દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 9 જાન્યુઆરી 2019
કોલમ: ટેક ઓફ
‘શું તને સાચે જ એવું લાગે છે કે હું તને ચાહતો નથી? તારી
સંભાળ રાખવા ઇચ્છતા નથી? તારો પ્રેમ પામવા ઝંખતો નથી? હું તને ચાહું છું - ફક્ત મારાં બાળકોની મા તરીકે નહીં,
એક સ્ત્રી તરીકે પણ.’
Dr. Vikram Sarabhai and Mrinalini Sarabhai |
પતિ અને પત્ની બન્ને અતિ તેજસ્વી હોય, પ્રતિભાશાળી હોય
અને પોતપોતાનાં ક્ષેત્રમાં સફળતા પામ્યાં હોય એવા ગુજરાતી દંપતીઓની સૂચિ બનાવવામાં
આવે તો ડો. વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઈનું નામ ખાસ્સા ઊંચા ક્રમ પર
મૂકવું પડે. ડો. વિક્રમ સારાભાઈ એટલે વિખ્યાત વૈજ્ઞાનિક અને ભારતના સ્પેસ
પ્રોગ્રામના જનક. મૃણાલિની સારાભાઈ વિખ્યાત ક્લાસિકલ ડાન્સર. વિક્રમ સારાભાઈની
પુણ્યતિથિ હમણાં 30મી ડિસેમ્બરે ગઈ, જ્યારે મૃણાલિની સારાભાઈની મૃત્યુતિથિ
જાન્યુઆરીની 21મી તારીખે આવશે. ડો. વિક્રમ
સારાભાઈ માત્ર બાવન વર્ષ જીવ્યા, જ્યારે મૃણાલિની સારાભાઈ 97 વર્ષનું દીર્ઘાયુષ
પામ્યાં.
લગ્ન સ્વયં એક કોમ્પ્લિકેટેડ સંબંધ હોઈ શકે છે. એમાંય
સ્ત્રી-પુરુષ બન્ને જ્યારે હાઇ પ્રોફાઇલ જીવન જીવતાં હોય ત્યારે સંકુલતાનો ગુણાકાર
થવાની શક્યતા ખૂબ વધી જાય. મૃણાલિની સારાભાઈ લિખિત આત્મકથા ‘ધ વોઇસ ઓફ અ હાર્ટ’
(જે ગુજરાતીમાં ‘અંતર્નાદ’ નામે અનૂદિત
થઈ છે)માં આ સેલિબ્રિટી કપલની અંતરંગ વાતો સરસ રીતે ઝીલાઈ છે. આઇઆઇએમ-અમદાવાદ પર
આવતાં પહેલાં આ પતિ-પત્નીના સંબંધના પ્રારંભિક ગ્રાફ પર નજર નાખી લઈએ.
વિક્રમ નામના ગુજરાતી યુવાનનો ભેટો સાઉથ ઇન્ડિયન મૃણાલિની
સાથે કેવી રીતે થયેલો? વિક્રમ સારાભાઈ બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં
અધ્યાપનકાર્ય કરી રહેલા સર સી.વી.
રામનના વિદ્યાર્થી હતા. આમ શરમાળ પણ આમ બહિર્મુખ
એવાં મૃણાલિની પાછળ એ વખતે બેંગલોરના ઘણા યુવાનો દીવાના હતા, પણ મૃણાલિની ખુદ આ ગુજરાતી શ્ર્વેતાંબર જૈન યુવાનની બુદ્ધિમત્તાથી ખાસ્સાં
પ્રભાવિત. બન્ને ઉચ્ચભ્રૂ પરિવારનાં ફરજંદ.
મૃણાલિની અને વિક્રમ વચ્ચે ક્રમશ: દોસ્તી ગાઢ બનવા લાગી. ગાડીમાં સામાન ભરીને એ શહેરથી દૂર પિકનિક પર ઉપડી જતાં. ગાઢ વનરાજિ વચ્ચે મૃણાલિની ટાગોરનાં કાવ્યોનું પઠન કરે, જ્યારે ગુજરાતમાં કોલેજ કરીને આવેલા વિક્રમ ‘વિક્રમોવર્શીયમ’
તેજ ‘મેઘદૂત’ના સંસ્કૃતપાઠોનું
ગાન કરે. સાથે સાથે મકાઈડોડા શેકી શેકીને ઝાપટવાનું પણ ચાલુ હોય!
અલબત્ત, કરીઅરનું પ્રાધાન્ય ક્યારેય ભુલાયું નહોતું.
વિક્રમ સારાભાઈ શરુઆતમાં કહેતા કે, ‘આપણે પ્રેમસંબંધમાં
પડવું નથી. મારે લગ્ન કરવાં નથી.’ આ સાંભળીને
મૃણાલિની કહેતા, ‘હાશ! મને નિરાંત થઈ...!’
પણ ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલન
છેડાયું ત્યાર બાદ વિક્રમના સૂર બદલાવા માંડ્યા. એમણે હવે મૃણાલિનીને એકધારું કહેવાનું
શરુ કર્યું: તારે હવે મારી સાથે લગ્ન કરી લેવાં જોઈએ!
Dr. Vikram Sarabhai with Kamla Chaudhury |
મૃણાલિનીને
વિક્રમ પ્રત્યે ભરપૂર પ્રેમ હતો, પણ લગ્નની અજાણી ભૂમિ પર પગલાં
પાડતાં એમને ડર લાગતો હતો. આખરે મૃણાલિનીએ હા પાડી. એમના લગ્ન લેવાયાં. મૃણાલિનીને સાસરીયાના વૈભવશાળી આવાસનું વાતાવરણ વધારે
પડતું ગંભીર લાગ્યું હતું. જીવંત અને આનંદથી છલકાતા કલામય પરિવારમાંથી
આવેલાં મૃણાલિનીના મનમાં ચિંતા જાગી કે અહીં હું રાતોરાત કેવી રીતે ગોઠવાઈ શકીશ?
પોતાનાં સાસુ અને તેમજ જેઠાણી સાથે મૃણાલિનીને કદી આત્મીયતા અનુભવી
ન શક્યા. અલબત્ત, સસરા અંબાલાલે મૃણાલિનીને દિલથી આવકાર્યા હતા.
લગ્ન પછીના થોડા જ અરસામાં એક સરઘસમાં ભાગ લેતી વખતે પોલીસે છોડેલા અશ્રુવાયુનો
ટોટો મૃણાલિનીના એકદમ ચહેરા પર જ ફૂટતાં એ ગંભીર રીતે ઘાયલ થઈ ગયાં હતાં. ડોક્ટરે તો ત્યાં સુધી કહી દીધું હતું કે મૃણાલિનીની આંખોમાં ચેપ લાગી ચુક્યો
હોવાથી આંખો કઢાવી નાખવી પડશે. અંબાલાલે મક્કમપણે વિરોધ કર્યો:
‘એ નૃત્યાંગના છે. કોઈ પણ ભોગે આપણે એની આંખો બચાવાનો
પ્રયત્નો કરવા જોઈએ.’
સસરાના
આ નિર્ણય બદલ મૃણાલિની આજીવન એમના ઋણી રહ્યાં. લાંબી સારવારને
અંતે હરતાંફરતાં થવામાં મૃણાલિનીને એક વર્ષ લાગી ગયું, પણ આ આખા
તબક્કા દરમિયાન વિક્રમ સારાભાઈ મજબૂત ખડકની જેમ એમની પડખે ઊભા હતા એટલે એ તમામ અગ્નિપરીક્ષામાંથી
હેમખેમ પાર ઉતર્યાં.
ડો.
વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઈની પ્રેમકહાણી એક વાત થઈ. જે વાત મૃણાલિની
સારાભાઈની આત્મકથામાં નથી એ બીજા એક પુસ્તકમાં થઈ છે. તેનું નામ છે, ‘અ
બુક ઓફ મેમરી’. લેખક છે, સુધીર કક્કર (અથવા કકર). માનસચિકિત્સાના ક્ષેત્રમાં એમનું
મોટું નામ છે. એમને ‘ફાધર ઓફ ઇન્ડિયન સાઇકોએનેલિસિસ’નું બિરુદ આપવામાં આવ્યું છે. 1970ના
દાયકાના મધ્યમાં એમણે ફ્રોઇડના માનસશાસ્ત્રને ભારતમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. એમણે
ઘણાં ફિક્શન અને નોન-ફિક્શન પુસ્તકો લખ્યાં છે. એમાંનું એક એટલે આ, ‘અ
બુક ઓફ મેમરી’.
આ
આત્મકથનાત્મક પુસ્તકનો એક છેડો આપણા આજના લેખના વિષયને સ્પર્શે છે. સુધીર કક્કરનાં
ફોઈનું નામ કમલા ચૌધરી હતું. લેખક પોતાના પુસ્તકમાં કહે છે અમદાવાદમાં આઇઆઇએમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ
મેનેજમેન્ટ) જેવી અતિ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઊભી થઈ એની પાછળનું મોટું ચાલકબળ
એમનાં કમલાફોઈ હતાં. કમલા ચૌધરી નાની ઉંમરે વિધવા થઈ ગયાં હતાં. મૃણાલિની સારાભાઈ
સાથે એમનાં બહેનપણાં હતાં. એ રીતે વિક્રમ સારાભાઈ સાથે કમલા ચૌધરીની ઓળખાણ થઈ. ડો.
સારાભાઈ એમનાથી એટલા પ્રભાવિત થયા કે પોતે સ્થાપેલી ટેક્સ્ટાઇલ રિસર્ચ માટેની
સંસ્થા અટિરામાં સારી જોબની ઓફર આપી. વાત માત્ર ત્યાં સુધી સીમિત ન રહી. સુધીર
કક્કર પોતાના પુસ્તકમાં લખે છે કે, વિક્રમ સારાભાઈ અને કમલા ચૌધરી વચ્ચે પછી ગાઢ
સંબંધ બંધાયો જે વીસ વર્ષના અંતરાલમાં ફેલાયો.
વિચારતાં
કરી મૂકે એવી આ વિગતો છે. આગળની કથા એવી છે કે આ જે પ્રણયત્રિકોણ રચાયો હતો એમાં
કમલા ચૌધરીને ગૂંગળામણ થવા લાગી એટલે તેઓ દિલ્હી શિફ્ટ થઈ જવા માગતાં હતાં, પણ
વિક્રમ સારાભાઈએ એમને અમદાવાદમાં રોકી રાખવા માગતા હતા. આ માટે પોતાનાથી થાય એટલા
તમામ પ્રયત્ન કરી જોયા. કમલા ચૌધરીને એમણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)ની
ડિરેક્ટરનો હોદ્દો આપવાનો પ્રસ્તાવ મૂક્યો. આ અને આના જેવી બીજી કોઈ પ્રપોઝલ કારગત
ન નીવડી એટલે આઇઆઇએમને અમદાવાદ લાવવા માટે વિક્રમ સારાભાઈએ હિલચાલ શરૂ કરી દીધી.
વિક્રમ સારાભાઈ ખૂબ વગદાર માણસ હતા અને ભારત સરકાર દ્વારા તેઓ હિલચાલ શરૂ કરાવી
શકતા હતા. ભારતની પહેલી આઇઆઇએમ કલકત્તામાં ખૂલી ચુકી હતી અને બીજી આઇઆઇએમ પર
ટેક્નિકલી મુંબઇનો પહેલો અધિકાર હતો. વિક્રમ સારાભાઈ પોતાનો પ્રભાવ વાપરીને
આઇઆઇએમને અમદાવાદ લઈ આવ્યા. તેઓ સ્વયં આઇઆઇએમ-અમદાવાદના પ્રથમ ડિરેક્ટર બન્યા અને
કમલા ચૌધરી રિસર્ચ ડિરેક્ટર. સુધીર કક્કર લખે છે કે દેખીતી રીતે જ વિક્રમ સારાભાઈ
ઇન્સ્ટિટ્યુટના સર્વેસર્વા હતા, પણ તેઓ કોઈ પણ મોટો નિર્ણય કમલા ચૌધરીને પૂછ્યા
વગર ન લેતા. સુધીર કક્કરના કહેવાનો સૂર એ છે કે જો ડો. વિક્રમ સારાભાઈના જીવનમાં
કમલા ચૌધરી ન હોય અને જો વિક્રમ સારાભાઈ એમને કોઈપણ ભોગે અમદાવાદમાં રોકી રાખવા
માગતા ન હોત તો અમદાવાદમાં આઇઆઇએમ ઊભી ન થઈ હોત! યાદ રહે, લેખક સુધીર કક્કર કોઈ
મામૂલી વ્યક્તિ નથી, તેઓ ‘ફાધર ઓફ ઇન્ડિયન સાઇકોએનેલિસિસ’નું બિરુદ પામેલા જવાબદાર વ્યક્તિ છે
અને કમલા ચૌધરીના સગા ભત્રીજા છે.
ભારતને અંતરિક્ષ યુગમાં પહોંચાડનારો વૈજ્ઞાનિક આમેય અતિ વ્યસ્ત હોવાનો. એમાંય
એમના જીવનમાં એક પરસ્ત્રીનું આવું સ્થાન હોય એટલે લગ્નજીવન પર એની અસર પડ્યા વગર ન
જ રહે. અલબત્ત, વિક્રમ સારાભાઈને પરિવારની પરવા હતી જ. પત્નીને એક પત્રમાં એમણે
લખ્યું હતુઃ
‘... શું તને સાચે જ એવું લાગે છે કે હું તને ચાહતો નથી? તારી
સંભાળ રાખવા ઇચ્છતા નથી? અને સૌથી મહત્ત્વનું તો એ છે કે મારા
તમામ દોષ સાથે પણ હું તારો પ્રેમ પામવા ઝંખતો નથી?... અત્યારે
આપણા પ્રેમમાં ઘૃણાનો ઈન્કાર ન કરી શકીએ તો શું ખૂંચે છે તે કાઢી લઈએ. અત્યારે મને તારા પ્રેમની ખાસ જરુર છે - જેમ તારું માથું
ટેકવવા તને મારા ખભાની જરુર છે... મૃણાલિની, મહેરબાની કરીને મારા પર શંકા રાખીશ નહીં. હું તને ચાહું
છું - ફક્ત મારાં બાળકોની મા તરીકે નહીં, એક સ્ત્રી તરીકે પણ.’
આ પત્ર મૃણાલિનીએ પોતાની આત્મકથામાં ટાંક્યો છે. ખરેખર, વાત
સેલિબ્રિટી કપલની હોય કે આમ વ્યક્તિની, પ્રેમસંબંધ તેમજ લગ્નસંબંધની જટિલતાને
સમજવી અને એ અનુસાર પોતાના જીવનને ગોઠવવાનું હંમેશાં ખૂબ મુશ્કેલ હોવાનું!
0 0 0