Wednesday, April 25, 2018

શબાના પાટિલ વિરુદ્ધ સ્મિતા આઝમી


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 1 એપ્રિલ2018 
કોલમઃ મલ્ટિપ્લેક્સ                   
મિડીયાના દાવપેચ સ્મિતાને બહુ સમજાતા નહીં, જ્યારે શબાના પત્રકારોને ખાસ્સી ચતુરાઈથી હેન્ડલ કરી શકતાં. ડિરેક્ટરો-પ્રોડ્યુસરોને પોતાની બાજુ કરી લેવામાં સ્મિતા કાચાં પડતાં, જયારે આ મામલામાં પણ શબાના વધારે ઉસ્તાદ હતાં. સ્મિતા પાટિલ માટે ફિલ્મમેકર શ્યામ બેનેગલ ભોળીભટાક શબ્દ વાપરે છે.બાના આઝમીએ તાજેતરમાં એક વિડીયો શોમાંકહ્યું હતું કે સ્મિતા પાટિલની હયાતીમાં મેં એના વિશે અયોગ્ય કહેવાય એવી ભાષામાં ટિપ્પણીઓ કરી હતી અનેમારા આ ગેરવર્તન બદલ મને સખત અફસોસ છે. સ્મિતાનાં મૃત્યુને ત્રણ દાયકા કરતાંય વધારે સમયગાળો વીતી ચુક્યો છે. વ્યક્તિ જીવિત ન હોય, પોતાની બાજુ રજૂ કરવાની કે પ્રતિદલીલ કરી શકવાની સ્થિતિમાં ન હોય ત્યારે સામેના માણસને કોઈ પણ વાત કે કિસ્સાને તોડીમરોડીને પોતાની તરફેણમાં પેશ કરવાનો છૂટો દોર મળી જતો હોય છે. ધારત તો શબાના પણ એમ કરી શક્યાં હોય, પણ તેને બદલે એમણે સતત પોતાની ભુલનો  જાહેરમાં એકરાર કર્યો છે. આ એમની મોટપ ગણાય.

શબાના આઝમી અને સ્મિતા પાટિલ એટલે માત્ર હિન્દી નહીં, પણ ભારતીય સિનેમાની સર્વકાલીન મહાનતમ અભિનેત્રીઓ તે એક સર્વસ્વીકૃત હકીકત છે.1970ના દાયકામાં હિન્દી સિનેમામાં આર્ટ ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો હતો. શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાણી, મૃણાલ સેનજેવા ફિલ્મમેકરોએ મરીમસાલાથી ભરપૂર ટિપિકલ કમર્શિયલ ફિલ્મોથી દૂર રહીને રિયલિસ્ટિક ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. શબાના આઝમી, સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી જેવા તગડાં કલાકારોનો ઉદય આ જ દૌરમાં થયો. ફર્સ્ટ-ટાઇમ ડિરેક્ટર શ્યામ બેનેગલે પુનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાંથી તાજી તાજી બહાર આવેલી શબાના આઝમીને પોતાની અંકુર’ (1974) ફિલ્મ માટે સાઇન કર્યાં. શબાના કરતાં સ્મિતા પાંચ વર્ષ નાનાં. એ પણ પુનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટની સ્ટુડન્ટ અને મેરે સાથ ચલ નામની એની પહેલી ફિલ્મ પણ 1974માં જ રિલીઝ થઈ હતી. અંકુર ફિલ્મે તરત જ શબાનાને એક સુપર ટેલેન્ટેડ એક્ટ્રેસ તરીકે પ્રસ્થાપિત કરી દીધાં, જ્યારે સ્મિતા તરફ સૌનું ધ્યાન એક વર્ષ પછી નિશાંતફિલ્મને કારણે ખેંચાયું. આ ફિલ્મ પણ શ્યામ બેનેગલે જ ડિરેક્ટ કરી હતી અને એમાં શબાના આઝમી પણ હતાં.

શબાના અને સ્મિતાએ પાંચ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે –નિશાંત (1975),‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ?’ (1981),‘મંડી (1983),‘અર્થ (1983) અને 0ઊંચ નીચ બીચ0 (1989). શબાના-સ્મિતા બન્ને એકબીજીના માથાં ભાંગે એટલી પ્રતિભાવાન હતાં, બન્ને એક પ્રકારની ફિલ્મો કરતાં હતાં, બન્નેની સિનેમેટિક સેન્સિબિલિટી એકસમાન હતી, બન્નેનાં નામ એકશ્ર્વાસે – એકસાથે લેવાતાં હતાં. એટલી હદે કે, શબાનાએ ખુદ કહ્યું છે તેમ, હું શબાના પાટિલ હતી અને એ સ્મિતા આઝમી’! તેમની વચ્ચે હરીફાઈ થવી સ્વાભાવિક હતી. શરૂઆતમાં સ્પર્ધાનું તત્ત્વ એટલું બોલકું નહોતું, પણ મહેશ ભટ્ટની અર્થ પછી માહોલ ગરમાઈ ગયો.અર્થ એક સીમાચિહ્નરૂપ ફિલ્મ છે, જે હિન્દી સિનેમાના તમામ પ્રેમીઓએ અવશ્યપણે જોવી જોઈએ. હજુ સુધી જોઈ ન હોય તો હવે જોઈ લેજો. યુટ્યુબ પર આખેઆખી ફિલ્મ અવેલેબલ છે. સ્ટોરી એવી છે કે પૂજા (શબાના આઝમી)ના પતિ ઇન્દર (કુલભૂષણ ખરબંદા)નું કવિતા (સ્મિતા પાટિલ) સાથે એક્સ્ટ્રામેરીટલ અફેર ચાલી રહ્યું છે. શબાના સ્મિતાને બહુ વીનવે છે, આજીજી કરે છે. માનસિક રીતે બીમાર અનેતીવ્ર અસલામતી અનુભવી રહેલી સ્મિતા આખરે કુલભૂષણ ખરબંદા સાથેનો છેડો ફાડી નાખે છે. કુલભૂષણ શબાના પાસે પાછો ફરે છે. શબાનામાંહવે આત્મસન્માન અને આત્મવિશ્વાસ બન્ને જાગી ચુક્યા છે. એ કુલભૂષણને સવાલ કરે છેઃ ધારો કે મારે કોઈ પરપરુષ સાથે સંબંધ હોત અને જો હું તારી પાસે પાછી ફરી હોત તો શું તું મને સ્વીકારી લે? ઇન્દર કહે છેઃ ના. શબાના આટલું જ કહે છેઃ ગુડબાય ઇન્દર.. અને પછી પીઠ ફેરવીને જતી રહે છે. ફિલ્મ અહીં પૂરી થાય છે. 

અર્થ સાઇન કરતી વખતે સ્મિતા સારી રીતે જાણતાં હતાં કે ઓડિયન્સની સહાનુભૂતિ અબળા પત્નીનો રોલ કરી રહેલી શબાનાને મળવાની છે,આમ છતાંય એમણે પરસ્ત્રીનું કિરદાર ભજવવાનું પસંદ કર્યું. સ્મિતાની આ પસંદગીને કારણે સૌને નવાઇ લાગી હતી, પણ સ્મિતાએ અધર વૂમનના પાત્રમાં પડકાર જોયો. અર્થ મૂળભૂત રીતે શબાનાની ફિલ્મ છે તે હકીકતથી વાકેફ હોવા છતાં એમણે એટલું કમાલનું પર્ફોર્મન્સ આપ્યું કે નર્વસ બ્રેકડાઉનની ધાર પર પહોંચી ગયેલી ઇન્સિક્યોર પારકી સ્ત્રીના પાત્રને અવિસ્મરણીય બની ગયું.અર્થનો પેલો પાર્ટી સીન ખૂબ વખણાયો છે. એક મહેફિલમાં ભયાનક માનસિક પીડા અનુભવી રહેલી શબાના દારૂના નશામાં ધમાલ કરે છે અને સ્મિતાને વેશ્યા સુધ્ધાં કહી બેસે છે. મહેશ ભટ્ટે કહે છે,‘આ સીન અમે મોડી સાંજે ભારે ઉતાવળમાં શૂટ કર્યો હતો, કારણ કે ફિલ્મનું બજેટ સાવ પાંખું હતું અને એકસ્ટ્રા કલાકારોને અમે ઓવર-ટાઇમના પૈસા આપી શકીએ એમ નહોતા. સ્મિતાએ એ અરસામાં અમિતાભ બચ્ચનની શક્તિ ફિલ્મ સાઇન કરી હોવાથી એકાએક સ્ટાર ગણાવા લાગી હતી. કદાચ એટલે જ પેલા પાર્ટી સીન વખતે એને અવઢવ થઈ રહી હતી. આ આખા દશ્યમાં શબાના એને બધાની બચ્ચે ભચંકર અપમાનિત કરે છે, પણ સ્મિતા કશું જ રિએક્ટ કરતી નથી. મુદ્દો એ હતો કે જે સ્ત્રી શરાબના નશામાં ચકચૂર હોય, જેનો પતિ એને છોડીને જતો રહ્યો હોય અને જેપરસ્ત્રીને ભાંડતી વખતે ખુદને પણ અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી હોય એની સામે તમે શું રિએક્શન આપી શકો? સ્મિતાના ગળે મારી આ વાત ઉતરી ગઈ અને એણે કશો જ વિરોધ વગર આ સીન શૂટ કર્યો.

આ ફિલ્મ માટે શબાનાને નેશનલ અવોર્ડ મળ્યો. તે સાથે જ શબાના-સ્મિતા વચ્ચેનું કોલ્ડ વોર વધારે તીવ્ર બની ગયું. છંછેડાયેલી સ્મિતાએ આક્ષેપ કર્યો કે મહેશ ભટ્ટે આ ફિલ્મમાં મારા રોલ કરતાં શબાનાના રોલને વધારે મજબૂત બનાવીને મને છેતરી છે. કેટલાય અઠવાડિયાઓ સુધી સ્મિતાએ મહેશ ભટ્ટ સાથે વાત ન કરી. આખરે એક દિવસ આકસ્મિકપણે પાર્ક હોટલનાં પગથિયાં પર બન્ને આમનેસામને થઈ ગયાં. સ્મિતાએ બખાળા કાઢાવાનું શરૂ કરી દીધું. મહેશ ભટ્ટે એને કહ્યું, મારી આંખોમાં જો. હું તને સાવ સાચું કહું છું. તારી સાથે મેં કોઈ અપ્રામાણિકતા કરી નથી. તને નીચા દેખાડવાનો મારો કોઈ ઇરાદો નહોતો. એક ફિલ્મમાં બબ્બે ધરખમ અભિનેત્રીઓનાં કિરદારો વચ્ચે સંતુલન જાળવવામાં,બન્નેની પ્રતિભાને પૂરતો ન્યાય મળે એવી રીતે ફિલ્મ બનાવવામાં કદાચ હું જ કાચો પડ્યો છું. આ સાંભળીને સ્મિતાની આંખો છલકાઈ ઉઠી. એ જોરથી મહેશ ભટ્ટને ભેટી પડી અને કહ્યું, મારે તારું શું કરવું?આઇ કાન્ટ ઇવન હેટ યુ!’

....અને બસ, સ્મિતા અને મહેશ ભટ્ટ વચ્ચે પાછી દોસ્તી થઈ ગઈ.

મિડીયાની વાતને બઢાવીચઢાવીને રજૂ કરવાની આદતને કારણે શબાના-સ્મિતા વચ્ચેનું યુદ્ધ હતું તેના કરતાં વધારે વિકરાળ લાગતું ગયું. ફિલ્મો વિશે લખતા પત્રકારોમાં રીતસર બે છાવણી પડી ગઈ હતી. શબાના-સ્મિતા વચ્ચે ક્યારેય દોસ્તી ન થઈ શકી એનું એક કારણ મિડીયાની એકધારી ચંચૂપાત પણ હતું. એક સામાન્ય મત એવો હતો કે  મિડીયાના દાવપેચ સ્મિતાને બહુ સમજાતા નહીં, જ્યારે શબાના પત્રકારોને ખાસ્સી ચતુરાઈથી હેન્ડલ કરી શકતાં. શબાનાના કવિ પતિ કૈફી આઝમી અને અભિનેત્રી માત્રા શૌકત આઝમી પોતપોતાની રીતે સેલિબ્રિટી હતાં. હાઇ-પ્રોફાઇલ લાઇફ શબાનાએ નાનપણથી બહુ નજીકથી જોઈ હતી. ડિરેક્ટરો-પ્રોડ્યુસરોને પોતાની બાજુ કરી લેવામાં સ્મિતા કાચાં પડતાં, જયારે આ મામલામાં પણ શબાના વધારે ઉસ્તાદ હતાં. ફિલ્મમેકર શ્યામ બેનેગલ, સ્મિતા પાટિલ માટે ભોળીભટાક શબ્દ વાપરે છે.શબાના-સ્મિતા વચ્ચેની ચડસાચડસી વિશે મહેશ કહે છે,પોતાને ઉડવા માટે ખુલ્લું આકાશ મળે તે માટે બે અત્યંત પ્રતિભાવંત અભિનેત્રીઓ વચ્ચે થયેલો એ સંઘર્ષ હતો. ઘણી વાર ક્રિયેટિવ એનર્જી માણસને આક્રમક બનાવી દેતો હોય છે. શબાના અને સ્મિતા બન્નેને એકબીજાની ટેલેન્ટ માટે ખૂબ માન હતું. સ્મિતાએ જોકે ક્યારેય કબૂલ ન કર્યું કે શબાનાને કારણે એની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે, પણ શબાના ચોક્કસપણે કબૂલ કરતી કે સ્મિતાને કારણે પોતે ડિસ્ટર્બ્ડ રહે છે. મને યાદ છે,સ્મિતાના દેહાંત પછી શબાનાએ જાહેરમાં કહેલું કે હું હવે દરિદ્ર થઈ ગઈ છે, કેમ કે મારી સામે હવે હરીફાઈ રહી નથી, મને શ્રેષ્ઠ આપવા માટે મજબૂર કરી દે એવી કોઈ પ્રતિસ્પર્ધી રહી નથી. મને નથી લાગતું કે ભારતની બીજી કોઈ ટોચની અભિનેત્રીએ આટલી પ્રામાણિક કબૂલાત ક્યારેય કરી હોય.’

સ્મિતાને કારણે શબાનાને પડકાર અને પ્રેરણા બન્નેનો અનુભવ થતો. બન્નેને ભલે એકબીજા સાથે બનતું નહીં, પણ એકમેકના પરિવાર પ્રત્યે તેઓ ખૂબ આદરભાવ ધરાવતાં. શબાના એક કિસ્સો અવારનવાર કહે છે. બાઝાર (1982)નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આખું યુનિટ કોઈ હોટલમાં ઉતર્યું હતું. સ્મિતા લીડ હિરોઈન હતી એટલે સૌથી મોટો કમરો એને આપવામાં આવેલો. ફિલ્મમાં શબાનાનાં મમ્મી શૌકત આઝમીની પણ એક નાની ભુમિકા હતી. સ્મિતાને ખબર પડી કે શૌકત શૂટિંગ માટે આવવાનાં છે અને સૌની સાથે આ હોટલમાં ઉતરવાનાં છે. એમણે તરત પોતાનો કમરો ખાલી કરી આપ્યો અને ચુપચાપ નાના કમરામાં શિફ્ટ થઈ ગયાં. એમનો આગ્રહ હતો કે શૌકત આઝમી સિનિયર એકટ્રેસ છે, શબાનાનાં મમ્મી છે એટલે હોટલનો સૌથી સારો કમરો તો એમને જ મળવો જોઈએ!

સામે પક્ષે સ્મિતાના પરિવારને પણ શબાના પર પૂરો ભરોસો હતો. સ્મિતાનો દીકરો પ્રતીક શબાનાને માસી કહીને બોલાવે છે. સ્મિતાના દેહાંતના બહુ વર્ષો બાદ એના પરિવારે એક વાર શબાનાને કહેલું કે બેટા, પ્રતીકની કરીઅરનું ધ્યાન હવે તારે જ રાખવાનું છે!

છેલ્લા શ્વાસ લીધા ત્યારે સ્મિતા પાટિલની ઉંમર 31 વર્ષ હતી. ફક્ત 31 વર્ષ!  સ્મિતાની જીવનરેખા જો લંબાઈ હોત એમણે કેવા કમાલનાં પર્ફોર્મન્સીસ આપ્યાં હોત અને શબાના સાથેની સ્પર્ધાએ કેવાં નવાં નવાં પરિમાણો ધારણ કર્યાં હોત તે કેવળ એક કલ્પનાનો વિષય છે.અણઉકેલ્યા કોયડાને ઉકેલવાનો તરવરાટ


સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 11 એપ્રિલ 2018 

કોલમઃ ટેક ઓફ                      

એવરેસ્ટના ભાવિ વિજેતાઓ' એડમન્ડ હિલેરી અને તેનઝિંગ ઓછામાં ઓછી તકલીફ સાથે ચઢાણ કરી શકે તે માટે એમની ટીમના બાકીના સભ્યોએ કેટલો જબરદસ્ત પરિશ્રમ કર્યો હશે, એકબીજા સાથે કેટલું સોલિડ કો-ઓર્ડિનેશન કર્યુ હશે! પાક્કી ખબર હોય કે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવાનું નથી, છતાંય બીજી કોઈ વ્યક્તિને સફળતા અને યશ મળે તે માટે ખુદના જીવને જોખમમાં મૂકવા માટે કેટલી પ્રચંડ નૈતિક તાકાત જોઈએ!


ફળતા એકાકી નથી હોતી. વ્યક્તિગત લાગતી સફળતા પણ સંપૂર્ણપણે વ્યક્તિગત હોતી નથી. સફળ માણસને સિદ્ધિની સપાટી સુધી પહોંચાડવા માટે કેટલાય લોકોએ મદદ કરી હોય છે, ભોગ આપ્યો હોય છે, એમના માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી આપ્યું છે. એમના નક્કર યોગદાન વગર જે-તે વ્યક્તિ સિદ્ધિ ન મેળવી શકી હોત તેવું ચોક્કસ બને. બને છે એવું કે સફળતાના ઝળહળાટમાં એકલી મુખ્ય વ્યક્તિ જ પ્રકાશિત થતી રહે છે, બીજાઓ પશ્ચાદભૂમાં ધકેલાઈ જાય છે.

29 મે 1953ના રોજ સવારે સાડા-અગિયાર વાગે માઉન્ટ એવરેસ્ટ પર સૌથી પહેલી વાર પગ મૂકીને અમર થઈ જનાર એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોર્કેને આખી દુનિયા ઓળખે છે, પણ આ બન્નેને લિટરલી સિદ્ધિના શિખર પર પહોંચાડનાર માર્ગદર્શક કોણ હતા? એવું તો ન જ હોયને કે એક સુંદર સાંજે દારૂ પીતાં પીતાં હિલેરી-તેનઝિંગ નક્કી કરે કે હાલો હાલો, એવરેસ્ટ ચડી આવીએ અને બીજા દિવસે તેઓ થેલો ભરીને ઉપડી જાય ને સટ સટ સટ કરતાં હિમાલયનું સર્વોચ્ચ શિખર સર કરી નાખે! ઉત્તમોત્તમ કક્ષાના સાહસ માટે ઉત્તમોત્તમ કક્ષાની તૈયારી કરવી પડે, ઉત્તમોત્તમ કક્ષાનું માર્ગદર્શન મેળવવું પડે.

એવરેસ્ટ-આરોહણની ગતિવિધિઓ તો છેક 1907માં શરૂ થઈ ચૂકી હતી, હિલેરી-તેનઝિંગે સિદ્ધિ મેળવી એનાં 46 વર્ષ પહેલાં! દુનિયાભરના સાહસવીરોએ એવરેસ્ટ સર કરવાની કોશિશ કરી હતી. એવરેસ્ટની ઊંચાઈ 29,૦35 ફૂટ અથવા 8848 મીટર જેટલી છે. એડવર્ડ નોર્ટન નામનો એક પર્વતારોહક તો છેક 28,150 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગયો હતો. અહીંથી શિખર ફક્ત 879 ફૂટ દૂર હતું, પણ વધારે સમય ટકી શકાય તેમ નહોતું એટલે એણે પાછા વળી જવું પડ્યું હતું. મેલોરી અને ઇરવિન નામના અન્ય બે સાહસિકોએ આ સાહસ દરમિયાન જીવ ગુમાવ્યો હતો, પણ એક શક્યતા એવી છે કે તેઓ કદાચ ઓલરેડી એવરેસ્ટ સર કરી ચુક્યા હતા અને પાછા ફરતી વખતે તેમનું મોત થયું. ઇન ધેટ કેસ, એવરેસ્ટ પર સૌથી પહેલી વાર પગ મૂકનાર માનવી મેલોરી અને ઇરવિન ગણાય, હિલેરી અને તેનઝિંગ નહીં!
John Hunt

હિલેરી અને તેનઝિંગના 'સાહેબ' કોણ હતા? કોની દોરણવી હેઠળ તેઓ આ સિદ્દિ મેળવી શક્યા? ઉત્તર છે, જોન હન્ટ. એમનો જન્મ ભારતમાં થયો હતો. ટુ બી પ્રિસાઇઝ, શિમલામાં. દસ વર્ષની ઉંમરથી તેમણે પહાડો ખૂંદવાની શરૂઆત કરી દીધી હતી. આગળ જતા તેઓ બ્રિટીશ આર્મીમાં ઓફિસર બન્યા. 1953માં એમને કહેવામાં આવ્યુઃ તમે બ્રિટિશ માઉન્ટ એવરેસ્ટ એક્સપિડીશનની આગેવાની લો. આ આમંત્રણથી એકલા જોન હન્ટને જ નહીં, લાગતાવળગતા ઘણા લોકોને આશ્ર્યર્ય થયું. સૌના મનમાં એમ જ હતું કે આ જવાબદારી એરિક શિપ્ટન નામના સાહસવીરને સોંપવામાં આવશે, કેમ કે એમની પાસે હિમાલચ ચડવાનો અનુભવ હતો. અગાઉ એવરેસ્ટ ચડવા ગયેલી એક બ્રિટીશ ટુકડીનું નેતૃત્ય પણ એરિક શિપ્ટને કર્યું હતું. જોકે એરિકના સાહસવીરોને જોકે સફળતા નહોતી મળી.

ખેર, જોન હન્ટે અમુક અનુભવી અને અમુક ઊભરતા ચુનંદા દસ પર્વતારોહકોની ટીમ તૈયાર કરી. દસ જણામાંથી આઠ અંગ્રેજ હતા, બે ન્યુઝીલેન્ડના હતા. આ ઉપરાંત એક ક્વોલિફાઇડ ડોક્ટર, એક શરીરશાસ્ત્રી હતો અને એક ફોટોગ્રાફર પણ હતો. આ ત્રણેય પોતપોતાનાં ફિલ્ડમાં પ્રોફેશનલ પણ હતા અને સાથે સાથે અઠંગ પર્વતારોહકો પણ હતા!

માણસ જીવની બાજી લગાવીને પહાડો શા માટે ખૂંદતો હશે? માત્ર થ્રિલ માટે? આનો જવાબ જોન હન્ટના શબ્દોમાં જ વાંચવા જેવો છે. પોતાની ટીમ લઈને એવરેસ્ટ-આરોહણ શરૂ કરતાં પહેલં જોન હન્ટે એક લેખ લખ્યો હતો. મહેન્દ્ર મેઘાણીએ તેનો સુંદર અનુવાદ કર્યો છે. 'મિલાપની વાચનયાત્રાઃ 1953' પુસ્તકમાં આ લેખ ઉપરાંત એરિક શિપ્ટને લખેલો ઓર મસ્તમજાનો લેખ પણ સમાવવામાં આવ્યો છે. જોન હન્ટ લખે છેઃ

'કોઈને થશે કે અમે શા માટે આમ પહાડો ચડવા નીકળતા હશું?... હું ધારું છું કે જીવનના હરકોઈ ક્ષેત્રમાં માનવીના પુરુષાર્થની પાછળ જે પ્રયોજન પડેલું હોય છે તે જ અમારા પ્રયાસનું પણ મુખ્ય કારણ ગણાવી શકાયઃ એક અણઉકેલ્યા કોયડાને ઉકેલ શોધવાનો તરવરાટ એ અમારું પ્રયોજન. મનુષ્યે હજી જેની ઉપર પગ ન મૂક્યો હોય તેવું પ્રત્યેક શિખર તે પહાડખેડુઓ માટે એક અણઉકેલ્યા કોયડા સમાન જ છે.'

આગળ લખે છેઃ

'એક વાત હું બિલકુલ સ્પષ્ટ કરી દેવા માગું છું તે એ કે એવરેસ્ટ ઉપર ચડવાની કોઈ હરીફાઈમાં અમે ઊતર્યા હોઈએ એવી ભાવના અમારા અમારા મનમાં સમૂળગી નથી... અવરેસ્ટ પર અમે સૌથી પહેલાં ચડી શકીએ તો તેનો આનંદ તો થાય જ, પણ અમારે મન મહત્ત્વની વાત એવરેસ્ટનો પડકાર ઝીલવાની છે - બીજાઓ સાથે શરતમાં ઊતરવાની નહીં. વળી, સમગ્ર ટુકડીરૂપે અમે આ કોયડો ઉકેલવા નીકળ્યા છીએ, તે છતાં, એવરેસ્ટની ટોચે પ્રથમ પહોંચવાનું સદભાગ્ય પોતાને સાંપડે તેવી ગુપ્ત ઝંખના અમારે દસેયના દિલમાં લપાયેલી ન પડી હોય તો જ તેની નવાઈ લાગે.'

આનાં બે વર્ષ પહેલાં, એટલે કે 1951માં, એરિક શિપ્ટનની ટુકડીએ એવરેસ્ટ સુધી પહોંચવાનો નવો રૂટ ચકાસ્યો હતો. 1952માં એક સ્વિસ ટુકડી આ જ રૂટ પર થઈને લગભગ છેડા સુધી પહોંચી ગઈ હતી. જોન હન્ટ અને એમની ટીમ પણ આ જ રસ્તા પર આગળ વધવા માગવા હતા. જોન હન્ટ સતત એ વાતે સભાન હતા કે આ કંઈ એમનું નવી નવાઈનું સાહસ નથી. જે કથાનો મોટો ભાગ ઓલરેડી આલેખાઈ ચુક્યો છે તેને જ તેમની ટીમે આગળ વધારવાનો છે. અગાઉ એવરેસ્ટ સર કરવાની કોશિશ કરનારાઓએ જે જ્ઞાન અને માહિતી શેર કરી હતી તે બદલ પોતે ઋણી છે એવું તેમણે જાહેરમાં કહેલું. આ નમ્રતા, આ સદભાવના જરૂરી હોય છે કોઈ પણ સફળતાવાંછુ માણસ માટે.


અગાઉના સાહસિકોના અનુભવો પરથી એક વાત સ્પષ્ટ થઈ ચુકી હતી કે 23,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યા પછી જ ખરી મુશ્કેલી શરૂ થાય છે. ક્રમે ક્રમે વધુને વધુ ઊંચાઈના વાતાવરણથી ટેવાતા જવાની (એક્લેમેટાઇઝ થવાની) માણસની ક્ષમતાની અહીં સીમા આવી જાય છે. પછી સ્નાયુઓ ઢીલા પડવા માંડે, ઠંડી સહન કરવાની તાકાત ઘટતી જાય, ભૂખ-તરસ મરી જાય, ઊંઘવાથી પણ મન-શરીરને આરામ ન મળે. પરિણામે માણસની શક્તિ અને સ્ટેમિના સાવ ઓછાં થઈ જાય. માણસ જેમ જેમ ઉપર ચડતો જાય તેમ તેમ એને એવા વાતાવરણનો ભેટો થતો જાય કે જેનાથી તેનું શરીર ક્યારેય ટેવાયેલું હોતું નથી. ભલભલા પવર્તારોહક માટે મનોબળ અને તનોબળ ટકાવી રાખવાનું મુશ્કેલ બનતું જાય. હજારો ફૂટનું અંતર કાપી ચુકેલો માણસ આ છેવટના ચઢાણ દરમિયાન ભાંગી પડતો હોય છે. એવરેસ્ટ શિખર ૨૯,૦35 ફૂટ ઊંચું છે. મતલબ કે અત્યંત વિષય પરિસ્થિતિમાં પર્વતખેડુએ 6,000 ફૂટ ચડવાનું હોય0 23,000 ફૂટની ઊંચાઈ પર પહોંચી ગયા પછી બાકીના 6,000 ફૂટના ચઢાણ માટે પાક્કા ચાર દિવસ અને ત્રણ રાત જોઈએ. રાતવાસો કરવા માટે રસ્તામાં ત્રણ અલગ અલગ જગ્યાએ ટેન્ટ ઊભાં કરવાં પડે. એવરેસ્ટ પર માત્ર ચડવાનું જ નથી, પાછા પણ આવવાનું છે. જતી વખતે જે ટેન્ટ ઊભાં કર્યાં હોય તે વળતી યાત્રા દરમિયાન પણ કામ આવે. જોન હન્ટ લખે છેઃ

'રાતવાસા માટેની આ છાવણીઓ માટે તંબૂઓ જોઈએ, કોથળા-પથારી જોઈએ, ઓઢવાનાં જોઈએ, ખોરાક અને રાંધવાનાં સાધનો જોઈએ ને પર્વતારોહણ માટેનો સરંજામ જોઈએ. આ બધું કાંધે નાખીને 23,000 ફૂટ પછીની ઊંચાઈઓએ પહોંચાડવું જોઈએ... એવરેસ્ટના ભાવિ વિજેતાઓની કાંધ ઉપર જ આ વધુ બોજ લાદીએ તો તો એમનું કાર્ય વધુ અશક્ય જ બને છે. એટલે જેમને ટોચ સુધી જવાનું ન હોય તેવા બીજા માણસો પાસે એ સામાન ઉપડાવવો પડે છે. બહુ ઊંચાઈએ આવેલી છાવણીઓ બને તેટલી નાની રાખવા માટે આ સામાન ઉપાડનારી ટુકડીઓને પણ વારાફરતી મોકલવી પડે છે. અટલે તમામ જરૂરી સરંજામ ઉપર પહોંચાડતા કેટલાંય દિવસનો ગાળો વીતી જાય છે, અને એ સમયગાળો લંબાતો જાય છે કારણ કે એટલી બધી ઊંચાઈએ માણસ બહુ મર્યાદિત બોજો ઉપાડી શકે છે. 25,000 ફૂટ ઉપર ગયા પછી વીસેક રતલનો ભાર જ તેનાની ઉપડે છે.'

વિચાર કરો કે 'એવરેસ્ટના ભાવિ વિજેતાઓ' એટલે કે એડમન્ડ હિલેરી અને તેનઝિંગ ઓછામાં ઓછી તકલીફ સાથે આગળ વધી શકે તે માટે ટીમના બાકીના સભ્યોએ કેટલો જબરદસ્ત પરિશ્રમ કર્યો હશે, એકબીજા સાથે કેટલું સોલિડ કો-ઓર્ડિનેશન કર્યુ હશે! પાક્કી ખબર હોય કે ઇતિહાસમાં મારું નામ નોંધાવાનું નથી, છતાંય હિલેરી અને તેનઝિંગને સફળતા મળે તે માટે પોતાના જીવને જોખમમાં મૂકવા માટે કેટલી પ્રચંડ નૈતિક તાકાત જોઈએ!  

હિલેરી (ઉંમર 33 વર્ષ) અને તેનઝિંગ (42 વર્ષ)ને વિજય અપાવનાર એમના સાથીઓનાં નામ પણ જાણી લોઃ સૌથી પહેલાં તો આ એક્સપિડીશનના ટીમલીડર જોન હન્ટ (42 વર્ષ), પછી બ્રિટિશ લશ્કરી અફસર ચાર્લ્સ વાઇલી (૩૩ વર્ષ), વિલ્ફ્રેડ નોઇસ નામના શિક્ષક અને લેખક (૩૫ વર્ષ), જ્યોર્જ લો નામનો ન્યૂઝીલેન્ડનો શિક્ષક (૨૮ વર્ષ)જ્યોર્જ બેન્ડ નામનો ભૂસ્તરશાસ્ત્રનો વિદ્યાર્થી જે ટીમનો સૌથી જુવાન મેમ્બર હતો (૨૪ વર્ષ), માઇકલ વેસ્ટમેકોટ (૨૮ વર્ષ), થોમસ બર્ડિલોન નામનો રોકેટ સાયન્ટિસ્ટભારત-બર્મામાં લશ્કરી કામગીરી બજાવી ચૂકેલા આલ્ફ્રેડ ગ્રેગરી (૪૦ વર્ષ)ચાર્લ્સ ઇવાન્સ (૩૪ વર્ષ)ટી. આર. સ્ટોબર્ટ નામના પ્રાણીશાસ્ત્રી જે અવ્વલ દરજ્જાનો ફોટોગ્રાફર પણ હતો (૩૫ વર્ષ)માઇકલ વોર્ડ નામનો એક્સપિડીશન ડોક્ટર (૨૮ વર્ષ) અને ગ્રિફિથ પઘ નામના સ્કીઇંગમાં વિન્ટર ઓલિમ્પિક્સ કક્ષાએ ભાગ લઈ ચૂકેલો ઔર એક ડોક્ટર. ઓર એક વાત ધ્યાનમાં લો. આ આખું સાહસ બ્રિટીશરોનું હતું, પણ જે બે જણા યશસ્વી બન્યા એમાંનો કોઈ બ્રિટનનો નહોતો. એડમન્ડ હિલેરી ન્યુઝીલેન્ડનો હતો અને તેનઝિંગ નેપાળી શેરપા હતો!

એવરેસ્ટ સર કરવાનું હિલેરી અને તેનઝિંગ જેટલું કૌવત સંભવતઃ એમના સાથીઓમાં પણ હતું જ, પણ એમની હથેળીની યશરેખા કદાચ આ બન્ને જેટલી બળૂકી નહોતી! સર્વપ્રથમ એવરેસ્ટ-આરોહણની વાત આવે ત્યારે હિલેરી અને તેનઝિંગની સાથે એમના જાબાંઝ સાથીઓનું પણ સ્મરણ કરીએ.
  
0 0 0 

મળો, હિમાલયનાં જાસૂસને...


સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 18 એપ્રિલ 2018 

કોલમઃ ટેક ઓફ                      

કોઈ પણ ક્ષેત્રમાં ઓથોરિટી બનવા માટે માણસે કેટલી શિસ્ત કેળવવી પડે? કેટલી મહેનત કરવી પડે0 કેટલું સાતત્ય જાળવવું પડે?

  
યા અઠવાડિયે આપણે જોન હન્ટ વિશે વાત કરી હતી. જોન હન્ટ એટલે દુનિયાના સર્વોચ્ચ પર્વતીય શિખર માઉન્ટ એવરેસ્ટ પર સૌથી પહેલી વાર પગ મૂકનાર એડમન્ડ હિલેરી અને તેનઝિંગના સિનિયર, આ બન્ને પર્વતારોહકોની જે ટુકડીના સભ્ય હતા, તેના બ્રિટીશ વડા. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવી છે, જેણે એવરેસ્ટનું શિખર તો શું, એવરેસ્ટના બેઝકેમ્પમાં પણ પગ મૂક્યો નથી. આમ છતાંય હિમાલયના એક શિખરનું નામ આ મહિનાના નામ પરથી પાડવામાં આવ્યું છે - પીક હોલી!

આ માનુનીનું આખું નામ છે, એલિઝાબેથ હોલી (એચ-એ-ડબલ્યુ-એલ-ઇ-વાય). ગઈ 26 જાન્યુઆરીએ 94 વર્ષની વયે એમનું અવસાન થયું. એમને જીવતેજીવ 'શેરલોક હોમ્સ ઓફ હિમાલય'નું બિરુદ મળી ગયું હતું. એવું તે શું કર્યું હતું એલિઝાબેથે કે એમને આટલાં બધાં માન-પાન મળ્યાં? વેલ, એલિઝાબેથ મૂળ તો અમેરિકનાં નાગરિક, પણ એમણે જિંદગીના છેલ્લા છ દાયકા કાઠમંડુમાં વીતાવીને હિમાલય-આરોહણનાં તમામ સાહસોનું પાક્કું દસ્તાવેજીકરણ કરવાનું કામ કર્યું. દુનિયાભરના ક્યા પર્વતારોહકે એક્ઝકેટલી કેવી રીતે હિમાલય ખૂંદ્યો, આ સાહસમાં એમને કઈ કક્ષાની સફળતા મળી તે વિશેની ટકોરાબંધ માહિતી એમણે એકત્રિત કરી અને સાચવી. એમણે નેપાળ, ભારત અને ચીનમાં પડતાં હિમાલયનાં 340 જેટલાં શિખરો પર થયેલાં આશરે 80,000 આરોહણો વિશે વિસ્તૃત નોંધ તૈયાર કરી છે... અને આ 2011ના આંકડા છે! છેલ્લાં સાત વર્ષમાં ઉમેરાયેલી વિગતો નોખી! ક્યાંક કશોક વિવાદ થાય કે એટલે તરત એલિઝાબેથના ડેટાબેઝને રિફર કરવામાં આવે. એલિઝાબેથે જે લખ્યું હોય એ ફાયનલ. કોઈ પણ ક્ષેત્રમાં આ પ્રકારની અધિકૃતતા તેમજ વિશ્વસનીયતા હાંસલ કરવા માટે કઈ કક્ષાની શિસ્ત, ખંત અને મહેનત જોઈએ? અમેરિકામાં જન્મેલાં અને ઊછરેલાં એલિઝાબેથ મૂળ તો પત્રકાર. 1957માં, 33 વર્ષની ઉંમરે તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તે વખતે તેઓ વિખ્યાત 'ફોર્ચ્યુન' મેગેઝિન સાથે સંકળાયેલાં હતાં. રાજીનામું શા માટે આપ્યું? કોઈ પણ પ્રકારના ભાર વગર, રજાઓ ખતમ થવાની ચિંતા કર્યા વગર દુનિયા ખૂંદી શકાય તે માટે! ન્યુ યોર્કના પોશ મેનહટન વિસ્તારમાં તેમને ગૂંગળામણ થવા માંડી હતી. એમના મનમાં એવું પણ હતું કે દુનિયાભરમાં ફરીશ તો કદાચ કરીઅર માટે બીજાં વિકલ્પો પણ નજરમાં આવશે. પશ્ચિમી સમાજના એક મોટા વર્ગનો આ પ્લસ પોઇન્ટ છે. તેઓ ઘર અને નોકરીને લઈને બેસી રહેતા નથી. એકની એક ઘરેડમાં, વાસી થઈ ગયેલા કમ્ફર્ટ ઝોનમાં જીવ્યા કરતા નથી. આર્થિક કે સામાજિક અસલામતીની ચિંતા કર્યા વિના તેઓ પ્રવાસી બનીને, ખભે થેલો ભરાવીને વિશ્વભ્રમણ કરવા નીકળી પડે છે. બે મહિના, છ મહિના, એક વર્ષ, ક્યારેક તો પાંચ-સાત-દસ વર્ષ! બસ, વર્તમાનમાં જીવવાનું, જે કોઈ દેશમાં હોય ત્યાંની સંસ્કૃતિ વિશે જાણકારી મેળવવાની, મિત્રો બનાવવાના, જરૂર પૂરતું થોડુંઘણું કમાઈ લેવાનું, જે-તે સમાજની લાઇફસ્ટાઇલને સમજવાની કોશિશ કરવાની અને ખુદની આંતરિકતા સમૃદ્ધ કરતા જવાનું.    

એલિઝાબેથ આ માનસિકતા સાથે 1957-59 દરમિયાન ખૂબ ફર્યાં. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન યુરોપ, સોવિયેત યુનિયન, મિડલ ઇસ્ટ, નોર્થ આફ્રિકા, સાઉથ એશિયા વગેરે. આટલાં બધાં પ્રદેશોમાંથી તેઓ કોણ જાણે કેમ પણ નેપાળના કાઠમંડુ શહેરે એમને સૌથી વધારે પ્રભાવિત થયાં. અમેરિકા પાછાં ફરતી વખતે તેમણે મનોમન નિર્ણય કરી લીધોઃ હું કાઠમંડુ પાછી જરૂર આવીશ!

આ ઠાલો વિચાર નહોતો. એક વર્ષ પછી એલિઝાબેથ ખરેખર કાઠમંડુ પાછાં આવ્યાં. બસ, આવ્યાં તે આવ્યાં. કાઠમંડુને એમણે પોતાનું વતન બનાવી દીધું. અહીં તેમણે બે બેડરૂમનો એક મસ્તમજાનો ફ્લેટ પહેલાં ભાડે લીધો હતો, જે પછી ખરીદી લીધો. આ જ ફ્લેટમાં તેમણે જિંદગીનાં બાકીનાં 58 વર્ષ ગાળ્યાં! તેઓ રોઇટર ન્યુઝ એજન્સીના પ્રતિનિધિ તરીકે કાઠમંડુમાં બેઠાંબેઠાં રિપોર્ટ્સ મોકલતાં. પછી તો 'ધ ન્યુ યોર્ક ટાઇમ્સ' સહિતનાં દુનિયાભરનાં કેટલાંય છાપાં-મેગેઝિનોમાં લખતાં.

આ બધું તો જાણે બરાબર છે, પણ સવાલ એ છે કે એમને હિમાલય વિશે લખવાનો નાદ કેવી રીતે લાગ્યો? બન્યું એવું કે 1963માં અમેરિકાની સર્વપ્રથમ ટુકડી એવરેસ્ટ સર કરવા કાઠમંડુ આવી હતી. તોતિંગ રસાલો હતો - 18 પર્વતારોહકો અને તેમનો સામાન ઊંચકવા માટે 900 જેટલા પોર્ટરો0 રોઇટરના સાહેબોએ એલિઝાબેથને અસાઇન્મેન્ટ આપ્યુઃ લિઝ, તારે આ અમરિકન એક્સપિડીશન કવર કરવાનું છે. લિઝ કહેઃ ઓકે. કાઠમંડુમાં તે વખતે બીજા ત્રણ વિદેશી પત્રકારો પણ આ સાહસ કવર કરવા માટે આવ્યા હતા. એલિઝાબેથે નક્કી કરી લીધું કે આપણી સ્ટોરી એક્સકલુઝિવ જ હોવી જોઈએ. તેમણે અમેરિકન એમ્બેસીનાં પોતાનાં કનેક્શન્સનો ઉપયોગ કરીને એવું સેટિંગ કરી નાખ્યું કે જેથી પર્વતરોહકોનું રેડિયો કમ્યુનિકેશન પોતે લાઇવ સાંભળી શકે. હરીફ પત્રકારો ગાફેલ રહી ગયા. એવરેસ્ટ તરફ આગળ વધી રહેલા પર્વતારોહકો રેડિયો દ્વારા જે બાતમી આપતા હતા અને બેઝકેમ્પ પરથી એમને જે રીતે સૂચનાઓ અપાતી હતી તે સમગ્ર દિલધડક ઘટનાક્રમનાં એલિઝાબેથ સાક્ષી રહ્યાં. આ રીતે એકઠી કરેલી માહિતીના આધારે એમણે જે અહેવાલ તૈયાર કર્યો તે અફલાતૂન ન બને તો જ નવાઈ. જુદા જુદા રિપોર્ટરોને તંત્રીસાહેબ રાજકારણ, ક્રાઇમ, શિક્ષણ, મનોરંજન જેવી અલગ અલગ બીટ (ક્ષેત્ર) સોંપતા હોય છે. 1963ના અમેરિકન એક્સપિડીશનને કારણે એલિઝાબેથને પોતાની બીટ મળી ગઈઃ હિમાલય!


એલિઝાબેથે પછી હિમાલય ખૂંદવા માટે આવનારા એકેએક પર્વતારોહકોનું ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કર્યું. હિમાલયનાં જુદા જુદા શિખરો સર કરવા માટે કયા દેશમાંથી કઈ ટુકડી ક્યારે આવવાની છે તે બધું અગાઉથી નક્કી થયેલું હોય છે. જરૂરી સરકારી પરવાનગી મળે તે પછી જ એક્સપિડીશન પર નીકળી શકાતું હોય છે. પર્વતારોહકોને પરવાનગી આપતી નેપાળની ટુરિઝમ મિનિસ્ટ્રી, પર્વતારોહણ માટેની જુદી જુદી સંસ્થાઓ, એજન્સીઓ, હોટલો સહિતની સઘળી જગ્યાએ એલિઝાબેથનાં સોલિડ કોન્ટેક્ટ. કઈ ફ્લાઇટમાં ક્યો પર્વતારોહક કાઠમંડુ પહોંચવાનો છે અને એરપોર્ટ પરથી એ કઈ હોટલમાં જવાનો છે તેની આગોતરી માહિતી એલિઝાબેથ પાસે પહોંચી ગઈ હોય. આથી કેટલીય વાર એવું બને કે પર્વતારોહકે હજુ તો હોટલમાં પગ મૂક્યો હોય, ખભા પરથી બેગ પણ નીચે ઊતારી ન હોય અને હાથમાં રૂમની ચાવી પણ આવી ન હોય ત્યાં રિસેપ્શનિસ્ટ એને સંદેશો આપેઃ મિસ્ટર સો-એન્ડ-સો, તમારા માટે મિસ એલિઝાબેથ હોલીનો ફોન છે! રિસેપ્શન કાઉન્ટર પરથી આગંતુક પર્વતારોહક ફોન પર વાત કરે એટલે એલિઝાબેથ પોતાની ઓળખાણ આપીને મુદ્દાની વાત કરેઃ મારે તમારો ઇન્ટરવ્યુ કરવો છે. બોલો, ક્યારે ફાવશે? આજે કે પછી કાલે સવારે?

ત્યાર બાદ નક્કી કરેલા સમયે એલિઝાબેથ પોતાની આસમાની કલરની ક્યુટ ફોક્સવેગન બીટલ કારમાં હોટલ પહોંચી જાય. હોટલની લોબી કે ગાર્ડનમાં એ પર્વતારોહક પર સવાલોની ઝડી વરસાવવાનું શરૂ કરેઃ તમારું બેકગ્રાઉન્ડ શું છે, અગાઉ ક્યાં શિખરો સર કર્યાં છે, હિમાલયનું કયું શિખર કઈ તારીખે અને કેવી રીતે સર કરવાનું તમે પ્લાનિંગ કર્યું છે, વગેરે. માત્ર પર્વતારોહકો જ નહીં, સામાન ઉપાડનારા અને રસ્તો દેખાડનારા ક્યા ક્યા શેરપા સાથે જવાના છે તેની માહિતી પણ એલિઝાબેથ નોંધી લે. પ્રત્યેક વ્યક્તિને એ એક રેફરન્સ નંબર આપે કે જેથી ફોલો-અપ કરવામાં સરળતા રહે.

ના, વાત અહીં પૂરી થતી નથી. એલિઝાબેથ પ્રત્યેક વ્યક્તિ દીઠ બે પ્રકારની માહિતી એકઠી કરેઃ 'ઓન અરાઇવલ' અને 'ઓન રિટર્ન' એટલે કે સાહસ શરૂ કરતાં પહેલાંની માહિતી અને સાહસ કરી લીધા પછીની માહિતી! પ્રત્યેક પર્વતારોહક હિમાલય ચડીને પાછો ફરે એટલે એલિઝાબેથ પ્રત્યેકનો નવેસરથી ઇન્ટરવ્યુ લેઃ તમારું ફલાણા ફલાણા શિખર પર જવાનું પ્લાનિંગ હતું એમાંથી કેટલું કરી શક્યા? શું ન કરી શક્યા? શા માટે? એલિઝાબેથ પર્વતારોહણના રુટની પાક્કી વિગતો અને ફોટા પણ માગે. એક્ઝેક્ટલી કઈ ઊંચાઈએ ક્યારે પહોંચ્યા તે સઘળી ડિટેલ્સ કઢાવે. કોઈ પર્વતારોહક જુઠું બોલતો હોય તો એલિઝાબેથ તરત પકડી પાડે. કેટલા લોકો એક્સપિડીશન પૂરું કરી શક્યા, કોણ સાહસ અધૂરું મૂકીને વહેલા પાછા આવી ગયા, કેટલા મૃત્યુ પામ્યા વગેરે જેવી તમામ વિગતો એલિઝાબેથ પાસે નોંધાયેલી હોય. એટલેસ્તો દુનિયાભરનાં પર્વતારોહકો ઉપરાંત મિડીયા, સ્કોલરો, સંશોધકો તેમજ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનો હિમાલયમાં થયેલાં આરોહણોના મામલામાં એલિઝાબેથે તૈયાર કરેલા ડેટાબેઝને સર્વશ્રેષ્ઠ અને અંતિમ માને છે.

એલિઝાબેથ સ્વભાવે આકરાં. તડ ને ફડ કરનારાં. નેપાળના શાહી પરિવાર અને ટોચના રાજકારણીઓ સાથે તેમણે ઘરોબો કેળવ્યો હતો. કાઠમંડુમાં યોજાતી હાઇ પ્રોફાઇલ પાર્ટીઓમાં એલિઝાબેથની હાજરી અનિવાર્ય ગણાતી. એમણે હિમાલયનું એક પણ શિખર સર નહોતું કર્યું તો પણ હિમાલયન માઉન્ટેનિયરીંગ કમ્યુનિટીમાં એમની એક પ્રકારની ધાક વર્તાતી! એલિઝાબેથ આજીવન અપરિણીત રહ્યાં. જોકે માઉન્ટ એવરેસ્ટ પર સૌથી પહેલી વાર પગ મૂકનાર એડમન્ડ હિલેરી સાથે એમનો રોમેન્ટિક સંબંધ હતો તેવી ગોસિપ ખાસ્સી ઉડી હતી. એલિઝાબેથના જીવન પરથી એક પુસ્તક પણ લખાયું છેઃ 'કીપર ઓફ ધ માઉન્ટન્સઃ ધ એલિઝાબેથ હોલી સ્ટોરી'. 

આમજનતાને એલિઝાબેથ હોલીએ તૈયાર કરેલો ડેટાબેઝ ભલે ઉપયોગી ન બને, પણ જ્યાં સુધી હિમાલય ખૂંદનારાઓ પેદા થતા રહેશે ત્યાં સુધી એમણે તૈયાર કરેલો વિશદ ડેટાબેઝ રિલેવન્ટ રહેશે. બાય ધ વે, એલિઝાબેથે પોતાના આસિસ્ટન્ટ્સને પૂરતી તાલીમ આપી દીધી હતી કે જેથી એમના મૃત્યુ પછી પણ ડેટાબેઝ અપડેટ કરવાનું કામ ચાલતું રહે!


0 0 0