Monday, September 21, 2020

‘ધ સોશિયલ ડાયલેમા’ નામની ભયાવહ ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં એવું તે શું છે?

 દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 20 સપ્ટેમ્બર 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ

સોશિયલ મિડિયા નામના દાનવને ઓળખી લેજો!


થિંગ વાસ્ટ એન્ટર્સ ધ લાઇફ ઑફ મોરટલ્સ વિધાઉટ અ કર્સ. જેને વિરાટ કહી શકાય એવું કંઈ પણ મનુષ્યોના જીવનમાં પ્રવેશે છે ત્યારે તે એકલું હોતું નથી, એક ન સમજાય એવો - ન કળાય એવો અદશ્ય શ્રાપ પણ તેની સાથે પ્રવેશતો હોય છે.

અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા ગ્રીક નાટ્યકાર સોફિકિલીસનું આ વાક્ય છે. સોફિકિલીસ ટ્રૅજેડીનો બાદશાહ ગણાતો. ધ સોશિયલ ડાયલેમાના પ્રારંભમાં જ આ વાક્ય આ અવતરણ ફ્લૅશ થાય છે. બૅકગ્રાઉન્ડમાં ભયાવહ, લગભગ કુત્સિત કહી શકાય તેવું સંગીત ફૂંકાય છે. આ વાક્ય અને સંગીત આખી ડૉક્યુમેન્ટરી ફિલ્મનો મૂડ સેટ નાખે છે.

નેટફ્લિકસ પર તાજેતરમાં મૂકાયેલી ધ સોશિયલ ડાયલેમા નામની દસ્તાવેજી ફિલ્મ આજકાલ ખાસ્સી ચર્ચામાં છે. ડાયલેમા એટલે દ્વિધા. ડૉક્યુમેન્ટરી ફિલ્મો શુષ્ક અને કંટાળજનક હોય છે એવું કોણે કહ્યું0 એક કલાક 34 મિનિટની ધ સોશિયલ ડાયલેમા તમે લગભગ અધ્ધર શ્વાસે જોઈ જાઓ છો. આનું મુખ્ય કારણ તેનો વિષય છે, સોશિયલ મિડિયા, જે તમને સીધો સ્પર્શે છે. તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરયુટ્યુબ વગર એક આખો દિવસ પસાર કરવાનું કલ્પી શકો છો? સોશિયલ મિડિયા આપણી સાથે કેવળ વ્યક્તિગત સ્તરે જ નહીં, પણ સામૂહિક સ્તરે પણ જે રીતે ખતરનાક રમત રમી શકે છે એની વિગતો ધ્રૂજાવી મૂકે તેવી છે.

સોશિયલ મિડિયા પહેલી નજરે નિર્દોષ લાગે એવી વસ્તુ છે. તે મનોરંજન, માહિતી, જ્ઞાન, સંપર્કો બધું જ પૂરું પાડે છે અને તે પણ બિલકુલ ફ્રી! આ ડૉક્યુમેન્ટરીમાં એક વાક્ય આવે છેઃ જો તમે કોઈ પ્રોડક્ટ માટે પૈસા ચૂકવતા ન હો તો એનો મતલબ એ થયો કે તમે પોતે જ એક પ્રોડક્ટ છો. અહીં તમે એટલે તમારો સમય, તમારું અટેન્શન. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ... આ બધા ઇચ્છે છે કે તમે વધુને વધુ સમય આ પ્લેટફૉર્મ પર વીતાવો. સમગ્ર સોશિયલ મિડિયા એવી રીતે ડિઝાઇન થયું છે કે જેથી લોકોને તેનું બંધાણ થઈ જાય, તેઓ વધુને વધુ સમય ઓનલાઇન રહે.

જેફ ઓર્લોવ્સ્કીએ ડિરેકટ કરેલી ધ સોશિયલ ડાયલેમા ડૉક્યુમેન્ટરીમાં સોશિયલ મિડિયા ચલાવતી ટોચની કંપનીઓમાં ચાવીરૂપ કામ કરનારા અંદરના લોકોના ઇન્ટરવ્યુ લેવાયા છે. જ્યારે સોશિયલ મિડિયા ડિઝાઇન કરનારો માણસ ખુદ રાઝ ખુલ્લા કરવા માંડે ત્યારે વાત અધિકૃત બની જાય છે. વિખ્યાત ઇઝરાયલી લેખક યુવલ નોઆહ હરારી અવારનવાર કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રતાપે એ દિવસ હવે બહુ દૂર નથી જ્યારે તમે તમારા વિશે જાણો છો એના કરતાં ઇન્ટરનેટના જુદાં જુદાં સર્ચ એન્જિન તમારા વિશે વધારે જાણતા હશે. ગૂગલસર્ચનાં રિઝલ્ટ વ્યક્તિ અનુસાર બદલાઈ જાય છે. ધારો કે એક જ વિસ્તારમાં રહેતા, એક જ ક્લાસમાં ભણતા ને દિવસમાં પુષ્કળ સમય સાથે વિતાવતા બે કોલેજિયનો છે. તેઓ જ્યારે ગૂગલના સર્ચ બૉક્સમાં કોઈ એક વિષય ટાઇપ કરશે ત્યારે ગૂગલ બન્નેને અલગ અલગ ઇન્ફર્મેશન દેખાડશે, કેમ કે બન્નેની પર્સનાલિટી અલગ છે, તેમના ગમા-અણગમા અલગ છે ને ગૂગલ આ બધું જ જાણે છે.


કેટલાય રાજકીય – સામાજિક મુદ્દા વિશે પર તમને અલગ અલગ પ્રકારના વિડિયોઝ રિકમન્ડ થતા રહે છે, જે તમને લગભગ કન્વિન્સ કરી નાખે છે કે અમુક રીતે વિચારનારા લોકો ખોટા છે અને અમુક રીતે વિચારનારા લોકો જ સાચા છે. જુદા જુદા વિડિયોઝને રિકમન્ડ કરવાનું આલ્ગોરિધમ (સાદી ભાષામાં કહીએ તો પ્રોગ્રામિંગ) દિવસે ને દિવસે વધારે સ્માર્ટ અને શાર્પ બનતું જાય છે. ફેક ન્યુઝ અને કન્સ્પિરસી થિયરીઝ આ જ રીતે ફેલાય છે. ટ્વિટર પર સાચા સમાચારની સરખામણીમાં ફેક ન્યુઝ છ ગણી વધારે ઝડપથી ફેલાય છે! આનું એ કારણ છે કે જૂઠ ચટપટું અને મસાલેદાર હોય છે, જ્યારે સત્ય બોરિંગ અને શુષ્ક હોય છે. સત્ય કરતાં જૂઠ વધારે વેચાય છે. કોરોના વિશે શરૂઆતમાં અમેરિકામાં સોશિયલ મિડિયા પર એવી માહિતી ફેલાઈ હતી કે કોવિદ-બોવિદ જેવું કશું છે જ નહીં, આ તો અસલી મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે અમેરિકન સરકારે ઊભું કરેલું ડિંડવાણું છે! સોશિયલ મિડિયાને કારણે જ્યાં-ત્યાંથી સાંભળેલી સાચી-ખોટી વાતો એટલી ભયાનક ઝડપથી ફેલાય છે કે એક તબક્કા પછી ખબર જ પડતી નથી કે સાચું શું છે ને ખોટું શું છે. કામના મુદ્દા, કામની વાતો બાજુ પર રહી જાય છે.

ગૂગલમાં અગાઉ ડિઝાઇન એથિસિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા ટ્રિસ્ટેન હેરિસ નામનો યુવાન કહે છે, જો એમ કહેવામાં આવે કે ટેકનોલોજીને લીધે માનવજાત પર એક્ઝિસ્ટેન્શિયલ થ્રેટ (અસ્તિત્ત્વ પર ખતરો) ઊભી થઈ છે, તો માનવામાં ન આવે. વેલ, ખતરો ટૅકનૉલોજીમાં નથી, પણ ટૅકનૉલોજી સમાજના સૌથી ખરાબ પાસાં, સમાજનું સૌથી ખરાબ વર્તન, જે કદાચ અત્યાર સુધી ક્યારેય સપાટી પર આવ્યાં નહોતાં, તેને ઢંઢોળીને જગાડી શકે છે. ખરાબ વર્તન એટલે આંધાધૂંધી, તોડફોડ, એકબીજા પર અવિશ્વાસ, એકલા પાડી દેવું, પોલરાઇઝેશન, ઇલેક્શન હેકિંગ, મુખ્ય મુદ્દાઓથી વધારે દૂર જતા રહેવું, સમાજની ખુદના ઘાવને રુઝાવી શકવાની ક્ષમતા ક્ષીણ થતી જવી... ખતરો આમાં છે.

ટૅક્નોલૉજીના દુષ્પ્રભાવને વધારે અસરસકાર રીતે પેશ કરવા માટે ધ સોશિયલ ડાયલેમામાં અસલી લોકોની સાથે સાથે એક ફિક્શનલ અમેરિકન પરિવારની વાત પણ વણી લેવાઈ છે. આ ડૉક્યુમેન્ટરી ખાસ જોજો. હાઇલી રિકમન્ડેડ.     

                                                0 0 0    

‘’

Thursday, September 17, 2020

ક્રિયેટિવ અધોગતિમાંથી બહાર આવવાની કળા

 દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ - 6 સપ્ટેમ્બર 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ 

એક સમયે હોલિવૂડમાં 'નેક્સ્ટ સ્પીલબર્ગકહેતા મનોજ નાઇટ શ્યામલનની ક્રમશઃ એવી પડતી થઈ કે એમની ખુદની ફિલ્મના પોસ્ટરમાંથી એમનું નામ કાઢી નાખવામાં આવતું. આ ક્રિયેટિવ કટોકટીમાંથી તેઓ શી રીતે બહાર આવ્યા?


'ને સમજાતું નથી કે ઓડિયન્સ સાથે હવે હું શા માટે કનેક્ટ કરી શકતો નથી. શું હું કંઈક ભળતી જ સિનેમેટિક ભાષા બોલી રહ્યો છું? ખરેખર ખબર નથી પડતીકારણ કે આજે પણ મારા કામમાં હું એટલો સિન્સિયર અને પેશનેટ છું જેટલો હું મારી સુપરડુપર હિટ થયેલી પહેલી ફિલ્મ બનાવતી વખતે હતો.

કોઈ ફિલ્મમેકરે આવા શબ્દો ઉચ્ચારવા પડે એના જેવી કરૂણતા બીજા કોઈ નહીં. કલાકારનો માંહ્યલો કરપ્ટ થઈ જાય અને એ નિષ્ફળ જવા માંડે તો તે સમજાય એવું છેપણ એની નિષ્ઠામાં લેશમાત્ર ફર્ક પડયો ન હોય છતાંય ઉત્તરોત્તર ઓડિયન્સ સાથેનું એનું સંધાન તૂટતું જાય ત્યારે શું સમજવું?

વાત હોલિવૂડમાં મેઇન્સ્ટ્રીમ ફિલ્મો બનાવતા ભારતીય મૂળના ફિલ્મમેકર મનોજ નાઇટ શ્યામલન વિશે થઈ રહી છે. તેમણે જે સુપરડુપર હિટ ફિલ્મનો ઉલ્લેખ કર્યો તેનું ટાઇટલ છે, ધ સિક્સ્થ સેન્સ (1999). આ સુપરનેચરલ ફિલ્મ પર આખું જગત આફરીન પોકારી ઉઠ્યું હતું. મનોજ શ્યામલનની બીજી ફિલ્મ 'અનબ્રેકેબલ' (૨૦૦૦) 'ધ સિક્સ્થ સેન્સ' જેવી સુપરડુપર હિટ તો ન થઈપણ તેણે એક વાત નીચે અન્ડરલાઇન કરી આપી કે ઓડિયન્સને એક ચોક્કસ દિશામાં દોરતા જઈને ક્લાઇમેક્સમાં જબરદસ્ત ટ્વિસ્ટ આપવામાં, અમૂર્ત - અસ્પષ્ટ અને ભેદી કહી શકાય એવાં પાત્રો કે ઘટનાઓને આકાર આપવામાં મનોજ શ્યામલનની માસ્ટરી છે. તેઓ હજુ પણ મિડિયાના ડાર્લિંગ હતા. આ હોનહાર માણસ હોલિવૂડની સિકલ બદલી નાખશે, એને રિ-ડિફાઇન કરશે એવું કહેવાતું રહ્યું. તે પછી આવી એલિયન્સના આક્રમણના વિષયવાળી 'સાઇન્સ', જેમાં મેલ ગિબ્સન મુખ્ય હીરો હતો. આ ફિલ્મના રિલીઝ વખતે પ્રતિષ્ઠિત 'ન્યૂઝવીક' વીકલીએ શ્યામલનને 'નેક્સ્ટ સ્પીલબર્ગ'નું ભારેખમ બિરુદ આપી દીધું હતું. 'સાઇન્સે' સારો બિઝનેસ કર્યો, રિવ્યુ પણ પ્રમાણમાં સારા આવ્યા, પણ આમાંય 'ધ સિક્સ્થ સેન્સ' જેવી મજા નહોતી.

બસ, મનોજ શ્યામલનની ક્રિયેટિવ અધોગતિની શરૂઆત હવે થઈ. સાઇન્સ પછી 'ધ વિલેજ', 'લેડી ઇન ધ વોટર' અને 'ધ હેપનિંગવારાફરતી આવી. શ્યામલન હવે રિપિટીટિવ બની રહ્યા હતા. ચાહકો અને સમીક્ષકોની નારાજગીઅકળામણ તેમજ ગુસ્સો વધતાં જતાં હતાં. તે પછી આવેલી 'ધ લાસ્ટ એરબેન્ડર' (2010)ની ભયાનક ટીકા થઈ. 'ડેવિલનામની ફિલ્મની સ્ક્રિપ્ટ એમણે લખી. પડદા પર શ્યામલનનું નામ આવતું ત્યારે પ્રેક્ષકો અણગમાથી ડચ્ ડચ્ કરતા ડચકારા બોલાવતા. તે પછીની ફિલ્મ 'આફ્ટર અર્થ(2013) વખતે મામલો એટલો કથળી ગઈ હતી કે પોસ્ટરોમાંથી રાઇટર-ડિરેક્ટર શ્યામલનનું નામ જ કાઢી નાખવામાં આવ્યું! માર્કેટિંગ સ્ટ્રેટેજી ઘડનારાઓનો ડર સાચો પડયો. વિલ સ્મિથ જેવો સુપરસ્ટાર હોવા છતાં 'આફ્ટર અર્થપીટાઈ ગઈ. જે હોનહાર માણસ હોલિવૂડની સિકલ બદલી નાખશે, હોલિવૂડને રિ-ડિફાઇન કરશે એવું કહેવાતું હોય એ માણસ એટલા બૂંદિયાળ થઈ જાય કે એની ખુદની ફિલ્મના પોસ્ટરમાં એનું નામ છાપવામાં ન આવે, એ બીકે કે ફિલ્મને નુકસાન ન થઈ જાય.... કોઈ પણ ફિલ્મમેકર માટેફોર ધેટ મેટરકોઈ પણ કલાકાર માટે આના કરતાં વધારે ક્ષોભજનક અને દયાજનક સ્થિતિ બીજી કઈ હોવાની?આવી સ્થિતિમાં એક કલાકાર શું કરી શકે? જો એનામાં વિત્ત હોય તો ખુદને રિ-ઇન્વેન્ટ કરી શકે. અત્યાર સુધી ખર્ચાળ ફિલ્મો બનાવતા આવેલા મનોજ શ્યામલને હવે પોતાની સ્ટ્રૅટેજી બદલી. એમણે ફિલ્મના બજેટ પર કુહાડો મારી દીધો. આફ્ટર અર્થનું બજેટ 130 મિલિયન ડોલર હતું, પણ તે પછીની ફિલ્મ ધ વિઝિટ (2015) એમણે ફક્ત પાંચ મિલિયનમાં બનાવી નાખી. આ ફિલ્મે 98.5 મિલિયન ડોલરનો બિઝનેસ કર્યો. તે પછી આવી સ્પ્લિટ (2016). 9 મિલિયનના બજેટમાં બની ગયેલી આ ફિલ્મે બોક્સઑફિસ પર કેટલા કમાવી આપ્યા? 278.5 મિલિયન ડોલર! મનોજ શ્યામલનની તળિયે પહોંચી ગયેલી પ્રતિષ્ઠા પાછી ઊંચકાવા લાગી હતી. ટકી રહેવાની, સફળ થવાની ફૉર્મ્યુલા તેમને જડી ગઈ હતી - બજેટ ઓછામાં ઓછું, બિઝનેસ વધુમાં વધુ. શ્યામનનની છેલ્લી ફિલ્મ ગ્લાસ (2019)માં પણ આ જ ફૉર્મ્યુલા કારગત નીવડી - બજેટ 20 મિલિયન, કમાણી 247 મિલિયન.   

મનોજ શ્યામલન હાલ સર્વન્ટ નામની વેબસિરીઝની બીજી સિઝન બનાવી રહ્યા છે. નેટફ્લિકસ અને અમેઝોન પ્રાઇમ વિડિયો પ્રકારના એપલ ટીવી પ્લસ નામના સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ પર તે ગયા વર્ષે રિલીઝ થઈ છે. આ સાઇકોલોજિકલ હોરર શોના સારા એવા વખાણ થયા છે. ટૂંકમાં, આપણા મનોજભાઈ ધીમે ધીમે તળિયે પહોંચી ગયેલા પોતાના ક્રિયેટિવ ગ્રાફને પુનઃ લઈ જવામાં સફળ થઈ રહ્યા છે. એક મેકર તરીકે એમની સૌથી મોટી મર્યાદા એ છે કે તેઓ સુપરનેચરલ અને હોરરકેન્દ્રી વિષયોમાંથી બહાર આવી શકતા નથી. બસ, હવે તેઓ પોતાની ક્રિયેટિવ રેન્જ વધારી શકે છે કે કેમ તે આપણે જોવાનું છે.   

0 0 0

કિસી બાત પે જબ હંસૂંગી તબ પહચાનોગે ક્યા?

 દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ - 30 ઓગસ્ટ 2020, રવિવાર 

મલ્ટિપ્લેક્સ

દિપ્તિ સેહતમંદ હૈ, ખુશમિજાજ હૈ. ઝિંદગી સે બહુત લગાવ હૈ. ઔર કભી ઉદાસ હો તો ઉસકા ઉતના હી મઝા લેતી હૈ જિતના હંસને-ખેલને કા.


વે તો ખેર, સુશાંતસિંહ રાજપૂતના ડિપ્રેશન તેમજ આત્મહત્યાની થિયરીનો છેદ ઉડી ગયો છે, પણ એનું કમોત તાજું તાજું હતું ને સૌએ લગભગ માનવાનું શરૂ કરી દીધું હતું કે સુશાંત માનસિક રોગનો શિકાર બની ગયો છે ત્યારે સિનિયર એક્ટ્રેસ દીપ્તિ નવલે પોતાના ફેસબુક અકાઉન્ટ પર એક વાત કહી હતી. એમણે લખ્યું હતું કે 1990ના દાયકાના પ્રારંભમાં હું ખુદ ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી. તીવ્ર બેચેની, આપઘાતના વિચાર... આ બધામાંથી હું પસાર થઈ ચૂકી છું. આટલું લખીને દીપ્તિ નવલે આ પીડાદાયી મનઃસ્થિતિનો ચિતાર આપતી બ્લેક વિન્ડ નામની પોતાની એક જૂની કવિતા શૅર કરી હતી.

ચશ્મે બદ્દૂર ફિલ્મની આ મિસ ચમકો આજે 68 વર્ષની વૃદ્ધા થઈ ગઈ છે તે માની શકાતું નથી! કથા, કમલા, મિર્ચ મસાલા, મોહન જોશી હાઝિર હો જેવી એમની કેટલીય ફિલ્મો આપણને હંમેશાં યાદ રહેવાની છે. દીપ્તિ નવલ માત્ર સમાંતર સિનેમાનાં ઉત્તમ એક્ટ્રેસ નથી, તેમણે એક ફિલ્મ અને એક ટીવી શો ડિરેક્ટ કર્યા છે, તેઓ ચિત્રકાર છે અને તેમના નામે બે કવિતાસંગ્રહ તેમજ એક વાર્તાસંગ્રહ પણ બોલે છે. આજે આપણે દીપ્તિની કવિતાઓમાં ડૂબકી મારવી છે. દીપ્તિએ ડિપ્રેશનની જે વાત કરી તેનો એક તંતુ કદાચ નીચેની કવિતાને પણ સ્પર્શે છે.

દીપ્તિની પ્રકૃતિ ગંભીર છે. લોકો એમને કહેતા કે તું કેમ મૂંઝાયેલી-મૂંઝાયેલી અને બંધ-બંધ રહે છે? તું જાણે અટકી-અટકીને જીવતી હો એવું કેમ લાગે છે? તું તારી જાતને મુક્તપણે વહેવા કેમ દેતી નથી? કદાચ આના જ જવાબમાં દીપ્તિ લખે છેઃ  

બહુત ઘુટી-ઘુટી રહતી હો...

બસ ખુલતી નહીં તો તુમ?’

ખુલને કે લિએ જાનતે હો

બહુત સે સાલ પીછે જાના હોગા

ઔર ફિર વહીં સે ચલના હોગા

જહાં સે કાંધે પે બસ્તા ઉઠાકર

સ્કૂલ જાના શૂરૂ કિયા થા

ઇસ ઝેહન કો બદલકર

કોઈ નયા ઝેહન લગવાના હોગા

ઔર ઇસ સબકે બાદ રોઝ

ખુલકર

ખિલખિલાકર

ઠહાકા લગાકર

કિસી બાત પે જબ હંસૂંગી

તબ પહચાનોગે ક્યા? 


ઝેહન એટલે મન, સમજણ. દીપ્તિ કહે છે કે શું હું વર્ષો પહેલાંની પેલી સ્કૂલે જતી નિર્દોષ બેબલી બની જાઉં તો જ તું મને ઓળખી શકીશ
? તો જ તને લાગશે કે હું હવે પૂરેપૂરું, આખેઆખું જીવી રહી છું? પણ આ વચ્ચેનાં વર્ષોમાં મારી મુગ્ધતા, મારું વિસ્મય ગાયબ થઈ ગયાં છે તે હું શી રીતે પાછાં લાવીશ? ગુલઝાર જોકે દીપ્તિ નવલના વ્યક્તિત્ત્વને જુદા દષ્ટિકોણથી નિહાળે છે. તેઓ કહે છે, દિપ્તિ સેહતમંદ હૈ, ખુશમિજાજ હૈ. ઝિંદગી સે બહુત લગાવ હૈ. ઔર કભી ઉદાસ હો તો ઉસકા ઉતના હી મઝા લેતી હૈ જિતના હંસને-ખેલને કા.

દીપ્તિ સાચા અથર્મા જીવનને કદાચ ત્યારે માણે છે જ્યારે તેઓ પ્રવાસ કરતાં હોય. હજુય દિલથી તેઓ પહાડી કન્યા જ છે. હિમાલયના પહાડોમાં એમણે પુષ્કળ ટ્રેકિંગ કર્યું છે. નાનપણમાં ઉનાળાના વેકેશનમાં એમનો પરિવાર પૂરા બે મહિના માટે કુલુમાં ધામા નાખતો. નાનકડી દીપ્તિના દિમાગમાં પ્રશ્ર્ન જાગતો કે ચારે બાજુ દેખાતા આ પહાડોની પેલે પાર શું હશે? આમ, નાનપણથી જ દીપ્તિ નવલને પહાડો પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું જે આજીવન ટકી રહ્યું.

હું જરા અલગ પ્રકારની પ્રવાસી છું,' દીપ્તિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મારા માટે અમુક-તમુક જગ્યાએ જઈને ફલાણી-ફલાણી જગ્યાઓ કવર કરી નાખવાનું મહત્ત્વ હોતું નથી. હું મુકતપણે રખડવામાં માનું છું. શૂટિંગ કે શેડ્યુલ કેન્સલ થયું નથી ને મેં દિલ્હીની ફ્લાઈટ પકડી નથી. દિલ્હીથી પછી લોકલ બસમાં બેસીને હિમાચલ પ્રદેશમાં મન ફાવે ત્યાં ઉપડી જવાનું. મારા માટે પ્રવાસ બહારની નહીં, પણ આંતરિક વસ્તુ છે. મારી ખોપડીમાં મને મારો પોતાનો અવાજ સંભળાવો જોઈએ.'

દીપ્તિનો આ અલગારી સ્વભાવ અને નિરીક્ષણવૃત્તિ આ કવિતામાં સુંદર રીતે ઉપસી છેઃ   

મૈંને દેખા હૈ દૂર કહીં પર્બતોં કે પેડોં પર

શામ જબ ચુપકે સે બસેરા કર લે

ઔર બકરીયોં કા ઝુંડ લિએ કોઈ ચરવાહા

કચ્ચી-કચ્ચી પગદંડિયોં સે હોકર

પહાડ કે નીચે ઉતરતા હો.

મૈંને દેખા હૈ જબ ઢલાનોં પે સાએ-સે ઉમડને લગેં

ઔર નીચે ઘાટી મેં

વો અકેલા-સા બરસાતી ચશ્મા

છૂપતે સૂરજ કો છૂ લેને કે લિએ ભાગે.

હાં, દેખા હૈ ઐસે મેં ઔર સુના ભી હૈ

ઇન ગહરી ઠંડી વાદિયોં મેં ગૂંજતા હુઆ કહીં પર

બાંસુરી કા સૂર કોઈ...

તબ યૂં હી કિસી ચોટી પર

દેવદાર કે પેડ કે નીચે ખડે-ખડે

મૈંને દિન કો રાત મેં બદલતે હુએ દેખા હૈ!

 

0 0 0 

મા, દીકરી અને વેબ શો

 દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 13 સપ્ટેમ્બર 2020, રવિવાર

ટેક-ઓફ

મિડિયાવાળા લોકોને ઉખાણા પૂછતા કે કહો જોઈએ, નીના ગુપ્તા પેટમાં કોનું બાળક હશે? ...ને નીચે જવાબમાં વિકલ્પ તરીકે નીના ગુપ્તાના પાંચ પુરુષમિત્રોનાં નામ મૂકતા!


નેટફ્લિક્સ પર હમણાં એક નાનકડો, પણ સરસ શો મૂકાયો - મસાબા મસાબા. અહીં સરસ શબ્દ જરા ટ્રિકી છે. આ શો તમામ વર્ગને એકસરખો અપીલ કરે તેવો નથી (આમ જોવા જઈએ ક્યો શો તમામ વર્ગને એકસરખો અપીલ કરે તેવો હોય છે?), પણ જો તમે નીના ગુપ્તાના ફૅન હશો તો આ શો જરૂર ગમશે. શક્ય છે કે આ શો પછી તમને મસાબા ગુપ્તા (નીનાની દીકરી) પણ ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે. તમને શો સહેજ નાવીન્યભર્યો લાગશે, કેમ કે અહીં વાસ્તવિક જીવનમાં બનેલી ઘટનાઓ અને કાલ્પનિક કહાણીને એકબીજા સાથે સરસ રીતે વણી લેવાઈ છે.

એકત્રીસ વર્ષ પહેલાં નીના ગુપ્તાએ કુંવારી માતા બન્યાંનો નિર્ણય જાહેર કર્યો ત્યારે કેવો જબરદસ્ત ઊહાપોહ થયો હતો તે સિનિયર વાંચકોને જરૂર યાદ હશે. આ લવ-ચાઇલ્ડ વિખ્યાત વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટર વિવિયન રિચાર્ડઝનું હતું, તેમ છતાંય પ્રિન્ટ મિડિયાવાળા લોકોને રીતસર ઉખાણા પૂછતાઃ કહો જોઈએ, નીના ગુપ્તા પેટમાં કોનું બાળક હશે? સાચા નામ પર ટિકમાર્ક કરો...  ને પછી નીચે જવાબમાં વિકલ્પ તરીકે નીના ગુપ્તાના પાંચ પુરુષમિત્રોનાં નામ મૂક્યાં હોય!

નીના ગુપ્તાએ આ અર્ધઅશ્વેત-અર્ધભારતીય મસાબાને કન્સિવ કરી ત્યારે વિવિયન રિચર્ડ્ઝ પરિણીત હતા અને પત્નીથી અલગ રહેતા હતા. નીના ગુપ્તા સ્વયં એક સાદા મધ્યમવર્ગીય માબાપનું ફરજંદ છે. એમના પપ્પા સરકારી નોકરી કરતા, મમ્મી સ્કૂલ-ટીચર હતાં. મમ્મી ચુસ્ત ગાંધીવાદી. સ્વભાવે એટલાં કડક કે નીનાને બહેનપણીઓ સાથે પણ ફિલ્મ જોવા જવા ન દે. નીના જોકે કુંવારી માતા બન્યાં ત્યારે જોકે એમનું નિધન થઈ ચૂક્યું હતું. પિતાજી માટે નીનાનો આ નિર્ણય વસમો હતો, પણ એમણે જોયું કે દીકરીની જગહસાઈ થઈ રહી છે ને આખું મિડિયા હાથ ધોઈને એની પાછળ પડી ગયું છે. આવા સંજોગોમાં તેઓ દીકરીની પડખે ઊભા રહ્યા. મા-બાપની આ તાસીર છે. તેઓ સંતાનને વઢશે, નારાજ થશે, ઝઘડા કરશે, પણ અણીના સમયે હાજર થઈ જશે - સંતાનને હૂંફ દેવા, સંતાન દુનિયાનો સૌથી મોટો પાપી બની ગયો હોય તો પણ.    


મસાબાને જન્મ થયો ત્યારે નીના ગુપ્તાના પિતાજી દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ ગયા. મસાબા મોટી થઈ રહી હતી ત્યારે એને ઘરમાં ક્યારેય ફાધર-ફિગરની કમી ન વર્તાવા દીધી. મસાબાને ક્યારેય લાગ્યું નહીં કે એનું ફેમિલી
ડિસ્ફંકશનલ છે. એવી કોઈ ચોક્કસ ક્ષણ આવી જ નહીં કે જ્યારે નીનાએ દીકરીને પાસે બેસાડીને ગંભીર ચહેરે કહેવું પડ્યું હોય કે જો બેટા, તું છેને નોર્મલ ચાઇલ્ડ નથી, તું લવ-ચાઇલ્ડ છે કેમ કે મેં અને તારા બાપે ક્યારેય લગ્ન કર્યાં નથી. મસાબાના જન્મ પછી વિવિયન રિચર્ડ્ઝ મુંબઇ આવતા-જતા. મસાબા સાવ નાની હતી ત્યારથી એ સમજી શકે તેવી ભાષામાં એને બધું જ કહેવામાં આવતું. મસાબા એક ઇન્ટરવ્યુમાં કહે છે, મારા કેટલાંય ફ્રેન્ડ્ઝને એમની મમ્મીઓએ નહીં, પણ આયાઓએ મોટા કર્યા છે. પપ્પા બિઝનેસ ટૂર પર બહાર ફર્યા કરતા હોય, દિવસોના દિવસો સુધી બચ્ચાં પોતાના ફાધરનું મોઢું જોવા પામ્યા ન હોય. પતિ-પત્ની વચ્ચે લાગણીના સંબંધ ન હોય, છતાંય વર્ષમાં એક વાર સૌ ફેમિલી વેકેશનમાં બહારગામ ફરવા જાય ને પછી આખી દુનિયા સાથે ફોટા શૅર કરીને દેખાડો એવો કરે કે દુનિયામાં અમારા જેવો પ્રેમાળ પરિવાર બીજો કોઈ નથી. મને આવી બનાવટ સહેજ પણ સદતી નથી, કારણ કે મારાં મા-બાપે ક્યારેય મારી સાથે કે દુનિયા સાથે બનાવટ કરી નથી, કશું છૂપાવ્યું નથી. એમની પાસેથી હું પારદર્શક રહેતાં શીખી છું.મસાબા નાની હતી ત્યારે એને હિન્દી ફિલ્મની હિરોઈન બનવું હતું. નીનાએ એને એમ કહીને રોકી કે બેટા, તારો દેખાવ એવો ટિપિકલ છે કે તું બોલિવુડની હિરોઇન તરીકે નહીં ચાલે. મસાબાએ આ વાત માની લીધી. એણે ફૅશન ડિઝાઇનિંગમાં રસ લેવાનું શરૂ કર્યું. 2009માં લેકમે ફૅશન વીકમાં ભાગ લેનારી એ સૌથી નાની વયની સફળ ફૅશન ડિઝાઇનર બની. ફૅશનના મામલામાં નંબર વન ગણાતી સોનમ કપૂરે 2011માં અતિપ્રતિષ્ઠિત કેન ફિલ્મ ફેસ્ટિવલમાં મસાબાએ ડિઝાઇન કરેલી સાડી ધારણ કરી. પછી તો કંગના રનૌત, શિલ્પા શેટ્ટી, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ સહિતની જેવી હિરોઈનોની એ માનીતી બની ગઈ. મસાબા સાડી પર ગાયનું ચિત્ર મૂકે, હથેળી કે કૅમેરાનું ચિત્ર મૂકે. કોઈએ કલ્પી ન હોય એવી ડિજિટલ પ્રિન્ટ્સવાળી મસાબાની સાડીઓ ખૂબ વખણાય છે. તેની નકલ પણ ખૂબ થાય છે.  

મસાબાએ સાડીને ઇનવેન્ટ કરી તો નીના ગુપ્તાએ પોતાની કરીઅરને રી-ઇન્વેન્ટ કરી છે. એમણે એકવાર ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મમેકરોને ઉદ્દેશીને રીતસર પોસ્ટ મૂકી હતી કે મેં ભલે દિલ્હીના બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં હોય, પણ હું મુંબઈમાં રહું છું ને કામ શોધી રહી છું. મને પ્લીઝ કામ આપો! નીનાની આ પોસ્ટ ખૂબ ચર્ચાઈ હતી. એમને બધાઈ હોનો યાદગાર રોલ તે પછી જ મળ્યો હતો. મસાબા મસાબામાં આવી ઘણી બધા અસલી પ્રસંગો સરસ રીતે વણી લેવાયા છે. આ શોના ચાહકોએ તો સેકન્ડ સિઝનની રાહ જોવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે!

0 0 0 

 

 ‘’?!