Showing posts with label Jaws. Show all posts
Showing posts with label Jaws. Show all posts

Wednesday, June 17, 2015

મલ્ટિપ્લેક્સ : શું કરે છે સ્ટીવન સ્પીલબર્ગ આજકાલ?

Sandesh - Sanskar purti - 14 June 2015 

મલ્ટિપ્લેક્સ 

સ્ટીવન સ્પીલબર્ગ હોલિવૂડમાં બાપ માણસ છે. દાયકાઓ સુધી પોતાના ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવા માટે, પોતાના ક્ષેત્રના શિખર પર હકથી બિરાજમાન થવા માટે માણસમાં કઈ કક્ષાની પ્રતિભા જોઈએ?



વીસ વર્ષ પહેલાં 'રંગીલા' નામની મસ્તમજાની ફિલ્મ આવી હતી. એમાં નવી નવાઈનો ફિલ્મ ડિરેક્ટર બનેલો ગુલશન ગ્રોવર છાતી ફુલાવીને કહે છેઃ "મારી કોમ્પિટિશન અહીંના ડિરેક્ટરો સાથે થોડી છે? મારી કોમ્પિટિશન તો હોલિવૂડના ડિરેક્ટરો સાથે છે." ગુલશન ગ્રોવરના કિરદારનું નામ પાડવામાં આવ્યું હતું, સ્ટીવન કપૂર. એટલે કે શેખર કપૂર વત્તા સ્ટીવન સ્પીલબર્ગનાં નામોની ભેળપૂરી. વીસ વર્ષ પહેલાં સ્ટીવન સ્પીલબર્ગ હોલિવૂડમાં બાપ માણસ ગણાતા હતા. આજની તારીખે પણ સ્ટીવન સ્પીલબર્ગ હોલિવૂડમાં બાપ માણસ છે. દાયકાઓ સુધી પોતાના ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવા માટે, પોતાના ક્ષેત્રના શિખર પર હકથી બિરાજમાન થવા માટે માણસમાં કઈ કક્ષાની પ્રતિભા જોઈએ?
શું કરે છે સ્ટીવન સ્પીલબર્ગ આજકાલ? ઘણું બધું. સૌથી પહેલાં તો એમણે પ્રોડયુસ કરેલી બ્રાન્ડ-ન્યૂ બ્લોકબસ્ટર 'જુરાસિક વર્લ્ડ' ભારત સહિત દુનિયાભરના દેશોમાં આ શુક્રવારે જ રિલીઝ થઈ. બાવીસ વર્ષ પહેલાં, ૧૯૯૩માં આપણે 'જુરાસિક પાર્ક'માં જીવતાજાગતા, ઉધામા મચાવતા રાક્ષસી ડાયનોસોરને જોઈને ચકિત થઈ ગયા હતા. આ ફિલ્મ સ્પીલબર્ગે ડિરેક્ટ કરી હતી. માઇકલ ક્રિચટન નામના જાણીતા સાયન્સ ફિક્શન રાઇટરે ૧૯૯૦માં 'જુરાસિક પાર્ક' નામની નવલકથા લખેલી. ધરતીના પટ પરથી જેનો હજારો વર્ષ પહેલાં સફાયો થઈ ચૂક્યો છે એવા ડાયનોસોર ધારો કે પાછા જીવિત થાય તો? 'જુરાસિક પાર્ક'નો આ કેન્દ્રીય વિચાર હતો. માઇકલ ક્રિચટનની નવલકથા છપાય તે પહેલાં જ એના પરથી ફિલ્મ બનાવવા માટે દોઢ મિલિયન ડોલરમાં રાઇટ્સ ખરીદી લેવામાં આવ્યા. પછી એમને ઔર પાંચ લાખ ડોલર આપીને કહેવામાં આવ્યું: ભાઈ, ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ તમે જ લખી આપો.
સ્ટીવન સ્પીલબર્ગે આ સ્ક્રીનપ્લેના આધારે એવી કમાલની ફિલ્મ બનાવી કે તરખાટ મચી ગયો. ૬૩ મિલિયનના ખર્ચે બનેલી'જુરાસિક પાર્કે' અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે? ૧૦૨૯ બિલિયન ડોલર એટલે કે અંદાજે ૬૫,૯૮૦ અબજ રૂપિયા, ફક્ત! આ એક જ ફિલ્મના જોરે સ્પીલબર્ગે પોતે ૨૫૦ મિલિયન ડોલર (લગભગ ૧૬ અબજ રૂપિયા) ઘરભેગા કર્યા છે. સિનેમાના ઇતિહાસની તે સૌથી સફળતમ ફિલ્મ ગણાઈ. 'જુરાસિક પાર્ક'નો બોક્સઓફિસ રેકોર્ડ ચાર વર્ષ પછી 'ટાઇટેનિકે' તોડયો.

'જુરાસિક પાર્ક'ના પ્રતાપે ડાયનોસોર નામનું આ મહાકદરૂપું અને કઢંગું પ્રાણી આબાલવૃદ્ધ સૌમાં એટલું બધું પોપ્યુલર બની ગયું કે વાત ન પૂછો. કહે છે કે ડાયનોસોર પર બીજી નવલકથા લખવાનો માઇકલ ક્રિચટનનો કોઈ ઇરાદો નહોતો, પણ સ્પીલબર્ગ સહિત સૌએ એવી જોરદાર ડિમાન્ડ કરી કે માઇકલભાઈની કલમ સટ-સટ-સટ કરતી ચાલવા લાગી. પુસ્તક બહાર પડયું એના પછીના વર્ષે ૧૯૯૬માં, આ જ ટાઇટલ ધરાવતી ફિલ્મ બની. ૨૦૦૧માં ઔર એક સિક્વલ આવી- 'જુરાસિક પાર્ક-થ્રી'. થર્ડ પાર્ટ સાથે જોકે સ્પીલબર્ગ કે ક્રિચટન બન્નેમાંથી કોઈ સંકળાયા નહોતા. આ ફિલ્મને ખાસ હરખાવા જેવા રિવ્યૂઝ નહોતા મળ્યા, પણ આગલા બેય ભાગની માફક તે બોક્સઓફિસ પર હિટ તો થઈ જ.
આ શુક્રવારે રિલીઝ થયેલી 'જુરાસિક વર્લ્ડ'ને આ જ શૃંખલાની કડી સમજો. ઓરિજિનલ 'જુરાસિક પાર્ક'માં ડાયનોસોરની દુનિયા જાહેર જનતા માટે ખુલ્લી મુકાય તે પહેલાં જ તેનો કચ્ચરઘાણ વળી જાય છે. 'જુરાસિક વર્લ્ડ'માં તે અધૂરું સપનું સાકાર થયું છે. ટૂરિસ્ટો ગીરના જંગલમાં સિંહ જોવા આંટા મારતા હોય તેમ અહીં ડાયનોસોરના ખેલ જોવા લોકો રીતસર લાઇનો લગાવે છે. મુખ્ય ડાયનોસોર અહીં લેબોરેટરીમાં પેદા કરવામાં આવ્યું છે! ફિલ્મમાં, ઓફકોર્સ, પરંપરા મુજબ શ્વાસ અધ્ધર થઈ જાય એવી ક્ટોકટીભરી સિચ્યુએશન્સ તો ઊભી થાય જ છે.
 'જુરાસિક પાર્ક' રિલીઝ થઈ તે પછીનાં બાવીસ વર્ષમાં આખી પેઢી બદલાઈ ગઈ છે. ઓરિજિનલ 'જુરાસિક પાર્ક' જોનારો આઠ વર્ષનો ટેણિયો આજે ત્રીસ વર્ષનો પુખ્ત માણસ બની ગયો છે. થિયેટરમાં જઈને ફિલ્મો જોનારાઓમાં ૧૮થી ૩૨ વર્ષના એજગ્રૂપવાળા લોકો બહુમતીમાં હોય છે. 'જુરાસિક વર્લ્ડ' બનાવતી વખતે પ્રોડયુસર તરીકે સ્ટીવન સ્પીલબર્ગનો આઇડિયા એ જ હતો કે ૧૮-૩૨ વર્ષવાળા ક્રાઉડને ફરી વાર શા માટે થિયેટર તરફ ન ખેંચવા. ખાટલે મોટી ખોડ એ છે કે ડાયનોસોર હવે પોતાનું નાવીન્ય સાવ ગુમાવી ચૂક્યું છે. વચ્ચેના બે દાયકામાં કેટલીય ફીચર ફિલ્મો અને એનિમેશન ફિલ્મોમાં ડાયનોસોર દેખાઈ ચૂક્યું છે. એનાં રમકડાં અને જાતજાતની પ્રોડક્ટ્સ વેચાઈ ચૂકી છે. તેથી જ ગયા વર્ષે 'જુરાસિક વર્લ્ડ'નું પહેલું ટ્રેલર રિલીઝ થયું ત્યારે ઓડિયન્સનો પ્રતિસાદ ઠંડો હતો. લોકોને 'જુરાસિક વર્લ્ડ' જોવા કરતાં 'મેડ મેક્સઃ ફ્યુરી રોડ' અને 'સ્ટાર વોર્સઃ ધ ફોર્સ અવેકન્સ'જેવી સિક્વલો જોવામાં વધારે રસ હતો. સ્પીલબર્ગના સદ્ભાગ્યે 'જુરાસિક વર્લ્ડ'ની રિલીઝ ડેટ નજીક આવતી ગઈ તેમ તેમ ફિલ્મ હોટ-એન્ડ-હેપનિંગ બનતી ગઈ, ઓડિયન્સમાં ફિલ્મ પ્રત્યેનું કુતૂહલ વધતું ગયું. આજની 'મલ્ટિપ્લેક્સ' કોલમ તમારે ત્યાં આવશે ત્યાં સુધીમાં 'જુરાસિક વર્લ્ડ'નાં પર્ફોર્મન્સના પ્રારંભિક રિપોર્ટ જાહેર થઈ ચૂક્યા હશે.
૧૫૦ મિલિયન ડોલર કરતાંય વધારે ખર્ચે બનેલી 'જુરાસિક વર્લ્ડ'ના ડિરેક્ટર છે કોલિન ટ્રેવોરો, જેમણે અગાઉ 'સેફ્ટી નોટ ગેરેંટેડ'નામની ઓછી જાણીતી ફિલ્મ બનાવી છે. આપણને રસ પડે એવી વાત એ છે કે 'જુરાસિક વર્લ્ડ'માં આપણા ઇરફાન ખાને એક્ટિંગ કરી છે. ડાયનોસોરવાળો જે એન્ટરટેઇનમેન્ટ પાર્ક બન્યો છે એના શ્રીમંત માલિકનો રોલ ઇરફાને કર્યો છે. એક કથા એવી છે કે બાવીસ વર્ષ પહેલાં 'જુરાસિક પાર્ક' ફિલ્મ આવી હતી ત્યારે ઇરફાન પાસે થિયેટરમાં જઈને ટિકિટ ખરીદવાના પૈસા નહોતા. નસીબની બલિહારી જુઓ કે ફિલ્મના ચોથા ભાગમાં ઇરફાન સ્વયં એમાં અભિનય કરે છે!
(Update: As on 18 June 2015, Jurassic World now holds the record for the biggest opening in movie history with roughly $209 million.)

Steven Spielberg while shooting Jaws

આ જ મહિને સ્ટીવન સ્પીલબર્ગની બીજી એક મહત્ત્વની ઇવેન્ટ પણ છે. ૨૧ જૂને સ્પીલબર્ગે ડિરેક્ટ કરેલી'જોઝ' ફિલ્મના ચાલીસ વર્ષ પૂરાં થશે. આ નિમિત્તે યુનિવર્સલ સ્ટુડિયો આખા અમેરિકાના પાંચસો થિયેટરમાં 'જોઝ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું છે. 'જોઝ'સ્પીલબર્ગે બનાવેલી કેટલીય યાદગાર ક્લાસિક ફિલ્મોમાંની એક છે. ખૂંખાર શાર્ક સામે બાથ ભીડતા ત્રણ આદમીની સાહસકથા ટીવી પર જોવાની આપણને આજેય મજા પડે છે. 'જોઝ' સ્પીલબર્ગની ભવ્યાતિભવ્ય કરિયરની બીજી જ ફિલ્મ. તે વખતે એમની ઉંમર હતી માંડ ૨૯ વર્ષ. આજે સ્પીલબર્ગ ૬૮ વર્ષના સિનિયર સિટીઝન છે. માત્ર નવ મિલિયન ડોલરના ખર્ચે બનાવેલી 'જોઝે'કેટલી કમાણી કરી હતી? ૪૭૦ કરોડ મિલિયન! સ્પીલબર્ગ પહેલેથી જ હોલિવૂડના સ્ટુડિયોના કમાઉ દીકરા રહ્યા છે.
બીજાઓને ચિક્કાર કમાવી આપતા માણસે ખુદ ચિક્કાર કમાવું જ જોઈએ. આ ન્યાયે સ્પીલબર્ગ પ્રોડયુસર ભલે બની ગયા, પણ કમાવાના ચક્કરમાં તેમણે પોતાની ભીતર રહેલા ડિરેક્ટરને ક્યારેય નિષ્ક્રિય થવા દીધો નથી. હાલ તેઓ 'બ્રિજ ઓફ સ્પાઈઝ'નામની ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં બિઝી બિઝી છે. આ ફિલ્મનો હીરો છે, સ્પીલબર્ગનો ફેવરિટ ટોમ હેન્કસ. આ એક્ટર-ડિરેક્ટરની જોડીએ ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે - 'સેવિંગ પ્રાઇવેટ રાયન', 'કેચ મી ઇફ યુ કેન', 'ધ ટર્મિનલ' અને હવે 'બ્રિજ ઓફ સ્પાઇઝ'. સ્પીલબર્ગને યુદ્ધના વિષયો ખૂબ આકર્ષે છે. અમેરિકા-સોવિયેત રશિયા વચ્ચે ૧૯૫૭થી ૧૯૬૦ના દાયકાના પ્રારંભિક વર્ષો દરમિયાન કોલ્ડ વોર ચાલતું હતું. 'બ્રિજ ઓફ સ્પાઇઝ' આ શીત યુદ્ધના બેકગ્રાઉન્ડમાં આકાર લે છે. ફિલ્મમાં જેમ્સ ડોનોવેન નામના એક અમેરિકન લોયર-કમ- નેવી ઓફિસર-કમ-પોલિટિશિયનની વાત છે. એણે પોતાની સમગ્ર કરિયર અને વિશ્વસનીયતાને દાવ પર મૂકીને એક રશિયન જાસૂસનો બચાવ કર્યો હતો. આ ફિલ્મ ૧૬ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.
Steven Spielberg with Tom Hanks: On the set of Bridge of Spies

સ્પીલબર્ગને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની જીવનગાથા પણ ખૂબ આકર્ષે છે. જો ડેવિડ ઓયેલોવો નામનો અશ્વેત એક્ટર માની જાય તો તેઓ માર્ટિન લ્યુથર કિંગના જીવન પર ફિલ્મ બનાવવા માગે છે. તકલીફ એ છે કે ડેવિડે હજુ હમણાં જ 'સેલ્મા' નામની ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મમાં માર્ટિન લ્યુથર કિંગનો રોલ કર્યો છે. એકનો એક રોલ એક્ટર કેટલી વાર કરે. ખેર, આ ફિલ્મ બને કે ન બને, પણ સ્ટીવન સ્પીલબર્ગના જાદુના પટારામાંથી નવી નવી ફિલ્મો આવતી જ રહેવાની. ટચવૂડ!
શો-સ્ટોપર

ઘણા બધા લોકોને મારા પ્રકારની ફિલ્મો ગમતી નથી. હું એક પ્રોડક્ટ બનાવું તો સોએ સો ટકા લોકોને તે પસંદ પડે જ તે જરૂરી નથી. ઇટ્સ ઓકે. આમાં કંઈ કોઈ સાથે ઝઘડો કરવા ન બેસાય.
- રોહિત શેટ્ટી (ડિરેક્ટર)

Monday, February 18, 2013

હોલીવૂડ હંડ્રેડ: ‘જોઝ’ : સાગર કિનારે....


મુંબઈ સમાચાર- હોલીવૂડ હંડ્રેડ - મણકો ૧૦ - તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

સ્ટીવન સ્પીલબર્ગે આ લેન્ડમાર્ક ફિલ્મ બનાવી ત્યારે ૨૬ વર્ષના નવા નિશાળિયા હતા. આજની તારીખે દુનિયાભરની ફિલ્મ ઈન્સ્ટીટ્યુટ્સમાં ‘જોઝ’ સેલેબસમાં ભણાવવામાં આવે છે. ખાસ કરીને એનું શાર્ક થીમ મ્યુઝિક તો કેમેય કરીને ભુલાય એવું નથી.


  ફિલ્મ નંબર ૧૦. ‘જોઝ’ 
મુંબઈનાં થિયેટરોમાં હાલ અબ્રાહમ લિંકનના જીવન પર આધારિત ‘લિંકન’ નામની અફલાતૂન ફિલ્મ ચાલી રહી છે. બાર-બાર નોમિનેશન મેળવી ચુકેલી આ ફિલ્મ આ વખતની ઓસ્કર સિઝનમાં હોટ ફેવરિટ ગણાય છે. ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર છે સ્ટીવન સ્પીલબર્ગ. આજથી ૩૮ વર્ષ પહેલાં સ્પીલબર્ગ હજુ તો ફિલ્મમેકર તરીકે ઊગીને ઊભા થઈ રહ્યા હતા ત્યારે એમણે એક થ્રિલર-એડવન્ચર-હોરર ફિલ્મ બનાવી હતી - ‘જોઝ’. આ ફિલ્મ સાઈન કરી ત્યારે સ્પીલબર્ગ માંડ ૨૬ વર્ષના હતા. ડિરેક્ટર તરીકેની તેમની પહેલી ફીચર ફિલ્મ હજુ તો રિલીઝ પણ થઈ નહોતી. પણ પુત્રનાં લક્ષણ પારણામાંથી. કરીઅરના પ્રારંભમાં જ સ્પીલબર્ગે સુપર સિક્સર ફટકારી. ‘જોઝ’ આજે એક લેન્ડમાર્ક ફિલ્મ ગણાય છે. દુનિયાભરની ફિલ્મ ઈન્સ્ટીટ્યુટ્સમાં વિદ્યાર્થીઓને ‘જોઝ’ સેલેબસમાં ભણાવવામાં આવે છે. સ્પીલબર્ગે પછી તો એક નહીં, કેટલીય ક્લાસિક ફિલ્મો બનાવી. તેમના વિશે પછી કયારેક. ફિલહાલ, ‘જોઝ’ વિશે વાત કરીએ.

ફિલ્મમાં શું છે?

જોઝ એટલે જડબાં. ખૂંખાર, લોહતરસી શાર્ક માછલીનાં જીવલેણ જડબાં. ફિલ્મનો હીરો કહો તો હીરો અને વિલન કહો તો વિલન આ પચ્ચીસ ફીટ લાંબી અને ત્રણ ટન વજન ધરાવતી જાયન્ટ વ્હાઈટ શાર્ક જ છે. ખૂબસૂરત બીચ ધરાવતી અમિટી આઈલેન્ડ નામની એક કાલ્પનિક જગ્યાનું આખું અર્થતંત્ર ટુરિસ્ટો પર નિર્ભર છે. માર્ટિન બ્રોડી (રૉય શિડલર) અહીંના પોલીસ ચીફ છે. ફિલ્મની શરુઆતમાં જ દરિયાના પાણીમાં નહાવા ઉતરેલી એક ક્ધયા ભેદી રીતે અંદર ખેંચાઈ જાય છે. મેડિકલ એક્ઝામિનર પોલીસ ચીફને જણાવે છે આ પરાક્રમ શાર્કનું છે. ચીફ બીચને સહેલાણીઓ માટે બંધ કરી દેવા માગે છે, પણ મેયર ચોખ્ખી ના પાડે દે છે. એની દલીલ છે કે સમરની હાઈકલાસ સિઝન ચાલી રહી છે, સહેલાણીઓનાં ધાડેધાડાં ઉમટી રહ્યાં છે. આવા માહોલમાં જો શાર્કવાળી વાત ફેલાશે તો ટુરિસ્ટ બિઝનેસની વાટ લાગી જશે. પોલીસ ચીફે નછૂટકે વાત માની લેવી પડે છે.



એવામાં બીજી દુર્ઘટના બને છે. પેલી શાર્ક એક છોકરાનો જીવ લઈ છે. છોકરાની મા જાહેર કરે છે: જે કોઈ શાર્કનો શિકાર કરશે એેને હું મોટી રકમનું ઈનામ આપીશ. આ જાહેરાત થતાં જ શિખાઉ શિકારીઓ અને માછીમારો હો... હો કરતાં શાર્કનો શિકાર કરવા ઉમટી પડે છે. જોકે આ બધામાં બે જણા અલગ તરી આવે છે. એક છે પ્રોફેશનલ શાર્ક હન્ટર ક્વિન્ટ (રોબર્ટ શૉ) અને મરીન બાયોલોજિસ્ટ મેટ હૂપર (રિચર્ડ ડ્રેફસ). આ બન્નેની સાથે ખુદ પોલીસ ચીફ પણ જોડાય છે. આ ત્રિપુટી ક્વિન્ટની બોટમાં નીકળી પડે છે અને પછી શરુ થાય છે શ્વાસ અધ્ધર ચડી જાય એવા કારનામા. ફિલ્મના અંતમાં, નેચરલી, પેલી આતંકવાદી શાર્કનો ખાત્મો બોલી જાય છે. એ કેવી રીતે શક્ય બને છે એનું વર્ણન વાંચવાનું ન હોય, બલકે સ્ક્રીન પર જોવાનું હોય.

કથા પહેલાંની અને પછીની

ફિલ્મના પ્રોડ્યુસરોએ જોકે દરિયામાં ખેલાતા જીવસટોસટના પરાક્રમો સૌથી પહેલાં કાગળ પર જ વાંચ્યા હતા. પીટર બેન્ચલી નામના લેખકે ‘જોઝ’ નામની નવલકથા લખી હતી. એ પુસ્તક સ્વરુપે બહાર પડે એ તે પહેલાં જ નિર્માતાઓના હાથમાં એની કાચી પ્રત આવી ગઈ. તેઓ એટલા પ્રભાવિત થયા કે તાત્કાલિક આ નોવેલના રાઈટ્સ ખરીદી લીધા અને તેના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કરી નાખ્યું. મૂળ તેઓ જોન સ્ટુર્જીસ નામના ડિરેક્ટરને લેવા માગતા હતા, કારણ કે ભૂતકાળમાં તેઓ દરિયાના બેકગ્રાઉન્ડવાળી ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ નામની ઓસ્કર-વિનર ફિલ્મ બનાવી ચુક્યા હતા. (એક આડવાત. ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ નોબલપ્રાઈઝ વિનર અર્નેસ્ટ હેમિંગ્વેની લઘુનવલ છે. ચંદ્રકાંત બક્ષી આ મર્દાના સર્જક અને સર્જનથી અત્યંત પ્રભાવિત હતા.) કોઈક કારણસર જોન સ્ટુર્જીસનો મેળ ન પડ્યો. દરમિયાન સ્ટીવન સ્પીલબર્ગ નામના નવાસવા જુવાનિયાએ નિર્માતાઓના ટેબલ પર ‘જોઝ’ની ફાઈલ પડેલી જોઈ. સ્પીલબર્ગની પહેલી ફિલ્મ ‘ધ સુગરલેન્ડ એક્સપ્રેસ’ આ જ નિર્માતાઓએ બનાવી હતી, જે હજુ રિલીઝ થવાની બાકી હતી. સ્પીલબર્ગે રાત જાગીને નવલકથા વાંચી ગયા. એની ઉત્સુકતા અને પેશન જોઈને પ્રોડ્યુસરોએ એમને સાઈન કરી લીધા.  

મૂળ લેખકે સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો. એના પર પછી તો ઘણા લેખકોનો હાથ ફર્યો. કોઈ મોટા સ્ટાર્સને સાઈન કરવા નથી તે નક્કી હતું. તર્ક એવો હતો કે અજાણ્યા ચહેરાઓને જોઈને ઓડિયન્સને લાગશે આવું અમારી સાથે પણ થઈ શકે છે! આમેય ફિલ્મની સુપરસ્ટાર તો પેલી શાર્ક માછલી જ હતી.  શૂટિંગ માટે પચ્ચીસ-પચ્ચીસ ફીટ લાંબી અને પ્રેશરાઈઝ્ડ ગેસ વડે હલનચલન કરી શકે એવી ત્રણ મિકેનિકલ શાર્ક માછલી બનાવવામાં આવી. એક ડાબેથી જમણી તરફ ગતિ કરે એવી, બીજી જમણેથી ડાબે ગતિ કરી એવી અને ત્રીજી મુખથી પેટ સુધીની અડધા કદની. આ એટલાં કોમ્પ્લીકેટેડ મોડલ હતાં એક માછલીને ચલાવવા ૧૪ ઓપરેટરની જરુર પડતી હતી. 

સ્ટીલબર્ગને એક તો નવાસવા ને પાછા પરફેક્શનના આગ્રહી. સામાન્યપણે દરિયાનાં દશ્યો સ્ટુડિયોના તોતિંગ હોજમાં શૂટ કરવામાં આવતા હોય છે, પણ સ્પીલબર્ગે ધરાર સાચુકલા દરિયામાં શૂટિંગ કરવાનો આગ્રહ રાખ્યો. મેસેચ્યુસેટ્સના એક દરિયાકાંઠે કામ શરુ થયું ને યાંત્રિક માછલીઓ ટીમનું લોહી પી ગઈ! દરિયાનું ખારું પાણી પૂરજાઓમાં ભરાઈ જવાથી એ વારેવારે બંધ પડી જતી હતી. આર્ટિફિશીયલ સ્કિન ખરાબ થઈ જતી. ફ્રસ્ટ્રેશનનો પાર નહીં. મૂળ બજેટ ૪ મિલિયન ડોલર હતું. એેમાંથી ત્રણ મિલિયન તો યાંત્રિક માછલીઓ જ ખાઈ ગઈ. બજેટ વધતું વધતું ૯ મિલિયન સુધી પહોંચી ગયું. મૂળ આયોજન પ્રમાણે શૂટિંગ પંચાવન દિવસમાં પૂરું કરી દેવાનું હતું, જે ૧૫૯ દિવસ સુધી ખેંચાયું. હોલીવૂડમાં ૧૦૦ કરતાં વધારે દિવસ શૂટિંગ ખેંચનાર ડિરેક્ટર અનપ્રોફેશનલ ગણાઈ જાય છે. સ્પીલબર્ગે માની લીધું કે પત્યું... આ ‘જોઝ’ મારી કરીઅરની છેલ્લી ફિલ્મ બની રહેવાની!



પણ સ્પીલબર્ગની કુંડળીમાં ‘ધ સ્ટીવન સ્પીલબર્ગ’ બનવાનું લખાયું હતું. ‘સાઈકો’ ફેમ હિચકોક માનતા કે તમે સ્ક્રીન પર જેટલું ઓછું બતાવશો એટલી વધારે થ્રિલ પેદા કરી શકશો. ખટારા જેવી યાંત્રિક માછલીઓની કડાકૂટથી બચવા સ્પીલબર્ગે એમ જ કર્યું. એમણે નિર્ણય લીધો: આખી શાર્ક બતાવવાની જ નહીં, માત્ર એની પાંખ જેવા અંગનો ત્રિકોણાકાર ટુકડો પાણીની સપાટી પર સરકતો બતાવવાનો. આ જ ટેક્નિક ફિલ્મનો હાઈ-પોઈન્ટ બની ગઈ! આખી શાર્કને બદલે માત્ર એની હાજરીના સંકેતથી થવાથી ટેન્શન જબરદસ્ત વધી જતું હતું. શાર્કના સરકતા ત્રિકોણીયા અંગ સાથે ખાસ પ્રકારનું ટેન્શન-સૂચક સંગીત સાંકળી લેવાયું. આ સંગીતને કારણે ફિલ્મને ચાર ચાંદ લાગી ગયા.  આ ‘શાર્ક થીમ મ્યુઝિક’ ઓલ-ટાઈમ-ગ્રેટ બેકગ્રાઉન્ડ સ્કોરમાં હકથી સ્થાન પામે છે. અમુક અન્ડરવોટર દશ્યો માટે ઓસ્ટ્રેલિયા જઈને સાચુકલી શાર્ક સાથે પણ શૂટિંગ કરવામાં આવ્યું.

આખરે ફિલ્મ રિલીઝ કરવાનો સમય આવ્યો ત્યારે નિર્માતાઓએ ટેલીવિઝન પર પ્રોમોનો મારો ચલાવ્યો. આખા અમેરિકામાં એકસાથે  હજારો થિયેટરોમાં ફિલ્મ પ્રદર્શિત કરી આવી. આ ૧૯૭૫ની વાત છે. આવું અમેરિકામાં અગાઉ ક્યારેય નહોતું બન્યું. ‘જોઝે’ બોક્સઓફિસના અગાઉના તમામ રેકોર્ડઝ તોડી નાખ્યા. પાંચ વર્ષથી મંદીથી પીડાતા હોલીવૂડમાં નવી ચેતના આવી. ‘જાઝ’ની સફળતાએ હોલીવૂડમાં ફિલ્મનું માકેર્ટિંગ કરવાની એક નવું બિઝનેસ મોડલ ઈન્ટ્રોડ્યુસ થયું. ધૂમ પ્રમોશન અને એકસાથે હજારો પ્રિન્ટ્સ દ્વારા  શરુઆતના દિવસોમાં જ ‘હાઈ કોન્સેપ્ટ’ ધરાવતી ફિલ્મનો પ્રોડક્શન ખર્ચ રિકવર કરી લેવાની કોશિશ કરવાની. હોલીવૂડના સ્ટુડિયોઝ માટે આ મોડલ ખૂબ નફાકારક પૂરવાર થયું. બોલીવૂડમાં છેક હવે ખાસ કરીને બિગ બજેટ બ્લોકબસ્ટરના કેસમાં આ બિઝનેસ મોડલનો અમલ થાય છે. હા, તેને કારણે દેશ-વિદેશમાં નાની આર્ટ ફિલ્મોને નુક્સાન પણ થયું છે તે અલગ વાત થઈ. ‘જાઝ’ને વિવેચકોએ ફિલ્મને ખૂબ વખાણી. ત્રણ ઓસ્કર એવોર્ડઝ પણ મળ્યા. પછી તો એના જેવી તો કેટલીય ફિલ્મો બની. ‘જોઝ’ના જ બીજા ત્રણ પાર્ટ બન્યા. આમાંથી જોકે સ્પીલબર્ગ એકેયમાં સંકળાયેલા નહોતા. ‘જાઝ’ ટીવી પર અવારનવાર દેખાડાતી રહે છે. જો હજુ સુધી જોઈ ન હોય તો હવે મિસ ન કરતા.  

‘જોઝ’ ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર          : સ્ટીવન સ્પીલબર્ગ 
કલાકાર          :  રૉય શિડર, રોબર્ટ શૉ, રિચર્ડ ડ્રેફસ    
મૂળ નવલથાકાર  : પીટર બેન્ચલી
રિલીઝ ડેટ        : ૨૦ જૂન ૧૯૭૫  
અવોર્ડઝ          : બેસ્ટ એડિટિંગ, બેસ્ટ ઓરિજિનલ ડ્રામેટિક સ્કોર, બેસ્ટ સાઉન્ડ   માટેના ઓસ્કર                       ૦૦૦