Friday, October 31, 2014

મલ્ટિપ્લેક્સ: મામી આવી... શું શું લાવી?

Sandesh - Sanskar Purti - 19 Oct 2014
મલ્ટિપ્લેક્સ 
મામી એટલે મુંબઈ એકેડેમી ઓફ ધ મૂવિંગ ઇમેજીસ. મામી દ્વારા યોજાતો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ ૧૪ ઓક્ટોબરે શરૂ થયો છે. ૨૧ તારીખે મંગળવારે તેના પર પૂર્ણવિરામ મુકાશે. સાચું પૂછો તો ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ રહેલી સેંકડો ફિલ્મોમાંથી પાંચ-છ અલગ તારવવી અત્યંત કપરું હોય છે. છતાંય જેના વિશે રસિકજનોમાં સૌથી વધારે કુતૂહલ જોવા મળ્યું છે એવી ફિલ્મોની ટૂંકી ઝલક આ રહી.
મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનું ઓપનિંગ થયું 'સેરેના' નામની ફિલ્મથી. આમાં 'સિલ્વર લાઈનિંગ્સ પ્લેબુક'ની સુપરહિટ અને એવોર્ડ વિનિંગ જોડી બ્રેડલી કૂપર તેમજ જેનિફર લોરેન્સ ફરી એક વાર સાથે ચમકી છે. બે વર્ષ પહેલાં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં 'સિલ્વર લાઈનિંગ્સ પ્લેબુક'નું (જેમાં અનુપમ ખેરનો પણ ટચુકડો રોલ છે) પણ સ્ક્રીનિંગ થયું હતું. 'સેરેના' આ જ ટાઇટલ ધરાવતી નવલકથા પર આધારિત છે. મૂળ 'બ્લેક સ્વાન'વાળા ડેરેન અરોનોફ્સ્કી આ ફિલ્મ ડિરેક્ટ કરવાના હતા, એન્જેલિના જોલી ટાઇટલ રોલ કરવાની હતી, પણ પછી સેટઅપ બદલાયો. ડેરેનની જગ્યાએ સુઝેન બાયર ગોઠવાઈ ગયાં અને એન્જેલિનાને લોરેન્સે રિપ્લેસ કરી. લોરેન્સે ડિરેક્ટરને હીરોના રોલ માટે બ્રેડલી કૂપરની ભલામણ કરી. આ જોડી ઓલરેડી વખણાઈ ચૂકી હતી અને બન્ને વચ્ચે સારું ટયુનિંગ પણ હતું તેથી બ્રેડલી હીરો તરીકે લેવામાં આવ્યા.
અમેરિકામાં ૧૯૩૦-૪૦નાં વર્ષોમાં ભયંકર મંદી આવી હતી તે સમયની આમાં વાત છે. સ્ટોરી એવી છે કે નવા નવા પરણેલા હીરોનો ટિમ્બરનો બિઝનેસ મંદીને લીધે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. અધૂરામાં પૂરું એને ખબર પડે છે કે પત્ની સેરેના મા બની શકે તેમ નથી. એમની જિંદગી ઔર ગૂંચવાય છે.
મામીમાં આ વખતે ઝેવિયર ડોલનની ફિલ્મ પણ રસિયાઓને માણવા મળી. ઝેવિયર ડોલન ઝપાટાભેર ઉપસી રહેલું એક તેજસ્વી નામ છે. આ કેનેડિયન જુવાનિયાની 'મોમી' (એટલે કે મમ્મી) નામની ફિલ્મે છેલ્લા કાન ફિલ્મ ફેસ્ટિવલના કોમ્પિટિશન સેક્શનમાં જ્યૂરી પ્રાઈઝ જીતી લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેનું કારણ એ હતું કે ઝેવિયરની ઉંમર માત્ર પચ્ચીસ વર્ષ છે. કાન ફિલ્મ ફેસ્ટિવલના ઇતિહાસમાં આટલી નાની ઉંમરના કોઈ ફિલ્મમેકરે કોમ્પિટિશન રાઉન્ડ જીત્યો નથી. અગાઉ સ્ટીવન સોડનબર્ગે ૧૯૮૯માં 'સેક્સ, લાઇઝ એન્ડ વીડિયોટેપ' માટે આ એવોર્ડ જીત્યો હતો અને તે વખતે એમની ઉંમર ૨૬ વર્ષ હતી. 'મોમી'ઝેવિયરની પાંચમી ફિલ્મ છે. છેલ્લા ઓસ્કર સમારોહમાં પણ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં કેેનેડા તરફથી 'મોમી'ને મોકલવામાં આવી હતી.
શું છે આ ફિલ્મમાં? આપણે ત્યાં સંતાનો જિંદગીભર માબાપ સાથે રહેતાં હોય છે, પણ પશ્ચિમમાં છોકરો કે છોકરી સમજણાં થતાંની સાથે અલગ રહેવા લાગે તે રૂટિન બાબત છે. કેનેડામાં કાયદો છે કે સંતાન જો ઈમોશનલી ડિસ્ટર્બ્ડ હોય તો માબાપે એને પોતાની સાથે રાખવું પડે યા તો એને ડિટેન્શન સેન્ટરમાં ભરતી કરી દેવું પડે. ડાયેના નામની મધ્યવયસ્ક વિધવાને એક માથાભારે ટીનેજ દીકરો છે. એને એટેન્શન ડેફિસિટ હાઈપર એક્ટિવિટી ડિસઓર્ડર નામની માનસિક બીમારી છે. ભયંકર વાયોલન્ટ થઈ જાય છે અને ભૂંડાબોલી ગાળો બોલવા લાગે છે. મા-દીકરા માટે એકબીજાની સાથે રહેવું બહુ અઘરું છે. એમની એક પાડોશણ છે, જેનો પતિ આકરા સ્વભાવનો છે. આ સ્ત્રી ભેદી છે, પણ એને લીધે મા-દીકરાના સંબંધમાં થોડી સમજણ ઉમેરાય છે. 'હૈદર'ની માફક અહીં પણ મા-દીકરા વચ્ચે શારીરિક આકર્ષણનો હળવો અંડરકરન્ટ છે, પણ ડિરેક્ટરે આ પાસું અધ્યાહાર રાખ્યું છે. ખૂબ પાવરફુલ અને આશ્ચર્ય થાય એટલી હદે મેચ્યોર ફિલ્મ છે આ. ઝેવિયરની સૌથી પહેલી ફિલ્મનું ટાઈટલ હતું 'આઈ કિલ્ડ માય મધર'. તે ફિલ્મ અને 'મોમી' બન્નેમાં એન ડોરવલ નામની અભિનેત્રીએ મુખ્ય કિરદાર નિભાવ્યું છે.
હોલિવૂડમાં વોર ફિલ્મ્સ એક લોકપ્રિય પ્રકાર છે. આ વખતે મામીમાં 'ફ્યુરી' નામની વોર-ફિલ્મનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. ડેવિડ એયેરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મનો હીરો સુપરસ્ટાર બ્રેડ પિટ છે. એ અમેરિકન આર્મીનો સાર્જન્ટ બન્યો છે. બીજા વિશ્વયુદ્ધના અંતિમ દિવસોની વાત છે. તોપગોળા ફેંકતી ફ્યુરી નામની એક ટેન્કનો બ્રેડ ઇન્ચાર્જ છે. એની સાથે બીજા ચાર જવાનો છે. વિરોધી છાવણીમાં નાઝી સૈનિકોની સંખ્યા પણ વધારે છે ને એમની પાસે દારૂગોળો પણ ઘણો વધારે છે, છતાંય પૂરી બહાદુરીથી બે્રેડ અને એની ટુકડી દુશ્મનોનો સામનો કરે છે.
એક ફિલ્મ છે, 'મિસ્ટર ટર્નર'. આ એક ઓટોબાયોગ્રાફિકલ ફિલ્મ છે. ઈંગ્લેન્ડમાં ગઈ સદીમાં જે.એમ.ડબલ્યુ. ટર્નર નામનો એક વિખ્યાત પેઇન્ટર થઈ ગયો. જબરદસ્ત પ્રતિભાશાળી, ધૂની, તરંગી. હાઉસકીપર હાનાને ટર્નર માટે ખૂબ પ્રેમ છે. જોકે ટર્નર ફક્ત એનો શારીરિક ઉપભોગ કરે છે. એ પ્રવાસો કરે, અંતરિયાળ વિસ્તારોમાં શાનથી રહે, વેશ્યાઓ પાસે જાય, કુદરતના અસલી રંગ નરી આંખે જોવા જાતજાતનાં જોખમ ઉઠાવે, દરિયાકાંઠે રહેતી એક સ્ત્રી સાથે ટર્નરનો સંબંધ બંધાય છે અને આખરે એના ઘરમાં જ એનું મોત થાય છે. 'મિસ્ટર ટર્નર' ફિલ્મમાં ટાઇટલ રોલ ટિપોથી સ્પેલ નામના એક્ટરે ભજવ્યો છે. તે માટે એને ગયા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળેલો. આ ફિલ્મની સિનેેમેટોગ્રાફી પણ ખૂબ વખણાઈ છે.
મામીમાં આ વખતે ઔર એક ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે 'ટુ ડેઝ, વન નાઈટ'. આ બેલ્જિયન ફિલ્મમાં સેન્ડ્રા નામની એક સ્ત્રીની વાત છે. એ સોલર પેનલ બનાવતી ફેક્ટરીમાં કામ કરે છે. એક વાર નર્વસ બ્રેકડાઉનનો ભોગ બનતાં એણે થોડા દિવસો માટે રજા પર ઊતરી જવું પડે છે. એની ગેરહાજરીમાં કંપનીનું મેનેજમેન્ટ અન્ય કારીગરોને લાલચ આપે છેઃ જુઓ, સેન્ડ્રાની ગેરહાજરીને સરભર કરવા માટે તમે લોકો થોડો-થોડો એકસ્ટ્રા ટાઇમ આપો. જો તમે પુરવાર કરી દેશો કે સાન્ડ્રાને ફેક્ટરીમાંથી કાઢી મૂકવામાં આવે તોપણ પ્રોડક્શન પર કશો ફર્ક પડતો નથી, તો મેનેજમેન્ટ સેન્ડ્રાને પાણીચંુ પકડાવશે અને તમને તગડું બોનસ આપશે.
તબિયત ઠીક થતાં સેન્ડ્રા પાછી કામે ચડે છે. એને ખબર પડે છે કે એની નોકરી જોખમમાં છે. એની સાથે કામ કરતા સોળ કારીગરોના આધારે મેનેજમેન્ટ નિર્ણય લેવાનું છે. સેન્ડ્રા માટે નોકરી બહુ જરૂરી છે. તેના હાથમાં એક વીકએન્ડ જ છે. બે દિવસ અને એક રાત દરમિયાન એણે સોળેસોળ કારીગરોને પર્સનલી મળીને કન્વિન્સ કરવાનાં છે કે તમે લોકો પ્લીઝ મેનેજમેન્ટની લાલચમાં ન આવતા. બહુ મોટો પડકાર છે આ. સાથી કારીગરો શું કામ પગારવધારો અને બોનસ જતું કરે? સેન્ડ્રાના હસબન્ડનો એને સતત ટેકો છે. સેન્ડ્રા જે રીતે સૌના ગળે વાત ઉતારે છે એ જ ફિલ્મનો મુખ્ય વિષય છે.
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મહાન ફિલ્મમેક્રો માટે અલાયદો વિભાગ રખાતો હોય છે, એમની યાદગાર ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે. આ વખતે તો મહાન ફ્રેન્ચ ફિલ્મમેકર જ્યોં લક ગોદાર્દની બ્રાન્ડ-ન્યૂ ફિલ્મ જોવાનો લાભ રસિયાઓ ઉઠાવી રહ્યા છે. ન્યૂ વેવ સિનેમા શબ્દપ્રયોગ હવે બહુ જાણીતો થઈ ગયો છે. ગોદાર્દ આ ન્યૂ વેવ સિનેમાના પિતામહ. ન્યૂ વેવ સિનેમા એટલે સાદી ભાષામાં ઓફ બીટ અથવા આર્ટી-આર્ટી ફિલ્મો, જેમાં વાર્તાને જુદી રીતે કહેવાય, ઘણું બધું દર્શકની સમજશક્તિ પર છોડી દેવાય, સિનેમાના માધ્યમ થકી વાર્તા યા તો વિચાર કેટલી અલગ રીતે પેશ કરી શકાય છે તેની શક્યતા ચકાસાય.
૮૩ વર્ષના ગોદાર્દની લેટેસ્ટ ફિલ્મનું ટાઈટલ છે, 'ગૂડબાય લેંગ્વેજ'. આ તેમની ૩૯મી ફિલ્મ છે ને પાછી થ્રીડીમાં છે. આમાં એક પરિણીત સ્ત્રી છે, એક છેલછબીલો કુંવારો યુવાન છે ને એક રખડતો કૂતરો છે. સ્ત્રી-પુરુષ મળે છે, પ્રેમમાં પડે છે, ઝઘડે છે, છૂટાં પડે છે. સ્ત્રીનો પતિ આવીને ધમાલ મચાવે છે. પેલો કૂતરો આ બધું જોયા કરે છે. આ બધું વાસ્તવમાં એક મેટાફર યા તો પ્રતીક છે. ગોદાર્દ નામના 'કવિ' કહેવા કંઈક જુદું માગે છે. ફિલ્મમાં પછી માનવજાતની ઉત્ક્રાંતિની વાત આવે છે, ડોલરનું અવમૂલ્યન થાય છે અને ગણિતશાસ્ત્રનું સત્ય પણ આવે છે. ટૂંકમાં, આ એક અઘરી એક્સપેરિમેન્ટલ ફિલ્મ છે, જે હિંમત કરીને એક કરતાં વધારે વાર જોઈએ, ચર્ચા કરીએ, તેના વિશે વાંચીએ ત્યારે પૂરેપૂરી પકડાય.
આવી અંતરંગી અને એક્સપેરિમેન્ટલ ફિલ્મો જ ખરેખર તો ફિલ્મ ફેસ્ટિવલ્સની જાન હોય છે. આમાંથી જ કશુંક બહુ જ સત્ત્વશીલ અને નિર્ણાયક પ્રગટતું હોય છે.

ટેક ઓફ : હાર્ટએટેકની હૈયાહોળી

Sandesh - Ardh Saptahik Purti - 29 Oct 2014
ટેક ઓફ 
ડો. મનુ કોઠારી સ્પષ્ટપણે કહે છે કે હૃદયરોગને અટકાવવાનો કે એને મટાડવાનો એક પણ અકસીર ઇલાજ આધુનિક મેડિકલ સાયન્સ પાસે છે જ નહીં. આમ આદમી માટે આ સત્ય સ્વીકારવું બહુ અઘરું છે. હૃદયરોગ શું છે, તે શાના કારણે થાય છે તેની જ ગતાગમ ન હોય ત્યારે રામબાણ ઇલાજની આશા જ કેવી રીતે રાખી શકાય? ટ્રીટમેન્ટના નામે ડોક્ટરો ઘણું કરીને અંધારામાં ગોળીબાર કરતા હોય છે.

હજુ હમણાં સુધી મેડિકલ સાયન્સનું ક્ષેત્ર એક પવિત્ર ગાય ગણાતી હતી. ડોક્ટરો ભગવાનનું રૂપ ગણાતા હતા. ધીમે ધીમે જનમાનસમાંથી આ બધા ખ્યાલો અને ભ્રમો ભાંગતા ગયા. કઠિન હોય છે પોતાના જ ક્ષેત્રની બદીઓ વિશે નિર્ભીકપણે સતત જાહેરમાં ચર્ચા કરવી. તબીબી ક્ષેત્રનાં કૌભાંડો વિશે ડો. મનુ કોઠારીએ ખૂબ લખ્યું છે. આ ગુજરાતી ડોક્ટરે લખેલાં 'કેન્સરઃ કેટલીક ભ્રમણા કેટલુંક સત્ય', 'જીવન, મરણ અને તબીબ ક્ષેત્રઃ વાસ્તવિક નજરે', 'તબીબી ક્ષેત્રે હિંસા' જેવાં કેટલાંય પુસ્તકો ખૂબ વંચાયાં છે. દિવાળીના થોડા દિવસ પહેલાં પક્વ ઉંમરે તેમનું દુઃખદ નિધન થયું. તેઓ સ્વયં એમએસ ડિગ્રીધારી ક્વોલિફાઇડ ડોક્ટર હતા,એનોટોમીના પ્રોફેસર હતા અને તબીબી ક્ષેત્રનો પચાસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા હતા, તેથી જ તેમની વાતોમાં સતત અધિકૃત વજન રહેતું.
આજે લોકોને જુવાનીમાં અને મધ્ય વયે હાર્ટએટેક આવી જાય છે. હૃદયરોગનું નામ પડતાં જ આપણને ગભરાટ થઈ જાય છે. શું આધુનિક મેડિકલ સાયન્સ પાસે એનો ઇલાજ છે? ડો. મનુ કોઠારી કહે છે કે માણસ દૂર દૂર છેક મંગળ ગ્રહને તો આંબી ગયો, પણ પોતાના જ શરીરમાં મુઠ્ઠી જેવડાં હૃદય પર અંકુશ રાખતા એને હજુ આવડયું નથી. હાર્ટએટેક માટે સામાન્યપણે હૃદયને લોહી પૂરું પાડતી ધમનીને જવાબદાર ગણવામાં આવે છે. આવડીક અમથી ધમની થોડી સંકોચાઈ ગઈ હોય તો એને પહોળી કરવાથી કે એની જગ્યાએ બીજી ધમની મૂકી દેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જવો જોઈએ, રાઈટ? ડો. મનુ કોઠારી કહે છે કે, રોંગ. એન્જિયોપ્લાસ્ટી ને એન્જિયોગ્રાફી ને બાયપાસ સર્જરી ને એ બધી ભારેખમ અને મોડર્ન લાગતી વિધિઓની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આ બધામાં સરવાળે તો બાદબાકી જ થાય છે. શી રીતે?
સૌથી પહેલાં તો હૃદયરોગનો હુમલો એટલે એક્ઝેક્ટલી શું એની વ્યાખ્યા જ સુનિશ્ચિત થઈ શકી નથી. હૃદયમાં પુષ્કળ દુખાવો ઊપડવો અને હૃદયરોગનો હુમલો થવો આ બન્ને બાબતોને એકબીજાની સમાનાર્થી માનવામાં આવે છે. હકીકત એ છે કે હાર્ટએટેકના પચીસ ટકા કેસમાં છાતીમાં કોઈ દુખાવો ઊપડયો હોતો નથી. આમ, હૃદયરોગની વ્યાખ્યા છાતીના દુખાવાના આધારે કરી શકાતી નથી. એ જ રીતે હાર્ટએટેક અને હૃદયને લોહી પહોંચાડતી ધમનીનું સંકોચાઈ જવું - આ બન્ને વચ્ચે પણ સીધો સંબંધ જોવા મળતો નથી. એવા અસંખ્ય કિસ્સાઓ છે, જેમાં ધમનીઓ સાવ સાંકડી અને વિકૃત થઈ ગઈ હોય, પણ હૃદય ફર્સ્ટકલાસ કામ કરતું હોય. સામે પક્ષે, ધમનીઓ સાજી સારી હોય છતાંય માણસ હાર્ટએટેકનો ભોગ બન્યો હોય એવુંય બનતું રહે છે. ધમનીની કામગીરી પર પુષ્કળ સંશોધનો થયાં છે, પણ તેનું નક્કર પરિણામ આવ્યું નથી.
Dr. Manu Kothari
ડો. કોઠારી એક સરસ ઉદાહરણ આપે છે. સામાન્યપણે ગર્ભાશયને લોહી પહોંચાડતી ધમનીઓ બહુ નાની હોય છે, પણ સ્ત્રી ગર્ભવતી બને અને ગર્ભ જેમ જેમ વિકસતો જાય તેમ તેમ ધમનીઓ મોટી થતી જાય છે. બાળકના જન્મ પછી આ ધમનીઓ પાછી પોતાના મૂળ રૂપમાં આવી જાય છે. આનો સાદો અર્થ એ થયો કે ધમનીનું સંકોચન અને વિસ્તરણ લોહીની જરૂરિયાત પર આધાર રાખે છે. શરીરકાર્યના સિદ્ધાંતના આધારે એમ કહેવું વધારે યોગ્ય ગણાય કે હૃદયની ધમની સંકોચાવાથી હૃદય પર માઠી અસર પડતી નથી, બલ્કે હૃદય પોતે જ હવે ઓછું લોહી માગતું હોવાથી ધમની સંકોચાય છે. ટૂંકમાં, ડો. કોઠારીના કહેવા પ્રમાણે,ધમનીનું સંકોચન એ મૃત્યુનું કારણ નથી, તેથી જ એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી પછી દર્દીનું આયુષ્ય ખાસ લંબાવી શકાતું નથી.
હૃદયરોગનો હુમલો કોણ નોતરે છે? આ માટે અઢીસો જેટલાં પરિબળોનું લિસ્ટ આગળ ધરવામાં આવે છે. તેમાં તેલ અને ઘી સૌથી ઉપર હોય છે. જીવનનો આનંદ આપતી એક પછી એક વસ્તુ આ લિસ્ટમાં ઉમેરાતી જાય છે. ડોકેટરો લોહીમાંથી ચરબીનંુ પ્રમાણ ઓછું કરવા સ્ટ્રોંગ દવાઓ આપતા હોય છે. વચ્ચે મુંબઈની ઓબેરોય (હવે ટ્રાઇડન્ટ) હોટલમાં હૃદયરોગના ખેરખાંઓની કોન્ફરન્સ ભરાઈ હતી. એમાં એક વાત સર્વાનુમતે સ્વીકારવામાં આવી કે ખોરાકમાંથી ઘી-તેલની બાદબાકી કરવાથી હૃદયને તો ફાયદો થાય છે, પણ કેન્સર થવાની શક્યતા વધી જાય છે! બકરું કાઢતાં ઊંટ પેઠું તે આનું નામ.
ડો. મનુ કોઠારી સ્પષ્ટપણે કહે છે કે હૃદયરોગને અટકાવવાનો કે એને મટાડવાનો એક પણ અકસીર ઇલાજ આધુનિક મેડિકલ સાયન્સ પાસે છે જ નહીં. આમ આદમી માટે આ સત્ય સ્વીકારવું બહુ અઘરું છે. હૃદયરોગ શું છે, તે શાના કારણે થાય છે તેની જ ગતાગમ ન હોય ત્યારે રામબાણ ઇલાજની આશા જ કેવી રીતે રાખી શકાય? ટ્રીટમેન્ટના નામે ડોક્ટરો ઘણું કરીને અંધારામાં ગોળીબાર કરતા હોય છે.
આજકાલ મોટાં શહેરોમાં ફુલ બોડી ચેક-અપનો બિઝનેસ ફાટી નીકળ્યો છે. ડાયગ્નોસ્ટિક સેન્ટર જાતજાતની સ્કીમો બહાર પાડે છે અને આપણા પર ઈ-મેઇલ અને એસએમએસની તડી બોલાવે છે. મોટી હોસ્પિટલો ફ્રી મેડિકલ કેમ્પ્સનાં આયોજન કરે છે. માણસ ફુલ બોડી ચેક-અપ કરાવે એટલે કોઈકને કે કોઈક અંગમાં કશુંક તો વધતું-ઓછું નીકળવાનું જ. ડો. કોઠારી ચેક-અપ ક્લિનિકની ચોટડુક વ્યાખ્યા કરે છેઃ ચેક-અપ ક્લિનિક એટલે એવું સ્થળ જ્યાં સાજોસારો માણસ પ્રવેશે છે અને પેશન્ટ બહાર નીકળે છે! ડો. રુસ્તમ જાલ વકીલ નામના એક નિષ્ઠાવાન ડોક્ટરનું જાણીતું ક્વોટ છે કે માણસજાતને એટમબોમ્બે જેટલું નુકસાન કર્યું છે એના કરતાં કાર્ડિયોગ્રામ કાઢવાના મશીને વધારે નુકસાન કર્યું છે. ફુલ બોડી ચેક-અપમાં ધારો કે તમે સોએ સો ટકા ફિટ-એન્ડ-ફાઇન નીકળ્યા તોપણ તમને હાર્ટએટેક નહીં જ આવે તેવી કોઈ ગેરંટી હોતી નથી. અમુક ફાઇવસ્ટાર હોસ્પિટલના ચેક-અપ વિભાગમાં ચોખ્ખા શબ્દોમાં ચેતવણી અપાય છે કે, ચેક-અપ માટે વપરાતાં સાધનો અને વિધિઓની મર્યાદા હોય છે. આ સાધનો કે ડોક્ટરો શરીરમાં છુપાયેલાં અને શાંત પડી રહેલાં દર્દોને પકડી શકતાં નથી!

જોતાં જ ડરી જવાય એવાં મશીનો ખડકેલાં આઈસીયુ વોર્ડ એક ઔર મહામાયા છે. મુંબઈની એક જાણીતી હોસ્ટિપટલના ડિનને પૂછવામાં આવ્યું કે આટલા મોટા અને આધુનિક આઈસીયુ વોર્ડ બનાવવાથી શો ફાયદો થયો? ડિને જવાબ આપ્યોઃ દર્દીઓની મરણ સંખ્યામાં કોઈ ફરક પડયો નથી, પણ પેશન્ટનાં સગાંવહાલાંને સંતોષ રહે છે કે અમે આધુનિક ઉપચાર કરાવી રહ્યાં છીએ ને અમે કોઈ વાતની કસર રહેવા દીધી નથી. આવી ધરપત મેળવવા માટે અને ગિલ્ટથી બચવા માટે સગાંવહાલાં બાપડા લાખો રૂપિયાના ખર્ચના ખાડામાં ઊતરી જાય છે.
બાયપાસ સર્જરી પછી દુખાવો મટી જતો હોય છે એનું કારણ શું? બને છે એવું કે બાયપાસની શસ્ત્રક્રિયા વખત હૃદય ફરતે રહેલા પેરાકાર્ડિઅલ આવરણને કાપવું પડે છે. તેને લીધે જ્ઞાાનતંતુઓ પણ ભેગેભેગા કપાઈ જાય છે, તેથી પીડાના સિગ્નલ્સ મગજ સુધી પહોંચતા જ નથી. આથી દર્દીને રાહત જેવું લાગે છે!
ડોક્ટરો શું જાણીજોઈને દર્દી અને એનાં સગાંવહાલાં વાર આખું અને સાચું ચિત્ર રજૂ કરતા નથી? ડોક્ટરને ખુદને ટ્રીટમેન્ટની મર્યાદા વિશે સમજ ન હોય એવું બને? ડો. મનુ કોઠારી કહે છે કે શરીરના કેટલાય રોગ સામે તબીબીશાસ્ત્ર તદ્દન લાચાર છે એવી ચર્ચા મેડિકલ કોલેજોના સિલેબસમાં ક્યાંય જોવા મળતી નથી. ડોક્ટરનું ભણી રહેલો વિદ્યાર્થી તબીબીશાસ્ત્રની મર્યાદાઓની ચર્ચા કરતાં, એની કડક સમીક્ષા કરતાં લેખો-સાહિત્યથી દૂર રહે છે. એ તો એલોપથીમાં જે કંઈ લેટેસ્ટ છે એ બધું ભણી કાઢે છે. મલ્ટિપલ ચોઇસવાળા પ્રશ્નોના જવાબો યાદ કરી કરીને એ એવંુ માનતો થઈ જાય છે કે એલોપથી પાસે દરેક સમસ્યાના એક નહીં, ચાર-પાંચ ઉપાયો છે. અમુક બીમારીઓ માટે તબીબીશાસ્ત્ર સાવ લાચાર અને વામણું છે, એની પાસે કોઈ ઉત્તર નથી એ હકીકતનો સામનો કરવા માટે આવો વિદ્યાર્થી બૌદ્ધિક સ્તરે તૈયાર થતો જ નથી.
બહુ ટેન્શન કરાવી દે એવું છે આ બધું. ખુદની કે સ્વજનની બીમારી વખતે ડોક્ટરોની મદદ લઈએ તે બરાબર છે, પણ આખરે તો બધંુ ખુદની કોમનસેન્સ પર અને ભગવાનના ભરોસે જ છોડવું પડે છે. 

0 0 0