Showing posts with label Eckhart Tolle. Show all posts
Showing posts with label Eckhart Tolle. Show all posts

Wednesday, February 3, 2016

ટેક ઓફ : જીવનમાં દિવ્ય અનુભૂતિ કઈ ઉંમરે થઈ શકે?

Sandesh - Ardh Saptahik purti - 3 Feb 2016
ટેક ઓફ 
આધ્યાત્મિકતા અને ઉંમર વચ્ચે શો સંબંધ હોય છે? શું માણસ પચાસ-પંચાવન-સાઠ વર્ષની ઉંમરે સાંસારિક જવાબદારીઓમાંથી ક્રમશઃ મુકત થઈ રહૃાો હોય ત્યારે આપોઆપ આધ્યાત્મિક થવા માંડે છે? અથવા આ તબક્કે એને આધ્યાત્મિક બનવાનું વધારે ફાવે છે? આત્મજ્ઞાાનની પ્રાપ્તિ કે એન્લાઈટન્મેન્ટ થવું એ સંભવતઃ આધ્યાત્મિક સફરની ચરમ સીમા છે, અંતિમ લક્ષ્ય છે. દિવ્ય અનુભૂતિના સ્તરે પહોંચવા માટે કેટલાં વર્ષોની કઠિન તપસ્યા જરુરી છે?

ગળ વધતાં પહેલાં સૌથી પહેલાં તો, દિવ્ય અનુભૂતિ કે આત્મજ્ઞાાન કે એન્લાઈટન્મેન્ટ જેવું ખરેખર કશુંક હોય છે એવું આપણે સ્વીકારી લઈએ. દુન્યવી વાસ્તવની સપાટીથી ઉપર ઉઠીને પરમ ઈશ્વરીય શકિત સાથે સંધાન થવું માણસ માટે શકય છે એવી પૂર્વધારણા બાંધી લઈએ. હવે પહેલો સવાલઃ આધ્યાત્મિકતા અને ઉંમર વચ્ચે શો સંબંધ હોય છે? શું માણસ પચાસ-પંચાવન-સાઠ વર્ષની ઉંમરે સાંસારિક જવાબદારીઓમાંથી ક્રમશઃ મુકત થઈ રહૃાો હોય ત્યારે આપોઆપ આધ્યાત્મિક થવા માંડે છે? અથવા આ તબક્કે એને આધ્યાત્મિક બનવાનું વધારે ફાવે છે?
બુદ્ધને બોધિવૃક્ષની નીચે જ્ઞાાનોદય થયો હતો. કાલિભકત સ્વામી રામકૃષ્ણ પરમહંસની દિવ્ય અનુભૂતિ વિશે અનક કથા પ્રચલિત છે. આત્મજ્ઞાાનની પ્રાપ્તિ કે એન્લાઈટન્મેન્ટ થવું એ સંભવતઃ આધ્યાત્મિક સફરની ચરમ સીમા છે, અંતિમ લક્ષ્ય છે. હવે બીજો સવાલઃ દિવ્ય અનુભૂતિના સ્તરે પહોંચવા માટે કેટલાં વર્ષોની કઠિન તપસ્યા જરુરી છે? શું આ મામલામાં કોઈ 'શોર્ટ કટ' હોઈ શકે ખરો? આ સંદર્ભમાં આધ્યાત્મિક ક્ષેત્રે જાણીતી બનેલી કેટલીક સમકાલીન વ્યકિતઓના અનુભવો જાણવા જેવા છે.  
આધ્યાત્મિક ગુરુ જગ્ગી સદગુરુના અનુયાયીઓમાં આમજનતાથી માંડીને સેલિબ્રિટીઓ સુધીની મોટી રેન્જ જોવા મળે છે. ૫૭ વર્ષીય સદગુરુના લેખો-પુસ્તકો અને વિડીયો કિલપિંગ્સ વાંચવા-જોવા ગમે તેવાં હોય છે. સદગુરુ સાઉથ ઈન્ડિયન ડોકટર-પિતાના દીકરા છે. એમનું મૂળ નામ જગદીશ. નાનપણથી સ્વભાવે અલગારી. જંગલોમાં અને પહાડો પર રખડપટ્ટી કરવી એમને બહુ ગમે. ઓગણીસ વર્ષની ઉંમરે એક યોગીએ જગદીશને સાદાં યોગાસનો શીખવ્યાં, જે તેઓ એક પણ દિવસ પાડયા વગર નિયમિત કરતા. અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએશન કરી રહૃાા હતા તે વર્ષોમાં જગદીશ ઘણી વાર દોસ્તો સાથે બાઈક પર મૈસૂર નજીક આવેલી ચામુંડી હિલ પર ફરવા જતા.
આ પહાડી પર આવેલી એક વિશાળ ચટ્ટાન જગદીશની પ્રિય જગ્યા હતી. એક બપોરે જગદીશ આ ખડક પર એકલા બેઠા હતા. આંખો ખુલ્લી હતી. સમય શાંતિથી વહેતો રહૃાો. 'થોડી મિનિટો પછી કશુંક થયું. મને એ વાતની સભાનતા જ ન રહી કે હું કયાં બેઠો છું,' સદગુરુએ વર્ષો પછી તે પ્રસંગ વર્ણવતા એક વખત કહેલું, 'તે ક્ષણ પહેલાં હું હંમેશાં એમ જ માનતો આવ્યો હતો કે આ 'હું' છું અને 'તે' બીજું કોઈ છે, પણ તે દિવસે પહેલી વાર મને અહેસાસ થયો કે હું ખરેખર શું છું અને શું નથી તેની મને કશી ખબર જ નથી. જાણે કે 'હું' મારામાંથી નીકળીને ચારે બાજુ ફેલાઈ રહૃાો હતો. મને એમ કે પાગલપણના જેવી માનસિક દશા પાંચ-દસ મિનિટ ચાલી હશે, પણ હું એકાએક ભાનમાં આવ્યો ત્યારે સમજાયું કે સાડાચાર કલાક પસાર થઈ ચુકયા છે. હું જાગ્રત અવસ્થામાં, આંખો ખુલ્લી રાખીને, એ જ ખડક પર, એ જ પોઝિશનમાં બેઠો હતો. સમજણો થયો પછી હું કયારેય રડયો નહોતો, પણ તે દિવસે મારી આંખોમાંથી આંસુનો એવો પ્રવાહ વહી રહૃાા હતા કે મારું આખું શર્ટ પલળી ગયું હતું.'
તેમને શંકા ગઈ કે પોતે કયાંક પાગલ તો નથી થઈ રહૃાાને. પાગલપણું તો પાગલપણું, પણ તેઓ આ અવસ્થામાંથી બહાર આવવા માગતા નહોતા. તેઓ માની શકતા નહોતા માણસને આવી સુંદર અનુભૂતિ થઈ શકે છે. સદગુરુ હંમેશાં એક ખુશમિજાજ અને પોતાની રીતે સફળ યુવાન હતા, પણ આ પ્રસંગ બન્યો ત્યારે તેમણે જે દિવ્ય આનંદ અનુભવ્યો તે કંઈ જુદો જ, શબ્દોમાં મૂકી ન શકાય એવો અદભુત હતો.
થોડા દિવસ પછી આ અનુભૂતિનું પુનરાવર્તન થયું. આ વખતે તેઓ એકલા નહોતા, બલકે ડાઈનિંગ ટેબલ પર ઘરના સભ્યો સાથે જમી રહૃાા હતા. એમને થયું કે માંડ બે મિનિટ પસાર થઈ હશે, પણ વાસ્તવમાં તેઓ એક જ જગ્યાએ સાત કલાક સુધી જાગ્રત અવસ્થામાં બેસી રહેલા! પછી આવંુ અવારનવાર બનવા લાગ્યું. એક વખત આ અનુભૂતિ લાગલગાટ તેર દિવસ સુધી નિરંતર ચાલી હતી.

'પહેલી વાર અનુભૂતિ થઈ તે પછીનાં છ અઠવાડિયાં દરમિયાન જાણે કે હું કોઈ નવો માણસ બની ગયો હતો,' સદગુરુ કહે છે, 'મારો અવાજ, મારી આંખોનો આકાર બદલાઈ ગયો હતો. મારા શરીરમાં, મારા દેખાવમાં ફેરફાર થઈ રહૃાા હતા. મારે કશુંક કરવું હતું, પણ શું કરવું તે સમજાતું નહોતું. મારી ભીતર જાણે દિવ્ય આનંદના ફુવારા ઉડી રહૃાા હતા. એક વાત હું સ્પષ્ટપણે સમજી રહૃાો હતો કે જો આ અનુભવ મને થઈ શકતો હોય તો કોઈને પણ થઈ શકે છે. માણસમાત્રનાં આંતરિક તત્ત્વો આખરે તો એક જ છે.'
આધ્યાત્મિક ગુરુ આનંદમૂર્તિ ગુરુમા (ઉંમર ૪૯ વર્ષ)ને દિવ્ય અનુભૂતિ થઈ ત્યારે પુખ્ત પણ બન્યાં નહોતાં. તેઓ ધાર્મિક માહોલમાં મોટાં થયાં છે. મા સાથે તેઓ નિયમિતપણે સત્સંગ, ધાર્મિક પ્રવચનો વગેરેમાં જતાં. એમના ઘરે સાધુસંતોનો આવરોજાવરો ખૂબ રહેતો. ગુરુમા એમને કઠિન પ્રશ્નો પૂછીને મૂંઝવી નાખતાં.
'મને દિવ્ય અનુભૂતિ થઈ ત્યારે હું સોળ વર્ષની હતી,' ગુુરુમાએ એક મુલાકાતમાં કહે છે, 'આ અનુભૂતિ થવા પાછળ કયાં ગૂઢ કારણો હશે તે હું જાણતી નથી. દિવ્ય અનુભૂતિ પછી પણ હું પહેલાંની જેમ સ્કૂલે જતી, સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લેતી. આ બધી ઈતર પ્રવૃત્તિ કોલેજનાં વર્ષોમાં પણ ચાલતી રહી. દિવ્ય અનુભૂતિ પછી મારી જીવનશૈલીમાં કોઈ ખલેલ નહોતી પહોંચી નહોતી. તેથી જ હું કહું છું કે દિવ્ય અનુભૂતિ માટે જુવાનિયાઓ શ્રેષ્ઠ ઉમેદવારો છે.'
આધ્યાત્મિકતા પર કંઈ કેવળ પૂર્વનો એકાધિકાર નથી. મૂળ જર્મન પણ કેનેડામાં સ્થાયી થયેલા ૬૭ વર્ષીય એકહાર્ટ ટોલનો કિસ્સો પણ સાંભળવા જેવો છે. તેમને 'ધ મોસ્ટ સ્પિરિચ્યુઅલી ઈન્ફ્લ્યુન્શીઅલ પર્સન ઈન ધ વર્લ્ડ' તેમજ 'ધ મોસ્ટ પોપ્યુલર સ્પિરિચ્યુઅલ ઑથર ઈન ધ યુનાઈટેડ સ્ટેટ્સ' જેવા ખિતાબ મળી ચુકયા છે. એમણે લખેલી 'ધ પાવર ઓફ નાઉ' અને 'અ ન્યુ અર્થ' નામનાં પુસ્તકોના વેચાણનો આંકડો પચાસ લાખ નકલોને વટાવી ચુકયો છે. 
એકહાર્ટ બાર વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતાના ડિવોર્સ થઈ ગયા હતા. પિતા જર્મનીથી સ્પેન જતા રહૃાા. સ્કૂલમાં જરાય મજા નહોતી આવતી એટલે એકહાર્ટે સ્કૂલે જવાનું બંધ કરી દીધું. અલબત્ત, તેમનું ભણતર ચાલતું રહૃાંું. તેઓ પુષ્કળ વાંચતા. બપોરે અને સાંજે લેંગ્વેજ કલાસ અટેન્ડ કરતા. સ્કૂલના ટેન્શનથી મુકત રહીને એકહાર્ટે જાતજાતના કોર્સ કર્યા. ૧૯ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા. ફોર્મલ એજ્યુકેશન લીધું ન હોવા છતાં તેમને એક જગ્યા જર્મન અને સ્પેનિશ ભાષા શીખવવાની નોકરી મળી ગઈ.
જુવાન થઈ ગયેલા ઈકહાર્ટ અવારનવાર ડિપે્રશનમાં સરી પડતા. એમને એમ કે કદાચ યુનિવર્સિટીના પ્રોફેસરો મારી મૂંઝવણો દૂર કરી શકશે. તેમણે યુનિવર્સિટીમાં એડમિશન લઈ ભણવા માંડયું, પરીક્ષાઓ સુધ્ધાં પાસ કરી, પણ હતાશા દૂર ન થઈ. યુનિવર્સિટીના એક પ્રોફેસર માટે એમને ખૂબ માન હતું. કશાક કારણસર તે પ્રોફેસરે આત્મહત્યા કરી નાખી. ઈકહાર્ટની હતાશા ઓર ઘૂંટાઈઃ જે માણસને હું ખૂબ સમજદાર અને પરિપકવ સમજતો હતો એણે પણ જો આપઘાત કરવો પડતો હોય તો બીજાઓની શું વાત કરવી?
૨૯ વર્ષના થયા ત્યાં સુધીમાં એકહાર્ટનું ડિપ્રેશન ખૂબ તીવ્ર બની ચુકયું હતું. એક રાતે અચાનક તેઓ ઊંઘમાંથી ઝબકીને જાગી ગયા. તેમનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયેલું. છાતીના ધબકારા વધી ગયેલા. કશાક અજાણ્યા ભયથી તેઓ થરથર કાંપતા હતા. જોરજોરથી માથું ધૂણાવીને તેઓ ખુદને કહેવા લાગ્યાઃ 'નહીં... આ રીતે હું મારી જાત સાથે વધારે સમય રહી નહીં શકું.'

એકાએક તેઓ સભાન બન્યા. તેમને થયું: આ હમણાં મને કેવો વિચાર આવી ગયો? 'હું મારી જાત સાથે વધારે રહી નહીં શકું' એટલે? શું 'હું' અને 'મારી જાત' બન્ને અલગ અલગ વ્યકિતઓ છે? એકહાર્ટના મનમાં વિચારોનું તાંડવ શરુ થઈ ગયું: હું કોણ છું?અને જેની સાથે હું રહી શકું તેમ નથી તે મારી જાત કોણ છે?
એકહાર્ટને સમજાયું કે એક 'હું' છે જે શુદ્ધ અને નિર્ભેળ છે અને બીજી 'મારી જાત' છે જે સતત આસપાસની પરિસ્થિતિઓ તેમજ લોકોથી પ્રભાવિત થતી રહે છે. એકહાર્ટને લાગ્યું કે તેઓ જાણે કોઈ જબરદસ્ત આંતરિક ઊર્જાના સ્રોત તરફ ધકેલાઈ રહૃાા છે. આ અનુભૂતિને લીધે એક તરફ એમને ડર લાગી રહૃાો હતો તો બીજી તરફ અજબ મુકિતનો અહેસાસ થઈ રહૃાો હતો. માંહૃાલામાંથી એક અવાજ સતત એને કહી રહૃાો હતોઃ 'વહેતો જા...કશાયને રોકીશ નહીં!'
આ નિર્ણાયક રાત્રિએ એકહાર્ટનું આખું જીવન પલટી નાખ્યું. બીજે સવારે તેઓ ઉઠયા ત્યારે નવી જ વ્યકિત બની ગયા હતા. એમની સમગ્ર દષ્ટિ બદલાઈ ચુકી હતી. બધું નવું નવું અને જાણે પહેલી વાર જોઈ રહૃાા હોય તેવું લાગતું હતું. માત્ર મન-હ્ય્દયમાં જ નહીં, બલકે આસપાસ તમામ ચીજવસ્તુ-વ્યકિતઓમાં અજબ શાંતિ વર્તાતી હતી. એકહાર્ટ ધીમે ધીમે ધાર્મિક શિક્ષણ તરફ વળ્યા અને ક્રમશઃ સ્પિરિચ્યુઅલ વ્યકિત તરીકે જાણીતા થતા ગયા.  
આમ, સદગુરુ, આનંદમૂર્તિ ગુરુમા અને એકહાર્ટ ટોલ આ ત્રણેયને નાની ઉંમરે દિવ્ય અનુભૂતિ થઈ હતી. મધ્યવય કે ઉત્તરાવસ્થા આધ્યાત્મિકતા માટે વધારે અનુકૂળ છે તે કેવળ એક માન્યતા છે, સચ્ચાઈ નહીં. ગુરુમા કહે છે તેમ, આધેડ વ્યકિતઓ અને વૃદ્ધોની તુલનામાં જુવાનિયાઓ દિવ્ય અનુભૂતિ માટેને વધારે યોગ્ય ઉમેદવાર છે!
0 0 0 

Thursday, March 24, 2011

કાંતિ ભટ્ટનું લેટેસ્ટ પુસ્તક કેવું છે?

મેરા મગજ મહાન!


ચિત્રલેખા અંક તારીખ ૨૧ માર્ચ ૨૦૧૧માં પ્રકાશિત


કોલમઃ
વાંચવા જેવું











મેરિકામાં એક  પ્રયોગ થયો. પ્રતિષ્ઠિત કોલેજોમાં સાઈકોલોજી ભણાવતા સાત પ્રોફેસરો જાણે પોતે માનસિક રીતે બિમાર હોય તેવો સ્વાંગ સજીને એક સાઈકિએટ્રિક હોસ્પિટલના ડોક્ટર પાસે ગયા. આ સાતેયને તપાસવામાં આવ્યા અને તેમના અભિનયને સાચો માનીને હોસ્પિટલમાં  દાખલ સુધ્ધાં કરી દેવામાં આવ્યા. બાવન દિવસો પછી તેમને છુટા કરાયા સાજા થયેલા દર્દી તરીકે નહીં, પણ અમુક હદે સુધારો પામેલા દર્દી તરીકે. આટલા દિવસો સુધી સાઈકિએટ્રિસ્ટો, નર્સો કે વોર્ડબોય્ઝમાંથી કોઈને ખબર ન પડી કે આ લોકો પાગલ હોવાનું નાટક કરી રહ્યા છે! આ અખતરો પછી અલગ અલગ બાર મેન્ટલ હોસ્પિટલમાં રિપીટ કરવામાં આવ્યો અને દર વખતે લગભગ એકસરખું પરિણામ આવ્યું! 

કાન્તિ ભટ્ટે આ રસપ્રદ કિસ્સો તેમનાં ‘મગજશક્તિ’ પુસ્તકમાં લખ્યો છે. માનવીનું મગજ દુનિયાનું સૌથી જટિલ ફિઝિકલ ફોર્મ છે.  તેના વિશે લખવું, વારંવાર લખવું અને સૌને રસ પડે તે રીતે લખવું સહેલું નથી. આ પુસ્તકમાં સંગ્રહ પામેલા ૩૦ લેખોમાં  મગજ વિશે ચિક્કાર અને વૈવિધ્યસભર માહિતી પિરસવામાં આવી છે.

માર્ચ-એપ્રિલ એટલે પરીક્ષાની સિઝન. કાંતિ ભટ્ટ લખે છે કે બદામ ખાવાથી કંઈ નહીં વળે, મગજની સમસ્યા મગજથી જ ઊકેલાશે. રોજ ૨૦ થી ૩૦ મિનિટ  કંઈ પણ વિચાર્યા વગર રિલેક્સ થઈને પડ્યા રહો. વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસોમાં આ ખાસ કરવા જેવું છે.  અઢાર કલાક સતત વાંચવાને બદલે અડધો કલાક ટેલિવિઝન કે વિડીયો પર મનગમતો રમૂજી કાર્યક્રમ સાંભળી લેવાથી મગજની સ્મરણશક્તિ વધે છે.

કાંતિ ભટ્ટના લેખોમાં આંકડા અને વિગતોની રેલમછેલ હોવાની. તેઓ લખેે છે કે મગજના કોષોની સંખ્યા ૧૦ અબજ છે કે ૧૦૦ અબજ છે તે નક્કી થઈ શક્યું નથી. શરીરમાં મગજ જ એક એવું અંગ છે જેને પીડા થતી નથી. પુરુષના મગજનું વજન લગભગ ૧૪૦૦ ગ્રામ અને  સ્ત્રીના મગજનું વજન આશરે ૧૨૬૦ ગ્રામ સરેરાશ હોય છે. જોકે ૧૮થી ૮૦ વર્ષનાં સ્ત્રીપુરુષોનાં મગજના તપાસને અંતે તારણ નીકળ્યું કે પુરુષોના મગજ સ્ત્રીઓના મગજ કરતા ત્રણગણી ઝડપે તેનાં કોષોને ગુમાવે છે. સ્ત્રીનું મગ લાંબુ ટકે છે, પુરુષનું મગજ જલદીથી ખરાબ થઈ જાય છે. સ્ત્રીના સૌથી મોટા અને વજનદાર મગજનો રેકોર્ડ ૧૫૬૫ ગ્રામનો હતો... અને એ સ્ત્રી ખૂની હતી!

સ્ત્રી હોય કે પુરુષ, શું માણસ વૃદ્ધ થાય એટલે તેના મગજશક્તિ ઓછી થાય જ તે જરૂરી છે? ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ૭૪ વર્ષની વયે પત્રકારને કહેલુંઃ મારામાં ક્ષીણતા નહીં આવે, હું કૃશ નહીં થાઉં, માનસિક રીતે પણ નહીં. આટલું કહીને કાન્તિ ભટ્ટ ઉમેરે છેઃ ‘જે માણસ સતત નિરીક્ષણ કરે છે, જે નીરખે છે તેને મનમાં ઉતારે છે, આત્મસાત કરે છે, એ પછી ચારેકોરથી ઊઠતા સવાલના જવાબ શોધે છે, તે કદી ક્ષીણ થતો નથી. તેની ફેકલ્ટીઓ જાગતી રહે છે. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ પોતે આ પ્રમાણે જીવ્યા.’ 

મગજની અંદર જટિલ પ્રકારે વણાયેલા વિવિધ કોષો અને કણોમાં જે પ્રકારે ફેરફાર થાય તે પ્રમાણે માનવીનાં મનમાં કે વર્તણૂકમાં ફેરફાર થાય છે. કાન્તિ ભટ્ટ લખે છે,‘જુદા જુદા એકસોથી વધુ પ્રકારના રસો મગજના પિંડમાંથી ઝરે છે. આ રસોને આપણી લાગણીઓ સાથે સીધો સંબંધ છે. માનવીની લાગણીઓ દ્વારા કે ધ્યાન દ્વારા આપણે તમામ રસોને યોગ્ય દિશામાં વાળી શકીએ નહીં, પણ એક વાત ચોક્કસ છે કે આપણે જે કોઈ વિચારો કરીએ છીએ તેનું કેમિકલ રેજિસ્ટ્રેશન થાય છે.  સારા કે નરસા વિચારો કરતી વખતે ખ્યાલ રાખજો કે આ વિચારોની રાસાયણિક નોંધ તુરંત લેવાઈ જાય છે.’

એક લેખમાં નોંધાયું છે તે પ્રમાણે, નોબલ પારિતોષિક વિજેતા ડો. હેસ સેલ્વેએ લખ્યું છે કે શાંતિવાળા અને આશાસ્પદ વિચારો આપણા મગજમાં લાભપ્રદ હોર્મોન પેદા કરે છે. કોર્ટીઝોન નામનું હોર્મોન આપણને શાંત કરે છે અને એડ્રેનેલીન આપણને આક્રમક બનાવે છે. ચિંતા કે મગજની તાણ સદંતર મિટાવી તો ન શકાય. ડો. સેલ્વે કહે છે કે આ સ્ટ્રેસ આપણા જીવનનો નોર્મલ ભાગ છે. અમુક માણસો આ માનસિક તાણ સામે જીવી શકે છે, પણ બધા તાણને જીરવી શકતા નથી.

લેખની શરૂઆતમાં જે કિસ્સો ટંકાયો છે તે પ્રમાણે સાઈકિએટ્રીના નામે લોલમ્લોલ ચાલે છે તે સાચું, પણ આજના જમાનામાં પ્રોફેશનલ માનસચિકિત્સાનું મહત્ત્વ દિન-બ-દિન વધી રહ્યું છે તે પણ એટલું જ સાચું. માનસ ચિકિત્સકે મનના બીમાર માનવીની ચિકિત્સા કરતી વખતે બે વાત ખાસ લક્ષ્યમાં રાખવી પડે છે. એક તો, માનવી પોતે પ્રેમ ઈચ્છે છે અને બીજાને પોતાનો પ્રેમ આપવા માગે છે. બીજું, એ માનવી આ દુનિયામાં ભારરૂપ નથી પણ ઉપયોગી છે અને મહત્ત્વનો છે તેવું ભાન થવું જોઈએ એટલે કે તે પોતાને તેમજ બીજાને વફાદાર રહી શકે છે તેવી ભાવના જાગૃત કરવી જોઈએ.

મગજ સાથે સંકળાયેલી કેટકેટલી વાતો આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે  ટેલીપથી, વશીકરણ, સ્પિરિચ્યુઅલ હિલીંગ, મેગ્નેટિક હિલીંગ, સાઈકિક સર્જરી, બુદ્ધિમાં ન ઊતરે તેવી વહેમની વાતો, પુનર્જન્મ, યુરિ ગેલરની વિસ્મયકારી વાતો, સ્વામી શિવાનંદજીની પ્રાણાયામની વાતો... અરે,  પુસ્તકમાં ‘સદમા’ ફિલ્મની વાત પણ વાત છે.  કાન્તિ ભટ્ટ લખે છે, ‘ શ્રીદેવીને ફિલ્મમાં અકસ્માત પછી રમકડાં જેવી બતાવી છે એ ખોટું છે. મગજને હાનિ થાય પછી દર્દી સતત દર્શનશ્રવણસંબોધન વગેરે દરેક ક્રિયા અત્યંત પીડા સાથે કરે છે. શ્રીદેવીની જે હાલત થયેલી તેને તબીબી ભાષામાં પ્રોસોપેગ્નોસિયા કહે છે. આ નામ બે ગ્રીક શબ્દો પરથી બનેલો છે  પ્રોસોપોન એટલે ચહેરો અને એગ્લોસિસ એટલે ન ઓળખવું.’  આ માહિતી કદાચ ખુદ શ્રીદેવી પાસે પણ નહીં હોય! 

કાન્તિ ભટ્ટ સંભવતઃ સૌથી જાણીતા ગુજરાતી પત્રકાર છે. તેમની સાદગીભરી લેખિનીમાં હંમેશા આકર્ષક હળવાશ અને ગતિશીલતા હોય છે. તેઓ વાચકને સીધા સંબોધીને આત્મીયતાપૂર્વક વાત કરે છે.  તેઓ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘આરોગ્ય મારો પ્રિય વિષય છે. તેમાં મગજનું આરોગ્ય પણ આવે. મગજ વિશે બહુ ઓછું લખાય છે. હું અમેરિકા જાઉં ત્યારે મહત્ત્વનાં ઘણાં શહેરોમાં આઉટલેટ્સ ધરાવતા બાર્ન્સ એન્ડ નોબલ બુકશોપમાંથી બ્રેઈન સંબંધિત પુસ્તકો જરૂર ખરીદું. હું હિન્દી સાહિત્યકાર અજ્ઞેયને વાંચીને સમજ્યો છું કે મગજ, બ્રેઈન અગર માઈન્ડ કરતાં અને જ્ઞાન કરતાં આત્મસૂઝ વધુ મહત્ત્વની છે. મગજને અનુસરજો, જ્ઞાનને પચાવજો, પણ તે પછી આત્મા કહે તે પ્રમાણે જ કરજો.’

ંજર્મન સ્પિરિચ્યુઅલ ગુરૂ ઈખાર્ટ ટોલી કહે છે કે માણસનું મગજ સભાનાવસ્થાને જન્મ નથી આપતું, પણ સભાનાવસ્થા મગજને જન્મ આપે છે. ઈખાર્ટ જે તત્ત્વને સભાનાવસ્થા કે કોન્શિયસનેસ તરીકે વર્ણવે છે એને જ કાન્તિ ભટ્ટ આત્મસૂઝ કહે છે? કદાચ.

આ પુસ્તકનો વિષય જ એવો છે કે તે તરૂણોથી માંડીને સિનિયર સિટીઝનો સુધીના સૌને અપીલ કર્યા વગર ન રહે. પ્રૂફની ભુલો જોકે રહી ગઈ છે. જેમ કે, એક આખા લેખમાં ‘સ્કિઝોફ્રેનિયા’ને બદલે ‘સીઝેફેનિયા’ શબ્દ છપાયો છે. ખેર, તે સહિત પણ સુંદર પુસ્તક. શુષ્ક ઈન્ફોર્મેશન નહીં, પણ પ્રેરણા અને પોઝિટિવિટીથી ભરપૂર પુસ્તક. દિમાગને દોસ્તી કરવાનું મન થાય તેવું પુસ્તક!  

(મગજશક્તિ


લેખકઃ કાન્તિ ભટ્ટ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર-અશોક પ્રકાશન મંદિર,
કસ્તૂરબા ખાદી ભંડારની  ઉપર, રતનપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૧ અને ૧૩૪, શામળદાસ ગાંધી રોડ, મુંબઈ-૨ 

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩

કિંમતઃ રૂ. ૧૪૦/

પૃષ્ઠ સંખ્યાઃ ૨૦૨)