Wednesday, January 30, 2019

ગોડસેએ શું કહ્યું?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 30 જાન્યુઆરી 2019 બુધવાર

ટેક ઓફ 
ગાંઘીજી હંમેશાં સહનશીલ હિંદુઓને જ કચડતા… કોંગ્રેસે અદભુત નપુંસકતા દેખાડી અને તે કોઈ સ્થાને હિંદુઓની રક્ષા ન કરી શકી. ગાંધીજી મુસલમાનોનો પક્ષ લેતા રહ્યા. જે લાખો હિંદુઓ લૂંટાયા, મરાયા, નષ્ટ થયા, આ ગાંધીજીએ એમને સારુ એક શબ્દ પણ ન કહ્યો.

રાબર 71 વર્ષ પહેલાં આજના જ દિવસે, એટલે કે 30 જાન્યુઆરીએ, સાંજે પાંચ વાગીને 17 મિનિટે નાથુરામ વિનાયક ગોડસેએ બંદૂકની ત્રણ ગોળી છોડીને ગાંધીજીને હણી નાખ્યા હતા.  
ગોડસેની દષ્ટિએ ગાંધીજીનો સૌથી મોટો દોષ શો હતો? એ જ કે તેઓ હંમેશાં મુસલમાનોનો પક્ષ તાણતા ને હિંદુઓને અન્યાય કરતા હતા. ગાંધીજીને હિંદુઓમાં અનેક દોષ દેખાતા, પણ મુસલમાનોમાં એકેય દોષ દેખાતો નહીં. ગોડસેનો આક્ષેપ હતો કે ગાંધીજી કહેતા એક અને પછી કરતા કંઈક બીજું જ. ગોડસેએ ગાંધીજીની સત્યનિષ્ઠાને પડકારી હતી. પોતે કરેલી ગાંધીહત્યાને જસ્ટિફાય કરતું 90 પાનાંનું નિવેદન એણે પછી અદાલતમાં પેશ કર્યું હતું. મારું જીવન એ જ મારી વાણી શીર્ષક હેઠળ ગાંધીજીની અદભુત જીવનચરિત્ર આલેખનાર નારાયણ દેસાઈ જીવ થકી શિવ ગયો નામના પ્રકરણમાં લખે છેઃ
ગોડસેના નિવેદનમાં સારા વકતૃત્વની અસરકારકતા હતી તેથી સિમલાની હાઇકોર્ટમાં જસ્ટિસ ખોસલાએ કહ્યું હતું કે તે દિવસે અદાલતમાં જે દર્શકો હાજર હતા તેમને જો જ્યૂરી બનાવવામાં આવ્યા હોત તો તેઓ ગોડસેને નિર્દોષ જાહેર કરત!’
બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો નાથુરામ ગોડસે અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં હતો. પછી એને છોડીને હિંદુ મહાસભામાં આવી ગયેલો. નારાયણ દેસાઈએ મારું જીવન એ જ મારી વાણીમાં ગોડસેના નિવેદનમાંથી કેટલાય ફકરા વિસ્તારપૂર્વક ટાંક્યા છે. એના કેટલાક અંશ પર નજર ફેરવવા જેવી છે. ગોડસે કહે છેઃ 
એ દિવસોમાં એવી ઘટનાઓ થઈ કે મેં માની લીધું કે સાવરકરજી અને બીજા નેતા મારી નીતિને ટેકો નહીં આપે... ગાંઘીજી જ્યારે દિલ્હી આવ્યા ત્યારે હરિજન કોલોનીમાં (ગોડસેએ અહીં હરિજન માટે વપરાતો બે અક્ષરનો અપમાનજનક શબ્દ લખ્યો છે) મંદિરમાં પ્રાર્થનાસભામાં પૂજારીઓ અને જનતાના વિરોધ છતાંય કુરાનની આયતો વાંચી પણ તેઓ કદી કોઈ મસ્જિદમાં ગીતા વાંચવા ન પામ્યા. તેઓ હંમેશાં સહનશીલ હિંદુઓને જ કચડતા. મેં ગાંધીજીના એ વિચારનો નાશ કરવાનું નક્કી કર્યું કે હિંદુ સહનશીલ હોય છે. હું એ સિદ્ધ કરવા માગતો હતો કે હિંદુનું અપમાન થાય છે ત્યારે તે પણ સહનશીલતા છોડી શકે છે.
...મને અને મારા મિત્રોને સાવરકરજીના (આ) વિચારો સંતોષજનક ન લાગ્યા. અમે હિંદુ જાતિના હિતમાં સાવરકરજીના નેતૃત્વને છોડવાનું ઠરાવ્યું... મને બધા પક્ષોની મિશ્ર સરકાર બને એની સામે વિરોધ નહોતો પણ કોંગ્રેસ ગાંધીજીના ઈશારા મુજબ ચાલતી હતી અને કોઈ બાબત સરકાર એમની ન માને તો તેઓ ઉપવાસ કરવાની ધમકી આપતા. અને સરકારમાં કોંગ્રેસનો બહુમત તો નક્કી જ હતો અને એ પણ નક્કી હતું કે એ સરકાર ગાંધીજીની આજ્ઞા મુજબ ચાલશે અને એ બધાને લીધે હિંદુઓ પર અન્યાય થતો રહેવાનો એ નક્કી જ હતું.
અમારી પાસે બે જ કાર્યક્રમો હતા. ગાંધીજીની સભાઓમાં શાંતિપૂર્વક વિરોધી દેખાવો કરવા અને જેમાં હિંદુ વિરોધી ભાષણો થતાં હોય તે સભાઓ થવા જ ન દેવી... મને કહેવામાં આવે છે કે મે જં કાંઈ કર્યું છે તે સાવરકરના ઈશારાને લીધે જ કર્યું છે. આ મારા વ્યક્તિત્ત્વનું, મારા  કાર્યનું અને નિર્ણયશક્તિનું અપમાન છે. વીર સાવરકરને મારા આ કાર્યક્રમની જરાય જાણ નહોતી કે જેને આધારે મેં ગાંધીનો વધ કર્યો.
ગોડસેએ પોતાના નિવેદનમાં ગાંધીજી પર જે સીધા આક્ષેપો કર્યા હતા તે જાણવા જેવા છેઃ
...આ મહાત્માના 30 વર્ષના નેતૃત્વમાં એવાં એવાં કાળાં કામો થયાં જેવાં પહેલાં કદી નહોતાં થયાં. વધુમાં વધુ મંદિરોને અપવિત્ર કીધાં. વધુમાં વધુ લોકોને મુસલમાન બનાવ્યા અને વધુમાં વધુ સ્ત્રીઓનાં અપમાન થયાં. ગાંધીજી તો શિવાજી, (મહારાણા) પ્રતાપ અને ગુરુ ગોવિંદસિંહ આગળ કાંઈ નહોતા. તેઓ એ વીરોની નીંદા કરતા એ એમની મર્યાદાની બહારનું અને અનુચિત કામ હતું.
ગાંધી એક હિંસક શાંતિમૂર્તિ હતા, જેમણે સત્ય અને અહિંસાને નામે દેશ પર ઘોર આપત્તિઓ નોતરી. ગાંધીજીના મનમાં હિંદુ અને મુસલમાન બન્નેનું નેતૃત્વ કરવાની મહત્ત્વાકાંક્ષા પ્રબળ રૂપમાં હતી. આકાંક્ષા તો સાચી હતી પણ આવી જગ્યાએ કેવું નેતૃત્વ કરવું જોઈએ એનું એમને જ્ઞાન નહોતું... થોડા સમય બાદ ગાંધીજીએ પોતાનું ધ્યેય મુસલમાનોને સંતુષ્ટ કરવાનું બનાવી દીધું. જેમ જેમ એમનો પરાજય થતો ગયો તેમ તેમ તેઓ મુસલમાનો માટે વધુ બલિદાન કરવા તત્પર થતા ગયા. મુસ્લિમ લીગની માંગો તો ઉચિત હોય કે ન હોય તોયે પૂરી કરતા ગયા.
હિંદુ-મુસ્લિમ એકતાને નામે ગાંધીના ખોટા માર્ગદર્શનમાં કોંગ્રેસ પોતાનું સાચું ધ્યેય ખોઈ બેઠી... ભારત આવ્યા પછી ગાંધીજીએ એવી રીતે કામ કર્યું કે તેઓ પોતાના નિર્ણયને છેવટનો નિર્ણય માનવા લાગ્યા... એમનો સિદ્ધાંત હતો કે સત્યાગ્રહી કદી અસફળ થઈ જ ન શકે, પણ સત્યાગ્રહની વ્યાખ્યા એમણે કદી સ્પષ્ટ ન કરી.
ગાંધીજીએ શિવબાવની જેવી સાહિત્યિક અને ઐતિહાસિક રચના પર પણ પ્રતિબંધ લગાવડાવી દીધો. (1944માં) ગાંધીજી રોજ ઝીણાને ઘેર જતા હતા અને એમનાં વખાણ કરતા હતા, એમને ભેટતા, પણ ઝીણા પોતાની પાકિસ્તાનની માગણીથી એક તસુએ ન હઠ્યો... સીધાં પગલાંથી હાનિ કેવળ હિંદુઓની જ થઈ. કોંગ્રેસે તે વખતે અદભુત નપુંસકતા દેખાડી અને તે કોઈ સ્થાને હિંદુઓની રક્ષા ન કરી શકી. ગાંધીજી મુસલમાનોનો પક્ષ લેતા રહ્યા. જે લાખો હિંદુઓ લૂંટાયા, મરાયા, નષ્ટ થયા, આ ગાંધીજીએ એમને સારુ એક શબ્દ પણ ન કહ્યો.
ગાંઘીજીને જો પોતાની અહિંસા પર વિશ્વાસ હોત તો તેઓ કાશ્મીરમાં સેનાને બદલે સત્યાગ્રહી, રાઇફલોને બદલે તકલીઓ અને બંદૂકોને બદલે રેંટિયા મોકલાવત.
જ્યારે ઉચ્ચ નેતાઓએ ગાંધીજીની સહમતિથી માતૃભૂમિના ટુકડા કરી નાખ્યા ત્યારે મારું હૃદય ક્ષોભથી ભરાઈ ગયું... મારે હાથ એટલા સારુ ઉઠાવવો પડ્યો કે પાકિસ્તાન થયા પછી જે કાંઈ ભયંકર ઘટનાઓ થઈ છે એને સારુ કેવળ ગાંધીજી જ જવાબદાર છે. સરકારે પંચાવન કરોડ ન આપવાનો નિર્ણય જનતાના પ્રતિનિધિને નાતે કર્યો હતો, પણ ગાંધીજીના અનશને આ નિર્ણયને બદલી દીધો ત્યારે હું સમજ્યો કે ગાંધીજીની પાકિસ્તાનપરસ્તી આગળ જનતાના મનનું કોઈ મહત્ત્વ નથી.
દેશભક્તિ જો પાપ હોય તો હું કબૂલ કરું છું કે મેં પાપ કર્યું છે. એ જો પ્રશંસનીય હોય તો હું મારી જાતને પ્રશંસાનો અધિકારી માનું છું. હું એ વાત માનવા તૈયાર છું કે ગાંધીજીએ દેશ સારું ઘણાં કષ્ટ વેઠ્યાં. એમણે જનતામાં જાગૃતિ પેદા કરી. એમણે પોતાના સ્વાર્થ ખાતર કશું નથી કર્યું, પણ દુખ એનું છે કે એઓ એટલા ઇમાનદાર નહોતા કે અહિંસાની હારને સ્વીકારી લે. મેં જે કૃત્ય કર્યું છે તેના નૈતિક પાસા અંગે મારો આત્મા કદી વિચલિત થયો નથી. મને જરાયે સંદેહ નથી કે ભવિષ્યમાં ઇતિહાસકારો આ ઇતિહાસને સચ્ચાઈ અને ઇમાનદારીથી લખશે ત્યારે મારાં કાર્યો અને પરિણામોનું સાચું મૂલ્યાંકન થશે.
ખેર, પોતાની જાતને સાચી પૂરવાર કરવા નાથુરામ ગોડસેએ પોતાના નિવેદનમાં જે જૂઠાણાં અને અર્ધસત્યોનો આશરો લીધો હતો એની પોકળતા સમજવા માટે ભાવિ ઇતિહાસકારોના મૂલ્યાંકનની જરૂર જ નહોતી. નારાયણ દેસાઈ કહે છે તેમ, ગાંધીજીના સમગ્ર જીવનમાં જ ગોડસેના આક્ષેપોના જવાબ ઠેર ઠેર વેરાયેલા પડ્યા છે. ક્યાં અને શી રીતે? ઉત્તર આવતા બુધવારે.
0 0 0 


Wednesday, January 23, 2019

કોમાગાટા મારુઃ કેનેડાને કઈ વાતનું ગિલ્ટ છે?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 23 જાન્યુઆરી 2019  
ટેક ઓફ 
જહાજમાં સવાર થયેલા સેંકડો પ્રવાસીઓએ છેક કેનેડાના બંદરેથી હડધૂત થઈને ભારત પાછા ફરવું પડ્યું. જોકે કલકત્તાના બંદરે જે કંઈ બન્યું એ તો ઓર ભયાનક હતું! ઇતિહાસ જખમો છોડી જતો હોય છે. ક્યાંક અપમાનબોધના તો ક્યાંક અપરાધબોધના...

જે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મતિથિ છે. દેશની આઝાદી માટે નેતાજીએ જે સંઘર્ષ કર્યો એનાથી આપણે વાકેફ છીએ. આજે એક એવા ક્રાંતિકારી ઘટનાક્રમ વિશે વાત કરવી છે, જે ઇતિહાસનાં પાનાં વચ્ચે સહેજ દબાઈને રહી ગયો છે અને જેનો સીધો સંબંધ ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામ સાથે છે.
આ ઘટમાળના કેન્દ્રમાં એક જહાજ છે. કોમાગાટા મારુ એનું નામ. મૂળ એ કોલસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરનારું સ્ટીમશિપ હતું, પણ પછી એને પેસેન્જર શિપમાં કન્વર્ટ કરવામાં આવેલું. તેના માલિકનું નામ હતું, ગુરદીત સિંહ. તેઓ બિઝનેસમેન હતા ને હોંગકોંગમાં સ્થાયી થયા હતા. એપ્રિલ 1914માં એટલે કે એક સદી કરતાંય વધારે સમય પહેલાં કોમાગાટા મારુ જહાજ હોંગકોંગથી કેનેડાના વાનકુંવર બંદરે જવા રવાના થયું હતું. ટાઇટેનિક જહાજ એપ્રિલ 1912માં હિમશીલા સાથે ટકરાઈને દરિયામાં ગરક થયું એ દંતકથારૂપ ટ્રેજેડીને હજુ બે જ વર્ષ થયા હતા. કેનેડા જવા રવાના થયેલા કોગામાટા મારુ જહાજ પર કુલ 376 લોકો સવાર હતા. 340 શિખ, 24 મુસ્લિમ અને 12 હિંદુ.  
કેનેડામાં આજે પંજાબી - શિખ લોકોની ઘણી વસ્તી છે. પંજાબી-શિખ લોકોમાં કેનેડા જવાનો ટ્રેન્ડ એક સદી પહેલાં થઈ ચુક્યો હતો. આ દેશ એ જમાનામાં ભારે માત્રામાં વિદેશીઓને પોતાને ત્યાં આવકારતો હતો. અહીં આવનારા મોટા ભાગના લોકો, અલબત્ત, યુરોપિયનો રહેતા. એક અંદાજ મુજબ 1913માં ચાર લાખ કરતાં વધારે ઇમિગ્રન્ટ્સને કેનેડામાં સમાવી લેવામાં આવ્યા હતા. કેનેડિયન સરકાર યુરોપિયનો અને નોર્થ અમેરિકનોને બે હાથ પહોળા કરીને આવકારતી હતી, પણ એશિયનો સામે એને સૂગ થવા માંડી હતી. ઇન ફેક્ટ, એશિયાથી આવતા વસાહતીઓ પર બ્રેક લાગે એ માટે 1908માં કેનેડિયન સરકારે અતિ વિચિત્ર અને કડક નિયમ બનાવી નાખ્યા હતા. જેમ કે, એક નિયમ એવો હતો કે કેનેડામાં પગ મુકવા માગતી વિદેશી વ્યક્તિએ પોતાના વતનથી કેનેડા સુધીનો પ્રવાસ સળંગ કર્યો હોવો જોઈએ, ટુકડાઓમાં નહીં. આનો અર્થ એમ થયો કે તમે ભારતીય હો અને જો તમારું જહાજ વાયા ચીન થઈને કેનેડા પહોંચે તો તમારી કેનેડામાં એન્ટ્રી ગેરકાનૂની ગણાઈ જાય!

બીજો એક નિયમ પણ વિચિત્ર હતો. જહાજની ટિકિટ તમે પોતાનો દેશ છોડો તે પહેલાં ખરીદી લીધી હોવી જોઈએ. હવે આનો શો મતલબ થયો? તમે કેનેડા પહોંચ્યા બાદ ઉધારી ચુકવો એ ન ચાલે, એમ? ત્રીજો નિયમ બહુ આકરો હતો. કેનેડાનના બંદર પર ઉતરતાંની સાથે તમારે નવેસરથી તોતિંગ રકમ ચુકવવી પડે. આ રકમ એટલી મોટી હતી કે સામાન્ય માણસોને એ પોસાય જ નહીં. અગાઉ ચીન માટે પણ આ જ પ્રકારની અતિ કડક નીતિઓ અપનાવવામાં આવી હતી. ચીની લોકોનો પ્રવેશ સાવ ઘટી ગયો હતો એટલે જ કેનેડિયન કંપનીઓએ સસ્તી મજૂરી શોધવા માટે ભારત તરફ નજર દોડાવી હતી.
કોમાગાટા મારુ જહાજના માલિક ગુરદીત સિંહ આ કેનેડિયન પોલિસીઓથી સારી રીતે વાકેફ હતા, પણ એમની દલીલ એવી હતી કે ભારતની જેમ કેનેડા પર પણ અંગ્રેજોનું રાજ ચાલે છે. એક કોમનવેલ્થ દેશથી બીજા કોમનવેલ્થ દેશ જવામાં ઝાઝી તકલીફ ન પડવી જોઈએ! દુર્ભાગ્યે ગુરદીત સિંહ ખોટા પડ્યા. કેનેડિયન અધિકારીઓ એકના બે ન જ થયા. વાનકુંવરના બંદર પર બે મહિના સુધી જહાજ લાંગરેલું પડ્યું રહ્યું. સાવ કિનારે આવી ગયા પછી પણ કેનેડામાં પગ ન મૂકી શકનારા સેંકડો પ્રવાસીઓના ફસ્ટ્રેશનની કલ્પના કરી શકો છો? બંદર પર લાંગરેલું એ જહાજ તે વખતના મિડીયામાં ખૂબ ચમક્યું હતું. કેનેડિયન સરકાર અને જહાજના પ્રવાસીઓ વચ્ચે પડેલી મડા ગાંઠમાં જનતાને બહુ રસ પડ્યો. પોતે વધુ પડતા રંગભેદી ન ગણાઈ જાય અને ભારતીયો પ્રત્યેની સૂગ છતી ન થઈ જાય એ માટે કેનેડિયન સરકાર ભળતું જ ગાણું ગાવાનું શરૂ કર્યુ કે અમને બાતમી મળી છે કે જહાજ પરના અમુક ઊતારુઓ વાસ્તવમાં ગદર પાર્ટીના સભ્યો છે, ભાંગફોડિયા ક્રાંતિકારીઓ છે. તેઓ કેનેડામાં ઘુસીને અસ્થિરતા ફેલાવવા માગે છે. એમે એમને કોઈ હિસાબે કેનેડામાં પ્રવેશ ન જ આપી શકીએ!  
કેનેડિયન સરકારે નેવીને આદેશ આપ્યોઃ વણનોતર્યા અતિથિ જેવા કોગામાટા મારુ જહાજને પાછું દરિયામાં ધકેલો. ઉતારુઓના ગુસ્સાનો પાર ન રહ્યો. એમણે ટગ શિપના ખલાસીઓ પર ઇંટો અને કોલસાના ઢેખાળાનો વરસાદ વરસાવ્યો. આ ઘટના બીજા દિવસે કેનેડિયન અખબારોની હેડલાઇન બની. આખરે  માત્ર કેનેડિયન નાગરિકતા ધરાવતા લોકો તેમજ એક ડોક્ટર અને તેને પરિવાર સહિત કુલ 20 જ માણસોને જ પ્રવેશ આપવામાં આવ્યો. બાકી સૌએ ભારત પાછા ફરવું પડશે એ નિશ્ચિત થઈ ગયું.
ના, કઠણાઈ હજુ પૂરી થઈ નહોતી. જહાજ વીલા મોંએ 27 સપ્ટેમ્બર 1914ના રોજ કલકત્તા પાછું ફર્યું, પણ બંદરગાહમાં પ્રવેશ થાય એ પહેલાં જ બ્રિટીશ ગનબોટ દ્વારા એને આંતરવામાં આવ્યું. જે આલાપ કેનેડિયન સરકારે શરૂ કર્યો હતો એ જ ગાણું અંગ્રેજ સરકારે ગાવા માંડ્યુઃ જહાજમાં કાયદાનો ભંગ કરનારા ખતરનાક ભાંગફોડિયાં તત્ત્વો સામેલ છે. એમની સામે ઉચિત કારવાઈ કરવામાં આવશે! જહાજ પર પોલીસ પહોંચી ગઈ. એમણે જહાજમાં સવાર લોકોના લીડર જેવા ગુરદીત સિંહ અને એમના કેટલાક સાથીસોની અટકાયત કરવાની કોશિશ કરી. ગુરદીત સિંહે વિરોધ કર્યો. એક સાથીએ પોલીસ પર વળતો હુમલો કરી નાખ્યો. ધમાલ થઈ ગઈ. બંદૂકો ધણધણી ઉઠી. જહાજના ઓગણીસ ઉતારુઓનો જીવ હણાયો. ઘણા લોકો નાસી છૂટ્યા. બાકીના લોકોની પકડીને જેલમાં નાખવામાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઈ ચુક્યું હતું. 1919માં તે પૂરું થાય ત્યાં સુધી એમણે જેલમાં સબડવું પડ્યું.

ગુરદીત સિંહ ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં કામિયાબ નીવડ્યા હતા. 1922 સુધી તેઓ લપાતાછૂપાતા ફરતા રહ્યા. ગાંધીજીએ એમણે આગ્રહ કર્યો કે સાચા દેશપ્રેમીની માફક તમે અંગ્રેજ સરકારને શરણે થઈ જાવ. ગુરદીત સિંહે એમની વાત માની. એમને પછી પાંચ વર્ષનો જેલવાસ થયો.
આ સમગ્ર ઘટનાનું ઐતિહાસિક મહત્ત્વ એ છે કે તેને કારણે વિદેશ વસતા અમુક ભારતીયો પર ક્રાંતિનું ઝનૂન સવાર થઈ ગયું. તેઓ એકમેકના સંપર્કમાં આવ્યા. એમને અહિંસક લડતમાં રસ પડતો નહોતો. ગદર પાર્ટીની સંગાથમાં તેઓ ભારતમાં મોટા પાયે હિંસક ક્રાંતિ આણવા માગતા હતા. જોકે ભારતની આમજનતા તરફથી પૂરતો ટેકો ન મળવાને કારણે એમનો ઈરાદો સફળ ન થયો.
1952માં કલકત્તા નજીક બજ બજ નગરમાં કોમાગાટા મારુમાં જીવ ખોનાર શહીદોના માનમાં સ્મારક ઊભું કરવામાં આવ્યું. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ એનું અનાવરણ કર્યું હતું. 2008માં તત્કાલીન કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર સ્ટિફન હાર્પરે ભૂતકાળમાં બની ગયેલી આ ઘટના બદલ કેનેડામાં વસતા ભારતીયોની જાહેરમાં માફી માગી હતી. 2016માં વર્તમાન પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ પણ હાઉસ ઓફ કમેન્સમાં નવેસરથી કેનેડિયન ભારતીયોની ક્ષમા માગી હતી.
ઇતિહાસ જખમો છોડી જતો હોય છે. ક્યાંક અપમાનબોધના તો ક્યાંક અપરાધબોધના...
0 0 0 


Saturday, January 19, 2019

મેઘાણી જ્યારે ‘દેવદાસ’ ફિલ્મનો રિવ્યુ કરે છે...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 16 જાન્યુઆરી 2019 
ટેક ઓફ 
હું લેખક છું. મારી કૃતિઓની તમે બધાં ફાવે તે ખોદણી કર્યા કરો પણ મારા સ્વભાવ અને મારી આદતોમાંથી પણ તમને શો સ્વાદ મળવાનો? હું કમભાગ્યે લેખક થયો એટલે શું તમારી સહુની પાસે મારા જીવનને પ્રગટ કરવાની ય મારા પર ફરજ છે?’
Zaverchand Meghani

ક ઉત્તમ સાહિત્યકાર જ્યારે બીજા ઉત્તમ સાહિત્યકાર વિશે લખે ત્યારે આપણને વાંચકોને મસ્તમજાની સામગ્રી સાંપડતી હોય છે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી ભાષા-સાહિત્યના કોહિનૂર હીરા સમાન છે, તો શરદબાબુ અથવા શરદચંદ્ર અથવા સરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંગાળી સાહિત્યજગતનું અમર નામ છે. શરદબાબુ કરતાં મેઘાણી એકવીસ વર્ષ નાના. શરદબાબુને આખું ભારત ખાસ કરીને એમની આ બે નવલકથા માટે જાણે છે - દેવદાસ (કે જેના પરથી જુદી જુદી ભાષાઓમાં ફિલ્મો સતત બન્યા જ કરે છે) અને શ્રીકાંત (જેના પરથી ઉત્તમ હિંદી ટીવી સિરીયલ બની ચુકી છે). બાય ધ વે, આજે શરદબાબુની પુણ્યતિથિ છે. 16 જાન્યુઆરી 1938ના રોજ 61 વર્ષની ઉંમરે એમનું નિધન થયું હતું.
વિષય ભલે ગમે તે હોય, બંગાળી સાહિત્યની વાત રવીન્દ્રનાથ ટાગોર વગર શરૂ કે પૂરી થઈ શકતી નથી. ટાગોર અને શરદબાબુને સાંકળી લેતો એક સુંદર પ્રસંગ મેઘાણીએ એક જગ્યાએ ટાંક્યો છે. 1907માં બનેલો આ કિસ્સો કંઈક એવો છે કે એક દિવસ રવીન્દ્રનાથ પાસે એક વાર બંગ-દર્શન નામના માસિકના તંત્રી આવી ચડ્યા. આવતાંની સાથે રીતસર ધોખો કર્યો.
-     આવું હોય કે?
-     શું થયું, શૈલેશબાબુ?
-     આવી ઉત્તમ વાર્તા તમે મારા માસિકને આપવાને બદલે ભારતી મેગેઝિનમાં છપાવી? મારા પ્રત્યે આવી નારાજગી? મારાથી એવી તે શી ભુલ થઈ ગઈ?
ટાગોરને નવાઈ લાગી. પૂછે છેઃ
-     મારી કઈ વાર્તાની વાત તમે કરો છો? મેં તો ભારતીમાં કોઈ વાર્તા મોકલી નથી. તમારી ભુલ થતી લાગે છે.
તંત્રીસાહેબે પોતાના થેલામાંથી પેલી વાર્તાનું કટિંગ કાઢ્યું. ટાગોરની સામે તે ધરીને કહેઃ
-     હવે મહેરબાની કરીને એમ ન કહેતા કે આ વાર્તા તમે લખી નથી. લેખક તરીકે ભલે તમે બીજું નામ લખ્યું હોય, પણ એનાથી કંઈ તમારી શૈલી થોડી છૂપી રહી શકે?
ટાગોરે લખાણ હાથમાં લીધું. લેખકના નામની જગ્યાએ બડીદીદી (એટલે કે મોટી બહેન) એવું છદ્મનામ લખાયેલું હતું. કુતૂહલવશ એક-બે પાનાં ઊથલાવ્યાં. એમની ઉત્સુકતા વધતી ગઈ. એમણે એ જ વખતે, તંત્રીની હાજરીમાં આખી વાર્તા વાંચી નાખી. પછી કહેઃ
-     અદભુત લખાણ છે, પણ આ મારું નથી.
તંત્રી નવાઈ પામી ગયા. એમને હજુ માન્યામાં આવતું નહોતું કે આવું સુંદર લખાણ ટાગોરનું નથી. તંત્રીથી રહેવાયું નહીં એટલે એમણે ભારતીના સંપાદકનો સંપર્ક કર્યોઃ
-     બડીદીદી કોણ છે? ઉત્તમ વાર્તા લખી છે એણે. મહેરબાની કરીને એની ખરી ઓળખ જાહેર કરો.
ભારતીના પછીના અંકમાં વાચકોએ એક સાવ નવું નામ જોયું. સામાન્ય વાચકથી માંડીને છેક ટાગોર જેવા સાહિત્યસ્વામીને મુગ્ધ કરી દેનાર બડીદીદીનું ખરું નામ હતુઃ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય! બંગાળી સાહિત્યવિશ્વમાં શરદબાબુનુ આ પહેલું પગલું. કહો કે આ એમની મુંહ-દિખાઈ વિધિ હતી.  
શરદબાબુ ક્રમશઃ મશહૂર થતા ગયા. કેટલાંક વર્ષ પછી યમુના નામના સામયિકમાં એમની ચરિત્રહીન નામની ધારાવાહિક નવલકથા શરૂ થઈ. સમાજમાં પ્રચલિત કેટલાક રીતિ-રિવાજો પર એમણે આ નવલકથામાં આકરા પ્રહાર કર્યા. વાર્તા એટલી બધી બોલ્ડ હતી કે વાચકો કાંપી ઉઠ્યા. ચોખલિયાઓ નગ્ન સત્ય પચાવી ન શક્યા. અત્યારે તો કોઈ પુસ્તક પર વિવાદ થાય તો એનું વેચાણ ધડાધડ વધી જાય છે, કોઈ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં કન્ટ્રોવર્સી પેદા થાય તો એના હિટ થવાના ચાન્સ અનેકગણા વધી જાય છે, પણ જૂના જમાનામાં એવું નહોતું. ચરિત્રહીનથી ખળભળી ગયેલા અસંખ્ય વાચકોએ યમુના સામયિક વાંચવાનું જ છોડી દીધું. કેટલાયે લવાજમ પાછાં મગાવી લીધાં. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે યમુના સામયિક બંધ કરવું પડ્યું. અધૂરી રહેલી ગયેલી ચરિત્રહીન નવલકથા પછી ઘણા સમય બાદ પુસ્તક સ્વરૂપે આખેઆખી પ્રગટ થઈ.

Sarat Chandra Chattopadhyay

એક વાર શરદબાબુને કોઈ ફંકશનમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવા માટે એક માણસ આવ્યો. એણે શરદબાબુને કહ્યું કે, મારા તમારા જીવનની સફર વિશે જાણવું છે. શરદબાબુ રોષે ભરાઈ ગયા. કહેઃ
મારા જીવનની વાતો સાંભળવાથી તમને શો લાભ છે? હું લેખક છું. મારી કૃતિઓની તમે બધાં ફાવે તે ખોદણી કર્યા કરો પણ મારા સ્વભાવ અને મારી આદતોમાંથી પણ તમને શો સ્વાદ મળવાનો? માણસના જીવનમાં તો ઘણી વાતો બનતી હોય છે. પણ હું કમભાગ્યે લેખક થયો એટલે શું તમારી સહુની પાસે મારા જીવનને પ્રગટ કરવાની ય મારા પર ફરજ છે?’
પેલો નિમંત્રણ આપવા આવેલો ભાઈ ડઘાઈ ગયો. કહેઃ
મને ક્ષમા કરજો, પણ જેની કૃતિઓના તસુએ તસુની અંદરથી મહાન સત્યોનો ગુંજારવ ઊઠે છે, એવા પુરુષના પોતાના જીવનના પડછાયા એમાં પડ્યા વગર કેમ રહી શકે? હું દઢપણે માનું છું કે આવી કૃતિ માત્ર કલ્પનામાંથી નથી સજાવી શકાતી. આપના પ્રત્યેક લખાણમાં માર્દવ ભર્યું છે. આપનું દેવદાસ વાંચ્યા પછી બે-ત્રણ દિવસ સુધી મને એનો વળગાડ રહ્યો હતો.
ચરિત્રહીન તો ફિક્શન હતું, બાકી શરદબાબુએ સેક્સ પર મોટો ગ્રંથ લખ્યો હતો. કમનસીબે એમના ઘરને આગ લાગતાં ગ્રંથની હસ્તપ્રત બળીને ખાખ થઈ ગઈ. શરદબાબુના મનોવિજ્ઞાની પિતાજીની કેટલીય અધૂરી હસ્તપ્રતો પણ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. જો આ દુર્ધટના ન બની હોત અને શરદબાબુનું સેક્સ વિષયક પુસ્તક બહાર પડ્યું હોત તો કોણ જાણે કેવો હોબાળો મચી ગયો હોત.  
આ બધી વાતો ઝવેરચંદ મેઘાણીએ પોતાના લખાણમાં નોંધી છે. પેલા નિમંત્રકને શરદબાબુની જે નવલકથા વાચ્યા પછી બે-ત્રણ દિવસ સુધી અસરમુક્ત થઈ શક્યા નહોતા એ દેવદાસનો ગુજરાતી યા હિન્દી અનુવાદ આપણે વાંચ્યો હોય કે ન વાંચ્યો હોય, પણ આ કૃતિ પરથી બનેલી સાયગલવાળી, દિલીપકુમારવાળી અથવા શાહરૂખ ખાનવાળી કે બીજી કોઈ પણ ફિલ્મ આપણે જરૂર જોઈ હશે. દેવદાસનું આવું એકાદ વર્ઝન જોઈને ઝવેરચંદ મેઘાણીએ એનો ફિલ્મ રિવ્યુ લખ્યો હતો. મેઘાણી દેશી-વિદેશી ફિલ્મોના જબરા શોખીન અને જાણકાર હતા એ જાણીતી વાત છે. દેવદાસના કથાવસ્તુએ આખા દેશના ફિલ્મમેકરોની કેટલીય પેઢીઓને સતત આકર્ષ્યા છે, પણ મેઘાણીને દેવદાસનું લૂઝર પાત્ર જરાય નહોતું ગમ્યું. એમનો રિવ્યુ એમના જ શબ્દોમાં વાંચવા જેવો છે. લેખનું શીર્ષક છે - દેવદાસનું ચિત્રપટઃ ખોટી ભાવના. ઓવર ટુ ઝવેરચંદ મેઘાણીઃ  
આજે સાહિત્યના સહોદર સમા વિષય ચિત્રપટને નીરખીએ. બહોશ ફોટોગ્રાફી, સ્વરવાહન અને મર્મગ્રાહી સંયોજન – એ ચિત્રપટની ખૂબીની વાતો છે. એ વાતો સાહિત્યના ક્ષેત્રની નથી. એની  ઓથે ઊભા રહેતા સાહિત્યભાવોને તપાસી જોઈએ, કેમ કે આપણી જવાબદારીનો પ્રદેશ છે.
ભાવના સાચી કઈ? ખોટી કઈ? દેવદાસ નામના ચોટદાર ચિત્રપટની ભાવના જૂઠીઃ મોડર્ન ટાઇમ્સ નામના ચાર્લી ચેપ્લિનના તમાશાની ભાવના સાચી.
દેવદાસના કારીગરોને તો હું વંદન કરું છું. કાબેલ કારીગરી કરી છે. પણ એ વંદન તેની વાર્તાના સર્જકને નથી આપી શકતો. દેવદાસ નામ એ વાર્તાનું નહોતું હોવું જોઈતું. એ વાર્તાનું વીરપાત્ર તો પેલી કન્યા છે (એટલે કે પારો), અમીરજાદો દેવદાસ નહીં.
દેવદાસ ગીતો ગાય છે. દર્દભર્યા શબ્દો બોલે છે, પ્રેમનું પાગલપણું બતાવે છે, પણ તેથી આ પાત્રની નિર્વિર્યતા ઓછી થતી નથી. એ જમીનદારનો જુવાન પુત્ર છે, ગામની એક અકુલિન કન્યા જોડે પ્રેમમાં પડ્યો છે. અભ્યાસ કરવા કરતાં પોતાની ઇચ્છા વિરુદ્ધ કલકત્તે ધકેલાય છે ને ત્યાં વિરહની વેદનાને ઓલવવા, બસ, ઝપાટાભેર કુમિત્રો, સુરાપાન તથા વેશ્યાગમનનું શરણ લે છે. (બેશક, દુરાચાર નથી સેવતો.)
પેલી કન્યા બહાદૂર છે! ઘોર રાત આવે છેઃ દેવદાસ! કાલે મારો વિવાહ થઈ જવાનો. ચાલ, હું તારી જોડે ભાગી જવા તૈયાર છું. ચાલ, સાચા પ્રેમને ખાતર હું જીવનમાંથી ઊખડી જવા તત્પર છું – ને હવે વાર નથી.
કાયર દેવદાસ એ પ્રેયસીનો બત્રીસો ચડી જવા દે છે. પછી બસ, શરાબીમાં ડૂબે છે. હિંદભરની જાત્રાઓ કરવા રેલગાડીમાં કાળી દોડાદોડ મચાવે છે, તાવમાં સળગે છે, મરે છે, વગરે વગેરે...
કારણ કે દેવદાસની ગાંઠે નિર્વિર્ય પ્રણયવેદનાનો વૈભવ માણવાનાં નાણાં હતાં, ગીતો ગાવાની સગવડ હતી, એનો પંથ લીસો અને લપટ હતો, અને એને જવાબદારીનું ભાન નહોતું.
પાંચ કુંટુંબીઓનાં પેટ ફરવાની ફરજ અદા કરતો છૂપી ઉરવ્યથાઓને પોતાના અંતરને ઊંડાણે સંઘરનાર કોઈ દેવદાસ આપણાં ચિત્રપટો પર જે દિવસે સર્જાશે તે દિવસ દૂર છે. એવું સફળ સર્જન પેલી કન્યાના પાત્રમાં થઈ શક્યું છે. દ્વિધા-જીવન જીવી જાણનારી એ યુવતીનો કરૂણ અંજામ જગતની કૈંક આંખોમાં ચિરગુંજન કરશે.
રિવ્યુ સમાપ્ત. મેઘાણીના આ દષ્ટિકોણ સાથે અસહમત થવાનો પ્રશ્ન જ ઉઠતો નથી, ખરું?
0 0 0 


Thursday, January 17, 2019

‘છપાક’: સ્માર્ટ હિરોઈન... સ્માર્ટ ચોઇસ!


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 13 જાન્યુઆરી 2019
કોલમઃ મલ્ટિપ્લેક્સ
દીપિકા પદુકોણે ફરી એક વાર પૂરવાર કર્યું છે કે એની સ્ક્રિપ્ટ સેન્સ તગડી છે. પદ્માવત પછી છપાક જેવી ફિલ્મમાં કામ કરવું એ ખરેખર એક સ્માર્ટ ચોઈસ છે.

હુ ઓછી ફિલ્મો એવી હોય છે જે અનાઉન્સ થતાંની સાથે જ આપણે એની રાહ જોવા માંડીએ. નવાં નવાં શ્રીમતી બનેલાં દીપિકા પદુકોણની આગામી ફિલ્મ છપાક આ પ્રકારની ફિલ્મ છે. ક્રિયિટવ ફિલ્ડમાં આમ તો પહેલા નંબર – બીજા નંબર જેવું ખાસ હોતું નથી, પણ જો ફરજિયાત નંબર આપવા જ પડે એમ હોય તો 33 વર્ષીય દીપિકા હાલ બોલિવૂડની નંબર વન એકટ્રેસ છે. એની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ બન્ને ફુલ ફોર્મમાં છે. આગળ વધતાં પહેલાં દીપિકા પર મા લક્ષ્મીના કેટલાં આશીર્વાદ વરસ્યા છે એ જાણી લઈએ.

વિખ્યાત ફોર્બ્સ મેગેઝિન દર વર્ષે સૌથી ધનિક સો સેલિબ્રિટીનું લિસ્ટ બહાર પાડે છે. 2018માં ફોર્બ્સ ઇન્ડિયાના લિસ્ટના ટોપ ફાઇવમાં પહેલી વાર કોઈ મહિલા સેલિબ્રિટીએ એન્ટ્રી કરી. એ મહિલા એટલે દીપિકા. એની એક વર્ષની આવક 112.8 કરોડ રૂપિયા નોંધાઈ હતી. પતિદેવ રણવીર સિંહ કરતાં પણ એણે વધારે કમાણી કરી હતી. આ લિસ્ટમાં રણવીર આઠમા ક્રમે હતો. અરે, આમિર ખાન, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને એમએસ ધોની કરતાંય દીપિકા ઉપર હતી.

ફોર્બ્સે 2016માં દુનિયાની હાઇએસ્ટ પેઇડ અભિનેત્રીઓની સુચિ તૈયાર કરી હતી એમાં ટોપ-ટેન નામોમાં જેનિફર લોરેન્સ, સ્કારલેટ જ્હોન્સન અને જેનિફર એનિસ્ટન જેવી હોલિવૂડની ટોપ હિરોઈનોની વચ્ચે એક જ ઇન્ડિયન એક્ટ્રેસ સ્થાન મેળવી શકી હતી. ના, પ્રિયંકા ચોપડા નહીં, પણ દીપિકા પદુકોણ. કહે છે કે દીપિકા સંભવતઃ બોલિવૂડની એક માત્ર એવી એકટ્રેસ છે, જે હીરોની ફી એડજસ્ટ કરવા માટે પોતાની ફીમાં બાંધછોડ કરતી નથી. પદ્માવતમાં કામ કરવા માટે એને 12 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા.

આટલી સક્સેસફુલ હિરોઈન પદ્માવત પછી હવે શું કરશે એ જાણવાની ઇંતજારી સૌને હોય જ. પદ્માવત પછીના નેકસ્ટ પ્રોજેક્ટ તરીકે છપાકને પસંદ કરીને દીપિકાએ વધુ એક વખત પૂરવાર કર્યું છે કે એની સ્ક્રિપ્ટ સેન્સ ખરેખર હાઇક્લાસ છે. છપાક એક સ્માર્ટ ચોઈસ છે. એનાં ડિરેક્ટર છે, મેઘના ગુલઝાર. રાઝી જેવી ગયા વર્ષની હિટ અને નોંધપાત્ર ફિલ્મ ડિરેક્ટ કરનાર મેઘનાની કરીઅર પણ અત્યારે ચડતી કળાએ છે. છપાક જેવા અફલાતૂન વિષયને મેઘના જેવી કાબેલ ડિરેક્ટર સરસ રીતે ન્યાય આપી શકશે એવી ખાતરી આપણને મળે છે.

શું છે છપાકમાં? 2005માં લક્ષ્મી અગ્રવાલ નામની ટીનેજ કન્યા પર એસિડ ફેંકવામાં આવ્યો હતો, યાદ છે? ભયાનક રીતે દાઝી ગયેલા, વિકૃત થઈ ગયેલા લક્ષ્મીના ચહેરાની તસવીરો જોઈને આખો દેશ હેબતાઈ ગયો હતો. બસ, આ જ છે છપાકનો વિષય. આ લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે અને દીપિકા એમાં મુખ્ય ભુમિકા ભજવી રહી છે.

એસિડ અટેકનો ઘટનાક્રમ જાણવા જેવો છે. લક્ષ્મી દિલ્હીના એક મધ્યમવર્ગીય પરિવારનું ફરજંદ. 2005માં હજુ માંડ પંદરેક વર્ષની એની ઉંમર. એના ભાઈનો એક દોસ્તાર એની પાછળ પડી ગયો હતો. નઈમ ખાન એનું નામ. ઉંમરમાં લક્ષ્મી કરતાં બમણા કરતાંય વધારે મોટો - 32 વર્ષનો. એ વારે વારે લક્ષ્મીને પ્રપોઝ કર્યા કરે. લક્ષ્મી નકારતી રહે. લક્ષ્મીએ ભાવ ન જ આપ્યો એટલે એણે એવું ભયાનક પગલું ભર્યું જેના વિશે કોઈએ કલ્પના પણ નહોતી કરી.

Deepika Padukone, Meghna Gulzar and Vikrant Massey

લક્ષ્મી એક દિવસ તુઘલક રોડ પર ખાન માર્કેટમાં શોપિંગ કરી રહી હતી. ગિન્નાયેલો નઈમ એના બે દોસ્તારો સાથે અચાનક ત્યાં આવી ચડ્યો ને લક્ષ્મીના ચહેરા પર ફળફળતું એસિડ ફેંકીને નાસી ગયો. લક્ષ્મી રસ્તા પર પટકાઈને ચીસો પાડતી રહી. એક ટેક્સી ડ્રાઇવર એની મદદે આવ્યો. લક્ષ્મીને ગાડીમાં નાખીને સફદરજંગ હોસ્પિટલ લઈ ગયો. લક્ષ્મીએ આ દુર્ઘટના પછી દસ વર્ષમાં કુલ નવ ભારે ઓપરેશન્સ કરાવવાં પડ્યાં. છેલ્લા ઓપરેશન વખતે એને ચાર દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

જીવન પણ ગમે તેવા ભયાનક પ્રહારો થયા હોય તો પણ ખુમારીપૂર્વક જીવી શકાતું હોય છે. જો પરિસ્થિતિના ભારથી તૂટી ન પડીએ, મનોબળ અને હકારાત્મકતા ટકાવી રાખીએ તો માત્ર જીવી નહીં, જીતી પણ શકાતું હોય છે. એસિડ અટેકને કારણે લક્ષ્મીનો દેખાવ અત્યંત વિકૃત થઈ ગયો હતો. એનું સપનાં રોળાઈ ગયાં હતાં, પણ હવે એની સામે નવાં લક્ષ્યો હતાં. એણે વિચાર્યું કે જે મારી સાથે થયું એવું બીજી છોકરીઓ સાથે ન થવું જોઈએ. 2006માં એણે 27,000 લોકોની સહી એકઠી કરી અને લોકહિતમાં પિટીશન દાખલ કરી કે દુકાનમાં આસાનીથી થઈ રહેલા એસિડના વેચાણ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. નરાધમોને સહેલાઈથી એસિડ મળી જતો હોવાને કારણે જ સમાજમાં એસિડ એટેકના આટલા બધા કિસ્સા બને છે. લક્ષ્મીના અથાગ પ્રયત્નોને કારણે આખરે 2013માં સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો કે એસિડના વેચાણનું પાક્કું નિયમન થવું જોઈએ. એસિડ ખરીદવા આવનારે પાક્કું ફોટો આઇડી કાર્ડ બતાવવું પડે ને દુકાનદારે એ વ્યક્તિની વિગતો નોંધવી પડે.

લક્ષ્મી અને એના સાથીઓએ જોયું કે આ નિયમ છતાંય એસિડ છૂટથી વેચાય છે. લક્ષ્મીએ એસિડ અટેકના કિસ્સા રોકવા માટે અને ભોગ બનેલી યુવતીઓની મદદ માટે છાંવ નામની સંસ્થા સ્થાપી. સ્ટોપ સેલ એસિડઅને અન્ય કેમ્પેઇન ચલાવ્યાં. ઉડાન નામના એક ટીવી શોની એન્કર પણ બની. 2014માં લક્ષ્મીને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ વીમેન ઓફ કરેજ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી. અમેરિકાના તત્કાલીન પ્રેસિડન્ટ બરાક ઓબામાનાં પત્ની મિશેલના હાથે લક્ષ્મીએ આ અવોર્ડ સ્વીકાર્યો.

લક્ષ્મીની કહાણીમાં માત્ર ડ્રામા અને મોટિવેશન વેલ્યુ જ નથી, એમાં રોમાન્સ પણ છે. સ્ટોપ એસિડ અટેક નામના કેમ્પેઇન દરમિયાન એની મુલાકાત આલોક દીક્ષિત નામના પત્રકાર-એક્ટિવિસ્ટ સાથે થઈ. બન્ને વચ્ચે પહેલાં દોસ્તી થઈ ને પછી પ્રેમ થયો. તેમણે આજીવન સાથે રહેવાનો નિર્ણય કર્યો. સહજીવન માટે એમને લગ્ન કરવાની જરૂર ન લાગી. લગ્નના તમાશામાં નવવધૂ કેવી દેખાય એની સૌ ચર્ચા કરતા હોય છે. લક્ષ્મી અને આલોકને આ બધામાં પડવું જ નહોતું. આજે તેઓ એક મીઠડી દીકરીનાં માતાપિતા છે. બેબલીનું નામ પડ્યું છે, પિહુ. લક્ષ્મી અને આલોક આજે સાથે મળીને દેશના જુદા જુદા ભાગમાં એસિડ અટેકનો ભોગ બનેલી નિર્દોષ યુવતીઓના ભલા માટે કામ કરે છે.  છપાક ફિલ્મમાં આલોકનો રોલ સુપર ટેલેન્ટેડ વિક્રાંત મેસી કરી રહ્યો છે.

એસિડ અટેક પછી લક્ષ્મી જે તીવ્ર યાતનામાંથી પસાર થઈ રહી હતી એ માત્ર શારીરિક નહોતી, માનસિક પણ હતી. એ ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. લક્ષ્મીની કથાનો આ એક એવો તંતુ છે, જે દીપિકા પદુકોણને વ્યક્તિગત રીતે સ્પર્શે છે. કરીઅરમાં પ્રચંડ સફળતા પણ માણસને સુખની ગેરંટી આપી શકતી નથી. એ જાણીતી વાત છે કે જ્યારે દીપિકા 2014માં હેપી ન્યુ યર જેવી સુપરહિટ ફિલ્મ માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે અસલ જીવનમાં તીવ્ર ડિપ્રેશનથી પીડાઈ રહી હતી. કારણ વગર રડી પડે, શરીરમાંથી જાણે શક્તિ નીચોવાઈ ગઈ હોય એવું લાગે, મન સતત ઉદાસ અને દુખી રહ્યા કરે. દીપિકાએ માનસ ચિકિત્સક પાસે જઈને રીતસર સારવાર લેવી પડી હતી. સદભાગ્યે એ આ તબક્કામાંથી ઝડપથી બહાર આવી ગઈ. દીપિકાએ ડિપ્રેશનવાળી વાત છુપાવી નહીં. એણે દુનિયા સામે હિંમતભેર પોતાનો અનુભવ શેર કર્યો. ડિપ્રેશનનો ભોગ બનવું એ કંઈ શરમની વાત નથી, ગમે તેવું ડિપ્રેશન હોય તો પણ એનો ઇલાજ થઈ શકે છે અને એમાંથી બહાર આવી શકાય છે એવી જાગૃતિ હવે ધીરે ધીરે આપણા સમાજમાં ફેલાઈ રહી છે એમાં દીપિકાનો પણ થોડોઘણો ફાળો છે.  

દીપિકા છપાકમાં લક્ષ્મીનો રોલ કન્વિક્શનથી અને દિલથી નિભાવી શકશે. છપાકનું કોન્ટેન્ટ તગડું છે. જો સઘળું હેમખેમ પાર પડ્યું તો છપાકમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ ફિલ્મ પૂરવાર થવાનું કૌવત છે એ તો નક્કી.

0 0 0