Sandesh - Sanskar purti - 30 Aug 2015
મલ્ટિપ્લેક્સ
કોણે કલ્પ્યું હતું કે હિરોઈન તરીકે સુપર ફલોપ ગયેલી ટ્વિન્કલ ખન્ના વર્ષો પછી એકાએક લેખિકા તરીકે ઊભરશે? તાજેતરમાં અેનું હેલું પુસ્તક 'મિસિસ ફનીબોન્સ' પ્રકાશિત થયું. ટ્વિંન્કલની હિટ વીક્લી કોલમના ચુનંદા લેખોનું આ સંકલન છે. એનાં લખાણમાં ભારોભાર રમૂજ, તીખાં નિરીક્ષણો, હકીકત અને કલ્પનાનું ઇન્ટરેસ્ટિંગ કોકેટલ અને પોતાની જાતને સાવ હળવાશથી લેવાનો એટિટયૂડ છે, પુસ્તકની એક ઝલક પ્રસ્તુત છે...
કોણે કલ્પ્યું હતું કે ત્રણેય ખાન સાથે કામ કર્યું હોવા છતાં ફિલ્મલાઇનમાં જરાય ન ચાલેલી ટ્વિન્કલ ખન્ના વર્ષો પછી એકાએક લેખિકા તરીકે ઊભરશે? સૌને થતું કે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા જેવાં ધરખમ મા-બાપની દીકરી સાવ આવી પ્રતિભાવિહોણી? કેન્ડલના અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગના છોટા-મોટા બિઝનેસમાં શું વળે? પણ એકાએક એક રાષ્ટ્રીય અંગ્રેજી અખબારમાં એની કોલમ શરૂ થાય છે. ભારોભાર રમૂજ, તીખાં નિરીક્ષણો, હકીકત અને કલ્પનાનું ઇન્ટરેસ્ટિંગ કોકેટલ અને પોતાની જાતને સાવ હળવાશથી લેવાનો એટિટયૂડ ધરાવતી આ કોલમ ઇન્સ્ટન્ટ હિટ થઈ ગઈ. વાંકદેખાઓ કહેતા રહ્યા કે ટ્વિન્કલને આવું લખતા આવડે જ નહીં, નક્કી કોઈક એને લખી આપતું હશે! ખેર, તાજેતરમાં અક્ષયકુમારનાં આ શ્રીમતીજીનું પહેલું પુસ્તક 'મિસિસ ફનીબોન્સ' પ્રકાશિત થયું. ડાયરી ફોર્મેટમાં લખાતી એની કોલમના ચુનંદા લેખોનું આ સંકલન છે.
ટ્વિન્કલના લખાણમાં આકર્ષક પ્રવાહિતા છે, સોફિસ્ટિકેશન છે. પુસ્તક વાંચતાં વાંચતાં આપણે એકધારા મરક મરક થઈએ છીએ તો ક્યાંક ખડખડાટ હસી પડીએ છીએ. પેશ છે એના પુસ્તકના કેટલાક અંશો. એન્જોય...
મારી મોમ (ડિમ્પલ કાપડિયા) પેલી ટીવીની જાહેરાતોમાં દેખાડે છે એવી ઘાયલ સંતાનને બેન્ડ-એઇડ લગાડી આપતી, કિચનમાં રાંધતી, છોકરાઓને હોમવર્ક કરવામાં મદદ કરતી ટિપિકલ મમ્મી ક્યારેય નહોતી. મારી મા ફની છે, અંતરંગી છે, વિચિત્ર છે. હંુ છોભીલી પડી જાઉં તે માટેના નિતનવા નુસખા હું જન્મી ત્યારથી સતત શોધતી આવી છે. સૌથી પહેલાં તો એણે મારું નામ ટ્વિન્કલ પાડીને આખી જિંદગી મારી નોનસ્ટોપ મજાક થતી રહે તે સુનિશ્ચિત કરી નાખ્યું. દુનિયાભરના એરપોર્ટો પર ઇમિગ્રેશન ઓફિસરો આજની તારીખેય પાસપોર્ટમાં ટ્વિન્કલ નામ વાંચીને મારી સામે વિચિત્ર નજરે જુએ છે અને દાંત કાઢે છે.
હું ટીનેજ અવસ્થામાં જાડી ઢમઢોલ હતી એટલે મારું વજન ઘટાડવા મારી મા ક્યાંકથી કલર થેરાપી ડાયટ શોધી લાવી હતી. આ અજબગજબની વેઇટ-લોસ થેરાપીમાં એવું હતું કે ફક્ત લાલ અને ઓરેન્જ રંગનાં જ ફળ ખાવાનાં, લાલ રંગની બોટલમાં રાખેલું સોલરાઇઝ્ડ પાણી જ પીવાનું અને ઇન્ફ્રારેડ લાઇટ સામે રોજ પા કલાક બેસવાનું. બે વીક પછી શું પરિણામ આવ્યું? મારું વજન દોઢ કિલો વધી ગયું હતું ને ઇન્ફ્રારેડ લાઇટને લીધે મારા પેટ પર લાલ ચકામાં પડી ગયાં હતાં.
હું ફિલ્મોમાં કામ કરતી હતી એ વર્ષોમાં એક વાર મા મારી સાથે શૂટિંગમાં લંડન આવી હતી. ત્યાંથી એ આગળ ન્યૂ યોર્ક જવાની હતી અને હું મુંબઈ પરત થવાની હતી. મા રોજ એટલી બધી ખરીદી કરતી કે મારા ટચૂકડા હોટલ રૂમમાં શોપિંગ બેગના ખડકલા થઈ ગયા હતા. છેલ્લો દિવસ આવ્યો. એની ફ્લાઇટ મારા કરતાં ચાર કલાક વહેલી ઉપડવાની હતી. મેં એને પૂછયું કે મા,તું આટલો બધો સામાન તારી સૂટકેસમાં ફિટ કેવી રીતે કરીશ? એ મંદ મંદ મુસ્કુરાઈને કહેઃ "ડોન્ટ વરી. તું ટેન્શન લીધા વિના તારું શૂટિંગ પતાવ. હું મારી એકલીનો નહીં, તારો સામાન પણ સરસ રીતે પેક કરી નાખીશ, બસ?"
રાત્રે કામ પતાવીને રૂમ પર પહોંચીને હું શું જોઉં છું. મારી બેય સુટકેસ ગાયબ હતી. એને બદલે એલ્યુમિનિયમના ઘોબાં પડી ગયેલા બે તોતિંગ ટ્રંક પડયા હતા. બન્ને ઉપર મોટા લાલ અક્ષરોમાં અને સાવ ખોટા સ્પેલિંગમાં મારું નામ લખ્યું હતું: ટવીકલ ખાના! મને હવે ખબર પડી કે મારી વહાલી મા શું કરામત કરી ગઈ હતી. પોતાનો ઢગલો સામાન પેક કરવા એ મારી બન્ને બેગ તફડાવી ગઈ હતી અને મારો સામાન ફિલ્મ યુનિટના કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટના હડમદસ્તા જેવા ટ્રંકમાં પેક કરી નાખ્યો હતો!
હવે હજુ હમણાં બનેલી એક ઘટના વિશે વાત કરું. મા એક સવારે મને ફોન કરીને કહે છે, 'તું સાંજે ઘરે આવી જા. મારી એક ઓળખીતી લેડી દિલ્હીથી આવવાની છે. બહુ મજાની બાઈ છે બિચારી. એની પાસે પૈસા ઈન્વેસ્ટ કરવાની હાઈકલાસ સ્કીમ છે. તું ય ફાયદો ઉઠાવ આ સુપર્બ સ્કીમનો.'
સાંજે પેલી મહિલા ઘરે આવી. એકદમ સ્માર્ટ અને ચાર્મિંગ હતી એ. પટ પટ કરતી અમને સમજાવવા માંડી. એણે અમને લગભગ કન્વિન્સ કરી નાખ્યા કે અમારી પાસે જે કંઈ સેવિંગ પડયું છે એમાંનો મોટો ભાગ એની સ્કીમમાં ઈન્વેસ્ટ કરવો. આફટરઓલ, સવાસો ટકા વળતર મળવાનું હતું. મેં મનોમન ગણતરી કરી. તે સાથે જ મને ખતરાની ઘંટડી સંભળાવા લાગી. આપણી બેન્કો માંડ નવ ટકા વ્યાજ આપી શકતી હોય ત્યારે આ સ્કીમવાળા સવાસો ટકા વળતર કેવી રીતે આપી શકે? મેં એને સવાલો પૂછ્યા. એ ગલ્લાતલ્લા કરવા માંડી. મિટીંગ પડી ભાંગી. એ પોતાનાં કાગળિયાં સંકેલીને રવાના થઈ ગઈ.
એ ગઈ પછી મા મારા પર બરાબરની રોષે ભરાઈ. પૈસા બનાવવાની આવી અદભુત તક હું કેવી રીતે જવા દઈ શકું? મેં કહૃાું કે મા, આવા બધામાં ન પડાય, આ મની-મેકિંગ રેકેટ છે, પૈસા ખંખેરવાના ધંધા છે, બીજું કંઈ નહીં. એ લોકો કોઈ હિસાબે આટલું વળતર આપી શકે જ નહીં. મારું કેલ્કયુલેશન ખોટું હોય જ નહીં. મા કહે, 'બસ હવે. મેથ્સ ટીચરની જેમ વર્તવાનું બંધ કર.'હું સામું તાડૂકીઃ મને ચેલેન્જ ન કર. કેમ, ભૂલી ગઈ, મને એસએસસીની બોર્ડ એકઝામમાં મેથ્સમાં સોમાંથી ૯૭ માર્ક્સ આવ્યા હતા? માને આ યાદ હતું, કેમ કે એ અને મારી માસી તે વખતે મારી ટીખળ કરતાં કે અમારી હૃાુમન કેલ્કયુલેટરના માર્કસ પણ ૯૭ ને વજન પણ ૯૭ (કિલો).
હું સાચી પડી. પેલા પોન્ઝી સ્કીમવાળાઓની પછી સીબીઆઈએ ધરપકડ કરી. એમાં બે ભૂતપૂર્વ એમએલએ પણ સંડોવાયેલા હતા. માએ મને પછી ફોન કરીને કહૃાું, 'હું મારી પેલી દિલ્હીવાળી ફ્રેન્ડનો નંબર કયારની ટ્રાય કરું છું, પણ એનો ફોન લાગતો જ નથી. મારો તો હજુ જીવ બળે છે. તું કેટલી ઉદ્ધતાઈથી એની સાથે વાત કરતી હતી. બિચારીએ સરખો ચા-નાસ્તો પણ ન કર્યો. પણ તારી વાત સાચી છે. પૈસા રોકીને પસ્તાવા કરતાં સાવધાની વરતવી શું ખોટી. અચ્છા સાંભળ, મને કોઈ નાઈજીરીઅન માણસનો ઈમેઈલ આવ્યો છે. ભલો માણસ લાગે છે. એ કંઈક આપણા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માગે છે...'
એ આગળ કંઈ બોલે તે પહેલાં હું જોરદાર ભડકીઃ મોમ, પ્લીઝ, સ્ટોપ ઈટ!
મા હસી પડી. કહે, 'અરે, મજાક કરું છું. ગુસ્સે કેમ થાય છે?'
મેં કહૃાું: આ મજાકની વસ્તુ નથી. તું છેને કયારેક સાવ સ્ટુપિડ જેવી ભુલો કરે છે.
માએ વળતો ફટકો માર્યો, 'સાવ સાચું કહૃાું તેં. જોને, મેં તને પેદા કરી. આનાથી વધારે સ્ટુપિડ બીજું શું હોવાનું.'
0 0 0
તે દિવસે મમ્મી ઘરે આવી હતી. અમે બેઠાં બેઠાં ચા પી રહૃાાં હતાં ત્યાં એકાએક મારો પનોતો પુત્ર રુમમાં ધસી આવ્યો અને મોટેથી બરાડયોઃ મારે ઈંગ્લિશ અસાઈન્મેન્ટ માટે એક બુક ખરીદવાની છે, હમણાં જ! મારા ઘરની બાજુમાં જ એક મોલમાં જાણીતો બુકસ્ટોર છે. મેં ઘાંઘી થઈને તરત એક હાથમાં પર્સ લીધું, બીજા હાથે મારી નાની બેબલીને ઊંચકી અને મમ્મીને કહૃાું કે મમ્મી,પ્લીઝ તું અમને મોલ પર ડ્રોપ કરી દે. જતાં જતાં વોચમેનને સૂચના આપી કે ડ્રાઈવરને કહેજે કે વીસ મિનિટમાં મોલ પહોંચીને અમને પિક-અપ કરી લે.
સ્ટોરમાંથી પનોતા પુત્રે એની ચોપડી ખરીદી. મેં કહૃાું, 'મારે માર્કર પેન લેવી છે, ચાલ પેલી બાજુ જઈએ.' તરત મારી નાની બેબલી ઉછળી, 'કયાં છે પેન? મને દેખાડો, દેખાડો!' નાની બેબલીની ઉંમર જ એવી છે કે એને બધું જ જોવું હોય, બધું જ અડીને ચેક કરવું હોય અને હજાર સવાલો કરવા હોય. ખરીદી કરીને અમે બહાર આવ્યા. અમારી ગાડી કયાંય દેખાતી નહોતી. મેં ડ્રાઈવરનો નંબર ટ્રાય કર્યો. ફોન અનરીચેબલ આવતો હતો. પા કલાક સુધી કારની રાહ જોતા આમતેમ ડાફરિયા માર્યા પછી અને લોકોની વિચિત્ર નજરોના બાણ ઝીલ્યા પછી આખરે પનોતા પુત્રે કહૃાું કે એના કરતાં રિક્ષામાં ઘરે જતા રહીએ. મારી કાખમાં કયારની હલ-હલ થયા કરતી નાની બેબલી તરત ટહૂકી, 'કયાં છે રિક્ષા? મને દેખાડો, મને દેખાડો!'
પનોતા પુત્રે એક રિક્ષા ઊભી રાખી. અમે અંદર બેઠાં. નાની બેબલી જિંદગીમાં પહેલી વાર રિક્ષામાં સવારી કરી રહી હતી એટલે એને તો મજા પડી ગઈ. અમે જેવા લાંબા પ્રાઈવેટ રોડ પર અમારી બિલ્ડિંગ તરફ આગળ વધ્યા કે ઓચિંતા રિક્ષાવાળાએ કહૃાું, 'મેડમ, હીરો અક્ષય કુમાર પહેલાં આ બાજુ જ રહેતો હતો. હવે બાંદ્રામાં રહે છે.'
મારું મોઢું ખુલ્લું રહી ગયું. હું વિરોધ નોંધાવું તે પહેલાં રિક્ષાવાળો પોતાની ધૂનમાં કહેવા લાગ્યો, 'અરે, એણે રાજેશ ખન્નાની દીકરી સાથે મેરેજ કર્યા છેને. એમ તો ડિમ્પલ કાપડિયા પણ બાંદ્રામાં જ રહે છે, પણ મા-દીકરીને જરાય બનતું નથી. આમેય એ એકની એક દીકરી છે એટલે હવે રાજેશ ખન્નાનો બધો વારસો એને મળવાનો છે. એટલે રાજેશ ખન્નાના બંગલા પર હક જમાવવા અક્ષય ફેમિલી સાથે ત્યાં રહેવા જતો રહૃાો છે.'
આ ચક્રમ માણસનો નોનસ્ટોપ બકવાસ સાંભળીને હું તો આભી બની ગઈ. ક્રોધ જેમતેમ દબાવીને મેં ફકત એટલું જ કહૃાું, 'એમ?તને આ બધી કેવી ખબર પડી?' પટ્ કરતો જવાબ આવ્યો, 'મેડમ, રિક્ષા ચલાતા હૂં, સબ પતા હૈ.'
પનોતો પુત્ર મોટે મોટેથી ગાંડાની જેમ હસવા લાગ્યો. મેં ભાડાના સત્તર રુપિયા પકડાવીને પેલાને રવાના કર્યો. પગથિયાં ચડીને ઘરે પહોંચીને જોયું કે ઘરનો મોભી (એટલે કે અક્ષય કુમાર) સોફા પર પહોળો થઈને પડયો હતો. મેં એકી શ્વાસે હમણાં જે કંઈ બન્યું તે એને કહેવા માંડયું, 'સો ફની! તને ખબર છે, અક્ષય કુમાર પહેલાં આ બિલ્ડિંગમાં રહેતો હતો પણ હવે બાંદ્રા જતો રહૃાો છે અને એની વાઈફને પોતાની મા સાથે ઊભું બનતું નથી અને....'
ઘરના મોભીએ આંખો ઝીણી કરી, 'અત્યાર સુધી મને શંકા હતી, પણ હવે કન્ફર્મ થઈ ગયું. તારું ચસકી ગયું છે. આ તું શું અક્ષય કુમાર ને એની વાઈફ ને એની મા ને એવો બધો બબડાટ કરી રહી છે? આ તું આપણા ફેમિલીની જ વાત કરી રહી છે,ગાંડી! પોતાના ફેમિલી વિશે કોણ આ રીતે વાત કરે? તું સાચ્ચે જ એક નંબરની ઈડિયટ છે.'
નાની બેબલીએ તરત ચાની કિટલીથી રમવાનું બંધ કરીને ઉપર જોયું, 'કયાં છે ઈડિયટ? મને દેખાડો, મને દેખાડો!'
હે ભગવાન...
0 0 0