Saturday, April 8, 2017

વાત તરડાયેલા સંબંધની

Sandesh - Sanskar Purti - 9 April 2017
મલ્ટિપ્લેક્સ
‘આપણને સૌને કેટલાક પ્રશ્નો મૂંઝવતા હોય છે. મને ખૂબ મૂંઝવતો એક્ સવાલ એ છે કે માણસ જીવનમાં કોઈક પગલું ભરે કે કશુંક કરે તો તે કેટલું નૈતિક છે કે અનૈતિક તે કેવી રીતે નક્કી કરી શકાય? આવો ચુકાદો કોણ તોળે? આ સવાલ હું જુદી-જુદી રીતે મારી અલગ-અલગ ફ્લ્મિોમાં સતત પૂછતો રહું છું. ‘ધ સેલ્સમેન’ જોયા પછી ઓડિયન્સના મનમાં પણ આ સવાલ જાગવાનોઃ પતિ, પત્ની અને હુમલાખોર – આ ત્રણમાંથી કોણ કેટલું સાચું હતું?’ 


જે એક ઈરાનીઅન ફ્લ્મિની વાત માંડવી છે. એનું ટાઈટલ છે, ‘ધ સેલ્સમેન’. આ ફ્લ્મિે હજુ થોડાં અઠવાડિયા પહેલાં જ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફ્લ્મિનો ઓસ્કર જીતી લીધો હોવાથી દુુનિયાભરમાં તેની ચર્ચા છે. ફ્લ્મિના ચુમાલીસ વર્ષીય ડિરેકટર-રાઈટર-પ્રોડયૂસરનું નામ છે, અસગર ફરહોદી. (અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે અટક ‘ફરહદી’ વંચાય છે, પણ પર્શિઅન ભાષામાં ઉચ્ચાર ‘ફરહોદી’ એવો થાય છે.)  જબરો માણસ છે અસગર ફરહોદી. બબ્બે ઓસ્કર જીતીને એ બેઠા છે. પાંચ વર્ષ પહેલાં આવેલી એમની ‘અ સેપરેશન’ નામની ફ્લ્મિે પણ બેસ્ટ ફેરેન લેંગ્વેજ ફ્લ્મિનો ઓસ્કર જીતી લીધો  હતો. ૨૦૧૨માં ‘ટાઈમ’ મેેગેઝિને દુનિયાના સૌથી ઇન્ફ્લુઅન્શિઅલ એટલે કે વગદાર યા તો પ્રભાવશાળી માણસોના લિસ્ટમાં એમનું નામ મૂકયું હતું. છેલ્લાં ૧૪ વર્ષમાં એમણે બનાવેલી અગિયાર ફ્લ્મિોએ જીતેલા અતિપ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ્ઝના લિસ્ટ પર ફ્કત નજર ઘુમાવીએ તો પણ આંખો ચાર થઈ જાય છે. મજાની વાત એ છે ક્ે અસગર ફરહોદીની ફ્લ્મિો ઈરાનની બોકસઓફ્સિ પર પણ સફ્ળ નીવડે છે.
પર્શિઅન ભાષામાં બનેલી ‘ધ સેલ્સમેન’ વિશે આગળ વાંચતા પહેલાં એક જાહેરાતઃ સ્પોઈલર્સ અહેડ! ફ્લ્મિના અંત-આરંભ વિશે ફોડ પાડયા વિના વાતમાં જમાવટ નહીં થાય. તેથી જો સ્પોઈલરથી બચવું હોય તો હવે પછીના પાંચેક ફ્કરા કુદાવી જવા!
એક શહેરી કપલ છે – ઈમાદ (શહાબ હુસેની) અને રાનો (તરાનેહ અલીદોસ્તી). બંનેની ઉંમર હશે ત્રીસ-ચાલીસની વચ્ચે. બંને પ્રોફેશનલ એક્ટર છે, સાથે નાટકો કરે છે. હાલ તેઓ આર્થર મિલર લિખિત જગવિખ્યાત નાટક ‘ડેથ ઓફ્ અ સેલ્સમેન’માં કેન્દ્રીય ભૂમિકા ભજવી રહૃાાં છે. મુંબઈના પૃથ્વી જેવા સરસ ઇન્ટિમેટ થિયેટરમાં નાટકના શોઝ થાય છે. ફ્લ્મિની શરૂઆતમાં જ રંગભૂમિના બહુ સુંદર શોટ્સ છે. ઈમાદ ટીચર પણ છે. એક કોલેજમાં એ સ્ટુડન્ટ્સને આર્ટ અને થિયેટર વિશે ભણાવે છે. પહેલી નજરે તો પતિ-પત્ની એકબીજા સાથે ખુશ દેખાય છે, તેઓ બાળક પણ પ્લાન કરી રહૃાા છે, પણ…
એક દિવસ તેઓ જે બિલ્ડિંગમાં રહે છે તેમાં અચાનક તિરાડ પડવા લાગે છે. બધા રહેવાસીઓ તાબડતોડ જગ્યા ખાલી કરી નાખે છે. હવે રહેવું કયાં? ઈમાદ-રાનોની સાથે કામ કરતો એક એક્ટર દોસ્તાર એમને ઠીકઠાક કહી શકાય એવો  ટેરેસ-ફ્લેટ ભાડે અપાવે છે. દોસ્તાર એમને કહેતો નથી કે આ ઘરમાં હજુ હમણાં સુધી એક વેશ્યા ભાડે રહેતી હતી. જાતજાતના પુરુષોનું અહીં સતત આવનજાવન રહેતું એટલે પાડોશીઓ એનાથી પરેશાન હતા.
Asghar Farhadi
દરમિયાન એક આઘાતજનક ઘટના બને છે. એક રાતે રાનો ઘરમાં એકલી હતી અને બાથરૂમમાં શાવર લઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યો પુરુષ ઘરમાં ઘૂસી જાય છે. એ રાનો પર જોરદાર અટેક કરીને એને લોહીલુહાણ કરી મૂકે છે. અટેક એટલે કેવો અટેક? પેલા માણસે રાનોને માત્ર માર માર્યો હતો કે એના પર બળાત્કાર પણ કર્યો? તે રાત્રે બાથરૂમમાં એકઝેકટલી શું બન્યું હતું તે ડિરેકટર આપણને આખી ફ્લ્મિમાં એક પણ વાર દેખાડતા નથી. માત્ર ડાયલોગ્ઝમાંથી ટુકડે ટુકડે વિગતો મળતી રહે છે. એક વાત તો જોકે સ્પષ્ટ છે કે રાનો પર રેપ તો નહોતો જ થયો. હુમલાખોર માણસ કદાચ આ ઘરમાં અગાઉ ભાડે રહેતી વેશ્યાનો ગ્રાહક હતો. બંને વચ્ચે કોઈક્ વાતે ઝઘડો થઈ ગયો હશે. તે રાત્રે પેલાને એમ કે બાથરૂમમાં વેશ્યા શાવર લઈ રહી છે. આમ, એનાથી ભૂલથી રાનો પર હુમલો થઈ ગયો હતો. ખૂબ ચીસાચીસ થઈ હતી એટલે એ પોતાનો મોબાઈલ અને ટેમ્પોની ચાવી ઘરમાં છોડીને નાસી ગયો હતો. તે ટેમ્પો હજુ પણ બહાર રસ્તા પર પાર્ક થયેલો પડયો હતો.
આવી સ્થિતિમાં કોઈપણ જવાબદાર અને સંવેદનશીલ પતિ ભરે તેવા તમામ પગલાં ઈમાદે ભર્યાં. હોસ્પિટલમાંથી સારવાર લઈને રાનો ઘરે આવી એટલે ઈમાદે કહૃાું: આપણે પોલીસમાં ફરિયાદ લખાવીએ. રાનો કહેઃ ના, નથી લખાવવી. એ લોકો જાતજાતના સવાલ કરશે. મારે એ ઝમેલામાં નથી પડવું. જાણે ડુંગળીના પડ એક પછી એક ઉતરતા જાય એમ કહાણીમાં હવે નવી નવી વાતો બહાર આવતી જાય છે. ઈમાદ વારેવારે પૂછયાં કરે છે કે રાનો, મને વિગતવાર વાત તો કર, તે દિવસે બાથરૂમમાં એકઝેકટલી શું બન્યું હતું? શરૂઆતમાં રાનો કહે છે કે મારા ખભા પર કોઈએ હાથ મૂકયો એટલે મને એમ કે એ તું હોઈશ, પણ પછી મને ખબર પડી કે આ તો બીજું કોઈક છે. પેલા માણસ જોરથી નીચે પછાડી ને હું બેભાન થઈ ગઈ. મેં ફ્કત એનો હાથ જ જોયો છે. બેભાન થયા પછી શું બન્યું તે હું કશું જ જાણતી નથી. 
ઈમાદ આ વર્ઝન માની લે છે, પણ બીજી વાર રાનો કહે છે કે એ હુમલાખોર જો મારી સામે આવે તો હું એને ઓળખી કાઢીશ. ઈમાદ આશ્ચર્ય પામીને કહે છેઃ તું તો કહેતી હતી કે તેં એના માત્ર હાથ જ જોયા છે! તો પછી એનો ચહેરો તું કેવી રીતે ઓળખી શકીશ? રાનો આ સવાલનો કોઈ જવાબ આપી શકતી નથી. વળી, જો એ પછડાઈને તરત બેભાન થઈ ગઈ હોય તો પાડાશીઓએ જે જોરદાર ચીસાચીસ સાંભળી હતી તે શું હતું?

આ અટેકને કારણે રાનો એટલી બધી હેબતાઈ ગઈ છે કે એ બાથરૂમમાં પગ પણ મૂકતી નથી, પણ તેની વાતો અને વર્તનમાં સતત વિરોધાભાસ વર્તાયા કરે છે. ઈમાદ નક્કી કરે છે કે હું મારી રીતે છાનબીન કરીને પેલા ગુનેગારને પકડીશ. એ પગેરું દબાવતો દબાવતો હુમલાખોર સુધી પહોંચે છે. હુમલાખોર કોઈ ટપોરી નહીં, પણ સાવ ખખડી ગયેલો બુઢો હાર્ટ પેશન્ટ છે. ઈમાદ એને ધમકાવે છે કે હું તને છોડી દઈશ, પણ તેની પહેલાં તારા પરિવાર સામે તને સાવ ખુલ્લો કરી દઈશ. સાલા, આ ઉંમરે પણ તું આવા ધંધા કરે છે? વેશ્યા પાસે જાય છે?
હુમલાખોર દયામણું મોઢું કરીને ખૂબ કરગરે છે કે ભાઈસાબ, મારા ઘરના લોકોને કંઈ ન કહેતા. અઠવાડિયામાં મારી દીકરીનાં લગ્ન છે. આ બધા ભવાડા બહાર આવશે તો એનાં લગ્ન તૂટી જશે. ઈમાદને આંચકો ત્યારે લાગે છે જ્યારે પત્ની એનો પક્ષ લેવાને બદલે પોતાના પર હુમલો કરનાર આ બુઢાની સાઈડ લે છે. રાનો કહે છેઃ ઈમાદ, જો તેં આ માણસના ફેમિલી સામે એક અક્ષર પણ ઉચ્ચાર્યો તો તારો ને મારો સંબંધ ખતમ થઈ જશે! ઈમાદ કશું બોલતો નથી. ફ્લ્મિના અંતમાં હુમલાખોરની વૃદ્ધ પત્ની, દીકરી અને જમાઈ એને તેડી જાય છે, પણ પેલાને ગભરાટમાં હાર્ટ એટેક આવી જાય છે. તાબડતોબ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે. પછી શું થયું? બુઢો જીવી ગયો? ઈમાદ અને રાનોનું લગ્નજીવન ટકી ગયું? કે બંને અલગ થઈ ગયાં? રાઈટર-ડિરેકટર આ સવાલોના જવાબ ઓડિયન્સની કલ્પના પર છોડી દે છે.
‘ધ સેલ્સમેન’માં વાત પતિ-પત્ની વચ્ચેના તરડાયેલા સંબંધની છે, પણ ઉપરનું કલેવર સસ્પેન્સ-થ્રિલરનું છે. યાદ રહે, આ અસગર ફરહોદીની ઇરાનીઅન ફ્લ્મિ છે, બોલિવૂડ-હોલિવૂડની મસાલા ફ્લ્મિ નહીં, એટલે રહસ્યનું તત્ત્વ હોવા છતાં ટિપિકલ થ્રિલર જેવી ઢેન્ટેંણેં ટાઈપની ઢિન્ચાક ટ્રીટમેન્ટની આપણે ભુલેચુકેય અપેક્ષા નહીં રાખવાની. ફ્લ્મિ રિઅલીસ્ટિક ડોકયુમેન્ટરીની માફ્ક શૂટ થઈ છે એટલે ઓડિયન્સને જાણે કેમેરાની હાજરી જ વર્તાતી નથી. એકદમ સહજ અભિનય, સાદા બોલચાલના સંવાદો, કયાંય કોઈપણ જાતની નાટકીયતા નહીં, માહોલ બનાવવા માટે કે અમુક જાતની અસર ઊભી કરવા માટે ધરાર ઉમેરવામાં આવતા બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ નહીં. આમ છતાંય તમે શરૂઆતથી ધી એન્ડ સુધી તમારી સીટ પર જકડાઈ રહો છે.

Asghar Fafhadi (Right) with the lead actor of The Salesman, Shabab Hosseini
‘રાનો પર અટેક કોણે કર્યો?’ – આ તો સ્થૂળ સવાલ થયો. ફ્લ્મિનું ખરું સસ્પેન્સ એ છે કે આ પાત્રોનાં દિલ-દિમાગમાં ખરેખર શું ચાલી રહૃાું છે? હુમલાખોર કોણ હતો તેની જાણકારી  ઈમાદને મળી ગઈ, પણ પછી શું? આ જાણકારીનો એ કેવો ઉપયોગ કરશે? પતિ-પત્નીનો સંબંધ હવે કેવો વણાંક લેશે? પત્ની પર કોઈએ હુમલો કર્યો તે વાતની ઈમાદને તકલીફ્ છે જ, પણ એના કરતાં વધારે તકલીફ એ વાતની છે કે પત્ની એના પર પૂરો ભરોસો કેમ મૂકતી નથી? એની સાથે પૂરી વાત કેમ શેર કરતી નથી? કશુંક છુપાવ-છુપાવ કેમ ર્ક્યા કરે છે? ફ્લ્મિની શરૂઆતમાં એમની બિલ્ડિંગમાં તિરાડો પડતી દેખાડવામાં આવે છે તે પ્રતીકાત્મક છે. તિરાડ તો ઈમાદ-રાનોનાં લગ્નજીવનમાં પડી ચૂકી છે.
અસગર ફરહોદી એક મિડીયા ઇન્ટરવ્યુમાં કહે છે, ‘આપણને સૌને કેટલાક પ્રશ્નો મૂંઝવતા હોય છે. મારા જેવો ફ્લ્મિમેકર એ સવાલો ફ્લ્મિો બનાવીને ઓડિયન્સ સાથે શેર કરે છે. મને ખૂબ મૂંઝવતો એક્ સવાલ એ છે કે માણસ જીવનમાં કોઈક પગલું ભરે કે કશુંક કરે તો તે કેટલું નૈતિક છે કે અનૈતિક તે કેવી રીતે નક્કી કરી શકાય? આવો ચુકાદો કોણ તોળે? આ સવાલ હું જુદી-જુદી રીતે મારી અલગ-અલગ ફ્લ્મિોમાં સતત પૂછતો રહું છું. ‘ધ સેલ્સમેન’ જોયા પછી ઓડિયન્સના મનમાં પણ આ સવાલ જાગવાનોઃ ઈમાદ, રાનો અને હુમલાખોર – આ ત્રણમાંથી કોણ કેટલું સાચું હતું?’
અલગ-અલગ પ્રકરની દમદાર ફ્લ્મિો જોવાનો શોખ હોય તો ‘ધ સેલ્સમેન’ જરૂર જોજો. એકબીજાથી જુદાં થઈ રહેલાં પતિ-પત્નીના થીમવાળી ‘અ સેપરેશન’ પણ જોજો. અસગર ફરહોદીની આ ફ્લ્મિ માસ્ટરપીસ ગણાય છે.
0 0 0 

Thursday, April 6, 2017

શ્રદ્ધા અને સ્વચ્છતાને બાપે માર્યા વેર છે?

Sandesh - Ardh Saptahik Purti - 5 April 2017
ટેક ઓફ

વૈષ્ણોદેવીના મંદિરે રોજ પચ્ચીસથી ત્રીસ હજાર લોકો દર્શને આવે છે. તે હિસાબે વર્ષેદહાડે મુલાકાતીઓનો આંકડો એક કરોડને ઓળંગી જાય છે. જો વૈષ્ણોદેવી જેવું ભારતનું બીજા નંબરનું બિઝી ધર્મસંસ્થાન સ્વચ્છ રહી શકતું હોય તો આપણાં અન્ય ધાર્મિક સ્થળો શા માટે સાફ્સૂથરાં ન રહી શકે?

મૃત માતા કે પિતાની અંતિમ ક્રિયાના ભાગ રુપે તમે દ્વારકા જાઓ છો ત્યારે મોંમાં મસાલો દબાવીને આવેલો કોઈ દુષ્ટ માણસ તમને લગભગ હાઈજેક કરીને ખેંચી જાય છે અને પાનની પિચકારીઓ મારતાં મારતાં આડેધડ મંત્રોચ્ચારણ કરીને, તમારા પૈસા ખિસ્સામાં સેરવીને એ બીજા બકરાની શોધ કરવા નાસી જાય છે. તમે જે લાગણીભીનું માનસિક વાતાવરણ લઈને આવ્યા હતા તેના આ અણધડ માણસ ટુકડેટુકડા કરી નાખે છે. ઓરિસાના જગન્નાથ પુરીના વિશ્વવિખ્યાત મંદિરમાં પોતાને પૂજારી કહેડાવતા સપાટ ચહેરાવાળા માનવપ્રાણીઓ એક યા બીજા બહાને તમારા પર્સમાંથી પૈસા કઢાવતા જ જાય છે, કઢાવતા જ જાય છે. મંદિરની બહાર આવો ત્યાં સુધીમાં તમે ત્રાસી ચુકયા હો છો, ક્રોધથી તમતમી ગયા હો છો. કોલકાતાના વિખ્યાત કાલીઘાટના મંદિરે બે ટોપલેસ ધોતિયાધારી માણસો નફ્ફ્ટની જેમ ગર્ભદ્વાર આડા ઊભા રહી જાય છે. તમે જ્યાં સુધી એમના હાથમાં પૈસા ન પકડાવો ત્યાં સુધી એ દેવીનાં દર્શન કરવા દેતા નથી. ધાર્મિકતા કેવી ને વાત કેવી. આધ્યાત્મિક અનુભૂતિ? ભકિતભાવ? તે વળી શું?
ગંદકી, ડગલે ને પગલે પૈસા પડાવતા ભ્રષ્ટ પંડા-પૂજારી, ધક્કામૂક્કી, અરાજકતા… આ બધાં અતિ પ્રસિદ્ધ કે અલ્પ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોનાં સામાન્ય લક્ષણો છે. વાત કેવળ હિન્દુ સ્થાનકોની નથી, અન્ય ધર્મના પવિત્ર સ્થળોએ પણ વત્તે-ઓછે અંશે આવો જ માહોલ હોય છે અને તેથી જ જમ્મુમાં આવેલા જગવિખ્યાત વૈષ્ણોદેવીનાં દર્શનનો સાફ્સુથરો અને સ્ટ્રેસ-ફ્રી અનુભવ આપણને ભકિત સિવાયના અન્ય સ્તરોએ પણ તીવ્રતાથી અપીલ કરે છે.
વૈષ્ણોદેવી જેવું મસ્તમજાનું મેનેજમેન્ટ ભારતનાં અન્ય ધાર્મિક સ્થળોએ કેમ થતું નથી? કટરા નગરના બેઝ કેમ્પથી દેવીનાં મુખ્ય સ્થાનક સુધીનું ૧૩.૫ કિલોમીટરનું અંતર શ્રદ્ધાળુઓએ પગપાળા, ઘોડા પર, પાલખીમાં કે ખાસ પ્રકારના વાહનમાં કાપવું પડે છે, (હવે તો ખેર, હેલિકોપ્ટર પણ આવી ગયાં છે), પણ આ આખા રસ્તે સફેદ રંગેલી ત્રુટક દીવાલો પર કે નીચે બિછાવેલા ઇન્ટરલોકડ પેવિંગ બ્લોકસ પર કયાંય પાનની પિચકારી દેખાતી નથી. પ્લાસ્ટિકની ચીમળાયેલી  કોથળીઓ કે મિનરલ વોટરની ખાલી બોટલો છૂટાછવાયા અપવાદોને બાદ કરતાં લગભગ ગેરહાજર છે. વૈષ્ણોદેવીની મુખ્ય ગુફ સુધી પહોંચતો ત્રિકુટ પહાડનો આખો રસ્તો આઘાત લાગે એટલો બધો સ્વચ્છ છે! યાદ રહે, વૈષ્ણોદેવી સૌથી વધારે માત્રામાં શ્રદ્ધાળુઓને આકર્ષતું ભારતનું બીજા નંબરનું ધાર્મિક સ્થળ છે (પહેલો નંબર તિરુપિત મંદિરનો આવે છે). વૈષ્ણોદેવીના મંદિરે રોજ પચ્ચીસથી ત્રીસ હજાર લોકો દર્શને આવે છે. તે હિસાબે વર્ષેદહાડે મુલાકાતીઓનો આંકડો એક કરોડને ઓળંગી જાય છે. જો વૈષ્ણોદેવી જેવું અત્યંત બિઝી ધર્મસંસ્થાન સ્વચ્છ રહી શકતું હોય તો આપણાં અન્ય ધર્મસ્થળો શા માટે સાફ્સૂથરાં ન રહી શકે?

વૈષ્ણોદેવીમાં ચૈત્ર નવરાત્રીની ઉજવણી હજુ ચોથી એપ્રિલ, મંગળવારે જ પૂરી  થઈ. આપણે મહીસાગરને આરે ઢોલ વગાડતા વગાડતા ધૂમધામ સાથે સપ્ટેમ્બર-ઓકટોબરમા જે નવરાત્રી મનાવીએ છીએ તે શરદ નવરાત્રી છે. વર્ષમાં આમ તો ચાર નવરાત્રી આવે છે, પણ તેમાં ચૈત્ર અને શરદની નવરાત્રી મુખ્ય છે. ઉત્તર ભારતીયોમાં ચૈત્ર નવરાત્રી માટે ‘નવરાત્રા’  શબ્દપ્રયોગ થાય છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન વૈષ્ણોદેવીના પવિત્ર ધામે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉછાળો આવે છે. તેમાં જોકે ગુજરાતીઓનું સંખ્યા પાંખી હોય છે, કેમ કે નોર્થ ઈન્ડિયાની તુલનામાં આપણે ત્યાં ચૈત્ર નવરાત્રીનું મહાત્મ્ય ઓછું છે.
વૈષ્ણોદેવી આજે આપણને ચોખ્ખું અને વેલ-મેનેજ્ડ લાગે છે, પણ ૧૯૮૭ પહેલાં અહીં પણ પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. ન પીવાનું ચોખ્ખું પાણી મળે, ન સરખું ખાવાનું મળે, ન રહેવાની સારી જગ્યા મળે. બન્ને બાજુ દુકાનની લાઈનો કરીને બેસી ગયેલા વેપારીઓ, લેભાગુ પંડાઓ અને માખીની જેમ બણબણતા ભિખારીઓ સહિતનું બધું જ અહીં હતું. ભયંકર હાડમારી વેઠીને, સાત-આઠ કલાકનું પર્વતારોહણ કરીને શ્રદ્ધાળુ ઉપર પહોંચે તે પછી પણ દેવીના દર્શન થશે કે કહી શકાતું નહીં, કેમ કે સઘળો આધાર તમે પૂજારી-પંડાને કેટલા રુપિયા ધરો છો તેના પર રહેતો.  વૈષ્ણોદેવીની ગુફની આસપાસ આડેધડ ઊભાં થઈ ગયેલાં મકાનોમાં અથવા ખુલ્લામાં યાત્રાળુઓ જેમતેમ રાતવાસો કરતા, સવારે ખુલ્લામાં હાજતે જઈ આવતા ને પછી દેવીનાં દર્શન માટે રાહ જોઈને બેસી રહેતા.
પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે સરકારે વૈષ્ણોદેવીની જાત્રાનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લેવાનો નિર્ણય લેવો પડયો. તે વખતે કાશ્મીર ગર્વનર શાસન હેઠળ હતું. તત્કાલિન ગર્વનર જગમોહનની દોરવણી હેઠળ  વૈષ્ણવ દેવી શ્રાઈન ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી. આ પગલું દેખીતી રીતે જ વિવાદાસ્પદ પૂરવાર થયું. કેટલાક રાજકારણીઓ, ધાર્મિક સંગઠનો તેમજ વૈષ્ણોદેવીના સ્થાનક પર પરંપરાગત રીતે અંકુશ ધરાવતા પરિવારે તીવ્ર વિરોધ નોંધાવ્યો. અદાલતમાં કેસ દાખલ થયા.
ગર્વનર જગમોહન અને વૈષ્ણોદેવી બોર્ડ હવે યુદ્ધના ધોરણે આ યાત્રાધામની કાયાપલટ કરવાની હતી, કેમ કે જો નક્કર પરિણામ ન દેખાય તો બે વર્ષ પછી બોર્ડ વિખેરાઈ શકે એવી શકયતા ઊભી થઈ હતી. કામગીરી શરુ થઈ. સૌથી પહેલાં તો તળેટીથી ટોચ સુધીના રસ્તા દરમિયાન પચાસ જગ્યાઓએ સિન્ટેકસની ટાંકીઓ તેમજ વોટર કૂલર્સ મૂકીને પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. સાડાચારસો જેટલાં ટોઈલેટ્સ ઊભાં કરવામાં આવ્યા.

અગાઉ તબીબી વ્યવસ્થાના નામે લગભગ મીંડું હતું, પણ હવે સ્ટ્રેચર, બેડ અને ઓકિસજન સિલિન્ડર વડે સુસજ્જ એવાં મેડિકલ યુનિટ્સ ઊભાં કરવામાં આવ્યાં. ખાડાખડબાવાળા ભંગાર રસ્તાની જગ્યાએ પાક્કો રસ્તો બન્યો. તેની ધાર પર પાક્કી રેલિંગ બની. આખા રસ્તે લાઈટ્સ, થોડા થોડા અંતરે સાઈનપોસ્ટ્સ, માહિતી કેન્દ્રો તેમજ એનાઉન્સમેન્ટ બૂથ ગોઠવવામાં આવ્યાં. ટોચ પર યાત્રાળુઓએ ઉતારા માટે આધુનિક સંકુલોએ આકાર લીધો. ૧૪,૦૦૦ જેટલા નવા ધાબળા ખરીદવામાં આવ્યા અને એકસાથે બે હજાર ધાબળા એકસાથે ધોવાઈ શકે તેવાં ઉપકરણો વસાવવામાં આવ્યાં. આ સ્વચ્છ ધાબળા ખુલ્લામાં રાતવાસો કરનારા જાત્રાળુઓને મફ્ત વાપરવા માટે આપવામાં આવતા. બોર્ડે ધાર્મિક વિધિ કરાવી આપવાનો દેખાડો કરતા ચલતાપૂરજા પંડાઓને એકઝાટકે દૂર કરી નાખ્યા. દેવીનાં ચરણમાં શ્રદ્ધાળુઓ જે રોકડ રકમ તેમજ સોનુંચાંદી ધરતા તેનું કુલ મૂલ્ય વર્ષે પાંચ કરોડ પર પહોંચી જતું. યાદ રહે, આ ત્રીસ વર્ષ પહેલાંના આંકડા છે! સરકાર પાસે એક પણ પૈસો લીધા વિના બોર્ડે આ નાણાંનો ઉપયોગ કરીને બે નહીં, દોઢ જ વર્ષમાં એવું ધરખમ સ્વરુપાંતર કરી દેખાડયું કે સૌ હેરત પામી ગયા.
કટરા નગરમાં નાયબ તહેસીલદારને ખસેડીને એક આઈએએસ અધિકારની નિમણૂક કરવામાં આવી. કટરાની સાથે સાથે આસપાસનાં ગામોનો પણ વિકાસ થયો. હજારો  લોકોને રોજીરોટી મળી. બે જ વર્ષમાં યાત્રાળુઓની સંખ્યા છ લાખથી વધીને બાવીસ લાખ પર પહોંચી ગઈ.
વૈષ્ણોદેવી બોર્ડ આ ત્રીસ વર્ષ દરમિયાન સતત સુધારાવધારા કરતું આવ્યું છે. હાલ વર્ષે એક કરોડ જેટલા શ્રદ્ધાળુઓ અહીં આવે છે, પણ પ્રત્યેક મુલાકાતીએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. મુલાકાતીઓના ધસારા પર ચાંપતી નજર રહેતી હોવાથી ભાગદોડ થવાના ને એમાં લોકોના ચગદાઈને મૃત્યુ પામવાની દુર્ઘટનાઓ બનતી નથી. હમણાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે માતાની ગુફા પાસે છેક થાઈલેન્ડ, બેંગલોર, પુના વગેરે જગ્યાએથી ખાસ ઇમ્પોર્ટ કરવામાં આવેલા ફુલોની આંખો પહોળી થઈ જાય એવી અદભુત સજાવટ કરવામાં આવી હતી. આજે તળેટીથી ટોચ સુધીનો લગભગ આખો રસ્તો ઉપરથી ઢંકાયેલો છે, જેના લીધે યાત્રાળુઓનું ધોમધખતા તાપ અને વરસાદથી રક્ષણ થાય છે. અહીં ઘોડા પણ એટલા ટ્રેઈન્ડ અને સ્વચ્છતાના આગ્રહી છે કે તેઓ મૂત્રત્યાગ નિશ્ચિત જગ્યાએ રેતીના ઢગલા પર જ કરે છે કે જેથી પેશાબ રેતીમાં શોષાઈ જાય અને એના રેલાં દૂર સુધી ન વહે! હા, ગ્રામ્ય લોકોને હજુ ટોઈલેટમાં મળત્યાગ કરતાં આવડતું નથી એ તકલીફ્ છે ખરી!
જાણીતા ધર્મસ્થળે આપણે સ્વચ્છ, વેલ-મેનેજ્ડ અને કરપ્શન-ફ્રી માહોલમાં દર્શન કરી શકીએ એ જ ઉપરવાળાનાં સૌથી પહેલાં આશીર્વાદ ગણાય. પારદર્શક અને કાબેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેનેજ થતાં ધર્મસ્થાનો સામાન્યપણે સ્વચ્છ અને સુંદર હોય છે. ઝગમગતા ચોખ્ખાચણક શોપિંગ મોલની માફ્ક સ્વચ્છ ધર્મસંસ્થાનનું પણ આગવું કલ્ચર બની જાય છે જ્યાં લોકો આપોઆપ ગંદકી કરતાં સંકોચ અનુભવે છે. અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષ પહેલાં જ લેન્ડમાર્ક કેસ ગણાઈ ચુકેલું વૈષ્ણોેદેવીનું સ્થાનક આજે પણ ઉદાહરણરુપ છે. વૈષ્ણોદેવી બોર્ડે પૂરવાર કર્યુ કે સરકારની જેન્યુઈન દરમિયાનગીરી ઉત્તમ પરિણામ લાવી શકે છે. દિલ્હી સરકારે ગંગા નદીની સાથે સાથે સર્વાધિક લોકપ્રિય ધર્મસ્થળોની દરેક સ્તરે સાફ્સફઈ કરવાનું અભિયાન પણ હાથ ધરવું જોઈએ.

જય માતા દી!
0 0 0 

Wednesday, April 5, 2017

રોજા જાનેમન

Sandesh - Sanskar Purti - 2 April 2017
મલ્ટિપ્લેક્સ 
  રહેમાન એવો સંગીતકાર છે, જે તમારી અપેક્ષા કરતાંય વધારે આઉટપુટ આપશે. જે રીતે ફ્લ્મિનો એક નિશ્ચિત સૂર નક્કી કરવો પડે તેમ ફ્લ્મિના સંગીતનો પણ એક ટોન પકડવો પડે. હું અને રહેમાન બન્ને એકબીજાની ક્રિયેટિવિટીને તીક્ષ્ણ કરતા જઈએ છીએ, એકમેકને વધારે સારું પરફોર્મ કરવા માટે પુશ કરીએ છીએ. રહેમાન સાથેનું મારું અસોસિયેશન ખૂબ ફ્ળદાયી રહૃાું છે.’તો, આપણે ગયા રવિવારે વાત માંડી હતી મણિ રત્નમની કન્ટેમ્પરરી કલાસિક ફ્લ્મિ ‘રોજા’ની. ‘રોજા’નું આ સિલ્વર જ્યુબિલી યર છે. પચ્ચીસ વર્ષ જૂની આ ફ્લ્મિનાં ગીતો અને વિઝ્યુઅલ્સ આપણને આજે પણ મુગ્ધ કરી દે છે. ગીતો અને દશ્યો જ શું કામ, આખેઆખી ફ્લ્મિ આપણને જલસો કરાવે છે. 
‘રોજા’ ભલે દિગ્ગજ ફ્લ્મિનિર્માતા કે. બાલાચંદરના બેનર માટે બની રહી હતી, પણ તેનું બજેટ પાંખું હતું. ટેકિનશિયનો પોતપોતાની રેગ્યુલર ફી કરતાં સાવ ઓછા પૈસામાં કામ કરવા તૈયાર થઈ ગયા હતા. એ વખતે ફ્લ્મિ તમિલ ઉપરાંત તેલુગુ ઉપરાંત હિન્દીમાં પણ ડબ થશે ને આખા દેશમાં ધૂમ મચાવશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. જાણે નાનકડી એકસપેરિમેન્ટલ ફ્લ્મિ બનાવી રહૃાા હોય એવો સૌનો મૂડ હતો.
હીરો અરવિંદ સ્વામીની આ બીજી જ ફ્લ્મિ. હિરોઈન મધુ ‘ફૂલ ઔર કાંટે’ (અજય દેવગણે જે ફ્લ્મિથી બોલિવૂડમાં એન્ટ્રી મારી તે, ૧૯૯૧) સહિત અલગ અલગ ભાષાઓની પાંચેક જેટલી ફ્લ્મિો કરી ચુકી હતી. એકચ્યુઅલી, ‘રોજા’ના ટાઈટલ રોલ માટે મણિ રત્નમ સાઉથની ઐશ્વર્યા નામની એકટ્રેસને સાઈન કરવા માગતા હતા, પણ કોઈક વાતે એનો મેળ ન પડયો એટલે એની જગ્યાએ મધુ ગોઠવાઈ ગઈ. આતંકવાદીના રોલ માટે નાના પાટેકરની વરણી કરવાનો ઈરાદો હતો, પણ એમાંય વાત ન જામી એટલે તે ભુમિકા પંકજ કપૂરને સોંપવામાં આવી.
મણિ રત્નમે ખરો માસ્ટર સ્ટ્રોક ફ્ટકાર્યો સંગીતકારની પસંદગીમાં. એમની અગાઉની બઘી ફ્લ્મિો માટે દક્ષિણમાં બહુ મોટું નામ ધરાવતા ઇલિયારાજાએ સંગીત આપ્યું હતું, પણ ‘રોજા’ માટે મણિસરને અલગ પ્રકારના સાઉન્ડ્સ જોઈતા હતા. એમનો ભેટો એ. આર. રહેમાન નામના છવ્વીસ વર્ષના અજાણ્યા છોકરા સાથે થયો, જે તે વખતે ટીવીની જાહેરાતો માટે જિંગલ્સ ઉપરાંત ડોકયુમેન્ટરી માટે સંગીત કમ્પોઝ કરતો હતો. ફ્લ્મિો માટે સંગીત તૈયાર કરવાનો એને સહેજ પણ અનુભવ નહોતો. પોતાનાં કામની નાનકડી ઝલક આપતી એક ડેમોન્સ્ટ્રેશન ટેપ રહેમાને મણિસરને મોકલી આપેલી. તે મ્યુઝિકલ પીસની પહેલી જ નોટ સાંભળતા મણિ રત્નમ સતર્ક થઈ ગયા. તેઓ રહેમાનના મ્યુઝિક સ્ટુડિયો પર પહોંચી ગયા. રહેમાને થોડાં વધારે કમ્પોઝિશન્સ સંભળાવ્યાં, જે એમણે ખરેખર તો જુદી જુદી એડ્સ માટે કે બીજા કલાયન્ટ્સ માટે તૈયાર કર્યાં હતાં. મણિ રત્નમને ખાતરી થઈ ગઈ કે આ છોકરાના સંગીતમાં કંઈક અલગ જ જાદુ છે. એમણે નક્કી કરી નાખ્યૂં: રહેમાન ભલે સાવ નવો નિશાળીયો રહૃાો, પણ ‘રોજા’માં સંગીત તો એ જ પીરસશે!

‘આ છોકરો આગળ જતાં બહુ મોટી હસ્તી બનશે કે એવા કશા જ વિચારો હું તે વખતે કરતો નહોતો,’ મણિ રત્નમ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મને બસ એક જ વસ્તુ સાથે મતલબ હતો અને તે એ કે ‘રોજા’ માટે એ કેવું સંગીત કમ્પોઝ કરે છે. મેં જોયું કે ચીલાચાલુ ઢાંચાની બહાર આવીને કામ કરવા માટે એ તૈયાર છે. એને કશુંક અલગ કરવું હતું. હું ખરેખર લકી કહેવાઉં કે મને કરેકટ ટાઈમે કરેક્ટ માણસ મળી ગયો.’
મણિ રત્નમ પર હવે આક્ષેપ થાય છે કે તેઓ પોતાની ફ્લ્મિોમાં એ.આર.રહેમાનને જ રિપીટ કર્યા કરે છે. આના જવાબમાં મણિ રત્નમ કહે છે, ‘રહેમાન એવો સંગીતકાર છે, જે તમારી અપેક્ષા કરતાંય વધારે આઉટપુટ આપશે. રહેમાન સાથે વારે વારે કામ કરવાનું કારણ અમારું કર્મ્ફ્ટ ઝોન નથી. જે રીતે ફ્લ્મિનો એક નિશ્ચિત સૂર નક્કી કરવો પડે તેમ ફ્લ્મિના સંગીતનો પણ એક ટોન પકડવો પડે. અમે બન્ને એકબીજાની ક્રિયેટિવિટીને તીક્ષ્ણ બનાવતા જઈએ છીએ, એકમેકને વધારે સારું પરફોર્મ કરવા માટે પુશ કરીએ છીએ. રહેમાન સાથેનું મારું અસોસિયેશન ખૂબ ફ્ળદાયી રહૃાું છે.’
‘રોજા’ માટે સિનેમેટોગ્રાફી કરવાનું કામ સુપર ટેલેન્ટેડ સંતોષ સિવનને સોંપવામાં આવ્યું. મણિ રત્નમ કહે છે, ‘ફ્લ્મિ બનાવતી વખતે ડિરેક્ટરનો સૌથી નિકટનો કોઈ સાથી જો કોઈ હોય તો એ સિનેમેટોગ્રાફર છે. એ કંઈ માત્ર લાઈટિંગ અને કેમેરા એંગલ જ સંભાળતો નથી, આખેઆખી ફ્લ્મિ બરાબર બની રહી છે કે કેમ તે સુનિશ્ચિત કરવામાં પણ મને મદદ કરે છે. મારે કોઈને કશુંક પૂછવું હોય કે કોઈનો અભિપ્રાય જાણવો હોય તો સૌથી પહેલાં હું સિનેમેટોગ્રાફરને પૂછું છું. એકટરોનો અભિનય સૂરમાં છે કે કેમ તેની ચર્ચા પણ હું સિનેમેટોગ્રાફ્ર સાથે કરું છું. જેમ ફ્લ્મિ બનાવતી વખતે સૌથી નિકટનો સાથી સિનેમેટોગ્રાફર છે તેમ ફ્લ્મિ બની ગયા પછી સૌથી નિકટ એડિટર હોય છે. મને એવા સાથીદારોની જરુર હોય છે જે મારા કરતાં કશુંક અલગ વિચારી શકતા હોય, જે મારી વસ્તુમાં નવું ઉમેરી શકતા હોય. અમે બધા એકમેકને પૂરક હોવા જોઈએ.’
મજા જુઓ. ‘રોજા’માં કાશ્મીરના આતંકવાદની વાત છે, પણ ફ્લ્મિનું શૂટિંગ કાશ્મીરમાં થયું નથી. એ વખતે ત્રાસવાદીઓએ એવો ઉપાડો લીધો હતો કે મણિ રત્નમની ઇચ્છા હોવા છતાં નછૂટકે શૂટિંગ કુનૂર, ઉટી, મનાલી વગેરે સ્થળોએ કરવું પડયું. એક સાચુકલા એન્જિનીયરને કાશ્મીરી આતંકવાદીઓ ઉઠાવી ગયા હતા અને એની પત્નીએ ટેરરિસ્ટોને ઉદ્દેશીને ખુલ્લો પત્ર લખ્યો હતો તે ઘટનામાંથી મણિ રત્નમને ‘રોજા’નું વિચારબીજ સાંપડયું હતું તે સાચું, પણ ફ્લ્મિ લખતી વખતે એમના મનમાં સત્યવાન-સાવિત્રીની વાર્તા રમતી હતી. ‘રોજા’ એ આધુનિક સાવિત્રી જ છેને! પૌરાણિક કથાની સાવિત્રી યમદેવ પાસેથી પોતાના પતિને પાછો લઈ આવે છે, જ્યારે અહીં મધુ જમ જેવા આતંકવાદીઓની ચુંગાલમાંથી અરવિંદ સ્વામીને છોડાવી લાવે છે.
તમિલ ભાષામાં બનેલી આ ફ્લ્મિ હિન્દીમાં ડબ થઈ એમાં એક મોટી ગરબડ થઈ ગઈ. મૂળ ફ્લ્મિમાં ભાષાભેદનો અને કમ્યુનિકેશન ગેપનો મુદ્દો ખૂબ સરસ રીતે ઊપસ્યો છે. મધુને તમિલ સિવાય કોઈ ભાષા આવડતી ન હોવાથી એ કાશ્મીરમાં મિલિટરીના સાહેબોને અને અન્ય લાગતાવળગતા હિંદીભાષી લોકો સાથે સીધો સંવાદ કરી શકતી નથી. ફ્લ્મિની હિન્દીમાં ડબ થઈ એટલે મધુ સહિત તમામ પાત્રોના સંવાદો હિન્દીમાં રુપાંતરિત થઈ ગયા અને કમ્યુનિકેશન પ્રોબ્લેમવાળા આખા મુદ્દાનો છેદ ઊડી ગયો. આથી હિન્દી ‘રોજા’માં અમુક દશ્યો વિચિત્ર લાગે છે. આમ છતાં આખી ફ્લ્મિ એટલી પાવરફુલ છે કે આપણને આ ક્ષતિ નડતી નથી.

‘રોજા’ બની. રિલીઝ થઈ. મણિ રત્નમને સૌથી પહેલો ફેન ગુરુ-કમ-પ્રોડયુસર કે. બાલાચંદરનો આવ્યો. સાહેબ ધૂંઆફૂંઆ થતા બોલ્યાઃ મણિ, મેં થિયેટરમાં ઓડિયન્સનાં રિએકશન જોયાં. દેશભકિતવાળા સીનમાં લોકો સીટ પરથી ઊભા કેમ થતા નથી? થવા જોઈએ! ઊભા થઈને તાળીઓ પાડવી જોઈએ. આનો મતલબ એ કે તારી ફ્લ્મિ કાચી રહી ગઈ છે! 
બીજું રિએકશન મણિ રત્નમના ફ્લ્મિમેકર ફ્રેન્ડ રામગોપાલ વર્માનું આવ્યું. કહેઃ મણિ, તારી ફ્લ્મિ તો અસહૃા છે. હું તે અધૂરી છોડીને થિયેટરની બહાર ભાગી ગયો. શા માટે? કદાચ વર્માજીને લાગ્યું કે મણિ રત્નમે ફ્લ્મિમાં લાઉડ દેશભકિતનો અતિરેક કરી નાખ્યો છે. આ હતા મણિ રત્નમને મળેલા ‘રોજા’ના સૌથી પહેલા બે પ્રતિભાવ! એ વખતે કે. બાલાચંદર કે રામગાોપલ વર્મા તો શું, મણિ રત્નમે પણ સપને નહીં વિચાર્યું હોય કે આ ફ્લ્મિ ટૂંક સમયમાં દેશભરમાં તરખાટ મચાવીને ઓલટાઈમ કલાસિક બની જવાની છે!
બારદ્વાજ રંગન નામના સિનિયર પત્રકારે ઓછાબોલા મણિ રત્નમ સાથે લાંબી લાંબી ચર્ચાઓ કરીને ‘કન્વર્સેશન્સ વિથ મણિ રત્નમ’ નામનું અફ્લાતૂન અંગ્રેજી પુસ્તક લખ્યું છે. મણિ રત્નમ અને એમના ચાહકોએ આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ.
0 0 0