Wednesday, October 16, 2019

2018માં બૂકર, 2019માં નોબલ!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 16 ઑક્ટોબર 2019, બુધવાર
ટેક ઓફ 
શું લેખકની સર્જકતા અને એની વ્યક્તિગત રાજકીય માન્યતાને એકમેકથી અલગ કરીને મૂલવવી જોઈએ? શું આ બન્ને એકમેકથી તદ્દન ભિન્ન બાબતો છે? કે પછી, બન્નેનો થોડો વિસ્તાર અનિવાર્યપણે એકબીજા પર ઓવરલેપ થતો હોય છે?


તો, આ વખતે સાહિત્ય ક્ષેત્રનાં એક નહીં, પણ બે નોબલ પ્રાઇઝ વિનર ઘોષિત થયાં - 2018 માટે પૉલેન્ડનાં લેખિકા ઓલ્ગા તોકારતુક અને 2019 માટે ઑસ્ટ્રિયાના પીટર હન્ડકે. 57 વર્ષનાં ઓલ્ગા (એમની અટકનો સ્પેલિંગ અતિ વિચિત્ર છે, પણ ઉચ્ચાર તોકારતુક એવો થાય છે) મુખ્યત્ત્વે નવલકથાઓ, નવલિકાઓ અને નિબંધો લખે છે. તેઓ એક્ટિવિસ્ટ પણ છે. 76 વર્ષીય પીટરની ક્રિયેટિવિટી નવલકથા, નાટક અને કવિતામાં ખીલે છે. તેઓ અનુવાદો પણ કરે છે અને એમણે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી છે.
નોબલવિનર તરીકે પીટર હન્ડકેનું નામ ઘોષિત થતાં ઑસ્ટ્રિયા આનંદથી ઝુમી ઉઠ્યું, પણ સાથે સાથે  વિવાદ પણ પેદા થઈ ગયો. પીટર આમેય પહેલેથી કન્ટ્રોવર્શિયલ લેખક રહ્યા છે. અલ્બેનિયાના પ્રાઇમ મિનિસ્ટરે ટ્વિટ કર્યું કે, મેં સપનામાં પણ નહોતું વિચારેલું કે ક્યારેક એવો દિવસ પણ આવશે કે જ્યારે નોબલવિનરનું અનાઉન્સમેન્ટ સાંભળીને મને ઊલટી કરવાનું મન થાય. અલ્બેનિયાના ફોરેન મિનિસ્ટરે ટ્વિટર પર શેઇમ શેઇમના પોકાર કર્યા, તો કોસોવોના પ્રેસિડન્ટે લખ્યું કે પીટરને વિજેતા તરીકે પસંદ કરીને નોબલની કમિટીની હત્યાકાંડનો ભોગ બનેલા અસંખ્ય લોકોને ખૂબ દુખ પહોંચાડ્યું છે.
ક્યો હત્યાકાંડ? જર્મન ભાષામાં લખતા પીટર હન્ડકે શા માટે એક વિવાદાસ્પદ લેખક ગણાય છે? 1995માં યુગોસ્લાવિયાના યુદ્ધ દરમિયાન સર્બિઅન સૈનિકોએ બોસ્નિયાના આઠ હજાર મુસ્લિમોને હણી નાખ્યા હતા. આ જીનોસાઇડ એટલે કે વાંશિક હત્યાકાંડ હતો. સ્લોબોડન મિલોસેવિક નામનો રાજકારણી, કે જે પછી સર્બિયાનો પ્રેસિડન્ટ બન્યો, તે આ હત્યાકાંડ માટે જવાબદાર ગણાયો. સ્લોબોડન મર્યો ત્યાં સુધી વૉર ક્રિમિનલ તરીકે બદનામ રહ્યો. પીટર હન્ડકેને જોકે એના પ્રત્યે જબરી સહાનુભૂતિ હતી. સ્લોબોડનનાં અંતિમ સંસ્કાર વખતે પીટર હાજર રહ્યા હતા અને જાહેરમાં એવા મતલબનું બોલ્યા હતા કે મુસ્લિમોના હત્યાકાંડવાળી આખી વાત જ ખોટી છે, ઊપજાવી કાઢેલી છે. એ તો મુસ્લિમો જ આપસમાં લડીઝઘડીને અલ્લાહને પ્યારા થયા હતા. પછી જોકે આ અવળવાણી ઉચ્ચારવા બદલ પીટરે જાહેરમાં માફી પણ માગી હતી.
શું માણસની સર્જકતા અને એની વ્યક્તિગત રાજકીય માન્યતાને એકમેકથી અલગ કરીને મૂલવવી જોઈએ? શું આ બન્ને એકમેકથી તદ્દન ભિન્ન બાબતો છે? કે પછી, બન્નેનો થોડો વિસ્તાર એકબીજા પર અનિવાર્યપણે ઓવરલેપ થતો હોય છે?
ઓલ્ગા તોકારતુકની એક નવલકથા ભૂતકાળમાં પ્રતિબંધિત થઈ ચુકી છે, પણ તેઓ પીટર હન્ડકે જેટલાં કન્ટ્રોવર્શિયલ ક્યારેય નહોતાં. ઓલ્ગાનો સિતારો બુલંદી પર ઝળહળી રહ્યો છે. ગયા વર્ષે જ એમને ફ્લાઇટ્સ નામની નવલકથા માટે મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ મળ્યું હતું. નોબલ પ્રાઇઝ પણ એમને ગયા વર્ષે જ મળવાનું હતું, પણ કશાક કારણસર ઘોષણા એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી. એક જ વર્ષમાં બૂકર પ્રાઇઝ અને નોબલ પ્રાઇઝ બન્નેના હકદાર બનવું... એક લેખક માટે સિદ્ધિ અને સ્વીકૃતિની આ ચરમ સીમા છે!
ઓલ્ગા તોકારતુક પૉલેન્ડમાં દાયકોઓથી સેલિબ્રિટીનું સ્ટેટસ ભોગવે છે. એમનાં માતાપિતા બન્ને ટીચર હતાં. એમનાં ઘરમાં કબાટો પુસ્તકોથી ભરાયેલાં રહેતાં. આથી ઓલ્ગાને વાંચવા-લખવાનાં સંસ્કાર નાનપણથી જ મળ્યાં હતાં. સાઇકોલોજીનું ભણ્યા પછી તેઓ એક હૉસ્પિટલમાં થેરાપિસ્ટ તરીકે જોડાયા. દરમિયાન સાથી સાઇકોલોજિસ્ટ સાથે લગ્ન કર્યાં, એક પુત્રને જન્મ આપ્યો. પાંચ વર્ષ પછી એમણે નોકરી છોડી દીધી. શા માટે? કારણ કે એક માનસિક દર્દીના ઉપચાર દરમિયાન એમને લાગ્યું કે આના કરતાં તો હું વધારે ડિસ્ટર્બ્ડ છું! જૉબ છોડ્યાં પછી એમણે લખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 27 વર્ષની ઉંમરે એમનો કવિતાસંગ્રહ બહાર પડ્યો હતો. તે પછી પહેલી નવલકથા બહાર પડી, જેનું અંગ્રેજી ટાઇટલ છે, ધ જર્ની ઓફ ધ પીપલ ઓફ ધ બુક. એમાં સત્તરમી સદીના ફ્રાન્સની વાત હતી. આ નવલકથાને બેસ્ટ ડેબ્યુ (નવોદિત) અવૉર્ડ મળ્યો. ઓલ્ગા લખતાં રહ્યાં, પ્રતિષ્ઠિત પારિતોષિકો જીતતાં રહ્યાં. છેલ્લાં કેટલાંક વર્ષોથી એમની કૃતિઓનો અંગ્રેજીમાં અનુવાદ થવાનું શરૂ થયું ને ક્રમશઃ આખી દુનિયાનું ધ્યાન એમના તરફ ખેંચાયું.     
        
ઓલ્ગાની કથાઓમાં પાત્રો સતત પ્રવાસ કરતા હોય છે. લખવાનું શરૂ કર્યું ત્યારથી જ યાત્રા (બાહ્ય અને આંતરિક બન્ને) એમના લખાણની સેન્ટ્રલ થીમ રહી છે. એમને ખુદને પ્રવાસ કરવાનો ખૂબ શોખ છે. તેઓ દુનિયાભરમાં ફરતાં રહે છે. તે પણ એકલાં. પરિવારના સભ્યો કે મિત્રો સાથે પ્રવાસ કરવો અને એકલા પ્રવાસ કરવો – આ બન્ને તદ્દન જુદા અનુભવો છે.       
મનમાં જાગેલા વિચાર છટકી જાય કે ભુલાઈ જવાય તે પહેલાં એને ફટાક કરતાં કાગળ પર ટપકાવી લેવાની ઓલ્ગાને આદત છે. એ રસ્તા પર ચાલતાં હોય, લિફ્ટ કે એસ્કેલેટર પર હોય, ટ્રેનમાં હોય -  મનમાં જે આવ્યું હોય તેને તેઓ તરત ટિશ્યુ પેપર, છાપાની કોરી કિનારી કે બિલનો પાછલો હિસ્સો કે હાથમાં કાગળનો જે કોઈ ટુકડો આવ્યો એના પર નોંધી લે. ઘરે જઈને લખવા બેસે ત્યારે કાગળના આ બધા ટુકડા એકઠા કરીને લખાણને વ્યવસ્થિત આકાર આપે.
ઓલ્ગા એક મુલાકાતમાં તેઓ કહે છે, મધ્ય યુરોપનું સાહિત્ય પશ્ચિમ યુરોપના સાહિત્ય કરતાં ઘણું જુદું છે. સૌથી પહેલાં તો રિયાલિટી પર પશ્ચિમ યુરોપ અને અમેરિકન સાહિત્યકારોને જેટલો ભરોસો છે એટલો અમને નથી. અંગેજીમાં લખતા લેખકો આંતરિક મનોવૈજ્ઞાનિક સત્યોનો ડર રાખ્યા વિના લિનીઅર (સુરેખ, ક્રમબધ્ધ) ફૉર્મમાં લખી શકે છે, પણ મારાં જેવા મધ્ય યુરોપિયન લેખકોમાં એટલી ધીરજ હોતી નથી. અમારો ઇતિહાસ એટલો ઉથલપાથલભર્યો રહ્યો છે કે અમને સતત લાગ્યા કરે કે ક્યાંક કશુંક ખોટું છે. સામે જે દેખાય છે એ એકદમ સીધુંસાદું તો ન જ હોઈ શકે. બીજો ફર્ક એ છે કે પશ્ચિમના લેખકોની સર્જકતાનાં મૂળિયાં સાઇકોએનૅલિસિસમાં દટાયેલાં છે, જ્યારે અમે હજુય પૌરાણિક યા ધાર્મિક રીતે વિચારીએ છીએ.
નોબલ પ્રાઇઝ જે-તે લેખકના સમગ્ર સર્જનને ધ્યાનમાં રાખીને અપાય છે. ઓલ્ગાની ખૂબ જાણીતી અને 900 પાનામાં ફેલાયેલી નવલકથા ધ બુક ઑફ જેકબ્સનું લોકાલ અઢારમી સદીનું પોલેન્ડ છે. થોડાં મહિના પહેલાં ડ્રાઇવ યોર પ્લો નામની નવલકથા અંગ્રેજીમાં અનુદિત થઈને માર્કેટમાં આવી. તે એક એક્ઝિસ્ટેન્શિયલ થ્રિલર છે. એક ખડૂસ સ્વભાવનાં ડોસીમા કોઈ અંતરિયાળ ગામડામાં રહે છે. એમના એક પાડોસી, એક પોલીસ ઓફિસર અને ગામનું મોટું માથું ગણાતા એક માણસનું વારફરતી મર્ડર થઈ જાય છે. આ ઘટનાઓની ડોસીમાના જીવન પર શી અસર પડે છે એની વાત આ કથામાં છે.
ઓલ્ગા પોતાની કથાઓને કોન્સ્ટેલેશન નોવેલ્સ તરીકે વર્ણવે છે. કોન્સ્ટેલેશન એટલે તારાઓનું ઝૂમખું.  ઓલ્ગા કહે છે, જ્યારે આપણે નવલકથા વાંચવાનું શરૂ કરીએ છીએ ત્યારે એવું લાગે કે જાણે આપણા મનમાં એક નવું આકાશ ઊઘડી રહ્યું હોય. બે-પાંચ દિવસ પછી નવલકથાનું નવું પ્રકરણ વાંચવા બેસીએ ત્યારે ફરી પાછા આપણે એ જ જગ્યા પર પહોંચી જઈએ છીએ. આ માનસિક પ્રક્રિયા લેખક નહીં, પણ વાચક ખુદ કરે છે. લેખક તરીકે મારું કામ વાચકોને આ અનુભવ માટેની માત્ર ભુમિકા પૂરી પાડવાનું છે. મને મારા વાચકો પર ભરોસો છે. કેટલાંય વાચકો મારા કરતાંય વધારે બુદ્ધિશાળી છે. હું એમને ઘટનાઓ, સંજ્ઞાઓ, ઇમેજીસ વગરેનું જે ઝુમખું પૂરું પાડું છું એમાંથી તેઓ પોતાની રીતે આકાર ઘડી કાઢે છે. આકાશમાં તારાઓનાં ઝુમખાં જોઈને આપણે એ જ તો કરીએ છીએ. રિયાલિટી સીધી લીટીમાં ચાલતી નથી. આપણે કમ્પ્યુટર પર કામ કરતાં હોઈએ ત્યારે એક વિન્ડો ખોલીએ છીએ, પછી એમાંથી બીજી-ત્રીજી-ચોથી વિન્ડો ઓપન કરતાં જઈએ છીએ, નવો ક્રમ વિકસાવીએ છીએ. આ નવું વાસ્તવ છે. મારી નવલકથાઓના કોન્સ્ટેલેશન ફૉર્મમાં હું વાસ્તવની આ સ્થિતિને જ કેપ્ચર કરવાની કોશિશ કરતી હોઉં છું.
ઓલ્ગાને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર લખવાનું વધારે ગમે છે એટલે ડિટેલિંગને ખૂબ મહત્ત્ત્વ આપે. ધારો કે અઢારમી સદીના પોલેન્ડમાં કોઈ માણસ ખુરસી પર બેઠો બેઠો સીવતો હોય એવું દશ્ય હોય તો એ જમાનામાં ખુરસીની બનાવટમાં કયું લાકડું વાપરવામાં આવતું, ખુરસીના હાથા કેવા રહેતા, સીવણકામ માટે કેવી સોય વપરાતી એ બધું જ ઓલ્ગા પાક્કું રિસર્ચ કરીને શોધી કાઢે. એ જમાનામાં ધાતુની નહીં, પણ લાકડાની સોય વપરાતી. આથી જો ભુલથી લોખંડની સોય લખાઈ ગઈ હોય ઓલ્ગા તેને છેકીને લાકડાની સોય કરી નાખે. નોબલ પ્રાઇઝની કક્ષાના લેખકનું પરફેક્શન પણ એ જ સ્તરનું હોવાનું!
    0 0 0 


No comments:

Post a Comment