધીમે ધીમે ખબર પડતી જાય છે કે આ શ્ર્વેતવસ્ત્રધારીઓ નોર્મલ મનુષ્યો નથી. તેઓ મેલી વિદ્યા અજમાવનારા ભયંકર માનવપ્રાણીઓ છે. પતિ-પત્નીને પોતાના જીવ પર જોખમ દેખાય છે. તેઓ અહીંથી નાસી જવા માગે છે, પણ આ અઘોરીઓ એને છોડે? આ હોરર ફિલ્મ હાંજા ગગડાવી દે તેવી છે.

પેઇન એન્ડ ગ્લોરીઃ ફિલ્મ ફેસ્ટિવલની વાત ચાલતી હોય અને સ્પેનિશ ફિલ્મમેકર પેડ્રો અલમોડોવરની વાત ન નીકળે એવું બને? ઝપાટાબંધ અને જથ્થાબંધ ફિલ્મો બનાવવા માટે જાણીતા પેડ્રો આ વખતે આત્મકથનાત્મક ફિલ્મ લઈને આવ્યા છે. પોતે જીંદગીમાં જે નિર્ણયો લીધા, જે પસંદગીઓ કરી, જે રસ્તા પર ચાલ્યા તે શું યોગ્ય હતા? ફિલ્મમાં એન્ટોનિયો બેન્ડેરસ અને પેડ્રોની ફેવરિટ એક્ટ્રેસ પેનેલોપી ક્રુઝ જેવાં સ્ટાર્સ છે.

એડ એસ્ટ્રાઃ 

સ્ટાર્સની વાત નીકળી તો ભેગાભેગું જાણી લો કે આ વખતે બ્રેડ પિટ જેવા સુપરસ્ટાર્સને ચમકાવતી સ્પેસ ફિલ્મ એડ એસ્ટ્રાનું સ્ક્રીનિંગ પણ થઈ રહ્યું છે. બ્રેડ પોતાના લાપત્તા પિતાશ્રી ટોમી લી જોન્સને શોધવા નીકળ્યો છે. અવકાશયાત્રી ફાધર કોઈ સ્પેસ મિશન દરમિયાન અનંત અવકાશમાં ગાયબ થઈ ગયા હતા. હવે દીકરો એમની ભાળ કાઢવા અંતરિક્ષ ફંફોસવા માગે છે. ઇન્ટરેસ્ટિંગ!

ધ આઇરિશમેનઃ આહા! રોબર્ટ દ નીરો, અલ પચીનો અને જૉ પેસ્કી જેવા ત્રણ-ત્રણ ધૂરંધર એક્ટરો એકસાથે એક જ ફિલ્મમાં અને એના ડિરેક્ટર કોણ? તો કે માર્ટિન સ્કોર્સેઝી! આના કરતાં વધારે જોરદાર કોમ્બિનેશન બીજું કોઈ ન હોઈ શકે. આ ફિલ્મમાં ગૉડફાધરની માફક એક ક્રિમિનલ ફેમિલી અને તેના કારનામાની વાત છે.

નોંધપાત્ર કહેવાય એવી બહુ બધી ફિલ્મો છે. બૉયન્સી નામની ઑસ્કરમાં ઑસ્ટ્રેલિયન એન્ટ્રી તરીકે મોકલવામાં આવેલી સત્યઘટનાત્મક ફિલ્મમાં 14 વર્ષના એક કંબોડિયન છોકરાની વાત છે, જે બાપડો ટ્રાફિકિંગની જાળમાં સપડાઈ ગયો છે. આ સિવાય વેટિકનના રાજકારણની વાત કરતી ધ ટુ પોપ્સ (ઇટાલિયન), સ્કાર્લેટ જ્હોન્સનને ચમકાવતી મેરેજ સ્ટોરી, અલગ જ અનુભવ કરાવતી ફ્રેન્ચ એનિમેશન ફિલ્મ આઇ લોસ્ટ માય બૉડી અને બીજી કેટલીય ફિલ્મો છે. વધારે વાતો ફરી ક્યારેક.      
0 0 0             
Wednesday, October 16, 2019

આવારા હૂં...

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 13  ઑક્ટોબર 2019, રવિવાર
મલ્ટિપ્લેક્સ
‘'જૉકર'' ફિલ્મમાં એવું તે શું છે કે એનો ટાઇટલ રોલ નિભાવતા વૉકિન ફિનિક્સ આ વખતે બેસ્ટ એક્ટરનો ઑસ્કર અવૉર્ડ જીતી જશે એવી જોરદાર હવા બનવા લાગી છે?


તાજેતરમાં હોલિવુડની જૉકર રિલીઝ થતાંની સાથે જ, રાધર, એનાય થોડાં અઠવાડિયાં પહેલાં આ ફિલ્મનું વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થયું ત્યારથી જ જોરદાર હવા બનવા માંડી છે કે આગામી ઑસ્કર સિઝનમાં જૉકરનો મેઇન રોલ કરનારા વૉકિન ફિનિક્સ બેસ્ટ એક્ટરનો ઑસ્કર અવૉર્ડ હકથી ખેંચી જવાના. એકલા અભિનય જ નહીં, ઑસ્કરની બીજી કેટલીય કેટેગરીમાં જૉકર ફિલ્મનો દબદબો રહેવાનો.

ખરેખર આવું બને છે કે કેમ એ તો 2020ની નવમી ફેબ્રુઆરી જ ખબર પડશે, પણ જૉકર ફિલ્મ ખૂબ અસરકારક છે એ તો નક્કી. સુપરહીરો બેટમેનની કાલ્પનિક દુનિયાના ડરામણા વિલન જૉકરની વાત નીકળે ત્યારે આપણને તરત હીથ લેજર યાદ આવે. ધ ડાર્ક નાઇટ (2008)માં હીથ લેજરે જૉકર તરીકે એટલો અદભુત અભિનય કર્યો હતો કે આ કિરદાર માટે આનાથી આગળ કે ઉપર વધારે કશું થઈ જ ન શકે એવું સૌએ લગભગ સ્વીકારી લીધું હતું. હીથ લેજરને આ ભુમિકા માટે મરણોત્તર ઑસ્કર અવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. એમ તો જૉકરની ભુમિકા અગાઉ જેક નિકલ્સન અને જેરેડ લેટો જેવા અન્ય તગડા એક્ટરો પણ કરી ચુક્યા છે. આથી જ સૌને લાગતું હતું કે વૉકિન ફિનિક્સ (નામનો સ્પેલિંગ જે-ઓ-એ-ક્યુ-યુ-આઇ-એન છે, પણ ઉચ્ચાર વૉકિન એવો કરવામાં આવે છે) એવું તે શું નવું કરી દેખાડશે.      

પણ વૉકિને કરી દેખાડ્યું. એ પણ એવું કમાલનું કરી દેખાડ્યું કે અગાઉના તમામ જૉકરો એની તુલનામાં ફિક્કા લાગવા માંડ્યા. જૉકરને કસમયે હસવાની બીમારી છે. સાવ ખોટા સમયે  એ એવું ભયંકર અટ્ટહાસ્ય કરે છે કે સામેનો માણસ કાંપી ઉઠે. એ સંભવતઃ પીટીએસડી (પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર) નામના માનસિક રોગથી પીડાય છે. એના હાડપિંજર જેવા શરીરમાં હાડકાં એટલી વિચિત્ર રીતે બહાર આવી ગયા છે કે એ ઉઘાડા ડિલે બેઠો હોય ત્યારે માણસને બદલે જાણે કોઈ જાનવર બેઠું હોય એવું તમને લાગે. (આ ફિલ્મ માટે વૉકિન ફિનિક્સે 24 કિલો વજન ઉતાર્યું હતું.) જૉકર એટલી બધી ડાર્ક અને ડિપ્રેસિંગ ફિલ્મ છે કે તે પૂરી થયા પછી પણ કલાકો સુધી એની અસરમાંથી બહાર આવી શકાતું નથી. આ એક્ટર-રાઇટર-ડિરેક્ટરની જીત છે.

જો તમને ડીસી કૉમિક્સના કિરદારોના ફૅન હશો તો જૉકરના કારનામાથી સારી રીતે પરિચિત હોવાના. ગોથમ સિટી નામના કાલ્પનિક નગરમાં જૉકર જેવી વેશભૂષા ધારણ કરેલો ખલનાયક જનતા અને પ્રશાસનની ઊંઘ હરામ કરે છે ને સુપરહીરો બેટમેન અવનવા પરાક્રમો કરીને એનો મુકાબલો કરે છે. જૉકર વાસ્તવમાં આર્થર ફ્લેક નામનો મધ્યવયસ્ક આદમી છે. જૉકર પર હજુ સુધી કોઈ સ્વતંત્ર ફિલ્મ બની નહોતી. આ માણસ કેમ આવો વિકૃત છે? એનાં બાળપણ અને જુવાનીમાં શું બન્યું હતું? શું છે એની બૅક-સ્ટોરી? બસ, આ સવાલોના જવાબ જૉકર ફિલ્મમાં છે.જૉકર ટૉડ ફિલિપ્સ નામના ફિલ્મમેકરે લખી છે અને ડિરેક્ટ કરી છે. એમના નામે હેંગઓવર સિરીઝ જેવી સૉલિક કૉમેડી ફિલ્મો બોલે છે. હેંગઓવર બનાવનાર માણસ જૉકર જેવી અત્યંત ડાર્ક અને ડિસ્ટર્બિંગ ફિલ્મ બનાવી શકે એ કલ્પી શકાતું નથી. ટૉડે જોયું કે જૉકરમાં ટિપિકલ કૉમિક બુક ફિલ્મ કરતાં કશુંક અલગ કરવાનો અવકાશ છે. સુપરહીરોની ફિલ્મોમાં સામાન્યપણે સ્પેશિયલ ઇફેક્ટ્સની ભરમાર હોય છે, પણ એમણે જોયું કે આ ફિલ્મમાં તેનાથી દૂર રહીને, રિઅલિસ્ટિક અપ્રોચ ધારણ કરીને જૉકરના પાત્રને એક કેસ-સ્ટડીની માફક ટ્રીટ કરી શકાય તેમ છે.

ટૉડ ફિલિપ્સને સ્ટુડિયો દ્વારા સૂચન કરવામાં આવ્યું કે તમે લીડ રોડમાં ટાઇટેનિક ફેમ લિઓનાર્ડો દકેપ્રિયોને લો. ડિરેક્ટરસાહેબે ધડ્ દઈને ના પાડી દીધી. એમણે કહ્યું કે મારી ફિલ્મમાં જૉકર જો કોઈ બનશે તો એ વૉકિન ફિનિક્સ જ હશે. વૉકિનને સુપરહીરો કિરદારો ભજવવાની સૂગ હતી. તેઓ અગાઉ હલ્ક અને ડૉક્ટર સ્ટ્રેન્જલવ આ બન્ને ફિલ્મો નકારી ચુક્યા હતા. તેમનું માનવું હતું કે તમે એક વાર સુપરહીરો બનો એટલે તમારા પર થપ્પો લાગી જાય ને અભિનેતા તરીકેનું તમારું વર્તુંળ સીમિત થઈ જાય. જૉકરને હા પાડવામાં એમણે ચાર મહિના લગાડ્યા.

મેં જૉકરને હા પાડી એની સ્ક્રિપ્ટને કારણે, વૉકિને એક ઇન્ટરવ્યુમાં કહે છે, હું સ્ક્રિપ્ટ વાંચીને નક્કી જ ન કરી શક્યો કે મારે જૉકરના પાત્રને ધિક્કારવું જોઈએ કે એના પર દયા ખાવીને એના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈએ.

ફિલ્મ જોઈને જોકે ઑડિયન્સને તો જૉકર પ્રત્યે મોટે ભાગે સહાનુભૂતિ જ થાય છે. જૉકર એક એવું પાત્ર છે જેની સાથે જિંદગીમાં સતત અન્યાય થયો છે. સગાં મા-બાપે એને જન્મતાંની સાથે જ તરછોડી દીધો હતો. જે સ્ત્રીએ એને દત્તક લીધો એ માનસિક મરીઝ હતી. એનો બૉયફ્રેન્ડ નાનકડા આર્થરને (એટલે કે જૉકરને)  ઢોરમાર મારતો. પોતે સગું નહીં પણ દત્તક સંતાન છે એ સચ્ચાઈ એનાથી છુપાવવામાં આવી હતી. એ જૉકરના વેશમાં હોય ત્યારે ટપોરી છોકરાઓ લેવાદેવા વગર એને ધીબેડી જાય છે. એક વાર અન્ડરગ્રાઉન્ડ સબવેમાં કેટલાક ટપોરીઓ એને હેરાન કરે છે. જૉકર સ્વબચાવમાં બે ટપોરીઓ પર બંદૂકની ગોળી ચલાવે છે ને ત્રીજાની પાછળ પછીને એનેય ઠાર કરી નાખે છે. આ રીતે ખૂની સિલસિલો શરૂ થાય છે. જૉકર પછી પોતાની માને, દોસ્તારને અને લાઇવ ચેટ-શોના હોસ્ટ (રોબર્ટ દી નીરો)ને પણ પતાવી નાખે છે.

જૉકર ફિલ્મની પ્રશંસાની સાથે સાથે વિરોધના સૂર પણ ઉઠ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે અવિચારીપણે હિંસા આચરતા અસામાજિક તત્ત્વોને આ ફિલ્મ જોઈને ઊલટાનો પાનો ચડશે. તમને યાદ હોય તો 2012માં અમેરિકાના એક થિયેટરમાં બેટમેનની ધ ડાર્ક નાઇટ રાઇઝીસ ફિલ્મ ચાલી રહી હતી ત્યારે એક માણસે આડેધડ ગોળીઓ ચલાવીને ચોવીસ લોકોને મારી નાખ્યા હતા. એક વર્ગને એવો ડર છે કે જૉકર ફિલ્મના શોઝ દરમિયાન પણ આવી દુર્ઘટના ફરીથી બની શકે છે. જોકે આવું કશું બન્યું નથી. જે લેન્ડમાર્ક થિયેટરમાં શૂટઆઉટ થયેલું ત્યાં આ વખતે સૂચના મૂકવામાં આવી કે ઑડિયન્સે જૉકરનો મુખવટો પહેરીને ફિલ્મ જોવા ન આવવું!

જૉકર આપણે ત્યાં રિલીઝ થઈ ચુકી છે. જો તમે ગંભીર અને ડાર્ક ફિલ્મો માણી શકતા હો ને જો તમને ઑસ્કર-લાયક ફિલ્મોમાં રસ હોય તો જૉકર જોજો. વૉકિન ફિનિક્સનો અભિનય જોઈને તમે આફરીન ન થઈ જાઓ તો કહેજો.
 
 0 0 0      
  

2018માં બૂકર, 2019માં નોબલ!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 16 ઑક્ટોબર 2019, બુધવાર
ટેક ઓફ 
શું લેખકની સર્જકતા અને એની વ્યક્તિગત રાજકીય માન્યતાને એકમેકથી અલગ કરીને મૂલવવી જોઈએ? શું આ બન્ને એકમેકથી તદ્દન ભિન્ન બાબતો છે? કે પછી, બન્નેનો થોડો વિસ્તાર અનિવાર્યપણે એકબીજા પર ઓવરલેપ થતો હોય છે?


તો, આ વખતે સાહિત્ય ક્ષેત્રનાં એક નહીં, પણ બે નોબલ પ્રાઇઝ વિનર ઘોષિત થયાં - 2018 માટે પૉલેન્ડનાં લેખિકા ઓલ્ગા તોકારતુક અને 2019 માટે ઑસ્ટ્રિયાના પીટર હન્ડકે. 57 વર્ષનાં ઓલ્ગા (એમની અટકનો સ્પેલિંગ અતિ વિચિત્ર છે, પણ ઉચ્ચાર તોકારતુક એવો થાય છે) મુખ્યત્ત્વે નવલકથાઓ, નવલિકાઓ અને નિબંધો લખે છે. તેઓ એક્ટિવિસ્ટ પણ છે. 76 વર્ષીય પીટરની ક્રિયેટિવિટી નવલકથા, નાટક અને કવિતામાં ખીલે છે. તેઓ અનુવાદો પણ કરે છે અને એમણે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી છે.
નોબલવિનર તરીકે પીટર હન્ડકેનું નામ ઘોષિત થતાં ઑસ્ટ્રિયા આનંદથી ઝુમી ઉઠ્યું, પણ સાથે સાથે  વિવાદ પણ પેદા થઈ ગયો. પીટર આમેય પહેલેથી કન્ટ્રોવર્શિયલ લેખક રહ્યા છે. અલ્બેનિયાના પ્રાઇમ મિનિસ્ટરે ટ્વિટ કર્યું કે, મેં સપનામાં પણ નહોતું વિચારેલું કે ક્યારેક એવો દિવસ પણ આવશે કે જ્યારે નોબલવિનરનું અનાઉન્સમેન્ટ સાંભળીને મને ઊલટી કરવાનું મન થાય. અલ્બેનિયાના ફોરેન મિનિસ્ટરે ટ્વિટર પર શેઇમ શેઇમના પોકાર કર્યા, તો કોસોવોના પ્રેસિડન્ટે લખ્યું કે પીટરને વિજેતા તરીકે પસંદ કરીને નોબલની કમિટીની હત્યાકાંડનો ભોગ બનેલા અસંખ્ય લોકોને ખૂબ દુખ પહોંચાડ્યું છે.
ક્યો હત્યાકાંડ? જર્મન ભાષામાં લખતા પીટર હન્ડકે શા માટે એક વિવાદાસ્પદ લેખક ગણાય છે? 1995માં યુગોસ્લાવિયાના યુદ્ધ દરમિયાન સર્બિઅન સૈનિકોએ બોસ્નિયાના આઠ હજાર મુસ્લિમોને હણી નાખ્યા હતા. આ જીનોસાઇડ એટલે કે વાંશિક હત્યાકાંડ હતો. સ્લોબોડન મિલોસેવિક નામનો રાજકારણી, કે જે પછી સર્બિયાનો પ્રેસિડન્ટ બન્યો, તે આ હત્યાકાંડ માટે જવાબદાર ગણાયો. સ્લોબોડન મર્યો ત્યાં સુધી વૉર ક્રિમિનલ તરીકે બદનામ રહ્યો. પીટર હન્ડકેને જોકે એના પ્રત્યે જબરી સહાનુભૂતિ હતી. સ્લોબોડનનાં અંતિમ સંસ્કાર વખતે પીટર હાજર રહ્યા હતા અને જાહેરમાં એવા મતલબનું બોલ્યા હતા કે મુસ્લિમોના હત્યાકાંડવાળી આખી વાત જ ખોટી છે, ઊપજાવી કાઢેલી છે. એ તો મુસ્લિમો જ આપસમાં લડીઝઘડીને અલ્લાહને પ્યારા થયા હતા. પછી જોકે આ અવળવાણી ઉચ્ચારવા બદલ પીટરે જાહેરમાં માફી પણ માગી હતી.
શું માણસની સર્જકતા અને એની વ્યક્તિગત રાજકીય માન્યતાને એકમેકથી અલગ કરીને મૂલવવી જોઈએ? શું આ બન્ને એકમેકથી તદ્દન ભિન્ન બાબતો છે? કે પછી, બન્નેનો થોડો વિસ્તાર એકબીજા પર અનિવાર્યપણે ઓવરલેપ થતો હોય છે?
ઓલ્ગા તોકારતુકની એક નવલકથા ભૂતકાળમાં પ્રતિબંધિત થઈ ચુકી છે, પણ તેઓ પીટર હન્ડકે જેટલાં કન્ટ્રોવર્શિયલ ક્યારેય નહોતાં. ઓલ્ગાનો સિતારો બુલંદી પર ઝળહળી રહ્યો છે. ગયા વર્ષે જ એમને ફ્લાઇટ્સ નામની નવલકથા માટે મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ મળ્યું હતું. નોબલ પ્રાઇઝ પણ એમને ગયા વર્ષે જ મળવાનું હતું, પણ કશાક કારણસર ઘોષણા એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી. એક જ વર્ષમાં બૂકર પ્રાઇઝ અને નોબલ પ્રાઇઝ બન્નેના હકદાર બનવું... એક લેખક માટે સિદ્ધિ અને સ્વીકૃતિની આ ચરમ સીમા છે!
ઓલ્ગા તોકારતુક પૉલેન્ડમાં દાયકોઓથી સેલિબ્રિટીનું સ્ટેટસ ભોગવે છે. એમનાં માતાપિતા બન્ને ટીચર હતાં. એમનાં ઘરમાં કબાટો પુસ્તકોથી ભરાયેલાં રહેતાં. આથી ઓલ્ગાને વાંચવા-લખવાનાં સંસ્કાર નાનપણથી જ મળ્યાં હતાં. સાઇકોલોજીનું ભણ્યા પછી તેઓ એક હૉસ્પિટલમાં થેરાપિસ્ટ તરીકે જોડાયા. દરમિયાન સાથી સાઇકોલોજિસ્ટ સાથે લગ્ન કર્યાં, એક પુત્રને જન્મ આપ્યો. પાંચ વર્ષ પછી એમણે નોકરી છોડી દીધી. શા માટે? કારણ કે એક માનસિક દર્દીના ઉપચાર દરમિયાન એમને લાગ્યું કે આના કરતાં તો હું વધારે ડિસ્ટર્બ્ડ છું! જૉબ છોડ્યાં પછી એમણે લખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 27 વર્ષની ઉંમરે એમનો કવિતાસંગ્રહ બહાર પડ્યો હતો. તે પછી પહેલી નવલકથા બહાર પડી, જેનું અંગ્રેજી ટાઇટલ છે, ધ જર્ની ઓફ ધ પીપલ ઓફ ધ બુક. એમાં સત્તરમી સદીના ફ્રાન્સની વાત હતી. આ નવલકથાને બેસ્ટ ડેબ્યુ (નવોદિત) અવૉર્ડ મળ્યો. ઓલ્ગા લખતાં રહ્યાં, પ્રતિષ્ઠિત પારિતોષિકો જીતતાં રહ્યાં. છેલ્લાં કેટલાંક વર્ષોથી એમની કૃતિઓનો અંગ્રેજીમાં અનુવાદ થવાનું શરૂ થયું ને ક્રમશઃ આખી દુનિયાનું ધ્યાન એમના તરફ ખેંચાયું.     
        
ઓલ્ગાની કથાઓમાં પાત્રો સતત પ્રવાસ કરતા હોય છે. લખવાનું શરૂ કર્યું ત્યારથી જ યાત્રા (બાહ્ય અને આંતરિક બન્ને) એમના લખાણની સેન્ટ્રલ થીમ રહી છે. એમને ખુદને પ્રવાસ કરવાનો ખૂબ શોખ છે. તેઓ દુનિયાભરમાં ફરતાં રહે છે. તે પણ એકલાં. પરિવારના સભ્યો કે મિત્રો સાથે પ્રવાસ કરવો અને એકલા પ્રવાસ કરવો – આ બન્ને તદ્દન જુદા અનુભવો છે.       
મનમાં જાગેલા વિચાર છટકી જાય કે ભુલાઈ જવાય તે પહેલાં એને ફટાક કરતાં કાગળ પર ટપકાવી લેવાની ઓલ્ગાને આદત છે. એ રસ્તા પર ચાલતાં હોય, લિફ્ટ કે એસ્કેલેટર પર હોય, ટ્રેનમાં હોય -  મનમાં જે આવ્યું હોય તેને તેઓ તરત ટિશ્યુ પેપર, છાપાની કોરી કિનારી કે બિલનો પાછલો હિસ્સો કે હાથમાં કાગળનો જે કોઈ ટુકડો આવ્યો એના પર નોંધી લે. ઘરે જઈને લખવા બેસે ત્યારે કાગળના આ બધા ટુકડા એકઠા કરીને લખાણને વ્યવસ્થિત આકાર આપે.
ઓલ્ગા એક મુલાકાતમાં તેઓ કહે છે, મધ્ય યુરોપનું સાહિત્ય પશ્ચિમ યુરોપના સાહિત્ય કરતાં ઘણું જુદું છે. સૌથી પહેલાં તો રિયાલિટી પર પશ્ચિમ યુરોપ અને અમેરિકન સાહિત્યકારોને જેટલો ભરોસો છે એટલો અમને નથી. અંગેજીમાં લખતા લેખકો આંતરિક મનોવૈજ્ઞાનિક સત્યોનો ડર રાખ્યા વિના લિનીઅર (સુરેખ, ક્રમબધ્ધ) ફૉર્મમાં લખી શકે છે, પણ મારાં જેવા મધ્ય યુરોપિયન લેખકોમાં એટલી ધીરજ હોતી નથી. અમારો ઇતિહાસ એટલો ઉથલપાથલભર્યો રહ્યો છે કે અમને સતત લાગ્યા કરે કે ક્યાંક કશુંક ખોટું છે. સામે જે દેખાય છે એ એકદમ સીધુંસાદું તો ન જ હોઈ શકે. બીજો ફર્ક એ છે કે પશ્ચિમના લેખકોની સર્જકતાનાં મૂળિયાં સાઇકોએનૅલિસિસમાં દટાયેલાં છે, જ્યારે અમે હજુય પૌરાણિક યા ધાર્મિક રીતે વિચારીએ છીએ.
નોબલ પ્રાઇઝ જે-તે લેખકના સમગ્ર સર્જનને ધ્યાનમાં રાખીને અપાય છે. ઓલ્ગાની ખૂબ જાણીતી અને 900 પાનામાં ફેલાયેલી નવલકથા ધ બુક ઑફ જેકબ્સનું લોકાલ અઢારમી સદીનું પોલેન્ડ છે. થોડાં મહિના પહેલાં ડ્રાઇવ યોર પ્લો નામની નવલકથા અંગ્રેજીમાં અનુદિત થઈને માર્કેટમાં આવી. તે એક એક્ઝિસ્ટેન્શિયલ થ્રિલર છે. એક ખડૂસ સ્વભાવનાં ડોસીમા કોઈ અંતરિયાળ ગામડામાં રહે છે. એમના એક પાડોસી, એક પોલીસ ઓફિસર અને ગામનું મોટું માથું ગણાતા એક માણસનું વારફરતી મર્ડર થઈ જાય છે. આ ઘટનાઓની ડોસીમાના જીવન પર શી અસર પડે છે એની વાત આ કથામાં છે.
ઓલ્ગા પોતાની કથાઓને કોન્સ્ટેલેશન નોવેલ્સ તરીકે વર્ણવે છે. કોન્સ્ટેલેશન એટલે તારાઓનું ઝૂમખું.  ઓલ્ગા કહે છે, જ્યારે આપણે નવલકથા વાંચવાનું શરૂ કરીએ છીએ ત્યારે એવું લાગે કે જાણે આપણા મનમાં એક નવું આકાશ ઊઘડી રહ્યું હોય. બે-પાંચ દિવસ પછી નવલકથાનું નવું પ્રકરણ વાંચવા બેસીએ ત્યારે ફરી પાછા આપણે એ જ જગ્યા પર પહોંચી જઈએ છીએ. આ માનસિક પ્રક્રિયા લેખક નહીં, પણ વાચક ખુદ કરે છે. લેખક તરીકે મારું કામ વાચકોને આ અનુભવ માટેની માત્ર ભુમિકા પૂરી પાડવાનું છે. મને મારા વાચકો પર ભરોસો છે. કેટલાંય વાચકો મારા કરતાંય વધારે બુદ્ધિશાળી છે. હું એમને ઘટનાઓ, સંજ્ઞાઓ, ઇમેજીસ વગરેનું જે ઝુમખું પૂરું પાડું છું એમાંથી તેઓ પોતાની રીતે આકાર ઘડી કાઢે છે. આકાશમાં તારાઓનાં ઝુમખાં જોઈને આપણે એ જ તો કરીએ છીએ. રિયાલિટી સીધી લીટીમાં ચાલતી નથી. આપણે કમ્પ્યુટર પર કામ કરતાં હોઈએ ત્યારે એક વિન્ડો ખોલીએ છીએ, પછી એમાંથી બીજી-ત્રીજી-ચોથી વિન્ડો ઓપન કરતાં જઈએ છીએ, નવો ક્રમ વિકસાવીએ છીએ. આ નવું વાસ્તવ છે. મારી નવલકથાઓના કોન્સ્ટેલેશન ફૉર્મમાં હું વાસ્તવની આ સ્થિતિને જ કેપ્ચર કરવાની કોશિશ કરતી હોઉં છું.
ઓલ્ગાને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર લખવાનું વધારે ગમે છે એટલે ડિટેલિંગને ખૂબ મહત્ત્ત્વ આપે. ધારો કે અઢારમી સદીના પોલેન્ડમાં કોઈ માણસ ખુરસી પર બેઠો બેઠો સીવતો હોય એવું દશ્ય હોય તો એ જમાનામાં ખુરસીની બનાવટમાં કયું લાકડું વાપરવામાં આવતું, ખુરસીના હાથા કેવા રહેતા, સીવણકામ માટે કેવી સોય વપરાતી એ બધું જ ઓલ્ગા પાક્કું રિસર્ચ કરીને શોધી કાઢે. એ જમાનામાં ધાતુની નહીં, પણ લાકડાની સોય વપરાતી. આથી જો ભુલથી લોખંડની સોય લખાઈ ગઈ હોય ઓલ્ગા તેને છેકીને લાકડાની સોય કરી નાખે. નોબલ પ્રાઇઝની કક્ષાના લેખકનું પરફેક્શન પણ એ જ સ્તરનું હોવાનું!
    0 0 0 


Wednesday, October 9, 2019

ગુણવાન પારકા કરતાં ગુણહીન સ્વજન સારો?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 9 ઓક્ટોબર 2019 બુધવાર
ટેક ઓફ 
મહર્ષિ વાલ્મીકિ સંભવતઃ દલિત માતાપિતાનું સંતાન હતા. વેદ વ્યાસ એક માછીમારનું સંતાન હતા. રામાયણ અને મહાભારત જેવા ભારતીય સંસ્કૃતિના મહાનતમ ધર્મગ્રંથો દલિત સર્જકોએ ઘડ્યા છે! 

પણે ત્યાં શરદ પૂર્ણિમાનો દબદબો એવો છે કે આ દિવસ વાલ્મીકિ જયંતિ તરીકે પણ ઉજવાય છે તે વાત ભુલી જવાય છે. આ વખતે આ બન્ને દિવસ 13 ઓક્ટોબર, રવિવારના રોજ પડે છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી અર્થાત્ મા અને અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે – આ વાક્ય આપણે સતત વાંચતા-સાંભળતા ઇવન લખતા રહીએ છીએ, પણ આપણને એવી સભાનતા હોતી નથી કે આ અતિપ્રચલિત ઉક્તિ મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં લખી છે. રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિ આપણા આદિકવિ છે. એમની પહેલાંનું વેદ-ઉપનિષદ સહિતનું સાહિત્ય અપૌરુષેય એટલે કે ઈશ્વરકૃત ગણાય છે. વાલ્મીકિના મુખમાંથી સૌથી પહેલી વાર પૌરુષેય છંદ અવતર્યો. આથી તેઓ આદિ કવિ ગણાયા.
વાલ્મીકિ કૃત રામાયણમાં એવાં કેટલાંય સૂત્રો લખ્યા છે, જેને આજે એકવીસમી સદીમાં પણ આપણે જીવનસૂત્ર તરીકે અપનાવી શકીએ. જેમ કે,  ઉત્સાહો બલવાનાર્ય નાસ્ત્યુત્સાહાત્પરં બલમ્. સોત્સાહસ્ય હિ લોકેષુ ન કિંચદપિ દુર્લભમ્. આનો અર્થ છે, ઉત્સાહમાં પુષ્કળ શક્તિ છે. ઉત્સાહ કરતાં ચઢિયાતું કોઈ બળ નથી. ઉત્સાહી વ્યક્તિ કરતાં વધારે દુર્લભ આ જગતમાં કશું નથી! બીજા એક સૂત્રમાં વાલ્મીકિ લખે છે કે, ઉત્સાહ વગરના, દીન અને શોકથી વ્યાકુળ મનુષ્યનાં બધાં કામ બગડી જાય છે, એ ઘોર વિપત્તિઓમાં ફસાઈ જાય છે. ન ચાતિપ્રણયઃ કાર્યઃ કર્તવ્યોપ્રણયસ્ચ તે. કોઈને વઘુ પડતો પ્રેમ પણ ન કરવો અને કોઈના પ્રત્યે અધિક વેરભાવ પણ ન રાખવો. પ્રેમ હોય કે દુશ્મની – અતિરેક હંમેશાં અનિષ્ટકારક હોય છે. જીવનની અન્ય બાબતોની માફક લાગણીઓની મામલામાં પણ મધ્યમ માર્ગ અપનાવવો શ્રેષ્ઠ છે!  
વાલ્મીકિનાં મૂળ નામ, માતા-પિતા અને કુળ અંગ મતમતાંતર છે. ઘણા વિદ્વાનો એમને પછાત જાતિના માને છે, કોઈ એમને ભીલ ગણાવે છે. એક કથા એવી છે કે વાલ્મીકિનું મૂળ નામ અગ્નિશર્મા હતું. વિદિશામાં આશ્રમ ધરાવતા સુમતિ નામના બ્રાહ્મણના તેઓ પુત્ર હતા. એમનું ગોત્ર ભૃગુ હતું. અગ્નિશર્માને વેદ-ઉપનિષદનાં ભણતરમાં જરાય રસ નહોતો. એ કુસંગે ચડી ગયો. ડાકુઓની ટોળીમાં ભળીને લૂંટફાટ કરવા લાગ્યો. એક વાર સપ્તર્ષિઓ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. અગ્નિશર્માએ એમના પર હુમલો કર્યો. સપ્તર્ષિઓએ એને પ્રેમથી સમજાવ્યા. એમના ઉપદેશથી અગ્નિશર્માનું હૃદયપરિવર્તન થયું. સપ્તર્ષિઓએ એમને રામનામનું રટણ કરવા કહ્યું. આમ, તેઓ અગ્નિશર્મામાંથી વાલ્મીકિ બન્યા. કશસ્થલી જઈ શિવઆરાધના કરીને તેમણે કવિત્વ પ્રાપ્ત કર્યું.
ઑર એક કથા અનુસાર વાલ્મીકિ પૂર્વ જન્મમાં કશ્યપ અને અદિતિના નવમા પુત્ર વરુણના દીકરા હતા. બીજા અવતારમાં એમનો જન્મ  એક ગરીબ પરિવારમાં થયો. રત્નાકર એમનું નામ. એક વાર તે વનમાં માતા-પિતાથી વિખૂટો પડી ગયો. વનમાં વસતા ભીલોએ એનું લાલનપાલન કર્યું, એને લૂંટફાટ કરતાં શીખવ્યું. એક વાર રત્નાકરે સપ્તર્ષિઓને લૂંટવાનો પ્રયાસ કર્યો. સપ્તર્ષિઓએ એને પૂછ્યુઃ તું જે પાપ કરે છે એમાં તારો પરિવાર પણ ભાગીદાર છે ખરા? રત્નાકર વિચારમાં પડી ગયો. એના મનમાં આ સવાલ ક્યારેય જાગ્યો નહોતો. સપ્તર્ષિને વૃક્ષ સાથે બાંધીને એ દોડીને ઘરે ગયો. પરિવારના સભ્યો સામે પ્રશ્ન દોહરાવ્યો કે શું તમે મારાં પાપકર્મોમાં સરખેસરખા હિસ્સાદાર છો? સૌએ ના પાડી. એમણે કહ્યુઃ અમે શા માટે તારાં પાપકર્મમાં ભાગીદાર બનીએ? અમારો નિર્વાહ કરવો એ તો તારી ફરજ છે!
રત્નાકરની આંખ ઊઘડી ગઈ. એ સપ્તર્ષિ પાસે પાછો ફર્યો, એમને મુક્ત કર્યા, કલ્યાણનો માર્ગ પૂછ્યો. સપ્તર્ષિઓએ એમને રામનામનો મંત્ર આપ્યો. દેવિકાના તટ પર આસન જમાવીને રત્નાકરે ઉગ્ર તપસ્યા કરી. એ રામ રામને બદલે મરા મરા બોલતો હતો. વર્ષો વીત્યાં. રત્નાકરની ફરતે રાફડો જામી ગયો. યોગાનુયોગે સપ્તર્ષિઓને ફરી એ જ રસ્તે નીકળવાનું થયું. રાફડામાંથી નીકળતો મરા મરા અવાજ સાંભળીને તેઓ થંભી ગયા. રાફડો હટાવ્યો. અંદરથી રત્નાકરને બહાર કાઢ્યો. સંસ્કૃત ભાષામાં રાફડાને વાલ્મીક કહે છે. તેના પરથી રત્નાકરને વાલ્મીકિ નામ મળ્યું. વાલ્મીકીએ પછી સૂર્યની ઉપાસના કરી અને તમસા નદીને કિનારે આશ્રમ સ્થાપ્યો.

કથા આગળ વધે છે. એક સવારે વાલ્મીકિ નદીએ સ્નાન કરવા ગયા. ત્યાં કૌંચ પક્ષીની જોડી રતિક્રીડા કરતી હતી. અચાનક કશેકથી સનનન કરતું તીર આવ્યું ને નર ક્રૌંચને વીંધાઈ ગયું. એના પ્રાણ ઉડી ગયા. માદા કૌંચ વિલાપ કરવા લાગી. એનું રુદન સાંભળીને દ્રવી ઉઠેલા વાલ્મીકિએ શિકારીને શ્રાપ આપ્યો. આ શ્રાપ એમના મુખમાંથી આ શ્લોકના રૂપમાં નીકળ્યોઃ
મા નિષાદ પ્રતિષ્ઠાં ત્વમગમઃ શાશ્વતી સમાઃ
યત્ કૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્.
અર્થાત્ હે નિષાદ! તેં કૌંચયુગ્મમાંથી કામાસક્ત નરપક્ષીને મારી નાખ્યું. આ માટે તારી અપકીર્તિ થાઓ.
વાલ્મીકિના મુખેથી અનાયાસે સરી પડેલો આ શ્લોક અનુષ્ટુપ છંદમાં હતો. એક વાર બહ્મા વાલ્મીકિના આશ્રમે આવી ચડ્યા. વાલ્મીકિએ એમને કૌંચવધની ઘટના અને પોતાને સ્ફુરેલા શ્લોકની વાત કહી. બહ્માએ એમને આ જ રીતે રામકથાને શ્લોકબદ્ધ કરવાનું સૂચન કર્યું.  
વાલ્મીકિના કુળ અને નિવાસસ્થાનની માફક એમણે રામાયણ ગ્રંથની રચના રામના જન્મ પહેલાં કરી હતી કે પછી તે મુદ્દે પણ વિદ્વાનોમાં મતભેદ છે. વાલ્મીકિ વાસ્તવમાં રામના સમકાલીન હતા. તેઓ સ્વયં રામાયણનું એક પાત્ર છે. વનવાસ દરમિયાન રામ-લક્ષ્મણ-સીતાએ ચિત્રકૂટમાં વાલ્મીકિ આશ્રમની મુલાકાત લીધી હતી. રાજા રામે સગર્ભા સીતાનો ત્યાગ કર્યો ત્યારે લક્ષ્મણ એમને વાલ્મીકિના આશ્રમ પાસે છોડી આવ્યા હતા. વાલ્મીકિએ પછી સીતાને પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો, પિતાની માફક એમની દેખભાળ કરી. સીતાના જોડિયા પુત્રોને લવ-કુશ નામ વાલ્મીકિએ જ આપ્યું હતું. કુંવરોને એમણે અસ્ત્રશસ્ત્રનું જ્ઞાન આપ્યું ને રામનું ચરિત કંઠસ્થ કરાવ્યું. આમ, રામના સમકાલીન હોવાના નાતે વાલ્મીકિએ રામાયણનું સર્જન રામના જન્મ પહેલાં કરી નાખ્યું હોય એ થિયરી તર્કસંગત લાગતી નથી.  
વાલ્મીકિએ લખ્યું છે કે, પરાયો મનુષ્ય ભલે ગમે તેટલો ગુણવાન કેમ ન હોય અને સ્વજન ગમે તેટલો ગુણહીન કેમ ન હોય, પણ ગુણવાન પારકા કરતાં ગુણહીન સ્વજન સારો. કદાચ આના પરથી જ આપણા તે આપણા ને પારકા તે પારકા એવી કહેવત બની છે. વાલ્મીકિએ જો કે મૈત્રીભાવનો ખૂબ મહિમા કર્યો છે. લખે છેઃ
આઢ્યતો વાપિ દરિદ્રો વા દુઃખિત સુખિતોપિવા.
નિર્દોષશ્ચ સદોષસ્ચ વ્યસ્યઃ પરમા ગતિઃ.
અર્થાત્ માણસ ધનિક હોય કે નિર્ધન, દુખી હોય કે સુખી, દોષી હોય કે નિર્દોષ, આખરે તો મિત્ર જ મનુષ્યને સોથી મોટો ટેકો પૂરો પાડે છે.  વાલ્મીકિ અન્યત્ર લખે છે કે, કોઈની પણ સાથે મિત્રતા કરવી બહુ સહેલી છે, નિભાવવી અઘરી છે. વાલ્મીકિ કહેવાતા મિત્રો વિરુદ્ધ ચેતવણી પણ આપી છે. કહે છે, તમે દુશ્મન સાથે રહેજો, અત્યંત ઝેરી સાપ સાથે રહેજો, પણ એવા મનુષ્ય સાથે ક્યારેય ન રહેતા જે બહારથી મિત્ર હોવાનો દંભ કરતો હોય, પણ અંદરખાને તમારી વિરુદ્ધ શત્રુની જેમ વર્તતો હોય.
વાલ્મીકિએ સત્યનું મહિમામંડન કરતાં લખ્યું છે કે સંસારમાં સત્ય એ જ ઈશ્વર છે, ધર્મ પણ સત્યને જ આશ્રિત છે. સત્ય જ સમસ્ત ભવ-વિભવનું મૂળ છે. સત્ય જ સર્વોપરી છે.    
શરદપૂર્ણિમા નિમિત્તે આપણે મહર્ષિ વાલ્મીકિનું સ્મરણ કરવાનું ન ચુકીએ. વર્તમાન સમયની પરિભાષા વાપરીએ તો વાલ્મીકિ સંભવતઃ દલિત માતાપિતાનું સંતાન હતા. મહાભારતના રચયિતા વેદ વ્યાસ એક માછીમારનું સંતાન હતા. રામાયણ અને મહાભારત જેવા ભારતીય સંસ્કૃતિના મહાનતમ ધર્મગ્રંથો દલિત સર્જકોએ ઘડ્યા છે!  
 0 0 0