Tuesday, September 26, 2017

એમબીએના વિદ્યાર્થીઓને શું શીખવવામાં આવતું નથી?

Sandesh - Ardh Saptahik purti - 6 Sept 2017
ટેક ઓફ

મોટી મોટી કંપનીઓના સીઈઓ અને ચેરમેન પેદા કરતી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનું નામ ખૂબ મોટું છે તે સાચું, પણ પોતાના વિદ્યાર્થીઓને ઉદ્યોગધંધાની આંટીઘૂંટીની સાથે સાથે નૈતિકતા તેમજ સામાજિક દાયિત્વના પાઠ શીખવવામાં શું તે કાચી પુરવાર થઈ છે? શું પ્રોફેશનલ બિઝનેસ સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓની ‘સ્પિરિચ્યુઅલ લાઇફ્’ને પુષ્ટ કરવાની જવાબદારી પણ સ્વીકારવી ન જોઈએ? ઉદ્યોગનું ધ્યેય કેવળ નફો રળવાનું ન હોઈ શકે. પ્રત્યેક ઉદ્યોગ સોશિયલ એન્ટપ્રાઈઝ એટલે કે સામાજિક સાહસ જ હોવાનું. ‘સોશિયલી ન્યુટ્રલ એન્ટરપ્રાઇઝ’ જેવું કયારેય હતું પણ નહીં કે હોઈ શકે પણ નહીં. પ્રોકટર એન્ડ ગેમ્બલ કંપનીના ચેરમેન, સિટીગ્રૂપના સીઈઓ, જનરલ ઇલેક્ટ્રિકના સીઇઓ, જનરલ મોટર્સના સીઈઓ, ફેર્ડ મોટર કંપનીના સીઇઓ, વોડાફેન ગ્રૂપના સીઈઓ, બોઇંગના સીઈઓ, ફેસબુકનો સીઓઓ, ફયનાન્સ કંપની ગોલ્ડમેન સેકસ, ‘ટાઇમ’ મેગેઝિન પ્રકાશિત કરતાં મીડિયા હાઉસ ટાઇમ ઇન્કોર્પોરેટેડનાં ચેરપર્સન, ટાટા સન્સના સીઇઓ, મેકિ્કન્સ્કિી એન્ડ કંપનીના મેનેજિંગ ડિરેકટર, સોની પિકચર્સ એન્ટરટેઇમેન્ટના સીઇઓ, જે.પી. મોર્ગન એસેટ મેનેજમેન્ટના સીઈઓ, મેરિલ લિન્ચના સીઇઓ… આ બધાનાં નામ જે હોય તે, પણ આ બધામાં શું કોમન દેખાય છે? સૌથી પહેલી કોમન વાત તો એ સમજાય છે કે આ બધી કંપનીઓ અથવા બ્રાન્ડ્સ વિશ્વવિખ્યાત છે. બીજી કોમન વાત એ છે કે વાત આ તમામ કંપનીઓના બિગ બોસ (કેટલાક વર્તમાન, કેટલાક ભૂતપૂર્વ) હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ થયેલા છે.
અમેરિકાના બોસ્ટન શહેરમાં સ્થિત હાર્વર્ડ દુનિયાની નંબર વન બિઝનેસ સ્કૂલ છે. આપણે ત્યાં જેમ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ્ મેનેજમેન્ટ (આઇઆઇએમ)માંથી એમબીએ થનારાઓ સૌથી મોંઘેરા ગણાય છે તે રીતે હાર્વર્ડમાંથી એમબીએની ડિગ્રી લેનારાઓ માત્ર અમેરિકામાં નહીં, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સર્વશ્રેષ્ઠ ગણાય છે. હાર્વર્ડ નામ સાથે જ જબરું ગ્લેમર અને સન્માન સંકળાયેલાં છે. ભારતના ટાટા-બિરલાની જેમ હાર્વર્ડ-કેમ્બ્રિજ પણ એક રૂઢિપ્રયોગ બની ગયા છે, સર્વોચ્ચ શૈક્ષણિક શ્રેષ્ઠતાના અર્થમાં.
૧૯૭૮માં ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સે’ પહેલીવાર હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ માટે ‘ધ ગોલ્ડન પાસપોર્ટ’ શબ્દપ્રયોગ કર્યો હતો. હાર્વર્ડમાંથી એમબીએની ડિગ્રી લો એટલે સમજોને કે આખી લાઇફ્ સેટ થઈ જાય. ટોચની કંપનીઓ ચક્કર આવી જાય એવો તોતિંગ પગાર ઓફ્ર કરીને તાજા હાર્વર્ર્ડ એમબીએ ગ્રેજ્યુએટ્સને ફ્ટાક કરતી ઊંચકી લે. આ કંપનીઓ એવી છે જે પિૃમ જગતના રાતાચોળ મૂડીવાદના બિલકુલ કેન્દ્રમાં રહીને કામ કરે છે. આ કંપનીઓમાંની કેટલીય પોતપોતાનાં ક્ષેત્રમાં અગ્રેસર હોય એટલે તે જે પોલિસીઓ ઘડે તે પ્રમાણે બીજી કંપનીઓ પણ પોતપોતાની પોલિસીઓ ઘડે. તે અમુક ચોક્કસ દિશામાં ગતિ કરે તો પાછળ પાછળ બીજી કંપનીઓ પણ દોરાય. આમ, સૌથી પાવરફ્ુલ કંપનીઓના ટોચના હોદ્દા પરથી લેવાતા નિર્ણયોની ડોમિનો ઇફેકટ એવી પ્રચંડ હોઈ શકે છે કે તેની અસર માત્ર જે-તે કંપનીના પફેર્મન્સ કે એમાં કામ કરતાં લોકો પર જ નહીં, બલકે સીધી કે આડકતરી રીતે અર્થતંત્ર પર, સમાજ પર તેમજ દુનિયાભરના લોકોની જીવનશૈલી પર પડે છે.
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ છેક ૧૯૦૮માં શરૂ થઈ હતી. આ એકસો નવ વર્ષમાં તે ૭૬,૦૦૦ વિદ્યાર્થીઓ બહાર પાડી ચૂકી છે, જે ૧૬૭ દેશોમાં ફેલાયેલા છે. સવાલ આ છેઃ શું આવી વગદાર કંપનીઓના સીઈઓ તેમજ ચેરમેન પેદા કરતી આ બિઝનેસ સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓને યોગ્ય અને પૂરતી તાલીમ આપે છે? તેમને માત્ર નફે કેવી રીતે વધારવો તે વિશેના નિર્ણયો લેતાં જ શીખવે છે કે પછી સામાજિક જવાબદારીઓ વિશે વિચારતાં પણ શીખવે છે? દુનિયામાં આર્થિક અસમાનતા વધી રહી છે, આર્થિક વિકાસના નામે પર્યાવરણનો એવો ખો નીકળી ગયો છે કે આપણે ભયજનક વાસ્તવ અને ભવિષ્યની વિકરાળ સંભાવનાઓની વચ્ચે મુકાઈ ગયા છીએ. અબજો ડોલરના બિઝનેસ કરતી કંપનીઓના સાહેબલોકોએ શું આ બધું નહીં વિચારવાનું?

આ વર્ષની શરૂઆતમાં એક સરસ પુસ્તક બહાર પડયું છે – ‘ધ ગોલ્ડન પાસપોર્ટ’. શીર્ષકની ટેગલાઈન ધારદાર છે – ‘હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, ધ લિમિટ્સ ઓફ્ કેપિટલિઝમ, એન્ડ ધ મોરલ ફેલ્યોર ઓફ્ ધ એમબીએ એલિટ’. અગાઉ ‘ધ ર્ફ્મ’ નામનું બેસ્ટસેલર પુસ્તક લખી ચુકેલા લેખક ડફ્ મેકડોનાલ્ડ જાણીતા બિઝનેસ જર્નલિસ્ટ છે. ‘ધ ગોલ્ડન પાસપોર્ટ’ નામના આ દળદાર પુસ્તકનો સૂર આ છેઃ મોટી મોટી કંપનીઓના સીઈઓ અને ચેરમેન પેદા કરતી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનું નામ ખૂબ મોટું છે તે સાચું, પણ પોતાના વિદ્યાર્થીઓને ઉદ્યોગધંધાની આંટીઘૂંટીની સાથે સાથે નૈતિકતા તેમજ સામાજિક દાયિત્વના પાઠ શીખવવામાં તે કાચી પુરવાર થઈ છે.
લેખકે મુદ્દો છેડયો છે કે શું પ્રોફેશનલ બિઝનેસ સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓની ‘સ્પિરિચ્યુઅલ લાઇફ્’ને પુષ્ટ કરવાની જવાબદારી પણ સ્વીકારવી ન જોઈએ? ઉદ્યોગનું ધ્યેય કેવળ નફો રળવાનું ન હોઈ શકે. પ્રત્યેક ઉદ્યોગ સોશિયલ એન્ટપ્રાઈઝ એટલે કે સામાજિક સાહસ જ હોવાનું. ‘સોશિયલી ન્યુટ્રલ એન્ટરપ્રાઇઝ’ જેવું કયારેય હતું પણ નહીં કે હોઈ શકે પણ નહીં. ઉદ્યોગ માત્રથી, પછી તે નાનો હોય કે મોટો, સમાજને ર્ફ્ક પડતો હોય છે. જોવાનું માત્ર એટલું છે કે આ ર્ફ્ક પોઝિટિવ છે કે નેગેટિવ.
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી બહાર પડેલા કાર્ટર બેલ્સ નામના મહાશય મેકિ્કન્સ્કી એન્ડ કંપનીમાં તેત્રીસ વર્ષ કામ કરી ચૂકયા છે. આ ઉપરાંત ન્યૂયોર્ક શહેરના આસિસ્ટન્ટ બજેટ ડિરેક્ટર અને એવું ઘણું બધું રહી ચૂક્યા છે. તેમણે ‘પ્રોફ્ટિેબલ ગટર’ એવો સૂચક શબ્દપ્રયોગ કર્યો છે. તેઓ કહે છે કે અમેરિકાની સ્ટેટ, લોકલ અને ફેડરલ સરકારો ભયાનક પ્રદૂષણ પેદા કરતાં અને પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચાડતી કંપનીઓને અબજો ડોલરની આર્થિક સહાય કરે છે. આ હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રી ભવિષ્યમાં દુનિયાનો વિનાશ નોતરશે. આની સામે રિન્યુએબલ એનર્જી અને કુદરતની જાળવણીનો ખ્યાલ રાખતાં ક્ષેત્રોને સરકાર તરફ્થી બહુ જ ઓછી મદદ મળે છે. ઉદ્યોગગૃહો સરકારોને ‘મેનેજ’ કરી લે છે એ હકીકતનું આ ઉત્તમ ઉદાહરણ છે. કાર્ટર બેલ્સે એક લેખમાં લખ્યું છે કે જ્યાં સુધી કોર્પોરેટ અમેરિકા સુધરશે નહીં ત્યાં સુધી હાલ પર્યાવરણના જે પ્રશ્નો અને બીજાં કેટલાંય સામાજિક દૂષણો પેદા થયા છે તેમાં કંઈ સુધારો નહીં થાય. કહેવાની જરૂર નથી કે અમેરિકાના સંદર્ભમાં કહેવાયેલી આ વાત આખી દુનિયાના દેશો અને ઉદ્યોગગૃહોને લાગુ પડે છે.


હાર્વર્ડ અને બીજી ટોચની બિઝનેસ સ્કૂલોના એમબીએ ગ્રેજ્યુએટ્સ છેલ્લાં કેટલાંક વર્ષોથી સિલિકોન વેલી તરફ્ વળ્યા છે. એપલ, એમેઝોન, ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓમાં એમબીએ ડિગ્રીધારીઓની ભરમાર છે. જોવાનું હવે આ છેઃ મોટી બિઝનેસ સ્કૂલોમાંથી બહાર પડેલા આ એમબીએ ડિગ્રીધારકો આવનારા સમયમાં માત્ર કંપનીના નફે, સફ્ળતા અને હરીફઈ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે છે કે આ ક્ષેત્રો સાથે સંકળાયેલા માનવીય પાસાં પર ધ્યાન આપશે? દુનિયાભરમાં ઢગલામોઢે એમબીએ ગ્રેજ્યુએટ્સ પેદા કરતાં કારખાનાંઓના ધમધમાટમાં ઘણા અણીયાળા સવાલો દબાઈ જાય છે તે એક વક્રતા છે.

0 0 0 

Wednesday, September 20, 2017

ન્યુ યોર્ક... ન્યુ યોર્ક!

 સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૭ 

ટેક ઓફ
શહેર એટલે શું? માત્ર ટુરિસ્ટ સ્પોટ્સ? ત્યાંની બિલ્ડિંગો અને રસ્તા? ના. શહેર એટલે સૌથી પહેલાં તો ત્યાંના લોકો. કોઈ પણ નગરનો આત્મા, એની તાસીર અને એનું ચરિત્ર એમાં વસતા લોકો ઘડે છે.‘તમારી પાસે મારું એડ્રેસ તો લખેલું છેને - થ્રી-ઓ-થ્રી વેસ્ટ, સેવન્ટીફોર્થ સ્ટ્રીટ, ફાઇવ-એફ?'
ફોન પર તમને પ્રશ્ર્ન પૂછનારી વ્યકિતનું નામ જોઆના છે. એની અટક તમે જાણતા નથી. ઇન ફેકટ, એના વિશે તમે કશું જ જાણતા નથી. એની ટચૂકડી, ખિલખિલાટ હસતી વ્હાઇટ અમેરિકન તસવીર પરથી લાગે છે કે એ ત્રીસ-પાંત્રીસની હોવી જોઈએ. હવે પછીના બે દિૃવસ દૃરમિયાન તમે ન્યુ યોર્કમાં એના ઘરે રહેવાના છો, એના પેઇંગ ગેસ્ટ બનીને. ન્યુ જર્સીમાં કામકાજ પતાવીને શિકાગો જતા પહેલાં વચ્ચે બે દિૃવસ તમે ન્યુ યોર્કમાં ગાળવાના છે. વિકીપિડીયા જેેને ઓનલાઇન માર્કેટપ્લેસ એન્ડ હોસ્પિટાલિટી સર્વિસ તરીકે ઓળખાવે છે તે એરબીએનબી વેબસાઇટ પરથી તમને અફલાતૂન ડીલ મળી છે. આશ્ર્ચર્ય થાય એટલા કિફાયતી દૃરે, આપણાં કુલુ-મનાલી-ગોવાની હોટલો કરતાંય ઓછા ભાવે તમને ન્યુ યોર્કમાં રહેવા માટે સરસ જગ્યા મળી ગઈ છે. આ જગ્યા એટલે જોઆનાનું ઘર. ન્યુ યોર્કના સૌથી ધબકતા અને સંભવત: સૌથી પોપ્યુલર એવા મેનહટન વિસ્તારમાં સેન્ટ્રલ પાર્કની તદ્દન બાજુમાં જોઆના રહે છે. તમે એ સમજવા માગો છો કે પાડોશી શહેર ન્યુ જર્સીથી મેનહટનમાં જોઆનાના ઘર સુધી એકઝેકટલી પહોંચવું કઈ રીતે. કઈ ટ્રેન, કઈ સબવે લાઇન... અને જો ટેકસીમાં આવવું હોય તો -

‘ના ના, ટેકસી કરવાની કશી જરુર જ નથી,' કહીને જોઆના સમજાવવા માંડે છે, ‘તમને પેન સ્ટેશન તો ખબર જ છે, રાઇટ? બસ, ત્યાં ઉતરીને અપટાઉન જતી બે નંબરની સબવે લઈ લેજો. બે સ્ટોપ પછી ઉતરી જવાનું, સેવન્ટીફોર્થ સ્ટ્રીટ સ્ટેશન પર. બસ, ત્યાંથી બહાર આવીને નોર્થ તરફ બે બ્લોક પસાર કરીને લેફટ વળી જશો એટલે ચારેક મિનિટમાં મારું ઘર.'

જોઆનાની સૂચનાઓ પરફેકટ છે એટલે કશી જ મુશ્કેલી વગર તમે એની બિહ્લિડંગ સુધી પહોંચી જાઓ છો. એણે ફકત એટલું કહ્યું નહોતું કે એડ્રેસમાં ‘ફાઇવ-એફનો અર્થ ફિફ્થ ફ્લોર એવો થાય છે અને પાંચ માળની એની  બિલ્ડિંગમાં લિફ્ટ નથી! સદૃભાગ્યે તમારી પાસે ઝાઝાં બેગબિસ્તરાં નથી. જૂની પર વ્યવસ્થિત મેન્ટેઇન થયેલી  ઇમારતની જાડી કાર્પેટ બિછાવેલાં વૂડન પગથિયાં ચડીને તમે જોઆનાના ઘરે પહોંચો છો.

જોઆના એની ટચૂકડી તસવીરમાં દૃેખાતી હતી એના કરતા અસલિયતમાં ઘણી નાની છે. કોલેેજિયન કન્યા જેવી લાગતી જોઆનાએ રાઉન્ડ નેક ટીશર્ટ અને બર્મ્યુડા પહેર્યાં છે. માથા પર થોડા દિૃવસોના ઊગી ગયેલા સાવ બારીક વાળ પરથી લાગે છે કે થોડા દિૃવસો પહેલાં એણે માથું સફાચટ મૂંડાવ્યું હોવું જોઈએ. પહેલી નગરે ટોમબોય જેવી દૃેખાતી જોઆના છે નાજુકડી અને ક્યુટ. એ તમને તમારો રુમ દૃેખાડે છે. કમરો ખાસ્સો મોટો, ચોખ્ખાચણક, સરસ રીતે સજાવેલો છતાંય સાદૃગીભર્યો છે. ફાયરપ્લેસ છે. વિશાળ બારીમાંથી દૃૂર ઇમારતો દૃેખાય છે. તો આ જ છે મહાન ફિહ્લમમેકર વૂડી એલનનું ‘મેનહટન', રાઇટ?‘ઓહ યેસ, એબ્સોલ્યુટલી!' જોઆના હસી પડે છે. કેવળ નિર્દૃંભ વ્યકિતનું જ હોઈ શકે એવું સ્વચ્છ અને નિર્દૃોષ એનું હાસ્ય છે. એ ફરી પાછું બધું સમજાવવા માગે છે. જુઓ, આ કિચન છે. ફ્રિજમાં વધારે તો કશું નહીં હોય પણ ફ્રુટ્સ છે અને ખૂબ બધી બિયરનો બોટલ્સ પડી છે જે તમે લઈ શકો છો. ત્યાં વોશરુમ છે. આ ત્રણ ચાવીઓ. એક બિલ્ડિંગના મેઇન એન્ટ્રેન્સની ચાવી અને આ બે ફ્લેટની ચાવી. રાત્રે ઠંડી લાગે તો ત્યાં એકસ્ટ્રા બ્લેન્કેટ પડ્યો છે... પછી ન્યુ યોર્કમાં તમને શું શું જોવાની ઇચ્છા છે તે જાણીને કાચો પ્લાન તૈયાર કરી આપે છે કે જેથી તમારા દૃોઢ-બે દિૃવસનો મહત્તમ ઉપયોગ થઈ શકે. આખા શહેરમાં ફેલાયેલું સબવેના નેટવર્ક વિશે સમજાવીને જોઆના ઉમેરે છે, ‘કયારેય પણ જરુર પડે તો મને ફોન કરજો. અત્યારે હું થોડી વાર બહાર જાઉં છું. મારી આ બે બિલાડીઓ તમને સરસ કંપની આપશે!'

જોઆના આ ઘરમાં એકલી રહે છે? દૃીવાલ પર પરિવારની ખુશખુશાલ તસવીરો જડેલી છે, પણ બીજા બે બંધ કમરાઓમાં માનવવસ્તી હોય એવું જણાતું નથી. કદૃાચ મા-બાપ બીજા શહેરમાં રહેતાં હોય. કદૃાચ ભાઈ, બહેન, દૃોસ્તાર કે પાર્ટનર સાથે રહેતાં હોય. કદૃાચ કોઈ વૃદ્ધ વ્યકિત હોય અથવા કદૃાચ જોઆનાને કંપની આપવા માટે માત્ર આ જાડ્ડીપાડ્ડી બિલાડીઓ જ હોય. એ જે હોય તે, પણ જોઆનાની એસ્થેટિક સેન્સ તરત તમારું ધ્યાન ખેંચે છે. કમરાની નાનીમોટી વસ્તુઓની સાથે બુકશેહ્લફમાં ગોઠવાયેલાં એનાં પુસ્તકો પણ કલર-કોઓર્ડિનેટેડ છે - સૌથી ઉપલા ખાનામાં બ્લુ કવરવાળાં પુસ્તકો, વચ્ચેના ખાનામાં સફેદૃ કવરવાળાં પુસ્તકો અને નીચે બ્લેક કવરવાળાં. ઓરડામાં વચ્ચે મોટી લાકડાની ટિપોઈ પર ન્યુ યોર્ક વિશેની એક કોફીટેબલ બુક, શહેરનો નકશો ઉપરાંત વાઇફાઇ માટેનું લોગ-ઇન અને પાસવર્ડ પણ એક કાગળ પર લખી રાખ્યાં છે. માણસનું ઘર જો એના વ્યકિતત્ત્વનો આયનો ગણાતું હોય તો કદૃાચ શિસ્ત અને ચોકસાઈ જોઆનાના પ્રમુખ ગુણ હોવા જોઈએ.

રવાના થવાના દિૃવસે તમારા મનમાં સતત એ વિચાર રમતો હતો કે સમયસર જોઆનાના ઘરે પહોંચી તરત નીકળી જવું પડશે, કેમ કે મેનહટનથી જોન એફ. કેનેડી એરપોર્ટ ઘણું દૃૂર છે. સમય પર ન પહોંચાય તો શિકાગોની ફ્લાઇટ મિસ થઈ જાય. ટેકસી લેેવાને બદૃલે તમે સબવેથી જ એરપોર્ટ જવા માગો છો, કેમ કે તે સોંઘા કરતાંય ઝડપી વિકલ્પ છે. તમે બેગ લઇને સેવન્ટીસેકન્ડ સ્ટ્રીટ સ્ટેશનથી ડાઉનટાઉન તરફ જતી સબવે લો છો. એરપોર્ટ શી રીતે પહોંચવું તે તમે લગભગ સમજી લીધું છે છતાંય કન્ફર્મ કરવા માટે બાજુમાં બેઠેલા યુવાનને પૃચ્છા કરો છો.‘શ્યોર!' યુવાન ઉત્સાહપૂર્વક કહે છે, ‘લાવો તમારી ડાયરી આપો. હું તમને લખીને સમજાવું છું.' પછી એ તમારી નાનકડી ડાયરીમાં આકૃતિઓે બનાવતો બનાવતો બોલવા લાગે છે, ‘તમારે હવે ફોર્ટીસેકન્ડ સ્ટ્રીટ સ્ટેશન પર ઊતરવાનું છે. ત્યાંથી અપટાઉન અને કવીન્સ તરફ જતી ‘ઈ' સબવે લાઈન લઈ લેજો. એ તમને સીધી જેએફકે એરપોર્ટ સુધી લઈ જશે. તમારે સેકન્ડ લાસ્ટ સ્ટોપ ઊતરવાનું છે. લાસ્ટ નહીં, પણ સેકન્ડ લાસ્ટ, ઓકે? પેલો બોર્ડ પર સ્ટેશન્સનાં નામ જુઓ. ‘સટફિન બુલેવાર્ડ આર્ચર જેએફકે એરપોર્ટ' વંચાય છે? બસ, એ તમારું સ્ટોપ. સાવ સિમ્પલ છે. ત્યાંથી તમારે બીજી ટ્રેન લેવી પડશે. એને એ લોકો એરટ્રેન કહે છે. એરટ્રેન તમને સીધા જેએફકેનાં ટર્મિનલ પર પહોંચાડી દૃેશે. કઈ એરલાઇન્સ છે તમારી?'

- ડેલ્ટા એરલાઇન્સ, શિકાગો માટે.

‘ડેલ્ટા એરલાઇન્સ માટે... આઇ થિંક, તમારે ટર્મિનલ નંબર ટુ પર જવું પડશે.'

એટલામાં બાજુમાં ઊભા ઊભા તમારી વાતચીત સાંભળી રહેલા એક-બે મધ્યવયસ્ક ન્યુ યોર્કવાસીઓ ચર્ચામાં ઝુકાવે છે. એક કહે છે, ડેલ્ટા એરલાઇન્સ હવે બે નહીં ત્રણ નંબરના ટર્મિનલ પર આવે છે. બીજો કહે છે, એ તો તમે એરટ્રેનની ટિકિટ લો ત્યારે કન્ફર્મ કરી લેજો. યુવાન કહે છે, ‘ધારો કે તમારાથી ટર્મિનલ ચુકાઈ જાય તોય ચિંતા ન કરતા. તમે સાચા ટર્મિનલ પર આસાનીથી જઈ શકશો.'

ફોર્ટીસેકન્ડ સ્ટ્રીટ સ્ટેશન આવે છે. તમે યુવાનને થેન્કયુ કહીને ઊભા થાઓ છો. એ કહે છે, ‘અરે, મારે પણ અહીં જ ઊતરવાનું છે. ચાલો મારી સાથે.'

ભુલભલામણી જેવા સબવે સ્ટેશનમાં આમથી તેમ ચડઉતર કરતાં કરતાં તમે વાતોએ વળગો છો. યુવાનનું નામ બ્રાઉલીઓ પેરાલ્ટા છે. પાક્કો વ્હાઇટ ન્યુ યોર્કર છે એ. ન્યુ યોર્કમાં જ જન્મ્યો છે અને અહીં જ મોટો થયો છો. અઠ્ઠાવીસ વર્ષની એની ઉંમર છે. ગણિતનો ટીચર છેે. સાથે સાથે બે-ત્રણ સ્કૂલોમાં ફૂટબોલનું કોચિંગ પણ કરે છે. તમે કહો છો કે આ શહેર અને એના લોકોનો એટિટ્યુડ તમને બહુ હૂંફાળો તેમજ ફ્રેન્ડલી લાગ્યો. ખાસ કહીને ટુરિસ્ટો પ્રત્યે. બ્રાઉલીઓ કહે છે, ‘એ તો એમ જ હોયને. બે દિૃવસ પહેલાં જ હું કેેનેડાથી આવ્યો. મારો ભાઈ ત્યાં શિફ્ટ થયો છે તો એને મળવા ગયો હતો. કેનેડામાં હું પણ ટુરિસ્ટ હતો અને તમારી જેમ લોકોને રસ્તા પૂછતો હતો. ધેટ્સ હાઉ યુ મીટ પીપલ એન્ડ મેક ફ્રેન્ડ્ઝ, રાઇટ?'

આખરે તમે કવીન્સ વિસ્તાર તરફ જતી અપટાઉન ‘ઇ' લાઇનવાળા પ્લેટફોર્મ પર પહોંચો છો. બ્રાઉલીઓ બહુ રસપૂર્વક તમારા વિશે, તમારા કામ વિશે જાણે છે. પોતાનું ઇમેઇલ આઇડી ડાયરીમાં લખી આપે છે અને તમારી વિગતો પણ લખી લે છે. દૃૂરથી ટ્રેન આવતી દૃેખાય છે. ‘જુઓ, આ તમારી ટ્રેન. તમારે આમાં બેસવાનું છે. છેલ્લેથી બીજા સ્ટોપે ઊતરવાનું છે, યાદૃ છેને?'

- કેમ, તમારે પણ આ ટ્રેનમાં નથી આવવાનું?

‘ના, ના. મારે તો બીજી ટ્રેન પકડવાની છે. પેલી બાજુના પ્લેટફોર્મ તરફની. અહીં તો હું તમને ફકત મૂકવા આવ્યો હતો.'  


 તમે હૃદૃયપૂર્વક એનો આભાર માનો છો. ટ્રેન ઉપડી ન જાય ત્યાં સુધી બ્રાઉલીઓ ઊભો રહે છે. કાચની બારીમાંથી એ તમને હાથ હલાવીને ગુડબાય કહે છે. તમે વિચારો છો કે અજાણ્યા પ્રવાસીની આવી તકેદૃારી રાખતા બ્રાઉલીઓ જેવા નિ:સ્વાથ અને સેવાભાવી લોકો તો તમે તમારા શહેરમાંય જોયા નથી.

શહેર એટલે શું? માત્ર ટુરિસ્ટ સ્પોટ્સ? ત્યાંની બિહ્લિડંગો અને રસ્તા? ના. શહેર એટલે સૌથી પહેલાં તો ત્યાંના લોકો. કોઈ પણ નગરનો આત્મા, એની તાસીર અને એનું ચરિત્ર એમાં વસતા લોકો ઘડે છે. કોણે કહ્યું કે ન્યુ યોર્કના જુવાનિયાઓ તદ્દન વંઠેલ છે અને શરીરે ટેટુ ચિતરાવીને, વાળા લીલા-પીળા રંગીને તેઓ દિૃવસરાત ડ્રગ્ઝમાં રચ્યાપચ્યા રહે છે? જોઆના અને બ્રાઉલીઓ તમારા માટે હંમેશાં ન્યુ યોર્કના પ્રતિનિધિ બની રહેવાનાં છે. તમારી ચિત્તમાં ન્યુ યોર્ક શહેરની બહુ મીઠી અને પોઝિટિવ સ્મૃતિ જળવાઈ રહેવાની છે અને એનું એક મોટું કારણ જોઆના, બ્રાઉનીઓ અને એના જેવા બીજા કેટલાય ન્યુ યોર્કર્સ છે!

0 0 0

Monday, September 18, 2017

ફ્લ્મિોનો રિવ્યુ લખવાની કળા

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 27 ઓગસ્ટ, 3 સપ્ટેમ્બર 2017 
 તેઓ ફ્લ્મિો વિશે રાષ્ટ્રવ્યાપી હવા ઊભી કરી શકતાં, જે-તે ફ્લ્મિ વિશે લોકોનો દષ્ટિકોણ બદલી શકતાં અને મોટા મોટા એક્ટરો અને ફ્લ્મિમેકરોથી લઈને સ્ટુડિયોના માલિકો સુધીના સૌ અધ્ધર જીવે એમનું લખાણ વાંચી જતા? 
૯૫૩ની વાત છે. ચોત્રીસેક વર્ષની એક અમેરિકન યુવતી કોફી શોપમાં પોતાની સખી સાથે બેઠી બેઠી ગપ્પાં મારી રહી છે. વાતવાતમાં ચાર્લી ચેપ્લિનની લેટેસ્ટ ફ્લ્મિ ‘લાઇમલાઇટ’નો વિષય નીકળે છે. આ ફ્લ્મિમાં એક બુઢા થઈ ગયેલા કોમેડિયન અને આત્મહત્યાની ધાર પર ઊભેલી યુવાન ડાન્સરની લવસ્ટોરી છે. બોકસઓફ્સિ પર આ ફ્લ્મિ તદ્દન નિષ્ફ્ળ ગયેલી. ‘લાઇમલાઇટ’માં ચાર્લી ચેપ્લિને સામ્યવાદની આરતી ઉતારી છે એવી દલીલ આગળ ધરીને અમેરિકાના થિયેટરમાલિકોએ તેનો બહિષ્કાર કર્યો હતો. બહુ ઓછો ફ્લ્મિરસિયાઓ સુધી ‘લાઇમલાઇટ’ પહોંચી શકી હતી. જેમણે જોઈ એમાંના કેટલાકને ફ્લ્મિને પસંદ પડી, તો કેટલાકને સહેજ પણ ન ગમી. કોફી શોપમાં બેઠેલી પેલી યુવતીને પણ ‘લાઇમલાઇટ’ સામે મોટો વાંધો હતો. ભારે આવેગથી અને અત્યંત તીખા શબ્દોમાં એ ‘લાઇમલાઇટ’ને વખોડી રહી હતી.
એટલામાં યુવતીના ટેબલ પાસે એક સજ્જન આવે છે. ‘એકસકયુઝ મી’ કહીને એ વાતચીતની શરૂઆત કરે છે, ‘મારે આવું કરવું તો ન જોઈએ, પણ હું બાજુના ટેબલ પર બેઠો બેઠો ભારે રસથી તમારી વાતો સાંભળી રહૃાો હતો. હું ‘સિટી લાઇટ્સ’ મેગેઝિનનો તંત્રી છું. હમણાં તમે ચાર્લી ચેપ્લિનની ફ્લ્મિ વિશે જે બોલતાં હતાં તે મને લખીને આપી શકો, પ્લીઝ? હું મારા મેગેઝિનમાં તે છાપવા માગું છું.’
આ સાંભળીને યુવતીને પહેલાં તો જરા વિચિત્ર લાગે છે, પણ પછી તરત કહે છેઃ ‘હું કંઈ પ્રોફેશનલ લેખક નથી, બટ શ્યોર, વ્હાય નોટ?’
એ વખતે તંત્રીએ કલ્પના સુદ્ધાં કરી હશે કે ખરી કે એના હાથે એમેરિકાની સૌથી મહાન અને જબરદસ્ત પ્રભાવશાળી ફ્લ્મિ રિવ્યુઅરનો જન્મ થઈ રહૃાો છે? એ યુવતીએ ખુદ વિચાર્યું હશે ખરું કે ભવિષ્યમાં ભલભલા એક્ટરોને ચમકાવતી અને મોટા મોટા ડિરેક્ટરોએ બનાવેલી ફ્લ્મિોની કિસ્મત પલટી નાખે એટલી બધી તાકાત એની કલમમાં આવી જવાની છે?
આ મહિલા એટલે પૌલીન કેલ.
થોડાં અઠવાડિયાં પહેલાં આપણે આ કોલમમાં વિચક્ષણ ફ્લ્મિ રિવ્યુઅર રોજર ઇબર્ટ વિશે ચર્ચા કરેલી. રોજર ઇબર્ટ સિનેમાના સમીક્ષક તરીકે એટલી ઊંચાઈ પર પહોંચી ચૂકયા હતા કે એમનું અવસાન થયું ત્યારે તત્કાલીન અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ખુદ એમને અંજલિ આપી હતી. આજે જેની વાત કરી રહૃાા છીએ એ પૌલીન કેલ એટલે રોજર ઇબર્ટની પણ દાદી. ૧૯૧૯માં જન્મેલાં પૌલીનનું ૨૦૦૧માં ૮૨ વર્ષની ઉંમરે નિધન થયું ત્યારે રોજર ઇબર્ટ જેવા રોજર ઇબર્ટે લખવું પડયું હતું કે, ‘છેલ્લા ત્રણ દાયકામાં હોલિવૂડના ફ્લ્મિી માહોલ પર પૌલીન કેલે એકલે હાથે જે પ્રકારનો હકારાત્મક પ્રભાવ કર્યો છે એવો બીજી કોઈ વ્યકિત કરી શકી નથી.’
અત્યંત પ્રતિભાશાળી લોકો અદ્ભુત કામગીરી કરીને પોતાના મનગમતા ક્ષેત્રની પરિસીમાને નવેસરથી ડિફઇન કરી નાખતા હોય છે. કામ આ રીતે કરાય ને આ રીતે ન કરાય એ પ્રકારની એક માર્ગદર્શિકા તેઓ પોતાનાં પર્ફેર્મન્સ દ્વારા આડકતરી રીતે તૈયાર કરી નાખે છે. સમકાલીનો માટે તેમજ આવનારી પેઢીઓ માટે તેઓ એક રેફ્રન્સ પોઇન્ટ બની જાય છે. ફ્લ્મિ સમીક્ષાના ક્ષેત્રમાં પૌલીન કેલે આ કક્ષાનું કામ કર્યું છે.
પેલા ‘સિટી લાઇટ્સ’ મેગેઝિનમાં છપાતા પૌલીનના ફ્લ્મિ રિવ્યુઝ કોઈ નાના અમથા રેડિયો સ્ટેશન પરથી પણ બ્રોડકાસ્ટ થતા. વર્ષો સુધી તેઓ નાનાં-મોટાં સામયિકોમાં લખતાં રહૃાાં. ૧૯૬૫માં એમના લેખોનો પહેલો સંગ્રહ પુસ્તક સ્વરૂપે બહાર પડયો. એનું શીર્ષક હતું, ‘આઇ લોસ્ટ ઇટ એટ ધ મૂવીઝ’. પુસ્તકની દોઢેક લાખ નકલો વેચાઈ અને તે બેસ્ટસેલર સાબિત થયું, પણ પૌલીનને હજુ સ્ટાર-રાઈટર બનવાની વાર હતી. તેમણે ‘મેકકોલ’ નામના પ્રમાણમાં મોટા કહેવાય એવા મેગેઝિનમાં રિવ્યુઝ લખવાનું શરૂ કર્યું. ‘ધ સાઉન્ડ ઓફ્ મ્યુઝિક’, ‘લોરેન્સ ઓફ્ એરેબિયા’, ‘ડો. ઝિવાગો’ – આ બધી ફ્લ્મિો ઓલટાઈમ ગ્રેટ ગણાય છે, તેમને કલાસિકનો દરજ્જો મળ્યો છે. આ ફ્લ્મિો એના જમાનામાં બોકસઓફ્સિ પર પણ ખૂબ ચાલી હતી, પણ પૌલીન જેનું નામ. એમણે આ ત્રણ ઉપરાંત બીજી કેટલીક સુપરડુપર ફ્લ્મિોનાં છોતરાં કાઢી નાખ્યાં. ‘મેકકોલ’ના તંત્રીને અકળામણ થવા માંડી. અન્ય વિવેચકો તો ઠીક પણ જનતા જનાદર્નના ફેંસલાની વિરુદ્ધ જઈને પોતાની સમીક્ષક ભળતો જ રાગ આલાપે તે શી રીતે ચાલે? એમણે પૌલીનને કહી દીધું: જોગમાયા, માફ્ કરો. તમે બીજે કયાંક ફ્લ્મિ રિવ્યુ લખવાની નોકરી શોધી લો.
પૌલીને પછી ‘ધ ન્યુ રિપબ્લિક’ નામના પ્રકાશનમાં લખવાનું શરૂ કર્યું, પણ એનો તંત્રી તો પૌલીનને પૂછયાગાછ્યા વિના જ એમણે લખેલા રિવ્યુમાં પોતાની રીતે ફેરફર કરી નાખતા. ‘બોની એન્ડ કલાઇડ’ નામની ફ્લ્મિ ૧૯૬૭માં રિલીઝ થઈ પછી એના બે મોઢે વખાણ કરતો છ હજાર શબ્દોનો તોતિંગ નિબંધ પૌલીને લખી મોકલાવ્યો. ‘ધ ન્યુ રિપબ્લિક’ના તંત્રીએ તો આ નિબંધ સાભાર પરત કર્યો, પણ ‘ધ ન્યુ યોર્કર’ મેગેઝિનના તંત્રીને તે ખૂબ ગમ્યો. એમણે આ લેખ મસ્ત રીતે પોતાના સામાયિકમાં છાપ્યો. થોડા મહિનાઓ પછી પૌલીને ‘ધ ન્યુ રિપબ્લિક’ છોડયું ને તે સાથે જ ‘ધ ન્યુ યોર્કર’ના તંત્રીનું કહેણ આવ્યું: આવી જાઓ અમારે ત્યાં! પચાસ વર્ષનાં પૌલીન ‘ધ ન્યુ યોર્કર’માં ફ્લ્મિ રિવ્યુઅર તરીકે ઓફિશિયલી જોડાઈ ગયાં.
૧૯૬૮થી ૧૯૯૧ એટલે કે ત્રેવીસ વર્ષ સુધી પૌલીને આ સાપ્તાહિકમાં ફ્લ્મિ રિવ્યુઝ લખ્યાં. પૌલીન કેલ સુપરસ્ટાર ફ્લ્મિ ક્રિટિક બની શકયા એમાં ‘ધ ન્યુ યોર્કર’ જેવા અતિ પ્રતિષ્ઠિત મેગેઝિનનું પ્લેટફેર્મ અને તેના તંત્રીઓ તરફ્થી મળેલી પૂરેપૂરી આઝાદીનો મોટો ફળો છે.
પૌલીન હંમેશાં કહેતાં કે હું ફ્લ્મિો વિશે નહીં, જિંદગી વિશે લખું છું. સિનેમા અને જનતા એકબીજાને કેવી રીતે પ્રભાવિત કરે છે, ફ્લ્મિો મારા પોતાના પર કેવી અસર કરે છે તેના વિશે લખું છું. પૌલીનનાં લખાણોમાં આકર્ષક પ્રવાહિતા, ધારદાર અને મૌલિક નિરીક્ષણો, રમૂજ ઉપરાંત સાહિત્યિક ગુણવત્તા સતત ઝળકયા કરતાં.
પૌલીન એવું તે શું લખતાં કે જેના જોરે ‘બોની એન્ડ કલાઇડ’ અને એના જેવી કેટલીય ફ્લ્મિોને કલ્ટ કલાસિક તરીકે પ્રસ્થાપિત થવામાં જબ્બર મદદ મળી? પૌલીનની કલમમાં એવું તે શું હતું કે તેઓ ફ્લ્મિો વિશે રાષ્ટ્રવ્યાપી હવા ઊભી કરી શકતાં, જે-તે ફ્લ્મિ વિશે લોકોનો દષ્ટિકોણ બદલી શકતાં અને મોટા મોટા એક્ટરો અને ફ્લ્મિમેકરોથી લઈને સ્ટુડિયોના માલિકો સુધીના સૌ અધ્ધર જીવે એમનું લખાણ વાંચી જતા? આ સવાલોના જવાબ આવતા રવિવારે.


ક્ટર કે ફ્લ્મિમેકર કે લેખક-સાહિત્યકાર માટે ‘મહાન’ વિશેષણ સહજપણે વાપરી શકાય છે, પણ કોઈ ફ્લ્મિ સમીક્ષક માટે આ વિશેષણ પ્રયોજવું જરા વિચિત્ર લાગી શકે છે. છતાંય અમેરિકન ફ્લ્મિ રિવ્યુઅર પૌલીન કેલ માટે ‘મહાન’ વિશેષણ સતત અને યોગ્ય રીતે વપરાતું આવ્યું છે. ૧૯૧૯માં જન્મેલાં પૌલીન કેલના મૃત્યુને આજે એક્ઝેકટલી સોળ વર્ષ પૂરાં થયાં. જો તેઓ જીવતાં હોત તો આજે ૯૮ વર્ષનાં હોત.
ફ્લ્મિ રિવ્યુઅર એટલે કે ફ્લ્મિ સારી છે કે ખરાબ, જો તે સારી હોય તો શા માટે સારી છે અને જો ખરાબ હોય તો શા માટે ખરાબ છે તે વિશે બુદ્ધિગમ્ય છણાવટ કરી શકનાર વ્યકિત. વિખ્યાત અમેરિકન સાપ્તાહિક ‘ન્યુ યોર્કર’ માટે લાગલગાટ ૨૩ ફ્લ્મિોની સમીક્ષા કરનાર પૌલીન કેલનો સૌથી પાવરફ્ુલ ફ્લ્મિ રિવ્યુઅર તરીકે ઉદય કેવી રીતે થયો તે આપણે આગળના લેખમાં જોયું. સામાન્ય રીતે ફ્લ્મિ રિલીઝ થાય તેના એકાદ-બે કે ત્રણ-ચાર દિવસ પહેલાં મીડિયા માટે ખાસ શો ગોઠવવામાં આવતો હોય છે. મીડિયાના પ્રતિનિધિઓને તે જોવા માટે આમંત્રણ અપાય, તેમની સારી ખાતર-બરદાસ્ત કરવામાં આવે. પૌલીન કયારેય આ પ્રકારના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ન જતાં. તેઓ થિયેટરમાં આમ જનતાની સાથે જ ફ્લ્મિ જોવાનો આગ્રહ રાખતાં. ચાલુ ફ્લ્મિે આજુબાજુ બેઠેલા લોકો કેવીક કમેન્ટ કરે છે, કયાં બોર થાય છે, કયાં ઝુમી ઊઠે છે, ફ્લ્મિ પૂરી થયા પછી ઓડિટોરિયમમાંથી બહાર નીકળતી વખતે આપસમાં શી ચર્ચા કરે છે – પૌલીનની ચકોર નજર અને સરવા કાન આ બધું જ ઝીલતાં હોય. આ તમામ નિરીક્ષણો પછી એમનાં લખાણમાં વ્યકત થાય.
પૌલીનની કલમની તાકાત કેવી હતી તેનો અંદાજ લગાવવા માટે ‘બોની એન્ડ કલાઈડ’ (૧૯૬૭)નું ઉદાહરણ પૂરતું છે. વિશ્વસિનેમામાં ગેંગસ્ટર ફ્લ્મિોનો ટ્રેન્ડ ઓફિશિયલી શરૂ કરનાર ફ્લ્મિ ‘બોની એન્ડ કલાઈડ’ છે. સત્યઘટના પણ આધારિત આ ફ્લ્મિ રિલીઝ થતાં જ બબાલ મચી ગઈ હતી. કેટલાય વિવેચકોએ અને ઇવન ઓડિયન્સના મોટા વર્ગે કાગારોળ કરી મૂકી કે હિંસા અને ખૂની-લંૂટારાઓને આટલા ગ્લોરીફય કરવાની જરૂર જ શી છે? પણ પૌલીન કેલે આ ફ્લ્મિના પ્રશંસા કરતો તોતિંગ લેખ લખ્યો. લેખનો સૂર એવો હતો કે હોલિવૂડની મેઇનસ્ટ્રીમ ફ્લ્મિો વધારે પડતી ‘સેફ્’ અને સુષ્ઠુ સુષ્ઠુ બની ગઈ હતી. તેમાં મોતનું હિંસક ચિત્રણ ભાગ્યે જ થતું હતું. ‘બોની એન્ડ કલાઈડે’ આ મહેણું ભાંગ્યું છે.
પૌલીન કેલનો આ આત્મવિશ્વાસભર્યો અને ટકોરાબંધ લેખ નિર્ણાયક પુરવાર થયો. અમેરિકામાં જે ફ્લ્મિવિરોધી માહોલ પેદા થયો હતો તે આ લેખ છપાયા પછી નાટયાત્મક રીતે પલટાવા માંડયો. માત્ર ઓડિયન્સને જ નહીં, પણ અન્ય ફ્લ્મિ સમીક્ષકોને પણ આ ફ્લ્મિને જોવાની અને તેનું મૂલ્યાંકન કરવાની નવી દ્રષ્ટિ સાંપડી. ‘બોની એન્ડ કલાઈડ’ એક કલાસિક ફ્લ્મિ તરીકે પ્રસ્થાપિત ક્રવામાં પૌલીન કેલના આ લેખનો સિંહફળો છે.
બનાર્ડો બર્ટોલુચીએ ડિરેકટ કરેલી ‘લાસ્ટ ટેન્ગો ઇન પેરિસ’ (૧૯૭૨)માં માર્લોન બ્રાન્ડોની મુખ્ય ભૂમિક હતી. ફ્લ્મિમાં પત્નીના આપઘાતને કારણે તીવ્ર એકલતા અનુભવી રહેલો હીરો કોઈ તદ્દન અજાણી યુવતી સાથે બેફમ સેક્સ માણે છે. તે જમાનામાં આંચકાજનક લાગે તેવાં સેક્સ્યુઅલ વાયોલન્સનાં દ્રશ્યો ફ્લ્મિમાં હતાં. આ ફ્લ્મિ પર પણ પૌલીન સમરકંદ બુખારા ઓવારી ગયાં હતાં. તેમણે પોતાના રિવ્યુમાં લખ્યું હતું કે, ”લાસ્ટ ટેન્ગો ઇન પેરિસ’ રિલીઝ થઈ શકી તે ઘટના સ્વયં સીમાચિહ્નરૂપ ગણાવી જોઈએ. બનાર્ડો બર્ટુચી અને માર્લોન બ્રાન્ડોએ આ ફ્લ્મિ બનાવીને સિનેમાના માધ્યમનો ચહેરો હંમેશ માટે પલટી નાખ્યો છે.’ આ ફ્લ્મિ પણ આજે કલાસિક ગણાય છે.
ફ્રાન્સિસ ફેર્ડ કપોલા (‘ગોડફધર’), સ્ટીવન સ્પિલબર્ગ (‘શિંડલર્સ લિસ્ટ’), બ્રાયન દ પાલ્મા (‘સ્કારફેસ’), માર્ટિન સ્કોર્સેઝી (‘ટેકસી ડ્રાઈવર’) અને રોબર્ટ ઓલ્ટમેન (‘નેશવિલ’) જેવા પોતાના ગમતા ડિરેકટરોની ફ્લ્મિોના પૌલીન ભરપૂર વખાણ કરતાં, પણ સ્ટેનલી કુબ્રિક (‘૨૦૦૧: અ સ્પેસ ઓડિસી’) અને એક્ટર-ડિરેક્ટર કિલન્ટ ઔઇસ્ટવૂડ (‘વેર ઇગલ્સ ડેર’) સામે એમને પૂર્વગ્રહો હતા. વૂડી એલન સામે પણ એમને ખાસ કરીને ‘સ્ટારડસ્ટ મેમરીઝ’ ફ્લ્મિને કારણે વાંધો પડી ગયો હતો. જ્યોર્જ લુકાસની સુપરડુપર હિટ ‘સ્ટાર વોર્સ’ માટે એમણે લખેલું:
‘આ ફ્લ્મિ તમને થકવી નાખે છે. તમે બાળકોનાં ઝુંડને સરકસ જોવા લઈ જાઓ ત્યારે કેવા થાકી જાઓ, બસ એમ જ. ‘સ્ટાર વોર્સ’ તમને શ્વાસ લેવાનો પણ સમય આપતી નથી. અહીં કાવ્યાત્મકતાનું નામોનિશાન નથી, બલકે ઘોંઘાટ, ફસ્ટ એડિટિંગ અને ગતિ એટલી હદે છે કે દિમાગ સન્ન થઈ જાય. આ ફ્લ્મિ તમારું મનોરંજન કરશે ખરી, પણ તોય કોઈક સ્તરે છેતરાઈ ગયા હોવાની લાગણી થશે. ઇટ્સ અન એપિક વિધાઉટ અ ડ્રીમ.’
પૌલીન કહેતાં કે ફ્લ્મિો કળાના સર્વોત્તમ સ્તરે ભાગ્યે જ પહોંચી શકતી હોય છે. આથી જો આપણે હાઈક્લાસ ‘કચરા’ને માણી કે વખાણી શકતા ન હોઈએ તો ફ્લ્મિો સાથે આપણી કોઈ લેવાદેવા જ ન રહે. એક્ વાર પૌલીને કહેલું કે, ‘કઠોર થઈને લખી શકવું તે એક કળા છે અને બધા ફ્લ્મિ રિવ્યુઅર્સ પાસે આ કળા નથી હોતી. મને લાગે છે કે મારી સૌથી મોટી ટેલેન્ટ આ જ છે.’
આલ્ફ્રેડ હિચકોક મહાન ફ્લ્મિમેકર ગણાય છે, પણ પૌલીન એમની ફ્લ્મિોગ્રાફીથી પણ બહુ બહુ ખુશ નહોતાં. એક ઇન્ટરવ્યૂમાં એમણે કહેલું:
‘હિચકોક માનતા થઈ ગયેલા કે શૂટિંગ શરૂ કરતાં પહેલાં આખી ફ્લ્મિના એકેએક સીન અને એકેએક શોટ વિશેની સંપૂર્ણ વિગતો કાગળ પર લખાઈ જવી જોઈએ. સેટ પર સહેજ પણ સુધારાવધારા નહીં કરવાના, ફ્કત જે કંઈ કાગળ પર લખી રાખ્યું છે તેનો જ અમલ કરવાનો. હિચકોક કરિયરની શરૂઆતમાં ઇમ્પ્રોવાઈઝ કરતા, પણ પછી તેઓ ઔઇમ્પ્રોવાઈઝેશનના વિરોધી બની ગયેલા. આ જ કારણ છે કે હિચકોકની બેસ્ટ ફ્લ્મિો એમની કરિયરમાં શરૂઆતમાં આવી ગઈ અને પાછળની ફ્લ્મિોમાં એક પ્રકારનું બંધિયારપણું પેસી ગયું. હિચકોક પોતાના એક્ટરોને ક્રિયેટિવ સ્તરે ભાગીદાર બનવા દેતા જ નહીં. જે-તે સીન વિશે એક્ટરો શું માને છે, તેઓ શું અલગ રીતે કરવા માગે છે, આ બધામાં હિચકોકને રસ જ નહોતો. તેઓ જડની જેમ આગ્રહ રાખતા કે પોતે જે એડવાન્સમાં નક્કી કરી રાખ્યું છે તે પ્રમાણે જ એક્ટરોએ અભિનય કરવાનો, બસ. હિચકોકને અદાકારના ઇનપુટ્સમાં જરાય રસ નહોતો.’
આખા ગામની ટીકા કરનાર પૌલીન ખુદ ટીકાને પાત્ર બન્યાં હોય એવુંય બન્યું છે. ‘બોની એન્ડ કલાઈડ’ના હીરો વોરન બેટ્ટી ૧૯૭૯માં ‘લવ એન્ડ મની’ નામની ફ્લ્મિ પ્રોડયૂસ કરી રહૃાા હતા. એમણે પૌલીનને ઓફ્ર આપીઃ હું ઇચ્છું છું કે તમારા જેવી વિદ્વાન ક્રિટિક મારી આ ફ્લ્મિની લખાયેલી સ્ક્રિપ્ટને મઠારે. જો તમે હા પાડો પેરેમાઉન્ટ સ્ટુડિયોમાં તમારા માટે ખાસ જગ્યા ઊભી કરાવી શકું તેમ છું. પૌલીનને કોણ જાણે શું કુબુદ્ધિ સૂઝી કે તેમણે હા પાડી. ‘ન્યુ યોર્કર’ મેગેઝિનની પોતાની રિવ્યુ કોલમને ગુડબાય કહીને તેઓ ‘લવ એન્ડ મની’ની સ્ક્રિપ્ટ પર કામ કરવા લાગ્યાં, પણ થોડા સમયમાં જ તેમનો ભ્રમ ભાંગી ગયો. ‘લવ એન્ડ મની’ ફ્લ્મિ કયારેય બની જ નહીં. પાંચ મહિના પછી તેઓ પાછા ચુપચાપ ‘ન્યુ યોર્કર’ માટે રાબેતા મુજબ રિવ્યુ લખવા લાગ્યાં.
પૌલીન ભલે જૂના જમાનાનાં ફ્લ્મિ રિવ્યુઅર ગણાય, પણ ૧૯૭૦નો દાયકો એમનો સૌથી ફેવરિટ હતો. એમનાં નામે અગિયાર જેટલાં પુસ્તકો બોલે છે. ન્યૂયોર્ક યુનિવર્સિટીના બેસ્ટ જર્નલિઝમ ઓફ્ ધ સેન્ચુરી સર્વે હેઠળ આવરી લીધેલા સો પુસ્તકોના લિસ્ટમાં પૌલીનનું ‘ટ્રેશ, આર્ટ એન્ડ મૂવીઝ’ નામનું પુસ્તક ૪૨મા ક્રમે મૂક્યું હતું.
પૌલીનને પાછલી ઉંમરે પાર્કિન્સનનો રોગ લાગુ પડયો હતો. છેલ્લે છેલ્લે ફીચર ફ્લ્મિોમાંથી એમનો રસ ઓછો થવા માંડેલો અને ડોકયુમેન્ટરી ફ્લ્મિો તરફ્ વધારે ખેંચાવા લાગ્યાં હતાં. ૧૯૯૪માં ૭૫ વર્ષની ઉંમરે પૌલીને ખુદની ટીકા કરતાં કહૃાું હતું કે, ‘આજે મારા જૂના લેખો વાંચું છું ત્યારે લાગે છે કે ફ્લ્મિોને વખોડતી કે વખાણ કરતી વખતે હું કયારેક વધુ પડતી અતિશયોક્તિ કરી નાખતી હતી. ફ્ટાફ્ટ રિવ્યુ લખીને મારો ફ્લ્મિ જોવાનો મારો અનુભવ લોકો સાથે શેર કરવાની ઉતાવળમાં હું ઘણીવાર ખોટી રીતે તણાઈ જતી હતી…’
ખેર, એક ફ્લ્મિ સમીક્ષક તરીકે પૌલીન કેલ હંમેશાં એક માપદંડ, એક રેફ્રન્સ બની રહેવાનાં. માત્ર અમેરિકન સમીક્ષકો માટે જ નહીં, દુનિયાભરના ફ્લ્મિ રિવ્યુઅર્સ માટે.
0 0 0 

Sunday, September 17, 2017

રિશી કપૂર કી પંજાબી શાદૃી

 સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭  

મલ્ટિપ્લેકસ 

 ‘કર્ઝ'ની નિષ્ફળતાનું ફ્રસ્ટ્રેશન રિશી ક્પૂરે પોતાની સગર્ભા પત્ની નીતુ પર ઉતાર્યું: મેં તારી સાથે લગ્ન કયાર્ર્ એટલે જ મારો હીરો તરીકેનો ચાર્મ ખતમ થઈ ગયો... જો તને પરણ્યો ન હોત તો મારી આવી હાલત ન થઈ હોત!૬૫ વર્ષની ઉંમરે પણ માણસ ઉત્સાહથી કેટલો થનગનતો હોઈ શકે? સિનિયર સિટીઝન બની ગયા પછી પણ માણસ ભયંકર સ્પર્ધાત્મક એવા પોતાના કાર્યક્ષેત્રમાં કેટલી હદૃે રિલેવન્ટ રહી શકે?  આ બન્ને સવાલનો એક જ જવાબ છે- રિશી કપૂર જેટલો! ચોથી સપ્ટેમ્બરે એમનો બર્થડે હતો. ‘પટેલ કી પંજાબી શાદૃી'ના રાઇટર-ડિરેકટર સંજય છેલે સ્વાભાવિકપણે માની લીધું હતું કે ડબિંગના કામકાજમાં રિશીસર આજે રજા રાખશે, પણ તેઓ આવ્યા. રોજની જેમ ડબિંગ કર્યું ને કામ આટોપાયું પછી જ ઘરે પાછા ફર્યા. જન્મદિૃવસ-બન્મદિૃવસ તો આવ્યા કરે, કામ પહેલાં!

‘પટેલ કી પંજાબી શાદૃી' આ શુક્રવારે રિલીઝ થઈ. આજે રિશી કપૂરની ખુદૃની શાદૃીની, નીતુ િંસહ-કપૂર સાથેનાં એમનાં લગ્નજીવનની વાત કરવી છે. રિશી કપૂર અને બન્ને નીતુ કપૂર બન્ને પાક્કાં પંજાબી છે. ‘રિશી કપૂર અનસેન્સર્ડ - ખુલ્લમ્ખુલ્લા' શીર્ષક ધરાવતી આ આત્મકથામાં રિશી કપૂરે આશ્ર્ચર્ય થાય એટલી પ્રામાણિકતાથી ચિક્કાર વાતો કરી છે. આત્મકથા લખવાની હોય, મિડીયાને ઇન્ટરવ્યુ આપવાના હોય કે ટ્વિટર પર સાંપ્રત ઘટનાઓ પર ટિપ્પણી કરવાની હોય - રિશી કપૂર શબ્દૃો ચોરવામાં માનતા નથી. એટલેસ્તો રિશી કપૂર ઓન-સ્ક્રીન જ નહીં, ઓફ-સ્ક્રીન પણ ભરપૂર એન્ટટેિંનગ પૂરવાર થાય છે.

રિશી કપૂરે ૨૮ વર્ષની ઉંમરે લગ્ન કર્યાં હતાં. નીતુ સિંહ કંઈ એમનો ‘ફર્સ્ટ લવ નહોતાં. રિશીની પહેલી ‘સિરીયસ' ગર્લફ્રેન્ડ યાસ્મિન મહેતા નામની એક પારસી ગુજરાતી કન્યા હતી. એ પેરિસમાં રહેતી હતી. રિશી કપૂરની સૌથી પહેલી ફિલ્મ ‘બોબી' ૧૯૭૩માં આવી એના ઘણા સમય પહેલાંથી બન્ને વચ્ચે ઇલુ-ઇલુ ચાલતું હતું. ‘બોબી' ધૂમ મચાવી રહી હતી તે અરસામાં ‘સ્ટારડસ્ટ' માસિકે એવા મતલબનો લેખ છાપ્યો કે રિશી અને ડિમ્પલ કાપડિયા વચ્ચે કશુંક રંધાઈ રહ્યું છે. આજે તો છાપાં રોજેરોજ પાનાં ભરીભરીને ફિલ્મી ગપસપ છાપે છે, ટીવી ચેનલો ચોવીસે કલાક ધમધમતી રહે છે અને વેબસાઇટ્સ તેમજ સોશિયલ મિડીયા તો ટીવી કરતાંય વધારે શોરબકોર કરે છે એટલે ‘સ્ટારડસ્ટ બિચારું સાવ રાંક ઘેટા જેવું ઇર્રિલેવન્ટ ફિલ્મી ચોપાનિયું બનીને રહી ગયું છે, પણ એ જમાનામાં ‘સ્ટારડસ્ટ'ની જબરી ધાક હતી. રિશી સાથે અફેરની વાત ઉડી ત્યારે ડિમ્પલે ઓલરેડી રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધાં હતાં. આ ગોસિપ ડિમ્પલે તો પચાવી લીધી, પણ યાસ્મિને રિશી કપૂર સાથેનો સંબંધ તોડી નાખ્યો. રિશીએ મનાવવાની બહુ કોશિશ કરી, પણ પારસી બાનુ ન માની તે ન જ માની.

રિશી સાથે બધું બરાબર ચાલતું હતું ત્યારે યાસ્મિને એમને એક વીંટી આપી હતી. વીંટી કંઈ ખાસ કિમતી નહોતી, પણ રિશી માટે એનું સેન્ટિમેન્ટલ વેલ્યુુ ઘણી હતી. ‘બોબી'ના શૂિંટગ દૃરમિયાન ડિમ્પલે એક વાર રમતરમતમાં રિશીની આંગળી પરથી તે વીટીં કાઢીને પોતાની આંગળી પર પહેરી લીધી. આ વીંટી પછી ડિમ્પલે રિશીને ક્યારેય પાછી આપી જ નહીં. રાજેશ ખન્નાએ પ્રપોઝ કર્યું તે વખતે પણ ડિમ્પલે આ વીંટી પહેરી હતી. તે રિશી ક્પૂરની વીંટી છે એવી ખબર પડતાં રાજેશ ખન્ના નારાજ થઈ યા. ડિમ્પલની આંગળી પરથી િંરગ કાઢીને એમણે ફેંકી દૃીધી. આ ઘટના પણ ન્યુઝ બની ગયા: ‘રાજેશ ખન્નાએ રિશીની વીંટી જુહુના દૃરિયામાં ફેંકી દૃીધી'! અસર એવી ઊભી થઈ કે વીંટી જાણે રિશીના ડિમ્પલ પ્રત્યેના પ્રેમની નિશાની હતી. હકીકતમાં રિશી-ડિમ્પલ વચ્ચે ક્યારેય રોમેન્ટિક સંબંધ હતો જ નહીં. ‘જોકે હોત તો મને ગમ્યું હોત! રિશી કપૂર આજે હસતા હસતા કહેતા હોય છે, ‘અને હા, પેલી વીંટી હું આજની તારીખેય જુહુ બીચ પરથી શોધી રહ્યો છું!

યાસ્મિનની જેમ નીતુ ક્પૂર માટે પણ બોબીગર્લ અસલામતીનું કારણ બની ગયેલી. વાત ‘સાગર' (૧૯૮૫) બની તે અરસાની છે. ડિમ્પલનાં લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકાઈ ચુક્યું હતું. ‘બોબી' પછી બાર વર્ષે રિશી- ડિમ્પલની સુપરહિટ જોડી ફરી પાછી મોટા પડદૃે પહેલી વાર દૃેખાવાની હતી અને તે પણ રમેશ સિપ્પીની ફિલ્મમાં. ‘સાગર'માં રિશી-ડિમ્પલ વચ્ચે કિસિં ગ સીન્સ પણ ઘણાં હતાં. એ જમાનામાં ચુંબનનાં દૃશ્યો નવી નવાઈનાં ગણાતાં. આ કાસ્ટિંગ અને આ રોમેન્ટિક દૃશ્યોને લઈને ખાસ્સી ઉત્તેજના ફેલાઈ હતી. રિશી કપૂર પોતાની આત્મકથામાં લખે છે: ‘નીતુએ ઘણા સમય બાદૃ મને કહેલું કે આટલાં વર્ષોનાં લગ્નજીવનમાં એણે એક જ વાર અસલામતીની લાગણી અનુભવી છે અને તે ડિમ્પલને કારણે, ‘સાગર' વખતે. વાસ્તવમાં નીતુએ ટેન્શન લેવા જેવું કશું હતું જ નહીં. ડિમ્પલ મારી દૃોસ્ત છે. હા, ‘બોબી' વખતે એ દૃોસ્ત કરતાં થોડી વધારે હતી. અમે ‘સાગર'માં કામ કર્યું ત્યારે એ બે દૃીકરીઓની મા બની ગઈ હતી. આ બાજુ મારે પણ બે સંતાનો હતાં, હું ફેમિલીલાઇફમાં હું પૂરેપૂરો સેટલ થઈ ગયો. નીતુ નાહકની ઇન્સિકયોર થઈ ગયેલી.'ઇન્સિક્યોરિટી તો રિશી કપૂરે પણ ક્યાં નહોતી અનુભવી? અલબત્ત, પર્સનલ નહીં, પ્રોફેશનલ લાઇફમાં. સિલ્વર સ્ક્રીન પર રિશી-નીતુની જોડી જામી ચુકી હતી એટલે બન્નેને ઘણી ફિલ્મો સાથે ઓફર થતી હતી. આમાંની એક ફિલ્મ એટલે યશ ચોપડાની ‘કભી કભી' (૧૯૭૬). રિશી કપૂરે આ ફિલ્મ માટે લગભગ ના પાડી દૃીધી હતી. શા માટે? એક કારણ એ હતું કે તેઓ અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શર  કરીને ઢંકાઈ જવા નહોતા માગતા. બીજું કારણ હતું, નીતુ! ફિલ્મમાં રિશી કરતાં નીતુનો રોલ વધારે મહત્ત્વનો હતો. ‘કભી કભી'માં વહીદૃા રહેમાનનાં લગ્ન પૂર્વેના સંબંધથી થયેલી દૃીકરીની વાત છે. રિશીએ યશ ચોપડાને કહ્યું કે જો તમે દૃીકરીને બદૃલે દૃીકરો કરી નાખો અને એ રોલ મને ઓફર કરો તો હું કામ કરું! યશજી મૂંઝાયા. આ રીતે પાત્રનું જાતિ પરિવર્તન કેવી રીતે કરવું? આખરે શશી કપૂર વચ્ચે પડ્યા (‘કભી કભી'માં તેમણે અમિતાભની ભૂતપૂર્વ પ્રેમિકા રાખીના પતિ અને રિશીના પિતાનો રોલ કર્યો છે). એમણે રિશીને સમજાવ્યા ત્યારે માંડ તેઓ ‘કભી કભી'માં કામ કરવા તૈયાર થયા.

૧૯૮૦માં રિશી- નીતુનાં લગ્ન થયાં અને એ જ વર્ષે ‘કર્ઝ' આવી. સુભાષ ઘાઈએ ડિરેકટ કરેલી ‘કર્ઝ'ને આજે આપણે એક યાદૃગાર કલ્ટ ફિલ્મ ગણીએ છીએ, પણ તે રિલીઝ થયેલી ત્યારે બોકસઓફિસ પર જરાય નહોતી ચાલી. આમેય ‘બોબી'થી ધમાકેદૃાર શરુઆત કર્યા બાદૃ રિશી કપૂરની કરીઅર નરમગરમ જ ચાલતી હતી. ‘કર્ઝ'ની નિષ્ફળતાએ એમને લગભગ ડિપ્રેશનમાં ધકેલી દૃીધા. વાત એટલી હદૃે વણસી ગઈ કે તેઓ ઘરની બહાર નીકળતા ત્યારે કારની પાછલી સીટ પર છૂપાઈ જતા કે જેથી કોઈ એમને જોઈ ન જાય! તે સમયે ‘નસીબ', ‘પ્રેમરોગ' જેવી કુલ પાંચેક ફિલ્મોનાં કામકાજ ચાલી રહ્યાં હતાં. રિશીએ શૂિંટગમાં જવાનું બંધ કરી દૃીધું. ‘કર્ઝ'ની નિષ્ફળતા માટે તેઓ નીતુને જવાબદૃાર ગણાવવા લાગ્યા: મેં તારી સાથે લગ્ન કર્યા એટલે જ મારો હીરો તરીકેનો ચાર્મ ખતમ થઈ ગયો... જો તને પરણ્યો ન હોત તો મારી આવી હાલત ન થઈ હોત! નીતુ એ વખતે સગર્ભા હતાં, દૃીકરી રિદ્ધિમા એમના ગર્ભમાં હતી. આવી નાજુક હાલતમાં પતિ તરફથી આ પ્રકારના મેણાંટોણાં સાંભળવા પડે ત્યારે સ્ત્રીની કેવી હાલત થાય. માંડ માંડ આ કપરો કાળ પસાર થયો.

લગ્ન પછી નીતુ કપૂરે ફિલ્મો સદૃંતર છોડી દૃીધી એટલે કપૂર ખાનદૃાનમાં વહુ-દૃીકરીઓને ફિલ્મોમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી એવી છાપ વધારે દૃઢ થઈ હતી કે. રિશી કહે છે, ‘હું હૃદૃય પર હાથ રાખીને કહું છું કે મેં નીતુ પર કયારેય કરીઅર છોડવાનું દૃબાણ નહોતું કર્યું,' રિશી આત્મકથામાં લખે છે, ‘લગ્ન પહેલાં જ અમે નકકી કરેલું કે બાળકો થશે ત્યારે અમારા બેમાંથી એકે કમાવાનું અને બીજાએ બચ્ચાં સંભાળવાનાં. હા, એક વાત હું કબૂલીશ કે મેં નીતુને ફરી કામ કરવા માટે ક્યારેય કન્વિન્સ પણ નહોતી કરી. ઇન ફેક્ટ, હું ઇચ્છતો હતો કે નીતુ બહાર કામ કરવા જવાને બદૃલે ઘરમાં જ રહે. મારા બચાવમાં હું એટલું કહી શકીશ કે મારા આ વિચારો પછી બદૃલાયા હતા.'

રિશી કપૂર જેવા ક્રોધી અને ખૂબ દૃારુ ઢીંચતા માણસ સાથે જીવવું સહેલું નથી. કપિલ શર્માએ પોતાના શોમાં નીતુને પૂછેલું: મેમ, તમને ક્યારેય એવો વિચાર આવેલો ખરો કે આ માણસને મૂકીને જતી રહું? એક પળનો પણ વિચાર કર્યા વિના નીતુએ જવાબ આપેલો: હા, રોજ. રિશીને છોડીને જતા રહેવાનો વિચારી મને રોજ આવે છે! ત્યાર બાદૃ હસતાં હસતાં નીતુએ ઉમેર્યું હતું કે પછી મને થાય કે ના ના, આ માણસમાં બુરાઈઓ હશે, પણ એનામાં પ્લસ પોઇન્ટ્સ પણ ઘણાં છે. રિશી કપૂર ખુદૃ કબુલે છે કે મારા જેવા માણસ સાથે આટલાં વર્ષો સંબંધ નિભાવવા બદૃલ નીતુને અવોર્ડ આપવો જોઈએ.

પટેલ શાદૃી કરે કે પંજાબી શાદૃી કરે, સૌનાં લગ્નજીવન તો આવાં જ હોવાનાં - ખાટા-મીઠા, કડવા-મધુરા અને લાકડાના લાડુ જેવાં, ખરું?            

0 0 0

Tuesday, September 5, 2017

સિઝનલ ફળો શા માટે શ્રેષ્ઠ છે?

Sandesh - Ardh Saptahik purti - 30 August 2017

ટેક ઓફ

આજે દુનિયામાં જેટલું પીવાલાયક પાણી છે એના માંડ ૬૦ ટકા પીવાલાયક્ પાણી ૨૦૩૦માં બચ્યું હશે. એક  થિયરી એવી છે કે માંસાહાર વધારે પાણી ખર્ચે છે. જેમ કે એક કિલો બીફ્ (ગૌમાંસ) પેદા કરવા પાછળ સરવાળે ૧૫,૫૦૦ લીટર પાણી ખર્ચાઈ જાય છે. આની સામે એક કિલો ટમેટાં માટે માત્ર ૧૮૦ લીટર અને એક કિલો બટાટા પેદા કરવા માટે ૨૫૦ લીટર પાણીની જરુર પડે છે. જે મહાશયને હાથમાં ઘાટઘૂટ વગરની થેલી પક્ડીને શાક્માર્કેટમાંથી શાક્ભાજી અને ફ્ળો ખરીદવામાં ક્ંટાળા કે શરમનો અનુભવ થતો હતો એ આજે ચક્ચક્તિ મૉલમાં પત્નીની સાથે મોજથી ટ્રોલી સરકવતો-સરકવતો ફૂડ સેક્શનમાંથી ખરીદી કરે છે. ‘કિવી ફ્રુટ્સ તો આ રહૃાાં, પણ એવોકેડો કેમ દેખાતા નથી?’ આજુબાજુ નજર ઘુમાવીને એ ક્હેશે, ‘સાંજે હું એવોકેડોનો સલાડ બનાવીશ. બ્લુબેરીઝ પણ ખરીદવાં છે. પિન્ટુને બહુ પસંદ છે બ્લુબેરીઝ.’
આ બધાં વિદેશી ફ્ળો છે. મૉલમાં ચમક્તાં,તાજાં અને જોતાં જ મોંમાં મૂક્વાનું મન થાય એવાં આકર્ષક દેશી-વિદેશી ફ્ળો તેમજ શાક્ભાજીનું જાણે પ્રદર્શન ભરાય છે. આપણે હવે સિઝનના મોહતાજ કયાં રહૃાા છીએ? એક્ સમયે વટાણા, ઓળો બનાવવા માટેનાં રિંગણાં, સફરજન વગેરે શિયાળામાં દેખાતાં, કેરી માટે છેક્ ઉનાળા સુધી રાહ જોવી પડતી, પણ હવે આ અને આના જેવું કેટલુંય લગભગ બારેમાસ મળે છે. જાતજાતનાં શાક્ભાજી – ફ્ળોનો ઉપયોગ કરીને યુટયુબ પર વિડીયો જોતાં જોતાં આપણે જાતજાતની વાનગીઓ બનાવતાં શીખીએ છીએ, ‘અમારી ખાણીપીણી તો બહુ હેલ્દી એન્ડ સ્ટાઇલિશ છે’ એવું ક્હીને પોરસાઈએ છીએ, પણ કોઈ જાણકર વ્યકિત આ બિનમોસમી ફ્ળો-શાક્ભાજી પાછળની આંક્ડાબાજી અને કુ-વિજ્ઞાાન સમજાવે છે ત્યારે વિચારમાં પડી જવાય છે.
યુવાન સાગર શાહ ઈંગ્લેન્ડના રહેવાસી છે. ઇકોનોમિસ્ટ છે, પર્યાવરણ તેમજ વીગનીઝમ એમના માટે માત્ર રસના નહીં, પેશનના વિષયો છે. આ વિષયમાં જાગૃતિ ફેલાવવા અને વક્તવ્યો આપવા તેઓ દેશ-વિદેશમાં પ્રવાસો  કરતા રહે છે. તેઓ ક્હે છે, ‘ઋૃતુ પ્રમાણે, કુદરતી રીતે ઊગતાં શાક્ભાજી-ફ્ળોની કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી હોય છે, જ્યારે ગ્રીનહાઉસમાં કે કૃત્રિમ રીતે પક્વેલા શાક્ભાજીની કાર્બન ફૂટપ્રિન્ટ વધારે હોવાની.’
કાર્બન ફૂટપ્રિન્ટ એટલે? કેઈ વ્યકિત, વસ્તુ, કરખાનું, સંસ્થા કે પ્રવૃત્તિ વાતાવરણમાં જેટલો કર્બન ડાયોક્સાઇડ છોડે છે તેને કાર્બન ફૂટપ્રિન્ટ ક્હે છે. હાનિકરક્ પ્રદૂષણ પેદા કરવામાં અને પર્યાવરણની વાટ લગાડવામાં સીઓટુ તરીકે ઓળખાતો આ વાયુ નંબર વન છે. ગ્રીનહાઉસ એટલે કાચની દીવાલોવાળું સ્ટ્રક્ચર કે જેમાં વિપરીત વાતાવરણમાં પણ છોડવા ઊગાડવા માટે અનુકૂળ હોય તેવો માહોલ ઊભો કરવામાં આવે છે.
લેખની શરુઆતમાં જેનો ઉલ્લેખ ર્ક્યો તે એવોકેડો મૂળ મેક્સિક્ન ફ્ળ છે. આપણે ત્યાં વોશિંગ્ટનના સફરજન, ન્યુઝીલેન્ડના ક્વિી અને ચીનના જામફ્ળની સારી ડિમાન્ડ છે. ભારતીયો વરસે દહાડે કરોડો રુપિયાના ‘એક્ઝોટિક્’ ફ્રુટ્સ ઓહિયા કરી જાય છે. વિદેશની વાત છોડો, એક્ જ દેશની અંદર એક્ રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખાધાખોરાકીનો સામાન લાવવા-લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની જે આખી પ્રક્રિયા કે પદ્ધતિ છે તે પર્યાવરણ પર અસર કરતી હોય છે.

Sagar Shah

કાર્ગો પ્લેનમાં ટ્રાન્સપોર્ટ ક્રવામાં આવતી ભારતીય કેરી, પપૈયા, બેરી, ભારતીય કેરી, અસ્પારાગસ, ફૂલો વગેરે ‘હાઇલી પેરિશેબલ’ એટલે કે વપરાશમાં ન લેવાય તો તરત ખરાબ થઈ જાય એવી વસ્તુઓ છે. તે ખરાબ ન થાય તે માટે ‘ખાસ પ્રકારની’ તકેદારી લેવી પડે છે. જેમ કે, લસણનો જથ્થો લાંબા સમય સુધી પ્રવાસ કરી શકે તે માટે તેના પર મિથાઇલ બ્રોમાઇડનો છંટકવ કરવામાં આવતો હોવાનું જાણવું મળ્યું છે. કેળા, સંતરાં, કેળાં વગેરે સામાન્યપણે ટ્રક્, ટ્રેન કે ઇવન શિપમાં ટ્રાન્સપોર્ટ થાય છે. પ્રદૂષણ પેદા કરવું એ પ્લેન, ટ્રક્ વગેરેની વાહનસિદ્ધ સહજતા છે. પ્લેન સૌથી વધારે પ્રદૂષણ પેદા કરે છે. બીજા નંબરે ટ્રક્ આવે છે, ત્યાર બાદ ટ્રેન અને દરિયાઈ જહાજનો વારો આવે. ફોરેનથી ઇમ્પોર્ટ કરવામાં આવતાં ફ્ળો, શાક્ભાજી વગેરેને ખાઈને આપણે પોરસાતા હોઈએ છીએ, પણ તેમને એક્ જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેના તંત્ર વિશે આપણા મનમાં વિચાર સુધ્ધાં આવતો નથી.
સાગર શાહ કહે છે, ‘કાર્ગો પ્લેનમાં ઉડાઉડ કરતાં ફ્ળોથી બને એટલું દૂર રહી શકાય તો બહુ સારું, વિદેશી ફેન્સી ફ્ળો ખાવાને બદલે સ્થાનિક્ સ્તરે ઊગતાં સિઝનલ ફ્ળો ખાવાનો આગ્રહ રાખવો. પર્યાવરણની જાળવણી માટેનો એક્ રસ્તો આ પણ છે. વળી, સિઝનલ ફ્રુટ્સ સસ્તાં પણ પડે છે.’
તાજાં ફ્ળોમાં પોષક્ તત્ત્વો દેખીતી રીતે જ ઘણાં વધારે હોવાનાં. કુદરતી ઋૃતુ સિવાયના સમયગાળામાં ફ્ળો ઉપલબધ્ધ ક્રાવવા માટે તેમને જાતજાતની રાસાયણિક્ પ્રક્રિયામાં પસાર કરાવવામાં આવે છે. શેલ્ફ્-લાઈફ્ વધે તે માટે તેમને મીણમાં જાળવવામાં પડે છે. આ બધું શરીરને કેટલું નુક્સાન ક્રે છે તે સમજવું અઘરું નથી. જે દેશમાંથી આ બધાં ફ્ળો આવ્યાં છે ત્યાં કેવાં કેવાં પેસ્ટીસાઇડ્સ વપરાયાં છે તે આપણે જાણતા હોતા નથી. ઘણા દેશો હાનિકારક રસાયણોના વપરાશના મામલામાં ખાસ્સા ઉદાર છે. જે જમીનમાં તે ઊગ્યાં છે તે શુદ્ધ હતી કે કેમ તેની આપણને શી રીતે ખબર પડવાની છે? વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ફ્રોઝન બેરીનો એક્ વિશાળ જથ્થો હેપેટાઇટિસ ‘એ’ વડે દૂષિત હોવાનું બહાર આવેલું. આ બેરી ચીનથી આવેલાં. ચીનના અમુક્તમુક્ વિસ્તારમાં ખેતીસંબંધિત નીતિનિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાના પાપે કેટલાય ઓસ્ટ્રેલિયનો બીમાર પડી ગયેલા. આવું આપણી સાથે પણ થઈ શકે છે.
ખોરાક્ અને જમીનની અછત આવનારાં દાયકઓમાં વિકરાળ બનીને ખડી થઈ જવાની છે.પાણીની સમસ્યા તો ખરી જ. યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રિક્લ્ચર ઓર્ગેનાઇઝેશન્સ (એફ્એઓ)નો અંદાજ છે કે ઇવન આજની તારીખે દુનિયામાં દર નવમાંથી એક્ માણસ કુપોષણથી પીડાય છે. આજે દુનિયાની વસતી અંદાજે ૭ અબજ છે, જે ૨૦૫૦ સુધીમાં ૯થી ૧૧ અબજ પર પહોંચી જવાની છે.


આજે દુનિયામાં જેટલું પીવાલાયક્ પાણી છે એના માંડ ૬૦ ટકા પીવાલાયક્ પાણી ૨૦૩૦માં બચ્યું હશે. એક્ દલીલ – અને દષ્ટિ – એવી છે કે માંસાહાર વધારે પાણી ખર્ચે છે. જેમ કે એક્ કિલો બીફ્ (ગૌમાંસ) પેદા કરવા પાછળ સરવાળે ૧૫,૫૦૦ લીટર પાણી ખર્ચાઈ જાય છે. આની સામે એક્ કિલો ટમેટા માટે માત્ર ૧૮૦ લીટર અને એક  કિલો બટાટા પેદા કરવા માટે ૨૫૦ લીટર પાણીની જરુર પડે છે. દૂધ-દહીંં-છાશ સહિતની ડેરીપેદાશોના વપરાશ પર ચોક્ડી મારનારાઓ આ સંદર્ભમાં વીગનીઝમને સર્વોત્તમ ગણાવે છે. સાગર શાહ વીગનીઝમ અને વીગન લાઈફસ્ટાઈલમાં સહજ રીતે વણાઈ જતા જૈન સિદ્ધાંતોના પુરસ્કર્તા છે. તેઓ જે બે સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છે તેની વેબસાઇટ્સ www.jainvegans.org અને
vegansociety.com પર લટાર મારવા જેવી છે. 
ખેર, આ સંકુલ વિષય છે. તેમાં દલીલો-પ્રતિદલીલો અને ક્રિયા-પ્રતિક્રિયા થયાં જ કરવાનાં. સો વાતની એ વાત એ છે કે જો જળ, પાણી, પર્યાવરણ અને વૈજ્ઞાનિક સ્તરે તર્કશુદ્ધ ખાણીપીણી પર આજે ગંભીરતાથી વિચાર નહીં કરવામાં આવે તો એક્વીસમી સદીને એક વસમી સદી બનતાં વાર નહીં લાગે.

00000