Showing posts with label Amitabh Bachchan. Show all posts
Showing posts with label Amitabh Bachchan. Show all posts

Saturday, October 6, 2018

રિશ્તે મેં તો હમ આપ કી બેટી લગતે હૈં...


દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર - 7 ઓક્ટોબર 2018
કોલમઃ મલ્ટિપ્લેક્સ
અમિતાભ-જયા અને એમનાં દીકરા-વહુ અભિષેક-ઐશ્વર્યા વિશે સૌ બધ્ધેબધ્ધું જાણે છે, પણ એમની પુત્રી શ્વેતાની આસપાસ સતત એક કિલ્લો ચણાયેલો રહ્યો. આ પરિસ્થિતિ ક્રમશઃ પલટાઈ રહી છે, કેમ કે શ્વેતાએ જિંદગીની નવી ઇનિંગ્સ શરૂ કરી છે - એક લેખિકા તરીકે.



કાદ જાહેરાતને બાદ કરતાં આપણે એમને ક્યારેય સ્ક્રીન પર એક્ટિંગ કરતાં જોયાં નહોતાં. એમનો અવાજ કેવો છે, એ કેવુંક બોલે છે એની હજુ હમણાં સુધી આપણને ખાસ ખબર નહોતી. ફિલ્મી અવોર્ડ ફંકશન્સમાં એ લગભગ ગેરહાજર હોય છે. એ હિન્દી સિનેમાજગતની સંભવતઃ સૌથી વજનદાર અને પ્રભાવશાળી અટક ધરાવે છે - બચ્ચન - પણ એમનું વ્યક્તિત્ત્વ આશ્ચર્ય થાય એટલી હદે લૉ પ્રોફાઇલ છે.

વાત શ્વેતા બચ્ચન-નંદા વિશે થઈ રહી છે. શ્વેતા એટલે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દીકરી. ઉંમર વર્ષ, 44. અમિતાભ આવતા ગુરૂવારે 76 વર્ષ પૂરાં કરીને 77મા વર્ષમાં પ્રવેશ કરશે. એના એક દિવસ પહેલાં એટલે કે દસમી ઓક્ટોબરે શ્વેતાએ લખેલી પહેલી નવલકથા બહાર પડશે. એનું ટાઇટલ છે, પેરેડાઇઝ ટાવર્સ. આજકાલ શ્વેતા ન્યુઝમાં છે એનું કારણ આ અંગ્રેજી પુસ્તક છે. એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં રહેતી મહિલાઓની કથા અને વ્યથા આ નોવેલના કેન્દ્રમાં છે. વાર્તાનાં મોટાં ભાગનાં સ્ત્રીપાત્રો ગૃહિણી છે, કેમ કે લગ્ન બાદ ઘરસંસાર અને છૈયાંછોકરાંવને જ પોતાની દુનિયા બનાવી લેતી સ્ત્રીની અનુભૂતિઓમાંથી શ્વેતા સ્વયં પસાર થયાં છે.  

નવોદિત લેખકોનાં પુસ્તકો પ્રસિદ્ધ થવાં એ આમ તો સામાન્ય ઘટના છે, પણ જો તમારા પિતાશ્રીનું નામ અમિતાભ બચ્ચન હોય તો રૂટિન લાગતી ઘટના પણ આપોઆપ એક જુદી જ ભ્રમણકક્ષામાં મૂકાઈ જતી હોય છે. તમારી અટક બચ્ચન હોય તો હાર્પર કોલિન્સ જેવી દુનિયાની સૌથી મોટી પબ્લિશિંગ કંપનીઓમાં સ્થાન પામતા પ્રકાશક હોંશે હોંશે તમારું પુસ્તક છાપે અને એની ચિક્કાર પબ્લિસિટી પણ કરે. ઘણાને આમાં નેપોટિઝમ (ભાઈ-ભતીજા-પુત્ર-પુત્રીવાદ)નો એક શેડ દેખાય છે. ભલે દેખાય. અમિતાભ-જયાનાં સંતાનો હોવાના અમુક ફાયદા બાય ડિફોલ્ટ મળતા હોય તો ભલે મળે. આખરે તો એની પ્રતિભા જ બોલવાની છે. પોતે સરસ, વાંચવું ગમે એવું લખાણ લખી શકે છે એવું શ્વેતાએ અંગ્રેજી અખબારમાં છપાતી પોતાની કોલમથી પૂરવાર કર્યુ જ છે.

શ્વેતાનો સંબંધ એક નહીં, બબ્બે કદાવર ફિલ્મી પરિવાર સાથે છે. એમના બિઝનેસમેન પતિ નિખિલ નંદા એટલે રાજ કપૂરનાં સગી બહેન રિતુ નંદાનો પુત્ર. એ ન્યાયે રાજ કપૂર, શ્વેતાનાં મામાજી સસરા થાય ને રિશી કપૂર-એન્ડ-બ્રધર્સ એમના જેઠ થાય. પોતાનાં મા-બાપ બન્ને સફળ અદાકાર હોવા છતાં શ્વેતાને કદી ફિલ્મલાઇનનું આકર્ષણ ન થયું. શ્વેતા નાનાં હતાં ત્યારે અમિતાભની મારધાડવાળી ફિલ્મોમાં ચાર ગુંડાઓએ એમને પકડી રાખ્યા હોય ને બીજા એક-બે જણા ઘુસ્તા મારતા હોય એવાં દશ્યો જોઈને મોટેથી ભેંકડો તાણતાં. એક વાર ફિલ્મના સેટ પર ડેડીના મેકઅપરૂમમાં રમત-રમતમાં બાળ શ્વેતાએ ઇલેક્ટ્રિક પ્લગ ભરાવવાના છિદ્રમાં આંગળી નાખી દેતાં વીજળીનો હળવો ઝટકો લાગ્યો. શ્વેતા એવી ડરી ગઈ કે પછી ક્યારેય સેટ પર ફરકી નહીં. ખૂબ બધાં વર્ષો પછી, ગયા જુલાઈમાં, અમિતાભના આગ્રહથી એક આભૂષણના શોરૂમની એડમાં કામ કર્યું છેક એણે ત્યારે શૂટિંગના સેટ પર પગ મૂક્યો.


ત્રેવીસ વર્ષની ઉંમરે શ્વેતા પરણીને ઘરગૃહસ્થીમાં ગૂંથાઈ ગયાં. એમની દીકરી હવે વીસ વર્ષની અને દીકરો સત્તરનો થઈ ગયો છે. સંતાનો જુવાન થઈ જાય એટલે એમને ઉછેરવામાં જ આખી જિંદગી કાઢી નાખી હોય એવી સ્ત્રીના જીવનમાં ખાલીપો આવી જતો હોય છે. શ્વેતાના કિસ્સામાં આવું જ થયું. પોતાની એક કોલમમાં શ્વેતા લખે છેઃ

તમે માત્ર ઘર સંભાળવામાં, સંતાનોને મોટાં કરવામાં, રાંધવામાં, સંતાનોને ખવડાવવામાં, એમની આળપંપાળ કરવામાં, ટૂંકમાં, સતત બચ્ચાઓની આગળપાછળ ફરવામાં જ જિદંગીનાં દસ-પંદર કાઢી નાખ્યાં હોય ને એક દિવસ સંતાનો મોટાં થઈ જાય, પોતાની દુનિયામાં મસ્ત થઈ જાય, પાંખો ફફડાવીને ઉડી જાય ને તમારો માળો એકાએક ખાલી થઈ જાય... પછી તમે શું કરો? સતત દોઢ દાયકા સુધી તમે પોતાની જાત કરતાં સંતાનોને વધારે મહત્ત્વ આપવાનું જ શીખ્યા હો છો. ચાલીસી વટાવી ગયા પછી અત્યાર સુધી જે કંઈ શીખ્યું હતું કે જે કંઈ કર્યું હતું તેને ભુલીને નવેસરથી એકડો શી રીતે ઘૂંટવો?’

આઇડેન્ટિટી ક્રાઇસિસ જન્માવી એવી આ અવસ્થા માટે શ્વેતાએ સરસ શબ્દપ્રયોગ કર્યો છે - એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ. શ્વેતા લખે છેઃ

શું આ પ્રકારનો ખાલીપો સર્જાય એટલે સ્ત્રીએ દુખી અને ડિપ્રેસ્ડ થઈને બેસી રહેવાનું? જરાય નહીં. જિંદગીનો આ પડાવ એક નવી યાત્રાની શુભારંભ બની શકે છે. પોતાની જાત તરફની યાત્રાનો શુભારંભ! આ અઘરી લાગતી મુસાફરી અત્યંત સંતોષકારક પૂરવાર થઈ શકે છે.

શ્વેતાએ વચ્ચે એક બિઝનેસ ચેનલના ચેટ-શો માટે હોસ્ટિંગ કર્યું, પણ એને પોતાની નવી ઓળખ મળી લેખનકાર્યમાં. લખવું તો એમના લોહીમાં છે. દાદા હરિવંશરાય બચ્ચન હિંદી ભાષાના ખૂબ મોટા ગજાના કવિ. નાના તરૂણકુમાર ભાદુરી બંગાળી ભાષાના સફળ પત્રકાર-લેખક. શ્વેતાને નાનપણથી વાંચવાનો પુષ્કળ શોખ. સારા લેખક બનવા માટે ઉત્તમ વાંચક હોવું એ પૂર્વશરત છે. શ્વેતાએ અખબારી કોલમ લખવાનું શરૂ કર્યું. દર અઠવાડિયે કોલમ માટે વિષય શોધવા માટે મગજ ખૂબ કસવું પડે. કોલમ લખીને શ્વેતા સૌથી પહેલાં અમિતાભને ઇમેઇલ કરે. પપ્પા વાંચીને સૂચનો કરે એટલે સુધારાવધારા કરીને નવો ડ્રાફ્ટ લખે અને તે પછી જ ફાયનલ વર્ઝન તંત્રીને મોકલે. એક દિવસ અચાનક શ્વેતાના દિમાગમાં પેરેડાઇઝ ટાવર્સ નવલકથાનો આઇડિયા આવ્યો. લેપટોપ ખોલીને એ બેસી ગયાં લખવાં. એક દિવસમાં સડસડાટ પાંચ ચેપ્ટર લખી નાખ્યા. પછી ગાડી અટકી. બાકીનાં પ્રકરણો લખીને નવલકથા પૂરી કરવામાં એક વર્ષ કાઢી નાખ્યું!

નવલકથાકાર તરીકે શ્વેતામાં કેવુંક વિત્ત છે એ ટૂંક સમયમાં ખબર પડી જશે. શ્વેતાએ કોઈકની સાથે હાથ મિલાવીને પોતાનું ફેશન લેબલ યા તો બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. અત્યંત શરમાળ અને અંતર્મુખ શ્વેતા હવે ધીમે ધીમે જાહેર માધ્યમોમાં દેખાવા માંડ્યાં છે, ઇન્ટરવ્યુઝ આપવા લાગ્યાં છે. અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ રિલેવન્ટ છે, કમાલનું શિસ્તબદ્ધ જીવન જીવે છે ને ગજબનાક ઉર્જા સાથે જુવાનિયાઓને પણ લઘુતાગ્રંથિ થઈ આવે એટલી મહેનત કરે છે. બચ્ચનની કી બેટી હોવાના નાતે શ્વેતામાં આ ગુણ જો થોડાઘણા પણ ઉતર્યા હશે તો લેખિકા-કમ-ફેશન ડિઝાઇનર તરીકેની એમની સેકન્ડ ઇનિંગ્સ સફળ પૂરવાર થવાની!    

0000   

Friday, December 30, 2016

રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન વચ્ચે શી તકરાર હતી?

Sandesh - Sanskaar purti - 25 Dec 2016 
Multiplex 
‘રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન 'નમકહરામ'ના સેટ પર એકબીજા સાથે સભ્યતાથી વર્તતા, પણ અંદરખાને બંને વચ્ચે એક પ્રકારનું ટેન્શન રહૃાા કરતું,’ અસરાની યાદ કરે છે, ‘રાજેશ ખન્નામાં ‘હું મહાન છું, મને કોઈ હલાવી શકે તેમ નથી’ પ્રકારની ગુરુતાગ્રંથિ ઘર કરી ચૂકી હતી.’


ત્યારે ભલે હિન્દી સિનેમા પર શાહરૂખ-સલમાન-આમિરનું રાજ ચાલે છે, પણ કહેવાવાળા તો હંમેશાં કહેતા રહેવાના કે સાહેબ, એક જમાનામાં રાજેશ ખન્નાનો જે દબદબો હતો તેની સામે આ સૌ તો પાણી ભરે. અરે, રાજેશ ખન્નાને ચાહકોનો જે અધધધ પ્રેમ મળ્યો છે, એવો તો અમિતાભ બચ્ચનને પણ મળ્યો નથી. આ વાતમાં તથ્ય છે. આજે દુનિયા આખી થર્ટીર્ફ્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરશે તેના બે દિવસ પહેલાં એટલે કે ૨૯ ડિસેમ્બરે, રાજેશ ખન્નાના અઠંગ ચાહકો એમના ફેવરિટ સ્ટારની ૭૪મી જન્મજયંતી મનાવશે.
અસરાનીએ એક મુલાકાતમાં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન વચ્ચેના ખટમીઠા સંબંધ વિશે રસપ્રદ વાતો કરી હતી. યોગાનુયોગે, હિન્દી સિનેમા જેમને ‘અંગ્રેજો કે જમાને કે જેલર’ તરીકે હંમેશાં યાદ રાખવાના છે એવા ગોવર્ધન અસરાનીનો બર્થડે પહેલી જાન્યુઆરીએ આવે છે. રાજેશ ખન્ના કરતાં તેઓ એક વર્ષ અને બે દિવસ નાના. અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની ઉંમર લગભગ એકસરખી છે. અમિતાભ, રાજેશ ખન્ના કરતાં પોણાત્રણ મહિના મોટા.
માધુરી-ફ્લ્મિફેર ટેેલેન્ટ કોન્ટેસ્ટ જીતી લેવાને કરણે ત્રેવીસ વર્ષના રાજેશ ખન્નાને ફ્લ્મિોમાં બ્રેક મળ્યો હતો તે વાત સૌ જાણે છે. ‘મુંબઈના રીગલ સિનેમામાં ત્રણ બોકસ રાખવામાં આવ્યા હતા, જેમાંથી ઇન્ડસ્ટ્રીના એક નહીં પણ ત્રણ એકટરો પેદા થયા,’ અસરાની યાદ કરે છે, ‘રાજેશ ખન્ના ઉપરાંત સુભાષ ઘાઈ અને ધીરજ કુમાર પણ પેલી માધુરી-ફ્લ્મિફેર ટેલેન્ટ કોન્ટેસ્ટના વિનર્સ હતા. મને યાદ છે, એક દિવસ નટરાજ સ્ટુડિયોમાં મેં એક જુવાન છોકરાને જોયેલોે. એના ચહેરા પર પાર વગરના ખીલ હતા અને એણે ભગવા રંગનો ઝભ્ભો તેમજ લુંગી પહેર્યા હતા. મને એમ કે આ કોઈ સંન્યાસી હશે, પણ કોઈએ મને કહ્યું કે આ રાજેશ ખન્ના છે, પેલો ફ્લ્મિફેરની કોન્ટેસ્ટનો વિનર. એમની પહેલી ત્રણ ફ્લ્મિો ‘આખરી ખત’ (૧૯૬૬), ‘રાઝ’ (૧૯૬૭) અને ‘બહારોં કે સપને’ (૧૯૬૭)’ રિલીઝ થઈ ચૂકી હતી, પણ એમાંની એકેય ચાલી નહોતી. જોકે પછી ‘આરાધના’ (૧૯૬૯), ‘દો રાસ્તે’ (૧૯૬૯), ‘સચ્ચા જૂઠા’ (૧૯૭૦) અને ‘સફ્ર’ (૧૯૭૦) વગેરે ફ્લ્મિો ધૂમ ચાલી અને રાજેશ ખન્ના સુપરસ્ટાર બની ગયા.’
મુંબઈના મેટ્રો સિનેમામાં ‘દો રાસ્તે’નું પ્રીમિયર હતું. યુનાઈટેડ પ્રોડયૂસર્સ કાઉન્સિલના આઠેય પ્રોડયૂસરો – રાજ ખોસલા, જે. ઓમપ્રકાશ, પ્રમોદ ચક્રવર્તી, મોહન સહગલ, નાસિર હુસેન, શકિત સામંતા, એફ્.સી. મહેરા અને હેમંત કુમાર – સૂટબૂટ પહેરીને રાજેશ ખન્નાનું સ્વાગત કરવા કતારમાં ઊભા રહી ગયા હતા. થિયેટરની બહાર જનમેદની સતત વધતી જતી હતી. આખરે ‘ધ રાજેશ ખન્ના’ પધાર્યા. એમને જોઈને લોકો પાગલ થઈ ગયા. પેલા સુટેડ-બુટેડ પ્રોડયૂસરોને એક બાજુ હડસેલી દઈને ટોળું રાજેશ ખન્નાને જોવા, એમને સ્પર્શવા આગળ ધસી આવ્યું. સડક પરથી પસાર થઈ રહેલા લોકો પણ મેટ્રો સિનેમાના પ્રિમાઈસિસમાં ઘૂસી ગયા હતા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસે લાઠીચાર્જ કરવો પડયો. થિયેટરના ગેટથી ઓડિટોરિયમના સ્ટેજ સુધી પહોંચવામાં રાજેશ ખન્નાને ચાલીસ મિનિટ લાગી! એમાંય જ્યારે ‘બિંદીયા ચમકેગી’ ગીત આવ્યું ત્યારે ઓડિયન્સે એટલી ચિચિયારીઓ પાડી, એટલા સિક્કા અને ચલણી નોટો ઉછાળ્યા કે ન પૂછો વાત. લોકોનો ઉન્માદ પારખી ગયેલા આયોજકોએ ફ્લ્મિ પૂરી થાય તે પહેલાં રાજેશ ખન્નાને વિનંતી કરવી પડીઃ સર, તમે ‘ધી એન્ડ’ થાય તે પહેલાં જ બહાર સરકી જજો, નહીં તો આ ક્રાઉડ તમને હેરાન કરી નાખશે!

‘મેં રાજેશ ખન્ના સાથે ‘બાવર્ચી’ (૧૯૭૨)માં પહેલી વાર કામ કર્યું,’ અસરાની કહે છે, ‘સેટ પર તેઓ બધાથી અંતર જાળવી રાખતા. કેટલાય ડિરેકટરો, પ્રોડયૂસરો, લેખકો અને પત્રકારો કાયમ એમની રાહ જોતા બેઠેલા દેખાતા. બસો ભરી ભરીને ચાહકો શૂટિંગ જોવા આવતા. આ સૌને સોફ્ટ ડ્રિન્ક પિરસવામાં આવતું. બીજાઓની જેમ હું પણ રાજેશ ખન્નાને આભો થઈને જોયા કરતો.’
દરમિયાન અમિતાભ બચ્ચનનું ઇન્ડસ્ટ્રીમાં આગમન થઈ ચૂકયું હતું, પણ તેઓ ‘બંધે હાથ’, ‘સંજોગ’, ‘બંસી બિરજુ’ જેવી આજે આપણને જેમના નામ પણ ખબર નથી એવી એક પછી એક ફ્લોપ ફ્લ્મિો આપતા જતા હતા. હૃષિકેશ મુખર્જીની ‘આનંદ’ (૧૯૭૧)માં અમિતાભે સફ્ળતા જોઈ ખરી, પણ એનો મેઈન હીરો રાજેશ ખન્ના હતા, અમિતાભ નહીં. હૃષિકેશ મુખર્જીએ આ બંનેને ફરી એક વાર સાઈન કર્યા, ‘નમક હરામ’માં (૧૯૭૩). આ ફ્લ્મિનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે અમિતાભની ‘ઝંઝીર’ હજુ સુધી રિલીઝ થઈ નહોતી.
‘સેટ ઉપર રાજેશ અને અમિતાભ એકબીજા સાથે સભ્યતાથી વર્તતા, પણ અંદરખાને બંને વચ્ચે એક પ્રકારનું ટેન્શન રહૃાા કરતું,’ અસરાની યાદ કરે છે, ‘રાજેશ ખન્નામાં ‘હું મહાન છું, મને કોઈ હલાવી શકે તેમ નથી’ પ્રકારની ગુરુતાગ્રંથિ ઘર કરી ચૂકી હતી.’
હૃષિકેશ મુખર્જીએ શરૂઆતમાં જ બંનેને કહ્યું હતું કે જુઓ, મારી ફ્લ્મિમાં બે દોસ્તારોની વાત છે. એક એન્ડમાં મરી જાય છે, જ્યારે બીજો જીવીને પરિસ્થિતિનો સામનો કરે છે. બોલો, તમારે કયો રોલ કરવો છે? એ જમાનામાં ટ્રેન્ડ જેવું થઈ ગયું હતું કે ફ્લ્મિના અંતે હીરો જો મરી જાય તો ફ્લ્મિ સરસ ચાલે અને એકટરની ખૂબ વાહ-વાહ થાય. ‘આનંદ’માં ભવ્ય મોતનો આનંદ માણી ચૂકેલા રાજેશ ખન્નાએ જવાબ આપ્યોઃ હું મરીશ!
મુંબઈના મોહન સ્ટુડિયોમાં ફ્લ્મિના અંતિમ તબક્કાનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારની આ વાત છે. રાજેશ ખન્નાનો સુખડના હારવાળો ફ્રેમ કરેલો મોટો ફોટોગ્રાફ્ સેટ પર લાવવામાં આવ્યો. અમિતાભ પોતાની આદત મુજબ સમય કરતાં એક કલાક વહેલા સેટ પર પહોંચી ગયા હતા. એમણે રાજેશ ખન્નાની પેલી તસવીર જોઈ. કેઈને ક્શું ક્હૃાા વિના તેઓ પોતાના મેકઅપ રૂમમાં જઈને બેસી ગયા. સાડાદસે હૃષિકેશ મુખર્જી આવ્યા. તેમણે પોતાના આસિસ્ટન્ટને કહ્યું કે જા, અમિતાભને બોલાવી લાવ, શોટ રેડી છે. આસિસ્ટન્ટ થોડી મિનિટોમાં પાછો આવ્યોઃ સર, અમિતાભસર દરવાજો ખોલતા નથી!
કયાંથી ખોલે? અમિતાભ અંદર રિસાઈને બેઠા હતા! અમિતાભે એન્ડમાં ન મરતા હીરોનો રોલ સ્વીકારી તો લીધેલો, પણ એમના મનમાં ચચરાટ રહી ગયો હતો. એમને હતું કે ફ્લ્મિનો અંત બદલવા માટે તેઓ હૃષિકેશ મુખર્જીને મનાવી લેશે. અમિતાભને એવી તક જ ન મળી. સુખડના હારવાળો ફોટો સેટ પર આવી ગયો હતો એનો અર્થ એ હતો કે રાજેશ ખન્ના એન્ડમાં મરશે તે પાકું છે.
હૃષિકેશ મુખરજી અકળાઈને અમિતાભના મેકઅપ રૂમ પાસે ગયા. બહારથી દરવાજો ખટખટાવીને પૂછયું: ‘અમિત, કયા હુઆ?’ અંદરથી અમિતાભ કહેઃ ‘વો ફોટો…’ હૃષિકેશ મુખરજી કહેઃ ‘તું કહેવા શું માગે છે? તુમકો બોલા થા ના… તેં જ આ રોલ પસંદ કર્યો છે. હવે તું છેલ્લી ઘડીએ નાટક કરે તે કેમ ચાલે? હવે જો તું બહાર નહીં નીકળે તો અત્યારે જ પેક-અપ કરાવી દઉં છું.’ 
આખરે માંડ માંડ અમિતાભ બહાર આવ્યા અને શૂટિંગ આગળ વધ્યું.
જીવનમાં પાસાં કયારે અને કેવી રીતે પલટે છે તે કોણ કહી શકે છે! ‘નમક હરામ’ રિલીઝ થાય તેના પાંચેક મહિના પહેલાં, ૧૧ મે ૧૯૭૩ના રોજ, અમિતાભની ‘ઝંઝીર’ રિલીઝ થઈ. ચિક્કાર શાંતિમાં જાણે એકાએક બોમ્બ ફૂટયો હોય તેવી અસર આ ફ્લ્મિે સર્જી હતી. ‘ઝંઝીર’ થકી હિન્દી સિનેમાના એન્ગ્રી યંગ મેનનો જન્મ થયો અને પછી જે કંઈ બન્યું તે ઇતિહાસ છે. ૧૯ નવેમ્બર ૧૯૭૩ના રોજ ‘નમક હરામ’ આવી ત્યાં સુધીમાં ચિત્ર પલટાઈ ચૂકયું હતું. આ ફ્લ્મિ પણ સફ્ળ થઈ. ‘નમક હરામ’માં એક સીન છે, જેમાં રાજેશ ખન્નાનો એકિસડન્ટ થાય છે અને અમિતાભ ક્રોધથી રાતાપીળા થઈને ટોળાને પૂછે છેઃ કિસને મારા? આ ડાયલોગ વખતે ઓડિયન્સ તાળીઓનો ગગડાટ કરી મૂકતું.
યોગાનુયોગ જુઓ. એક જ સમયગાળામાં રિલીઝ થયેલી ‘ઝંઝીર’ અને ‘નમક હરામ’થી અમિતાભની ચડતી શરૂ થઈ અને રાજેશ ખન્નાની પડતીની શરૂઆત થઈ. રોમેન્ટિક લવરબોયના જમાના પર પૂર્ણવિરામ મૂકાયું અને આક્રોશથી ધધકતા મારફડીયા એન્ગ્રી યંગ મેનનો દોર શરૂ થયો!
‘રાજેશ ખન્ના સાથે મારો સંબંધ છેક સુધી સરસ રહૃાો,’ અસરાની સમાપન કરે છે, ‘એ મને ઘણી વાર ડ્રિંકસ માટે આમંત્રણ આપતા. અમે ગપ્પાં મારતા, પણ પોતાના મનની અંતરંગ વાતો તેઓ કોઈની સાથે શેર ન કરતા. નિકટની કહી શકાય એવી કોઈ વ્યકિત એમની આસપાસ નહોતી. એમને માત્ર જીહજુરિયાઓ અને ચમચાઓની સોબત જ ગમતી. પોતાનું સુપરસ્ટારડમ પૂરું થઈ ગયું છે અને કારકિર્દીનું અધઃપતન થઈ રહ્યું છે તે હકીક્ત રાજેશ ખન્ના કયારેય સ્વીકારી ન શકયા…’
0 0 0 

Wednesday, September 28, 2016

ટેક ઓફ: તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ... તૂ કિસ લિયે હતાશ હૈ


સંદશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૬

ટેક ઓફ

જીવનમાં ક્યારેક ફોકસ ગુમાવી બેસીએ ત્યારે જાતને ઢંઢોળીને પૂછવું પડે છે કે મારે મૂળ ક્યાં જવું હતું? શું પામવું હતું? પ્રવાસ શરુ કર્યો ત્યારે નજર સામે ક્યાં લક્ષ્યો હતાં? તેને બદૃલે આ શું કરી રહ્યો છું અત્યારે? પોતાની આંખોમાં ખુદૃની નવી ઓળખ, સાચી ઓળખ, આત્મવિશ્ર્વાસથી છલકતો મિજાજ અને લક્ષ્ય પર ફોકસ થઈ ગયેલી સઘળી શકિતઓ... આના કરતાં વધારે ખૂબસૂરત બીજું કશું હોતું નથી.





‘પિ'ન્ક ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં તમે આ કહાની, પાત્રો, ફિલ્મનો મેસેજ અને રજૂઆતથી એટલી હદૃે અસ્થિર થઈ ચુક્યા હો છો કે ‘ધી એન્ડ' થતાંની સાથે તમે તરત જ ઓડિરોટિયમના એકિઝટ ગેટ તરફ ચાલવાનું શરુ કરી શકતા નથી. એન્ડ ક્રેડિટ્સ સ્ક્રોલ થઈ રહ્યા હોય તે દૃરમિયાન હજુ પણ તમારી સીટ પર જ બેઠા હો છો ત્યારે તમને એક અણધાર્યું બોનસ મળે છે. તે છે તનવીર ગાઝીએ લખેલી અને અમિતાભ બચ્ચનના ઘેઘૂર અવાજમાં ગૂંજતી એક અફલાતૂન કવિતા. ઢીલા પડી ગયેલા માણસને ધનુષ્યના પણછની  જેમ તંગ કરી દૃે એવી, પોતાને શકિતહીન માનવા લાગેલી વ્યકિતના શરીરની રગેરગમાં નવો જોશ અને નવી ઉર્જાનો સંચાર કરી દૃે તેવી આ રચના છે.  આને ભુલેચુકેય ફેમિનિસ્ટ કે નારીવાદૃી કવિતા ન ગણશો. આ માનવવાદૃી કવિતા છે. તે સૌને એકસરખી તીવ્રતાથી અપીલ કરે છે. આવો, આ કવિતાને આખેઆખી માણીએ.  

કવિ કહે છે -

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરે વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ
સમય કો ભી તલાશ હૈ...

જીવન આસાન હોતું નથી. ઘારો કે આસાન લાગતું હોય તોય આ સ્મૂધ તબક્કો આખી િંજદૃગી ટકવાનો હોતો નથી. કેટલાંય પરિબળો, આસપાસની પરિસ્થિતિઓ અને જેની સાથે આપણે ઇચ્છાપૂર્વક કે અનીચ્છાએ જોડાયેલા છીએ તેવી વ્યકિતઓ આપણા જીવન પર અસર કરતાં હોય છે. આને લીધે આપણે ક્યારેક આપણું ફોકસ ગુમાવી બેસીએ છીએ.  જાતને ઢંઢોળીને પૂછવું પડે છે કે મારે મૂળ ક્યાં જવું હતું? શું પામવું હતું? પ્રવાસ શરુ કર્યો ત્યારે નજર સામે ક્યાં લક્ષ્યો હતાં? તેને બદૃલે આ શું કરી રહ્યો છું અત્યારે? આ કયો રસ્તો પકડી લીધો છે? બરાબર સમજાય છે કે ખોટી દિૃશામાં ફંટાઈ ગયા છીએ તો પણ કેમ અટકી જતા નથી? શા માટે ખોટા વહેણમાં ઢસડાયા કરીએ છીએ? શું એટલા માટે કે લાંબા સમયથી પકડી રાખેલો  રસ્તો ભલે ખોટો હોય તોય હવે એક ‘કમ્ફર્ટ ઝોન' બની ગયો છે? એમાં જીવવાની આદૃત પડી ગઈ છે? આ ઝોનમાંથી બહાર નીકળવાનો હવે ડર લાગે છે? એક સમાધાન કરી લીધુું છે જાત સાથે કે જે છે તે આ જ છે ને હવે આ જ રીતે િંજદૃગી પૂરી કરી નાખવાની છે?




એકધારું જૂઠ જીવ્યા કરવાથી આપણો માંહ્યલો, આપણો આત્મા પીડાયા કરે છે. એ ચીસો પાડીને આપણને કશુંક કહેતો હોય છે, પણ કાં તો આપણે જાણી જોઈને ધ્યાન-બહેરા થઈ જઈએ છીએ અથવા તો માંહ્યલાને ધમકાવીને ચુપ કરી દૃઈએ છીએ. આ સ્થિતિમાં જો સમયસર પરિવર્તન ન આવે તો શક્ય છે કે એટલે આપણી જ નજરમાં અપરિચિત બનવા લાગીએ. આપણું સત્ત્વ, આપણું સ્વત્ત્વ ગુમાવવા માંડીએ. આ સ્થિતિ તીવ્ર હતાશા જન્માવતી હોય છે. આથી જ કવિ કહે છે કે, તું શા માટે આટલો બધો ઉદૃાસ થઈને બેઠો છે, ભાઈ (અથવા બહેન)? તું શા માટે તારી અસલિયતને, તારી ઓરિજીનાલિટીને, તારા મૂળ વ્યકિતત્ત્વને ભુલી ગયો છે? તેને શોધતો કેમ નથી તું? કોણે બાંધી રાખ્યો છે તને?

દૃુનિયામાં બનાવટી માણસોનો તોટો નથી. કોમ્પ્રોમાઈઝ કરીને જીવી જીવનારાઓ ઊભરાઈ રહી છે આ ધરતી. આવી સ્થિતિમાં જરુર હોય છે સાચુકલું જીવન જીવી શકતા જેન્યુઈન માણસોની. આપણે ખુદૃનું વજૂદૃ શોધીશું અને કુદૃરતી રિધમ પ્રમાણે જીવીશું તો કેવળ આપણી જાત પર જ નહીં, લાંબા ગાળે આસપાસના માહોલ અને સમાજ પણ પણ ઉપકાર કર્યો ગણાશે.    

તનવીર ગાઝી આગળ લખે છે -

જો તુઝસે લિપટી બેડીયાં... સમજ ના ઇનકો વસ્ત્ર તૂ
યે બેડીયાં પિઘલા કે... બના લે ઇનકો શસ્ત્ર તૂ
બના લે ઇનકો શસ્ત્ર તૂ.

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરા વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ 
સમય કો ભી તલાશ હૈ...



આપણને બાંધી રાખતી ઝંઝીરોથી, બેડીઓથી ઘણી વાર આપણને પ્રેમ થઈ જતો હોય છે. આપણે સમજવું અને સ્વીકારવું પડશે કે આ બેડી જીવનરસને સૂકવી નાખતું બંધન છે, તે કોઈ આભૂષણ નથી. વસ્ત્ર તો બિલકુલ નથી. આપણને બાંધી રાખતી વસ્તુઓને તોડીફોડી નાખવાની હોય. અત્યાર સુધી જે ચીજ આપણને અવરોધરુપ બનીને ગૂંગળાવતી હતી તેને જ જો અસ્ત્ર કે  શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકીએ, કોઈક રીતે તેને આગળ વધવા માટેનો સ્ટેિંપગ સ્ટોન બનાવી શકીએ તો એના જેવું ઉત્તમ બીજું કશું નથી. ઘારો કે એમ ન થઈ શકે અને ખુદૃને આ હાનિકારક બંધનમાથી આઝાદૃ કરી શકીએ તોય ઘણું છે. તો હવે ઊભા છો શું? ચાલવા માંડો તમારી મંઝિલ તરફ. એકલા તમને જ મંઝિલ સુધી પહોંચવાની તાલાવેલી છે એવું નથી, મંઝિલ પણ ક્યારની તમારી રાહ જોઈને ઊભી છે.

ચરિત્ર જબ પવિત્ર હૈ... તો કયૂં હૈ યે દૃશા તેરી
યે પાપીયોં કો હક નહીં...કિ લેં પરીક્ષા તેરી.
કિ લેં પરીક્ષા તેરી....

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરા વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ.
સમય કો ભી તલાશ હૈ...

કવિ પૂછે છે કે કઈ વાતની બીક ડરે છે તને ? જ્યારે તારો કશો વાંક જ નથી, તું નિર્દૃોષ - નિષ્પાપ - પવિત્ર છે, તારું મન સાફ છે તો પછી તું શા માટે આટલો સહમેલો અને ડરેલો રહે છે? અમુક માણસો વધારે પડતા સીધા અને સરળ હોય છે. તેમને છળકપટ કરતાં કે માઈન્ડ-ગેમ્સ રમતાં આવડતું નથી. સ્વભાવગત ભીરુતાને કારણે સામેવાળા દૃુષ્ટ કે અતિ ચાલાક માણસને એ ખોંખારો ખાઈને અટકાવી શકતો નથી, એનો વિરોધ કરી શકતા નથી. ઢીલો માણસ ચુપચાપ સહન કરી લે છે, મનમાં ને મનમાં પીડાયા કરે છે, ધૂંધવાયા રાખે છે. સામેવાળો આપોઆપ સુધરી જશે, વહેલામોડી એને પોતાની ભુલ સમજાશે ને પછી સૌ સારાં વાનાં થઈ જશે એવા વિશફુલ િંથિંકગમાં જીવ્યા કરે છે. આ રાહમાં ને રાહમાં વર્ષો વીતી જાય છે, િંજદૃગી વેડફાઈ જાય છે.
સ્વભાવના ‘સારા હોવું એક વાત છે, પણ નમાલા હોવું, દૃુર્બળ હોવું તે તદ્દન જુદૃી વાત છે. જો માણસ નિર્દૃોષ અને સાચો હોય તો એણે દૃુર્બળ બનવાનું કોઈ કારણ નથી. સચ્ચાઈ સ્વયં એક તાકાત છે અને સાચા માણસના વ્યકિતત્ત્વ અને વર્તન-વ્યવહારમાં તે ઝળકવી જ જોઈએ. શું ઈમાનદૃાર માણસે લબાડ દૃુર્જનોની દૃયા પર જીવવાનું છે? શું  બેશરમ પાપીઓ એની પરીક્ષા લેશે? એનું મૂલ્યાંકન કરશે? એણે કઈ રીતે જીવવું તે નક્કી કરી આપશે? ઔકાત શું હોય છે આ નફ્ફટ નૈતિકતાહીન છછૂંદૃરોની?

Tanveer Ghazi


વારંવાર આંખ આડા કાન કર્યા પછી પણ, વારંવાર માફ કરી દૃીધા પછી પણ, વધારે પડતું સહન કરી લીધા પછી પણ જો સામેવાળો ન સુધરે તો આ પ્રકારની સ્પષ્ટતા અને વિદ્રોહી જીદૃ પ્રગટી જવા જોઈએ. આત્મવિશ્ર્વાસનો અભાવ હશે તે નહીં જ ચાલે. કોન્ફિડન્સ વગરનો માણસ સાચો હોય તોય હેરાન થતો રહે છે. પોતાની જેન્યુઈન કાબેલિયત પર વિશ્ર્વાસ રાખવો જ પડે, પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવવી જ પડે. જરુર હોય છે પોતાની અંદૃર ઝાંકવાની અને કાહ્લપનિક ડરથી પીછો છાડાવવાની. ભયમુકત થયા પછી -

જલા કે ભસ્મ કર ઉસે જો ક્રૂરતા કા જાલ હૈ
તૂ આરતી કી લૌ નહીં... તૂ ક્રોધ કી મશાલ હૈ
તૂ ક્રોધ કી મશાલ હૈ.

ચુનર ઉડા કે ધ્વજ બના... ગગન ભી કપકપાયેગા
અગર તેરી ચુનર ગીરી... તે એક ભૂકંપ આયેગા
એક ભૂકંપ આયેગા...

એકધારો અન્યાય સહન કરી રહેલા માણસનો પુણ્યપ્રકોપ વહેલામોડો પ્રગટતો હોય છે. એક પરાકાષ્ઠા પછી એના ક્રોધનો જ્વાળામુખી ફાટે છે. પૂજાની થાળીમાં ટમટમતી પવિત્ર જ્યોત મશાલની માફક ભડભડવા લાગે છે. ‘ઇનફ ઇઝ ઇનફ કહીને એ જ્યારે પ્રચંડ ત્રાડ પાડે છે ત્યારે અત્યાર સુધી એનું દૃમન કરવાની ચેષ્ટા કરનારો ભયથી કાંપી ઉઠે છે.

પોતાની આંખોમાં ખુદૃની નવી ઓળખ, સાચી ઓળખ, આત્મવિશ્ર્વાસથી છલકતો મિજાજ અને લક્ષ્ય પર ફોકસ થઈ ગયેલી સઘળી શકિતઓ... આના કરતાં વધારે ખૂબસૂરત બીજું કશું હોતું નથી. એટલે જ તો કવિ પુન: એક જ વાત ભારપૂર્વક કહે છે કે -        

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેેરે વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ
સમય કો ભી તલાશ હૈ...
                                                                             0 0 0 

Sunday, November 1, 2015

મલ્ટિપ્લેક્સ : જાને કૈસે કબ કહાં...

Sandesh - Ardh Saptahik Purti - 1 Nov 2015
મલ્ટિપ્લેક્સ 
દિલીપકુમાર અને અમિતાભ બચ્ચનને એકસાથે ચમકાવતી ફિલ્મ 'શક્તિ'ની ગણના આજે એક કલાસિક તરીકે થાય છે. કાસ્ટિંગ પ્રોસેસ ચાલી રહી હતી તે દરમિયાન પોતાના ફેવરિટ એક્ટર સાથે કામ કરવાની ઈચ્છા બિગ બીએ સામેથી વ્યકત કરી હતી, પણ ફિલ્મ રિલીઝ થઈ પછી તેઓ નારાજ કેમ થઈ ગયા હતા? 

જે એક અફલાતૂન હિન્દી ફિલ્મને યાદ કરવી છે. એ છે, ૧૯૮૨માં રિલીઝ થયેલી 'શકિત'. આજે યાદ કરવા પાછળ કોઈ વિશેષ કારણ? ના, કશું નહીં. કલાસિક ફિલ્મો વિશે વિગતે વાત કરવા માટે મુહરત જોવાની કે 'હૂક પોઈન્ટ' શોધવાની કયાં જરૂર હોય છે!
'શકિત' આવી ત્યારે અમિતાભ બચ્ચનની કરીઅર શિખર પર પહોંચી ચૂકી હતી. રમેશ સિપ્પીએ 'શોલે' (૧૯૭૫) પછી પાંચ વર્ષે બનાવેલી 'શાન' ઓડિયન્સને નિરાશ કરી ચુકી હતી. તેઓ અભિનયસમ્રાટ દિલીપકુમાર સાથે કામ કરવા માગતા હતા. સુપરસ્ટાર લેખક-બેલડી સલીમ-જાવેદે 'થન્કા પટ્ટકમ' (૧૯૭૪) નામની સાઉથ ઈન્ડિયન ફિલ્મની રીમેક બનાવવાનું સજેશન કર્યું. આમાં બાપ-બેટાના ટકરાવની વાત હતી. બાપ અને દીકરા બન્નેના ડબલ રોલ શિવાજી ગણેશને કર્યો હતો. રમેશ સિપ્પીને સ્ટોરીમાં દમ લાગ્યો, પણ તેઓ એક વાતે સ્પષ્ટ હતા પિતા-પુત્રનાં કિરદારમાં અલગ અલગ એકટર જોઈએ.
દિલીપકુમાર એ અરસામાં છેલ્લી છેલ્લી જે ફિલ્મો કરી હતી - 'દાસ્તાન' (ડબલ રોલ), 'અનોખા મિલન', 'સગીના', 'ફિર કબ મિલોગી', 'બૈરાગ' (ટ્રિપલ રોલ) - એમાં ખાસ કંઈ ભલીવાર નહોતો. 'ક્રાંતિ' અને 'વિધાતા' છેક ૧૯૮૧માં રિલીઝ થઈ. દિલીપસાબ ડિરેકટરનાં કામમાં ખૂબ માથું મારે છે એવી હવા ઈન્ડસ્ટ્રીમાં ફેલાઈ ચૂકી હતી. રમેશ સિપ્પીના મનમાં ફફડાટ હતો કે, દિલીપકુમાર ધારો કે મને એમ કહી દે કે ભાઈ, તું જે કંઈ શૂટિંગ કરી રહૃાો છે એમાં મને ગરબડ લાગે છે, તું બધું નવેસરથી શૂટ કર, તો હાલત ખરાબ થઈ જાય. સલીમ ખાન અને પ્રોડયુસર મુશીર ભાઈ જઈને દિલીપાકુમારને મળ્યા. 'શકિત'ની વાર્તા સંભળાવીને કહૃાું કે 'સર, આ તમારા લેવલનો રોલ છે. ડિરેકટર પણ કાબેલ છે પણ એને ડર છે કે, તમે ફિલ્મમાં વધારે પડતા ઈન્વોલ્વ થઈ જાઓ છો.' દિલીપ કુમાર કહે છે, 'ના ના, એવું કશું નથી. ડિરેકટરને કહો કે, એવી કશી ચિંતા ન કરે. મને પોતાને ફિલ્મના કામકાજમાં ઓવર-ઈન્વોલ્વ થવું ગમતું નથી. એનાથી ઊલટાનું મારા પર્ફોર્મન્સ પર જ માઠી અસર થાય છે.'
સલીમસાહેબે આ વાત રમેશ સિપ્પી સુધી પહોંચાડી. રમેશ સિપ્પીને હાશ થઈ. દિલીપ કુમારને સાઈન કરી લેવામાં આવ્યા. ફિલ્મમાં ત્રણ જ મુખ્ય પાત્રો છે. ડીસીપી અશ્વિનીકુમાર અત્યંત પ્રામાણિક પોલીસ ઓફિસર છે. એમનો દીકરો વિજય નાનો હતો ત્યારે ગુંડાઓએ અપહરણ કરેલું બાપે તે વખતે દીકરા કરતાં ફરજને વધારે મહત્ત્વ આપ્યું હતું. માસૂમ દીકરાના મનમાં આ વાત બેસી ગઈ. એ મોટો થતો ગયો તેમ તેમ પિતા પ્રત્યેનો એનો રોષ ઘૂંટાતો ગયો. એ વિદ્રોહી બનીને આડી લાઈને ચડી ગયો. ઘરની સ્ત્રી પાસે બન્ને જિદ્દી પુરુષોના ગુંચવાયેલા સંબંધને અસહાય બનીને જોયા કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

ડીસીપી અશ્વિનીકુમાર (દિલીપ સાહેબ)નું પાત્ર એટલું પાવરફુલ હતું કે, એમની સામે દીકરાનું કિરદાર સહેજ ઝાંખુ પડી જતું હતું. રમેશ સિપ્પીએ શરૂઆતમાં દીકરાના રોલ માટે કોઈ નવા હીરોને લેવાનું વિચાર્યું. અમિતાભનું નામ મનમાં જરૂર આવ્યું હતું પણ સવાલ એ હતો કે, આવડો મોટો સુપરસ્ટાર મેઈન હીરોને બદલે સેકન્ડ લીડ શા માટે સ્વીકારે. એક નવા એકટરનું ઓડિશન સુધ્ધાં લેવામાં આવ્યું, પણ વિજયના પાત્રમાં જે તીવ્રતા હતી એ તે ઊપસાવી શકતો નહોતો. દરમિયાન અમિતાભના કાને વાત પડી કે,રમેશ સિપ્પી દિલીપસાહેબના દીકરાના રોલ માટે કોઈ ઈન્ટેન્સ એકટરને શોધી રહૃાા છે. એમણે રમેશને કહૃાું, 'ભાઈ, તને હું કેમ યાદ આવતો નથી? હું શું કામ તારી ફિલ્મમાં નથી?'
અમિતાભ સામેથી ફિલ્મમાં રસ લેતા હોય તો એના કરતાં રૂડું બીજું શું હોઈ શકે. રમેશ સિપ્પીએ નિર્ણય લીધો કે, દિલીપસાહેબ અને અમિતાભ બચ્ચન બન્નેને એક સાથે ફિલ્મનું નરેશન આપવું (એટલે કે અત્યંત વિસ્તારથી આખી વાર્તા કહી સંભળાવવી). રમેશ સિપ્પીએ એ વખતે જ બિગ બીને સમજાવ્યું હતું કે, તમારા રોલમાં બહેલાવીને પેશ કરી શકાય એવાં તત્ત્વો ઓછાં છે. અમિતાભને સ્ક્રિપ્ટ બહુ જ ગમી ગઈ. તેઓ નાનપણથી દિલીપસાહેબના ફેન હતા. એમની સાથે કામ કરવાની શકયતા માત્રથી તેઓ એકસાઈટેડ હતા.
રાખી પણ દિલીપ કુમાર સાથે કામ કરવા ઉત્સુક હતાં. તકલીફ એ હતી કે, એ ઓલરેડી કેટલીય ફિલ્મોમાં અમિતાભની હિરોઈન રહી ચુકયાં હતાં. બચ્ચનની પ્રેમિકા બનતી નાયિકા ઓચિંતા બચ્ચનની મા બનીને પેશ થાય તો કેવું લાગે? જે વર્ષે 'શકિત' આવી ગઇ એ જ વર્ષે 'બરસાત કી એક રાત' અને 'બેમિસાલ' પણ રિલીઝ થઈ હતી અને આ બન્નેમાં અમિતાભ-રાખી રોમેન્ટિક જોડી હતી! રાખી જાણતાં હતાં કે, 'શકિત' પછી એની લીડ હિરોઈન તરીકેની કરીઅર ખતમ થઈ જવાની, પણ તેઓ ગણતરીપૂર્વકનું જોખમ લેવાં તૈયાર હતાં.

બાય ધ વે, 'શકિત' ૧૯૮૨માં રિલીઝ થઈ ત્યારે રમેશ સિપ્પી અને રાખી બન્ને ૩૫ વર્ષનાં હતાં, અમિતાભ ૪૦ વર્ષનાં હતાં અને દિલીપ કુમાર ૬૦ વર્ષનાં. ટીમમાં સૌથી નાનાં સ્મિતા પાટિલ હતાં (૨૭ વર્ષ), જેણે આજથી ત્રણ દાયકા પહેલાં બનેલી આ ફિલ્મમાં અમિતાભની લિવ-ઈન ગર્લફ્રેન્ડનું નાનું પાત્ર ભજવેલું!
ટીમ રેડી થઈ ગઈ. મુહૂર્તનો દિવસ આવ્યો. હેલિકોપ્ટર મુંબઈના જૂહુ બીચ પર આવે છે, એમાંથી દિલીપ કુમાર ઉતરે છે અને પોતાની રાહ જોઈ રહેલા અમિતાભને મળે છે એવો શોટ હતો. એક પણ ડાયલોગ નહીં, કેવળ ચહેરાના હાવભાવથી લાગણી વ્યકત કરવાની હતી. આખું યુનિટ હાજર હતું. બીચ પર કેટલાય લોકો શૂટિંગ જોવા ટોળે વળેલા.
ધીમે ધીમે દિલીપ કુમારને યુવા ડિરેકટર સાથે ફાવટ આવતી ગઈ. એક-બે વાર રમેશ સિપ્પીના ખભે હાથ મૂકીને 'આના બદલે આપણે આ સીન આ રીતે કરીએ તો કેવું?' એમ કહીને સૂચન પણ આપ્યાં. રમેશ સિપ્પીએ શાંતિથી સાંભળ્યું. પછી સમજાવ્યું કે, સર આ રીતે તો મેં વિચાર્યું જ નહોતું, પણ આમાં તકલીફ એટલી જ છે કે, જો આવું કરીશું તો તમારા પાત્રનો જે સૂર છે તે હલી જશે. દિલીપ કુમારના ગળે વાત ઉતરી ગઈ. એમણે તરત કહૃાું કે, ના- ના તું બરાબર કહે છે, આપણે તારી રીતે જ સીન કરીશું.
'શકિત'માં કેટલાંય યાદગાર દશ્યો છે. એક સીન રાખીનાં મૃત્યુ પછીનો છે. એનો મૃતદેહ પડયો છે. અમિતાભને જેલમાંથી મરેલી માનાં અંતિમ દર્શન માટે લાવવામાં આવે છે. દિલીપ કુમાર તૂટી ચુકયા છે. દિવાલને ટેકે નિમાણા થઈને બેઠા છે. બાપ અને દીકરા વચ્ચે એક જ સેતુ હતો - માનો - અને હવે એ પણ રહૃાો નથી. દીકરાએ પોતાના સાવજ જેવા બાપને કદી આવી હાલતમાં જોયો નથી. એ બાપ પાસે જઈને બેસે છે, રડે છે, બાપના હાથ પર પોતાનો હાથ મૂકે છે. એકાદ-બે ક્ષણ માટે બાપ-દીકરાની નજર મળે છે. એ જ વખતે પોલીસ આવીને અમિતાભને લઈ જાય છે.
મૃત્યુ પહેલાં રાખી દીકરાને સમજાવવા એના ઘરે જાય છે તે સીન પણ સરસ છે. દીકરો પૈસાનો રૂઆબ છાંટે છે ત્યારે મા કહે છે, 'મૈં અભી ઈતની કમઝોર નહીં હૂં વિજય, કિ મૈં અપને પતિ કી ઈમાનદારી કા બોજ ન ઉઠા સકું.' સલીમ-જાવેદે લખેલી 'દીવાર'માં પણ આવા જ ઢાળની એક સિચ્યુએશન હતી, યાદ છે? નિરૂપા રોય ધનના મદમાં છકી ગયેલા દીકરા અમિતાભને સંભળાવી દે છે, 'અભી ઈતના અમીર નહીં હુઆ, બેટા, કિ તુમ અપની મા કો ખરીદ સકો.'

એક વાર ટીમ સેન્ટુર હોટલમાં હતી ત્યારે દિલીપકુમારે રમેશ સિપ્પીને કહેલું, 'મેં આ છોકરા (અમિતાભ) વિશે બહુ સાંભળ્યું હતું. મેં એની અમુક ફિલ્મો પણ જોઈ છે, પણ એની સાથે કામ કરતી વખતે મને સમજાય છે કે, શા માટે એની આટલી બોલબાલા છે. આ માણસ બહુ જ મહેનતુ છે ડિસીપ્લીનવાળો છે અને ખાસ તો એનામાં ટેકિનકની સમજ છે. બહુ દાદુ એકટર છે એ. જોકે એ કેેમેરા માટે એકિટંગ કરે છે. મારૂ એવું છે કે, હું કયારેક સીનમાં વહી જાઉં છું. મને વધારે મોકળાશ જોઈએ, આઝાદી જોઈએ. હું સતત કેમેરા અને લાઈટ અને માર્કિંગ્સને ધ્યાનમાં રાખીને સીન ન કરી શકું. મારે પહેલાં સીન ઈન્સિટિંકટ વડે ફીલ કરવો પડે અને પછી હું રિએકટ કરી શકું. અમિતાભ આ બધું સમજે છે, પણ એ તગડું હોમવર્ક પણ કરે છે. એના દિમાગમાં બધું પહેલેથી સ્પષ્ટ હોય છે. આથી શૂટિંગ વખતે એ કેમેરા એંગલ્સ માટે એકદમ સભાન હોય છે અને તેથી સહેજ પણ ટેકિનકલ ભુલ કર્યા વગર શોટ આપી શકે છે. અત્યારે એ જે ઊંચાઈ સુધી પહોંચી શકયો છે એનું આ જ તો કારણ છે.'
દિલીપ કુમારના શબ્દો જ અમિતાભ માટે ઓસ્કર અવોર્ડ કરતાં કમ નથી. જોકે 'શકિત' રિલીઝ થયા પછી ફિલ્મ રિવ્યુઅરોએ અમિતાભ કરતાં વધારે દિલીપ કુમારને વખાણ્યા ત્યારે ગરબડ થઈ ગઈ હતી. એક રિવ્યુઅરે લખી નાખ્યું કે, દિલીપસાહેબ અમિતાભને બ્રેકફાસ્ટમાં કાચેકાચા ખાઈ ગયા! કોઈએ એવું લખ્યું કે, યે તો હોના હી થા. દિલીપ કુમાર કા પલડા ભારી હો ગયા. અમિતાભનું અપસેટ થઈ ગયા. એમને લાગ્યું કે, એમના કિરદારને પૂરતો ન્યાય નથી મળ્યો. ઈવન સલીમ-જાવેદે કબૂલ્યું કે, અમે અમિતાભનું પાત્ર દિલીપ કુમાર જેટલું સ્ટ્રોન્ગ બનાવવામાં નિષ્ફળ ગયા છીએ. તેમણે એવુંય કહ્યું કે અમિતાભને બદલે બીજો કોઈ હીરો હોત તો ફિલ્મ બોકસઓફિસ પર કદાચ વધારે ચાલી હોત. ખુદ રમેશ સિપ્પીએ એક મુલાકાતમાં કહૃાું છે કે, ફિલ્મ રિલીઝ થઈ પછી ટીમમાં થોડા સમય માટે ટેન્શન થઈ ગયું હતું. જે બાકી હતું તે ફિલ્મફેર અવોર્ડ્ઝે પૂરૂ કર્યું. બીજા વર્ષે અમિતાભ ત્રણ ફિલ્મો માટે બેસ્ટ એકટર કેટેગરીમાં નોમિનેટ થયા હતા - 'બેમિસાલ', 'નમકહરામ' અને 'શકિત', પણ અવોર્ડ તાણી ગયા દિલીપ કુમાર. ખેર, ધીમે ધીમે મામલો થાળે પડતો ગયો. વાસ્તવમાં અમિતાભને ફિલ્મ સામે નહીં, પણ વિવેચકોએ જે રીતે એમના રોલને નબળો ગણાવ્યો તેની સામે વાંધો હતો. 'શક્તિ'માં અમિતાભનો અભિનય એમના સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સીસમાં સ્થાન પામે છે અને આ ફિલ્મ, અફકોર્સ, આજે કલાસિક ગણાય છે.
લેખ વાંચીને ફિલ્મ જોવાનું મન થઈ ગયું હોય તો જાણી લો કે યુટ્યુબ પર આખી ફિલ્મ અવેલેબલ છે. જોઈ કાઢો. 
0 0 0 

Saturday, May 5, 2012

શૂજિત અને સરકાર


 દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ  - ૬ મે ૨૦૧૨ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

‘વિકી ડોનર’ અને અમિતાભની ગુજરાત ટુરિઝમવાળી એડ્સના ડિરેક્ટર એક જ જ છે શૂજિત સરકાર. આ એડફિલ્મ્સના મેકિંગ દરમિયાન શૂજિતને જે ફૂટેજ મળ્યું છે એમાંથી બિગ બીના અવનવા મૂડ્સએન્ડમોમેન્ટ્સ રજૂ કરતી અફલાતૂન ડોક્યુમેન્ટરી એ બનાવવાના છે. 



વર્ષે અત્યાર સુધીમાં બોલીવૂડમાં બે બંગાળી ફિલ્મ ડિરેક્ટરો સૂતળી બોમ્બની જેમ ફાટ્યા. એક તો, ‘કહાની’વાળા સુજોય ઘોષ અને બીજા, જલસો કરાવી દે એવી ‘વિકી ડોનર’ના નિર્દેશક શૂજિત સરકાર. શૂજિતનું ખરું નામ સુજિત છે. કહાણી એવી છે કે સુજિતમોશાય છવ્વીસસત્તાવીસ વર્ષના થઈ ગયા હતા તોય એમનું જીવન શઢ વગરના વહાણની જેમ દિશાહીન ગતિ કરી રહ્યું એટલે એમનાં માતુશ્રીને ચિંતા થઈ. એ કહે, બેટા, તું તારા નામનો સ્પેલિંગ બદલી કાઢ, ‘સુજિત’નું ‘શૂજિત’ કરી નાખ. દીકરાએ માતાજીનું માન રાખ્યું અને ચમત્કારિક રીતે એમની ગાડી પાટે ચડી ગઈ. કાગનું બેસવું અને ડાળનું પડવું એ આનું નામ.

શૂજિત સરકાર મૂળ એડમેન. દિલ્હીમાં ઘણાં વર્ષ પસાર કયાર્ પછી એ મુંબઈ આવ્યા. અમિતાભ, શાહરૂખ, આમિર, શાહિદ જેવા ટોપસ્ટાર્સને ચમકાવતી ખૂબ બધી એડફિલ્મ્સ બનાવી. ‘યહાં....’ (૨૦૦૫) એમની પહેલી ફિચર ફિલ્મ. જિમી શેરગિલ અને મિનીષા લાંબાને ચમકાવતી આ ફિલ્મ હતી તો સારી, પણ બોક્સઓફિસ પર ખાસ કંઈ ઉકાળી ન શકી. એ પછી એમણે અમિતાભ બચ્ચનને લઈને બીજી ફ્લ્મિ ડિરેક્ટ કરી ‘શૂબાઈટ’. ફિલ્મ આખેઆખી બનીને રેડી થઈ ગઈ, પણ એ રિલીઝ થાય એ પહેલાં જ અણધાર્યુર્ં વિઘ્ન આવી પડ્યું. બન્યું એવું કે હોલીવૂડમાં ‘ધ સિક્સ્થ સેન્સ’ નામની ધમાકેદાર બ્લોકબસ્ટર બનાવનાર ભારતીય મૂળના ફિલ્મમેકર મનોજ નાઈટ શ્યામલને ‘લેબર ઓફ લવ’ નામની સ્ક્રિપ્ટ લખી હતી. એના પરથી ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સવાળા ફિલ્મ બનાવવાના હતા. હિન્દી સિનેમામાં મોટું નામ ગણાતાં યુટીવી બેનરે ‘લેબર ઓફ લવ’ના રિમેકના અધિકારો ફોક્સ પાસેથી ખરીદી લીધા અને સ્ક્રિપ્ટના આધારે ‘શૂબાઈટ’ બનાવી કાઢી. પણ ફોક્સેે યુટીવીને બ્રેક મારીઃ બાપલા, આટલી ઉતાવળ કાં કરો? પહેલાં અમને અંગ્રોજીમાં ઓરિજિનલ ફિલ્મ તો બનાવવા દો. એ બને અને રિલીઝ ન થાય ત્યાં સુધી તમે એની રિમેક (એટલે કે ‘શૂબાઈટ’) રિલીઝ કરી નહીં શકો. વાત તાર્કિક હતી, પણ કમબખ્તી એ થઈ કે ફોક્સવાળાએ ‘લેબર ઓફ લવ’ પરથી આજની તારીખ સુધી અંગ્રોજીમાં ફિલ્મ બનાવી નથી. જ્યાં સુધી એ બનશે નહીં ત્યાં સુધી ‘શૂબાઈટ’ ડબ્બામાંથી બહાર આવશે નહીં!

Amitabh Bachchan in unreleased Shoebite


શૂજિતબાબુ, ખેર, નિરાશ થયા પણ હાથ પર હાથ ધરીને બેસી ન રહ્યા. એમણે એડફિલ્મ્સ બનાવવાનું ચાલુ રાખ્યું. વચ્ચે ‘અપરાજિતા’ નામની બંગાળી ફિલ્મ પ્રોડ્યુસ કરી. હવે ‘વિકી ડોનર’ની સફળતા પછી એ એકદમ ફોર્મમાં આવી ગયા છે. હવે પછી એમની ‘જાફના’ નામની ફ્લ્મિ આવશે. જોન અબ્રાહમ આ ફિલ્મનો હીરો અને કોપ્રોડ્યુસર બન્ને છે. જલીયાંવાલા બાગ પર આધારિત એક ફિલ્મ બનાવવાની શૂજિતની તીવ્ર ઈચ્છા છે. સ્ક્રિપ્ટ એમણે રેડી કરી નાખી છે. આ સિવાય પણ કેટલીક ફિલ્મો એમના મનમાં રમી રહી છે. એમનું બેનર બંગાળી અને તમિલ ફિલ્મો પ્રોડ્યુસ કરશે એ લટકામાં.

આ બધાની વચ્ચે શૂજિત એક બહુ જ ઈન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એ છે અમિતાભ બચ્ચન પર ડોક્યુમેન્ટરી. આ ડોક્યુમેન્ટરીનાં મૂળિયાં યા તો રૉ મટિરીયલ અમિતાભ બચ્ચનની ગુજરાત ટુરિઝમવાળી જાહેરાતોમાં દટાયેલાં છે. ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં...’ કેચલાઈનવાળી તમામ ૧૪ વિજ્ઞાપનો શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે. આ એડ્સના શૂટિંગ માટે અલગ અલગ પાંચ તબક્કામાં શૂજિત બિગ બી સાથે ગુજરાતના પચ્ચીસ જેટલાં ગામનગરશહેરોમાં ઘૂમ્યા હતા. આ દિવસોનું પુષ્કળ ફૂટેજ શૂજિત પાસે છે, જેમાં અમિતાભની કેટલીય અવનવી અદા અને મજાની ક્ષણો સગ્રાહાયેલી છે. આ મૂડ્સએન્ટમોમેન્ટ્સને સુંદર રીતે પરોવીને શૂજિત એક દસ્તાવેજી ફિલ્મ બનાવવા માગે છે.

શૂજિત કહે છે, ‘શરૂઆતમાં તો હું ગુજરાતમાં ઠેકઠેકાણે વેરાયેલાં સૌંદર્યને જોઈને ચકિત થઈ જતો હતો, પણ પછી ગુજરાતની સાથે સાથે બચ્ચનસાહેબની પર્સનાલિટીના રંગો પણ મને અભિભૂત કરવા માંડ્યા. એમનું એનર્જી લેવલ, હજારો ચાહકોની ભીડ વચ્ચેય એમની સ્થિરતા, વાણીવર્તનમાં ઝળકતું એમનું આંતરિક તેજ, જીવન પ્રત્યે અને લોકો પ્રત્યેનો એમનો અભિગમ... આ બધું અદભુત છે.  મને થયું કે બિગ બીનું આ જે રૂપ અમે કેમેરામાં કંડાર્યુર્ં છે એ એમના ચાહકો સમક્ષ આવવું જ જોઈએ. આથી મારી પાસે જે કંઈ ફૂટેજ છે એને સુંદર રીતે એડિટ કરીને હું   ‘જોની મસ્તાના’ નામની ડોક્યુમેન્ટરી તૈયાર કરી રહ્યો છું. બચ્ચનસાહેબની પર્સનલ ડાયરીને પણ અમે આમાં વણી લેવાના છીએ. ’

અમિતાભે એકવાર સેંકડો ફૂટ ઊંડામાં ઊતરવાની જીદ પકડી હતી. શરૂઆતમાં સૌને થયું કે એ મજાક કરે છે, પણ સાહેબ સિરિયસ હતા. સલામતીની પૂરતી તકેદારી લઈને બિગ બી માંડ્યા લોખંડના પગથિયાં જેવા પાઈપ પર એક પછી એક પગ મૂકીને અંધારીયા કૂવામાં ઊતરવા. થોડી વારમાં એટલા નીચે ચાલ્યા ગયા કે કેમેરામાં દેખાતા બંધ થઈ ગયા! સૌના જીવ રીતસર અધ્ધર થઈ ગયા હતા. ડોક્યુમેન્ટરીમાં આવો તો ઘણો મસાલો છે.

‘જોની મસ્તાના’, ‘જાફના’ વગેરે આપણે વહેલામોડી જોઈશું જ. સવાલ ‘શૂબાઈટ’નો છે. ફોક્સ અને યુટીવી વચ્ચેની મડાગાંઠ જો વહેલામોડી ખૂલશે તો શૂજિત અને અમિતાભના કોમ્બોવાળી સંભવતઃ સારી ફિલ્મ આપણને જોવા મળશે.

શો-સ્ટોપર

સચિન તેંડુલકર મજાનો માણસ છે અને રાજ્યસભામાં સારા માણસો જાય એ ઈચ્છનીય જ છે. ના, રાજ્યસભાનું નોમિનેશન સ્વીકારીને સચિને કશી ભુલ કરી નથી.

- આમિર ખાન

Thursday, July 14, 2011

મા આખરે તો માણસ છે...

 


ચિત્રલેખા  
અંક તા. ૨૫ જુલાઈ ૨૦૧૧




કોલમઃ
વાંચવા જેવું 



                                                                                                     

 - એ કેટલા છોકરાઓ હતા?
એક રૂઆબદાર મહિલાએ પોતાના દીકરા સામે ‘શોલે’ના કિતને આદમી થે?ના અંદાજમાં ડાયલોગ ફેંક્યો.
 - ચાર.
 - અને તને ફક્ત ચાર છોકરાઓ મારી ગયા! પાછો જા અને એ ચારેયને ખોખરા કર્યા વગર પાછો ન આવતો.

દીકરામાં હિંમત આવી. એ ગયો અને ચારેયને ધીબેડીને જમીનથી ચાર વેંત અધ્ધર ચાલતો ઘરે પાછો ફર્યો. દાયકાઓ પછી દીકરો લખે છેઃ ‘મારી માતાએ તે દિવસે મારામાંથી એક વિજેતાને બહાર આણ્યો.’ ભીરૂ દીકરાને ભડવીર બનતા શીખવનાર એ માતાએ પછી છોકરો જુાન થયો ત્યારે બોલડાન્સ, વોલ્ટ્ઝ અને ફોક્સટ્રોટ ડાન્સ કરતાં પણ શીખવ્યું. આ રૂઆબદાર માનુની એટલે તેજી બચ્ચન અને પેલો છોકરો એટલે અમિતાભ બચ્ચન!

મા વિશે કેટલું લખી શકાય? શું લખી શકાય? જન્મદાત્રીનો આભાર માનવાનો હોય? કે પછી, પ્રતિષ્ઠિત નાટ્યલેખક પ્રવીણ સોલંકી કહે છે તેમ, ‘થેન્ક યૂ મમ્મી’ એ વાક્ય જ અવાસ્તવિક છે? નરેન્દ્ર મોદીએ ભલે ‘માનું  માર્કેટિંગ ન થાય’ એમ કહીને લેખ લખવાનું ટાળ્યું હોય, બાકી સંતાનો ધારે તો પોતાની જનની વિશે લખી શકે છે, દિલપૂર્વક લખી શકે છે અને સરસ લખી શકે છે. આ વાતની સાબિતી છે આ રૂપકડું પુસ્તક. વીર નર્મદથી લઈને ફિલ્મસ્ટાર પ્રાચી દેસાઈ સુધી અને મહાત્મા ગાંધીથી લઈને લોર્ડ ભીખુ પારેખ સુધીના ૪૭ સંતાનોના પોતાની મા વિશેનાં હૃદયસ્પર્શી લખાણો અહીં સંગ્રહ પામ્યાં છે.



‘દિવ્ય ભાસ્કર’ના સ્ટેટ એડિટર અજય ઉમટનાં મમ્મી અનેક વખત મજાકમાં કહેતાંઃ ‘જો હું જાતને ન સાચવી શકું એવી પરવશ થઈ જાઉં તો મને પ્રેમથી વિદાય આપજો. મારો જીવ ન જતો હોય તો ‘પાકીઝા’નું થાડે રહીયો એ બાંકે યાર રે વગાડજો.’ માત્ર ૫૬ વર્ષની વયે એમનાં માતાજીએ લીધેલી વિદાય માટે ડાયાબિટીસ નિમિત્ત બન્યો, જ્યારે  જાણીતા કોલમિસ્ટ જય વસાવડાનાં માતાજીને જીવલેણ કેન્સરે હણી લીધાં. મમ્મી ભાંગી ન પડે તે માટે હકીકત છુ૫વવામાં આવી હતી. જોકે સ્વજનો અને તબીબો દઢપણે માને છે કે તેમને સચ્ચાઈની જાણ હતી જ. જય વસાવડા લખે છેઃ‘માત્ર મેં જે (બીમારી છૂપાવવાનું) નાટક કર્યું છે તેમાં હું રાજી રહું એટલે મૃત્યુપર્યંત એણે એક પણ વખત પીડા વચ્ચે પણ એનો પ્રગટ એકરાર ન કર્યો. પ્રેમની આનાથી વધુ મોટી પરાકાષ્ઠા કઈ હોઈ શકે?’

જાણીતા ફિલ્મ-ટીવીલેખક તથા કોલમિસ્ટ સંજય છેલની અટક વાયડા છે અને તેઓ પોતાની મમ્મીને તોફાનભર્યા વહાલથી ‘કુસુમ છેલ વાયડી’ કહે છે! સંજય છેલ લખે છેઃ ‘મમ્મીને મારા સુખની ચિંતા હતી અને મને મારા સુખની, મારાં સપનાંઓની. અને એ મારું સુખ મળવવાની સફરમાં મેં અને એણે એકબીજાંને ખૂબ દુખ આપ્યાં છે. અમે ખૂબ લડ્યાં ઝઘડ્યાં છીએ... મને સો ટકા ખાતરી છે કે મૃત્યુ પછીય મારી મમ્મી ભૂત બનીને મારી આસપાસ આવીને ફરકશે અને પૂછશેઃ ‘તું સુખી છે? તું જમ્યો? સવારે વહેલો ઉઠીશ? થોડો ડિસીપ્લીન્ડ થઈશ? થોડું ગંભીર લખીશ?’ વગેરે વગેરે વગેરે અને મા કમસ મને ભૂત કરતાંય વધારે આ પ્રશ્નોનો ડર લાગે છે...’

મા વિશેનાં લખાણો પૂજ્યભાવથી છલકાવા માંડતાં હોય તો એ સ્વાભાવિક છે, પણ જો લાગલગાટ આ જ પ્રકારના લેખોની હારમાળા રચાય તો પુસ્તકને એકાંગી, એકવિધ અને એકપરિમાણી બનતાં વાર ન લાગે. આ સંગ્રહનો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં માતૃત્વના કેટલાક અપ્રિય લાગે એવા રંગો પણ પ્રામાણિકતાપૂર્વક ઝીલાયા છે. તેને લીધે પુસ્તક મલ્ટિડાયમેન્શનલ બની શક્યું છે.

રાજપીપળાના રાજકુંવર માનવેન્દ્ર ગોહિલને જન્મ તો આપ્યો જેસલમેરનાં રજવાડાંનાં કુંવરી રુક્મિણીદેવીએ, પણ માનો સાચો પ્રેમ મળ્યો દાઈમા રુખ્ખણ તરફથી. દાઈમાએ એમને સગા દીકરાથી વિશેષ ગણી એમને ઉછેર્યો, જ્યારે રુક્મિણીદેવી સાથેનો તેમનો પહેલેથી જ તંગ અને સૂકો રહ્યો. પોતે હોમોસેક્સ્યુઅલ છે એવી માનવેન્દ્રે ઘોષણા કરી ત્યારે રુક્મિણીદેવી દીકરા સામે યુદ્ધે ચડ્યાં હતાં. રાજઘરાનાની સંપત્તિમાંથી એમને રદબાતલ ઠેરવી દીધા અને અખબારોમાં મોટી જાહેરાત પણ આપી દીધી કે હવેથી માનવેન્દ્ર મારો દીકરો મટી ગયો છે. માનવેન્દ્ર કહે છે, ‘એમણે વળી ક્યારે મને પુત્ર ગણ્યો હતો કે હવે પુત્ર હોવાની ના પાડે છે? હું ક્યારેય એમનો પુત્ર હતો જ નહીં.’ માનવેન્દ્રે પોતાની સેક્સ્યુઅલિટીની જાહેરાત કરી તે પહેલાં જ દાઈમાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. માનવેન્દ્ર લખે છેઃ ‘મારા ગે હોવા વિશે દાઈમાને પણ બહુ મોટો આઘાત જરૂર લાગ્યો હોત, પણ એ અભણ બાઈએ મને આખરે તો સ્વીકારી જ લીધો હોત, કારણ કે એને તો એના લાલા સાથે પ્રેમ હતો, લાલો શું છે એની સાથે નહીં.’ ગે એક્ટિવિસ્ટ અશોક રાવ કવિને માનવેન્દ્ર પોતાની ત્રીજી મા, ગે-મા, ગણે છે!




આખા પુસ્તકમાં સંભવતઃ સૌથી ધ્યાનાકર્ષક લેખ હોય તો તે છે પત્રકાર જ્યોતિ ઉનડકટનો. તેઓ લખે છેઃ ‘માત્ર પ્રેમ જ એકતરફી નથી હોતો, ઘણી વખત નફરત પણ એકતરફી હોય છે. હા, ભાભીને (એટલે કે મમ્મીને) મારાં પ્રતિ એકતરફી નફરત છે. આજે કદાચ ભાભીને કોઈ પૂછે કે તમને સૌથી વધુ નફરત કોના ઉપર છે? તો એ મારું જ નામ લે.’ જ્યોતિની જીવનસાથીની પસંદગી પરિવાર પચાવી ન શક્યો અને તેમનો તીવ્ર રોષ, અબોલા અને સંબંધવિચ્છેદની સ્થિતિ એક દાયકા સુધી ખેંચાઈ. પણ પિતાનું મૃત્યુ થયું ત્યારે જ્યોતિથી ન રહેવાયું. અવસાનના છઠ્ઠા દિવસે જ્યોતિ પોતાનાં ઘરે ગયાં. ઈચ્છા તો માને વળગીને રડી લેવાની હતી, પણ સાડા સત્તર મિનિટની શુષ્કતા પછી જ્યોતિએ જ્યારે ઘરની બહાર પગ મૂક્યો ત્યારે માના શબ્દો કાનમાં પડઘાતા હતાંઃ ‘હું મરી જાઉં ત્યારે તું ન આવતી...’

માતૃપ્રેમના મહિમા વિશે કેટલાંય પુસ્તકો છપાયાં છે અને ભવિષ્યમાંય છપાતાં રહેશે. માનું માર્કેટિંગ ભલે ન થાય, પણ સંપાદકબેલડી અમીષા શાહ - મૃગાંક શાહ કહે છે તેમ, મા પ્રત્યેની ઈન્દ્રધનુષી લાગણીઓનું ઈમોશનલ શેરિંગ ચોક્કસ થાય. સુંદર છપાઈવાળું આ પુસ્તક લેખકોની પસંદગી તેમજ લખાણોની નક્કર પારદર્શિતાને લીધે વાંચનક્ષમ બન્યું છે એ તો નક્કી.                                                                   000



થેંક યૂ મમ્મી

સંપાદકઃ અમીષા શાહ- મૃગાંક શાહ

પ્રકાશકઃ આવિષ્કાર પબ્લિશર્સ
વડોદરા-૯

વિતરકઃ આર. આર. શેઠની કંપની
ફોનઃ (૦૨૨) ૨૨૦૧૩૪૪૧, (૦૭૯) ૨૫૫૦૬૫૭૩

કિંમતઃ  રૂ. ૨૪૪

પૃષ્ઠઃ ૩૦૦