Showing posts with label Federico Fellini. Show all posts
Showing posts with label Federico Fellini. Show all posts

Monday, November 11, 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : 47 : લા ડોલ્ચે વિતા

Mumbai Samachar  - Matinee Purti - 8 Nov 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા...

કદાચ પરફેક્ટ લાઈફ જેવું કશું હોતું જ નથી અને આ સત્ય સુધી માણસે પોતપોતાની રીતે મથામણ કરીને, સુખ-દુખ-પીડામાંથી પસાર થઈને પહોંચવાનું હોય છે. કંઈક આવો સંદેશો આપવા માગતા ઈટાલિયન ફિલ્મમેકર ફેડરિકો ફેલિનીની ‘લા ડોલ્ચે વિતા’ વિશ્ર્વસિનેમાની સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મોમાં સ્થાન પામે છે.

                                                


ફિલ્મ ૪૭ : ‘લા ડોલ્ચે વિતા’

સિનેમાના માસ્ટર ફેડરિકો ફેલિનીની એક ફિલ્મ ‘એઈટ એન્ડ અ હાફ’ વિશે આપણે આ કોલમમાં અગાઉ વિગતે વાત કરી હતી. આજે એમની ઑર એક ઈટાલિયન ફિલ્મ ‘લા ડોલ્ચે વિતા’ અથવા તો ‘અ સ્વીટ લાઈફ’ યા ‘અ ગુડ લાઈફ’નો વારો. ફિલ્મ ખાસ્સી ઓફબીટ અને ‘અઘરી’ છે, પણ વિશ્ર્વસિનેમાની સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મોમાં તેનું નામ છે.

ફિલ્મમાં શું છે?

સ્થૂળ સ્તરે વાત કરીએ તો આ ફિલ્મ માર્સેલો (માર્સેલો મેસ્ત્રોએની) નામના પત્રકારની વાત છે. એ ગોસિપ રાઈટર છે. હાઈ સોસાયટીના સફળ, ગ્લેમરસ અને ધનિક લોકો સાથે ઊઠબેસ કરીને તેમના વિશે ચટપટી વાતો પોતાની કોલમમાં લખે છે. માર્સેલો રોમમાં એક અઠવાડિયું વીતાવે છે. દરમિયાન એને અનેક પ્રકારના અનુભવો થાય છે. આ સાત દિવસ અને સાત રાતોનો અહેવાલ એટલે આ ફિલ્મની કહાણી. પ્રચલિત અર્થઘટન એવું છે કે ફેલિનીએ આ ફિલ્મમાં બાઈબલમાં વર્ણવવામાં આવેલાં સાત પાપને વણી લીધાં છે. આ સાત પાપ એટલે ક્રોધ, લોભ, લાલચ, ઘમંડ, આળસ, વાસના અને અકરાંતિયાપણું. જોકે ઘણાં સમીક્ષકોનું કહેવું છે કે ફિલ્મના નરેટિવ (કથાપ્રવાહ)ને આ રીતે સાત પાપોને સંદર્ભ આપી દેવાથી એની અપીલ સીમિત થઈ જાય છે. આમ જોવા જાઓ તો ફિલ્મમાં વાર્તા જેવું કશું છે જ નહીં. ફિલ્મ કેરેક્ટર-ડ્રિવન છે. મતલબ કે અહીં પાત્રો કેન્દ્રમાં છે. આ પાત્રોને અને એક પછી એક બનતી ઘટનાઓને એકમેક સાથે સીધો સંબંધ હોય અથવા ન પણ હોય. રાઈટર-ડિરેક્ટર ફેલિનીને ‘વ્યુઅર-ફ્રેન્ડલી’ બનવાના કોઈ ધખારા નથી. એ નથી કોઈ ખુલાસા કરતા કે નથી માંડીને વાત કરતા. ફિલ્મની પેટર્ન કંઈક એવી છે કે સાત એપિસોડ્સમાં વહેંચાયેલી ફિલ્મ રોજ સાંજે શરુ થાય અને વહેલી પરોઢે ખતમ થાય. આ સિલસિલો સપ્તાહ સુધી ચાલ્યા કરે.





ફિલ્મની શરુઆતમાં જિસસ ક્રાઈસ્ટને ઊંચકીને લઈ જતું એક હેલિકોપ્ટર રોમ શહેર પરથી પસાર થતું દેખાય છે. હીરો માર્સેલોનું હેલિકોપ્ટર પીછો કરી રહ્યું છે. સાથે પાપારાઝો નામનો ફોટોગ્રાફર પણ છે. રાત્રે એક નાઈટકલબમાં માર્સેલોની મુલાકાત રાજવી પરિવારની એક ધનાઢ્ય સ્ત્રી સાથે થાય છે. એક વેશ્યાના ઘરમાં બન્ને વચ્ચે શરીર સંબંધ બંધાય છે. પરોઢિયે હોટલના કમરામાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે એની અતિ માલિકીભાવ ધરાવતી પ્રેમિકા ઍમા (ઈવન ફરનો)એ ખૂબ બધી ટેબ્લેટ્સ ગળીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. હોસ્પિટલના કમરામાં માર્સેલો એને ખાતરી આપે છે કે સ્વીટહાર્ટ, હું ફકત તારો જ છું. જોકે કમરાની બહાર જઈને આગલી રાતે જે સ્ત્રી સાથે ગાળી હતી એની સાથે ફોન પર વાત કરવાનું ચુકતો નથી.

બીજા દિવસે સિલ્વિયા (અનિતા એકબર્ગ) નામની એક ફેમસ સ્વિડિશ-અમેરિકન એક્ટ્રેસ રોમ આવે છે. પત્રકારો અને ફોટોગ્રાફરોના ટોળેટોળા વચ્ચે માર્સેલો એવી યુક્તિ કરે છે કે જેથી સિલ્વિયા સાથે એકલા સમય ગાળી શકાય. રાત્રે ક્લબમાં એની સાથે ડાન્સ કરે છે ને પછી બન્ને વિખ્યાત ટ્રેવી ફાઉન્ટનમાં જલક્રીડા પણ કરે છે. સિલ્વિયાના પ્રેમીથી આ બધું સહન થતું નથી. એ સિલ્વિયાને લાફો ઠોકી દે છે. માર્સેલો ગમ ખાઈને જતો રહે છે. તે પછી એની મુલાકાત સ્ટીનર (એલેઈન કુની) નામના બૌદ્ધિક સાથે થાય છે. એના ઘરે પાર્ટીમાં કલાકારો, સંગીતકારો વગેરે ભેગા થઈને ઊંચી ફિલોસોફિકલ વાતો કરે છે. સ્ટીનરનું જીવન આમ તો પરફેક્ટ છે. પત્ની છે, બાળકો છે, સામાજિક પ્રતિષ્ઠા છે. સ્ટીનર કબૂલે છે કે પોતે ભોતિક સુખ અને આધ્યાત્મિક શાંતિની શોધ વચ્ચે રહેંસાઈ રહ્યો છે. પ્રેમની ઝંખના તેમજ મોટા થતાં જતાં બાળકો વિશેની અસલામતી વિશે પણ ચર્ચા થાય છે. 





ઘણા બધા વેરવિખેર પ્રસંગો બનતા રહે છે, જેમાં માર્સેલોની એના પિતા સાથેની સિકવન્સ મુખ્ય છે. પિતા રોમ ફરવા આવ્યા છે. એક નાઈટક્લબમાં બન્ને મળે છે. નાનપણમાં માર્સેલોએ પિતા સાથે બહુ ઓછો સમય ગાળ્યો હતો. ક્લબમાં માર્સેલો પિતાની ઓળખાણ ફની નામની એક ડાન્સર સાથે કરાવે છે, જેની સાથે એ એક રાત ગાળી ચુક્યો છે. ફનીને પિતાજીમાં રસ પડે છે. એમને એ પોતાના ઘરે લઈ જાય છે, પણ ત્યાં એમને અચાનક હાર્ટએટેક આવે છે. માર્સેેલો પિતાજી સાથે વધારે સમય ગાળવા માગે છે, પણ પિતાજી થોડાઘણા સ્વસ્થ થતાં જ પાછા જતા રહે છે.

ઓર થોડી ધટનાઓ. માર્સેેલો અને ઍમા વચ્ચે ઝઘડો થવો, પેચ-અપ થવું, સ્ટીનરનું પોતાનાં બન્ને સંતાનોની હત્યા કરીને આત્મહત્યા કરી લેવી, પાર્ટીઓ-પાર્ટીઓ-પાર્ટીઓ અને આવા જ કોઈ બિંદુ પર ફિલ્મનું પૂર્ણવિરામ આવવું.

કથા પહેલાંની અને પછીની

ફેડરિકો ફેલિનીને આ ફિલ્મની પ્રેરણા ક્યાંથી મળી? રોમમાં એક તબક્કે ફેશનનો સ્ફોટ થયો હતો. સ્ત્રીઓ ચિત્રવિચિત્ર કપડાં પહેરીને રસ્તા પર ફર્યાં કરતી. એમને જોઈને ફેલિનીને રોમના પેજ-થ્રી ક્રાઉડને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મ બનાવવાનો આઈડિયા આવ્યો. આ ફિલ્મમાં અત્યંત લાઉડ કોશ્ચ્યુમ પહેરેલાં કેટલાંક સ્ત્રીપાત્રો જોવા મળે છે. યોગાનુયોગે આ ફિલ્મને બેસ્ટ કોશ્ચ્યુમ્સ ડિઝાઈન (બ્લેક એન્ડ વ્હાઈટ)નો ઓસ્કર ઍવોર્ડ પણ મળ્યો છે. મોટા ભાગની ફિલ્મનું શૂુટિંગ રોમના સિનેસિટ્ટા સ્ટુડિયોમાં થયું છે. લગભગ ૮૦ જેટલા સેટ્સ બનાવવામાં આવ્યા હતા.

સંતાનોની હત્યા કરીને આપઘાત કરી લેનાર બૌદ્ધિકનું પાત્ર ફેલિનીએ સીઝર પવેઝી નામના નવલકથાકાર પરથી બનાવ્યું હતું. ફેલિની અને સીઝર સ્કૂલમાં સાથે ભણતા. અતિ બૌદ્ધિકતાને લીધે લાગણીના સ્તરે એ સૂકા રહી ગયેલા. એમણે આખરે હોટલના કમરામાં આત્મહત્યા કરી નાખી હતી.





‘પાપારાઝી’ શબ્દ આ ફિલ્મની દેન છે. ફિલ્મમાં નાયકના ફોટોગ્રાફર દોસ્તનું નામ પાપારાઝો છે. એક ઈટાલિયન બોલીમાં પાપારાઝો એટલે ચકલી. તેના પરથી સેલિબ્રિટીઓની અંગત સ્પેસમાં ઘૂસણખોરી કરતા ફોટોગ્રાફરો માટે પાપારાઝી શબ્દ બન્યો જે દુનિયાભરની કેટલીય ભાષાઓની ડિક્શનરીઓનો હિસ્સો બની ગયો. પાપારાઝો એકવચન છે, પાપારાઝી બહુવચન.

ફિલ્મ ટોચના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દેખાડાઈ અને પછી વિધિવત રિલીઝ પણ થઈ. એની નવી-અનોખી સિનેમેટિક લૅંગ્વેજ પર વિવેચકો સમરકંદ બુખારા ઓવારી ગયા. કશુંક જુદું જોવા માગતા ઓડિયન્સને જુદો જ અનુભવ થયો. આ ફિલ્મ સૌથી પ્રભાવશાળી યુરોપિયન ફિલ્મોમાંની એક બની રહી.

આ ફિલ્મમાં ‘કવિ’ આખરે કહેવા શું માગે છે? સુખની શોધ ક્યારેય પૂરી થતી નથી, સુખ મૃગજળ જેવું છે, સંપૂર્ણ સુખ માણસને ક્યારેય પ્રાપ્ત થતું નથી, એમ? કદાચ, હા. કદાચ સ્વીટ લાઈફ કે પરફેક્ટ લાઈફ જેવું કશું હોતું જ નથી અને આ સત્ય સુધી માણસે પોતપોતાની રીતે મથામણ કરીને, સુખ-દુખ-પીડામાંથી પસાર થયા પછી પહોંચવાનું હોય છે. આ ફિલ્મનું તમે સમયાંતરે જુદું જુદું અર્થઘટન કરી શકો છો. કદાચ એની આ લાક્ષણિકતા જ એને ક્લાસિકનો દરજ્જો આપી દે છે. 





જોતા જ ફટાફ કરતી મજા પડી જાય તેવી આ ફિલ્મ નથી. એ દર્શકને બૌદ્ધિક કસરત કરાવે છે. એની પાસેથી પુષ્કળ ધીરજની અપેક્ષા રાખે છે. વળી, ફિલ્મની રિધમ પકડવા માટે તેને એક કરતાં વધારે વખત જોવી પડશે. જો આ બધું કરવા તૈયાર હો તો ‘લા ડોલ્ચે વિતા’ પાસે જરૂર જવું. અનુભવ સરવાળે સંતોષકારક સાબિત થશે.


'લા ડોલ્ચે વિતાફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર - કો-રાઈટર : ફેડરિકો ફેલિની 


કલાકાર : માર્શેલો મેસ્ત્રોએની, અનિતા ઈકબર્ગ, એલેઈન કુમી, ઈવન ફુરનો

ભાષા : ઈટાલિયન

રિલીઝ ડેટ : ૫ ફેબ્રુઆરી ૧૯૬૦

મહત્ત્વના ઍવોર્ડઝ : બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈન (બ્લેક એન્ડ વ્હાઈટ) માટે ઑસ્કર ઍવોર્ડ

                                        0 0 0 

Tuesday, May 7, 2013

હોલીવૂડ હંડ્રેડ: ૮ ૧/૨ : ઉફ્ફ... અબ મૈં ક્યા કરું?


 મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ  -  તા. ૮ મે ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

 ક્રિયેટિવ માણસનું દિમાગ આઈડિયાઝ પેદા કરવાનું એકાએક બંધ કરી દે તો? પોતે જે પ્રોજેક્ટ હાથમાં લીધો છે તેમાં કેવી રીતે આગળ વધવું તે કેમેય કરીને ન સૂઝે તો? ફેડરિકો ફેલિનીએ આ માસ્ટપીસમાં ‘ડિરેક્ટર્સ બ્લોક’થી પરેશાન થઈ ગયેલા એક ફિલ્મમેકરની વાત કરી છે.



ફિલ્મ નંબર ૨૧.  ૮ ૧/૨ (એઈટ એન્ડ  હાફ)

હાન ફિલ્મમેકર ફેડરિકો ફેલિની આજે પહેલી વાર ‘હોલીવૂડ હંડ્રેડ’ શૃંખલામાં એન્ટ્રી કરી રહ્યા છે.  આ સુપર ટેલેન્ટેડ  ઈટાલિયન ફિલ્મમેકર (જન્મ: ૧૯૩૦, મૃત્યુ: ૧૯૯૩)થી માત્ર દર્શકો અને સમીક્ષકો જ નહીં, બલકે ઈન્ગમાર બર્ગમેન, સ્ટેન્લી કુબ્રિક, માર્ટિન સ્કોર્સેઝી, વૂડી એલન, ત્રુફોં, બનાર્ડો બર્ટોલુસી જેવા દિગ્ગજ ડિરેક્ટરો સુધ્ધાં પ્રભાવિત થયા છે. વાસ્તવ અને કલ્પનાનું ગજબનું કોકટેલ હોય છે ફેલિનીની ફિલ્મોમાં. બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં પાંચ-પાંચ વખત ઓસ્કર અવોર્ડ જીતીને તેમણે ઈતિહાસ સર્જ્યો છે. આજે આપણે જેની વાત કરવાના છીએ તે  ‘૮ ૧/૨’ યા તો ‘એઈટ એન્ડ અ હાફ’ ફેલિનીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ઘણે અંશે આ એક આત્મકથનાત્મક ફિલ્મ છે. યાદ રહે, પહેલી વાર આ ફિલ્મ જોતી વખતે તમને ‘આહા! જલસો પડી રહ્યો છે...’ એવી લાગણી ન પણ જાગે. ઊલટાનું, શક્ય છે કે તમે ગૂંચવાઈ જાઓ, ફિલ્મ અઘરી લાગે, ‘કવિ’ એક્ઝેક્ટલી કહેવા શું માગે છે તે સમજાય નહીં. ફેલિનીની ફિલ્મો આમેય ધીરજપૂર્વક જોવી પડે, એક કરતાં વધારે વખત જોવી પડે, એ માટેનો ટેસ્ટ કેળવવો પડે. પણ એક વાર ફેલિનીની શૈલી સાથે ટ્યુનિંગ થઈ જશે પછી એક જુદી જ અનુભૂતિ થયા વગર રહેશે નહીં. તો પેશ છે...

 ફિલ્મમાં શું છે? 

ગુઈડો અન્સેલ્મી (માર્સેલો મેસ્ટ્રોઈઆની) ૪૩ વર્ષનો સેલિબ્રિટી ફિલ્મમેકર છે. સિનેમાજગતમાં ગુઈડોનું બહુ મોટું નામ છે. એની છેલ્લી ફિલ્મ સુપરડુપર હિટ થઈ છે, પણ પ્રચંડ સફળતા પછીય એના જીવને નિરાંત નથી. એની સાથે કામ કરી ચુકેલા આર્ટિસ્ટો સતત પૃચ્છા કરી રહ્યા છે કે સર, વોટ નેકસ્ટ? કાસ્ટિંગ કરતા હો ત્યારે આપણને ભુલતા નહીં, હં. ઈવન ઓડિયન્સ અને વિવેચકો પણ ગુઈડોની હવે પછીની ફિલ્મની અધ્ધર જીવે રાહ જોઈને બેઠા છે. ગુઈડોએ એક સાયન્સ ફિક્શન પર કામ કરવાનું શરુ પણ કરી દીધું છે, પણ કોણ જાણે કેમ અચાનક એનું દિમાગ જાણે કે કામ કરતું બંધ થઈ ગયું છે. એની ક્રિયેટિવિટીને અણધાર્યાં તાળાં લાગી ગયાં છે. નવા આઈડિયાઝ સૂઝતા જ નથી. લેખકો જેમ ક્યારેક ‘રાઈટર્સ બ્લોક’ અનુભવતા હોય છે તેમ ગુઈડો ‘ડિરેક્ટર્સ બ્લોક’ અનુભવી રહ્યો છે.

ફિલ્મની શરુઆતમાં જ એક પ્રતીકાત્મક સિકવન્સ છે. કોઈ ટનલમાં સખ્ખત ટ્રાફિક જામ થઈ ગયો છે. ગુઈડો પોતાની કારમાં ગુંગળાઈ રહ્યો છે. એ શ્વાસ લઈ શકતો નથી. ઘાંઘો થઈને એ કાચ પર હાથ ઠોકતો બહાર નીકળવાનો મરણિયો પ્રયત્ન કરી રહ્યો છે. આજુબાજુનાં વાહનોમાં બેઠેલા લોકો નિર્લેપ નજરે એને ચુપચાપ જોઈ રહ્યા છે. પછી એકાએક ગુઈડો આકાશમાં ઉડવા માંડે છે. એના પગે દોરડું બાંધેલું છે જેનો બીજો છેડો નીચે જમીન પર ઊભેલા એના આસિસ્ટન્ટના હાથમાં છે. પતંગની દોર ખેંચતો હોય તેમ એ ગુઈડોને આકાશમાંથી જમીન પર ખેંચી લાવે છે. એક કલાકાર તરીકેની ગુઈડોની રુંધામણ આ સિકવન્સમાં આબાદ ઉપસી છે.



ગુઈડો અટકી પડ્યો છે એનું કારણ કદાચ એ છે કે તે સ્ક્રીન પર જૂઠ્ઠું બોલવા માગતો નથી. એની પર્સનલ લાઈફ પણ ગૂંચવાયેલી છે. આ બધી સમસ્યાઓથી છૂટવા તે થોડા દિવસો માટે શહેરથી દૂર એક રિસોર્ટ જેવી હોટલમાં ચેક-ઈન કરે છે. અહીં એને ભૂતકાળની - ખાસ તો બચપણની - યાદો ઘેરી વળે છે. એના ચિત્તમાં કંઈ કેટલીય ફેન્ટસીઓ આકાર લેવા માંડે છે. આ ફેન્ટસીમાં વાસ્તવિકતાની સેળભેળ થતી રહે છે. હોટલમાં એનો પ્રોડ્યુસર, રાઈટર, પત્ની, રખાત અને અભિનેત્રીઓ વગેરે આવી ગયાં છે, જે સતત ગુઈડોની આસપાસ ઘુમરાતાં રહે છે. પત્ની લુઈસા (એનોક એઈમી) સાથેનું લગ્નજીવન બંધિયાર થઈ ચૂક્યું છે. બન્ને વચ્ચે મિસકમ્યુનિકેશનના અને ગેરસમજણના ભયંકર પ્રોબ્લેમ્સ છે. રખાત કાર્લા (સેન્ડ્રા મિલો) ખરેખર તો ખીજ ચડે એવી વિચિત્ર બાઈ છે, પણ ગુઈડોનું પુરુષાતનને ભડકાવી મૂકવાની એનામાં આવડત છે. ગુઈડોને આશાનું કિરણ એકમાત્ર ક્લોડિયા (ક્લોડિયા કાર્ડિનેલ) નામની અભિનેત્રીમાં દેખાય છે.

સપનાં અને સચ્ચાઈની ઘમાચકડી ચાલતી રહે છે. ફિલ્મની એક ફેન્ટસી સિકવન્સમાં ગુઈડોના જીવનમાં આવેલી તમામ સ્ત્રીઓ એકસાથે દેખાય છે. જાણે જનાનખાનું જોઈ લો. કોઈ સ્ત્રી એને કરગરી રહી છે, કોઈ ગુસ્સો ઓકી રહી છે, કોઈ ગુઈડોનો બચાવ કરી રહી છે. ગુઈડો પછી ચાબૂક લઈને આ નારીવૃંદને ધીબેડવા લાગે છે. આ બધાં પ્રતીકાત્મક દશ્યો છે. ફેલિનીની ફિલ્મોમાં પડદા પર દેખાતી ઈમેજીસ હંમેશા ખૂબ પાવરફુલ હોય છે. ગુઈડો ખરેખર શું ઈચ્છે છે? આનો જવાબ છેલ્લેે આવે છે. એ કહે છે કે કોઈ હર્ટ ન થાય તે રીતે સત્ય કહેવાની તાકાત મને જોઈએ છે. ફિલ્મના અંતમાં ઉલ્લાસમય માહોલ રચાય છે. ગુઈડોના જીવનમાં આવેલા બધા જ મહત્ત્વના લોકો, એની આગલી ફિલ્મના કલાકારો વગેરે એકમેકનો હાથ પકડીને કતારમાં ડાન્સ કરતા દેખાય છે. ગુઈડોની ક્રિયેટિવ ક્રાઈસિસ કદાચ ખતમ થઈ રહી છે....

કથા પહેલાંની અને પછીની  




આ ફિલ્મ બનાવી ત્યારે ફેલિનીની ઉંમર ફિલ્મના નાયક જેટલી જ હતી - ૪૩ વર્ષ. તેઓ છ ફીચર ફિલ્મો, બે શોર્ટ ફિલ્મ્સ અને બીજા એક ડિરેક્ટરની સંગાથમાં ઓર એક પ્રોડક્શન કરી ચૂક્યા હતા. છેલ્લી ત્રણ આઈટમોને ગણીએ તો કુલ ડિરેક્ટોરિઅલ કામ થયું સાડા સાત. એમાં આ ફિલ્મ ઉમેરાઈ. તેથી ફિલ્મનું ટાઈટલ રાખવામાં આવ્યું ‘૮ ૧/૨’ એટલે કે સાડાઆઠ યા તો એઈટ-એન્ડ-અ-હાફ. ફિલ્મનું વર્કિંગ ટાઈટલ જોકે ‘ધ બ્યુટીફુલ confusion’ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફેલિની કેમેરાના કાચ પાસે એક ચીઠ્ઠી ચોંટાડી રાખતા, જેમાં લખ્યું હોય: ‘રિમેમ્બર, ધિસ ઈઝ અ કોમેડી ફિલ્મ’. ફાયનલ પ્રોડક્ટ જોકે કોમેડી ફિલ્મ જેવી જરાય નથી બની તે અલગ વાત છે. મેઈન હીરો તરીકે તેઓ લોરેન્સ ઓલિવિયરને લેવા માગતા હતા, પણ તેમનો મેળ ન પડ્યો એટલે માર્સેલો મેસ્ટ્રોઈઆનીને કાસ્ટ કર્યા, જે ફેલિનીની ઓર એક માસ્ટરપીસ ‘લા ડોલ્ચ વિતા’માં પણ હીરો રહી ચુક્યા હતા.

ફેલિનીએ આ ફિલ્મનો આઈડિયા સ્વાનુભાવ પરથી મળ્યો હતો. સ્ક્રિપ્ટ પૂરી લખાય તે પહેલાં જ કામ શરુ દેવાની ફેલિનીની આદત હતી. એક વાર બન્યું એવું કે કોઈ ફિલ્મના પ્રિ-પ્રોડક્શન દરમિયાન અચાનક તેઓ અટકી પડ્યા. બહુ મથ્યા પછીય તેમને યાદ જ ન આવ્યું કે આગળ શું કરવાનું વિચાર્યું હતું. દરમિયાન પોતાના કેમેરા ઓપરેટરની બર્થડે પાર્ટીમાં જવાનું થયું. આ પાર્ટીમાં એકદમ જ તેમને નવો આઈડિયા સૂઝ્યો: અત્યારે હું જે મૂંઝવણ અનુભવું છું તેના પર જ ફિલ્મ બનાવું તો? એમણે પ્રોડ્યુસરને વાત કરી. જૂનો પ્રોજેક્ટ પડતો મૂકાયો અને ક્રિયેટિવ બ્લોક અનુભવતા ડિરેક્ટરની થીમ પર નવેસરથી કામ શરુ થયું.

‘૮ ૧/૨’ રિલીઝ થતાં જ સૌએ એકીઅવાજે તેને વધાવી લીધી. કોઈએ ફેલિની માટે લખ્યું: ‘અ જીનિયસ પઝેસ્ડ ઓફ અ મેજિક ટચ’. ફિલ્મની એકેએક સિકવન્સમાંથી, એકેએક ફ્રેમ અને ડાયલોગમાંથી અર્થો તારવવાની સિનેમાપ્રેમીઓને તેમજ વિવેચકોને મજા પડી ગઈ. કોઈને આ ફિલ્મ એક બ્રિલિયન્ટ ઈમ્પ્રોવાઈઝેશન જેવી લાગી. ફેલિનીની સિનેમેટિક લેંગ્વેજ અને સિગ્નેચર સ્ટાઈલ આટલાં પ્રભાવશાળી  અગાઉ કદાચ ક્યારેય નહોતાં લાગ્યાં. મહત્ત્વના કહેવાય એવા ત્રણ-ચાર ટોચના રિવ્યુઅર્સને આ ફિલ્મ ‘ડિઝાસ્ટર’ લાગી એ વાત પણ સાચી. જોેકે સમયની સાથે નેગેટિવ રિવ્યુઝ અપ્રસ્તુત બની ગયા. ‘૮ ૧/૨’ એક માસ્ટરપીસ તરીકે વર્લ્ડ સિનેમાના ઈતિહાસમાં અંકિત થઈ ગઈ. આ ફિલ્મ ઢગલાબંધ અવોર્ડઝ તાણી ગઈ. ‘૮ ૧/૨’ની અસર હેઠળ પછી તો કેટલીય ફિલ્મો બની, પણ આજની તારીખેય ‘ફિલ્મ વિધિન ફિલ્મ’ થીમવાળી આ સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. ફેલિનીની ઓર એક માસ્ટરપીસ ‘લા ડોલ્ચ વિતા’ વિશે પણ વાત વિગતે કરીશું, પણ આવતા બુધવારે નહીં, ફરી ક્યારેક.

 ‘૮ ૧/૨’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર, વાર્તાકાર : ફેડરિકો ફેલિની
કલાકાર           : માર્સેલો મેસ્ટ્રોઈઆની, એનોક એઈમી, સેન્ડ્રા મિલો, ક્લોડિયા કાર્ડેનેલ
દેશ               : ઈટાલી
રિલીઝ ડેટ        : ૧૪ ફ્રેબ્રુઆરી ૧૯૬૩
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ અને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન (બ્લેક એન્ડ વ્હાઈટ) માટેના ઓસ્કર અવોર્ડઝ  ૦ ૦ ૦