Friday, December 30, 2011

જે ગાંધીજી માટે શક્ય છે તે આપણા માટે શક્ય છે?


ચિત્રલેખા  અંક તા. ૯ જાન્યુઆરી ૨૦૧૨ 


કોલમઃ વાંચવા જેવું 

જીવનની સાર્થકતા ચરમસીમા પર પહોંચે ત્યારે એક ઘટના બને છે. માણસ ફક્ત વ્યક્તિ નથી રહેતો, એ વિષય બની જાય છે. જનચેતના પર એણે છોડેલી અસર એટલી પ્રચંડ હોય છે તેના જીવન વિશે સતત ચર્ચાતું રહે છે. એનું કર્મ બદલાતી પેઢીઓનાં નવાં દિમાગોને ટ્રિગર કરતું રહે છે. ગાંધીજી આવો જ એક અદભુત ‘વિષય’ છે.

ગાંધીજી વિશે ભલે ઓલરેડી પુષ્કળ લખાઈ ચૂક્યું હોય, પણ ગુણવંત શાહ જેવો મૌલિક વિચારક આ મહામાનવ વિશે કલમ ચલાવે અને ગાંધીત્વને એક કરતા વધારે સંદર્ભોમાં ઉધાડી આપે ત્યારે પરિણામ હંમેશાં આકર્ષક મળવાનું. ‘ગાંધીની ઘડિયાળ’ (૨૦૦૪) અને ‘ગાંધીનાં ચશ્માં’ (૨૦૦૬) પછી આ પુસ્તકમાં પણ ગાંધીજી વિશેના વિવિધ પ્રકાશનોમાં છપાયેલા તેમના લેખોનો સૂઝપૂર્વક સંકલન થયું છે.

‘ગાંધીની ચંપલ’માં ગણવંત શાહ કહે છેઃ ‘મહાત્મા કોને કહેવો? જે માણસ પોતાના વ્યક્તિત્વ (પર્સનાલિટી) કરતાં પોતાના અસ્તિત્ત્વ (બીઇંગ)ને વધારે આદર કરે તે મહાત્મા કહેવાય. પર્સનાલિટી કરતાં બીઇંગને વધારે મહત્ત્વ આપનાર જ કશીક ધાડ મારે છે. વ્યક્તિત્વને જ વધારે મહત્ત્વ આપનાર માણસ દંભના શરણે જાય છે, કારણ કે પર્સનાલિટીનો સંબંધ સમાજના સ્વીકાર સાથે રહેલો છે. અસ્તિત્ત્વનો સંબંધ માંહ્યલા પ્રત્યેની વફાદારી સાથે છે.’

લોકો વાતવાતમાં કહેતા હોય છેઃ સત્યની સાધના ગાંધીજીને પોસાય. એ તો મહાત્મા હતા. આપણા જેવા પામર માનવીનું એ ગજ  નહીં. લેખક કહે છેઃ ‘આવું કહેવામાં નથી નમ્રતા કે નથી નિખાલસતા. એમાં તો કેવળ પલાયનવાદ છે. ગાંધીજીના જીવનની એક ખૂબી હતી. જીવન પ્રત્યે વફાદાર એવા સામાન્ય માણસને પણ એવું થાય કે જે ગાંધીજી માટે શક્ય હોય તે માટે માટે અશક્ય નથી. ગાંધીજીએ પણ આત્મકથાની પ્રસ્તાવનામાં લખ્યુંઃ ‘જે એકને સારું શક્યે છે તે બધાને સારું શક્ય છે.’ ગાંધીજીનું આ આશ્વાસન આપણા જેવા સામાન્ય માણસોને માટે ખૂબ જ ઉપકારક છે.’

Gandhi's chappals


આજે ‘ડિપ્લોમેટ’ નામના માનવપ્રાણીની બધી જ મુત્સદ્દીગીરીની સફળતાનો આધાર તે જૂઠને કેટલું રૂપાળું સત્ય પહેરાવી શકે છે તે આવડત પર રહેલી છે. ગાંધીજીની તો ડિપ્લોમસી પણ સત્યકેેન્દ્રી હતી. ‘સેક્યુલરિઝમઃ ગાંધીનું અને નેહરુનું’ પ્રકરણમાં લેખક લખે છેઃ ‘ગાંધીજીની અહિંસામાં કાયરતાને સ્થાન ન હતું. તેમને મુસ્લિમ વોટબેંકની જરૂર ન હતી. બને તેટલી વિવેકપૂર્ણ વાણીમાં તેમણે મુસલમાનોને પણ કેટલીક કડવી વાતો સ્પષ્ટપણે કહી છે. (એમના ગયા પછી) ગાંધીજનો એક બાબતે ફુલ્લી નાપાસ થયા. તેઓ મુસલમાનોને કડવી વાતો કહેવા માટેની નિર્ભયતા અને તટસ્થતા ન કેળવી શક્યા. આમ કરવાથી તેઓની ભલાઈને કે સ્વીકૃતિને આંચ ન આવી, પણ સત્ય નંદવાયું તેથી ક્ષીણ થયું. તેઓને એક જ કલ્પિત ભય સતાવતો રહ્યોઃ આવું કહીએ તો આપણા મુસલમાન ભાઈઓને માઠું નહીં લાગે?’

લેખકનું માનવું છે કે ગાંધીજીના ગયા પછી નેહરુની છાયામાં એક એવું પ્રદૂષિત સેક્યુલરિઝમ શરૂ થયું, જેમાં તર્ક અને અૌચિત્યનો અભાવ હતો. એ કહે છેઃ ‘જો નેહરુજીએ સેક્યુલરિઝમને બદલે સર્વધર્મ સમભાવ પર અને સમાજવાદને બદલે સર્વોદય જેવા બે શબ્દો પર ભાર મૂક્યો હોત તો કદાચ ઈતિહાસ થોડો જુદો હોત.’

લેખકે ગાંધીને ક્રાંતિ (રિવોલ્યુશન) અને ઉત્ક્રાંતિ (ઈવોલ્યુશન) વચ્ચે સંબંધ સ્થાપી શકનારા ‘અવતારી પુરુષ’ ગણાવ્યા છે. અલબત્ત, એનો અર્થ એવો નહીં કે ગાંધીજીની માનવસહજ ક્ષતિઓ વિશે સ્વસ્થતાપૂર્વક લખવાનું એ ચૂકી ગયા છે. જેમ કે, ગાંધીના બ્રહ્મચર્યના પ્રયોગો. ગાંધીજીએ પોતાના બ્રહ્મચર્યની ચકાસણી માટે નગ્ન અવસ્થામાં નગ્ન સ્ત્રીઓ સાથે એક પથારીમાં શયન સુધ્ધાં કર્યું. દેશને આઝાદી મળી એના આઠેક મહિના પહેલાં જ, ૨૧૨૧૯૪૬ની રાતે ગાંધીજીની જે સ્ત્રી સાથે નગ્નવસ્થામાં સૂતા તે મનુબેનની ઉંમર ફક્ત ૧૯ વર્ષની હતી. આ ઘટનાથી ગાંધીજી સાથે રહેતા અંતેવાસીઓ ખળભળી ઉઠ્યા. ‘હરિજન’ના બન્ને તંત્રીઓએ અને સ્ટેનોગ્રાફરે રાજીનામાં આપી દીધાં. સરદાર પટેલ ગુસ્સે થયા, વિનોબાજીએ અસંમતિ દર્શાવી, પુત્ર દેવદાસે ટીકા કરતો પત્ર લખ્યો. પણ ગાંધીજીને કોઈ પસ્તાવો ન હતો. તેઓ દઢ હતા.

ગાંધીજીએ પોતાનું બ્રહ્મચર્ય માપવાના આ અતિરેકસભર, અનૌચિત્ય લાગતા અને ઝેરના પારખાં જેવા જે અખતરા કર્યા તેને લેખકે ‘ભયંકર પ્રયોગો’ કહ્યા છે. એ લખે છેઃ ‘આ વિચાર મહાત્મા ગાંધીનો હોય તોય પૂરી નમ્રતા સાથે એને એબ્સર્ડ (વાહિયાત) કહેવો રહ્યો. વળી, તેઓ પોતાની જાત સાથે જાણે બાથોડિયાં ભરી રહ્યા હોય એવી છાપ પણ પડે છે. બ્રહ્મચર્યનો સંબંધ ચરસ સ્વસ્થતા સાથે છે કે બાથોડિયાં સાથે?’ આટલું કહીને લેખક ઉમેરે છેઃ ‘એટલું ચોક્કસ કે આવા જોખમકારક પ્રયોગો જો કોઈ કરી શકે, તો તે મહાત્મા ગાંધી જ કરી શકે. ગાંધીજીના સેક્સ અંગેના ભયંકરો પ્રયોગો પણ એમના સત્યના પ્રયોગોના ભાગ રૂપે થયા. એ પ્રયોગોમાં ગાંધીજી જો સ્ખલન પામ્યા હોત તો કદાચ તેમણે ‘હરિજન’માં લેખ લખીને પોતાનું મહાત્માપણું પોલું છે, એવું લખ્યું હોત.’લાહોરવાસી શ્રીમતી સરલાદેવી ચૌધરાણી સાથેના ગાંધીજીનો સંબંધ પણ વિવાદાસ્પદ રહ્યો. સરલાદેવીને તેઓ પોતાનાં ‘આધ્યાત્મિક પત્ની’ કહેતા. ગુણવંત શાહ આ સંબંધને જુદા દષ્ટિકોણથી નિહાળે છેઃ ‘આધ્યાત્મિક લગ્નની જે વ્યાખ્યા ગાંધીજીએ આપી છે, તેમાં કસ્તૂરબાને અન્યાય થાય તેવી કઈ બાબત છે? (દેવદાસ, મહાદેવભાઈ, રાજગોપાલાચારી વગેરેએ વાર્યા એટલે) ગાંધીજી સરલાદેવીથી અળગા થયા તેમાં સરલાદેવીને ભારોભાર અન્યાય થયો છે એવી મારી નમ્ર માન્યતા છે. ‘પ્લેટોનિક લવ’ કેવો હોય તેનું એક ઝળહળતું ઉદાહરણ આજની નવી પેઢીને પ્રાપ્ત થયું હોત.’

લેખકની લાક્ષાણિક પ્રવાહી શૈલીમાં લખાયેલા ૪૪ જેટલા વિદ્વત્તાપૂર્ણ લેખોમાંથી શું ટાંકવું અને કેટલું ટાંકવું? ગાંધીજીને સમજવા માગતા વાચકો તેમજ ગુણવંત શાહના ચાહકોની અંગત લાયબ્રેરીમાં જેનું હોવું અનિવાર્ય છે તેવું સત્ત્વશીલ પુસ્તક.                                                                              0 0 0                                                                                               
 ગાંધીની ચંપલ


લેખકઃ ગુણવંત શાહ

 પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૧

ફોનઃ (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨)૨૨૦૧  ૩૪૪૧

કિંમતઃ  રૂ. ૨૦૦ /

પૃષ્ઠઃ ૩૦૦૦ ૦ ૦

Saturday, December 24, 2011

ફ્લેશબેક ૨૦૧૧


       દિવ્ય ભાસ્કર  - રવિવાર પૂર્તિ  - ૨૫ ડિસેમ્બર ૨૦૧૧ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ


૧૦૭ હિન્દી ફિલ્મો, ૧૯ નવા ડિરેક્ટરો અને ખૂબ બધી ઊથલપાથલ. બોલીવૂડનું ૨૦૧૧નું વર્ષ ખાસ્સું ઈન્ટરેસ્ટિંગ પૂરવાર થયું.  


૨૦૧૧ની શરૂઆત ‘નો-વન કિલ્ડ જેસિકા’એ સરસ રીતે કરી આપી અને વર્ષનો અંત શાહરૂખ ખાનની ‘ડોનટુ’ જેવી હાઈપ્રોફાઈલ ફિલ્મથી થયો. આ બન્નેની વચ્ચે આખા વર્ષ દરમિયાન શું શું બન્યું? લેટ્સ સી.

આ વર્ષે કુલ ૧૦૭ હિન્દી ફિલ્મો રિલીઝ થઈ. ‘મિશન ઈમ્પોસિબલ-ફોર’ જેવી હિન્દીમાં ડબ થયેલી ફિલ્મો લટકામાં. ફિલ્મી પંડિતો કહે છે કે આ વર્ષે સૌથી વધારે કમાણી સલમાન ખાનની સુપરહિટ ‘બોડીગાર્ડે’ કરી. આ સિવાય ‘રેડી’, ‘રા.વન’ અને ‘સિંઘમ’ પણ માત્ર આ વર્ષની જ નહીં, બલકે અત્યાર સુધીની હાયેસ્ટ-ગ્રાોસિંગ-હિન્દી-ફિલ્મ્સ-ઓફ-ઓલ-ટાઈમના લિસ્ટમાં વટથી સામેલ થઈ ગઈ. ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘ડર્ટી પિક્ચર’, ‘યમલા પગલા દીવાના’, ‘મર્ડર-ટુ’, ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘દિલ્હી બેલી’, ‘તનુ વેડ્સ મનુ’ વગેરે ફિલ્મોને પણ સરસ રિસ્પોન્સ મળ્યો.

માણસ હોય કે પ્રોડક્ટ, આપણને નંબર વન  નંબર ટુ જેવા લેબલ આપવાની બહુ મજા આવતી હોય છે. ૨૦૧૧ના વર્ષ પર એ રીતે બાકીના બન્ને ખાનોની તુલનામાં સલમાન ખાન વધારે છવાયેલો રહ્યો. બબ્બે સુપરડુપર હિટ ફિલ્મો ઉપરાંત ‘બિગ બોસ’ને લીધે પણ તે, ટીવી ચેનલોની ભાષામાં કહીએ તો ખાસ્સો સુર્ખીયોમાં છવાયેલો રહ્યો. આમિર ખાને પોતે પ્રોડ્યુસ કરેલી બન્ને ફિલ્મો ‘દિલ્હી બેલી’ અને ‘ધોબીઘાટ’માં અનુક્રમે નાની ભુમિકામાં અને આઈટમ સોંગમાં દેખાઈને સંતોષ માન્યો. ‘થ્રી ઈડિયટ્સ’ પછી તેની હીરો તરીકેની મોટી ફિલ્મ ‘તલાશ’ આવતા વર્ષે રિલીઝ થવાની.

ખાન નંબર ફોર સૈફ અલી આ વર્ષે માત્ર ‘આરક્ષણ’માં દેખાયો. અમિતાભ બચ્ચનની બે ફિલ્મો આવી ‘બુઢા હોગા તેરા બાપ’ અને ‘આરક્ષણ’. અભિષેક બચ્ચનની ‘ગેમ’ ફ્લોપ થઈ ગઈ, પણ ઠીકઠાક ‘દમ મારો દમ’ને લીધે, કહોને કે, એનું વર્ષ સચવાઈ ગયું. શાહિદ કપૂર ‘મૌસમ’ પર ઊંચી આશા બાંધીને બેઠો હતો, પણ એના પર સુનામીનું પાણી ફરી વળ્યું. દેસી બોય અક્ષય કુમાર માટે પણ આ વર્ષ પ્રમાણમાં ઠંડું પૂરવાર થયું, એને પ્રોપર હીરો તરીકે ચમકાવતી ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હોવા છતાં.  હૃતિક રોશનની એક જ ફિલ્મ આવી   ‘જિંદગી ના મિલેગી દોબારા’, પણ એના અફલાતૂન પર્ફોર્મન્સ, ફિલ્મની સફળતા અને ‘જસ્ટ ડાન્સ’ ટેલેન્ટ શોને લીધે હૃતિક માટે આ વર્ષ સંતોષકારક થયું. ઈમરાન ખાનની બન્ને ફિલ્મો ‘દિલ્હી બેલી’ અને ‘મેરે બ્રધર કી દુલ્હન’ હિટ થઈ એટલે બોલીવૂડમાં તેનું સ્થાન ઓર મજબૂત બન્યું. તેના સમકાલીન રણબીર કપૂરની એક જ ફિલ્મ આવી ‘રોકસ્ટાર’, પણ તેમાં એણે એવું તો જબરદસ્ત કામ કર્યુ કે એની પેઢીના જ નહીં, બલકે સિનિયર એક્ટરો પણ ઝાંખા પડી ગયા.બોલીવૂડની કન્યારત્નોની વાત કરીએ તો આ વર્ષે વિદ્યા બાલન નિઃશંકપણે સૌથી પ્રભાવશાળી રહી. ૨૦૧૧ના પ્રારંભમાં એની ‘નોવન કિલ્ડ જેસિકા’ આવી અને હમણાં થોડાં અઠવાડિયાં પહેલાં ‘ધ ડર્ટી પિક્ચર’ એવી સરપ્રાઈઝ હિટ પૂરવાર થઈ કે ઈવન હીરોલોગ પણ મોંમાં આંગળા નાખી ગયા. પ્રિંયંકા ચોપડાએ ‘સાત ખૂન માફ’માં જોર તો ઘણું કર્યુ, પણ ફિલ્મે જમાવટ ન કરી. કરીના કપૂરે બે સુપર ખાન સાથે કામ કર્યુ (‘બોડીગાર્ડ’, ‘રા.વન’) અને કેટરીના કૈફે પણ બે હિટ ફિલ્મો (‘જિંદગી ના...’, ‘મેરે બ્રધર કી દુલ્હન’) આપી એટલે ઈન્ડસ્ટ્રીમાં બેય જણીયુંની પોઝિશન જળવાઈ રહી.


ઈન્ડસ્ટ્રીમાં આ વર્ષે નવી ટેલેન્ટ કેટલી આવી? ઓહોહો, ઢગલાબંધ. ૨૦૧૧માં ૧૯ નવા ડિરેક્ટરોએ એન્ટ્રી કરી! ગણી લોઃ કિરણ રાવ (‘ધોબી ઘાટ’), અભિનવ દેવ (‘દિલ્હી બેલી)’, દીપા સાહી (‘તેરે મેરે સપને’), લવ રંજન (‘પ્યાર કા પંચનામા’), રેમો ડિસૂઝા (‘ફાલતુ’), અલી અબ્બાસ ઝફર (‘મેરે બ્રધર કી દુલ્હન’), પંકજ કપૂર (‘મૌસમ’), બરનાલી રે શુક્લ (‘કુછ લવ જૈસા’), નૂપુર અસ્થાના (‘મુઝસે ફ્રેન્ડશિપ કરોગે’), અમોલ ગુપ્તે (‘સ્ટેન્લી કા ડબ્બા’), રાઘવ ધર (‘માય ફ્રેન્ડ પિન્ટો’),  બિજોય નામ્બિયાર (‘શૈતાન’), રોહિત ધવન (‘દેસી બોય્ઝ’), સત્યજિત ભટકળ (‘ઝોક્કોમો’),  પ્રવીન દબાસ (‘સહી ધંધે ગલત લોગ’), મૃગદીપ લાંબા (‘તીન થે ભાઈ’), નીલા પાંડા (‘આઈ એમ કલામ’), શુભ મુખર્જી (‘શકલ પે મત જા’) અને સોહન રોય (‘ડેમ ૯૯૯’).

આ વર્ષે ‘રા.વન’ના ‘છમ્મકછલ્લો’ (વિશાલ-શેખર) અને ‘કોલાવરી ડી’ ગીતે આપણને ખૂબ એન્ટરટેઈન કર્યા, પણ વર્ષનું શ્રેષ્ઠ આલબમ તો બોસ, ‘રોકસ્ટાર’ (એ. આર. રહેમાન) જ છે. સવાલ જ નથી.

બ્રાન્ડન્યુ હીરોની વાત કરીએ. રાણા દગુબત્તી (‘દમ મારો દમ’) ખાસ તો બિપાશા સાથેની રિલેશનશિપની ગોસીપને કારણે સૌથી વધારે ચર્ચામાં રહ્યો.  વિવાન નસીરુદ્દીન શાહ (‘સાત ખૂન માફ’),  શિવ પંડિત અને ગુલશન દેવૈયા (બન્ને ‘શૈતાન’) તેમજ વિદ્યુત જામવાલ (‘ફોર્સ’) આશાસ્પદ જણાયા. નવીનક્કોર હિરોઈનોમાં નરગીસ ફકરી (‘રોક્સ્ટાર’) મુખ્ય ગણાય. જો ઓડિયન્સના નસીબ સારા હશે તો ઊંટ જેવા હોઠવાળી આ કન્યાને ધીમે ધીમે એક્ટિંગ કરતા આવડી જશે. પ્રિયંકા ચોપડાની કઝિન પરિણતી ચોપડા ‘લેડીઝ વર્સસ રિકી બહલ’માં એટલી બધી જીવંત અને ક્યુટ લાગે છે કે એણે અનુષ્કા શર્મા કરતાં પણ ઓડિયન્સનું ધ્યાન વધારે ધ્યાન ખેંચ્યું. પરિણતીની કરીઅર કેવી રીતે આગળ વધે છે તે જોવાની મજા આવશે.

અરે! બે નવોદિત નામોની વાત કરવાની રહી જ ગઈ. આ બે નામ એવાં છે જે આજકાલ નહીં પણ વીસ વર્ષ પછી ફિલ્મોમાં સૉલિડ ધમાલ મચાવવાનાં છે. એક છે, ઐશ્વર્યાઅભિષેકની ‘બિટીયા બી’ અને બીજો, આમિર ખાન કિરણનો સુપુત્ર આઝાદ!

શો સ્ટોપર

ઓડિયન્સ બદલાઈ ગયું છે. અગાઉ લોકો ફિલ્મસ્ટાર્સને અહોભાવથી જોયા કરતા. આજે લોકો સ્ટારની બાજુમાં બેસશે, એની સાથે વન-ટુ-વન લેવલ પર વાતચીત કરશે, મિત્રની જેમ વર્તશે. હીરોને ભગવાનની જેમ પૂજવાનો જમાનો હવે ગયો.

-  અભિષેક બચ્ચન Friday, December 16, 2011

આખું આકાશ મારી મુઠ્ઠીમાં...


  ચિત્રલેખા  અંક તા. ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ માટેકોલમઃ વાંચવા જેવું 


હારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલથી એસટી દ્વારા નીકળે તો આંચકા ખાતા, રસ્તાને ગાળો દેતા, અડધા કલાકમાં મારા ગામ પહોંચી શકે. પદ્માલય ડુંગરની તળેટીમાં આવેલું આ મારું નાનકડું તાડે ગામ.

‘માડી, હું કલેક્ટર થઈશ!’ પુસ્તકનાં આ પહેલાં જ બે વાક્યો હવે પછીના પ્રકરણોમાં જે કંઈ બનવાનું છે તેનો માહોલ ઊભો કરી દે છે. આ પુસ્તક લખતી વેળાએ લેખક રાજેશ પાટીલ મૂંઝાઈ રહ્યા હતા કે ત્રીસેક વર્ષની ઉંમરે આવું આત્મકથનાત્મક પુસ્તક લખાય? આપણે પોતાના વિશે લખી શકીએ એટલા મોટા થયા છીએ ખરા? સારું થયું કે એમણે પુસ્તક લખ્યું. અન્યથા ગામડાની અભાવગ્રસ્ત પરિસ્થિતિમાં ઉછરેલો સાવ ગરીબ છોકરાએ આઈએએસ ઓફિસર બનવાનું પોતાનું સપનું શી રીતે સાકાર કરી શક્યો તેની હૃદયસ્પર્શી કહાણી આપણને સાંભળવા મળી ન હોત!


જેવું લેખકનું ગામ એવું જ એમનું ઘર. એમનો પરિવાર બે વીઘા જમીનમાં કેવી રીતે પૂરું કરે છે એનું ગામને કૂતુહલ! બાબાપુજી દરજીકામ કરતાં. મોટી બહેન સાવ નાની હતી ત્યારથી બીજાનાં ખેતરમાં કામે જવા લાગી હતી. સ્કૂલમાં વેકેશન પડે ત્યારે લેખક મોટીબહેનને શાકભાજી વેચવામાં મદદ કરે. કંઈ મોટું કામ આવી પડે તો નિશાળ પડતી મૂકીને ય ખેતરનો રસ્તો પકડવો પડે. રાતે બાપુ સાથે ખેતરમાં પાણી આપવા જાય. ઘણીવાર આખો દિવસ કામ કર્યા પછી રાતે નદીકાંઠેથી ટ્રેક્ટરમાં રેતી ભરવી પડે.

લેખક કહે છેઃ ‘નાનપણમાં કરવા પડેલા  શ્રમને કારણે હું શારીરિક રીતે દઢ બન્યો. મને તડકો, પવન, વરસાદથી ભાગ્યે જ તકલીફ થઈ. ઉપરાંત મનમાં કામ માટેની બીક જતી રહી. હું શ્રમજીવી લોકોની, મજૂરોની સમસ્યાઓ પ્રત્યે, શોષણ પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યો.’


ગામની નિશાળમાં  ભણવાની વ્યવસ્થા પાંચમા ધોરણ સુધી જ. તેથી છઠ્ઠા ધોરણથી એસટી બસમાં બેસી બાજના ગામની સ્કૂલે ભણવા જાય. થીગડું મારેલી ચડ્ડી, સફેદ સદરો અને લૂગડાના ટુકડામાં બાંધેલું ભાતું. વળતી વખતે પાંઉ ખરીદતા જવાનાં અને તે પોતાના ગામ જઈને વેચવાનાં. આ રીતે થોડીઘણી આવક થતી, પણ તેમાંથી જગાર રમવાની અને સ્કૂલ બન્ક કરીને વિડીયોની દુકાનમાં વિડીયો જોવાની કુટેવ શરૂ થઈ ગઈ. પૈસા ઓછા પડે એટલે ઘરમાંથી પૈસા ચોરે કે પછી ખેતરમાંથી રબરની પાઈપ અને એવી બધી ચીજો ચોરી ભંગારમાં વેચી નાખે. આમેય લેખક નાના હતા ત્યારે ગામમાં એમની છાપ એક રખડુ, તોફાની છોકરાની. હંમેશા કંઈક ચાળા કરે, ઘરે કજિયા લાવે, જૂઠું બોલે, સમયસર કામ ન કરે, ભણવામાં ધાંધિયા કરે. બા બિચારી બહુ પીડાય અને પછી લેખકને બરાબરની ધીબેડે. એક વાર એના અટકચાળાથી ગુસ્સે થઈને બાપુજીએ એને છો લોટો માર્યો હતો!

નાનપણમાં તોબા પોકારાવી દે એવો વિચિત્ર સ્વભાવનો આ છોકરાની આગળ જતાં એક સફળ, આત્મવિશ્વાસથી ભરપૂર યુવાનમાં કઈ રીતે પરિણમ્યો?

પરિવર્તનની શરૂઆત એ દસમા ધોરણમાં આવ્યા પછી થઈ. અગિયારમા ધોરણમાં ધૂળેની કોલેજમાં દાખલ થયા અને જીવનનો નવો અધ્યાય શરૂ થયો. જીવનમાં કંઈક બનવું હશે તો ભણ્યા વગર છૂટકો નથી એવી સમજણ આવી ગઈ હતી. સુખી ઘરમાંથી આવતા નાનપણના દોસ્ત સંગ્રામ સાથે લેખક એક ઓરડીમાં રહેતા. એ કહે છેઃ ‘બીજા વિદ્યાર્થીઓ સંગ્રામ પાસે આવતા ત્યારે મારા તરફ તિરસ્કારપૂર્વક જોતા. હું જદા વર્ગમાંથી આવું છ એનું ભાન કરાવતા, પણ સંગ્રામે મને કદી દુભવ્યો નહીં.’


બારમા ધોરણમાં મેડિકલ-એન્જિનીયરિંગ કોલેજમાં આસાનીથી એડમિશન લઈ શકાય એટલા માર્કસ આવ્યા, પણ માબાપ બાપડાં એનો ખર્ચ કેવી રીતે ઉપાડે? બેન્કે પણ અંગૂઠો બતાવી દીધો. નછૂટકે નાસિકમાં બીએસ.સી.માં પ્રવેશ લીધો અને આંકડાશાસ્ત્રમાં યુનિવર્સિટીમાં પહેલા આવ્યા.  તે પછી સ્કોલરશિપ અને પાછ આગળ ભણતર. લેખક લખે છેઃ ‘મેં નોકરી લાગતાં સુધી એક વખત પણ ક્યારેય શર્ટ અને પેન્ટ વેચાતા લીધાં ન હતાં. એ મારા માટે શક્ય જ ન હતું. ઘણી વખતે મિત્રોના, સગાવ્હાલાનાં વસ્ત્રો આવ્યા. પણ એ હું આનંદપૂર્વક પહેરતો હતો. ક્યારેક ક્યારેક દુખ પણ થતું, પણ આપણે ચોરી કરીને તો પહેરતાં નથીને એમ કહીને મન મનાવતો હતો.’

પોસ્ટ ગ્રેજ્યએશન પછી લાગવગ વગર નોકરી મળતી હતી, પણ પ્રશાસનમાં જવાની પહેલેથી તીવ્ર ઈચ્છા હતી. ઘરેથી પુના કોલેજ જવા નીકળેલા ત્યારે બસભાડાં સુધ્ધાના પૈસા નહોતા અને ઘર ગીરવે મૂક્યું હતું. છતાં નોકરી ન જ સ્વીકારી અને આંકડાશાસ્ત્રની સ્કોલરશિપ લઈને રિસર્ચ માટે નામ દાખલ કરી સાથે સાથે આઈએએસ (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) માટે તૈયારી આરંભી દીધી. સવાલો ઓછો નહોતા. મારામાં જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરવાની ક્ષમતા છે? ધારો કે પરીક્ષા પાસ કરી તો પણ આઈએએસ થવા મળશે? કામ કરવાનું સામર્થ્ય છે? ખૂબ ડર લાગતો હતો પણ લેખકે કદમ માંડી જ દીધું. આ એક એવો મુશ્કેલ નિર્ણય હતો જે જીવનની દિશા પલટી નાખવાનો હતો.

આગળની યાત્રા પણ એટલી જ ઘટનાપ્રચૂર છે. લેખકની જીવનકથની અવરોધો સામે ઝુઝતા રહીને ધ્યેય હાંસલ કરવાના જસાથી એટલી હદે રસાયેલી છે કે તેની સામે પ્રેરણાના નિર્જીવ શબ્દોનો ખડકલો કરી દેતાં પુસ્તકો ઝાંખા પૂરવાર થાય. પુસ્તકના અનુવાદક કિશાર ગૌડ કહે છેઃ ‘મૂળ મરાઠી પુસ્તક વાંચતી વખતે હું એટલો બધો રમમાણ થઈ ગયો હતો કે લેખક બીજા પ્રયત્ને પરીક્ષામાં પાસ થઈને આઈએએસ બન્યા તે વર્ણન આવ્યું ત્યારે હું ઉછળી પડ્યો હતો અને મને પેંડા વહેંચવાનું મન થઈ ગયું હતું!’

આ જ અનુભૂતિ અને ઉત્તેજના વાચક તરીકે આપણને પણ થાય છે. સચ્ચાઈભર્યા સંવેદનશીલ લખાણની આ જીત છે!                                                                                            0 0 0


માડી, હું કલેક્ટર થઈશ!


લેખકઃ રાજેશ પાટીલ

 અનુવાદકઃ કિશોર ગૌડ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ- ૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧

કિંમતઃ  રૂ. ૧પ૦ /

પૃષ્ઠઃ ૧૮૨


-----------------

Sunday, December 4, 2011

બિગ બોસનું બખડજંતર

દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - ૪ ડિસેમ્બર ૨૦૧૧


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

તમે બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેવા માગો છો? આ રિયાલિટી શોનો હિસ્સો થઈને સ્ટાર બની જવા માગો છો? તો તે માટે થોડી તૈયારી કરવી પડશે અને કેટલીક વિશિષ્ટ લાયકાતો કેળવવી પડશે. આ રહી ઉપયોગી ટિપ્સ!


Pooja Bedi, Mahek Chahel and Shonali Nagraniસાયલન્સર વગરના છકડા જેટલો ઘોંઘાટ કરતી બિગ બોસ સિઝન ફાઈવની ગાડી અત્યારે ટોપ ગિયરમાં દોડી રહી છે. સૌથી ભારાડી નર કે નારી કે હીજડો (કેમ, લક્ષ્મી વાઈલ્ડકાર્ડ એન્ટ્રીથી શોમાં પાછી તાબોટા પાડતી ત્રાટકી શકે છે!) છેલ્લે વિજેતા ઘોષિત થશે અને સર્વ દિશાઓમાં એનો જયજયકાર થઈ જશે. બિગ બોસના ઘરમાં જવાથી ચિક્કાર પબ્લિસિટી વત્તા ફદિયાં વત્તાં કામ મળતાં હોય તો એમાં એન્ટ્રી લેવાનું મન સૌ કોઈને થાય. પણ તેના માટે તમારામાં કેટલીક વિરલ લાયકાતો હોવી જોઈએ. કઈ કઈ? આ રહી બિગ બોસના હાઉસમેટ બનવા માટેની માર્ગદર્શિકા.1. તમે શો બિઝનેસ સાથે સંકળાયેલા હો તે ઈચ્છનીય છે. યાદ રહે, વાત શો બિઝનેસ સાથે માત્ર સંકળાવાની છે, સફળ હોવાની નહીં. સફળ માણસ બિગ બોસ હાઉસમાં ત્રણ મહિના રહેવા માટે તોતિંગ ફીની ડિમાન્ડ કરે જે ચેનલને પોસાય નહીં. આથી તમે બેકાર, નિષ્ફળ, ફેંકાઈ ગયેલા, ભુલાઈ ગયેલા, ફસ્ટ્રેટેડ અને સસ્તા મનુષ્યપ્રાણી હો તે જરૂરી છે. ઉદાહરણ તરીકે, અમર ઉપાધ્યાય.


Amar Upadhyay (right) and Shakti Kapoor


2. તમારા નામે કૌભાંડો કે સેક્સ સ્કેન્ડલ બોલતા હોય અથવા તો તમારા પર એકાદું સ્ટિંગ ઓપરેશન થઈ ચૂક્યું હોય તો તો ક્યા કહને. દષ્ટાંત તરીકે, શક્તિ કપૂર. તેર તેર મહિલાઓ વચ્ચે રહેવા માટે ઈકલૌતા મર્દ તરીકે કાસ્ટિંગ કાઉચ કૌભાંડમાં બદનામ થયેલા શક્તિ કપૂર કરતા બહેતર ઉમેદવાર બીજો ક્યો મળવાનો!૩. બદનામી! આ ક્વોલિફિકેશન તો અત્યંત જરૂરી છે. તમે પોતે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હો તો એના જેવું ઉત્તમ બીજું કશું નહીં. કમનસીબે તમે સારા માણસ હો પણ જો ક્રિમિનલ સાથે સંબંધ ધરાવતા હો તો તે સિદ્ધિને પણ ચોક્કસ કન્સિડર કરવામાં આવશે. યાદ કરો આ સિઝનની નિહિતા બિસ્વાસને કે અગાઉની સિઝનની મોનિકા બેદીને. અનુક્રમે ચાર્લ્સ શોભરાજ અને અબુ સાલેમ જેવા ખૂંખાર માણસની ગર્લફ્રેન્ડ કે પત્ની હોવું તે કંઈ જેવી તેવી વાત છે?4. તમે કોઈ ચટાકેદાર કારણસર મિડીયામાં ચમકો તે જરૂરી છે. મિકાએ ભરી મહેફિલમાં રાખી સાવંતમાં બકી ભરી લીધી ને રાખીને ગામ ગજાવ્યું. બિગ બોસવાળાઓએ એને પટ્ કરતી સિલેક્ટ કરી લીધી. રેમ્પ પર કેટવોક કરતી વખતે કેરલ ગ્રોશિયસ નામની મોડેલનું વોર્ડરોબ માલફંક્શન થઈ ગયું અને એનું ઉપરનું અડધું શરીર ઉઘાડું થઈ ગયું. ટીવી ચેનલોને જલસો પડી ગયો ને બિગ બોસમાં કેરલની એન્ટ્રી પાકી થઈ ગઈ. રાજા ચૌધરી પહેલાં એની ટીવીસ્ટાર પત્નીને શ્વેતા ચૌધરીને અને પછી ગર્લફ્રેન્ડ શ્રદ્ધા શર્માને નિયમિત ધીબેડતો હતો અને ધજાગરા કરતો હતો. પરફેક્ટ! બિગ બોસવાળાઓએ આ ત્રણેય જણાને વારાફરતી અલગ અલગ સિઝનમાં લઈ લીધાં!


Pooja Mishra

5. તમે પુરુષ હો તો બોડી બનાવવાનો અને સ્ત્રી હો તો બોડી બતાવવાનો શોખ હોવો જોઈએ. વધુમાં વધુ શરીર ખુલ્લું રહે એવું ટૉપ, વેંત જેવડી ચડ્ડી અને છ ઇંચની હિલ્સ પહેરીને તમને ઝાડુ કાઢતા કે વાસણ ઊટકતાં આવડવું જોઈએ. ફિઝિકલી ફિટ પણ મેન્ટલી અનફિટ - જો તમે આવા હો તો તો ડેડલી કોમ્બિનેશન ગણાય. તમને પાગલપણાના એટેક આવતા હોય અને તમારો સ્ક્રૂ વારે વારે ઢીલો થઈ જતો હોય તો બિગ બોસના સ્ટાર બની જવાના એ વાતની ગેરંટી! ઉદાહરણ? પૂજા મિશ્રા, અફકોર્સ. તમે સકાયેટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લેતા હો કે લઈ ચૂક્યા હો તો એનાં કાગળિયાં બિગ બોસમાં એપ્લાય કરતી વખતે ખાસ બીડવાં.6. નોનસ્ટોપ વીસ મિનિટ સુધી અસ્ખલિતપણે, હાથ લાંબા કરી કરીને, બીપ્ બીપ્ બીપ્ વરસાદ વરસે એવી ગાળો બોલી શકવાની કાબેલિયત તમારામાં છે? વેરી ગુડ. બીજાં હાઉસમેટ્સને ભૂતકાળમાં કેટલાં લફરાં, બ્રેકઅપ અને ડિવોર્સ થઈ ચૂક્યાં છેે તે વિશેનું વિશાળ જનરલ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. ઘાંટા પાડી પાડીને ઝઘડા કરતી વખતે સામેની વ્યક્તિના કેરેક્ટર પર કાદવ નહીં ઉછાળો ત્યાં સુધી એપિસોડમાં જમાવટ નહીં થાય, ખરુંને આકાશદીપ સ્કાય સહગલ?

Sunny Leone and Akashdeep Sky Saigal


7. ભલે તમારાં કાયદેસરનાં સંતાનો હજુ માસૂમ ઉંમરનાં હોય, પણ તેમના પર કેવી અસર પડશે એવી ક્ષુલ્લક ચિંતા કર્યા વગર, પંચાવન લાઈવ કેમેરા સામે પરસ્ત્રી કે પરપુરુષ સાથે છાનગપતિયાં કરતાં, એને સતત પપ્પીઝપ્પી કરતાં અને બેડ પર એની રજાઈમાં ઘુસી જતાં તમને આવડવું જોઈએ. વિશેષ ટિપ્સ માટે સંપર્કઃ પૂજા બેદી.8. મ્યુઝિક વાગતાંની સાથે જ ભરઊંઘમાંથી ઉઠીને તમને ગાંડાની જેમ નાચતા આવડવું જોઈએ. ભલે ઓડિયન્સને સવાલ થાય કે આને માતાજી આવ્યાં કે શું! મહેક ચહેલ આવી ફિકર કરતાં જોઈ છે? પૉલ ડાન્સ કે સ્ટ્રીપટીઝ કરતાં ખાસ શીખી જવું, કારણ કે બિગ બોસના ઘરમાં આવી કલાત્મક પ્રવૃત્તિઓ અવારનવાર યોજાતી રહે છે.9. બડે દિલવાલે બિગ બોસ તમામ પ્રકારના સિનેમાને પ્રોત્સાહન આપવામાં માને છે. પોર્ન સિનેમાને પણ! સની લિઓન નામની પોર્નસ્ટારને બિગ બોસનાં ઘરમાં તેડાવવામાં આવી એટલે આપણા ઉત્સાહી મિડીયાએ આ ભવ્ય સન્નારીને એટલી બધી ફેમસ કરી નાખી કે જાણે એ બેસ્ટ એક્ટ્રેસ માટેના ઓસ્કર અવોર્ડની હેટટ્રિક કરીને આવી હોય! કુમળાં તરૂણતરુણીઓ ઈન્ટરનેટ પર ગૂગલસર્ચ કરીને આ સુંદરીની દિવ્ય પોર્નતસવીરો તેમજ દિવ્યતમ પોર્નક્લિપિંગ્સ નિહાળીને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારે તો એમાં ખોટું શું છે? બિગ બોસની એડમિશન પ્રોસેસના ભાગ રૂપે ઈન્ટરવ્યુ આપવા જાઓ ત્યારે આ મુદ્દો તમારે ભારપૂર્વક પેશ કરવો.બેસ્ટ ઓફ લક!શો સ્ટોપર


મહેક ચહેલ સલમાન ખાનની ફ્રેન્ડ છે. જો સલમાન એને ફેવર કરી રહ્યો હોય અને આ શો જીતાડવામાં મદદ કરી રહ્યો હોય તો બીજા હાઉસમેટ્સને અન્યાય થયો કહેવાય.

- પૂજા બેદીTuesday, November 29, 2011

સિલ્ક સ્મિતાઃ ધ ડર્ટી હિરોઈન

દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૨૭ નવેમ્બર ૨૦૧૧


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

રહસ્યના આવરણમાં વીંટળાયેલું અસ્પષ્ટ મોત જિંદગીને બહુ આકર્ષક બનાવી દે છે. સોફ્ટ પોર્ન હિરોઈન તરીકે વર્ષો સુધી વગોવાયેલી સિલ્ક સ્મિતાનું જીવન અને મૃત્યુ બન્ને ઘટનાપ્રચૂર હતાં.


પણા સૌની ફેવરિટ ફિલ્મ ‘સદમા’માં કમલ હસન અને શ્રીદેવી ઉપરાંત એક ઑર પાત્ર પણ હતું જે આપણને યાદ રહી ગયું છે. તે હતું, કમલ હસન જેમાં ભણાવે છે તે સ્કૂલના પ્રિન્સિપાલની પત્નીનું કિરદાર. તે કામુકતાથી છલકાય છે અને કમલ હસનને કાચેકાચો ખાઈ જવા માગતી હોય એટલી હદે એ વિહ્વળ થઈ ચૂકી છે. કમલ હસન એની ઉપેક્ષા કરે છે. એના જીવનમાં એક સ્ત્રી આવી છે શ્રીદેવી. કમાલનો વિરોધાભાસ છે. શ્રીદેવી પાસે યુવાન સ્ત્રીનું ભર્યુ ભર્યુ શરીર છે, પણ પોતાની સેક્સ્યુઆલિટીથી તે બિલકુલ અજાણ છે અને તેનું મન વર્તન નાની બાળકી જેવાં નિર્દોષ છે. સામે પક્ષે, પ્રિન્સિપાલની અૌરત છે જેનું ચિત્ત સતત વાસનાથી ખદબદતું રહે છે. ‘સદમા’માં શ્રીદેવીનું પાત્ર યાદગાર બની શક્યું છે તેનું એક કારણ આ અૌરતનું કિરદાર પણ છે. તેની નિરંકુશ હવસને લીધે, તેના કોન્ટ્રાસ્ટમાં, શ્રીદેવીની માસુમિયત વધારે તીવ્રતાથી ઊપસી છે.


Sadma : Kamal Hasan with Shreedevi  (above) and Silk Smita (below)


આ કામુક માદાનું પાત્ર ભજવ્યું હતું સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ સિલ્ક સ્મિતાએ. અણધાર્યું મોત બડી કમાલની ચીજ છે. દક્ષિણ ભારતમાં વર્ષો સુધી સુપરસ્ટાર જેવો દબદબો અનુભવ્યા પછી એક દિવસ સિલ્ક સ્મિતાનો પાંત્રીસ વર્ષનો નિષ્પ્રાણ દેહ સિલીંગ ફેન પર લટકતો મળી આવ્યો. રહસ્યના આવરણમાં વીંટળાયેલું અસ્પષ્ટ મૃત્યુ અદાકારલેખકગાયકચિત્રકારના જીવનને બહુ આકર્ષક બનાવી દે છે! તેથી જ ‘સોફ્ટ પોર્ન હિરોઈન’ તરીકે વર્ષો સુધી વગોવાયેલી રહેલી સિલ્ક સ્મિતાના જીવન પરથી એકતા કપૂરે ‘ધ ડર્ટી પિક્ચર’ નામની ફિલ્મ બનાવી છે, જે આવતા શુક્રવારે રિલીઝ થઈ રહી છે.ચરબીથી લથપથતું કાળું શરીર, આંખોમાં આમંત્રણ અને દાંત વચ્ચે દબાતા હોઠ સિલ્ક સ્મિતાનો આ ટ્રેડમાર્ક લૂક હતો. ઓડિયન્સ ઉશ્કેરાઈ જાય અને સેન્સર બોર્ડને પરસેવો છૂટી જાય એટલી હદે શરીર બતાવીને ફિલ્મમાં કામુકતાનો ડોઝ ઉમેરવાની કળામાં સિલ્ક એ માહેર હતી. ૧૯૮૦ના દાયકામાં સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં સિલ્ક સ્મિતાની જોરદાર ડિમાન્ડ ફાટી નીકળી હતી. દસ વર્ષના ગાળામાં સિલ્ક સ્મિતાએ પાંચસો જેટલી ફિલ્મોમાં કામ કર્યું. એક તબક્કો એવો આવેલો કે જ્યારે લગભગ ૯૦ ટકા સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં એ દેખાતી. સિલ્ક સ્મિતાનું નામ ફિલ્મી ભાષામાં એમ.આર. એટલે કે મિનિમમ ગેરેંટી ગણાતું સિલ્કને સાઈન કરો એટલે એટલે ફિલ્મ બનાવવાનો ખર્ચો તો નીકળી જ જાય! વર્ષો સુધી ડબ્બામાં પૂરાઈ રહેલી ફિલ્મોમાં એનું એક સેક્સી ગીત ઉમેરી દેવાથી ફિલ્મ વેચાઈ જતી. એક ગીત શૂટ કરતાં એને માત્ર બે દિવસ લાગતા. સિલ્ક સ્મિતાનું નામ એવું ચલણી બની ગયું હતું કે ફિલ્મમેકરો નવીસવી છોકરીઓને વેમ્પના રોલમાં કાસ્ટ કરીને એમને કાપડનાં નામ આપવા માંડ્યા હતા નાયલોન નંદિની, જ્યોર્જેટ ગંગા વગેરે. જોકે સિલ્ક સિવાયનું બીજું એકેય વસ્ત્ર હિટ ન થયું તે અલગ વાત છે!કે. બાલાચંદર અને ભાગ્યરાજ જેવા અમુક સારા માંહ્યલા ગણાતા ત્રણચાર ડિરેક્ટરો જોકે નાકનું ટિચકું ચડાવીને કહેતાઃ કોઈ આત્મસન્માની ડિરેક્ટર સિલ્ક સ્મિતા જેવી ચીપ એકટ્રેસને સાઈન ન કરે.... અમારા એવા ખરાબ દિવસો નથી આવ્યા કે અમારે સિલ્ક સ્મિતાના નામથી ફિલ્મો ચલાવવી પડે! ઈવન રજનીકાંતે પણ એકવાર કંટાળીને કમેન્ટ કરેલી કે બસ, બહુ થયું... હજુ કેટલી ફિલ્મોમાં સિલ્ક સ્મિતા અડધી ઉઘાડી થઈને મારી આસપાસ નાચ્યા કરશે!સિલ્ક સ્મિતા પોતાના સ્ટારપાવરથી પૂરેપૂરી સભાન હતી. એકવાર શિવાજી ગણેશન જેવા સિનિયર એક્ટર સેટ પર આવ્યા. બધા એમને માન આપવા ઊભા થઈ ગયા, પણ સિલ્ક સ્મિતા ગુમાનથી બેઠી રહી. ડિરેક્ટરે એને ઈશારો કરીને ઊભા થવા કહ્યું તો એ શિવાજી ગણેશનને સંભળાય તે રીતે બોલીઃ ‘મારું કામ ડાન્સ કરવાનું છે. લોકો તો સેટ પર આવજા કર્યા કરે, હું ક્યાં સુધી ઊઠબેસ કર્યા કરીશ?’ ડિરેક્ટર અને ગણેશન બન્ને છોભીલા પડી ગયા. સિલ્કને લોકોને આંચકા આપવામાં બહુ મજા આવતી. હિરોઈનો અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરીને શૂટિંગ કરતી હોય ત્યારે બે શોટની વચ્ચે એ ગાઉન પહેરીને શરીર ઢાંકી લેતી હોય છે, પણ સિલ્ક સ્મિતા આવું કરવાની તસ્દી લે? એ તો બિન્દાસપણે એ જ કપડાંમાં સેટ પર મુલાકાતીઓને મળતી અને ઈવન પત્રકારોને ઈન્ટરવ્યુ આપવા પણ બેસી જતી. પત્રકારો બાપડા શરમથી પાણી પાણી થઈ જતા. એક વાર સિલ્ક સ્મિતાએ કહેલુંઃ મારે સેન્સર બોર્ડના ચેરમેન સાથે લગ્ન કરી લેવાં છે કે જેથી મારી ફિલ્મો એક પણ કટ વગર પાસ થઈ જાય! આ સ્ટેટમેન્ટ પછી એટલો વિવાદ થયો કે પ્રોડ્યુસરે સેન્સર બોર્ડની લિખિત માફી માગવી પડી હતી.સિલ્ક કહેતી, ‘આજે આ પ્રોડ્યુસરો મારી આગળપાછળ ફરે છે, પણ કાલે હું બુઢી થઈશ અને મરણપથારીએ પડી હોઈશ ત્યારે આમાંનું કોઈ મારો હાથ ઝાલવાનો નથી. આજે પ્રેસવાળા મને ચીપ... ચીપ કહીને વગોવે છે, પણ હું કામ કરવાનું બંધ કરીશ તો શું ફિલ્મોમાંથી વલ્ગારિટી ગાયબ થઈ જવાની છે? માય ફૂટ! આજે હું ના પાડીશ તો મારી જગ્યા લેવા ડઝનબંધ છોકરીઓ તૈયાર ઊભી છે, જે મારા કરતાંય વધારે અંગપ્રદર્શન કરશે. મારે મારા પરિવારનું પેટ ભરવાનું છે. આજે મારો સિતારો ચમકે છે ત્યારે હું મારું ભવિષ્ય સિક્યોર કરી લેવા માગતી હોઉં તો તેમાં ખોટું શું છે?’દુર્ભાગ્યે સિલ્ક સ્મિતાનું ભવિષ્ય કદી આવ્યું જ નહીં. ગ્લેમર ગર્લ તરીકે વળતા પાણી શરૂ થયા એટલે સિલ્ક ખુદ પ્રોડ્યુસર બની, પણ ફિલ્મો ફ્લોપ થતાં જીવનભરની કમાણી ધોવાઈ ગઈ. સંબંધોમાં પણ એ નિભ્રરન્ત થઈ ચૂકી હતી. કદાચ આ બધાં પરિબળો એનું જીવન ટૂંકાવાનાં કારણો બન્યાં.એક ફિલ્મ બનાવવા માટેનો પૂરો મસાલો સિલ્કના જીવન અને મૃત્યુમાં છે. વિદ્યા બાલન કાબેલ અભિનેત્રી છે. ‘ધ ડર્ટી પિક્ચર’માં એ અને ડિરેક્ટર મિલન લુથરિયા સિલ્ક સ્મિતાને કેવી રીતે ઊપસાવે તે જોવાની મજા આવશે.શો સ્ટોપર


‘ધ ડર્ટી પિક્ચર’ના પ્રોમો દેખાડવાના શરૂ થયા ત્યારે મને મમ્મીપપ્પાની સાથે બેસીને ટીવી જોવાનું બહુ ઓકવર્ડ લાગતું હતું.


- વિદ્યા બાલન

Wednesday, November 23, 2011

ગુજરાતી રાક્ષસ ગોવામાં

દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 20 November 2011


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

મૂર્ધન્ય ગુજરાતી સાહિત્યકારની નવલિકા, મુંબઈના ઊભરતા ફિલ્મમેકરે તેના પરથી બનાવેલી ગુજરાતી ફિલ્મ, ગોવાનો ફેસ્ટિવલ અને દુનિયાભરની ફિલ્મોની વચ્ચે તેનું સ્ક્રીનિંગ... કોમ્બિનેશન ખરેખર મજાનું છે!

સૌથી પહેલાં તો દસેક વર્ષની એક ગ્રામ્ય કિશોરીનું આ વર્ણન વાંચોઃ‘એની આંખો જ જાણે પગમાં હતી. એક ક્ષણની પણ અનિશ્ચિતતા વિના એ મને દોરી જતી હતી. ઘડીમાં એ એની કાયાને સંકેલીને નાના દડા જેવી બનાવીને ઢાળ પરથી દડી જતી તો ઘડીમાં ઊડપંખ સાપની જેમ એ કૂદતી કૂદતી આગળ વધતી... ઝાડની ભુલભુલામણીઓમાંથી એ સાપની જેમ સરી જાય... તરાપ મારતા ચિત્તાની સાવધાની ને ચપળતા ને સાથે પતંગિયાની નાજુકાઈ... ગામને સીમાડે અડીને રહેલા વનને એ રજેરજ જાણતી.’
Suresh Joshi
 ગુજરાતી સાહિત્યજગતમાં ટ્રેન્ડસેટર તરીકે ઊંચી પ્રતિષ્ઠા પામેલા સુરેશ જોષી (જન્મઃ ૧૯૨૧, મૃત્યુઃ ૧૯૮૬)ની નવલિકા ‘રાક્ષસ’નો આ એક નાનકડો અંશ છે. આ કોલમમાં સુરેશ જોષીને યાદ કરવાનું ખાસ કારણ છે અને તે એ કે ‘રાક્ષસ’ પરથી એક ફિલ્મ બની છે, જે ૨૩ તારીખથી ગોવામાં શરૂ થઈ રહેલા દસ દિવસીય ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (આઈએફએફઆઈ)માં પ્રદર્શિત થવાની છે. આ, અલબત્ત, ફુલલેન્થ ફીચર ફિલ્મ નહીં પણ ટૂંકી વાર્તા પરથી બનેલી શોર્ટ ફિલ્મ છે અને તે બનાવી છે ઊભરતા ફિલ્મમેકર આલોક નાયકે.૩૪ વર્ષના આ મુંબઈવાસી યુવાને પોતાની ફિલ્મ માટે જે વાર્તાની પસંદગી કરી છે તે ખરેખર ધ્યાન ખેંચે એવી છે. એક ભલીભોળી ચંચળ ક્ન્યા એની જ ઉંમરના કિશોરનો હાથ ઝાલીમાં જંગલમાં ખેંચી જાય છે અને વાંચક સામે વિસ્મયની એક અજાયબ દુનિયા ખૂલી જાય છે. કુદરતનાં આશીર્વાદ પામેલું આ જંગલ કન્યા માટે પોતાનાં ઘર જેટલું પરિચિત છે. અહીં સાત આમલીના ઝુંડવાળો રાક્ષસ છે, મંછી ડાકણનો ધરો છે, પશુ-પક્ષી-કીટકોના જાતજાતના અવાજો છે, તરંગની જેમ વિસ્તરતી અદભુત હરીયાળી છે. વર્ષો પછી યુવાન બની ગયેલો પેલો છોકરો એક હોસ્પિટલમાં જાય છે. નાચતાંગાતાં પતંગિયાં જેવી પેલી છોકરી મરવા પડી છે. તે યુવાનનો હાથ પોતાના હાથમાં લે છે અને આંગળીથી એની હથેળી પર લખે છેઃ ‘રાક્ષસ’. આ બિંદુ પર વાર્તા પૂરી થાય છે.

Alok Naik


સુરેશ જોષીની નવલિકા જેટલી સુંદર છે એટલી કઠિન પણ છે. તે વાચકની સજ્જતાની કસોટી કરે છે. વાર્તાનું સ્વરૂપ ઑપન-એન્ડેડ છે. વાચકે પોતાની સંવેદનશીલતા અને સમજ પ્રમાણે તેનું અર્થઘટન કરી લેવાનું છે. આલોક નાયક આ વાર્તાને કઈ રીતે પામ્યા છે? ‘હું નાની કિશોરીને પ્રકૃતિનું પ્રતીક ગણું છું,’ ચાર દિવસ પહેલાં જ એક સિનેમેટિક અસાઈન્મેન્ટ પતાવીને ગ્રાીસથી પાછા ફરેલા આલોક કહે છે, ‘વાર્તાનો નાયક મારી દષ્ટિએ મનુષ્યજાતનું પ્રતિનિધિત્વ કરે છે. એક સમયે માણસ પ્રકૃતિનો જ એક હિસ્સો હતો, પણ જેમ જેમ તે આધુનિક બનતો ગયો તેમ તેમ પોતાની આસપાસના પર્યાવરણ પ્રત્યે સંવેદનહીન બનતો ગયો. માણસના અવિચારીપણાને કારણે પર્યાવરણનો ખો નીકળી રહ્યો છે. બેફામ અર્બનાઈઝેશનને કારણે પ્રકૃતિ અને નિદોર્ષતાનું જે હનન થઈ રહ્યું છે તેને અટકાવવામાં આપણે ઓલરેડી બહુ મોડું કરી નાખ્યું છે? કે પછી, હજુય થોડીઘણી આશા બચી છે? મારી ફિલ્મમાં મેં આ સવાલો ઉઠાવવાની કોશિશ કરી છે.’કોરિયોગ્રાફર તરીકે કરીઅરની શરૂઆત કરનાર આલોકે ચેન્નાઈની એક ફિલ્મ એકેડેમીમાંથી ફિલ્મ ડિરેક્શનનો કોર્સ કર્યો છે. એની ૧૨ મિનિટની ‘મલ્લિકા’ નામની શોર્ટ ફિલ્મ જર્મની, દિલ્હી, ગોવા અને મુંબઈના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં સિલેક્ટ થઈ હતી. ‘રાક્ષસ’ એમની બીજી શોર્ટ ફ્લ્મિ છે. વડોદરાથી ૧૧૦ કિલોમીટરના અંતરે આવેલા તેજગઢ નજીકનાં જંગલમાં આલોકે આ ફિલ્મ શૂટ કરી છે. અમુક દશ્યોમાં સૂઝપૂર્વક અજમાવાયેલી સ્પેશિયલ ઈફેક્ટ્સ ખાસ ધ્યાન ખેંચે છે. ૨૧ મિનિટની લંબાઈ ધરાવતી ‘રાક્ષસ’ની ભાષા ગુજરાતી છે અને નીચે અંગ્રેજીમાં સબટાઈટલ્સ આવતા રહે છે. આ ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ મજાની છે. સહેજે સવાલ થાય કે ફિલ્મમેકર બનવા માગતા ઉત્સાહી યંગસ્ટર્સ માટે કોઈ ફિલ્મ એકેડેમીની તાલીમ અને આ પ્રકારની શોર્ટ ફિલ્મ્સ બનાવવાનો અનુભવ ખરેખર કેટલો ઉપયોગી થતો હોય છે?

આલોક કહે છે, ‘એ સાચું છે કે હોમવિડીયોની કક્ષાની સાવ નબળી શોર્ટ ફિલ્મ્સ પણ બનતી હોય છે અને એનું સ્ક્રીનિંગ પણ થયું હોય છે, પણ ફિલ્મમેકર બનવાનું સપનું જોનારા પોતાની રીતે શોર્ટ ફિલ્મ બનાવવાની કોશિશ કરે તે સારું જ છે, કારણ કે તેમને સમજાવા માંડે છે કે નાની અમથી ફિલ્મ બનાવવાનું કામ પણ કેટલું કડાકૂટભર્યુ હોઈ શકે છે! માત્ર ફિલ્મોના ગ્લેમરથી અંજાયેલા કે ફિલ્મમેકિંગનું ખરેખરું પૅશન ન ધરાવનારાઓનો ભ્રમ એક શોર્ટ ફિલ્મ બનાવવાના અનુભવથી જ ભાંગી જતો હોય છે. બાકી ફિલ્મમેકર બનવાની ખરેખરી તાલીમ ફિલ્મના સેટ પર જ મળે છે. જો તમે અગાઉ કોઈ ફિલ્મ ઈસ્ટિટ્યુટમાં કોર્સ કરેલો હોય તો ફાયદો એ થાય છે કે સેટ પર કોઈને આસિસ્ટ કરતી વખતે તમે ફોકસ્ડ રહી શકો છો, તમારી આસપાસ જે કંઈ ચાલી રહ્યું હોય તેને સારી રીતે સમજી શકો છો અને ઝડપથી શીખી શકો છો. ફિલ્મ એકેડેમીમાં સ્ટુડન્ટ્સને દુનિયાભરની ફિલ્મો જોવાની જે તક મળે છે તેનાથી મનની બારીઓ ખુલી જાય છે અને ખુદની દિશા સ્પષ્ટ થવા માંડે છે. ફિલ્મ એકેડેમીમાં હોવાનો આ એક મોટો પ્લસ પોઈન્ટ છે.’સુધીર મિશ્રાને એમની ‘યે સાલી જિંદગી’ ફિલ્મમાં આસિસ્ટ કર્યા પછી હાલ આલોક ‘બ્લડ મની’ નામની મહેશ ભટ્ટના વિશેષ ફિલ્મ્સ બેનર હેઠળ બની રહેલી ફિલ્મના ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવી રહ્યા છે. આલોક બરાબર જાણે છે કે એણે માત્ર ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દેખાડાતી ઓફબીટ ફિલ્મ્સ પૂરતાં સીમિત રહેવાનું નથી. એ કહે છે, ‘હું મેઈનસ્ટ્રીમ હિન્દી ફિલ્મમેકિંગ તરફ આગળ વધવા માગું છું. વ્યાપક અપીલ ધરાવતી સત્ત્વશીલ કમર્શિયલ સિનેમા એ મારું ટાર્ગેટ છે...’ગુડ લક, આલોક.શો સ્ટોપર

‘રોકસ્ટાર’ના રાઈટર-ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી જેવો સેક્સી માણસ બીજો કોઈ નથી. સ્ત્રીની ઈમોશનલ અને સ્પિરિચ્યુઅલ જરૂરિયાતોને ઈમ્તિયાઝ જેવું બીજું કોઈ સમજી શકતું નથી.

- રણબીર કપૂરThursday, November 17, 2011

ખામોશ! નાટક ચાલુ છે...

ચિત્રલેખા - અંક તા. 28 November 2011


કોલમઃ વાંચવા  જેવું
ગભગ યુદ્ધ જેવો માહોલ છે. હાકોટા-પડકારા થઈ રહ્યા છે અને ચહેરાઓ પર ગજબની તીવ્રતા છે. ફર્ક એટલો છે કે સ્થળ યુદ્ધનું મેદાન નહીં, પણ કેન્ટીનનું કાઉન્ટર છે. એકસાથે લંબાયેલા કેટલાય હાથોમાં અસ્ત્રોશસ્ત્રો નહીં, પણ પચાસ-સો રૂપિયાની નોટો છે. સૌને ગરમાગરમ વડાપાઉં ઝાપટવાની જોરદાર તલબ ઉપડી છે. અહીંના વડાપાઉં બહુ વખણાય છે અને રવિવાર બગાડીને અહીં સુધી આવ્યા હોઈએ તો વડાપાઉં તો ખાવા જ પડે, યુ નો. આ બધા ગુજરાતી નાટક જોવા આવેલા રસિક પ્રેક્ષકજનો છે. ઈન્ટરવલમાં ધક્કામુક્કી કરીને, ભીડમાં ઘુસીને વડાપાઉં ખરીદવા અને પછી એક બાજુ શાંતિથી ઊભા રહીને ચટણી ઢોળાય ન જાય તે રીતે વડાપાઉં ખાવા એ તેમની નાટ્યઅનુભૂતિનો જ એક મહત્ત્વનો ભાગ છે. નાટક જેવું હોય એવું, વડાપાઉંમાં તૃપ્તિ ગેરેંટીડ છે!


ઉત્પલ ભાયાણી લિખિત ‘રંગભૂમિ ૨૦૧૦’ પુસ્તકની મુખપૃષ્ઠ તસવીરે મુંબઈની કમર્શિયલ ગુજરાતી રંગભૂમિ અને તેના દર્શકોની આ તાસીર આબાદ ઝડપી છે. એક વરિષ્ઠ અને સર્વસ્વીકૃત નાટ્યસમીક્ષક તરીકે લેખક દાયકાઓથી પ્રતિબદ્ધતાપૂર્વક લખતા આવ્યા છે. તેમની સમીક્ષાઓના સંગ્રહો નિયમિતપણે પ્રગટ થતા રહ્યા છે. આ પુસ્તકમાં મુંબઈની રંગભૂમિ પર ૨૦૧૦ દરમિયાન થયેલી ગતિવિધિઓનો ચિતાર છે.


Amar Fal

૨૦૧૦માં મુંબઈમાં ૩૨ ફુલલેન્થ ગુજરાતી નાટકો બન્યાં અને ભજવાયાં. મતલબ કે દરેક મહિને લગભગ ત્રણ નવાં નાટકો. એક બાજ ‘અમરફળ’ અને ‘સાત તરી એકવીસ (ભાગ ૨)’ જેવાં જુદાં મિજાજની કૃતિઓ છે, તો બીજી બાજ અને બહુમતીમાં ‘મારી બાયડી ભારે વાયડી’ તેમજ ‘કુંવારો લાખનો પરણેલો સવા લાગનો’ જેવાં રુટિન નાટકો છે. લેખક જે-તે નાટક કેવું છે અને કેવું નથી એટલું જ લખીને લેખ સમેટી નાખતા નથી, બલકે, આગળપાછળના પાકા સંદર્ભો આપતા જઈને વાતને પૂરેપૂરી ખોલતા જાય છે. જેમ કે, ‘દીકરીનો બાપ ડોટકોમ’ નાટકની સમીક્ષામાં એ લખે છે કે ૧૯૫૦માં વિન્સેન્ટ મિનેલીના ડિરેક્શનમાં હોલીવૂડમાં ‘ફાધર ઓફ ધ બ્રાઈડ’ એની નામની ફિલ્મ બની હતી, જે ઓસ્કર અવોર્ડઝની એકાધિક કેટેગરીમાં નોમિનેટ થયેલી. તે પછી ‘ફાધર્સ લિટલ ડિવિડન્ડ’ નામની સિક્વલ બની અને ૧૯૬૧૬૨માં સિરિયલ પણ બની. ૧૯૯૧માં સ્ટીવ માર્ટિન ડાયેન કીટનને ચમકાવતી રિમેક બની અને ૧૯૯૫માં એનીય સિક્વલ આવી ગઈ. ‘ફાધર ઓફ ધ બ્રાઈડ’ નામનું કેરોલીન ફ્રેન્કે લખલેુ ત્રિઅંકી નાટક પણ તૈયાર થયું હતું. તેના પરથી સિતાંશુ યશશ્ચંદ્રે ‘આશીર્વાદ’ નામનું ગુજરાતી રૂપાંતરણ કર્યું, જે અરવિંદ જોશીએ ડિરેક્ટ કર્યું અને ભજવ્યું. ‘દીકરીનો બાપ ડોટકોમ’ એ ‘આશીર્વાદ’નું જ લેટેસ્ટ સ્વરૂપ છે. એ જ રીતે, સિદ્ધાર્થ રાંદેરિયાના ‘લો, ગુજ્જભાઈ ઘોડે ચડ્યા’ નાટકનાં મૂળિયાં ‘એકા લગ્નાચી ગોષ્ઠ’ નામનાં મરાઠી નાટકમાં દટાયેલાં છે, જેના પરથી સિદ્ધાર્થ રાંદેરિયાએ જ ‘પરણેલા છીએ કોને કહીએ?’ નામનું હિટ નાટક બનાવ્યું હતું. ‘લો, ગુજ્જભાઈ ઘોડે ચડ્યા’ એટલે તે જ નાટકનું નવું સ્વરૂપ. ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’ નાટકના ટાઈટલ વિશે વાત કરતી વખતે લેખકે પ્રભુલાલ દ્વિવેદીએ જૂની રંગભૂમિના ‘સમયની સાથે’ નામના નાટક માટે લખેલાં ગીતનો અંતરો ખાસ ટાંક્યો છે.કલાકાર-કસબીઓની ટીકા થતી વખતે શબ્દો ચોરાતા નથી. સુજાતા મહેતા-લતેશ શાહની જોડીએ ઘણાં નાટકો કર્યાં, પણ ‘ચિત્કાર’થી ઉપર કશું ન ગયું અને ‘એક અહમની રાણી’ પણ નહીં જાય એમ કહીને લેખક નોંધે છે કે ‘ગર્વથી કહો અમે ગુજરાતી છીએ’ નાટકમાં દર્શન ઝરીવાલા જેવો સંવેદનશીલ અને બુદ્ધિશાળી એક્ટર વેડફાયો છે. એક જગ્યાએ એ લખે છેઃ ‘રંગમંચ પર જોખમ લેવાની ઈચ્છા અને શક્તિ બહુ ઓછા નિર્માતાઓની છે. ગણ્યું જે પ્યારાએ, અતિપ્યારું ગણી લેવાનો અભિગમ નિર્માતાઓનો પ્યારા પ્રેક્ષકો માટે રહ્યો છે. રંગભૂમિનો વિકાસ કે હિત ગૌણ છે.’ આની સામે, લેખક જે ઉત્તમ છે એને ઉમળકાભેર વધાવી પણ લે છે. જેમ કે સૌમ્ય જોશીના ‘વેલકમ જિંદગી’ નાટક વિશે લખતી વખતે તેઓ દિલ ખોલીને પ્રશસ્તિ કરે છે.


Welcome Jindgi
 પુસ્તકમાં ફિલર તરીકે મૂકવામાં આવેલા પ્રસિદ્ધ રંગકર્મી સત્યદેવ દૂબેના ખુદના અથવા તેમના વિશેનાં અવતરણો રસપ્રદ છે. સત્યદેવ દૂબેનું એક ક્વોટ છેઃ મારા માટે ઓડિયન્સ એક સ્ત્રી છે અને હું એને સિડ્યુસ કરવા માગું છ એટલે કે એને પાપનો આનંદ આપવા માગું છ! બીજ એક ક્વોટઃ હું ઐતિહાસિક હસ્તી કરતાં દંતકથાનું પાત્ર બનવાનું વધારે પસંદ કરું, કારણ કે દંતકથા ઈતિહાસ કરતાં વધારે રસિક હોય છે...પુસ્તક માત્ર ગુજરાતી નાટકો પૂરતું સીમિત નથી, અહીં મરાઠી, હિન્દી અને અંગ્રેજી નાટકો વિશે પણ લખાયું હોવાથી મુંબઈની રંગભૂમિનો બહુપરિમાણી ચિતાર મળે છે. રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં કસ્તૂરબાની યાદગાર ભુમિકા ભજવનાર રોહિણી હટંગડી વર્ષો પછી ‘જગદંબા’ નામના મરાઠી નાટકમાં ફરી એકવાર આ જ પાત્ર સાકાર કરે છે. ‘સેક્સ, મોરાલિટી એન્ડ સેન્સરશિપ’માં બહુ ગાજેલા ‘સખારામ બાઈન્ડર’ નાટકની ભજવણીની આપવીતી પેશ થાય છે. મકરંદ દેશપાંડેના ‘જોક’ નામના અટપટા નાટકને કલાકૃતિનો ઘાટ મળતો નથી. શેફાલી શાહની મુખ્ય ભુમિકાવાળા ‘બસ, ઈતના સા ખ્વાબ હૈ’ નાટકમાં પ્રેક્ષાગારનું દશ્ય પણ મંચ પરની ભજવણી જેટલું જ ઈન્ટરેસ્ટિંગ છે, કેમ કે પહેલી હરોળમાં અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, અક્ષયકુમાર અને ટિં્વકલ બેઠાં છે અને તેમની પાછળ આશુતોષ ગોવારીકર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા જેવા પ્રથમ પંક્તિના ફિલ્મ ડિરેક્ટરો બિરાજમાન છે! પુસ્તકને અંતે ચારેય ભાષાઓનાં નાટકોની વિગતવાર સૂચિ મૂકવામાં આવી છે. લેખક ન્યુયોર્કના બ્રોડવે અને લંડનના વેસ્ટ એન્ડમાં જોયેલા ‘બિલી એલિયેટ’ અને ‘ધ ફેન્ટમ ઓફ ઑપેરા’ જેવાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં નાટકોની વાતો પણ શૅર કરે છે જે પુસ્તકમાં એક આકર્ષક રંગ ઉમરી દે છે. અલબત્ત, અખબારમાં છપાયેલા લેખોને પુસ્તક સ્વરૂપ આપતી વખતે ‘બે અઠવાડિયાં પહેલાં જેની સમીક્ષા કરી હતી...’ જેવા ઉલ્લેખો આસાનીથી નિવારી શકાયા હોત.


૨૦૧૦માં મુંબઈમાં જે નાટકો આવ્યાં, જેવાં નાટકો આવ્યાં તે સૌની અહીં પાક્કી નોંધ લેવાયેલી હોવાથી આ પુસ્તક દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. રંગમંચની દુનિયામાં રસ ધરાવનારાઓને ચોક્કસપણે ગમી જાય તેવું પુસ્તક.૦ ૦ ૦

રંગભૂમિ ૨૦૧૦

લેખકઃ ઉત્પલ ભાયાણી


પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન,
મુંબઈ- ૧, અમદાવાદ- ૬

ફોનઃ (૦૨૨) ૨૨૦૦ ૨૬૯૧, (૦૭૯) ૨૬૫૬ ૦૫૦૪


કિંમતઃ રૂ. ૧૫૦ /


પૃષ્ઠઃ ૧૭૪
Monday, October 31, 2011

આસિત મોદી એટલે કે...

દિવ્ય ભાસ્કર - Diwali issue - ઉત્સવ૭૦૦ એપિસોડ્સ પછીય હોટ-એન્ડ-હેપનિંગ ગણાતી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના નિર્માતા આસિત મોદી મળવા જેવા માણસ છે. આ સિરિયલની જન્મકથા તેનાં પ્રોડ્યુસર અને પાત્રો જેટલી જ રસપ્રદ છે.(ટૂંક સમયમાં પ્રકાશિત થનારા શિશિર રામાવતના ‘ઊંધાં ચશ્માંથી ઉલટા ચશ્મા’ પુસ્તકમાંથી)
 
રાબર એક દાયકા પહેલાં, ૨૦૦૧ની એક સાંજે, દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓના આ પ્રિય હાસ્યકાર તારક મહેતાના ઘરે ટેલિફોનની ઘંટડી વાગે છે. શ્રીમતીજી ઈન્દુબહેન રિસીવર ઊંચકે છે.‘હલો?’ફોન મુંબઈથી છે. પોતાનું નામ આપીને સામેની વ્યક્તિ કહે છે, ‘મારે તારક મહેતાનું કામ હતું.’‘મહેતા તો અત્યારે સુતા છે. બોલો, શું કામ હતું?’‘હું ટીવી પ્રોડ્યુસર છું. સિરિયલો બનાવું છું. મને ‘દુનિયાના ઊંધા ચશ્માં’માં રસ છે. તેના વિશે જ વાત કરવી હતી.’‘પણ મહેતા અત્યારે વાત કરી શકે તેમ નથી. એક કામ કરો. તમે એક ફોન નંબર લખી લો અને સિરિયલ વિશે જે કંઈ વાત કરવી હોય તે એ ભાઈ સાથે કરો.’‘સારું. પણ તમે જેનો નંબર આપી રહ્યા છો તે કોણ છે તે કહી શકશો?’‘મહેશ વકીલ. ઘરનો જ માણસ છે. તમે નંબર લખો.’ઈન્દુબહેન મહેશ વકીલનો કોન્ટેક્ટ નંબર લખાવે છે. તારક મહેતાના અઠંગ ચાહકમાંથી પારિવારિક મિત્ર બની ગયેલા સુરતવાસી બિલ્ડર મહેશ વકીલ. મહેશ વકીલે ખુદ ‘દુનિયાનાં ઊંધા ચશ્માં’ પરથી ટીવી સિરિયલ બનાવવાનું સપનું જોયું હતું અને તે પૂરું કરવાની કોશિશ પણ કરી હતી. વાત પૂરી કરીને પેલી વ્યક્તિ આભાર માને છે. એ ફોન મૂકે તે પહેલાં અચાનક ઈન્દુબહેન પૂછે છે, ‘એક મિનિટ. તમારું નામ શું કહ્યું ભાઈ? સોરી, જરા ફરીથી કહેશો?’સામેની વ્યક્તિ પાછી પોતાની ઓળખ આપે છે. ઈન્દુબહેન રિસીવર ક્રેડલ પર મૂકે છે અને બાજુમાં પડેલી ડાયરી ઊંચકે છે. પછી પેનનું ઢાંકણું ખોલી ફોન કરનાર માણસનનું નામ અને વિગતો નોંધી લે છેઃઆસિત મોદી. નીલા ટેલિફિલ્મ્સ. મુંબઈ.ઈન્દુબહેનને ખબર નથી કે મહેશ વકીલનું સપનું ભાગ્યવિધાતાએ આસિત મોદી નામના આ માણસની કુંડળીમાં સાકાર કરવાનું નિધાર્યું છે...ઈન્દુબહેનને એવી કલ્પના પણ ક્યાંથી હોય કે આ એ માણસ છે, જે તારક મહેતાને અને તેમની પાત્રસૃષ્ટિને આખી દુનિયામાં મશહૂર કરી દેવાનો છે!

કહાની આસિત મોદી કી...

કોમડી સિરિયલો બનાવીને આખા દેશને હસાવનાર આસિત હસમુખલાલ મોદીને રુદન સામે કદાચ જન્મજાત વાંઘો છે. લીટરલી! એટલે જ ૧૯૬૬ની ૨૪ ડિસેમ્બરે પુનાની એક હોસ્પિટલમાં તેઓ જ્ન્મ્યા ત્યારે સહેજ પણ રડ્યા નહોતાને! આસિત મોદીના બાળપણનાં શરૂઆતના વર્ષો દક્ષિણ મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં આવેલી ચાલીમાં દસ બાય દસની નાનકડી રૂમમાં વીત્યું.‘મારા પિતાજી શાંત, સરળ અને બેફિકરા માણસ,’ આસિત મોદી કહે છે, ‘ એ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં નોકરી કરતા. કવિતા લખવામાં અને લોકો સાથે સંબંધો બાંધવામાં ને જાળવવામાં એમને ખૂબ રસ પડે. પગાર તો ચોવીસપચ્ચીસ તારીખે ખલાસ થઈ જાય. પછી મમ્મી પોતાની રીતે ગાડું ગબડાવે. આમ, અમારું સંઘર્ષમય મિડલક્લાસ જીવન હતું એમ કહી શકાય. મમ્મીપપ્પાએ જોકે અમને કોઈ વાતે ઓછું આવવા દીધું નથી. અમે ઝાઝું માગ્યું પણ નથી. ચાલીમાં હું નાટકો કરતો, એમાં એક્ટિંગ કરતો, જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આગળ પડતા ભાગ લેતો. એટલે જ તારક મહેતાના ટપુડા સાથે હું મારી જાતને આઈડેન્ટિફાય કરી શકું છું, એનેે સારી રીતે ઓળખી શકું છું...’અગિયારમું-બારમું ધોરણ તેમણે અંધેરીમાં આવેલી શ્રી ચિનાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી કર્યું. કોલેજમનાં વર્ષોર્માં જ એમને નાટકોની લત લાગી ગઈ હતી. આજના પ્રોડ્યુસર આસિત મોદીએ શરૂઆત એકિંટગથી કરેલી. થર્ડ યરમાં હતા ત્યારે મિલમજૂરોની વ્યથા વ્યક્ત કરતા ‘બંધુઆ’ નામનું હિન્દી નાટક ભજવીને ઈન્ટરકોલેજ કોમ્પિટીશનમાં બેસ્ટ એક્ટર ઘોષિત થયા હતા. કોલેજ પછીનાં વર્ષોમાં થિયેટર જોકે છૂટી ગયું હતું. બેત્રણ જગ્યાઓ રૂટીન નોકરીઓ કર્યા પછી ૧૯૯૧માં આસિત મોદી ટીવી નિર્માત્રી સુશીલા ભાટિયા સાથે જોડાયા. તે પછી જયેશ ચોક્સીનું અકિક ચિત્ર નામનાં પ્રોડકશન હાઉસ જોઈન કર્યું અને બે સિરિયલનું માર્કેટિંગ સંભાવ્યું. તે વખતે અકિક ચિત્ર એકમાત્ર એવું પ્રોડકશન હાઉસ હતું, જેની એક સાથે બબ્બે સિરિયલો ઓનએર હોય!અનુભવની સારી એવી સમૃદ્ધિ જમા થઈ ગઈ પછી સમય આવ્યો મુક્ત ઉડ્ડયન કરવાનો. ‘હમ સબ એક હૈ’ આસિત મોદીએ સ્વતંત્ર નિર્માતા તરીકે પ્રોડ્યુસ કરેલી પહેલી સિરિયલ. એક સંયુક્ત પરિવારમાં અલગ અલગ ત્રણ ભાષા બોલતી વહુઓની વાત હતી. ફેમિલીના વડા તરીકે જતિન કાણકિયાને કાસ્ટ કરવામાં આવ્યા હતા. તેમના ત્રણ દીકરાઓના રોલમાં રાકેશ બેદી, દિલીપ જોશી અને દેવેન ભોજાણીને લેવામાં આવ્યા હતા. પંજાબી, બંગાળી અને ગુજરાતી પુત્રવધૂની ભુમિકા કરી અનુક્રમે ડોલી બિન્દ્રા, મોહિની અને ડિમ્પલ શાહે. કોલેજકાળના પોતાના સિનિયર રહી ચૂકેલા દિલીપ જોશી સાથે આસિત મોદીનો એકટર-પ્રોડ્યુસરનો સંબંધ બંધાયો.૧૯૯૪માં લોન્ચ થયેલી અને લાગલગાટ ત્રણ વર્ષ ચાલેલી ‘હમ સબ એક હૈં’ સિરિયલ ખૂબ જોવાઈ અને ખાસ્સી વખણાઈ. એક જ પરિવેશમાં જુદીજુદી ભાષા, રીતરિવાજ અને રહેણીકરણી ધરાવતા લોકોનું સહઅસ્તિત્ત્વ, તેમની વચ્ચે રચાતો પ્રેમનો સેતુ, તેમની વચ્ચે થતી નોંકઝોંક અને તેમાંથી નિષ્પન્ન થતું રમૂજ. સહેજ પણ દંશ વગરની આ સરળ હ્યુમરમાં એટલી નિર્દોષતા અને અપીલ રહેતી કે પરિવારના જુદાંજદાં વયજૂથના તમામ સભ્યો તેને સાથે બેસીને માણી શકતા હતા.સફળતાની આ એ રેસિપી આવનારાં વર્ષોમાં આસિત મોદીની સિગ્નેચર ફોર્મ્યુલા બની જવાની હતી!આ રીતે રોપાયું સિરિયલનું બીજ!‘હમ સબ એક હૈં’ માટે જતિન કાણકિયાનો અપ્રોચ કરવામાં આવેલા ત્યારે તેમણે આસિત મોદીને જણાવેલુંઃ આસિત, મને સુરતના એક પ્રોડ્યુસર તરફથી ઓફર આવી હતી. મહેશ વકીલ એમનું નામ. મજાના માણસ છે. તારક મહેતાના ટપુડા પરથી ‘લો કર લો બાત!’ નામની સિરિયલ બનાવવા માગે છે. મને જેઠાલાલનો રોલ ઓફર થયો, જે મેં સ્વીકારી લીધો છે. હજુ તો જોકે પાઈલટ સહિતના ત્રણ એપિસોડ માંડ શૂટ થયા છે. સિરિયલ હજુ અપ્રુવ થઈ નથી. એ લોકો અત્યારે ચેનલો સાથે માથાકૂટમાં જ પડ્યા છે.

‘હમ સબ એક હૈં’નું શૂટિંગ શરૂ થયું. જતિન કાણકિયા સાથે દોસ્તી એટલે ‘લો કર લો બાત!’ના સ્ટેટસ વિશ આસિત મોદીને અપડેટ મળતા રહે. સોની ચેનલ સાથે વાત આગળ વધી રહી છે એવી માહિતી મળી અને ત્યાર બાદ વાત પાછી અટકી પડી છે તેવા સમાચાર પણ મળ્યા. એક દિવસ જતિન કાણકિયાએ એક દિવસ આસિત મોદીને કહ્યુંઃ મહેશભાઈ બહુ સારા માણસ છે, પણ કોણ જાણે કેમ ચેનલ સાથે ક્મ્યુનિકેશન પ્રોબ્લેમ થઈ રહ્યા છે. એ સુરત-બેઝડ છે એટલે કદાચ આમ થતું હશે. આસિત, ‘લો કર લો બાત!’ એકચ્યુઅલી તારે ટેકઓવર કરી લેવી જોઈએ. તું મુંબઈમાં છો, અનુભવી છો, તું આખા મામલાને સારી રીતે હેન્ડલ કરી શકીશ...

૧૯૯૯માં જતિન કાણકિયાનું અણધાર્યુર્ અવસાન થઈ ગયું, પણ ત્યાં સુધીમાં આસિત મોદીના દિમાગમાં તારક મહેતાની હાસ્યલેખમાળા ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ પરથી સિરિયલ બનાવી શકાય એવા આઈડિયાનું બીજ અભાનપણે રોપાઈ ગયું હતું!૨૦૦૦ની સાલમાં સોની ચેનલે આસિત મોદીને નવી સિરિયલ બનાવવાની ઓફર મૂકી અને આ રીતે ‘યે દુનિયા હૈ રંગીન’ સિરિયલ બની. આ સિરિયલમાં એક રેસિડેન્શિયલ કોલોની છે, જેમાં જુદી જુદી ભાષા બોલતા અને રીતિરિવાજ પાળતા અનેક પરિવારો વસે છે. દિલીપ જોશી લુંગીધારી સાઉથ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સટીચર લંબુદ્રી બનેલા. અહીં પણ જુદાં જુદાં કિરદારો વચ્ચે દોસ્તી થાય છે, ઝઘડા થાય છે અને તેમાંથી રમૂજ ફૂટતી રહે છે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ની જેમ જ. સ્વરૂપ અને કન્ટેન્ટની દષ્ટિએ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ને જો નવલકથા કહીએ તો ‘ યે દુનિયા હૈ રંગીન તેની પ્રસ્તાવના સમાન હતી. ‘દુનિયા હૈ રંગીન’ને ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ માટેની નેટ પ્રેક્ટિસ કહો તો એ અતિશયોક્તિવાળું સત્ય ગણાય.‘ફ્રેન્કલી, ‘યે દુનિયા હૈ રંગીન’ની પ્રેરણા મને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’માથી મળી હતી,’ આસિત મોદી સ્વીકારે છે, ‘એમાં જોકે ટપુ ન હતો. સિરિયલ ઘણી જુદી હતી, પણ તેના પર ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ની અસર જરૂર હતી.’‘યે દુનિયા હૈ રંગીન’ સિરિયલ એક વર્ષ ચાલી, પણ તે પછી બાલાજી ટેલીફિલ્મ્સની ‘કયૂંકિ સાસ ભી કભી બહૂ થી’ની ગજબનાક સફળતાએ સાસબહૂ સિરિયલ્સનો જબરદસ્ત ટ્રેન્ડ જન્માવી દીધો અને કોમેડી સિરિયલોનો લગભગ એકડો નીકળી ગયો!...અને આ તબક્કે આસિત મોદી તારક મહેતાની ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ સફળ હાસ્યશ્રેણી પરથી સિરિયલ બનાવવાનો સૌથી પહેલી વાર ગંભીરતાપૂર્વક વિચાર કરે છેઃ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ જેવું જબરદસ્ત દમદાર સર્જન હજુ સુધી વણખેડાયેલું અને ટેલીવિઝનના માધ્યમથી જોજનો દૂર રહ્યું છે. તેના પરથી સિરિયલ બનાવવાની એકવાર કોશિશ થઈ હતી, પણ તે સફળ ન થઈ... પણ હવે હું આના પરથી સિરિયલ બનાવવાની કોશિશ કેમ ન કરી શકું?સિરિયલનું સગપણ અને ચેનલોનું ચલકચલાણું‘ફ્રેેન્કલી, હું તારક મહેતાને પહેલી વાર મળવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે અંદરથી બિલકુલ પોઝિટિવ નહોતો...’ આસિત મોદી કહે છે, ‘પણ અંદરખાને હું જેટલો અસ્થિર હતો તેટલાં જ તારકભાઈ, મહેશભાઈ અને ઈન્દુબહેન સ્વસ્થ હતાં.’પણ ધીમે ધીમે આસિત મોદીની આશંકા અને ડર ઓગળવા માંડ્યા. તારક મહેતાનું વ્યક્તિત્ત્વ જ એટલું હુંફાળું અને હળવુંફુલ છે કે સામેની વ્યક્તિને તેનો ચેપ લાગ્યા વગર રહે જ નહીં. આસિત મોદી ધીરે ધીરે ખૂલવા લાગ્યા. ઘણી વાતો થઈ. મિટીંગ સરસ રીતે આગળ વધી રહી હતી. તારક મહેતા, ઈન્દુબહેન અને મહેશ વકીલ ત્રણેયને એક વાતની પ્રતીતિ એક સાથે થઈ રહી હતીઃ આ માણસ છે તો જેન્યુઈન અને ડાઈનટુઅર્થ. ગ્લેમરની દુનિયામાં આટલાં વર્ષોથી છે પણ એનામાં છીછરાપણું પ્રવેશ્યું લાગતું નથી. એની સાથે સંધાન થઈ શકે છે. સૌથી મહત્ત્વનું તો એ કે, ‘દુનિયાને ઊંધાં ચશ્માં’નાં પાત્રોનો એ પ્રેમી છે. આ પાત્રસૃષ્ટિનું મૂલ્ય તે સમજે છે.થોડા સમય પછી બીજી મિટીંગમા ટર્મ્સ અને કંડીશન્સ નક્કી થયાં. આસિત મોદીએ એ જ વખતે તારક મહેતાને ટોકન સુપરત કરીને કહ્યુંઃ આ સિરિયલ ક્યારે ઓનએર થશે તેના વિશે આ ઘડીએ મને કશી ખબર નથી, પણ વર્ષદોઢ વર્ષ રાહ જોવી પડશે...

મહેતાસાહેબ પરિવારના વરિષ્ઠ સદસ્યની માફક સ્થિર હતા. મહેશ વકીલની માનસિક અવસ્થા સગાઈ થયેલી કન્યાના જવાબદાર મોટા ભાઈ જેવી હતી. ઠેકાણું તો સારું મળ્યું છે, પણ બધું બરાબર તો થશે ને? ઈન્દુબહેન વિચારી રહ્યાં હતાં, એ તો નીવડ્યે વખાણ! ...અને આસિત મોદી આનંદ અને ઉચાટ બણે એકસાથે અનુભવી રહ્યા હતા.આ તો માત્ર સગાઈ થઈ હતી. સગાઈ અને લગન્ વચ્ચેનું લાંબુ અંતર કાપવાનું હજુ બાકી હતું!‘દુનિયાને ઊંધાં ચશ્માં’ લેખમાળાના સ્વરૂપાંતરણ વિશેની માનસિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન આસિત મોદીને સોની ટેલિવિઝન તરફથી ફરી સિરિયલ બનાવવાની ઓફર મળી. આ સિરિયલ એટલે ‘મેરી બીવી વંડરફુલ’. આમ, નીલા ટેલિફિલ્મ્સની લાગલગાટ ત્રીજી વીક્લી સિરિયલ સોની પર ટેલિકાસ્ટ થઈ, જે ૨૦૦૩માં પૂરી થઈ. બસ, હવે ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ને ટીવી પર અવતારવાનો વારો આવી ગયો હતો, પણ તે પહેલાં નીલા ટેલિફિલ્મ્સની ઓર એક સિરિયલે ઓવરટેક કર્યુર્. સ્ટાર પ્લસ પર સપ્ટેમ્બર ૨૦૦૪માં આફ્ટરનૂન સ્લોટમાં ‘સારથિ’નું ટેલિકાસ્ટ શરૂ થયું. અલબત્ત, ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ માટે ચેનલોના સાહેબનો સામે પ્રેઝન્ટેશન આપવાની કવાયત તો ક્યારથી પૂરજોશમાં ચાલી રહી હતી. સોની, સબ, ડિઝની ચેનલ, નાઈન એક્સ, સહારા, સ્ટાર વન... વાત ક્યાંય જામતી નહોતી. ૨૦૦૧ના ઉત્તરાર્ધમાં તારક મહેતા સાથે પહેલી વાર મુલાકાત થઈ હતી અને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના અધિકારો મેળવ્યા પછી સાતેક જેટલી ચેનલો વચ્ચે નોનસ્ટોપ ચલકચલાણું રમાયું, કેટેકેટલાં પ્રેઝન્ટેશન્સ થઈ, ગણી ગણાય નહીં એટલી મિટીંગ્સ યોજાઈ... હાસ્ય લેખમાળાના અધિકારોથી શરૂ થઈને ચેનલના અપ્રુવલ સુધીની સફર સાતસાત વર્ષ સુધી લંબાઈ જશે એવી તો કલ્પનાય ક્યાંથી હોય? આખરે ૨૦૦૮માં સબ ટીવીએ ગ્રાીન સિગ્નલ દેખાડ્યું.ફિલ્મસિટીમાં ગોકુલધામ સોસાયટીનો ભવ્ય સેટ ઊભો થાય છે. ઈન્ટિરીયરનાં દશ્યો માટે કાંદિવલીની એક સ્કૂલના આખા ફ્લોર પર સેટ તૈયાર કરવામાં આવે છે. શૂટિંગ પૂરજોશમાં શરૂ થાય છે. છ એપિસોડ્સ એડિટ થઈને રેડી થાય છે ત્યાં સુધીમાં તો સિરિયલ ટેલિકાસ્ટ થવાનો દિવસ આવી જાય છે ૨૮ જુલાઈ ૨૦૦૮, સોમવાર.‘ઊધાં ચશ્માં’ પર કલંક?‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’નો પહેલા જ એપિસોડમાં એક ડ્રીમ સિકવન્સથી છે. જેઠાલાલ કઠેડામાં ખડા છે અને વિરુદ્ધ છાવણીમાં આખી સોસાયટી છે.‘ચિત્રલેખા’માં છપાતી હાસ્યલેખમાળાથી પરિચિત મોટા ભાગના ગુજરાતી ઓડિયન્સને આંચકો લાગે છે. આ ‘દુનિયાને ઊંધા ચશ્માં’ છે? પાઉડર ગલીના માળાને બદલે આ બધા કોર્ટમાં શું કરે છે? તારક મહતા તોફાની ટપુડા વિશે કેટલું બધું લખે છે, પણ સિરિયલમાં બાળકો તો દેખાતાં જ નથી. ગુજરાતી વર્ગ પહેલા એપિસોડ સાથે સંધાન કરી શકતો નથી. નોનગુજરાતી દર્શકો પાસે સરખામણી કરવા માટે લેખમાળાનો સંદર્ભ નથી તે ખરેખર તો સારું છે. તેમના માટે આ તમામ પાત્રો તદ્દન નવાં છે, પણ સમગ્રાપણે પહેલો એપિસોડ નિષ્પ્રાણ પૂરવાર થાય છે...પહેલા અઠવાડિયાના ચાર એપિસોડ પછી કહેવાતા મિત્રો અને હિતશત્રુઓ મૂછમાં મલકીને ચુકાદો આપી દે છેઃ સિરિયલમાં દમ નથી. જોઈએ, કેટલી ચાલે છે!ઓડિયન્સ તરફથી મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે. આ મિશ્રણમાં જોકે સારા પ્રતિભાવ કરતાં ખરાબ પ્રતિભાવનું પ્રમાણ વધારે છે. આસિત મોદી નેગેટિવ ફીડબેક પછી પણ શાંત છે. તેમણે આવી જ અપેક્ષા રાખી હતી. ‘તારક મહેતા...’ની ક્રિયેટિવ ટીમ વચ્ચે સતત ચર્ચા થયા કરે છે. જેઠાલાલનું કિરદાર નિભાવી રહેલા દિલીપ જોષી એક્ટર હોવા ઉપરાંત હાર્ડકોર વ્યુઅર પણ છે. તેઓ સ્પષ્ટપણે કહે છે, ‘‘ચિત્રલેખા’માં તારક મહેતાને વાંચતી વખતે મજાની જે ફીલિંગ આવે છે તે એપિસોડ્સ જોઈને નથી જ આવતી.’જો દિલીપ જોષીને ખુદને આવી લાગણી થતી હોય તો વર્ષોથી ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ વાંચતા અને તેના પાત્રોને ભરપૂર પ્રેમ કરનારાઓની મનઃસ્થિતિ કેવી હશે?ત્રીજો એપિસોડ ટેલિકાસ્ટ થતાં જ ‘ચિત્રલેખા’ની ઓફિસ પર સિરિયલને ગાળો આપતા ફોનકોલ્સ, ઈમેલ્સ અને પત્રોનો વરસાદ વરસવાની શરૂઆત થઈ જાય છે. આમાંના મોટા ભાગના વાચકોએ એવું જ માની લીધું છે કે સિરિયલ ચિત્રલેખા ગ્રુપે પ્રોડ્યુસ કરી છે! વાંચકોનો સૂર એક જ છેઃ આ તમે શું કરવા બેઠા છો ટીવી પર? આટલી સફળ હાસ્યલેખમાળાની આવી હાલત કરી નાખી? અમે આટલાં વર્ષોથી ટપુડાને વાંચીએ છીએ, અમારા મનમાં ચોક્કસ ચિત્ર હતું આ તમામ પાત્રોનું, પણ સિરિયલે ધડ્ દઈને ઈમેજ તોડી નાખી. સિરિયલ જોયા પછી અમને ‘ચિત્રલેખા’માં હાસ્યલેખ વાંચવાની ય મજા નહીં આવે. મહેરબાની કરીને બંધ કરો આ સિરિયલ!‘ચિત્રલેખા’ પર આવતા પત્રો અને ઈમેલ્સના પ્રવાહને તંત્રી ભરત ઘેલાણી નીલા ટેલિફિલ્મ્સ અને અમદાવાદ તારક મહેતાના ઘરે એમ બણે દિશામાં ડાયવર્ટ કરે છે. આસિત મોદી અને તારક મહેતા બણે તમામ પત્રો તેમજ ઈમેઈલ ધ્યાનપૂર્વક વાંચે છે. જે વાચકવર્ગને પોતે દાયકાઓથી પોષ્યો છે અને જેમનો અપાર પ્રેમ સતત મળતો રહ્યો છે તેમની નારાજગી તારક મહેતાને અસ્વસ્થ કરી મૂકે છે.રોષે ભરાયેલો એક વાંચક હદ કરી નાખે છે. તે કાગળમાં લખે છેઃ સબ ટીવીએ શરૂ કરેલી આ સિરિયલ તો ‘દુનિયાને ઊંધા ચશ્માં’ પર કલંક સમાન છે...કોઈ પણ સર્જકને આત્યંતિક ભાષામાં વ્યક્ત થયેલી આવી પ્રતિક્રિયા અસહ્ય લાગે. તારક મહેતા વ્યથિત થઈને ‘ચિત્રલેખા’ની ઓફિસે ફોન જોડે છે. ‘ભરત...’ તેઓ વ્યગ્ર સ્વરે કહે છે, ‘જાતી જિંદગીએ ટપુડો મને બદનામ ન કરી નાખે તો સારું...’ટર્નંિગ પોઈન્ટ


Entire TMKOC team at Tarak Mehta's home


કોઈ પણ પ્રોડ્યુસરને વિચલિત કરી દે તેવી આકરી આ ટિપ્પણી છે. આસિત મોદીને ‘ચિત્રલેખા’ના વાચકોની ગાળો અને આ ભાષા વસમી જરૂર લાગે છે, પણ તેઓ અસ્થિર થતા નથી.તેમણે નિર્માતા તરીકે પોતાનો પોઝિટિવ એટિટ્યુડ અને આત્મવિશ્વાસ અકબંધ રાખ્યા છે. દસેય દિશાઓમાંથી મળી રહેલા એકેએક પ્રતિક્રિયામાંથી એ અને તેમની ટીમ કંઈકને કંઈક શીખી રહ્યા છે.

લોકોને કેમ આવું લાગે છે? એવી કઈ ભુલો છે જે આપણા ધ્યાન બહાર રહી ગઈ હતી?આસિત મોદી અનુભવે સમજ્યા છે કે કોઈ પણ સિરિયલ લોન્ચ થતાંની સાથે રાતોરાત હિટ થઈ જતી નથી, તેને સ્વીકૃતિના સ્તર સુધી પહોંચવામાં થોડો સમય તો લાગે છે. તેમને લાગે છે કે તારકભાઈની મૂળ વસ્તુમાં ભરપૂર હ્યુમર છે, તેથી સિરિયલમાં હ્યુમર આવવું તો જોઈએ જ. સિરિયલમાં માહોલને મોડર્નાઈઝ કરીએ કે ગમે તે કરીએ, ઓડિયન્સને હસવું આવે તે અગત્યનું છે. એક વાર હાસ્યનું આવરણ ‘ક્રેક’ થઈ જાય એટલે ગંગા નાહ્યા, પછી બીજું બધું તો મેનેજેબલ છે...... અને હાસ્યનું કપરું આવરણ ‘ક્રેક’ થાય છે ચંપકલાલની એન્ટ્રીથી.ચંપકલાલના મુંબઈગમનનો વાર્તાપ્રવાહ સરસ રીતે ડિફાઈન થયેલો છે. આ સિકવન્સમાં બે મહત્ત્વનાં એલીમેન્ટ્સ પણ ઈન્ટ્રોડ્યુસ થયાં છે જે બહુ નજીકના ભવિષ્યમાં હિટ આઈટમ બની જવાનાં છે દયાનું ‘હે મા... માતાજી!’ અને તેની ગરબા કરવાની અજબ શૈલી. ટૂંકમાં, ચંપકલાલની એન્ટ્રીવાળા એપિસોડ્સમાં હ્યુમરનો નિશ્ચિત સૂર પકડાયો છે.યેસ્સ... ધીસ ઈઝ ઈટ! તો આપણે આ રીતે વાર્તા કહેવાની છે! આસિત મોદી અને તેમની ક્રિયેટિવ ટીમની આંખ સામેના અસ્પષ્ટતાના વાદળ હટવાની શરૂઆત થઈ ચૂકી છે.

૨૩ ઓગસ્ટ ૨૦૦૮. આ તારીખે જન્માષ્ટમી છે. જનમાષ્ટમીવાળો એપિસોડ ટીવી પર ટેલિકાસ્ટ થયા પછી આસિત મોદી તારકભાઈનો અભિપ્રાય માગે છે.‘એપિસોડ ખરેખર સારો હતો આસિત,’ તારક મહેતા કહે છે, ‘લેડીઝ લોકો મટકી ફોડે છે અને એ બધું જોવાની મજા આવે એવું હતું, પણ બધો મસાલો એકમાં જ કેમ વાપરી નાખ્યો?’‘એટલે? હું સમજ્યો નહીં તારકભાઈ...’‘એટલે એમ કે તારી પાસે સારો વિષય હતો, સારું મટિરિયલ હતું તો તે બધું એક જ એપિસોડમાં કેમ વણી લીધું? પ્રસંગોને વધારે બહેલાવીને એકને બદલે બે એપિસોડ કર્યા હોત તો વધારે મજા આવત...’તારકભાઈએ સાવ સીધાસાદા શબ્દોમાં સો ટચના સોના જેવી વાત કહી દીધી છે. વાર્તા ઉતાવળે કહી દેવાની ન હોય, તેને બહેલાવવાની હોય, વધારે એક્સાઈટિંગ બનાવવાની હોય. રમૂજનો ખજાનો એકસામટો ખુલ્લો નહીં મૂકી દેવાનો, બલકે તેને હળવે હળવે ખર્ચવાનો. વાર્તા ભલે ખેંચાય, પણ સ્ક્રીનપ્લે પણ વધારે મહેનત કરવાની, તેને વધારે એક્સાઈટિંગ બનાવવાનો! ચંપકલાલની એન્ટ્રીવાળી સિકવન્સથી વાર્તાને રમૂજી રીતે શી રીતે કહેવી તેની રીત સમજાઈ હતી. આજે તારકભાઈની વાત સાંભળીને વાર્તાને કેવી રીતે બહેલાવવી તે સમજાયું!એ જ વખતે સોની ટેલિઝિનના વડા એન.પી. સિંહનો એસએમએસ આવે છેઃ સુપર્બ જન્માષ્ટમી એપિસોડ... વેલડન!સિંહસાહેબ જેન્યુઈન માણસ છે, તેઓ ક્યારેય કશુંય અમસ્તા કે કહેવા ખાતર નહીં કહે. પહેલાં તારકભાઈના સ્વીકૃતિભર્યા શબ્દો અને હવે એન.પી. સિંહનો આવો ઉત્સાહજનક મેસેજ.. જાણે પોતે પરીક્ષામાં પાસ થઈ ગયા હોય તેવી નક્કર લાગણી આસિત મોદીના મસ્તિષ્કમાં જાગે છે. જી હાં, પપ્પુ શાયદ પાસ હો ગયા... સિરિયલ લોન્ચ થઈ તેના એક મહિના પછી, ફાયનલી!શાનદાર શતક ઃ સ્ટાર્સ આર બોર્ન!


Celebration Time...


૫ ફેબ્રુઆરી ૨૦૦૯. સ્થળ ક્લબ મિલેનિયમ, જુહુ. અવસર છે, ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ના ૧૦૦ એપિસોડ્સનું ગ્રેન્ડ સેલિબ્રેશન.સિરિયલનો સૌથી પહેલો એપિસોડ ટેલીકાસ્ટ થયો હતો ત્યારે આ જ રીતે સેલિબ્રેશન થયું હતું અને સૌએ સાથે મળીને અવસર ઉજવ્યો હતો. તે વખતે, ખેર, ઉમંગની સાથે ઉચાટ પણ હતો પણ આજની ભાવસ્થિતિ જુદી છે. આજે ઉચાટનું સ્થાન આત્મવિશ્વાસે લઈ લીધું છે. આંખોની ચમક વધી છે. સ્મિત વધારે પહોળા થયા છે. ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના કેટલાય જાણીતા ચહેરા આમતેમ ઘુમી રહ્યા છે, હસીને વાતો કરી રહ્યા છે, ઘ્રુજારીદાર સંગીતના તાલે ઝુમી રહ્યા છે. મિડીયા તેના રસાલા સાથે ઉપસ્થિત છે. ચારે બાજુ ફ્લેશ લાઈટ્સની છોકમછોળ છે. ‘તારક મહેતા....’ના આર્ટિસ્ટોને આજે જુદી રીતે કેમેરાનો સામનો કરી રહ્યા છે. સામે માઈક લઈને ઊભેલા ટીવી રિપોર્ટરો સાથે વાત કરવામાં તેમને મોજ પડી રહી છે.તારક મહેતા પોતાના વરિષ્ઠ પત્રકાર મિત્ર કાન્તિ ભટ્ટ સાથે સોફા પર બિરાજીને સંતુષ્ટ નજરે માહોલને નિહાળી રહ્યા છે. મહેમાનો સાથે હળતીભળતી વખતે અને મિડીયા સાથે વાતો કરતી વખતે પણ આસિત મોદીનું ધ્યાન તારક મહેતા પરથી હટતું નથી. તેઓ જુએ છે કે તારક મહેતા ખુશ છે. આ જ તો સૌથી મોટી સફળતા છે...એક ઉજવણી તો રંગેચંગે પાર પડી. હજુ બીજી ઉજવણી બાકી છે. આસિત મોદીને ઈન્દુબહેનનો ફોન આવે છે, ‘મહેતાનો ૮૦મો જન્મદિવસ આવી રહ્યો છે. નવભારતવાળા આ નિમિત્તે મહેતાના ૮૦ પુસ્તકો એકસાથે બહાર પાડવાના છે. અમેરિકાથી ઈશાની અને ચંદ્ર (દીકરીજમાઈ) પણ આવી રહ્યાં છે. વિમોચન નરેન્દ્ર મોદીના હાથે થશે, જો એમનું શેડ્યુલ બરાબર ગોઠવાશે તો. આસિત, મને લાગે છે કે આ પ્રસંગ આપણે યાદગાર બનાવવો જોઈએ. તમે સિરિયલની ટીમ લઈને અમદાવાદ આવો તો કેવું?’ઉત્તમ!અમદાવાદ પહોંચીને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીમ પ્રેસ કોન્ફરન્સને સંબોધે છે અને બીજે દિવસે એટલે કે ૧ માર્ચ ૨૦૦૯ના રોજ ટાઉન હોલમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ છે. આ જ કાર્યક્રમમાં પ્રવચનો ઉપરાંત નાટક પણ પર્ફોર્મ થવાનું છે. રવિવારની સવારે સિરિયલની ટીમ ટાઉન હોલ પહોંચે છે ત્યારે માનવમેદની જોઈને છક્ક થઈ જાય છે. ચીફ મિનિસ્ટર આવવાના છે એટલે સિક્યોરિટીનો જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. લગભગ બારસો સીટ્સની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ પેક થઈ ગયું છે, લોકો ચાલવાની જ્ગ્યા પર, પગથિયે કે જ્યાં જગ્યા મળે ત્યાં ખીચોખીચ ઊભા રહી ગયા છે છતાં બીજા કેટલાય માણસ અંદર આવવા પડાપડી કરી રહ્યા છે. ટીમના સભ્યો તો પાછલા દરવાજેથી ગ્રીન રૂમમાં પહોંચી ગયા, પણ તારક મહેતા મુખ્ય એન્ટ્રેન્સ પાસે ભીડમાં અટવાઈ ગયા છે. પપ્પાનો હાથ પકડીને ઊભેલાં ઈશાની શાહે મોટે અવાજે બોલવું પડે છે, ‘અરે આ તારક મહેતા પોતે છે, આ ફંકશન જેમના માટે યોજાયું છે એ લેખક... અમને તો અંદર જવા દો!’હકડેઠઠ જમા થયેલી જનતાનો પ્રતિસાદ ગજબનાક છે. અમદાવાદની જનતા પોતાનાં પ્રિય પ્રાત્રોને જીવતાજાગતાં, પોતાની આંખોની સામ નિહાળીને ઉન્માદ અનુભવી રહ્યા છે. કાર્યક્રમના ઉત્તરાર્ધમાં નાટક રજૂ થાય છે, જેમાં સિરિયલના બધા જ કલાકારોએ ભાગ લીધો છે.નરેન્દ્ર મોદી થોડી વહેલી વિદાય લઈ લે છે. તે સાથે સલામતી વ્યવસ્થા માટે રચાયેલા અભેદ્ય કોઠા ગાયબ થઈ જાય છે અને લોકોએ અત્યાર સુધી જાળવી રાખેલો સંયમ તૂટે છે. કાર્યક્રમ પૂરો ઘોષિત થતાં જ જાણે ગાડુંતૂર પૂર આવ્યું હોય તેમ લોકોનાં ટોળાં અદાકારોને ઘરી વળે છે. કોઈને હાથ મિલાવવા છે, કોઈને ઓટોગ્રાફ લેવો છે, કોઈને તેમની સાથે ફોટો પડાવવા છે તો કોઈને માત્ર તેમને નજીકથી જોવા છે, સ્પર્શવા છે. આ બિલકુલ અણધાર્યું છે. આ ઉન્માદ અકલ્પ્ય છે. આવા પ્રતિસાદની અપેક્ષા કોઈએ નહોતી રાખી.એક વાત આજે સૌને સમજાઈ ગઈ છે ઃ સલામતીના પાક્કા બંદોબસ્ત વગર હવે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના આર્ટિસ્ટો માટે જાહેરમાં આવવું મુશ્કેલ છે. એક હકીકત આજે સ્ફોટ સાથે ઊછળીને સપાટી પર આવી ગઈ છે ઃ માત્ર સાત જ મહિનામાં આ સિરિયલના કલાકારો સ્ટાર બની ગયા છે. સિનિયર એક્ટરોથી માંડીને બાળકલાકારો સુધીના બધા જ!...અને એક પ્રતીતિ આ સમગ્ર ઘટનાક્રમના હિસ્સેદાર બનેલા તારક મહેતા નક્કરપણે થઈ રહી છે આસિતને મારી લેખમાળા પરથી સિરિયલ બનાવવાના રાઈટ્સ આપીને મેં કોઈ ભુલ કરી નથી!અને હવે...સુપર સક્સેસફુલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલ હવે તો ૭૦૦ એપિસોડ્સનો આંકડો વટાવી ચૂકી છે અને હજુય પહેલાં જેટલી જ હોટએન્ડહેપનિંગ છે. સફળતા તો ઘણી સિરિયલોને મળે છે, પણ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને મળ્યો છે એવો જનતાનો ચિક્કાર પ્રેમ બહુ ઓછી સિરિયલના નસીબમાં લખાયેલો હોય છે....

0 0 0ફિલ્મ, ફેસ્ટિવલ અને ફન

દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - ૩૦ ઓક્ટોબર ૨૦૧૧
સ્લગઃ મલ્ટિપ્લેક્સફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરના દેશોમાંથી આવેલી અદભુત ફિલ્મો પણ હોવાની અને કલાના નામે કરવામાં આવતા વાહિયાત જોણાં પણ હોવાનાં. આ વખતે મામી ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાયેલી ૨૦૦ જેટલી ફિલ્મોમાં વિષયવૈવિધ્યનો સમુંદર લહેરાઈ ગયો.

ક્રતા જુઓ. એક બાજુ આપણે હોલીવૂડ જેવી હાઈફાઈ ફિલ્મ બનાવવાના ધખારામાં સ્પેશિયલ ઈફેક્ટ્સથી ભરપૂર ‘રા.વન’ બનાવીએ છીએ અને બીજી બાજુ વિદેશીઓ મારા બેટા તદ્દન ઊલટી ગુલાંટ મારીને બ્લેક-એન્ડ-વ્હાઈટ જમાનામાં પહોંચી જાય છે અને મૂંગી ફિલ્મ બનાવે છે! વાત છે ‘ધ આર્ટિસ્ટ’ નામની ફ્રેન્ચ ફિલ્મની, જે તાજેતરમાં મુંબઈમાં યોજાઈ ગયેલા ‘મામી’ (મંુબઈ એકેડેમી ઓફ મુવિંગ ઈમેજીસ) ફિલ્મ ફેસ્ટિવલમાં સિનેમાપ્રેમીઓએ દિલ ભરીને માણી.કહાણી કંઈક આવી છે. ૧૯૨૭નું વર્ષ છે. સિનેમાની શોધ થઈ એ ઘટનાને હજુ માંડ પચ્ચીસ વર્ષ થયા છે. ફિલ્મો મૂંગી અને શ્વેતશ્યામ બને છે. મ્યુઝિક સિનેમાહૉલમાં લાઈવ વગાડવામાં આવે છે. આ જમાનાનો હોલીવૂડનો એક છેલછોગાળો હીરો ‘ધ આર્ટિસ્ટ’ ફિલ્મનો નાયક છે. ફિલ્મોમાં એક્સ્ટ્રા તરીકે કામ કરતી એક ખૂબસૂરત અને સ્ટ્રીટસ્માર્ટ યુવતી ‘ધ આર્ટિસ્ટ’ની નાયિકા છે. હીરોનો સિતારો બુલંદીમાં છે એ અરસામાં ટેકનોલોજી વિકસે છે અને મૂંગી ફિલ્મો બોલતી થાય છે. હીરો ખિખિયાટા કરે છેઃ આ શું મજાક છે? આવી ફિલ્મો તે કંઈ ચાલતી હશે? નાયક સમયને પારખવામાં ભૂલ કરી બેસે છે અને ફેંકાઈ જાય છે. નાયિકા એકસ્ટ્રામાંથી સુપરસ્ટાર બની જાય છે. પછી શું થાય છે? એનો જવાબ તો આ રોમેન્ટિક કોમેડી જોઈને જ મેળવવો પડે. ડિરેક્ટર માઈકલ હઝાનેવિશસે એટલો ખુશનુમા માહોલ ઊભો કર્યો છે કે ઓડિયન્સના મોંમાંથી સતત ‘આહ!’ અને ‘વાહ’ નીકળ્યા કરે. તમારી માનસિક ડાયરીમાં અત્યારે જ નોંધી લોઃ ‘ધ આર્ટિસ્ટ’ ફિલ્મ રિલીઝ થાય ત્યારે બિલકુલ મિસ કરવાની નથી!

‘ધ આર્ટિસ્ટ’ આ વખતે મામી ફિલ્મ ફેસ્ટિવલમાં સવાર્ધિક પોપ્યુલર બનેલી ફિલ્મોમાંની એક છે. મજાનું હોય છે ફિલ્મ ફેસ્ટિવલ્સનું વાતાવરણ. ગળામાં લાલ રિબનવાળું ઓળખપત્ર પહેરીને ફરતા સિનેમાપ્રેમીઓ, જુદી જુદી ઈન્સ્ટિટ્યુટ્સમાં ડિરેક્શન-સ્ક્રિપ્ટરાઈટિંગ-સિનેમેટોગ્રાફી વગેરે શીખી રહેલા સ્ટુડન્ટ્સ, દુનિયાભરમાંથી પોતાની ફિલ્મો પ્રદર્શિત કરવા આવેલા ફિલ્મમેકર્સ અને અદાકારો તેમજ મિડીયાના પ્રતિનિધિઓની ચહલપહલથી માહોલમાં એનર્જી છલકછલક થતી હોય છે. આ વખતના મામી ફેસ્ટિવલની વાત કરીએ તો, મુખ્ય સેન્ટર સિનેમેક્સ (અંધેરી)માં પૂરા આઠ દિવસ માટે થિયેટરની તમામ છએ છ સ્ક્રીન ફિલ્મ ફેસ્ટિવલ માટે અલાયદી રાખવામાં આવી હતી. આ સિવાય શહેરનાં અન્ય બે થિયેટરોની બબ્બે સ્ક્રીન્સ પણ ફેસ્ટિવલ માટે ફાળવવામાં આવી હતી. સવારે દસ વાગ્યાથી દસેય સ્ક્રીન પર શોઝ શરૂ થઈ જાય. રોજના કમસેકમ પાંચ શો. મતલબ કે રોજની પચાસ ફિલ્મો, જે રિપીટ પણ થાય. આ વખતે કંઈકેટલીય ભાષાઓમાં બનેલી ૨૦૦ કરતાં વધારે ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. જોઈ લો તમારામાં તાકાત હોય એટલી ફિલ્મો!


Mariam d'Abo, heroine of The Living Daylights - a James Bond movie, at Cinemax, Mumbai during MAMI 2011ફિલ્મ ફેસ્ટિવલ્સનું વાતાવરણ ખૂબ ઈન્ફોર્મલ હોય છે. એક વાર મામૂલી રકમ ભરીને નામ નોંધાવી દો પછી તમે ગમે ત્યારે ગમે તે ઓડિટોરિયમમાં જઈને ગમે તે સીટ પર બેસીને ફિલ્મ જોઈ શકો. ફિલ્મમાં મજા ન આવે તો ઊભા થઈને જતા રહો બાજુની સ્ક્રીનમાં. ઓડિટોરિયમ ફુલ થઈ ગયું હોય તો પગથિયાં પર બેસીને ફિલ્મ માણો. આ વખતે જોકે સલામતીના કારણોસર પેસેજમાં બેસવાની પરવાનગી આપવામાં નહોતી. તેથી ‘ધ આર્ટિસ્ટ’ જેવી અમુક હોટ-એન્ડ-હેપનિંગ ફિલ્મોના સ્ક્રીનિંગ વખતે ગેટ બહાર બબ્બે કલાક પહેલાં લોકો સર્પાકારે લાઈનો લગાવીને ખડા થઈ જતા. ઈન ફેક્ટ, મોટા ભાગનાં સ્ક્રીનિંગ્સ વખતે આવી જ હાલત થતી. સિનેમેક્સવાળા બાપડા બઘવાઈ ગયા હતા. આટલી ભીડ એ લોકોએ ‘દબંગ’માં પણ જોઈ નહોતી!ફિલ્મ ફેસ્ટિવલ્સની ફિલ્મોમાં વિષય વૈવિધ્યની તમામ સીમાઓ તૂટી જાય છે. ‘ઓર’ નામની હૃદયભેદક ઈઝરાયલી ફિલ્મમાં એક આધેડ વયની સડકછાપ વેશ્યાની વાત છે. સ્કૂલમાં ભણતી એની તરૂણ દીકરી માનો ધંધો છોડાવવા ઘણી મહેનત કરે છે, રેસ્ટોરાંમાં મજૂરી કરે છે, પણ આખરે એના નસીબમાં પણ વેશ્યા બનવાનું જ લખાયું છે. નોર્વેની ‘ધ માઉન્ટન’ ફિલ્મમાં લેસ્બિયન કપલની વાત છે. ઓછામાં ઓછામાં શબ્દોમાં, માત્ર અછડતા ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે કે બે પૈકીની એક મહિલા વીર્યદાન વડે માતા બની હતી અને બાળક ચારેક વર્ષનું થયું ત્યારે મૃત્યુ પામ્યું હતું. માતા આખરે માતા છે, એની પીડા નિર્ભેળ છે. સ્ત્રીની મા તરીકેની વેદનાને તેની સેક્સ્યુઆલિટી સાથે કોઈ સંબંધ નથી! ‘માઈકલ’ નામની ઓસ્ટ્રિયન ફિલ્મમાં દસ વર્ષના છોકરાનું અપહરણ કરી, પોતાના ઘરમાં બંદીવાન બનાવી તેની સાથે શરીરસુખ માણતા વિકૃત માણસની વાત છે. ‘ધેટ સમર’ નામની ફ્રેન્ચ ફિલ્મમાં એક પેઈન્ટર છે જેને રૂપજીવિનીઓની સંગત કરવામાં કોઈ છોછ નથી, પણ એની એક્ટ્રેસ પત્ની જ્યારે પરપુરુષના પ્રેમમાં પડી તેને ત્યજી દે છે ત્યારે એનાથી સહન થઈ શકતું નથી અને તે આત્મહત્યા કરી લે છે. કોરિયાની સુપર-સ્ટાઈલિશ એક્શન-પેક્ડ ફિલ્મ ‘ધ યેલો સી’ જોતી વખતે પહેલો વિચાર એ આવે કે આપણો કયો વીર બોલીવૂડવાળો આ ફિલ્મની ઉઠાંતરી કરવાની દોડમાં બાજી મારી જવાનો! ફેસ્ટિવલમાં ફીચર ફિલ્મો ઉપરાંત પાંચ-પાંચ મિનિટની શોર્ટ ફિલ્મો અને ફુલલેન્થ ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ હતી. જેમ કે, ‘પિના’ નામની મ્યુઝિકલ ડોક્યુમેન્ટરીમાં જર્મનીની પિના બોશ નામની નૃત્યાંગનાને તેના સ્ટુડન્ટ્સ અંજલિ આપે છે અને સ્ક્રીન પર થ્રી-ડાયમેન્શનમાં આપણે અગાઉ ક્યારેય જોયાં ન હોય તેવા અદભુત નૃત્યો પેશ થાય છે.ક્યારેક બહુ ગાજેલા ફિલ્મમેકરની હાઈપ્રોફાઈલ ફિલ્મ એટલી બધી અટપટી નીકળે કે તમે માથું ખજવાળતા રહી જાઓ. ‘એન્ટિક્રાઈસ્ટ’વાળા ડેનિશ ડિરેક્ટર લાર્સ વોન ટ્રિઅલની ‘મેલેન્કોલિઆ’ ફિલ્મમાં ઘણા પ્રેક્ષકોને આવો અનુભવ થયો. ફિલ્મ ફેસ્ટિવલમાં સારા સિનેમાની સાથે કચરપટ્ટી ફિલ્મો પણ ઘણી હોય છે. આર્ટ યા તો પેરેલલ સિનેમાના નામે બનાવવામાં આવેલી આ વાહિયાત ફિલ્મોમાં કોઈ જાતના ઢંગધડા હોતા નથી. ગરીબડી નાયિકા રસોઈ કરતી હોય અને તપેલી પર પાંચ મિનિટ સુધી કેમેરા ધરી રાખવામાં આવે તેમાં કોઈ જાતની કળા નથી. ખેર, આ પણ સિનેમાનો એક રંગ છે. જાતજાતની ફિલ્મો જોવાનો રસ ધરાવતા રસિકોએ ફિલ્મ ફેસ્ટિવલનો અનુભવ લેવા જેવો ખરો.શો સ્ટોપર


કોઈ મારા ખભે હાથ મૂકીને ગંભીરતાથી એમ કહે કે બોસ, તારી ફિલ્મ જોઈને મને ખૂબ ગર્વ થયો છે, તો એનો સાદો અર્થ એ થયો કે ફિલ્મ પીટાઈ ગઈ છે!

- શાહરૂખ ખાનSunday, October 23, 2011

શાહરૂખ ખાનમાં એવું તે શું છે?


                                                     દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ -  ૨૬ ઓક્ટોબર ૨૦૧૧  

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

શાહરૂખ ખાનમાં કશુંક જબરું તત્ત્વ છે, કશીક ચુંબકીય તાકાત જેવું, જે એની બુદ્ધિમાંથી યા તો એના આંતરિક માળખામાંથી ઝરે છે. એવું તત્ત્વ, જેને એના ફિલ્મસ્ટાર હોવા સાથે કશો સંબંધ નથી.


ભલે એની મોટા ભાગની ફિલ્મો તમને સામાન્ય કક્ષાની લાગતી હોય, ભલે તેની નક્કર અભિનયક્ષમતા  માટે તમારા મનમાં બહુ ઊંચો અભિપ્રાય ન હોય, પણ એક વાત નિશ્ચિત છેઃ શાહરૂખ ખાન છે બડો ઈન્ટરેસ્ટિંગ માણસ. એને એક જ વખત વ્યક્તિગત રીતે મળનારને કે તેની સાથે થોડી વાતચીત કરનારને એક વાત તરત સમજાઈ જતી હોય છે કે આ માણસમાં કશુંક જબરું તત્ત્વ છે, કશીક ચુંબકીય તાકાત જેવું, જે એની બુદ્ધિમાંથી યા તો એના આંતરિક માળખામાંથી ઝરે છે. એવું તત્ત્વ, જેને એના ફિલ્મસ્ટાર હોવા સાથે કશો સંબંધ નથી. ધારો કે એ ફિલ્મોમાં આવ્યો ન હોત અને એમબીએ થઈને કશેક જોબ કરતો હોત તો પણ આ તત્ત્વ આવું જ પ્રભાવી હોત.

મેગાહિટ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં કામ કરીને શાહરૂખ ઓફિશિયલી સુપરસ્ટાર બન્યો ત્યારે એની ઉંમર માંડ ત્રીસ વર્ષ હતી (શાહરૂખ જો આ ફિલ્મ ન કરત તો આદિત્ય ચોપડા હીરોનો રોલ સૈફ અલી ખાનને ઓફર કરવાના હતા). સિનેમા જેવા ભયાનક સ્પર્ધાત્મક ફિલ્ડમાં શાહરૂખનું આ વીસમું વર્ષ ચાલે છે. બબ્બે દાયકા પછી પણ પોતાના ક્ષેત્રમાં માત્ર રિલેવન્ટ જ નહીં, પણ સતત શિખર પર રહેવું અને જોરદાર ડિમાન્ડમાં રહેવું તે આ નાનીસૂની વાત નથી. શાહરૂખે હવે પોતાની કરીઅરનો સૌથી મોટો જુગાર ખેલ્યો છે, દિવાળીના દિવસે રિલીઝ થઈ રહેલી ‘રા.વન’ બનાવવામાં ૧૪૦ કરોડ રૂપિયાનું આંધણ કરીને.


‘હું માત્ર એક જ વસ્તુમાં પૈસા વેડફું છું, પિક્ચરો બનાવવામાં!’  શાહરૂખ એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘જુઓ, ‘રા.વન’ની એક પણ સ્પેશિયલ ઈફેક્ટ એવી નથી જેને તમે સાવ નવી કે અભૂતપૂર્વ કહી શકો. ઈગ્લિંશ ફિલ્મોમાં આપણે અજબગજબની સ્પેશિયલ ઈફેક્ટ્સ જોઈ જ છે. ‘રા.વન’ની વિશેષતા એ છે કે તેમાં દેખાડેલી સ્પેશિયલ ઈફેક્ટ્સ સંપૂર્ણપણે ભારતમાં, રાધર, મારા પ્રોડકશન હાઉસમાં તૈયાર થઈ છે. મારા એનિમેટર્સનું સુપરવિઝન કરવા હું ફોરેનથી ઓસ્કરવિજેતા એક્સપર્ટ્સને તેડાવતો. મજા એ વાતની છે કે ‘રા.વન’ના અનુભવને લીધે આ અઢીસો ભારતીય એનિમેટર્સ લગભગ એમના વિદેશી કાઉન્ટરપાટર્સ જેટલા જ કાબેલ બની જવાના.’

‘મુન્નાભાઈ એમબીબીએસ’ની માફક રજનીકાંતવાળી ‘રોબોટ’ ફિલ્મ પણ સૌથી પહેલાં શાહરૂખને ઓફર થઈ હતી. સ્પેશિયલ ઈફેક્ટ્સથી ભરપૂર ‘રોબોટ’ સુપરડુપર હિટ થઈ ગઈ એટલે હવે ‘રા.વન’ની તુલના તરત એના સાથે થવાની. સહેજ પણ કાચું કપાયું હશે તો લોકો તરત કહેવાનાઃ ના રે ના, આમાં ‘રોબોટ’ જેવી મજા નથી. શાહરૂખે જોકે ‘રા.વન’માં રજનીકાંતને નાનકડા રોલ પૂરતા ખેંચી લાવીને સ્માર્ટ પગલું ભર્યુર્ં છે. જોકે કહેનારાઓ કહે જ છેઃ ‘રા.વન’માં શાહરૂખ મોટે ઉપાડે સુપરહીરો બન્યો હોય, પણ એણે રજનીકાંતની મદદ તો લેવી જ પડી!

કહેનારાઓ તો ખેર, શાહરૂખ માટે ઘણું બધું કહે છે પણ શાહરૂખ સામાન્યપણે મગજ ગુમાવતો નથી. શાહરૂખ એ રીતે જેન્ટલમેન છે. એ કહે છે, ‘કોઈ મારી સાથે બદમાશી કરતું હોય કે મને કોઈ માણસ ગમતો ન હોય તો હું ઊલટાનો એની સાથે વધારે સારું વર્તન કરવા માંડું. આથી પેલો ગૂંચવાઈ જાય. મારા દોસ્તો મને વઢતા હોય છે કે તું સાવ ભીરુ અને ઢીલો માણસ છો. ફલાણો તારી સાથે આટલું ખરાબ વર્તન કરે છે તે તું ચલાવી કેમ લે છે? સામે કશું કહેતો કે કરતો કેમ નથી? મારો જવાબ બહુ સિમ્પલ હોય છેઃ હું  સામેના માણસ સાથે સારો રહી શકું છું એનો અર્થ એમ કે હું તેને અતિક્રમી ગયો છું, હું એનાથી ચઢિતાયો છું. મને ગુસ્સો એવા લોકો પર જ આવે છે, જેમને હું પોતીકા ગણું છું, જેમને પ્રેમ કરું છું, જેમના માટે મારા દિલમાં ફિકર છે. ગુસ્સો તો પ્રેમ અને આત્મીયતા વ્યક્ત કરવાનું ખૂબસૂરત માધ્યમ છે.’


શાહરૂખ સુપર-અચીવર છે. સફળતા, પૈસો, નામ... દુન્યવી સ્તરે જે હોવું જોઈએ તે બધું જ એની પાસે છે. બાંદરામાં દરિયાની સામે ૩૦, ૦૦૦ ચોરસફૂટમાં ફેલાયેલો એનો ‘મન્નત’ બંગલો મુંબઈના ટોપટેન બંગલાઓમાં સ્થાન પામે છે. આજના બજારભાવ પ્રમાણે આ પ્રાઈમ પ્રોપર્ટીની વેલ્યુ ૧૨૫ કરોડ રૂપિયા જેટલી થાય. શાહરૂખ કહે છે, ‘થોડા દિવસો પહેલાં મેં પેલું બેસ્ટસેલર પુસ્તક ‘ધ સિક્રેટ્સ’ વાંચ્યું હતું. વાંચતી વખતે મને એવું લાગી રહ્યું કે જાણે આ બધું મેં જ લખ્યું છે. હું માનું છું કે માણસની ઈચ્છાઓ એની જરૂરિયાતમાંથી પેદા થવી જોઈએ. જેમ કે, ૨૦૦૬માં હું આ ‘મન્નત’ બંગલો ખરીદવા નીકળ્યો હતો ત્યારે મારા ખિસ્સામાં ફક્ત ૭૫ લાખ રૂપિયા હતા, પણ મેં કહ્યું કે ડોન્ટ વરી, પૈસાનો મેળ થઈ જશે. અને એવું જ થયું. મને તે વખતે ખરેખર ખબર નહોતી કે આટલું બધું નાણું એક્ઝેક્ટલી ક્યાંથી લાવીશ, પણ મારી જરૂરિયાત સ્પષ્ટ હતી, મારે કેટલી રકમ જોઈએ છે તેની મને જાણ હતી, તેથી રસ્તા આપોઆપ નીકળતા ગયા. લાંબા લાંબા પ્લાનિંગ કરવામાં રમમાણ રહેવાનો કશો અર્થ નથી. જો હું મારી આજને સાચવી લાઈશ તો મારી આવતી કાલ આપોઆપ સચવાઈ જવાની છે...’

વેલ સેઈડ, શાહરૂખ.

શો સ્ટોપર

હવે પછી મારી એક ઇંગ્લિશ ફિલ્મ આવશે જેમાં મેં મ્યુઝિક પણ આપ્યું છે અને એક્ટિંગ પણ કરી છે.  

 - હિમેશ રેશમિયાની ધમકી