Tuesday, July 26, 2016

ટેક ઓફ: જશને બદલે જૂતાં: ચોખ્ખા માણસે હારવા માટે તૈયાર રહેવું!

Sandesh - Ardh Saptahik Purti - 27 July 2016
ટેક ઓફ
આપણા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું સમગ્ર ધ્યાન સતત મુસ્લિમોનાં હિતોનું રક્ષણ કરવામાં ખર્ચાય છે. શું ભારતમાં કેવળ મુસ્લિમોને જ રક્ષણની જરુર છે?દલિતોને અને ભારતીય ખ્રિસ્તીઓને પ્રોટેકશનની જરુર નથીખરેખર તો મુસ્લિમો કરતાં આ સમુદાયોની વધારે સંભાળ લેવાની જરુર છેએમના પર વધારે ધ્યાન આપવાની જરુર છેપણ નેહરુજી કેમ તેમના પ્રત્યે કયારેય કશી દરકાર દેખાડતા નથી?” 

ગુજરાતમાં દલિત-શોષણનો મુદ્દો ચગતાં જ રાહુલ ગાંધીમાં એવી કરુણા જાગ્રત થઈ કે તેઓ ધડાધડ ઊના ધસી આવ્યા. એના બીજા દિવસે અરવિંદ કેજરીવાલે સંપૂર્ણ મીડિયાની હાજરીમાં પીડિતના ખબરઅંતર પૂછવા ઊના દોડી આવવાનો કાર્યક્રમ બનાવી નાખ્યો. આ સાથે જ જાણે આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભા ચુંટણીની સિઝનની વિધિવત શરુઆત થઈ ગઈ.  
દર વખતની જેમ આ વખતે પણ અમુક સ્વચ્છ અને બાહોશ ઉમેદવારોથી લઈને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા કલંકિત ઉમેદવારો ચૂંટણી લડશે... અને દર વખતની જેમ આ વખતે પણ કેટલાય સારા કેન્ડિડેટ્સ હારશેતેમની સામે નકામા ને નઠારા ઉમેદવારો જીતી જશે.  
આ કંઈ નવી વાત નથી. ઊંડી કર્તવ્યનિષ્ઠા ધરાવતોબુદ્ધિશાળીધીરગંભીર અને સમાજ માટે સારું કામ કરી શકતો ચોખ્ખો ઉમેદવાર સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણીથી હારતો આવ્યો છે. આનાં અનેક ઉદાહરણો છે. અત્યારે ફ્કત બે જ જોઈશું. પહેલું દષ્ટાંત છેભારતીય બંધારણના રચયિતા અને દલિત નેતા ડો. ભીમરાવ રામજી આંબેડકરનું.  
દલિત મહાર જ્ઞાાતિમાં જન્મેલા ડો. આંબેડકર દરિદ્ર માબાપનું તેઓ ૧૪મા નંબરનું સંતાન હતા. સમજણા થયા ત્યારથી તીવ્ર આભડછેટનો ભોગ બનતા રહૃાા. સતત અપમાન થયા કરે. નિશાળમાં શિક્ષક એને બ્લેકબોર્ડને અડવા ન દે. એનું લેસન ન તપાસે. કોઈ તેને રમાડે નહીં. વિદ્યાર્થીઓ સાથે પાણી ન પી શકે. અરેપરબ પર પણ પાણી પીવાની છૂટ નહીં. સંસ્કૃત ભણવાની તીવ્ર ઈચ્છાપણ શૂદ્રોથી સંસ્કૃત ન ભણી શકાય” એમ કહીને માસ્તર ના પાડી દે. વિદેશમાં ભણવું આજે પણ લકઝરી ગણાય છેપણ આંબેડકરે આવી કપરી પરિસ્થિતિમાંય પોતાના બુદ્ધિબળે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં આજથી સો વર્ષ પહેલાં એડમિશન લીધું હતું. પછી ઇંગ્લેન્ડ અને થોડા સમય માટે જર્મનીમાં પણ ભણ્યા. ભયાનક અશ્પૃશ્યતા વચ્ચે ઉછરેલો ગરીબ ઘરનો દલિત છોકરો એ જમાનામાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી એમ.એ.પીએચ.ડીડી.સી.એસ. જેવી ઊંચી ડિગ્રીઓ મેળવી શકે તે અકલ્પ્ય બાબત હતી.  
ભારત આઝાદ થયો પછી ડો. આંબેડકર જેવા બિન-કોંગ્રેસીને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું તેની પાછળ ગાંધીજીનું સૂચન કામ કરી ગયું હતું. સર્વપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સંભવતઃ આંબેડકર કરતાં બહેતર કાયદાપ્રધાન મળ્યો ન હોત. જોકે નેહરુ-આંબેડકરનો સથવારો લાંબો ન ચાલ્યો. વિખવાદનાં ઘણાં કારણોમાંનું એક હિન્દુ કોડ બિલ હતુંજે તૈયાર કરવાની જવાબદારી આંબેડકરને સોંપવામાં આવી હતી. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્ર્રોપુરાણોસ્મૃતિઓ વગેરેનો અભ્યાસ કરીનેધર્મને સહેજ પર હાનિ ન પહોંચે તે રીતે તેમણે હિન્દુ સ્ત્રીને પુરુષ સમાન અધિકાર આપતું હિન્દુ કોડ બિલ તૈયાર કર્યુ. રુઢિવાદી હિન્દુઓ ખફા થઈ ગયા. ડો. આંબેડકરને તેમણે હિન્દુવિરોધી ગણ્યા અને બિલનો જબરો વિરોધ કર્યો. આ કદાચ અપેક્ષિત હતુંપણ નેહરુ રંગ બદલશે એવી અપેક્ષા આંબેડકરે નહોતી કરી. નેહરુજી મૂળ તો હિન્દુ કોડ બિલના સમર્થક હતાપણ ખરેખરો અમલ કરવાનો સમય આવ્યો ત્યારે ફરી ગયા. નેહરુની આ નીતિથી નારાજ થઈને આંબેડકરે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું.  
નેહરુજી જે રીતે દલિતોની ઉપેક્ષા કરતા હતા તે પણ ડો. આંબેડકરને ખટકતું હતું. ૨૭ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ ડો. આંબેડકરે વિદાય થઈ રહેલા કાયદાપ્રધાન તરીકેની પોતાની લાંબી રેઝિગ્નેશન સ્પીચમાં ચોખ્ખું કહ્યું હતું કે, આપણા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું સમગ્ર ધ્યાન સતત મુસ્લિમોનાં હિતોનું રક્ષણ કરવામાં ખર્ચાય છે. શું ભારતમાં કેવળ મુસ્લિમોને જ રક્ષણની જરુર છે?દલિતોને અને ભારતીય ખ્રિસ્તીઓને પ્રોટેકશનની જરુર નથીખરેખર તો મુસ્લિમો કરતાં આ સમુદાયોની વધારે સંભાળ લેવાની જરુર છેએમના પર વધારે ધ્યાન આપવાની જરુર છેપણ નેહરુજી કેમ તેમના પ્રત્યે કયારેય કશી દરકાર દેખાડતા નથી?” 
આઝાદ થઈ ગયેલા ડો. આંબેડકરે પછી ૧૯૫૨માં ભારતની સર્વપ્રથમ લોકસભાની ચૂંટણીમાં શિડયુલ કાસ્ટ ફેડરેશન તરફ્થી મુંબઈમાં ઉમેદવારી કરી. એ વખતે આચાર્ય કૃપલાણી જેવા કેટલાક સમાજવાદીઓ પણ ચુંટણી લડી રહૃાા હતા. કોંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઊભા ન રાખ્યાપણ ડો. આંબેડકર સામે નારાયણરાવ સદોબા કજરોલકરને ખડા કરી દીધા. આંબેડકરને હરાવવા કોંગ્રેસે દલિતોમાં પેટા જ્ઞાાતિવાદ વકરાવ્યો હોવાનું પણ કહેવાય છે. જેમના માટે આંબેડકરે લોહી-પાણી એક કર્યા હતા એ દલિતોએ જ એમને ખૂલીને મત ન આપ્યા. પરિણામે આંબેડકર ૧૪,૨૭૪ મતથી ચૂંટણી હારી ગયા.  
૧૯૫૪માં ભાંડારાની પેટાચૂંટણીમાં ડો. આંબેડકરે ફરી ઉમેદવારી કરી. કોંગ્રેસે આ વખતે ભાઉરાઉ બોરકરને પોતાના ઉમેદવાર બનાવીને તેમને જીતાડવા ખૂબ મહેનત કરી. ડો.આંબેડકર ફરીથી હાર્યા. કોંગ્રેસ કદાચ પૂરવાર કરવા માગતી હતી કે ભાઉરાવ જેવો સાત ચોપડી પાસ માણસ પણ આંંબેડકરને હરાવી શકે છે! 
આપણા સમાજસુધારકો” પુસ્તકમાં લેખક  ટિપ્પણી કરે છે, “પોતાને દલિતોનાજિતેન્દ્ર પટેલ મસીહા તરીકે ઓળખાવતા આજના કોંગ્રેસીઓ તેમના આ (આંબેડકરને ધરાર હરાવવાના) કૃત્ય પર પડદો પાડે છે. જનસંઘે ડો. આંબેડકર સામે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યોએટલું જ નહીંદત્તોપંત ઠેંગડી જેવા સંઘના પ્રચારકોએ તેમના માટે ચૂંટણીપ્રચારનું કાર્ય કરેલું. ડો. આંબેડકર ભાંડારાની પેટાચૂંટણી પણ હારી ગયાકારણ કે ત્યારે જનસંઘ અને અન્ય પક્ષોનો પ્રભાવ ખૂબ ઓછો હતો.” 
દેખીતી રીતે જ નારાયણરાવ કજરોલકર અને ભાઉરાવ બોરકર બન્ને કરતાં ડો. આંબેડકર અનેકગણા લાયક ઉમેદવાર હતાછતાં તેઓ પરાજિત થયા. 

બીજું ઉદાહરણ ડો. વસંત પરીખનું છે.  
ડો. વસંત પરીખ (૧૯૨૯-૨૦૦૭) આંખોના ડોકટર હતા. દોઢ વર્ષની ઉંમરે અનાથ થઈ ગયા પછી કાકા-કાકી પાસે પહેલાં મુંબઈ અને પછી વડનગરમાં ઉછર્યા. ખૂબ સંઘર્ષ કર્યો. આંખના ડોકટર બન્યા. એમના દવાખાનાની બહાર પાટિયું લગાડવામાં આવ્યું હતું: કોઈ માણસ પૈસાના અભાવે અહીંથી સારવાર લીધા વગર પાછો ન જાય”! પોતાનાં બહેનની સ્મૃતિમાં એમણે એક ટી.બી. હોસ્પિટલ પણ શરુ કરી હતી. ડો. પરીખનો માનવીય અભિગમ વડનગરની આસપાસના વિસ્તારમાં જાણીતો બન્યો. તેમની લોકચાહના જોઈને મિત્રોએ સલાહ આપીઃ ડોકટર થઈને તમે ફ્કત દર્દીઓની જ સેવા કરી શકો છો. તમારે આખા સમાજની સેવા કરવા જાહેરજીવનાં પ્રવેશવું જોઈએ.  
ડો. વસંત પરીખના ગળે વાત ઉતરી. ૧૯૬૭માં વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પોતાના ખેરાલુ મતવિસ્તારમાં અપક્ષ ઊભા રહૃાા. પ્રચાર માટે ફ્કત છ હજાર રુપિયા ખર્ચ કર્યો. આ રકમ પણ મિત્રો-શુભેચ્છકો પાસેથી ઉઘરાવી હતી. તેઓ જીતી ગયા. વિધાનસભામાં પોતાના વિસ્તારના પ્રશ્નોની તેમણે સરસ રજૂઆત કરી. ધરોઈ ડેમ ડો. પરીખની કલ્પના હતી. તેને સાકાર કરવા માટે ડો. પરીખે ગાંધીનગરથી ૧૬૮ કિલોમીટરની પદયાત્રા કરી હતી. ઈન્દિરા ગાંધી પાસે મજબૂત રજૂઆત કરીને ડેમ માટે મંજૂરી મેળવી. આજે ધરોઈ ડેમને લીધે ઊંઝા અને આસપાસના વિસ્તારના ખેડૂતોને પાણી મળે છે તેની પાછળ ડો. પરીખની મહેનત છે.  
મજા જુઓ. પહેલાં ડોકટર તરીકે અને પછી ધારાસભ્ય તરીકે માનવકલ્યાણના આટલાં બધાં કામ કર્યા હોવા છતાં ડો. વસંત પરીખ ૧૯૭૨ તેમજ ૧૯૯૫ની ચૂંટણીમાં હાર્યા. કારણપટેલવાદ. ગુજરાતનું રાજકારણ જ્ઞાાતિવાદથી ખરડાઈ ચૂકયું હતું. જે લોકોની દિવસ-રાત સેવા કરી હતી તે જ લોકોએ ડો. પરીખને મત ન આપ્યા. દલિતોે જે રીતે ડો. આંબેડકરને મત આપવામાં પાછળ પડયાતેમ.  
પરાજય થયા પણ ડો. પરીખનું સેવાકાર્ય અવિરત ચાલતું રહૃાું. વડનગર નાગરિક મંડળભણસાળી ટ્રસ્ટ અને રાધનપુરના સર્વોદય આરોગ્યનિધિના નેત્રયજ્ઞાોમાં તેમણે આજીવન સેવા આપી. તેમણે અને તેમની ટીમે કરેલાં આંખનાં ઓપરેશનોનો આંકડો દોઢ લાખ કરતાં વધી જાય છે. ૧૯૮૪થી બિહારના બોધિગયામાં દર બાવીસ વર્ષ સુધી તેેઓ નિયમિત સેવા આપવા જતા. ૭૮ વર્ષની પાકી ઉંમરે તેઓ નવ-નવ કલાક ઊભા રહીને દર્દીઓનું નિદાન અને ચિકિત્સા કરતા. ડો. વસંત પરીખ જેવો કર્મઠ માણસ ચૂંટણી જીતીને લોકોનું અનેકગણું વધારે ભલું કરી શકયા હોત તે સમજી શકાય છે.  

ઉમેદવાર દલિત હોય કે સવર્ણચૂંટણીમાં સારા અને સાચા માણસ હારે છે અને ગુનાહીત બેકગ્રાઉન્ડ ધરાવતા નઠારા ઉમેદરવારની જીતવાની શકયતા હંમેશાં વધારે રહે છે. આપણી મહાન લોકશાહીની આ કમનસીબી છે.  
0 0 0 

Monday, July 25, 2016

મલ્ટિપ્લેક્સ: કરણ જોહરની કોલમમાં એવું તે શું છે?

Sandesh - Sanskar Purti - 24 July 2016

મલ્ટિપ્લેક્સ

એકાએક કરણ જોહરની બ્રાન્ડ-ન્યુ કોલમ ચર્ચામાં આવી ગઈ છે. ખાસ્સી પ્રામાણિકતાથી અને બહુ સ્માટર્લી એ કહેવા જેવું ને કહેવા જેવું ઘણું બધું પોતાની કોલમમાં લખે છે. બોલિવૂડને લખ-વા લાગુ પડયો છે કે શુંટ્વિન્કલ ખન્ના પછી હવે હવે ટોચના ફ્લ્મિમેકર-ડિરેકટર કરણ જોહર કોલમનિસ્ટ તરીકે મેદાનમાં ઉતર્યા છે. ડિજિટલ મીડિયામાં 'કરન્ટ અફેર્સનામે તરતી મૂકાતી એમની અંગ્રેજી કોલમ પહેલા જ લેખથી સુપરહિટ થઈ ગઈ છે. કાતિલ સેન્સ-ઓફ્-હૃાુમર ધરાવતા કરણ આશ્ચર્ય થાય એટલી પારદર્શકતાથી પોતાની કોલમ લખે છે. ફ્લ્મિ ઈન્ડસ્ટ્રી વિશેહાઈ સોસાયટી વિશેજેના વિશે સતત કાનાફૂસી થતી રહી છે અને જેના વિશે એણે હજુ સુધી સોઈઝાટકીને વાત કરી નહોતી એવી પોતાની સેકસ્યુઆલિટી વિશે. કરણના લેખોમાંથી કેટલાક રસપ્રદ અંશો અહીં પ્રસ્તુત છે. ઓવર ટુ કરણ જોહર...

સવારે ઊઠતાંની સાથે જ આપણે જૂઠું બોલવાનું શરુ કરી દઈએ છીએ. વચ્ચે મેં દિવસ દરમિયાન કેટલી વાર ખોટું બોલાય છે તે ગણવાની કોશિશ કરેલીપણ આંકડો એવો ઘડાઘડ વધતો જતો હતો કે મેં ગણવાનું બંધ કરી નાખ્યું.
લોકો મને પોતાની ફ્લ્મિોના ટ્રાયલમાં બોલાવતા હોય છે. ફ્લ્મિ પૂરી થયા પછી  'કેવી લાગી?' એવો સવાલ પૂછાય ત્યારે હું કયારેય સાચું બોલી શકતો નથી. હું વધારે પડતા વખાણ કરી નાખું છું. (મારી એક સમસ્યા છે. હું મારી જાતને 'મિસ કન્જિનિયાલિટીમાનું છું. હું બધાની ગુડ બુકસમાં જ હોઉં એવો મારો આગ્રહ હોય છે. આ લવ ટુ બી લવ્ડ.) જો હું પ્રિવ્યુ શોમાં બહુ ન બોલી શકું તો પછી ટ્વિટર પર એક લીટીનો  મધમીઠો રિવ્યુ લખીને પાછળ ચાર-પાંચ આશ્ચર્યચિન્હો ઠઠાડી દઉં છું. કયારેક મને થાય કે મને ફ્લ્મિ જેટલી ગમી હોય એટલા જ પ્રમાણમાં વખાણ કરવા જોઈએપણ પછી મને થાય કે આટલા વખાણ ઓછા પડશે તોએ લોકોને એવું લાગશે તો કે મને ફ્લ્મિ જરાય ગમી નથીમને શું લાગ્યું છે તે વિશે લોકોને કેવું લાગશે તે વિચારી-વિચારીને હું મારી જાતને રીતસર ટોર્ચર કરતો હોઉં છું. એટલે પછી હું જુઠું બોલ્યા જ કરું છુંબોલ્યા જ કરું છું.
મને આશ્વાસન માત્ર એ વાતનું છે કે આવું કરવાવાળો હું એકલો નથી. મારી આસપાસના બધા જ લોકો જુદા જુદા કારણસર જુઠું બોલતા હોય છે. જેમ કે -
'ઓહ બેબીશું અફ્લાતૂન એકિટંગ કરી છે તેં!' (નાસાવ ભંગાર એકિટંગ હતી તારી. હવે મહેરબાની કરીને ફોન મૂક એટલે મારો ફેવરિટ ટીવી શો જોઈ શકું.)
'કીપ ઈન ટચનો?' (મહેરબાની કરીને હવે પછી મને કયારેય મળતો (કે મળતી) નહીં. તું આ પૃથ્વી છોડીને જતો રહે કે બીજા બ્રહ્માંડમાં ટ્રાન્સફર થઈ જાઆઈ ડોન્ટ કેર. મરવું પડે તો મરી જા અને જો મરે તો હું બહારગામ ગયો હોઉં ત્યારે મરજે કે જેથી તારી સ્મશાનયાત્રામાં મારે લાંબા થવું ન પડે.)
'કેટલો સરસ ડ્રેસ પહેર્યો છે તેં...' (નાજરાય નહીં. આ ડ્રેસમાં તો તું દુનિયાની આઠમી અજાયબી નહીં પણ આઠમા બ્લન્ડર જેવી લાગે છે.)
'ઓહતું કેટલી (કે કેટલો) ફ્રેશ દેખાય છે! વેકેશન લીધું લાગે છેકેમ?' (જુવાન દેખાવા તું આઈબ્રોની આસપાસની સ્કિન ટાઈટ કરાવી આવી છે તે ચોખ્ખું દેખાય છે. તને નેણ અને કપાળ દુખતાં નથી બોટોકસ સર્જરીને લીધે?)
આપણે આપણા સ્વજનો અને પ્રિયજનો સામે પણ ખોટું બોલીએ છીએ. આપણને ડર હોય છે કે સાચું બોલીશું તો એનું દિલ દુભાશે યા તો ચિંતા કરશે. આ પ્રકારના જૂઠ સામેના માણસની ભલાઈ માટે હોય છે. શૂટિંગ વખતે કેટલીય એવું બને છે કે એકટરે સાવ ભંગાર શોટ આપ્યો હોય તોય હું એને કહું છું કે તેં સારો શોટ આપ્યોકેમ કે મને ચિંતા હોય છે કે હું સાચું બોલીશ તો એ સેટ છોડીને નાસી જશે ને મારું શૂટિંગ રઝળી પડશે. હું એ પણ જાણતો હોઉં છું કે જે કંઈ મારા મનમાં છે તે સઘળું યથાતથ બોલવાનું રાખીશ તો કોઈ સ્ટાર મારા ટોક-શોમાં નહીં આવેકોઈ મારી પિકચરોમાં કામ નહીં કરે અને મારી પાર્ટીઓમાં કાગડા ઊડશે. હું કંઈ પ્રામાણિકતા જેવી વસ્તુ માટે મારા સામાજિક સ્ટેટસનું  બલિદાન ન દઈ શકું. પ્રામાણિકતા ઉત્તમ ગુણ છેપણ મને લાગે છે કે તે ઓવર-રેટેડ છે.
                                                     0 0 0 

સ્ટ્રિયાની એક હેલ્થ કિલનિકની મુલાકાત લઈને હમણાં જ પાછો ર્ફ્યો છું ને મારા મનમાં હેલ્થને લગતા જે કોઈ ખ્યાલો હતા તે બધા ઉલટપૂલટ થઈ ચુકયા છે. હું ગયો ત્યારે મારાં આંતરડામાં ગરબડ હતીહિમોગ્લોબીન કાઉન્ટ ભયંકર ઓછો હતો. 

એ લોકોએ મારી સામે દયાભરી નજરે જોઈને કહૃાું કે તમને લેકટોઝ અને ફ્રુકટોઝ સદતા નથીગ્લટન (ઘઉં અને અન્ય ધાન્યમાંથી મળતો એક પ્રકારનો પ્રોટીન) તો તમારા માટે દુશ્મન સમાન છે. લોબોલો. આખી જિંદગી હું સાંભળતો આવ્યો છું કે વજન ગુમાવવા માટે આપણે સામાન્યપણે જે ખાતા હોય છે તે રોટલી અને શાક જ ખાવાંબીજું બધું છોડી દેવુંપણ ઓસ્ટ્રિયાની વિઝિટ પછી હવે રોટલી પર ચોકડી મૂકાઈ ગઈ છે કેમ કે રોટલી ઘઉંમાંથી બને છે અને હું ગ્લટન-ઈન્ટોલરન્ટ છું. મને કહેવામાં આવ્યું કે રોટલીને બદલે ભાત ખાવા. બ્રાઉન નહીં, પણ વ્હાઈટ રાઈસકેમ કે બ્રાઉન રાઈસ પચવામાં ભારે હોય છે. મતલબ કે છેલ્લા કેટલાય સમયથી થાળીમાંથી ગાયબ થઈ ગેયલા વ્હાઈટ રાઈસ પાછા ગોઠવાઈ ગયા છે. આખી જિંદગી હું બટાટાથી દૂર રહૃાો છુંપણ હવે મને કહેવામાં આવ્યું છે કે મારે બટેટા સાથે દોસ્તી કરવાની છે. અગાઉ ફ્રેન્ચ ફ્રાઈઝ (બટેટાની તળેલી ચીરીઓ)ને હું એવી રીતે જોતો જાણે તેે કોઈ મિસાઈલ હોય ને મારા પર અટેક કરીને તે મારી કમરને કમરો બનાવી નાખવાની હોય. હવે તમે જ કહો, મારે શું સાચું માનવું? અગાઉના નિયમોનેે કે નવા નિયમોને? મારે કયા સિદ્ધાંતોને અનુસરવું?  

લાગે છે કે ફૂડ સાથેનો મારો સંબંધ (અને એની સાથે સંકળાયેલી સમસ્યાઓ) એવા છે જેવા મોટા ભાગના લોકોને  સેકસમાં મામલામાં હોય છે! બેવફાઈ હવે એક સ્વીકૃત ઘટના બની ગઈ છે. બધાને બધી ખબર હોય છે પણ હવે કોઈ કંઈ બોલતું નથી કે ચુકાદો તોળતું નથી. જેમ ખાવાપીવાના મામલામાં કોઈ એક સિદ્ધાંત હોતો નથી તેવું જ પ્રેમના મામલામાં છે. કામવાસના અને નૈતિકતા આ બે વચ્ચેના યુદ્ધમાં વિજેતા કોણ છે તેનો જવાબ સ્પષ્ટ છેઃ કામવાસના. નૈતિકતાનું રામનામ સત્ય થઈ ગયું છે. ઉપવાસ દરમિયાન જે વસ્તુ ખાવાનું અલાઉડ હોતું નથી તે આપણને વધારે લલચાવે છે. શું આ વાત પ્રેમસંબંધને પણ લાગુ પડે છેતમે રિલેશનશિપમાં હો કે તમારાં લગ્ન થઈ ચુકયાં હોય ત્યારે ખુદના પાર્ટનર સિવાયનાં અન્ય સ્ત્ર્રી-પુરુષો કેમ એકાએક વધારે આકર્ષક લાગવા માંડે છેઉપવાસ પૂરો થતાં જ માણસ જેમ આંકરાતિયાની જેમ ખોરાક પર તૂટી પડે છે. કમિટેડ સંંબંધોના મામલામાં પણ આવું થતું હોય છે
                                                      0 0 0મારો સાઈકો-થેરાપિસ્ટ નવા નવા ફેશનેબલ શબ્દો વાપરવામાં માહેર છે. એમ વાર મને કહેઃ શું તને ફેમો ફીલ થાય છેએફ-ઓ-એમ-ઓ ફેમો એટલે ફિઅર-ઓફ-મિસિંગ-આઉટ. બધા લઈ ગયા ને હું રહી ગયો એવી લાગણી. 

હું શું મિસ કરતો હતોવેલસેકસલાઈફ્. ૪૩ વર્ષની ઉંમરમાં મેં જેટલું સેકસ માણ્યું હોવું જોઈતું હતું એટલું માણી શકયો નથી. હું નાનો હતો ત્યારે મારા પંજાબી પિતાએ મને કયારેય સેકસ વિશે કશું સમજાવ્યું નહોતું. તેઓ આ વિષયના ઉલ્લેખ માત્રથી એટલા બધા ડરતા કે કેમ જાણે સગા દીકરાને સેકસ એજ્યુકેશન આપવાથી પોલીસ પકડી જવાની હોય! ન મારે મોટો ભાઈ હતો કે ન એવા દોસ્તારો હતો જે મને સેકસ વિશે વ્યવસ્થિત જ્ઞાાન આપી શકે. ટુંકમાંસેકસના મામલામાં હું સાવ અભણ રહી ગયેલો. હું પોર્ન ફ્લ્મિો ન જોતો કેમ કે મને તે જરાય સેકસી ન લાગતી. મને સમજાતું નહીં કે બીજા લોકોને સેકસ માણતા જોઈને લોકોને શું મજા આવતી હશે. પોર્ન જોઈને ઊલટાનો હું વધારે કોચલામાં ભરાઈ જતો. મને મારી નબળાઈઓનું ભાન વધારે તીવ્રતાથી થતું.  
છેક ૨૬ વર્ષની ઉંમરે મારું કૌમાર્યભંગ થયું. તે વખતે મારી પહેલી ફ્લ્મિ 'કુછ કુછ હોતા હૈરિલીઝ થઈ ચુકી હતી ને  હું થોડો થોડો ફેમસ થઈ ચુકયો હતો એટલે મારી શરમ થોડી ઘટી હતી. મને યાદ છેમારા શય્યાસાથીને મેં પૂછેલું કે, 'તો આપણે પ્રોસેસ શરુ કરીએ?' (શય્યાસાથી સ્ત્ર્રી હતી કે પુરુષ તે વિશે કરણે ચોખવટ કરી નથી). અગાઉ હું ખૂબ જાડો હતો. મને મારા શરીરની શરમ આવતીહું જે છું એ વાતની શરમ આવતી અને મને લગભગ ખાતરી થઈ ચુકી હતી હું કોઈને આકર્ષક લાગી શકું જ નહીં. એટલે જ સેકસના પહેલા અનુભવ પછી મેં મારા પાર્ટનરને 'થેન્કયુકહૃાું હતું. મારા મનમાં ત્યારે સેકસીપણું નહીં પણ આભારની લાગણી હતી. થેન્કયુ -  'જીવનમાં કરવાનાં કામો'નાં મારા લિસ્ટની એક આઈટમ પર પર ભલે મોડો તો મોડો પણ હું રાઈટનું ટિકમાર્ક કરી શકયો તે માટે મને સાથ આપવા બદલ!
મેં ઘણી વાર સાંભળ્યું છે કે 'આર યુ ગુડ ઈન બેડ?' ગુડ ઈન બેડ એટલે વળી શુંમારા માટે તોજો મને સાત કલાકની ગાઢ ઊંઘ આવે તો મને લાગે કે આઈ એમ ગુડ ઈન બેડ! જો આઠ કલાક એકધારો સૂઈ શકું તો મને લાગે કે આઈ એમ અમેઝિંગ ઈન બેડ!
મેં હવે સેકસના ધખારા છોડી દીધા છે. મેં સ્વીકારી લીધું છે કે મારી જિંદગી આવી જ રહેવાની - સેકસલેસ. જ્યારથી આ હકીકત મેં મારી જાત સામે સ્વીકારી લીધી છે ત્યારથી મને બહુ નિરાંતનો અનુભવ થાય છે. આઈ ફીલ લિબરેટેડ! હવે મને કોઈ ડર નથી. મેં ગર્વ સાથે મારા સાઈકો-થેરાપિસ્ટને કહી દીધું છે કે મને ફેમો નહીં પણો ઓમોની ફીલિંગ થાય છે. એ-ઓ-એમ-ઓ ઓમો એટલે એકસપ્ટન્સ-ઓફ-મિસિંગ-આઉટ. અમુક સુખ મને નથી જ મળવાનું એ સત્યની સ્વીકૃતિ! 
શો-સ્ટોપર
કરણ જોહરની કોલમને હું 'ગેટિંગ નેકેડ વિથ કરનએવું નામ આપીશકારણ કે પોતાની કોલમમાં કરણ સ્ટ્રીપટીઝ કરે છે. પોતાની જાતનેપોતાના આત્માને વાચકો સામે નગ્ન કરે છે. અલબત્તસંપૂર્ણ નહીં,  પણ લોકોની તેના વિશે વધારે જાણવાની ઉત્કંઠા બરકરાર રહે એટલી માત્રામાં.
- શોભા ડે  

Wednesday, July 20, 2016

ટેક ઓફ : હું અલબેલો અલગારી.,,

Sandesh - Ardh Saptahik Purti - 20 July 2016
ટેક ઓફ  
આપણે દાયકાઓથી ક્બૂતરોના ઘૂ-ઘૂ-ઘૂમાં એટલા બધા રમમાણ રહ્યા કે મીનપિયાસીની અન્ય રચનાઓને જાણવા-માણવાની તસદી લેવાનું જ ભુલી ગયા. સુરેન્દ્રનગર પાસે આવેલાં તેમના વતન ચુડાના કોઈ રસ્તા કે ચોક કે જાહેર ઈમારતને શા માટે હજુ સુધી મીનપિયાસીનું નામ અપાયું નથી?


સ્વર્ગસ્થ દિનકરરાય કેશવલાલ વૈદ્યનું નામ ક્દાચ આપણાં આંખ-કાનને અપરિચિત લાગી શકે, પણ મીનપિયાસીને આખું ગુજરાત ઓળખે છે. 'ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ, કોયલ કૂજે કૂ કૂ કૂ... પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખદુખ પૂછ્યું'તું?... દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું'તું?... ગેંગેંફેંફેં કરતા ક્હેશો હેં-હેં-હેં-હેં શું? શું? શું?...ક્બૂતરોનું ઘૂ-ઘૂ ઘૂ...' - મીનપિયાસીએ રચેલું આ અમર કાવ્ય ગુજરાતી પ્રજાને ખૂબ વહાલું છે. તક્લીફ એ થઈ છે કે આપણે ક્બૂતરોના ઘૂઘવાટા પાસે અટકી ગયા છીએ. મીનપિયાસીએ આ સિવાય પણ બીજાં કેટલાંય ઉત્તમ કવ્યો સર્જ્યાં છે, પણ આપણે દાયકાઓથી ક્બૂતરોના ઘૂ-ઘૂ-ઘૂમાં એટલા બધા રમમાણ રહ્યા કે કવિની અન્ય રચનાઓને જાણવા-માણવાની તસદી લેવાનું જ ભુલી ગયા. ગયા અઠવાડિયે આપણે મીનપિયાસીની અંગત ડાયરીનાં સંવેદનશીલ પાનાં ખોલ્યા હતાં.  આજે મીનપિયાસીનાં હાંસિયામાં ધકેલાઈ ગયેલાં કેટલાંક અન્ય માતબર કવ્યોને સેન્ટર-સ્ટેજ પણ લાવવાં છે.  
મીનપિયાસી (જન્મઃ ૧૯૧૦, મૃત્યુઃ ૨૦૦૦) અલગારી માણસ હતા. ખૂબ સરળ, સહજ અને કોઈ પણ પ્રકારના ભાર વગરના. તેઓ ખુદ પોતાનાં વ્યક્તિત્ત્વને આ રીતે શબ્દોમાં બાંધે છેઃ   
હું અલબેલો અલગારી.
ક્દી લૂગડાં લઘરવઘરને ક્દી ફરું શણગારી.
હું એક્લો અલગારી.
ક્દીક નાચું નગરજનોમાં, ક્દીક રાચું રણમાં,
ક્દી હસું છું હજારો વચ્ચે, ક્દી રડું છું વનમાં,
મને જનતામાં નિર્જનતા લાગે, વગડે વસ્તી મારી.
                                     હું એક્લો અલગારી....
દુખ મને બહુ દાંત ક્ઢાવે, સુખમાં રડી પડું છું,
દિનભર હું સૂતો સપનામાં, રાત પડે રઝળું છું,
શરણાઈઓના સૂર વિનાની ચડે શેરીઓ સ્વારી.
                                         હું અલબેલો અલગારી....
દિલનાં ઢોલક ધડૂક્તાં તો દુનિયા ડોલે સારી,
ખુદા ક્હેઃ જા ખુદાબખ્સ છે, ખલક બધી આ તારી,
કેડા જેવી કિંમત તો યે અલ્લાની છે યારી.
                                         હું એક્લો અલગારી....
મોટા માને મૂરખ મુજને, બધા ગણે છે બાઘો,
શંખ ગણે છે શાણા, તેથી રહું હંમેશાં આઘો,
(પણ) શબ્દનાદથી વિશ્વ ગજાવે વિષ્ણુ કરમાં ઘારી.
                                        હું અલબેલો અલગારી...
સુખમાં રડી પડતા ને વેદનાની માયાજાળને પારખીને હસી પડતા કવિને ભીડમાં એક્લતા લાગે છે. એમનો ર્ક્મ્ફ્ટ ઝોન તો વગડો યા તો કુદરત છે. લોકો પોતાને મૂરખ કે બાઘો ગણે તો ય કવિને કયાં ક્શી પરવા છે. તેઓ તો પોતાનાં સપનાંની દુનિયામાં રમમાણ છે. તેઓ અહીંના સમ્રાટ છે અને ક્લ્પના એમની રાણી. તેથી જ તેઓ લખે છે કે-  
હું સ્વપન-ભોમનો રાજા, મધુર ક્લ્પનારાણી મારી
ખોલી દિલ-દરવાજા ક્હેઃ આ જા, પ્રીતમ! આ જા!
                                       હું સ્વપન-ભોમનો રાજા.
રજક્ણમાં નિત રમતી મારી અલકપુરી આખી,
શિશિર સંગ હું સ્નેહ ક્રું ને લૂ-ગમતી વૈશાખી,
વસંત ને વર્ષોની હૂંફે તનમન રાખું તાજાં.
                                           હું સ્વપન-ભોમનો રાજા...
અનંતના પગથારે ઠેકી ઊડું જઈ અવકાશે,
અંધારાને ઉપાડતો હું પહોંચું પ્રકાશ પાસે,
બ્રહ્માંડોના અવકાશો ક્હેઃ આ જા, અહીં સમા જા.
                                           હું સ્વપન-ભોમનો રાજા....
ક્લ્પના કીકી ખોલે છે ભેદ સક્ળ સૃષ્ટિના,
નયનો એનાં નાચ નચાવે નિત્ય નવી દષ્ટિના,
અંતર રાખે સાવ ઉઘાડું મૂકી સર્વમલાજા.
                                         હું સ્વપન-ભોમનો રાજા... 
મીનપિયાસીએ બે કાવ્યસંગ્રહો આપ્યાં - 'વર્ષાજલ' (૧૯૬૬) તથા 'ગુલછડી અને જુઈ' (૧૯૮૬). પક્ષીવિદ્ અને ખગોળવિદ્ તરીકે પણ ખ્યાતિ પામેલા મીનપિયાસી અઠંગ પ્રકૃતિપ્રેમી હોવાથી એમનાં બન્ને સંગ્રહોમાં કુદરતની જુદી જુદી છટાઓના સંદર્ભો સતત આવતા રહે છે. તેમની પાસે એવી ક્માલની સૌંદર્યદષ્ટિ છે કે તેઓ બાવળમાં પણ સુંદરતા જોઈ શકે છે. સાંભળોઃ
રે, બાવળ બહુમૂલ!
કોઈની નજર ફૂલ ચડે ના, સહુ દેખે કં શૂળ?
                            રે, બાવળ બહુમૂલ!
પાન પાન પર પીળાં પીળાં ઝૂમખાં ને ઝૂમખાં ડોલે,
ડાળ ડાળ પર છાલ છલક્તી શ્યામલ છાયાની છોળે,
'આવો, આવો' ક્હી બોલાવે વણબોલ્યાં બેમૂલ.
                                                               રે, બાવળ બહુમૂલ!
બાવળના કંટાને ધરાર જોવા ન માગતા કવિનાં મનમાં પાણીનું માટલું જોઈને કેવાં ક્લ્પનો ટ્રિગર થાય છે? જુઓ-
પાણીનો આ ગોળો. 

સાવ ભલો અને ભોળો!
જ્યાં બેસાડો ત્યાં બેસી રહે - જાણે માનો ખોળો!

પાણી પોચો ખૂબ ટિચાયો, જીવન ચાકે ઘાટ ઘડાયો,
ટક્કર ઝીલવા, નક્કર બનવા, તપી તપીને બહુ શેકયો,
પાકેલો એ આપવીતીના અનુભવે છે બહોળો,
પાણીનો આ ગોળો...
પાણીનો ગોળો ને માનો ખોળો! ગોળાનું પાણી અંતરને એટલી ટાઢક આપે છે જેટલી નાનપણમાં માના ખોળામાં લપાઈ જવાથી મળતી હતી. કેટલી અદભૂત ક્લ્પના. આ કવિતા  વાંચ્યા પછી માટીના ગોળાને જોવાની આપણી દષ્ટિ હંમેશ માટે બદલાઈ જવાની તે વાતની ગેરંટી!
અભિવ્યકિતની સાદગી એ મીનપિયાસીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. એમને અઘરા અઘરા શબ્દોની પટ્ટાબાજી કરવામાં કે વાચક્ને ગૂંચવી નાખે એવા રુપકોના ઠઠારા કરવામાં રસ નથી. કવિતાકર્મમાં પ્રયોગખોરીથી તેઓ જોજનો દૂર રહ્યા છે. 'વર્ષાજલ' કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં રામપ્રસાદ બક્ષીએ યોગ્ય જ લખ્યું છે કે, 'મીનપિયાસી આધુનિક્તાને અભિમુખ થયા નથી, થવા ઈચ્છતા નથી, થવામાં સાર છે કે નહીં એ વિશે (તેઓ) સાશંક છે.' ભરપૂર સાદગીની સાથે સાથે ગહનતા હોવી અને પાછું મર્મવેધી હોવું - આ ડેડલી કેમ્બિનેશન મીનપિયાસીની કવિતાઓમાં સહજપણે હાજરી વર્તાવતી રહે છે. આ કાવ્યોમાં આબાલવૃદ્ધ સૌને અપીલ કરી શક્વાનું કૌવત છે તેનું કારણ આ જ.  
૪૬ વર્ષની વયે મીનપિયાસી વિધુર થઈ ગયા હતા. પ્રેમાળ પત્ની મનોરમાની ક્વેળાની વિદાય એમનાં જીવનની એક ડિફાઈનિંગ મોમેન્ટ બની રહી. પત્નીની સ્મૃતિમાં એમણે એક બહુ જ હૃદયસ્પર્શી કાવ્ય લખ્યું છે -  
અવ કોઈ મને ન ટોકે.
જતાં આવતાં આંખ-ઈશારે કોઈ મને ના રોકે.
અવ કોઈ મને ના ટોકે!
હતું પારકું પોતાનું થઈ જીવ્યું'તું સંગાથે,
એ જ જીવનને દીધું જલાવી મેં આ મારા હાથે,
ચિતા સમું આ ચિત્ત હંમેશાં ભડભડ બળતું શોકે.
                                         અવ કોઈ મને ના ટોકે!
'કયાં બેઠા છો? શું જમવું છે? કેમ સુતા છો વારુ?
ઉદાસ છો કાં? કે થાકયા છો?' કોઈ નહીં પૂછનારું!
સ્મરણ-મોતી શાં અશ્રુ આજે સરતાં થોકે થોકે.
                                      અવ કોઈ મને ના ટોકે!
'રહો, કેમ આમેલું? લાવો આ ફાટયું સાંધી દઉં,
મૂકે નિરાશા પડતી, આવો આશામાં બાંધી લઉં,'
એમ પૂછતી હસતી કોઈની આંખો નવ અવલોકે.
                                  અવ કોઈ મને ના ટોકે!
નથી ધબક્તું હૈયું કોઈનું મુજ પદરવના તાલે,
નથી ઊપડતાં મુજ દર્શનથી ખંજન કોઈના ગાલે,
નથી જતું મન મારું કોઈના હૈયા ઝૂલે ઝોકે.
                               અવ કોઈ મને ના ટોકે!
પત્નીના નિધન પછી કોઈ રોક્વા-ટોક્વા નથી તો કોઈ પ્રેમ કરવાવાળું પણ નથી. હું ઘરમાં પ્રવેશતો તો મારાં પગલાંનો અવાજ સાંભળીને એ આનંદિત થઈ જતી. મને જોતાં જ એનો ચહેરો હસી ઉઠતો. એ સ્ત્ર્રી જે લગ્ન પહેલાં પારકી હતી, તે ચાર ફેરા ફરતાં જ પોતાની બની ગઈ ને મૃત્યુ પામી ત્યાં સુધી સુખ આપતી રહી. આ જ સ્ત્ર્રીનાં અચેતન શરીરને મારે ચિતા પર જલાવી દેવી પડી... આ કવિતા વાંચીને મીનપિયાસીના સાહિત્યકાર મિત્ર દિલીપ રાણપુરાનાં પત્ની સવિતા રડી પડયાં હતાં. મીનપિયાસી ઘરે આવ્યા ત્યારે એમણે ક્હેલું, 'શું તમેય તે, મને ખૂબ રડાવી. આવું તે લખાતું હશે.' મીનપિયાસીએ જવાબ આપેલો, 'એક્લવાયા પુરુષની વેદના તમે ન સમજો તો કોણ સમજે! અને એટલે તો તમે દિલીપને સાથ આપ્યો છે...'
નદીકાંઠે બાયનોક્યુલરથી પક્ષીદર્શન કરી રહેલા મીનપિયાસી
પોતાનાં એક્લવાયાં જીવનને મીનપિયાસીએ સાહિત્ય, પક્ષીપ્રેમ, ખગોળ અને વૈદ તરીકેની કામગીરીથી છલોછલ ભરી દીધું હતું. દીકરી વર્ષાને લીધે એમનું અસ્તિત્ત્વ વાત્સલ્યભાવથી સતત લીલુંછમ રહી શકયું. જિંદગીની વિષમતાઓ સામે સતત લડતા રહેવાને બદલે પરમપિતા પરમેશ્વરને આયખાની લગામ સોંપી દેવાથી નિશ્ચિંત થઈ જવાતું હોય છે. મીનપિયાસીએ એટલે જ ભરપૂર શ્રદ્ધાભાવથી લખ્યું છે કે -   
વિભુવર તારી મરજી,
તને ગમ્યું તે સાચું, શીદને કરવી ઠાલી અરજી?
વિભુવર તારી મરજી.
તું જે કર તે સમજી સઘળું
સહુના હિતનું જાણું,
જે બનતું તે બધું બરાબર
ગણી મજા હું માણું,
તેં જ ભલા તારી મરજીથી
સૃષ્ટિ સઘળી સરજી. વિભુવર..
સુખદુખ જે આવે તે
માગ્યાં મેં જ હશે ભૂતકળે મારા હિતને કજે,
સોનું તપાવતો તું ગાળે
હાયવોય ના કરું
રહું ના ફરિયાદે હું ગરજી. વિભુવર...
સર્વોદયની સાચી દષ્ટિ
એક જ તારી પાસે
ઘાટઘાટના ઘડે યોજના
નીરખું ઉજ્જવળ આશે
તારું ધાર્યું તું કરવાનો
આશા એ અમર જી. વિભુવર...
દુખો તો આવે ને જાય. ઠાલી ફરિયાદો ર્ક્યા કરવાથી શું વળવાનું છે? સઘળું ઉપરવાળાની ગ્રાન્ડ ડિઝાઈનને અનુસાર થઈ રહ્યું છે એવી ખાતરી રાખવી જોઈએ. જો માંહૃાલો શુદ્ધ હશે અને ક્દી જાણીજોઈને કોઈનું અહિત ર્ક્યું નહીં હોય તો જે થઈ રહ્યું છે અને જે થવાનું છે તે સારા માટે થવાનું છે એવું સ્વીકારી લેવું જોઈએ. મીનપિયાસીનાં કાવ્યોમાં ઉભરતા આ આધ્યાત્મિક શેડ્ઝ પણ ભારે રુપાળા છે.
કંઈ કેટલીય સુંદર રચનાઓ છે મીનપિયાસીની, પણ જગ્યાના અભાવે અહીં જ અટક્વું પડશે. એક વાત નિશ્ચિત છે કે ગુજરાતની નવી પેઢી મીનપિયાસી અને એમની કવિતાઓને રી-ડિસ્ક્વર કરી શકે એવો માહોલ ઊભો થવો જોઈએ. પાઠયપુસ્તક ડિઝાઈન કરનાર સમિતિએ મીનપિયાસીની 'ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ' સિવાયની કવિતાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. મીનપિયાસીનું સમગ્ર સર્જન નવા રંગરુપમાં ભાવકે સમક્ષ મૂકવું જોઈએ. એમની અંગત ડાયરી હજુ સુધી પુસ્તક સ્વરૂપમાં શા માટે પ્રકાશિત થઈ નથી તે આશ્ર્ચર્યની વાત છે. સુરેન્દ્રનગર પાસે આવેલાં તેમના વતન ચુડાના કોઈ રસ્તા કે ચોક કે જાહેર ઈમારતને શા માટે હજુ સુધી મીનપિયાસીનું નામ અપાયું નથી? ઈટ્સ હાઈ ટાઈમ! આપણા સાક્ષરોની ક્દર આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે?  

 0 0 0