Showing posts with label Suresh Dalal. Show all posts
Showing posts with label Suresh Dalal. Show all posts

Tuesday, July 29, 2014

ટેક ઓફ : અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે

Sandesh - Ardh Saptahik Purty - 30 July 2014

ટેક ઓફ 

આકાશ વરસી રહ્યું હોય ત્યારે પહેલાં પલળવાની અને કોરા થયા પછી એક હાથમાં ગરમાગરમ ચાનો કપ (અથવા બિયરનો મગ, જેવી સગવડ) અને બીજા હાથમાં મનગમતું પુસ્તક લઈને પલંગ પર પહોળા થવાની કેવી મજા આવે. સાચ્ચે, ચોમાસુ પોતાની સાથે પ્રમાદ પણ ખેંચતું લાવે છે. આવા માહોલમાં ઓફિસ જવાનું કોને ગમે. તેથી જ વેણીભાઈ પુરોહિત સ્પષ્ટપણે કહી દે છે કે,આજ નથી જાવું બસ કોઈનાય કામ પર... અલ્યા ધીંગા વરસાદ! તારા નામ પર! 


સ્ત ચોમાસું જામ્યું હોય ત્યારે વરસાદી કાવ્યોથી ન ભીંજાઈએ તે કેમ ચાલે. સુરેશ દલાલે 'ગીતવર્ષા' નામનું વર્ષાકાવ્યોનું સુંદર સંપાદન કર્યું છે. વર્ષો પછી હિતેન આનંદપરાએ આ અન્ય કવિઓ અને કવિતાઓને સમાવતું ઔર એક સંપાદન કર્યું, જે 'મોન્સૂન મસ્તી' નામે પ્રકાશિત થયું. તે પણ મસ્તમજાનું છે.
શરૂઆત કરીએ ચોમાસા સાથે સંકળાયેલી પીંગળશી ગઢવીની આ પંક્તિઓથી, જે એટલી હદે પ્રચલિત થઈ ચૂકી છે કે તેને લગભગ લોકસાહિત્યનો દરજ્જો મળી ગયો છેઃ 
આષાઢ ઉચારં, મેઘ મલારં
બની બહારં જલધારં,
દાદૂર ડકારં, મયૂર પુકારં
તડિતા તારં વિસ્તારં.
નાં લહી સંભારં, પ્યાસ અપારં
નંદકુમાર નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુલ આવો ગિરધારી રે જી રે
ગોકુલ આવો ગિરધારી!

પ્રત્યેક ગુજરાતી આ પંક્તિઓ, એના રાગ અને લયથી પરિચિત છે, પણ એટલું પૂરતું નથી, અર્થની પણ ખબર હોવી જાઈએ! કવિ સુરેન ઠાકર 'મેહુલ' સમજાવે છે, 'દાદૂર ડકારં એટલે દેડકાનું ડ્રાંઉં ડ્રાંઉં. તડિતા તારં વિસ્તારં એટલે વીજળીના તાર વિસ્તરતા જાય છે. ના લહીં સંભારં અર્થાત, મારી સંભાળ ન લીધી!' બાકીની પંક્તિઓ સ્વયં સ્પષ્ટ છે.
ચોમાસું જો ડાહ્યુંડમરું થઈને સમયસર હાજર થઈ ગયું હોય તો મોન્સૂન મસ્તી કરવાની મજા બમણી થઈ જાય, પણ આ વખતની જેમ વર્ષાઋતુ જો મોડી બેસે તો સંદીપ ભાટિયાની જેમ આપણા મનમાંય સવાલ થાયઃ કુદરતે તો વરસાદ મોકલી આપ્યો હતો, એ ક્યાંક ગેરવલ્લે તો નહીં ગયો હોયને?
આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે.
છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયાં તોય કોરા રહ્યાનું શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું
વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે.
ચોમાસું ખેંચાઈ જાય એટલે આકાશ ઘેરાયેલું રહે, આપણને ટગવતું રહે, પણ વરસવાનું નામ ન લે. આપણે અકળાવા લાગીએ,ધીરજ ખૂટવા લાગે. આખરે કંટાળીને કૃષ્ણ દવેની માફક વાદળ પર ગુસ્સો કરી નાખીએ, પણ વાદળ પાસે ક્યાં પ્રતિપ્રશ્નો અને પ્રતિદલીલોની કમી છે. જુઓ કવિ અને વાદળ વચ્ચેની તડાફડીઃ
છેવટે કંટાળીને મેં વાદળાંને કીધું
કે વરસ્યા વિનાનાં શું જાવ છો!
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ
પણ આપશ્રી ક્યાં કોઈ'દી ભીંજાવ છો?
મેં કીધું શું ક્યો છો? ગ્યા વરસે ક્યાં ર્યો'તો
છત્રી ઉઘાડવાનો વેંત?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય
ઈ તો અંદરથી ઉઘાડે હેત
વરસી વરસીને અમે થાકી ગયાને
તોય તમે ક્યાં લીલાછમ થાવ છો?
મેં કીધું આ રીતે શું કામે નાખો છો
માણસની જાત માથે આળ?
વાદળ ક્યે ચાલ મને તારામાં ગોતી દે
એકાદી લીલીછમ ડાળ
મૂળનું તો સરનામું મળતું નથી
ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો?
મેં કીધું આ રીતે તરસ્યે મારીને
તમે સારું તો કરતા નથી જ
વાદળ ક્યે બસ ભાઈ આ રીતે અમને પણ
થોડીક ચડી ગઈ ખીજ
અબઘડીએ ઘોઘમારી વરસી પડું છું
બોલો બાળકની જેમ તમે ન્હાવ છો?



ખેર, મોડું તો મોડું, ચોમાસું આવ્યું એટલે ભયો ભયો. ચડો માળિયા પર, ઉતારો છત્રી, શોધો રેઈનકોટ. વરસાદને ગમે તેટલો મિસ કરતા હોઈએ તો પણ આખી સીઝન થોડા પલળતા રહીશું? છત્રીની જરૂર ક્યારેક તો પડવાની જ છે. ઉદયન ઠક્કર શું કહે છે તે સાંભળોઃ
ભીંજાવામાં નડતર જેવું લાગે છે
શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ
ઊઘડી જઈએ, અવસર જેવું લાગે છે.
આકાશ વરસી રહ્યું હોય ત્યારે પહેલાં પલળવાની અને કોરા થયા પછી એક હાથમાં ગરમાગરમ ચાનો કપ (અથવા બિયરનો મગ, જેવી સગવડ) અને બીજા હાથમાં મનગમતું પુસ્તક લઈને પલંગ પર પહોળા થવાની કેવી મજા આવે. સાચ્ચે, ચોમાસુ પોતાની સાથે પ્રમાદ પણ ખેંચતું લાવે છે. આવા માહોલમાં ઓફિસ જવાનું કોને ગમે. તેથી જ વેણીભાઈ પુરોહિત સ્પષ્ટપણે કહી દે છે કે -
આજ નથી જાવું બસ કોઈનાય કામ પર -
અલ્યા ધીંગા વરસાદ! તારા નામ પર!
ચોમાસું આવે ને યાદ આવો તમે,
દિલને ગુલાબી આ ગમગીની ગમે
જિંદગીના ચોપડામાં જિંદગી છે જમે
આજ મને આવી છે ઊલટ આરામ પર
આજ નથી જાવું બસ કોઈનાય કામ પર.
વરસાદમાં અલસાતા પડયા હોઈએ ત્યારે વિચારતાં વિચારતાં કશુંક લખવાની બહુ મજા આવે. ધારો કે કાગળ પર કવિતા કે નવા વિચારો ન ઊતરે તો પણ સવારનું છાપું લઈને આડાઊભા ખાનાંની શબ્દરમત તો રમી જ શકાય છે. ભગવતીકુમાર શર્મા વરસાદી ક્રોસવર્ડ પઝલ કેવી રીતે ઉકેલે છે તે જુઓઃ
અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
ત્રણ અક્ષરના આકાશે બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૃંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
ચાર અક્ષરના બાર મેઘમાં છલબલ આપણાં ફળિયાં,
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાડૂબ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!



તમે કહેશો કે ચો-મા-સું તો ત્રણ અક્ષરનું થયું, એને અઢી અક્ષરનું કેવી રીતે ગણી શકાય? વેલ, કવિતામાં બધી છૂટ છે! કવિતા ભાવ અને સ્પંદન સમજે છે, ગણિત નહીં! એ જ રીતે વરસાદ પણ માત્ર વરસવાનું સમજે છે, પક્ષપાત નહીં. એ તો સૌના પર એકસરખો વરસે. વરસાદમાં તારું-મારું થોડું હોય. અલબત્ત, જો તમારી પાસે મનોજ્ઞા દેસાઈ જેવી સંવેદનશીલતા હોય તો વરસાદના પણ ભાગલા પાડી શકો છો ને પ્રેમપૂર્વક હક જમાવી શકો છો! જુઓઃ
એક મારો વરસાદ એક તારો વરસાદ
અને પેલો વરસાદ જરા નોખો
આ સૌનાં હૈયાંમાં સૌનો વરસાદ લઈ
જોને વહેતાં જાય લોકો.
મારા વરસાદને લાગે જો એકલું
તો તારો વરસાદ જરી આપશે?
પાછો દેતાં એને રાખી લઉં થોડો
તો કેટલો લીધો તે કેમ માપશે?        
વરસાદી આપ-લેના ભીના સંબંધનો
જોજે વહી ન જાય મોકો...

બધાં કંઈ વર્ષાઋતુના પ્રેમમાં ન પણ હોય. દિવસોના દિવસો સુધી ખેંચાયા કરતો સૂર્યપ્રકાશ વગરનો ધાબળિયો માહોલ વિપિન પરીખને તો સાડાસાતી જેવો લાગે છે! સાંભળોઃ
માથા પર તોળાઈ રહેલું ગમગીન વાતાવરણ-
સાડાસાતી જેવું.
ગલી અને રસ્તા ઉપર ગંદા પાણીનાં વિશાળ સરોવર,
ટાયરમાં નકશો ભરીને કાદવ ઉડાડતી
દોડી જાય મોટર
ખાબોચિયાંમાંથી.
ભીનાં ભીનાં વસ્ત્રોની હાર
દિવસોના તાર ઉપર એમની એમ.
હવાઈ ગયેલા મિત્રો...
પોતાના જ ઘરમાં પોલીસ વિનાની નજરકેદ.
એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ...
વરુણનું એકધારું સામ્રાજ્ય આ નધણિયાતા નગર ઉપર.
હવે આ ધોધમાર પાણીના પૂરમાં
સૂરજ પણ તણાઈ ગયો શું?
અમારાં મકાનોની જેમ...

તમે શાની રાહ જોઈ રહ્યા છો - વરસાદને ઔર માણવાના અવસરોની કે પછી વર્ષાઋતુની વિદાયની?  
0 0 0 

Tuesday, July 30, 2013

ટેક ઓફ : અધ્યાત્મ અને અનુભૂતિ : બુદ્ધિના સીમાડાની પેલે પાર...


Sandesh - Ardh Saptahik Purty - 1 August 2013

Column: ટેક ઓફ

'મને સાગર જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો. મારા ઉપર જાણે પ્રકાશનો દરિયો ફેલાઈ આવ્યો. જાણે નક્કર જગતનો લોપ થઈ ગયો. નાથાભાઈ જોશીએ કહ્યું: હવે શંકા કરશો નહીં. માએ તમને શક્તિનો અનુભવ કરાવ્યો છે.'


ગુરુપૂર્ણિમાના પર્વ પર આ વખતે કેટલાય ગુજરાતીઓએ ગોંડલવાસી નાથાભાઈ જોશીની ગેરહાજરી તીવ્રતાથી અનુભવી હશે. નાથાભાઈ એટલે કશુંક 'ભાળી ચૂકેલો' આત્મા. પ્રસિદ્ધિથી જોજનો દૂર રહેલા અત્યંત લો-પ્રોફાઈલ આધ્યાત્મિક ગુરુ, જેમનું મે મહિનામાં નિધન થયું. નાથાભાઈના શિષ્યોમાં (એમને તો 'શિષ્ય' શબ્દ સામે પણ વિરોધ હતો) પત્રકારો અને પ્રતિષ્ઠિત સાહિત્યકારોનાં નામ બોલે છે, છતાંય જાહેર માધ્યમોમાં તેમના વિશે ભાગ્યે જ કશુંક લખાયું છે કે ચર્ચાયું છે. તેમના વિશે ઝાઝી વાત પણ ન કરવાની એક સ્વયંશિસ્ત અનુયાયીઓએ પાળી છે.
જોકે નાથાભાઈના જીવનકાળ દરમિયાન એમના વિશે સ્વર્ગસ્થ કવિ મકરંદ દવે સહેજ ખૂલીને બોલ્યા હતા, સુરેશ દલાલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં. આ સોળેક વર્ષ પહેલાંની વાત છે. મકરંદ દવે વાત કરી શક્યા એનું કારણ એ હશે કે નાથાભાઈ સાથે તેમનો મૈત્રીનો સંબંધ હતો, ગુરુ-શિષ્યનો નહીં. બંનેની પહેલી મુલાકાત જે સંજોગોમાં થઈ હતી તે આખો કિસ્સો ભારે રસપ્રદ છે. તર્કને જરા એક બાજુ પર મૂકીને સાંભળવા જેવી આ અલૌકિક વાત છે.
Nathabhai Joshi (Gondal)

મકરંદ દવે યુવાનીમાં રાજકોટના એક અખબારમાં સબ-એડિટર તરીકે કામ કરતા હતા. એક વાર રાતે બે વાગ્યે અચાનક તેમની નાભિમાંથી અવાજ આવ્યોઃ 'હરિ બોલ... હરિ બોલ.' મકરંદ દવે ચમકી ગયા. થોડું પાણી પીધું ને આમતેમ આંટા માર્યા એટલે એ અવાજ, એ અનુભૂતિ જતા રહ્યા. બીજા દિવસે રાત્રે ફરી પાછો આ અનુભવ થયો. કવિ મૂંઝાઈ ગયા. દિવસે ઓફિસમાં તો બરાબર કામ થાય છે, પણ રાતે અચાનક શું થઈ જાય છે? નર્વસ બ્રેકડાઉન થઈ ગયો કે શું? ધીમે ધીમે એ સ્થિતિ આવી ગઈ કે દિવસ દરમિયાન પણ એકાએક'હરિ બોલ' અવાજ સંભળાવા લાગ્યો. મકરંદ એના તરફ ધ્યાન ન આપે, ઇચ્છાશક્તિથી અનુભૂતિને દબાવી દે, પણ એક રાત્રે ફરી પાછું નાભિમાંથી 'હરિ બોલ' સંભળાયું ને મકરંદ ભયંકર ચીસ પાડી ઊઠયા. એવું લાગતું હતું કે જાણે મગજની નસો ફાટી જશે. સવારે જાગ્યા ત્યારે વિસ્ફોટ પછીની શાંતિ અનુભવાઈ, પરંતુ રાતે ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું ત્યારે મકરંદ કાબૂ ગુમાવી બેઠા. એમને અવાજ સંભળાયોઃ "તમે ગોંડલ જાઓ. એક માણસ તમને મળશે. એ બધું સમજાવશે." મકરંદે કહ્યું: "મારા પર દૈનિકની જવાબદારીઓ છે. કામ મૂકીને કેવી રીતે જાઉં?" અવાજ આવ્યોઃ "તમે જાઓ. તમારે જવું જ પડશે."
બીજા દિવસે અખબારના માલિક અને તંત્રી વચ્ચે મતભેદ થઈ ગયો. માલિકે તંત્રીને છૂટા કર્યા. તંત્રીને અન્યાય થઈ રહ્યો છે એવું લાગતા સાથી પત્રકારોએ સામૂહિક રાજીનામું આપી દીધું. મકરંદ દવે પરથી ચમત્કારિક રીતે કામની જવાબદારીઓ જતી રહી! હવે ધારે તો તેઓ ગોંડલ જઈ શકે એમ હતા, પણ એ રહ્યા બુદ્ધિવાદી માણસ. આ જે અવાજો સંભળાય છે એ કેવળ ભ્રમણા કે માનસિક બીમારી હોય તો? તર્કની શક્તિમાં વિશ્વાસ હોવા છતાં મકરંદ મૂંઝાયા કરે. ભૂખ-તરસ જાણે મરી ગઈ. ગિરનાર જઈને કોઈ યોગીને મળવાની ઇચ્છા થયા કરે. જોકે એમને જૂનાગઢ જવાની જરૂર જ ન પડી. એક દિવસ એક મિત્રે કહ્યું કે જૂનાગઢથી નાથાભાઈ જોશી નામના એક કૃષ્ણભક્ત આવ્યા છે. જૂનાગઢનું નામ પડતાં મકરંદ દવેના કાન ચમક્યા. નાથાભાઈને મળવા ગયા ત્યારે ઘણા માણસો બેઠા હતા. મકરંદ દવેએ કહ્યું: "એક પ્રશ્ન પૂછવો છે. કશુંક જાણવું છે મારે. તમને ખબર પડે?" જવાબ મળ્યોઃ "ભાઈ, આજે તો ઘણા લોકો છે, કાલે આવજો."

બીજા દિવસે સવારે નવ વાગ્યે નાથાભાઈ બારણે રાહ જોતા ઊભા હતા. મકરંદ દવેને ઓરડામાં લઈ જઈ બારણાં બંધ કર્યાં. નાથાભાઈ કહે, "તમે કશું કહેશો નહીં. હું કહું છું." પછી 'હરિ બોલ'ના અવાજથી માંડીને મકરંદ દવેને જે કંઈ અનુભવો થયા હતા તે બધા જ નાથાભાઈ બોલી ગયા. ત્યારબાદ ઉમેર્યું: "આ બધું જ સાચું છે, ભ્રમણા નથી, કલ્પના નથી. ભગવાનનો આ અનુગ્રહ છે. તમે એનો સ્વીકાર કરો.' મકરંદ દવે કહેઃ "મારી આજીવિકાનું શું? બા-કુટુંબનું શું?" નાથાભાઈએ જવાબ આપ્યો કે ભગવાનનું નામ લો, બાકીની ચિંતા મા જગદંબા પર છોડી દો. મકરંદ દવેના મનનું સમાધાન થઈ ગયું. પ્રશ્નો દૂર થયા. શાંતિનો અનુભવ થયો.
આ રીતે નાથાભાઈ સાથે બંધાયેલો સંબંધ ઘનિષ્ઠ થતો ગયો અને મૃત્યુપર્યંત જળવાઈ રહ્યો. બંને ભેગા થાય એટલે ગંભીર વાતો વચ્ચે હાસ્યના ફુવારા ઊડે અને હાસ્ય શમે ત્યાં અંતર્લીન, ભાવમસ્ત અવસ્થા આવી જાય. મકરંદ દવે કહે છે, "અધ્યાત્મ અને અંગત પ્રાપ્તિની એવી કોઈ ભૂમિકા નહીં હોય જેના વિશે અમે ઝીણી નજરે ન જોયું હોય. ઘણા પડદા હટાવીને અંતરંગ વાતો થઈ છે, સંવેદના અનુભવી છે."
મકરંદ દવે આપણી ભાષાના શ્રેષ્ઠતમ કવિઓમાંના એક છે. એ જ્યારે કશુંક ગંભીરતાથી કહેતા હોય ત્યારે આપણા વૈજ્ઞાાનિક મિજાજને ઝટકો લાગે તો પણ સાંભળવું જોઈએ. એક વખત નાથાભાઈ સાથે મકરંદ દવે શક્તિપાત વિશે ચર્ચા કરી રહ્યા હતા. શક્તિપાત એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં પવિત્ર મંત્ર, દૃષ્ટિ કે સ્પર્શથી આધ્યાત્મિક શક્તિનું આરોપણ કરે એ. સામાન્યપણે આ ઘટના ગુરુ-શિષ્ય વચ્ચે બનતી હોય છે. મકરંદ દવેએ કહ્યું કે હું કંઈ શક્તિપાતમાં માનતો નથી. વ્યક્તિએ સ્વયં પોતાની જાતને પ્રગટ કરવી જોઈએ. નાથાભાઈ કહે, "ના, એવી શક્તિ છે. એ શક્ય છે. ભગવદ્ શક્તિ દ્વારા એ ઉત્પન્ન થઈ શકે." મકરંદના ગળે વાત ન ઊતરી. નાથાભાઈ ઊભા થઈને મકરંદ પાસે આવ્યા. એમના મસ્તક પર હાથ મૂક્યો. કંઈક અજબ ચમક હતી નાથાભાઈની આંખોમાં. એ વખતે તો કશું થયું નહીં, પણ સાંજ થતા પરિસ્થિતિ પલટાઈ ગઈ.


'મને સાગર જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો,' મકરંદ દવે કહે છે, "મારા ઉપર જાણે પ્રકાશનો દરિયો ફેલાઈ આવ્યો. હું તેમાં ડૂબી ગયો. જાણે નક્કર જગતનો લોપ થઈ ગયો. મને વિચાર આવ્યો કે આ મને શું થઈ ગયું છે? હું નાથાભાઈને કહેવા ગયો. એમણે મને પૂરી અને દહીં ખવડાવ્યાં. ત્યારબાદ શાંતિ થઈ ગઈ. તેમણે કહ્યું: "હવે શંકા કરશો નહીં. માએ તમને શક્તિનો અનુભવ કરાવ્યો." આ જગતના કેન્દ્રમાં એક શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ પ્રકાશ છે. જ્ઞાાનનો પ્રકાશ છે. પ્રકાશનાં આવર્તનો છે. અમારો સંબંધ ભગવતી શક્તિના ખોળામાં ખીલ્યો છે. 'મા' એટલે સર્વસ્વ. 'મા'ને આમ જીવંત, જાગ્રત રીતે અનુભવવી તે મને જીવનનો સાર લાગ્યો છે."
સઘળું તર્કની ફૂટપટ્ટીથી માપી શકાતું નથી. બધું જ ઈન્દ્રિયોના જોરથી સમજી શકાતું નથી. બુદ્ધિના સીમાડાની પેલે પાર એવું કશુંક હોય છે જેની પાસે કેવળ શ્રદ્ધાના માધ્યમ થકી જ પહોંચી શકાય!
                                           0 0 0 

Friday, November 26, 2010

સુખ માર્ગ છે, મંઝિલ નહીં...

ચિત્રલેખા અંક તારીખ ૬ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત



સ્લગઃ વાંચવા જેવું


ચંદ્રકાંત બક્ષીએ ‘હું, કોનારક શાહ...’ નવલકથામાં એક પાત્રના મોઢે શબ્દો મૂક્યા છેઃ ‘માણસે માત્ર પોતાનાં દુખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી... પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે...’



‘નવનીત સમર્પણ’ માસિકમાં વર્ષા અડાલજાની ‘ખરી પડેલો ટહુકો’ નવલકથા ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ રહી હતી. મેન્ટલી ચેલેન્જ્ડ સંતાન અને તેની મા વચ્ચેના નાજુક સંબંધની તેમાં વાત હતી. એક દિવસ તત્કાલીન તંત્રી ઘનશ્યામ દેસાઈએ લેખિકાને ફોન કર્યોઃ વર્ષબહેન, હમણાં ને હમણાં ઓફિસે આવો. બસ, આવો જ. વર્ષા અડાલજા લગભગ દોડતાં પહોંચ્યાં. તેમણે જોયું કે અમેરિકાથી આવેલાં એક ગુજરાતી મહિલા આ નવલકથાનું મિસ થઈ ગયેલું પ્રકરણ વાંચી રહ્યાં હતાં. તેમનો ખુદનો દીકરો મેન્ટલી ચેલેન્જ્ડ હતો અને તેઓ વાસ્તવમાં નવલકથાની નાયિકા જેવું જીવન જીવતાં હતાં. વર્ષાબહેનને મળતાં જ મહિલા તેમને ભેટી પડ્યાં. કહેઃ તમારી વાર્તા વાંચીને મને મારા જીવનમાં સમાધાન મળ્યું. સમાજ સામે તમે આવાં બાળકો અને તેમના સ્વજનોની કથાવ્યથાને ફોકસમાં મૂકી આપી. થેન્ક્સ. આટલો કિસ્સો વર્ણવીને વર્ષા અડાલજા કહે છે, ‘... અને મને ને ઘનશ્યામભાઈને અમારું ‘સુખ’ મળી ગયું.’



એક સર્જક ભલે લાખો રૂપિયાના પુરસ્કાર કે રોયલ્ટી મેળવતો ન હોય, પણ જો તેની કૃતિ કોઈના જીવનને મૂળમાંથી સ્પર્શી શકે તો એ જ તેનું સુખ, તેની સાર્થકતા. વ્યક્તિએ-વ્યક્તિએ સુખની સમજ અને અનુભૂતિનું સ્વરૂપ જુદાં જુદાં હોવાનાં. સુરેશ દલાલે સંપાદિત કરેલું ‘મારું સુખ’ નામનું આ રૂપકડું પુસ્તક વાસ્તવમાં સુખનું શેડકાર્ડ છે. જુદાં જુદાં ક્ષેત્રોની ૭૨ વ્યક્તિઓએ પોતપોતાનાં કરેલી સંવેદનશીલ વાતોમાં સુખના એટલા બધાં રંગો અને વૈવિધ્ય ઉપસે છે કે વાચકને પોતાના સુખ સાથે મેચ થતો શેડ મળી જ રહે.



કાલિન્દી રાંદેરી લખે છેઃ ‘મનુષ્યસ્વભાવના છ શત્રુઓઃ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને ટાળી શકાય તો સુખ જ સુખ છે.’ એમ તો આપણી એક કહેવત પણ કહે જ છે ને કે, પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર, ત્રીજું સુખ તે કહ્યાગરી નાર અને ચોથું સુખ તે ભોજનમાં કંસાર... શું જીવનનાં મહાન સત્યોની જેમ સુખનું સત્ય પણ આટલું સાદું છે? કદાચ, ના. ચંદ્રકાંત બક્ષીએ ‘હું, કોનારક શાહ...’ નવલકથામાં એક પાત્રના મોઢે શબ્દો મૂક્યા છેઃ ‘માણસે માત્ર પોતાનાં દુખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી... પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે...’

સુખનો ઝરો શું આપણી ભીતર જ કશેક છુપાયેલો હોય છે? ઈશા કુન્દનિકા કહે છે, ‘મારું સુખ...જે દુખની ઉપરવટ થઈને ટકી રહે છે. એમાં નિરંતરતા છે. એક કાયમી રહેલી લાગણી, ક્યાંક કશાક પરનો કદાચ વિશ્વાસ, કશીક શ્રદ્ધા, કશુંક. કશુંક શું તેની સમજ નથી પડતી, પણ કંઈક છે જે અંદર છે અને હંમેશાં રહે છે.’



ભગવતીકુમાર શર્મા માટે શબ્દવ્યાપાર જ ચરમ અને પરમ સુખાનુભૂતિનું માધ્યમ છે. મૂકેશ જોષી સરસ રહે છેઃ ક્યારેક મારી કવિતાના શબ્દો કોઈના હ્યદયને હળવા પવનની જેમ સ્પર્શે છે ત્યારે હું જ્યાં હોઉં ત્યાં સુખનો મિસ્ડ કોલ આવી જાય છે! અરુણા જાડેજા કાર્યશક્તિમાં સુખ જુએ છે. સુખ અને કર્મ આ બે વચ્ચે હંમેશાં ગાઢ સંબંધ રહ્યો છે. સતત કામમાં વ્યસ્ત રહેવું તે સુખની દિશા હોય છે કે પછી પલાયનવાદનું સરનામું? પ્રદીપ ખાંડવાળા પોતાની જાતને જ પ્રશ્ન પૂછે છે, ‘શું હું મેસોકિસ્ટ છું જે પોતાને દુખ આપી સુખનો અહેસાસ કરવાનો પ્રયત્ન કરતો રહે? કે શું હું નિરુત્સાહી છું જે કાર્યોમાં રત રહીને ડિપ્રેશનમાંથી છટકવાના ઉપાયો શોધતો ફરે?’ આનો જવાબ પોતાની ભીતરથી જ જડી આવે છે, ‘ના, આ કષ્ટોનો સ્ત્રોત છે કંઈ નવું કરવાનો, કંઈ નવું શીખવાનો આનંદ, પડકાર ઝીલવાનો આનંદ, સર્જન કરવાનો આનંદ...’



સર્જન પછીની નિરાંત ખરેખર સુખદાયક હોય છે. ભરત ઘેલાણી એટલે જ કહે છે ને કે, ‘મારા માટે ખરું સુખ એટલે ‘ચિત્રલેખા’નું કામ આટોપી લીધા પછી હું મારા એકાંતમાં એરકન્ડિશનની આછી હૂંફાળી ટાઢક વચ્ચે મારા ડબલ બેડ પર એકલો પથરાઈને મારું મનગમતું પુસ્તક વાંચતો હોઉં, પાછળ ફાઈવ પોઈન્ટ વન મ્યુઝિક સિસ્ટમ પર મારાં ગમતીલાં ગીત આછાં આછાં ગુંજતાં હોય અને ડબલ બેડના સાઈડ સાઈડ ટેબલ પર ચિલ્ડ બિયરનો ગ્લાસ હોય...’ ખરેખર, ભૌતિક સુવિધાઓની કિંમત ઓછી આંકવા જેવી નથી જ!



પ્રકૃતિના સાન્નિધ્ય અને સુખ વચ્ચે પાક્કી દોસ્તી છે. દીપક દોશી સુખ વિશે વિચારે એટલે તરત તેમના મનમાં મુંબઈનાં હ્યદય જેવું કેન્હેરીનું જંગલ ઊભું થાય. અઠવાડિયે એકાદ વાર અહીં આવીને ‘જીવન સુંઘી જવાનો’ તેમનો વર્ષોનો ક્રમ છે. ઉત્પલ ભાયાણી રોજ ચર્ચગેટથી અંધેરી પાછા ફરે ત્યારે લોકલ ટ્રેનમાં સાવ ફૂટબોર્ડની ધાર પર ઊભા રહે. મસ્તક ટ્રેનની સપાટીની બહાર હોય, અંદરનો કોલાહલ સતત કાને પડતો રહે અને આંખ સામેથી મુંબઈના ત્રસ્ત અને વ્યસ્ત મુંબઈનાં દશ્યો સડસડાટ પસાર થતાં જાય. ‘એટલે જે દેખાય છે એ સંભળાતું નથી અને જે સંભળાય છે એને જોતો નથી,’ ઉત્પલ ભાયાણી કહે છે, ‘આ રોજિંદો અનુભવ મારું અદકેરું સુખ છે.’ વેલ, સુખનું આ શહેરી સ્વરૂપ છે!



સુખના પરિઘમાં માત્ર ‘સ્વ’નો જ સમાવેશ થાય તે ક્યાં જરૂરી છે? કોઈ દુભાયેલી વ્યક્તિ, ખાસ કરીને સ્ત્રી જ્યારે પોતાના મનનો સંતાપ પન્ના નાયક પાસે શેર કરે, એમની સાથે વાતો કરીને એ વ્યકિતનું મન હળવું થાય ત્યારે એમને સુખ મળે છે. જયેશ ચિતલિયાને ફિલ બોસમન્સે લખેલું અને રમેશ પુરોહિતે અનુદિત કરેલું ‘સુખને એક અવસર તો આપો’ એટલું ગમી ગયું કે તેની સંખ્યાબંધ નકલો લઈને પ્રિયજનોને ભેટમાં આપવું એ તેમનું સુખ બની ગયું. ગમતાને ગુલાલ કરવામાં તેમને ભરપૂર સુખ મળે છે. જયેશ ચિતલિયા સુખની સરસ વ્યાખ્યા બાંધે છેઃ ‘સુખ મંઝિલ નથી, માર્ગ છે...’ સ્વજનો સાથે રસાયેલા સુખનું આગવું સૌંદર્ય છે. વિનોદ ભટ્ટની સુખદ ક્ષણો અણીશુદ્ધ દાદાગીરીમાં સમાયેલી છે. ‘એને માટે અલબત્ત, દાદાનું સ્ટેટસ મેળવવું પડે,’ તેઓ સ્મિતપૂર્વક લખે છે, ‘આ દાદાગીરી એ ભોગવવા જેવું સુખ છે.’



સંગીત દ્વારા પેદા થતા સુખનું મૂલ્ય તો પ્રકાશ મહેતા અને ડો. સિલાસ પટેલિયા જેવા સંગીતરસિયાઓ જ જાણે. ‘મારામાં રહેલી શક્યતાઓને મિત્રો અને વડીલોએ ઓળખી એ મારું મોટું સુખ,’ આટલું કહીને ગાયક-સંગીતકાર સુરેશ જોશી પછી ઉમેરે છે, ‘... તો પછી સુખ નામનો પદારથ એ સંગીતનું બીજું નામ તો નહીં હોય ને?’



પ્રજ્ઞા પૈની સુખની વ્યાખ્યા સાદી પણ સચોટ છેઃ ‘મારા મતે, સુખ એટલે ભૂતકાળની ભુલો અને ભવિષ્યની કપોળકલ્પિત મુશ્કેલીઓના વિચારોેને હડસેલી ડિલીટ કરી વર્તમાન ક્ષણ માણી લેવાની ક્ષમતા.’ રાધેશ્યામ શર્મા ટોટલ એક્સેપ્ટન્સ એટલે કે સમગ્રના સ્વીકારમાં સુખ જુએ છે, જ્યારે હરિભાઈ કોઠારીનું કહેવું છે કે, ‘પ્રભુની શરણાગતિ સમું સુખ જગતમાં બીજું એકેય નથી.’



આખા પુસ્તકમાં કદાચ સૌથી પારદર્શક કેફિયત કાજલ ઓઝા-વૈદ્યની છે. તેઓ લખે છે, ‘મને એવું સમજાયું છે કે સુખ એ તદ્દન અંગત લાગણી છે. સામેની વ્યક્તિને આપણા સુખ સાથે કોઈ સંબંઘ જ નથી... ઈર્ષ્યાનો પણ નહીં!’ આટલું કહીને તેઓ આખરે ઉમેરે છે, ‘હવે ‘મારું સુખ’ હું જે કરું છું તેમાં છે... જે ક્ષણે જ્યાં હોઉં છું ત્યાં જ હોય છે... હું જેને મળું છું તે સહુ મને સુખી કરે છે... જે જીવું છું એનું નામ ‘સુખ’ રાખતાં હવે મને આવડી ગયું છે.’



અપૂર્વ આશરે કરેલી ‘મારું સુખ’ પુસ્તકની સજાવટ ભારે કલ્પનાશીલ છે. પ્રત્યેક લેખકનો ટૂંકમાં પરિચય આવ્યો હોત તો સારું થાત. આ પુસ્તકમાં અંકિત થયેલાં સુખનાં સત્ત્વશીલ ગાનને કાન દઈને સાંભળવા જેવું છે. મનોહરસિંહજી જાડેજા ‘સુખ કે પછી આનંદ- એનાં ગાણાં ન ગવાય’ એવું કહેતા હોય તો પણ!



(મારું સુખ

સંપાદકઃ સુરેશ દલાલ

પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન,

પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ૧.

સેન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ,અમદાવાદ૬.

ફોનઃ (૦૨૨) ૨૨૦૦૨૬૯૧, (૦૭૯) ૨૬૫૬ ૦૫૦૪

કિંમતઃ રૂ. ૫૦૦/

પૃષ્ઠ સંખ્યાઃ ૨૭૮)



૦૦૦૦