Wednesday, February 27, 2013

‘ગોન વિથ ધ વિન્ડ’ : જિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ... વો ફિર નહીં આતે


મુંબઈ સમાચાર- હોલીવૂડ હંડ્રેડ - તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩   

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

હવે તારી સાથે રહેવું મારાથી શક્ય નહીં બને. હું મારી જાતને બચાવીશ નહીં તો આપણો લગ્નસંબંધ મને ખતમ કરી નાખશે. હું એકલો રહીશ, તારાથી દૂર.
                     ફિલ્મ નંબર ૧૧: ગોન વિથ ધ વિન્ડ

હીં તો આપણે હંડ્રેડ ફિલ્મોની વાત માંડી છે, પણ ધારો કે કોઈ તમારા લમણાં પર બંદૂક મૂકીને પૂછે છે કે પાંચ - રિપીટ - ફક્ત પાંચ જ હોલીવૂડ ક્લાસિકનાં નામ ફટાફર બોલી જાઓ, તો તમે જે પાંચ નામ ગણાવો એમાં એક ગોન વિથ ધ વિન્ડ ફિલ્મ જરુર હોવાની. આજે આપણે આ ૭૪ વર્ષ જૂની ફિલ્મ વિશે વિગતે ચર્ચા કરવાના છીએ.

ફિલ્મમાં શું છે?   

આને તમે એક રોમેન્ટિક પિરિયડ ફિલ્મ પણ કહી શકો અને સ્કારલેટ ઓહારા (વિવિયન લી) નામની સુંદર સ્ત્રીની ઘટનાપ્રચૂર જીવનકથા  પણ કહી શકો. અલબત્ત, સ્કારલેટ એક પાત્ર કાલ્પનિક છે, પણ ફિલ્મનો જે સમયગાળો પસંદ કરવામાં આવ્યો છે તે અમેરિકન ઈતિહાસનો એક  સાચુકલો અને પીડાદાયી ટુકડો છે. અમેરિકામાં ૧૮૬૧માં સિવિલ વોર ફાટી નીકળ્યું એની પહેલાં વાર્તાની શરૂઆત થાય છે. સ્કારલેટ અટલાન્ટામાં વસતા એક શ્રીમંત પરિવારનું મોઢે ચડાવેલું ફરજંદ છે. એ જુવાન છે, અતિ ખૂબસૂરત છે. જુવાનિયાઓનું અટેન્શન મેળવવું એને ખૂબ ગમે છે. એશલી (લેસ્લી હાવર્ડ) નામના યુવાનના એ પ્રેમમાં છે, પણ એશલી એની કઝિન મેલેની (ઓલિવિયા દ હેવીલેન્ડ)ને ચાહે છે. સ્કારલેટ જેટલી ઉછાંછળી અને ચંચળ છે એટલી જ મેલેની સરળ અને ડાહી છે. પરણી જાય છે એટલે સ્કારલેટ બળી બળીને રાખ થઈ જાય છે. મેલેનીના ભાઈ માટે એના મનમાં ક્યારેય લાગણી નહોતી, છતાંય તે ગિન્નાઈને, કેવળ એક પ્રતિક્રિયા રુપે તેની સાથે લગ્ન કરી લે છે. સ્કારલેટના મનમાં થયેલી આ ઉથલપાથલ રેટ બટલર (ક્લર્ક ગેબલ ) નામનો એક ધનિક છેલછોગાળો ધનિક પુરુષ બરાબર જાણે છેઅમેરિકન સિવિલ વોર ફાટી નીકળતા જુવાનિયાઓ લડાઈ કરવા જતા રહે છે. સ્કારલેટનો વર હણાઈ જાય છે. સ્કારલેટ વિધવા થઈ જાય છે, પણ એને નથી કોઈ દુખ કે નથી કોઈ અફસોસ. ક્યાંથી હોય! ઊલટાની એશલીને પામવાની એની ઝંખવા પાછી જાગૃત થાય છે. યુદ્ધને કારણે પુષ્કળ વિનાશ થાય છે. આવા ભયાનક માહોલમાં મેલેની દીકરાને જન્મ આપે છે. સ્કારલેટે એશલીને વચન આપ્યું હતું કે હું તારી પત્નીનો ખ્યાલ રાખીશ. સ્કારલેટ જબરદસ્ત હાડમારીઓ વચ્ચે પણ પોતાનું વચન પાળે છે. રેટ બટલર એને ખૂબ મદદ કરે છે. સ્કારલેટ અને રેટ વચ્ચે શરુઆતથી જ લવ-હેટ રિલેશનશિપ છે. લવ સાવ નામ પૂરતો અને હેટ પુષ્કળ. યુદ્ધના દુષ્પરિણામ રુપે સ્કારલેટ અને એનો પરિવાર ભૂખે મરે છે. જો તોતિંગ ટેક્સ ન ભરે તો એ લોકો જ્યાં રહે છે તે જગ્યા પણ હાથમાંથી જાય એમ છે. પોતાનું ઘર બચાવવા સ્કારલેટને હવે કોઈ પણ હિસાબે નાણાં જોઈએ છે. તે ચાલાકી કરીને પોતાની સગી નાની બહેનના શ્રીમંત મંગેતરને પરણી જાય છે. કાળનું કરવું કે આ હસબન્ડ નંબર ટુ પણ ગુજરી જાય છે. નવેસરથી વિધવા થઈ ગયેલી સ્કારલેટ સાથે રેટ બટલરની નિકટતા વધે છે. સ્કારલેટ તેની સાથે ત્રીજાં લગ્ન કરે છે. તકલીફ એ છે કે આ બન્નેની રિલેશનશિપના પાયામાં જ ગરબડ છે. એક યુગલ તરીકે તેઓ નિષ્ફળ છે.

સ્કારલેટ એક દીકરીની મા બને છે, પણ એનું એશલી પ્રત્યેનું આકર્ષણ હજુ ઓસર્યું નથી. રેટ બટલર આ જાણે છે. તે ડિવોર્સની માગણી કરે છે. સ્કારલેટ ના પાડી દે છે. બટલર રોષે ભરાઈને દીકરીને લઈને લંડન ફરવા જતો રહે છે. ત્યાં જે રીતે દીકરી માને યાદ કર્યા કરે છે તે પરથી એને ભાન થાય છે કે બચ્ચાને મા વગરની કરી દેવી યોગ્ય નથી. મા ન હોવા કરતાં ખરાબ મા હોવી બહેતર. એ પાછો ઘરે આવી જાય છે. કમનસીબ જુઓ. નાનકડી મીઠડી દીકરી ઘોડા પરથી પડીને મૃત્યુ પામે છે. બટલર પત્નીને કહે છે: આપણે બન્નેને જોડી રાખતી કડી પણ રહી નથી, હવે સાથે રહેવાનો શો મતલબ છે? દરમિયાન મેલેની પણ મૃત્યુ પામે છે. એશલીનો વિલાપ જોઈને સ્કારલેટને ભાન થાય છે કે હું નકામી આખી જિંદગી એશલી માટે તરફડતી રહી. મને એશલી પ્રત્યે પ્રત્યે ફક્ત આકર્ષણ છે, પ્રેમ નહીં. પ્રેમ તો એ પોતાના પતિને જ કરે છે! પણ હવે બહુ મોડું થઈ ગયું છે. બટલર કહે છે: હવે તારી સાથે રહેવું મારાથી શક્ય નહીં બને. હું મારી જાતને બચાવીશ નહીં તો આપણો લગ્નસંબંધ મને ખતમ કરી નાખશે. હું એકલો રહીશ, તારાથી દૂર. એ બગ પેક કરીને જતો રહે છે. સ્કારલેટ પર દુખનો પહાડ તૂટી પડે છે. પણ એ નિર્ણય લે છે: નહીં. હું હાર નહીં માનું. હું મારા પતિનું દિલ જીતીને જ રહીશ.... બસ, આવા એક આશાભર્યા મોડ પર ફિલ્મ પૂરી થાય છે.

કહાણી પહેલાંની અને પછીની

ગોન વિથ ધ વિન્ડ માર્ગારેટ મિચેલ નામની લેખિકાએ લખેલી પુલિત્ઝર પ્રાઈઝ વિનર નવલકથા પર આધારિત છે. હીરો તરીકે એટલે રેટ બટલરના રોલમાં સુપરસ્ટાર ક્લર્ક ગેબલને જ લેવા એ શરુઆતથી નિશ્ચિત હતું. સ્કારલેટના રોલ માટે અમેરિકાભરમાં ઓડિશન્સ ગોઠવાયાં. ધૂમ ખર્ચ કરીને લગભગ ૧૪૦૦ જેટલી અજાણી યુવતીઓની ટેસ્ટ લેવાઈ. આમાંથી એક પણ ક્ધયા નિર્માતાઓને ગમી નહીં. નાયિકા ભલે ન મળી, પણ આ કસરતને કારણે અમેરિકામાં આ ફિલ્મને જબરદસ્ત હાઈપ જરુર મળી ગઈ. ત્યાર બાદ ચાર અભિનેત્રીઓને અલગ તારવવામાં આવી. એમાંથી આખરે પોલેટ ગોડાર્ડ અને વિવિયન લી શોર્ટલિસ્ટ થઈ. પોલેટ ગોડાર્ડ હિરાઈન તરીકે લગભગ ફાયનલ થઈ ગઈ હતી, પણ ચાર્લી ચેપ્લિન સાથેનો એનો સંબંધ એને ભારે પડી પડ્યો. ચાર્લી અને એ જાહેરમાં દાવો કરતા હતા કે અમે ચીનમાં લગ્ન કરી લીધાં છે, પણ ખાનગીમાં દોસ્તોને કહ્યા કરતા હતા કે અમે તો કાયદેસર પરણ્યાં વગર જ સાથે રહીએ છીએ. આને લીધે વિવાદ થઈ ગયો હતો. નિર્માતાઓએ વિચાર્યું કે સ્કારલેટ જેવા ફિલ્મના મોસ્ટ ઈમ્પોર્ટન્ટ રોલમાં આવી વિવાદાસ્પદ અભિનેત્રીને લઈશું તો નાહકનું નુક્સાન થઈ જશે. આથી લોરેટ રેસમાંથી આઉટ થઈ ગઈ અને વિવિયન લી નામની ઊભરતી બ્રિટિશ એક્ટ્રેસ આ અવિસ્મરણીય ભુમિકાને લીધે યશસ્વી બની ગઈ! મજા જુઓ. ફિલ્મનો નાયક કે નાયિકા બન્નેમાંથી કોઈ ગુણવાન નથી. સ્કારલેટ ખરેખર તો ક્ધફ્યુઝ્ડ, હવા જોઈને દિશા બદલી નાખતી, સગવડિયા સંબંધોમાં માનતી લુચ્ચી સ્ત્રી છે. છતાંય એનામાં રુપ સિવાય પણ એવું કશુંક છે જેને કારણે તેનું વ્યક્તિત્ત્વ બહુ ગમી જાય તેવું ઊપસે છે. વિવિયન આ પાત્રને જીવી ગઈ છે. માસૂમિયતથી સખ્તાઈ અને ક્ધફ્યુઝનથી કડવાશ સુધીના રંગપલટા એણે જબરદસ્ત ઉપસાવ્યાં છે.ગોન વિથ ધ વિન્ડનો ફર્સ્ટ કટ પાંચેક કલાક જેટલો લાંબો હતો. કાપીકૂપીને ફિલ્મ આખરે ત્રણ કલાક ૫૮ મિનિટ એટલે કે લગભગ ચાર કલાકની કરવામાં આવીજાણે કોઈ પાટવી કુંવરનો રાજ્યાભિષેક થઈ રહ્યો હોય એવી  ધામધૂમથી આ અતિ મહત્ત્વાકાંક્ષી ફિલ્મનું પ્રિમીયર યોજાયું. ટેક્નિકલરમાં બનેલી આ ફિલ્મની ભવ્યતા અને અફલાતૂન જોઈને ઓડિયન્સ ચકિત થઈ ગયું. વિવેચકોએ અદભુત રિવ્યુ લખ્યા. બારમા એકેડેમી અવોર્ડઝમાં એને બાર-બાર નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી આઠમાં એની જીત થઈ. આ એક રેકોર્ડ હતો, જે છેક ૨૦ વર્ષ પછી બેનહર ફિલ્મે તોડ્યો. બોક્સઓફિસ પર પણ નવા વિક્રમો સ્થાપ્યા. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રકોર્ડઝની ૨૦૧૧ની એડિશનમાં મોસ્ટ સક્સેસફુલ ફિલ્મ ઈન સિનેમા હિસ્ટ્રી તરીકે આ ફિલ્મની ગર્વભેર નોંધ લેવામાં આવી. આનાથી વધુ બીજું શું જોઈએ?

ગોન વિથ ધ વિન્ડ ફેક્ટ-ફાઈલ

ડિરેક્ટર          : વિક્ટર ફ્લેમિંગ 
કલાકાર          :  કલર્ક ગેબલ, વિવિયન લી, લેસ્લી     હાવર્ડ 
મૂળ નવલકથાકાર : માર્ગારેટ મિચેલ   
સ્ક્રીનપ્લે          : સિડની હાવર્ડ
રિલીઝ ડેટ        : ૧૫ ડિસેમ્બર ૧૯૩૯
અવોર્ડઝ         : બેસ્ટ પિક્ચર, એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટ્રેસ, ડિરેક્ટર સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફી, ઈન્ટીરિયર ડેકોરેશન અને એડિટિંગ માટેના ઓસ્કર અવોર્ડઝ       


Monday, February 18, 2013

હોલીવૂડ હંડ્રેડ: ‘જોઝ’ : સાગર કિનારે....


મુંબઈ સમાચાર- હોલીવૂડ હંડ્રેડ - મણકો ૧૦ - તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

સ્ટીવન સ્પીલબર્ગે આ લેન્ડમાર્ક ફિલ્મ બનાવી ત્યારે ૨૬ વર્ષના નવા નિશાળિયા હતા. આજની તારીખે દુનિયાભરની ફિલ્મ ઈન્સ્ટીટ્યુટ્સમાં જોઝ સેલેબસમાં ભણાવવામાં આવે છે. ખાસ કરીને એનું શાર્ક થીમ મ્યુઝિક તો કેમેય કરીને ભુલાય એવું નથી.


  ફિલ્મ નંબર ૧૦. જોઝ’ 
મુંબઈનાં થિયેટરોમાં હાલ અબ્રાહમ લિંકનના જીવન પર આધારિત લિંકન નામની અફલાતૂન ફિલ્મ ચાલી રહી છે. બાર-બાર નોમિનેશન મેળવી ચુકેલી આ ફિલ્મ આ વખતની ઓસ્કર સિઝનમાં હોટ ફેવરિટ ગણાય છે. ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર છે સ્ટીવન સ્પીલબર્ગ. આજથી ૩૮ વર્ષ પહેલાં સ્પીલબર્ગ હજુ તો ફિલ્મમેકર તરીકે ઊગીને ઊભા થઈ રહ્યા હતા ત્યારે એમણે એક થ્રિલર-એડવન્ચર-હોરર ફિલ્મ બનાવી હતીજોઝ. આ ફિલ્મ સાઈન કરી ત્યારે સ્પીલબર્ગ માંડ ૨૬ વર્ષના હતા. ડિરેક્ટર તરીકેની તેમની પહેલી ફીચર ફિલ્મ હજુ તો રિલીઝ પણ થઈ નહોતી. પણ પુત્રનાં લક્ષણ પારણામાંથી. કરીઅરના પ્રારંભમાં જ સ્પીલબર્ગે સુપર સિક્સર ફટકારીજોઝ આજે એક લેન્ડમાર્ક ફિલ્મ ગણાય છે. દુનિયાભરની ફિલ્મ ઈન્સ્ટીટ્યુટ્સમાં વિદ્યાર્થીઓને જોઝ’ સેલેબસમાં ભણાવવામાં આવે છે. સ્પીલબર્ગે પછી તો એક નહીં, કેટલીય ક્લાસિક ફિલ્મો બનાવી. તેમના વિશે પછી કયારેક. ફિલહાલજોઝ વિશે વાત કરીએ.

ફિલ્મમાં શું છે?

જોઝ એટલે જડબાં. ખૂંખાર, લોહતરસી શાર્ક માછલીનાં જીવલેણ જડબાં. ફિલ્મનો હીરો કહો તો હીરો અને વિલન કહો તો વિલન આ પચ્ચીસ ફીટ લાંબી અને ત્રણ ટન વજન ધરાવતી જાયન્ટ વ્હાઈટ શાર્ક જ છે. ખૂબસૂરત બીચ ધરાવતી અમિટી આઈલેન્ડ નામની એક કાલ્પનિક જગ્યાનું આખું અર્થતંત્ર ટુરિસ્ટો પર નિર્ભર છે. માર્ટિન બ્રોડી (રૉય શિડલર) અહીંના પોલીસ ચીફ છે. ફિલ્મની શરુઆતમાં જ દરિયાના પાણીમાં નહાવા ઉતરેલી એક ક્ધયા ભેદી રીતે અંદર ખેંચાઈ જાય છે. મેડિકલ એક્ઝામિનર પોલીસ ચીફને જણાવે છે આ પરાક્રમ શાર્કનું છે. ચીફ બીચને સહેલાણીઓ માટે બંધ કરી દેવા માગે છે, પણ મેયર ચોખ્ખી ના પાડે દે છે. એની દલીલ છે કે સમરની હાઈકલાસ સિઝન ચાલી રહી છે, સહેલાણીઓનાં ધાડેધાડાં ઉમટી રહ્યાં છે. આવા માહોલમાં જો શાર્કવાળી વાત ફેલાશે તો ટુરિસ્ટ બિઝનેસની વાટ લાગી જશે. પોલીસ ચીફે નછૂટકે વાત માની લેવી પડે છે.એવામાં બીજી દુર્ઘટના બને છે. પેલી શાર્ક એક છોકરાનો જીવ લઈ છે. છોકરાની મા જાહેર કરે છે: જે કોઈ શાર્કનો શિકાર કરશે એેને હું મોટી રકમનું ઈનામ આપીશ. આ જાહેરાત થતાં જ શિખાઉ શિકારીઓ અને માછીમારો હો... હો કરતાં શાર્કનો શિકાર કરવા ઉમટી પડે છે. જોકે આ બધામાં બે જણા અલગ તરી આવે છે. એક છે પ્રોફેશનલ શાર્ક હન્ટર ક્વિન્ટ (રોબર્ટ શૉ) અને મરીન બાયોલોજિસ્ટ મેટ હૂપર (રિચર્ડ ડ્રેફસ). આ બન્નેની સાથે ખુદ પોલીસ ચીફ પણ જોડાય છે. આ ત્રિપુટી ક્વિન્ટની બોટમાં નીકળી પડે છે અને પછી શરુ થાય છે શ્વાસ અધ્ધર ચડી જાય એવા કારનામા. ફિલ્મના અંતમાં, નેચરલી, પેલી આતંકવાદી શાર્કનો ખાત્મો બોલી જાય છે. એ કેવી રીતે શક્ય બને છે એનું વર્ણન વાંચવાનું ન હોય, બલકે સ્ક્રીન પર જોવાનું હોય.

કથા પહેલાંની અને પછીની

ફિલ્મના પ્રોડ્યુસરોએ જોકે દરિયામાં ખેલાતા જીવસટોસટના પરાક્રમો સૌથી પહેલાં કાગળ પર જ વાંચ્યા હતા. પીટર બેન્ચલી નામના લેખકે જોઝ નામની નવલકથા લખી હતી. એ પુસ્તક સ્વરુપે બહાર પડે એ તે પહેલાં જ નિર્માતાઓના હાથમાં એની કાચી પ્રત આવી ગઈ. તેઓ એટલા પ્રભાવિત થયા કે તાત્કાલિક આ નોવેલના રાઈટ્સ ખરીદી લીધા અને તેના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કરી નાખ્યું. મૂળ તેઓ જોન સ્ટુર્જીસ નામના ડિરેક્ટરને લેવા માગતા હતા, કારણ કે ભૂતકાળમાં તેઓ દરિયાના બેકગ્રાઉન્ડવાળી ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી નામની ઓસ્કર-વિનર ફિલ્મ બનાવી ચુક્યા હતા. (એક આડવાત. ઓલ્ડ મેન એન્ડ ધ સી નોબલપ્રાઈઝ વિનર અર્નેસ્ટ હેમિંગ્વેની લઘુનવલ છે. ચંદ્રકાંત બક્ષી આ મર્દાના સર્જક અને સર્જનથી અત્યંત પ્રભાવિત હતા.) કોઈક કારણસર જોન સ્ટુર્જીસનો મેળ ન પડ્યો. દરમિયાન સ્ટીવન સ્પીલબર્ગ નામના નવાસવા જુવાનિયાએ નિર્માતાઓના ટેબલ પર જોઝની ફાઈલ પડેલી જોઈ. સ્પીલબર્ગની પહેલી ફિલ્મ ધ સુગરલેન્ડ એક્સપ્રેસ આ જ નિર્માતાઓએ બનાવી હતી, જે હજુ રિલીઝ થવાની બાકી હતી. સ્પીલબર્ગે રાત જાગીને નવલકથા વાંચી ગયા. એની ઉત્સુકતા અને પેશન જોઈને પ્રોડ્યુસરોએ એમને સાઈન કરી લીધા.  

મૂળ લેખકે સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો. એના પર પછી તો ઘણા લેખકોનો હાથ ફર્યો. કોઈ મોટા સ્ટાર્સને સાઈન કરવા નથી તે નક્કી હતું. તર્ક એવો હતો કે અજાણ્યા ચહેરાઓને જોઈને ઓડિયન્સને લાગશે આવું અમારી સાથે પણ થઈ શકે છે! આમેય ફિલ્મની સુપરસ્ટાર તો પેલી શાર્ક માછલી જ હતીશૂટિંગ માટે પચ્ચીસ-પચ્ચીસ ફીટ લાંબી અને પ્રેશરાઈઝ્ડ ગેસ વડે હલનચલન કરી શકે એવી ત્રણ મિકેનિકલ શાર્ક માછલી બનાવવામાં આવી. એક ડાબેથી જમણી તરફ ગતિ કરે એવી, બીજી જમણેથી ડાબે ગતિ કરી એવી અને ત્રીજી મુખથી પેટ સુધીની અડધા કદની. આ એટલાં કોમ્પ્લીકેટેડ મોડલ હતાં એક માછલીને ચલાવવા ૧૪ ઓપરેટરની જરુર પડતી હતી

સ્ટીલબર્ગને એક તો નવાસવા ને પાછા પરફેક્શનના આગ્રહી. સામાન્યપણે દરિયાનાં દશ્યો સ્ટુડિયોના તોતિંગ હોજમાં શૂટ કરવામાં આવતા હોય છે, પણ સ્પીલબર્ગે ધરાર સાચુકલા દરિયામાં શૂટિંગ કરવાનો આગ્રહ રાખ્યો. મેસેચ્યુસેટ્સના એક દરિયાકાંઠે કામ શરુ થયું ને યાંત્રિક માછલીઓ ટીમનું લોહી પી ગઈ! દરિયાનું ખારું પાણી પૂરજાઓમાં ભરાઈ જવાથી એ વારેવારે બંધ પડી જતી હતી. આર્ટિફિશીયલ સ્કિન ખરાબ થઈ જતી. ફ્રસ્ટ્રેશનનો પાર નહીં. મૂળ બજેટ ૪ મિલિયન ડોલર હતું. એેમાંથી ત્રણ મિલિયન તો યાંત્રિક માછલીઓ જ ખાઈ ગઈ. બજેટ વધતું વધતું ૯ મિલિયન સુધી પહોંચી ગયું. મૂળ આયોજન પ્રમાણે શૂટિંગ પંચાવન દિવસમાં પૂરું કરી દેવાનું હતું, જે ૧૫૯ દિવસ સુધી ખેંચાયું. હોલીવૂડમાં ૧૦૦ કરતાં વધારે દિવસ શૂટિંગ ખેંચનાર ડિરેક્ટર અનપ્રોફેશનલ ગણાઈ જાય છે. સ્પીલબર્ગે માની લીધું કે પત્યું... આ જોઝ મારી કરીઅરની છેલ્લી ફિલ્મ બની રહેવાની!પણ સ્પીલબર્ગની કુંડળીમાં ધ સ્ટીવન સ્પીલબર્ગ બનવાનું લખાયું હતું. સાઈકો ફેમ હિચકોક માનતા કે તમે સ્ક્રીન પર જેટલું ઓછું બતાવશો એટલી વધારે થ્રિલ પેદા કરી શકશો. ખટારા જેવી યાંત્રિક માછલીઓની કડાકૂટથી બચવા સ્પીલબર્ગે એમ જ કર્યું. એમણે નિર્ણય લીધો: આખી શાર્ક બતાવવાની જ નહીં, માત્ર એની પાંખ જેવા અંગનો ત્રિકોણાકાર ટુકડો પાણીની સપાટી પર સરકતો બતાવવાનો. આ જ ટેક્નિક ફિલ્મનો હાઈ-પોઈન્ટ બની ગઈ! આખી શાર્કને બદલે માત્ર એની હાજરીના સંકેતથી થવાથી ટેન્શન જબરદસ્ત વધી જતું હતું. શાર્કના સરકતા ત્રિકોણીયા અંગ સાથે ખાસ પ્રકારનું ટેન્શન-સૂચક સંગીત સાંકળી લેવાયું. આ સંગીતને કારણે ફિલ્મને ચાર ચાંદ લાગી ગયા.  શાર્ક થીમ મ્યુઝિક ઓલ-ટાઈમ-ગ્રેટ બેકગ્રાઉન્ડ સ્કોરમાં હકથી સ્થાન પામે છે. અમુક અન્ડરવોટર દશ્યો માટે ઓસ્ટ્રેલિયા જઈને સાચુકલી શાર્ક સાથે પણ શૂટિંગ કરવામાં આવ્યું.

આખરે ફિલ્મ રિલીઝ કરવાનો સમય આવ્યો ત્યારે નિર્માતાઓએ ટેલીવિઝન પર પ્રોમોનો મારો ચલાવ્યો. આખા અમેરિકામાં એકસાથે  હજારો થિયેટરોમાં ફિલ્મ પ્રદર્શિત કરી આવી. આ ૧૯૭૫ની વાત છે. આવું અમેરિકામાં અગાઉ ક્યારેય નહોતું બન્યું. જોઝે બોક્સઓફિસના અગાઉના તમામ રેકોર્ડઝ તોડી નાખ્યા. પાંચ વર્ષથી મંદીથી પીડાતા હોલીવૂડમાં નવી ચેતના આવી. જાઝની સફળતાએ હોલીવૂડમાં ફિલ્મનું માકેર્ટિંગ કરવાની એક નવું બિઝનેસ મોડલ ઈન્ટ્રોડ્યુસ થયું. ધૂમ પ્રમોશન અને એકસાથે હજારો પ્રિન્ટ્સ દ્વારા  શરુઆતના દિવસોમાં જ હાઈ કોન્સેપ્ટ ધરાવતી ફિલ્મનો પ્રોડક્શન ખર્ચ રિકવર કરી લેવાની કોશિશ કરવાની. હોલીવૂડના સ્ટુડિયોઝ માટે આ મોડલ ખૂબ નફાકારક પૂરવાર થયું. બોલીવૂડમાં છેક હવે ખાસ કરીને બિગ બજેટ બ્લોકબસ્ટરના કેસમાં આ બિઝનેસ મોડલનો અમલ થાય છે. હા, તેને કારણે દેશ-વિદેશમાં નાની આર્ટ ફિલ્મોને નુક્સાન પણ થયું છે તે અલગ વાત થઈ. જાઝને વિવેચકોએ ફિલ્મને ખૂબ વખાણી. ત્રણ ઓસ્કર એવોર્ડઝ પણ મળ્યા. પછી તો એના જેવી તો કેટલીય ફિલ્મો બનીજોઝના જ બીજા ત્રણ પાર્ટ બન્યા. આમાંથી જોકે સ્પીલબર્ગ એકેયમાં સંકળાયેલા નહોતા. જાઝ ટીવી પર અવારનવાર દેખાડાતી રહે છે. જો હજુ સુધી જોઈ ન હોય તો હવે મિસ ન કરતા.  

જો ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર          : સ્ટીવન સ્પીલબર્ગ 
કલાકાર          :  રૉય શિડર, રોબર્ટ શૉ, રિચર્ડ ડ્રેફસ    
મૂળ નવલથાકાર  : પીટર બેન્ચલી
રિલીઝ ડેટ        : ૨૦ જૂન ૧૯૭૫  
અવોર્ડઝ          : બેસ્ટ એડિટિંગ, બેસ્ટ ઓરિજિનલ ડ્રામેટિક સ્કોર, બેસ્ટ સાઉન્ડ   માટેના ઓસ્કર                       ૦૦૦
  

Saturday, February 16, 2013

સુશાંત આઈવો... છે!


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 17 ફેબ્રુઆરી 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

‘કાઈ...પો છે’નો હીરો સુશાંતસિંહ રાજપૂત અત્યારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોટ પ્રોપર્ટી ગણાવા લાગ્યો છે. એવું તે શું છે આ દિલ્હીબોયમાં? 


જી, બિલકુલ. જે રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એની ગ્ર્ાાન્ડ એન્ટ્રી થઈ રહી છે એ જોતાં ઢોલનગાર અને શરણાઈના સૂરોની વચ્ચે ‘બાઅદબ બામુલાહિજા હોશિયાર....સુશાંતસિંહ રાજપૂત પધાર રહે હૈ....’ની બાંગ પોકારવાની જ બાકી રહી છે. આવતા શુક્રવારે સુશાંત ટીવીની સ્મોલ સ્ક્રીન પરથી હાઈ જમ્પ કરીને સિનેમાની બિગ સ્ક્રીન પર ધુબાકો લગાવશે, ‘કાઈ...પો છે’ ફિલ્મનો હીરો બનીને. 2013ની આ એક મહત્ત્વની અને મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. ચેતન ભગતની બેસ્ટસેલર ‘થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ પર આધારિત આ ફિલ્મ માટે આપણે એટલા માટે વધારે ઉત્સુક છીએ કે એમાં ગુજરાતીઓની અને ગુજરાતીપણાની વાત છે. ફિલ્મનું હિન્દીમાં છે, પણ એનું લોકાલ અમદાવાદ છે. ગુજરાતીઓની વાત આવે એટલે થેપલાં અને ઢોકળાનાં જોક્સ ઠઠાડવાની લોકોને બુરી આદત છે. ‘કાઈ... પો છે’ની ટીમની વાત માનીએ તો આ ફિલ્મમાં, ફોર અ ચેન્જ, આવી કોઈ ચવાઈ ગયેલી હ્યુમર દેખાશે નથી. થેન્ક ગોડ.

‘દિલ ચાહતા હૈ’, ‘રોક ઓન!’ અને ‘થ્રી ઈડિયટ્સ’ની જેમ આ ફિલ્મમાં પણ ત્રણ દોસ્તારોનાં સપનાં તેમજ સંઘર્ષની વાત છે. છોકરાઓ-છોકરાઓ વચ્ચેની શુદ્ધ લાગણીસભર ભાઈબંધી માટે એક રમતિયાળ શબ્દ પેદા કરી લેવામાં આવ્યો છે - બ્રોમાન્સ. ‘કાઈ... પો છે’માં સુશાંતસિંહ રાજપૂત, અમિત સધ અને રાજકુમાર યાદવ આ ત્રણેયની મુખ્ય ભુમિકા છે, પણ સુશાંતને સૌથી વધારે અટેન્શન અને માનપાન મળી રહ્યા છે.  એક પણ ફિલ્મ રિલીઝ થઈ ન હોવા છતાં સુશાંત બોલીવૂડની હોટ પ્રોપર્ટી બની ગયો છે. રાજકુમાર હિરાણીએ એને આમિર ખાન સાથે ‘પીકે’માં સાઈન કર્યો છે. આ રોલ તો જોેકે ટચુકડો છે, પણ યશરાજ જેવા અતિ પ્રતિષ્ઠિત બેનરે તેને એક આગામી ફિલ્મમાં સોલો હીરો તરીકે લીધો છે. આ રોલ પહેલાં શાહિદ કપૂરને ઓફર થયો હતો. આ ફિલ્મને ડિરેક્ટ કરશે ‘બેન્ડ બાજા બારાત’ ફેમ મનીષ શર્મા અને હિરોઈન છે, અનુષ્કા શર્મા. ‘પીકે’માં સુશાંત કેન્દ્રમાં નથી એટલે એ ફિલ્મ બાજુમાં રાખીએ, પણ ધારો કે બાકીની બેમાંથી એક ફિલ્મ પણ વ્યવસ્થિત ચાલી ગઈ તો સુશાંતની ગાડી રમરમાટ કરતી દોડવા માંડશે એ તો નક્કી. સુશાંતનો બેક-અપ પ્લાન પણ તગડો છે. યુટીવીએ એની સાથે બે ફિલ્મોનો અને યશરાજે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રેક્ટ ઓલરેડી કરી નાખ્યો છે. બહુ ઓછા ન્યુકમર્સની કરીઅર આટલી જબરદસ્ત રીતે લોન્ચ થતી હોય છે.  

આ સુશાંત આખરે છે કોણ? લોકોએ પહેલી વાર એને એકતા કપૂરની ‘પવિત્ર રિશ્તા’ સિરિયલમાં જોયો હતો. તે પછી ‘ઝલક દિખલા જા’માં એને નાચતો-કૂદતો જોયો. એના ડાન્સથી પ્રભાવિત થઈને જજ બનેલી માધુરી દીક્ષિત જેવી માધુરી દીક્ષિતે કહેવું પડ્યું હતું કે સુશાંત, તારે મને ડાન્સ સ્ટેપ્સ શીખવવા પડશે... આઈ વોન્ટ ટુ ડાન્સ વિથ યુ! સુશાંતના પપ્પા એન્જિનીયર છે. વારે વારે ટ્રાન્સફર થયા કરે. રાજપૂત પરિવાર પટણામાં રહેતું હતું ત્યારે સુશાંતનો જન્મ થયો. પરિવારમાં અગાઉ પણ એક દીકરો જન્મ્યો હતો, પણ ચાર વર્ષની ઉંમરે ગુજરી ગયો. એ પછી ચાર દીકરીઓ અવતરી અને ત્યાર બાદ સુશાંત. કલ્પના કરો, સુશાંત એનાં મા-બાપનો કેટલો ચાગલો હશે.
એ બારમા ધોરણમાં હતો ત્યારે એક રાત્રે મમ્મીએ એને પોતાની પાસે બોલાવ્યો. એકદમ જ એ રડવા લાગી. કહ્યું: દીકરા, સંભાળજે... તારો ખ્યાલ રાખજે. બીજા દિવસે માને બ્રેન હેમરેજ તઈ ગયું ને એ ગુજરી ગઈ. ‘એના જવાથી મારા જીવનમાં ખાલીપો આવી ગયો,’ સુશાંત એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘મા સાથે મારે સૌથી વધારે આત્મીયતા હતી. પણ મને સતત લાગ્યા કરે છે કે મારી મા ઉપર બેઠી બેઠી મારું ધ્યાન રાખે છે.’ મા અથવા બાપ અથવા બન્ને ગુમાવી ચુકેલાં સંતાનોને આવી ફીલિંગ હંમેશાં રહ્યા કરતી હોય છે...

સુશાંત ભણવામાં સારો હતો. ઓલ ઈન્ડિયા એન્જિનીયરિંગ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન (એ-આઈ-ટ્રિપલ-ઈ)માં એ સાતમા ક્રમે આવેલો. ફિઝિક્સ ઓલ્મ્પિયાડમાં એ નેશનલ વિનર હતો. દિલ્હી સ્કૂલ ઓફ એન્જિનીયરિંગમાં એડમિશન તો લીધું, પણ ભણવામાં મન ન ચોંટ્યું. ક્યાંથી ચોંટે. એને એક્ટિંગનો અને ડાન્સિંગનો કીડો કરડી ચૂક્યો હતો. નાચવાનું બહુ ગમતું એટલે શ્યામક દાવરની ડાન્સ ઈન્સ્ટિટ્યુટ પણ જોઈન કરી હતી. પછી જાણીતા અભિનય ગુરુ બેરી જોનના ગ્ર્ાુપમાં જોડાઈ ગયો. થર્ડ યરમાં પહોંચ્યો ત્યાં સુધીમાં બ્રહ્મજ્ઞાન લાધી ચૂક્યું હતું કે એન્જિનીયરિંગ એના માટે છે જ નહીં. ભણવાનું પડતું મૂકીને ભાઈસાહેબ મુંબઈ આવી ગયા. દિમાગમાં જબરી ગરમી ચડી ગઈ હતી: ફિલ્મસિટી સ્ટુડિયોમાં ચાની લારી ખોલીશ, પણ સ્ટ્રગલ તો એક્ટિંગની લાઈનમાં જ કરીશ!

‘એકચ્યુઅલી, અગાઉ 2005માં હું મુંબઈ આવી ગયેલો. યશરાજ સ્ટુડિયોમાં ફિલ્મફેર અવોર્ડ ફંકશન હતું અને એમાં જે ડાન્સ પર્ફોર્મન્સીસ થયાં હતાં તેમાં શ્યામક દાવરના સ્ટુડન્ટ્સને બેકગ્ર્ાાઉન્ડ ડાન્સર્સ તરીકે લેવામાં આવ્યા હતા. એમાં એક હું પણ હતો. એક ગીતમાં મારે ઐશ્વર્યા રાયને ઊંચકવાની હતી. રિહર્સલ દરમિયાન ઐશ્વર્યાએ મને કહેલું કે જોજે દોસ્ત, મને પછાડતો નહીં! હું તો માની નહોતો શકતો કે ઐશ્વર્યા રાય ખુદ મારી સાથે વાત કરી રહી છે! એ વખતે શ્યામકે મને કહેલું: બહુ એક્સાઈટ થવાની જરુર નથી. એક દિવસ તું પણ ફિલ્મોમાં કામ કરતો હોઈશ... લખી રાખ!’

શ્યામક સરની ભવિષ્યવાણી સાચી પડી. શ્યામકે જ એને એક વાર કહેલું કે સુશાંત, તું કંઈ મારો બેસ્ટ સ્ટુડન્ટ નથી, પણ તારામાં હું કશુંક જોઈ શકું છું. તું કોઈ થિયેટર ગ્ર્ાુપ જોઈન કેમ નથી કરતો? એટલે પછી સુશાંતે બેરી જોનના જુથનો હિસ્સો બન્યો. મુંબઈ આવીને એણે નાદિરા બબ્બરના ગ્ર્ાુપમાં જોડાઈને બે-અઢી વર્ષ નાટકો કર્યાં. દરમિયાન બાલાજી માટે ઓડિશન આપ્યું. એકતા કપૂરને તે પસંદ પડ્યું પડ્યું ને તેને ‘પવિત્ર રિશ્તા’ સિરિયલનો હીરો બનાવી દીધો.  સિરિયલની વાર્તામાં જનરેશન બદલી એટલે અઢાર-વીસ વર્ષનો જમ્પ આવ્યો. સુશાંતને આધેડ વયના દેખાવું નહોતું. એણે સિરિયલ છોડી દીધી.

‘બધા કહ્યા કરે છે કે મેં શો છોડ્યો એટલે એકતા મારા પર સોલિડ બગડી હતી, પણ હકીકતમાં એવું કશું થયું નહોતું,’ સુશાંત કહે છે, ‘ઈન ફેક્ટ, એકતાએ જ ‘કાઈ...પો છે’ના ડિરેક્ટર અભિષેક કપૂરને મારું નામ સૂચવ્યું હતું. અભિષેક અને એકતા એકબીજાનાં કઝિન થાય. જો સંબંધ વણસેલા હોય તો એકતા શું કામ મારું નામ રિકમન્ડ કરે?’

Kai Po Che team: (L to R) Amit Sadh, Abhishek Kapoor, Rajkumar Yadav, Sushant Singh Rajput


ટીવીને કારણે થોડી લોકપ્રિયતા મળી જાય એટલે ફિલ્મો માટે ટ્રાય કરવાનું શરુ કરી દેતા એક્ટર્સનો તોટો નથી. તાર્કિક રીતે એમાં કશું ખોટું પણ નથી, પણ મોટા પડદે ગજ ન વાગે ત્યારે એ બાપડા નથી ઘરના રહેતા કે નથી ઘાટના. ‘ક્યૂંકિ સાસ ભી કભી બહૂ થી’થી જબરદસ્ત પોપ્યુલર બની ગયેલો અમર ઉપાધ્યાય યાદ છે? એણે પણ ફિલ્મી હીરો બનવા ટીવી છોડી દીધું હતું. બે-ત્રણ ફિલ્મો કરી પણ ખરી, પણ એ જરાય જામી નહીં ને એમના એક્ટિંગના કરીઅર પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું. સુશાંતનો કેસ કમસે કમ હાલના તબક્કે તો અલગ દેખાય છે. પછી તો જેવા નસીબ.

સુશાંતને ‘પવિત્ર રિશ્તા’ શો એક કરતાં વધારે સ્તરે ફળ્યો છે. કો-એક્ટર અંકિતા લોખંડે સાથે એણે અસલી જીવનમાં પણ જોડી જમાવી છે. બન્ને મોટે ભાગે તો એકાદ-બે વર્ષમાં જ પરણી જવાનાં છે. ટીવી પર સફળતા પામ્યા પછી સિનેમામાં પણ ઊંચાઈ સુધી પહોંચી શક્યો હોય એવો એક જ હીરો છે - શાહરુખ ખાન. શાહરુખની જેમ સુશાંત પણ દિલ્હીનો છે. બન્ને બેરી જોનના શિષ્યો છે. વળી, બન્ને તદ્દન નોન-ફિલ્મી બેકગ્ર્ાાઉન્ડમાંથી આવે છે. શું આ સરખામણી આગળ વધીને શાહરુખની શોહરત સુધી પહોંચી શકશે? લેટ્સ સી.

શો સ્ટોપર

નાનો હતો ત્યારે મારા મનમાં એવું જ ઠસાઈ ગયું હતું કે સ્ત્રી-પુરુષ સેક્સ કરે એટલે એમની વચ્ચે પ્રેમ તો ન જ હોય. મને થાય કે અરે યાર યે તો સેક્સ હૈ, યે કહાં પ્યાર હૈ!

- ઈમ્તિયાઝ અલી (‘જબ વી મેટ’, ‘રોકસ્ટાર’ વગેરેના ડિરેક્ટર)

       

‘’

Saturday, February 9, 2013

કમલની કમાલ


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 10 ફેબ્રુઆરી 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

કમલ હાસન અને રજનીકાંતે હીરો તરીકે એક સાથે, એક જ ફિલ્મથી શરુઆત કરી હતી. રજનીકાંતે સિગરેટ ઉછાળવાનો અને ગોગલ્સ ઘુમવવાનો સ્ટાઈલિશ રસ્તો પસંદ કર્યો, જ્યારે કમલ હાસન અર્થપૂર્ણ ફિલ્મો તરફ વળ્યા. કદાચ દરેક સફળતમ અદાકાર સામે આ યક્ષપ્રશ્ન ઊભો થઈ જતો હોય છે- ઈમેજમાં કેદ થઈને રહેવું છે? કે બીબાંઢાળ બન્યા વગર ખુદને ચેલેન્જ આપતા રહેવું છે?મલ હાસન જાદુગર માણસ છે. એની ફિલ્મી ટોપીમાંથી ક્યારે કઈ વસ્તુ નીકળશે એ કળી શકાતું નથી. જોવા જેવી વાત એ છે કે ભારતના મહાનતમ અદાકારોની સૂચિમાં હકથી સ્થાન પામતા આ તમિલ અભિનેતાની ખુદને ‘રિલક્ટન્ટ એક્ટર’ ગણાવે છે. મતલબ કે એક્ટિંગ કરવાની બહુ મરજી ન હોવા છતાંય એક્ટિંગ કરવી પડી હોય એવો એક્ટર. કલ્પના કરો. એ રિલક્ટન્ટને બદલે એન્થ્યુુુઝિએસ્ટિક (ઉત્સાહી) એક્ટર હોત તો ઓર કેવા કેવા ચમત્કાર કર્યા હોત. કમલ હાસન એક કંપલીટ પેકેજ છે. તેઓ અભિનય કરે, ડિરેક્ટ કરે, ફિલ્મો લખે, પ્રોડ્યુસ કરે અને એનું માર્કેટિંગ પણ કરે. કમલ હાસન લખિત-અભિનિત-દિગ્દર્શિત ફિલ્મ ‘વિશ્વરુપમ’ અથવા ‘વિશ્વરુપ’ ખૂબ બધા વિવાદો અને હૈયા-બળતરા પછી ત્રણેય ભાષાના ઓડિયન્સ સુધી પહોંચી ખરી. આ ફિલ્મે આતંકવાદ જેવા સંકુલ વિષય પર બનતી ભારતીય ફિલ્મોનું સ્ટાન્ડર્ડ ઊંચું કરી નાખ્યું છે.

સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર્સની વાત આવે એટલે સામાન્યપણે આ બે નામ આપણને સૌથી પહેલાં યાદ આવે - કમલ હાસન અને રજનીકાંત. એ કેટલી ઈન્ટરેસ્ટિંગ વાત છે કે આ બન્ને જણાએ હીરો તરીકેની શરુઆત એક સાથે, એક જ ફિલ્મથી કરી હતી. તેે હતી 1975માં રિલીઝ થયેલી કે. બાલાચંદરની ‘અપૂર્વ રાગંગલ’. કમલ હાસન ચાર વર્ષની ઉંમરથી બાળકલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં સક્રિય હતા, પણ આ ફિલ્મ થકી તેઓ રીતસર હીરો બન્યા. રજનીકાંતની કરીઅરની આ સર્વપ્રથમ ફિલ્મ. ‘અપૂર્વ રાગંગલ’ પરથી ‘એક નઈ પહેલી’ નામની હિન્દી રિમેક પણ બની હતી, જેમાં કમલ હસન અને હેમા માલિની મુખ્ય કલાકારો હતાં. અટપટા સંબંધોની વાત કરતી આ ફિલ્મે અવોર્ડઝ અને બોક્સઓફિસના આંકડા બન્ને જીત્યા. એ વખતે કોઈએ કલ્પના કરી હશે ખરી કે કમલ અને રજની બન્ને આગળ જતા મોટા લેજન્ડ બની જવાના છે!
‘મારી અને રજનીની કરીઅર સમાંતરે છતાંય બહુ જ જુદી રીતે આગળ વધતી રહી,’ કમલ હાસન એક મુલાકાતમાં કહે છે, ‘આ કંઈ આકસ્મિક નહોતું. અમે સભાનતાપૂર્વક પોતપોતના રસ્તા પસંદ કર્યા હતા. હું અને રજની નવા હતા ત્યારે ઘણી વાર ગપ્પાં મારતાં મારતાં ભવિષ્યનાં સપનાં જોતા. રજનીની પોતાની સ્ટાઈલ હતી - સિગરેટ ઊછાળવી, ચશ્મા ઘુમાવવા ને એવું બધું. ઓડિયન્સને એ બધું ગમતું. હું એને પૂછતો કે રજની, તું ભવિષ્યમાંય આ જ બધું કરતો રહીશ? એ કહેતો, હા. હું કહેતો કે મારે તો આગળ જતાં સિરિયસ ફિલ્મો કરવી છે. રજની કહેતો, ફાઈન, તને સિરિયસ ફિલ્મો વધારે સુટ થાય છે તો તું એ કર, મને  સ્ટાઈલિશ ફિલ્મો વધારે સુટ થાય છે એટલે હું એ કરીશ.’

કમલ હાસન અને રજનીકાંત વચ્ચે સતત તીવ્ર સ્પર્ધા રહી. બન્ને સમકાલીન હતા અને બન્નેના ગુરુ એક જ હતા - કે. બાલાચંદર. કમલ અને રજનીએ કુલ 15 ફિલ્મો સાથે કરી છે, જેમાંથી આઠ કે. બાલાચંદરે ડિરેક્ટ કરી છે. ભુલેચુકેય બન્નેમાંથી કોઈમાં એકમેકને પછાડવાનો એટિટ્યુડ સહેજ અમથો દેખાતો તો કે. બાલાચંદર એમને ધધડાવી નાખતા.

કમલ હાસને ‘એક દુજે કે લિએ’થી હિન્દી સિનેમામાં જોરદાર એન્ટ્રી તો મારી, પણ ક્યારેય મેઈનસ્ટ્રીમ હિન્દી હીરો તરીકે જમાવટ ન કરી શક્યા. આ વાતનો અફસોસ એમના એમના આપણા જેવા ચાહકોને સતત રહ્યો છે. કદાચ તેઓ ક્યારેય મુંબઈમાં બોરિયા-બિસ્તર લઈને સેટલ ન થયા એ એક મહત્ત્વનું કારણ હતું. ‘એક દુજે કે લિયે’ 1981માં રિલીઝ થઈ હતી. એ જ વર્ષે અમિતાભની ‘લાવારિસ’ આવી હતી. પછી ‘શક્તિ’ અને ‘કૂલી’ આવી. ત્યાર બાદ અમિતાભ પોલિટિક્સમાં ગયા ને લાંબો વિરામ લીધો. ‘એક દુજે કે લિયે’ના સુપર સક્સેસ પછીય કમલ હાસન સાઉથ ઈન્ડિયન ફિલ્મો સતત કરતા રહ્યા. કેવળ હિન્દી ફિલ્મો પર તેમણે ક્યારેય સંપૂર્ણપણે ફોકસ ન કર્યું. ખેર. બોલીવૂડમાં અમિતાભ બચ્ચન અને કમલ હસન બન્ને મહત્ત્વનાં પાવર સેન્ટર હોત તો કેવી પરિસ્થિતિ સર્જાત એ કલ્પનાનો વિષય છે. કમલ હસનને જુદી જુદી ટેક્નિક્સનો ઉપયોગ કરીને  જાતજાતના વેશ કાઢવાની આદત છે. ક્યારેક એ ઠીંગુજી બનશે, ક્યારેક સ્ત્રી તો ક્યારેક બીજું કંઈ. ‘દશાવતાર’માં એમણે દસ રોલ કર્યા હતા. અમિતાભે ‘પા’માં પોતાના લૂક સાથે સરસ પ્રયોગ કર્યો હતો. આપણી પાસે બિગ બી છે તો કમલ હાસન સાઉથના બિગ ‘કે’ છે. ટેલેન્ટ અને પોઝિશનની દષ્ટિએ કમલ હસન બચ્ચનસાહેબ કરતાં જરાય ઊતરતા નથી.‘હા, હવે કદાચ મારી અને અમિતજી વચ્ચે એવી તુલના કરી શકાય ખરી,’ કમલ કહે છે, ‘હું બડાશ નથી હાંકતો, પણ અમિતાભે ‘પા’માં જે કયુર્ર્ં એવું હું વર્ષોથી કરતો આવ્યો છું. અમિતજીએ કરીઅરની પહેલી ઈનિંગ્સ દરમિયાન પોતાની ખ્યાતિ અને ઈમેજની કેદમાં બંધાઈ રહેવાનું સ્વેચ્છાએ પસંદ કર્યું હતું. તેઓ ધારત તો આસાનીથી બીજો રસ્તો પકડી શક્યા હોત. પણ એમણે એવું ન કર્યું.’

કદાચ સફળતમ અદાકારો સામે આ યક્ષપ્રશ્ન હંમેશા આવીને ઊભો રહી જતો હોય છે. દાયકાઓ પહેલાં દિલીપ કુમારે એક વાર મિત્ર રાજ કપૂરને સવાલ કર્યો હતો કે તું શા માટે તારી બધી ફિલ્મોમાં ભલાભોળા આમઆદમી રાજુનો એકનો એક રોલ રીપીટ કર્યા કરે છે? કંઈક નવું કેમ નથી કરતો? અત્યારના એક્ટર્સની વાત કરીએ તો આમિર ખાન બીબાંઢાળ બની જવાને બદલે સભાનતાપૂર્વક, જોખમ ઉઠાવીને અલગ અલગ શૈલીની ફિલ્મો કરી ખુદની ક્ષિતિજો વિસ્તારતા રહેવાનો પ્રયત્નો કરતો રહે છે. આમિર એક સમયે એક જ ફિલ્મ કરવાનું કમલ હાસન પાસેથી શીખ્યો છે. સામે પક્ષે, શાહરુખમાં ભરપૂર ક્ષમતા હોવા છતાં (‘સ્વદેસ ’ કે ‘ચક દે ઈન્ડિયા’ જેવા સુખદ અપવાદોને બાદ કરતાં) રાજ અને રાહુલની પોપ્યુલર ઈમેજની સિક્યોરિટી સંતોષ માની લે છે.

શાહરુખે એક વખત કમલ હસન વિશે સરસ વાત કરેલી, ‘હું સુપરસ્ટાર ગણાઉં એટલે ચાહકો મારી સાથે હાલ મિલાવવા કે મને ભેટવા ઈચ્છતા હોય છે. આવી ચેષ્ટા હું પોતે ન કરું. સામે અમિતાભ બચ્ચન હોય તોય ન કરું ને રજનીકાંત હોય તોય ન કરું. ફક્ત એક જ અપવાદ છે - કમલ હાસન. હું એમને પહેલી વાર મળ્યો હતો ત્યારે પૂછ્યું હતું કે સર, કેન આઈ ટચ યુ? કમલ હાસન જે રીતે પડદા પર સ્પેસનો ઉપયોગ કરે છે એ કમાલનું છે. વૃદ્ધ માણસ બન્યા હોય તો એમની ઊભા રહેવાની રીત જ એવી હોય કે ઓડિયન્સ વગર કહ્યે કિરદારની ઉંમર પામી જાય. એમના એક્સપ્રેશન્સ અને મુદ્રાઓ એટલાં અદભુત હોય કે મેકઅપ ન કરે તો પણ એ વૃદ્ધ માણસ જ દેખાય.  એ તમારી સામે માત્ર એક નજર ફેંકીને રડાવી શકે છે. કમલ હાસન ખુદનું પ્રતિબિંબ ડસ્ટિન હોફમેનમાં જુએ છે (જેમણે ‘રેઈનમેન’, ‘ટૂટસી’, ‘ક્રેમર વર્સસ ક્રેમર’ જેવી ફિલ્મો કરી છે), પણ મારી દષ્ટિએ તો કમલસર હોફમેન અને રોબર્ટ દ નીરોના સરવાળા કરતાંય ઊંચા છે. કમલસર, બચ્ચનજી, નસીરુદ્દીન શાહ... ધે આર ગોડ્સ ઓફ એક્ટિંગ. કમલસર બરાબર જાણે છે કે ઓડિયન્સને શું જોઈએ છે. એમના જેવા બ્રિલિયન્ટ ટેક્નિશીયન્સ બહુ ઓછા છે ઈન્ડસ્ટ્રીમાં. એમનું જે નોલેજ છે, પોતાના ક્રાફ્ટ પર જે કંટ્રોલ છે... ઓહ માય ગોડ! દરેક એક્ટરે કમલસરનું અનુસરણ કરવું જોઈએ.’કમલ હસન જોકે પોતાને મિડીયોકર એક્ટર માને છે. આવું માનવા માટે એમની પાસે કારણો પણ છે. એ જે હોય તે, બાકી કમલ હાસન નામના જાદુગર પાસેથી આપણે હજુ બહુ બધા જાદુના ખેલ જોવાના બાકી છે એ તો નક્કી.

શો સ્ટોપર

સ્ક્રીન પર તમે કંઈ પણ કરતા હો, તેમાં કન્વિક્શન જોઈએ જ. ઊંઘવાની એક્ટિંગ કરતા હો તો પણ તમે એવું બિલકુલ વિચારી ન શકો કે ઠીક છે હવે, કિસી કો ક્યા પતા ચલેગા? 

- વિદ્યા બાલન

Thursday, February 7, 2013

હ્યુમર એક્સપ્રેસ


 ચિત્રલેખા - અંક તા.11 ફેબ્રુઆરી 2013

કોલમ: વાંચવા જેવું
કાઈ અજાણ્યા લેખકનું અને અજાણી પ્રકાશન સંસ્થા દ્વારા છપાયેલું પુસ્તક કશી જ અપેક્ષા વગર હાથમાં લઈએ અને એ એકદમ મસ્તમજાનું નીકળે ત્યારે જલસો પડી જાય. આજના પુસ્તકના કેસમાં બિલકુલ એમ જ બન્યું. આ નાનકડું પુસ્તક એટલું જીવંત, આહલાદક અને રમતિયાળ છે કે વાંચતા જ જાણે કાનની સાવ બાજુમાં બોમ્બ ફાટ્યો હોય એવી લાગણી થઈ. નામ જ કેવું નિરાળું છે - પંચાત! પુસ્તકની ટેગલાઈન પણ મજેદાર છે- મારી ફેસબુકથી પબ્લિશ્ડ બુક સીધીની યાત્રા.

લેખિકા એનઆરઆઈ છે, વર્ષોથી ન્યુજર્સીમા રહે છે. એમનું આ પહેલું જ પુસ્તક છે. જીવાતાં જીવનના વિશેનાં એમનાં ધારદાર નિરીક્ષણો હાસ્યરસમાં લથપથમાં થઈને અહીં નાના નાના નિબંધ સ્વરુપે સંગ્રહાયા છે. આ લેખો કંઈ માત્ર અમેરિકામાં વસતા ગુજરાતીઓને જ કેન્દ્રમાં લખાયા નથી. જેમકે, અટકળબાજ લેખમાં પરિવારમાં નવું પારણું બંધાય ત્યારે શું શું થાય એનું જે મજેદાર વર્ણન છે એ બધે જ લાગુ પડે છે. સસુર પક્ષ અને પિયર પક્ષ બન્નેનાં સગાવહાલાં હોસ્પિટલ પર બાબા કે બેબીને જોવા ઉમટી પડે. અવસર હોય હરખ કરવાનો પણ શરુ થઈ જાય હુંસાતુંસી

હેં ને! શું કો છ? છે ને અદ્દલ અમારા લાલ્યા જેવો જ? હાચું કેજો! 

તરત સામેનો પક્ષ લહેકો કરશે, ના હોં, જરાય નૈ! રંગે તો અમારી ચકી જ જોઈલો. નાક પણ એમ ચકલીનું જ. 

પછી રાશિ અને નામ માટેની કુસ્તી શરુ થાય. પંડિત કયા ખાનદાનના ચડિયાતા એમાં ચડસાચડસી થાય. કોણ જન્માક્ષર બનાવશે એમાં પણ એક દ્વંદ્વયુદ્ધ છેડાઈ જાય. જે નવી મા બની છે એનાં માટે કયો ખોરાક સારે એની ચર્ચામાં નવેસરથી બાંયો ચડે. એમાંય માથાંના વાળનો મુદ્દો છેડાય એટલે માર્યા ઠાર

અમારા ચકલીન તો જન્મી તારે મોથામ બહુ જ વાર હતા. એટલે એ રીતે આ ટીકલુ તમારા ઘર પર ગયો કેવાય. 

ખલ્લાસ! આવું તીર તો સહન જ ન થાય, એટલે સામે સણસણતો જવાબ આવે, ના હોં!! અમાર લાલ્યાન તો જથ્થો વાર હતા, પૂછ જોવો કોઈને ય તમ.

લેખિકાના કાન જબરા શાર્પ છે. ભાષાકીય લાક્ષાણિકતાઓને, એમાંય ખાસ કરીને ચરોતરી બોલીને એ સરસ પકડી શકે છે. એક વાર તેઓ અનએમ્પલોયમેન્ટ ઓફિસે ગયાં હતાં. વેઈટિંગ એરિયામાં એક માજી ઊનની ટોપી અને જેકેટ પહેરીને ખુરશી ઉપર પલાંઠી વાળીને બેઠાં હતાં. એમની બાજુમાં બેસતાંની સાથે જ માજીએ માથામાં નાખેલું હેરઓઈલ, શરીરના કોઈક સાંધા પર લગાડેલું મલમ અને ઘરેથી દાળ વઘારીને આવ્યા હશે એ બધી જ વાસે એકસાથે લેખિકાની ઘ્રાણેન્દ્રિય પર હુમલો કર્યો. પછી શરુ થયો સવાલોનો મારોે

કઈ નાં? 
બરોડા. 
પટેલ? 
હા. 
કઈ નાં? 
પપ્પા ધર્મજના... 
સાસરી? 
વસો. 
નડિયાદ ગોમ હોમ્ભર્યું છે? એની બાજુમ ચકલાસી છ, તે ઉં તંઈની. 

લેખિકા કામ પતાવીને ઓફિસની બહાર નીકળ્યા ત્યાં સુધીમાં માજીએ (તદ્દન નિર્દોષભાવે જ!) એમને એવાં તો હેરાનપરેશાન કરી મૂક્યાં કે વાત ન પૂછો!
જાતજાતની ધાર્મિક વિધિ કરાવતા ગોર મહારાજની પર્સનાલિટીમાં સૌથી ધ્યાનાકર્ષક બાબત કઈ? એમની બોલવાની સ્પીડ! લેખિકા લખે છે: એમના શબ્દ અને સૂચનાની ઝડપ જોઈને ક્યારેક તો ભગવાન અને યજમાન બન્ને confused થઈ જાય, સ્પેશીયલી જ્યારે પણ એ બોલે કે, હવે ત્રણ વાર જળ ચડાવીને ભગવાન પર અબીલ, ગુલાલ ચાખા અને ફૂલ ચડાવો. આટલું બોલતાં ગોરજીને તો એક જ સેક્ધડ થાય અને સામેવાળા આ સાત સૂચનાને ભગવાનની આજ્ઞા સમજીને એકદમ ધાર્મિકતાથી અનુસરવા જતા હોય અને હજી અડધે જ પહોંચ્યા હોય ત્યાં જ ફરીથી ગોરજીનો આદેશ આવે કે, હવે ડાબો હાથ મોઢા આગળ મૂકીને જમણા હાથે મૂકીને ભગવાનને પાંચ વાર જમાડો!

સ્પીડની બાબતમાં ગોરબાપા પછી બીજા નંબરે ડોક્ટરો આવે. એ લોકો બે જ મિનિટમાં આખા ખાનદાનની હિસ્ટ્રી પૂછી લે. પછી જ્યારે એ દર્દીને જ્યારે કહે કે, ઊંડા શ્વાસ લો... ત્યારે પેલો બીમાર એ સાંભળીને હજુ તો શ્વાસ લેવા જાય ત્યાં પાછા કહે કે, હવે છોડો! આ શ્વાસ લો અને છોડો એ લાઈન રેકોર્ડની પીન ચોંટી ગઈ હોય એમ વાગ્યે જ જાય. જ્યારે છેલ્લી વાર ડોક્ટર શ્વાસ છોડવાનું કહે ત્યારે પેલો બીમાર બિચારો છેલ્લેથી ચોથી વાર જ્યારે શ્વાસ લેવાનું કહ્યું હોય એ શ્વાસ લેતો હોય. ડોક્ટરનો આદેશનો સિલસિલો તોય હજુ ચાલુ જ રહે, મોઢું ખોલો, જીભ કાઢો, આઆઆ.... બોલો.     


લાંબી ફ્લાઈટ દરમિયાન ક્યારેક કોઈના મગજ પર આલ્કોહોલ સવાર થઈ જાય, ત્યારે એ એવો ઉપાડો લે કે એને શાંત રાખતાં એરહોસ્ટેસનાં નાકે દમ આવી જાય. લેખિકા નોંધે છે કે એક તો મોઢું હસતું રાખવાનુંં અને સામેવાળાની લવારી સાંભળવાની. આ નોકરીમાં રાખવા પડતાં હસતાં મોઢાનાં લીધે આ બધી એરહોસ્ટેસ રીયલ લાઈફમાં હાસ્ય કવિ-સંમેલનમાં પણ હસી શકતી નથી!
આપણો સૌનો અનુભવ છે કે આંખો બંધ કરીને, પદ્માસન વાળીને મેડિટેશન કરવા બેસીએ ત્યારે મનમાં જાતજાતના વિચારો કૂદાકૂદ કરવા માંડે. લેખિકા જેવાં ધ્યાન ધરવા બેસે કે એમને ભૂતકાળની વાતો યાદ આવવા લાગે. કહે છે કે, ત્રીજા દિવસથી હિંમત હારી ગઈ મેડિટેશન કરવાની, કેમ કે ડર લાગ્યો કે બે દિવસમાં ૨૭ વર્ષ પાછળ પહોંચી ગઈ. હવે જો મેડિટેશન કરું તો પાછલા જનમ સુધી પહોંચી જઈશ. મારા બધા ફ્રેન્ડ્સ પાછલા ભવમાં કોણ હતા એ દેખાઈ ગયું તો? ભૂલથી મારા જ મોઢામાંથી બતક જેવો અવાજ નીકળે તો શું હું બતક હતી, એમ સમજવાનું?


લેખિકાના ગદ્યમાં સાદગી છે, આકર્ષક પ્રવાહિતા છે. એમની કલમમાંથી રમૂજ સહજપણે ફૂટતું રહે છે, જે એમની સૌથી મોટી તાકાત છે. કુલ ૧૭ લેખોમાં વચ્ચે વચ્ચે લેખિકા ક્યારેક ગંભીર છટા પણ ધારણ કરી લે છે. એમ તો પુસ્તકમાં સ્વરચિત કવિતાઓ પણ ટાંકી છે. એ જોકે ખાસ કશો પ્રભાવ પેદા કરી શકતી નથી એ અલગ વાત થઈ. આપણી ભાષામાં હાસ્યલેખિકાઓનો હંમેશા દુકાળ રહ્યો છે ત્યારે ધૃતિબહેને સતત અને ઘણું વધારે ગદ્યલેખન કરવું જોઈએ એવી અપેક્ષા જરુર રહે.

એક જ બેઠકે પૂરું કરી શકાય એવું મજાનું પુસ્તક. વાંચતી વખતે તમે મોટે મોટેથી હસતા રહેશો એ વાતની ગેરંટી!                                                  0 0 0

 પંચાત                                                                                                           
લેખિકાધૃતિ
        
પ્રકાશકઆર્ટ બુક હબઅમદાવાદ-૧૪
ફોન૦૯૮૨૫૦ ૩૫૯૧૨યુએસએ૭૩૨-૪૩૮-૩૯૪૬
કિંમતઅનુક્રમે Rs. ૧૫૦ અને પાંચ ડોલર (વત્તા  શિપિંગ ચાર્જ)
પૃષ્ઠ૧૧૦