Tuesday, April 30, 2019

વી વોન્ટ મોર!


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 21 ફેબ્રુઆરી 2019
મલ્ટિપ્લેક્સ 
શેફાલી શાહ આટલું ઓછું કામ કેમ કરતાં હશે? એમનું અફલાતૂન પર્ફોર્મન્સ જોઈને દર વખતે આપણા મનમાં આ સવાલ જાગ્યા વગર રહેતો નથી. 

શેફાલી... વોટ અન એક્ટર! શેફાલી એક અદાકાર તમને જે રીતે સ્પર્શી શકે છે એવા બીજા બહુ ઓછા અદાકારો અપીલ  કરી શકે છે. એનું કોઈ પણ પર્ફોમન્સ તમે જુઓ. એ તમારા હૃદયને સ્પર્શ્યા વગર નહીં જ રહે. એ તમને તરત પોતાના તરફ ખેંચી લેશે. હું ટીવી ઇન્ડસ્ટ્રીમાં નવી નવી આવી હતી ત્યારે શેફાલી ઓલરેડી સ્ટાર હતી. બનેગી અપની બાત અને બીજી સિરીયલોને કારણે એનું નામ થઈ ગયું હતું. અમે કોઈ ટીવી શોમાં સાથે સામ કરેલું. એ શો જોકે ક્યારેય ટીવી પર આવ્યો જ નહીં, પણ મને યાદ છે કે, સેટ પર શેફાલી જે રીતે અભિનય કરતી એ જોઈને મને સવાલ થતો કે આ છોકરીના શરીરમાં ક્યાંય ગુપ્ત સ્વિચ જેવું છે કે શું? એ કેવી રીતે આટલી આસાનીથી રડી શકે છે? સ્વિચ ઓન થઈ ને રડવાનું શરુ! રડવું પણ કેવું! માત્ર આંખમાંથી આંસુડા ટપકે એમ નહીં, પણ હૃદય ખરેખર પીડાથી વલોવાતું હોય એવું રુદન. મને એ સમયે પણ નવાઈ લાગતી હતી અને આજે પણ નવાઈ લાગે છે કે શેફાલી આ કેવી રીતે કરી શકે છે!’
આ વિદ્યા બાલનના શબ્દો છે. તાજેતરમાં રાજીવ મસંદને એક વિડીયો ઇન્ટરવ્યુ આપતી વખતે એણે શેફાલી શાહ વિશે બે મોઢે વખાણ કર્યા હતા. ખરેખર, એક એકટ્રેસ બીજી એક્ટ્રેસની આ રીતે દિલથી પ્રશંસા કરતી જોઈને હૈયે ટાઢક વળે છે. નવી નેટફ્લિક્સ સિરીઝ દિલ્હી ક્રાઇમમાં શેફાલીના અભિનય પર વિદ્યા બાલન સમરકંદ બુખારા ઓવારી ગઈ છે. એકલી વિદ્યા જ શા માટે, જેણે દિલ્હી ક્રાઇમ શો જોયો છે એ સૌની પ્રતિક્રિયા આવી જ છે. કેવળ શેફાલીનું પર્ફોર્મન્સ જ નહીં, આ આખેઆખો શો અફલાતૂન છે. નિર્ભયા રેપ-કમ-મર્ડર કેસના છએ છ ગુનેગારોએ દિલ્હી પોલીસની ટીમે એક જ અઠવાડિયામાં શી રીતે પકડી પાડ્યા એનું ગજબના ડિટેલિંગ સાથે આ શોમાં નિરૂપણ થયું છે. શેફાલીએ  ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વર્તિકા ચતુર્વદીનો રોલ કર્યો છે. હજુ સુધી જોયો ન હોય તો વહેલામાં વહેલી તકે દિલ્હી ક્રાઇમના સાતેય એપિસોડ જોઈ કાઢવા જેવા છે.
અમુક અદાકારો એવા હોય છે જેને સ્ક્રીન પર અભિનય કરતાં જોઈએ ત્યારે અભિભૂત થઈને આપણે વિચાર્યા કરીએ કે આ કલાકાર કેમ આટલું ઓછું કામ કરતા હશે? એની ફિલ્મો કે શોઝ કેમ એક પછી એક ધડાધડ આવતાં નથી? શેફાલી આ કક્ષાનાં અદાકાર છે. સત્યા ફિલ્મમાં ભીખુ મ્હાત્રેની મારફાડ પત્ની યાદ કરો. આવો ખૂંખાર ગેંગસ્ટર જેલમાંથી છૂટીને ઘરે આવે છે ત્યારે એની પત્ની એને અંદર ઘૂસવા દેતી નથી. ઊલટાની વરના દોસ્તારની હાજરીમાં એને ધડ કરતો લાફો મારી દે છે!  આ જ સ્ત્રી પછી સપને મેં મિલતી હૈ... ગીત ગાય છે ને બિન્દાસ નાચે છે. કલ્પના કરો, સત્યામાં શેફાલી ગણીને માત્ર સાત મિનિટ માટે સ્ક્રીન પર આવે છે. આટલા ઓછા સ્ક્રીનટાઇમમાં પણ એણે પોતાના પાત્રને યાદગાર બનાવી દીધું.
મોનસૂન વેડિંગની વાત કરો. મીરા નાયરની આ લેન્ડમાર્ક ફિલ્મમાં શેફાલીએ પરિવારના જ સભ્ય દ્વારા નાનપણમાં જાતીય શોષણ બનેલી યુવતીનો નાનો પણ અત્યંત ચાવીરૂપ રોલ અદભુત રીતે કર્યો હતો. ભૂતકાળમાં એટલું દૂર જવાની પણ જરૂર નથી. જ્યૂસ નામની શોર્ટફિલ્મને એકાદ વર્ષ માંડ થયું છે. માંડ 14 મિનિટની ફિલ્મ. સીધીસીદી વાત છે. પતિદેવના મિત્રો પત્નીઓ સહિત ઘરે જમવા આવ્યા છે. પુરુષો ડ્રોઇંગરૂમમાં બેઠા બેઠા ગપ્પાં મારી રહ્યા છે અને સ્ત્રીઓ કિચનમાં ઘૂસીને પરસેવે રેબઝેબ થતી રાંધી રહી છે. શેફાલી આખી ફિલ્મમાં ભાગ્યે જ કશું બોલે છે, પણ ફિલ્મના અંતે એના એક્સપ્રેશન જોજો. માત્ર આંખોથી, ચહેરાના હાવભાવથી એ કેટલું બધું બોલી બતાવે છે. આ શોર્ટ ફિલ્મ યુટ્યુબ પર તમે ફ્રીમાં જોઈ શકો છો.  

શેફાલી ટકોરાબંધ અભિનેત્રી છે એનું એક મોટું કારણ એ છે કે એ રંગભૂમિ પર તૈયાર થયાં છે. તે પણ ગુજરાતી રંગભૂમિ પર. શેફાલીનું મૂળ નામ શેફાલી શેટ્ટી. એ અર્ધગુજરાતી અને અર્ધમેંગલોરીઅન છે. આઇડિયાઝ અનલિમિટેડવાળા મનોજ શાહે 1983માં એમનું સૌથી પહેલું દેવકન્યા નાટક પ્રોડ્યુસ અને ડિરેક્ટ કર્યુ એમાં શેફાલી શાહે કામ કરેલું. એ વખતે શેફાલી પણ નવાંસવાં. ઘણા સિનિયર વાચકોને અંત વગરની અંતાક્ષરી નામનું સુપરહિટ ફુલલેન્થ નાટક અને એમાં શેફાલીનો રમતિયાળ અભિનય યાદ હશે. શેફાલીએ દરિયાછોરુ (1999) નામની ગુજરાતી ફિલ્મ પણ કરી છે. એમાં જમનાદાસ મજીઠિયા (જેડી) હીરો હતા અને વિપુલ અમૃતલાલ શાહ, ડિરેક્ટર. થોડાં વર્ષો પછી વિપુલ શાહ સાથે શેફાલીનાં લગ્ન થયાં.
વિપુલ શાહ અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવું હતું એટલે શેફાલીએ વક્ત ફિલ્મમાં અક્ષયકુમારની મા બનવાનું પસંદ કર્યું. એ વખતે શેફાલીની ઉંમર હતી 33 વર્ષ અને અક્ષયકુમારની 39 વર્ષ! આમ તો માનો રોલ કરવો એ કંઈ શેફાલી માટે નવું નહોતું. હસરતેં નામની ટીવી સિરિયલમાં માત્ર 21 વર્ષની ઉંમરે એ એક સંતાનની માતા બનેલાં. વક્તની સફળતા પછી જેનો ડર હતો એવું જ થયું. શેફાલીને માના રોલ્સ ઓફર થવા લાગ્યા. શેફાલી જેવી સુપર ટેલેન્ટેડ અભિનેત્રીને એક જ ઢાંચામાં બંધાઈ જવું કે એકસરખા રોલ્સ કરવા કેવી રીતે ગમે. અમુક રોલ્સ જોકે એમણે સ્વીકાર્યા પણ ખરા. જેમ કે દિલ ધડકને દોમાં એ રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડાની મમ્મી બન્યાં. આ રોલમાં એમણે કરેલો અભિનય પણ ખૂબ વખણાયો. અમુક મમ્મી-રોલ્સ શેફાલીએ નકારી કાઢ્યા. જેમ કે કપૂર એન્ડ સન્સ અને નીરજા જેવી ફિલ્મો પહેલાં શેફાલીને ઓફર થઈ હતી. શેફાલીએ ના પાડી એટલે એ રોલ પછી અનુક્રમે રત્ના પાઠક શાહ અને શબાના આઝમીએ કર્યા. શેફાલીના પ્રશંસક તરીકે આપણને થાય કે શેફાલીએ આટલી સુંદર ફિલ્મો ને આટલા તગડા રોલ સ્વીકારી લેવા જોઈતા હતા.       
શેફાલીને અસલી જીવનમાં પત્ની અને બે દીકરાઓની મમ્મીનો રોલ નિભાવવો પણ ખૂબ ગમે છે. વચ્ચે દીકરાઓની અમેરિકાના કોઈ ફૂટબોલ કેમ્પમાં પસંદગી થઈ હતી. ખાસ એમની દેખભાળ કરવા માટે શેફાલી બે મહિના અમેરિકા રહ્યાં હતાં. શેફાલી જ્યારે એવું કહે કે એમને સારી ભુમિકાઓ ઓફર થતી નથી ત્યારે એ સાંભળીને તકલીફ થઈ જાય છે. શેફાલી જેવી કાબેલ અભિનેત્રીનો યોગ્ય ઉપયોગ ન થઈ શકે તો એમાં અભિનયજગતનું નુક્સાન છે. શેફાલીનો પૂરતો જશ મળ્યો નથી એ હકીકત છે. ખેર, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. હવે ફોર્ટી પ્લસ અભિનેત્રીઓ માટે પણ સરસ ભુમિકાઓ લખાઈ રહી છે. એમાંય નેટફ્લિક્સ-એમેઝોન પ્રાઇમ જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ સારા અદાકારો (અને ઇવન ઓડિયન્સ) માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. દિલ્હી ક્રાઇમ શો એનું ઉત્તમ ઉદાહરણ છે.       
0 0 0 


Wednesday, April 24, 2019

માગો એટલે મળશે, શોધો એટલે જડશે


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 24 એપ્રિલ 2019
ટેક ઓફ 
ઈશ્વર સાથે થતી વાતચીત એ સંભવતઃ કમ્યુનિકેશનનું સુંદરતમ સ્વરૂપ છે. ઈશ્વર પાસે શું માગવું ને શું ન માગવું એ શી રીતે નક્કી થાય?  


પ્રાર્થના વિશે વાત કરવા માટે કંઈ નિમિત્ત જોઈએ? કોઈ ધાર્મિક તહેવાર કે નવું વર્ષ કે જન્મદિન જેવું કશું હોય તો જ પ્રાર્થના વિશે વાત કરી શકાય એવું કોણે કહ્યું? આપણે આપણા સર્જનહાર સાથે સતત જોડાયેલાં હોઈએ છીએ અને પ્રાર્થના આ સંધાનને એક વિશિષ્ટ સમતલ પર મૂકી આપવાનું કામ કરે છે. પ્રાર્થના ઈશ્વર સાથે સભાનપણે થતું કોમ્યુનિકેશન છે, જે ગમે ત્યાં થઈ શકે છે, ગમે ત્યારે થઈ શકે છે, કામ કરતાં કરતાં, ડ્રાઇવ કરતાં કરતાં, સૂઈને, બેસીને, ચાલતાં ચાલતાં, એકાંતમાં, મંદિરમાં, સમૂહમાં...
પ્રારંભ રવીન્દ્રનાથ ટાગોરની ઓલ-ટાઇમ-ક્લાસિક પ્રાર્થનાથી કરીએ. જેટલી વાર આ પ્રાર્થના વાંચીએ ત્યારે દર વખતે ચિત્તમાં નવા દીવડા પ્રગટી ઉઠે છે. સાંભળો :
'પ્રભુ ! વિપત્તિમાં મારી રક્ષા કરો એ મારી પ્રાર્થના નથી, વિપત્તિમાં હું ભય ન પામું એમ ઇચ્છું છું. દુઃખતાપમાં કે વ્યથિત ચિત્તમાં ભલે સાંત્વના ના આપ પણ દુઃખ પર વિજય મેળવું એમ ઇચ્છું છું. ભલે મને સહાય ન મળે પણ પોતાનું બળ ન તૂટે એમ ઇચ્છું છું. સંસારમાં ક્ષતિ પામવા છતાંમાત્ર વંચના મેળવવા છતાંપોતાનાં મનમાં ક્ષતિ ન પામું તેમ ઇચ્છું છું. તું મારો બચાવ કરજે, એ મારી પ્રાર્થના નથીહું તરી શકું એટલી શક્તિ રહે એમ ઇચ્છું છું. ભલે મારો ભાર હળવો કરીને સાંત્વના ન આપે પણ હું એ વેંઢારી શકું એમ ઇચ્છું છું. નમ્ર મસ્તકેસુખના દિવસે તારો ચહેરો ઓળખી લઈશ-દુઃખની રાતે સમગ્ર પૃથ્વી જે દિવસે વંચના કરે ત્યારે તારા પર સંશય ન કરું તેમ ઇચ્છું છું...'
પરમ પિતા પાસે સાચા દિલથી કશુંક માગીએ ને એ ન મળે એવું બને ખરું ? ન બને. ખુદ ઈશુ ખ્રિસ્તના શબ્દો છે કે-
'માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખૂલશે, કારણ, જે માગે છે તેને મળે છે, જે શોધે તેને જડે છે, જે ખખડાવે તેને માટે બારણાં ખૂલે છે. તમારામાં એવો કોણ છે, જે પુત્ર રોટી માગે તો પથ્થર આપેતમે ખરાબ હોવા છતાં તમારાં બાળકોને સારી વસ્તુ આપવાનું જાણો છોતો પરમ પિતા પોતાની પાસે માગનારને સારી વસ્તુ જ આપે એમાં શંકા શીતમે સાંકડા દરવાજેથી દાખલ થજો, કારણ કે વિનાશ તરફ જતો માર્ગ પહોળો છેતેનો દરવાજો મોટો છે અને ત્યાં જનારા ઘણા છે પણ જીવન તરફ જતો માર્ગ સાંકડો છે, તેનો દરવાજો નાનો છે અને તેને શોધી કાઢનારા ઓછા છે.'
કવિ સુરેશ દલાલે 'મારી પ્રાર્થનાનું વિશ્વનામનું આખું પુસ્તક તૈયાર કર્યું છે, તો  ઈશા-કુન્દનિકાએ 'ઝરૂખે દીવા' નામનો અદભુત સંગ્રહ સંપાદિત કર્યો છે. એમાં મન-હૃદય-વિષાદથી છલકાતાં હોય ત્યારે આખા માંહ્યલાની બેટરી તરત ચાર્જ કરી નાખે એવી પ્રાર્થનાઓ પણ છે. ઉદાહરણ તરીકેહજરત ઈનાયતખાંએ અંતરાત્માને ઉદ્દેશીને કરેલી આ બંદગી. અંતરાત્મા એટલે આપણી ભીતર વસેલા ભગવાનનો અવાજઆપણાં ચારિત્ર્ય માટેનું દિશાસૂચક યંત્ર. ઈનાયતખાં કહે છે કે-
અંતરાત્મા !
તું સમૃદ્ધ દશામાં હો કે દુર્દશામાંતારા સિદ્ધાંતોને જાળવી રાખજે. જીવનની કસોટીઓ અને પરીક્ષાઓમાં તારી શ્રદ્ધા દઢ રાખજે. મિત્રોની ગોપન વાતોને પવિત્ર વિશ્વાસની જેમ સાચવજે. પ્રેમમાં સ્થાયી ભાવ રાખજે. ગમે તેવી આફત આવી પડેવચનભંગ કરીશ નહીં. જીવનની સઘળી પરિસ્થિતિમાંદુનિયાને હાસ્યોથી નવાજજે. તારી પાસે કંઈક હોય ત્યારેજેની પાસે એ નથી તેનો વિચાર કરજે. ગમે તે ભોગે તારું ગૌરવ જાળવજે. બધા જ સંજોગોમાં તારા આદર્શની મશાલ ઊંચી રાખજે. તારા પર જેઓ આધાર રાખે છે તેમની અવગણના કરીશ નહીં.
અંતરાત્મા !
પ્રત્યેક વ્યક્તિની ભાવનાનું માન રાખજે. તારો સમોવડિયો ન હોય તેને પડકાર ફેંકીશ નહીં. તારી ઉદારતાનો દેખાડો કરીશ નહીં. જેઓ આપી શકે તેમ ન હોય તેમની મહેરબાની યાચીશ નહીં. તારી ઊણપોને તારા આત્મગૌરવની ધારથી વીંધજે. વિપત્તિમાં તારા ચિત્તને દીનહીન બનવા દઈશ નહીં.
મારા અંતરાત્મા !
ખોટા દાવાઓ કરીશ નહીં. બીજાઓની ગેરહાજરીમાં તેમની વિરુદ્ધ બોલીશ નહીં. કોઈનાં અજ્ઞાાનનો લાભ લઈશ નહીં. તારાં સારાં કામોની બડાઈ હાંકીશ નહીં. બીજાનું હોય તેના પર હક નોંધીશ નહીં. બીજાઓને ઠપકો આપીને તેની ભૂલો વધુ દૃઢ કરીશ નહીં. જે કામ પૂરું કરવાનું હોય તે કરવામાં સહેજ પણ કસર રાખીશ નહીં. કોઈને ખાડામાં ઉતારીને તારો લાભ શોધીશ નહીં. તારા ફાયદા માટે કોઈને નુકસાન પહોંચાડીશ નહીં.'

ખરેખરઆપણું સદવર્તન એ જ આપણી પ્રાર્થના છે. મંદિરમાં મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહી જવાથી કે ટીલાં-ટપકાં કરવાથી ઈશ્વર સાથે સંવાદ થતો નથી. પ્રાર્થના એક સક્રિય સ્થિતિ છે. સત્ય એક વિરાટ શબ્દ છે જે કેટલીય સંકલ્પનાઓને પોતાનામાં સમાવી લે છેતેથી જ હેનરી ડેવિડ થોરો પ્રભુને કહે છે કેહે ઈશ્વરતું મને પૈસા આપે તે કરતાં, પ્રતિષ્ઠા આપે તે કરતાંપ્રેમ આપે તે કરતાં, સત્ય આપ !
આપણને ક્યારેક થાય કે ભગવાન પાસે માગી માગીને શું માગીએ પણ ફાધર લેસરની માગણીઓ બહુ જ સ્પષ્ટ છેકહે છે :
'ઓ ઈશ્વર !
મને સદા મુક્ત રાખજે... અભિમાન અને વધારે પડતી આત્મસભાનતાથીબીજાઓ મારા મોટી કિંમત આંકે એવી લાલસાથી, બીજાઓ મને ચાહે એવા મોહથી.
મને બચાવજે... બીજાઓ મને શોધતા આવે એવી વૃત્તિથી, બીજાઓ મારું બહુમાન કરે એવી ઇચ્છાથીબીજાઓ મારાં વખાણ કરે એવી ઝંખનાથી.
મને સદાય બચાવજે... બીજાઓ કરતાં મને વધારે પસંદગી આપવામાં આવે એવી ઇચ્છાથીબીજાઓ મારી સલાહ પૂછે એવા મોહથી.

ઈશ્વર પાસે માગવામાં વળી શરમ શાની. આ મામલામાં કન્હનગઢના માતા કૃષ્ણાબાઈનો સ્પિરિટ ગજબનો છે. શી રીતેઆનંદનો મહાસાગર ઉછાળતી એમની પ્રાર્થનામાં તેનો જવાબ છે :
'હે ભગવાન,
તારી સાથે વાત કરવાની મજા, તારી સાથે ચૂપ રહેવાની મજા.
આંખ ખુલ્લી રાખું તો આનંદ, આંખ બંધ રાખું તો પણ આનંદ.
તું કાંઈ આપે તેમાં આનંદ, તું કાંઈ ન આપે તેથી પણ આનંદ.
તારી પાસેથી માગવાની મજા, તારી પાસેથી મેળવવાની મજા.
તારી પાસેથી કાંઈ ન મળે તો પણ આનંદ. તારી અંદર આનંદ. તારી બહાર આનંદ...
ઈશ્વર પાસે શું માગવું અને શું ન માગવું એ નક્કી કરવા માટે વિવેકબુદ્ધિ વાપરવી પડે.  આ વાત નીચેની પ્રાર્થનામાં સરસ રીતે વ્યક્ત થઈ છેઃ
ભગવાન! હું એમ નથી માગતો કે
મારો રસ્તો સરળ બને, મારાં કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને, તો એ સફળતા મને કૃતજ્ઞ બનાવે
અને એમ ન બને, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે
એ હું માગું છું.
દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચડું
દરેક પગલે હું થોડોક વધુ તમારી નિકટ આવું
રોજ રોજ, કોઈક સત્કર્મથી મારા હ્રદયમાં રહેલા તમને વ્યક્ત કરું
દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું
દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે
આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું
એ હું માગું છું.
એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે
એ મને યાદ આવે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મુલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી
આવતી કાલે કદાચ હું ન પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું
દરેક દિવસે મારો નવો જન્મ થાય છે તેમ માનું
અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
મારા જીવનની ચાદર ઉજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું
આજે, મારા જન્મદિવસે, ભગવાન!
એ હું તમારી પાસે માગું છું.
0 0 0

Saturday, April 20, 2019

દૂધ અને માંસ એક જ સિક્કાની બે બાજુઓ છે?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 17 એપ્રિલ 2017
ટેક ઓફ
વીગન ખાનપાન અપનાવનારો માણસ ધર્મથી ભલે ખ્રિસ્તી, મુસ્લિમ, જ્યૂ કે કોઈ પણ હોય, કર્મથી એ પાક્કો જૈન છે!
હું ડોક્ટર છું. હું વીગન છું. 5 વર્ષ.

હું જનરલ મેનેજર છું. હું વીગન છું. 7 વર્ષ.

આખા ઓસ્ટ્રેલિયામાં ગયા અઠવાડિયે આ પ્રકારનું લખાણવાળાં પતાકડાં લઈને લોકો સમૂહમાં રસ્તા પર નીકળી પડ્યા હતા. તેઓ વીગન હતા. શાકાહાર અને માંસાહાર પછી છેલ્લાં કેટલાંક વર્ષમાં વીગન એ ખાણીપીણીના એક મહત્ત્વના ખાદ્યપ્રકાર તરીકે ઊપસી આવ્યો છે. વીગન ખાનપાન અપનાવનારો માણસ ધર્મથી ભલે ખ્રિસ્તી, મુસ્લિમ, જ્યૂ કે કોઈ પણ હોય, કર્મથી એ જૈન છે! આજે મહાવીર જયંતિના પર્વ પર જોઈ લેવું જોઈએ કે દુનિયામાં વીગનીઝમની શી સ્થિતિ છે?

સૌથી પહેલાં તો વીગનીઝમ અથવા વીગન એટલે શુંVEGAN શબ્દ VEGetariANમાંથી ઊતરી આવ્યો છે. વીગન વિચારધારા શાકાહારી માણસને અતિશાકાહારના સ્તર પર મૂકી દે છે. તમારે માંસ-મત્સ્ય-ઇંડાં તો ખાવાનાં નથી જ, પણ તમારે દૂધ પણ પીવાનું નથી. દૂધ બંધ એટલે ચા-કોફી બંધ. દૂધમાંથી બનતી તમામ ચીજવસ્તુઓ જેવી કે દહીં-છાશ-લસ્સી-પનીર-ઘી-માખણ બંધ. શ્રીખંડ-ખીર-દૂધપાક જેવી વાનગીઓનો વિચાર પણ નહીં કરવાનો. આઈસક્રીમ-ચોકલેટ-પિઝા ઉપરાંત ઇંડાંવાળી જ નહીં, ઇંડાં વગરની કેકને પણ ભૂલી જવાનું. વીગન હોવું એટલે ફ્કત ડેરી પ્રોડક્ટ્સ પર ચોકડી મૂકી દેવી તેમ નહીં, તમારે સિલ્ક, ઊન અને ફરમાંથી બનતા કપડાંનેય તિલાંજલી આપવાની. જેમાં એનિમલ પ્રોડક્ટ્સનો ઉપયોગ થયો હોય તેવા સાબુ, કોસ્મેટિકસ, લેધર, મધ અને દવાઓથી પણ દૂર રહેવાનું. ટૂંકમાં, પશુ-પક્ષીને કષ્ટ પડયું હોય તે તમામ ચીજવસ્તુ અને ક્રિયાનો ત્યાગ કરવાનો.

ઓસ્ટ્રેલિયામાં હેલ્થ એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે ઓસ્ટ્રેલિયનો ખોરાકમાં વધારે પડતું રેડ મીટ યા તો માંસ લે છે, આ પ્રમાણ તાત્કાલિક ઓછું કરો. દુનિયામાં સૌથી વધારે માંસ ખાનારા દેશોમાં ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે છે. સરેરાશ ઓસ્ટ્રેલિયન વર્ષે 111.5 કિલો માંસ ઓહિયા કરી જાય છે. દુનિયાની માંસાહારી નંબર વન પ્રજા અમેરિકનો છે. સરેરાશ અમેરિકન વર્ષે 120 કિલો માંસ ખાંસ ખાય છે. સૌથી વધારે માંસાહાર કરનારા ટોપ-ટ્વેન્ટી દેશોમાં આ બે ઉપરાંત ન્યુઝીલેન્ડ છઠ્ઠા નંબરે, ફ્રાન્સ આઠમા નંબરે, સ્પેન અગિયારમા ક્રમે અને ડેન્માર્ક-કેનેડા-ઇટલી અનુક્રમે 13, 14 અને 19 નંબર પર છે.   લોકો સમજવા માંડ્યા છે કે વીગનીઝમ એ પ્રાણીપ્રેમીઓએ શોધી કાઢેલું ફિતૂર નથી. તમને પ્રાણીઓ પ્રત્યે ખાસ દયામાયા ન હોય તો પણ વીગનીઝમ અપનાવવું પડશે. શાકાહારીઓ, બાય ડિફોલ્ટ, માંસથી દૂર રહે છે, પણ વીગનીઝમ એમને દૂધ પમ દૂર રહેવાની સલાહ અપાય છે. તમામ પ્રાણીઓ ફ્કત પોતાની જ જાતિના પ્રાણીનું, રાધર, પોતાની માતાનું દૂધ પીએ છે. સમગ્ર સૃષ્ટિમાં એક મનુષ્ય જ એવું પ્રાણી છે, જે બીજા પ્રાણીઓનું દૂધ પી જાય છે! પ્રાણી જન્મે પછી થોડા સમય માટે જ માતાના દૂધ પર આધારિત હોય છે. એક વાર એ જીવનસંઘર્ષ કરવા માટે સજ્જ થઈ જાય પછી એને માતાના દૂધની આવશ્યકતા રહેતી નથી. તેથી કુદરતી રીતે જ માતાના શરીરમાં દૂધ પેદા થવાનું બંધ થઈ જાય છે. આખી દુનિયામાં મનુષ્ય જ એક એવંુ પ્રાણી છે જે મરતાં સુધી દૂધ પીધાં જ કરે છે. ખુદની માતાના શરીરમાં દૂધ સુકાઈ જાય પછી ગાય-ભેંસ-બકરી જેવાં અન્ય પ્રાણીના દૂધ પર અટેક કરે છે, જે વીગન વિચારધારા પ્રમાણે કુદરતના નિયમની વિરુદ્ધ છે. માનવશરીરના વિકાસ માટે દૂધ અનિવાર્ય નથી અને ડેરી પ્રોડકટ્સથી શરીરને હાનિ પહોંચે છે એવું પૂરવાર કરતાં કેટલાંય વૈજ્ઞાનિક પ્રમાણો ઉપલબ્ધ છે. ચીન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં દૂધનું ઉત્પાદન ખાસ્સુ ઓછું થાય છે, પણ ત્યાંની પ્રજા દુનિયાના 'દૂધ પીતી' પ્રજા જેટલી જ સુવિકસિત છે!

ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ આ માતા નોનસ્ટોપ દૂધ આપતી રહે તેવા હળહળતા ધંધાદારી માહોલમાં, ખાસ કરીને વિદેશમાં, એણે કેવી યાતનામાંથી પસાર થવું પડે છે તેની વિગતો અસ્થિર કરી મૂકે તેવી છે. ગાય સતત દૂધ આપતી રહે તે માટે તેને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી સતત ગર્ભવતી રાખવામાં આવે છે. તેથી તેનું 30 વર્ષનું આયુષ્ય સંકોચાઈને માંડ બારેક વર્ષ જેટલું થઈ જાય છે. એનિમલ ફાર્મ્સમાં પ્રાણીઓ પર થતી ક્રૂરતા અને કતલખાને લઈ જવાતાં જનાવરો પર થતી ક્રૂરતા વચ્ચે ઝાઝો ફરક હોતો નથી. કતલખાના પુષ્કળ કચરો પેદા કરે છે, તેને પુષ્કળ પાણીની જરૂર પડે છે, તે હાનિકર્તા મિથેન ગેસ રિલીઝ કરે છે, વગેરે. આમ, દૂધ ઉત્પાદનની સમગ્ર ઔદ્યોગિક પ્રક્રિયાની સીધી અને માઠી અસર પર્યાવરણ પર પડે છે. પૃથ્વી પર ભયજનક રીતે થઈ રહેલા ક્લાયમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે માણસજાતે જે પગલાં ભરવાનાં છે એમાંની એક મહત્ત્તવની તકેદારી એ છે કે ગાય અને ઘેટાંના માંસથી દૂર રહેવું.વીગન લાઈફસ્ટાઈલનું ચુસ્તપણે પાલન કરનારાઓ તો ત્યાં સુધી કહે છે કે દૂધ અને માંસ એક જ સિક્કાની બે બાજુઓ છે!

એનિમલ રાઈટ્સના ક્ષેત્રમાં ગેરી ફ્રાન્સિઓન નામના અમેરિકન લીગલ સ્કોલરનું નામ મોટું છે. તેઓ દેખીતી રીતે જ જૈન ધર્મથી ખાસ્સા પ્રભાવિત છે. ગેરીની કાનૂની થિયરી સેન્ટીઅન્સ એટલે કે ચૈતન્યના પાયા પર ઊભી છે. પશુ, પક્ષી, જંતુ, વનસ્પતિ સહિતના તમામ સજીવો કે જેમાં ચૈતન્ય છે, તેમને અસ્તિત્વ ધરાવવાનો અધિકાર છે અને આ અધિકારનું સંપૂર્ણપણે રક્ષણ થવું જોઈએ. તમામ મનુષ્યેત્તર સજીવોની એક જ ડિમાન્ડ છેઃ અમને ‘વસ્તુ’ ન ગણો. અમને કશું જોઈતું નથી. બસ, અમને જીવવા દો! ન શાસ્ત્રો કહે છે શાકભાજી, પાણી, અગ્નિ, ધરતી અને હવા એકેન્દ્રીય આત્મા છે. તેના ભક્ષણ અથવા ઉપભોગમાં હિંસા જરૂરી છે, પણ તે અતિ મર્યાદિત છે. જીવન ટકાવી રાખવા માટે સાધારણ મનુષ્ય આવી સિમિત હિંસા કરે તે સ્વીકાર્ય છે, પણ બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયો ધરાવતાં પશુ-પક્ષી અને જીવજંતુ પર કોઈપણ સંજોગોમાં હિંસા થવી ન જોઈએ.

વીગનીઝમ વિચારધારાનો સૂર આપણી પારંપરિક માન્યતાઓ સાથે મળતો નથી. હાથેથી માખણ ખાતા બાળકનૈયાનું કલ્પનાચિત્ર આપણી સામૂહિક ચેતનાનો અંશ છે. ખુદ ભગવાન ડેરી પ્રોડક્ટ્સ ખાતા હોય તો આપણે પણ તે ખાઈએ તેમાં શા માટે વાંધો હોવો જોઈએ? આપણી ધાર્મિક વિધિઓમાં દૂધનો ભરપૂર ઉપયોગ થાય છે. પણ વીગન વિચારધારા કહે છે કે જૂની માન્યતાઓને તિલાંજલી આપવાનો સમય આવી ગયો છે. મૂર્તિઓ પર દૂધનો અભિષેક ન કરવો. પ્રસાદ વગેરેમાં દૂધનો ઉપયોગ કરવો જ પડે તેમ હોય તો ગાય-ભેંસના દૂધના બદલે સોયા મિલ્કનો ઉપયોગ કરવો. મંદિરમાં ભગવાનની પ્રતિમા સામે ઘીના દીવા કરવાને બદલે વેજીટેબલ ઓઈલના દીવા કરવા. મીઠાઈઓને બદલે જુદી જુદી જાતના ડ્રાયફ્રુટ્સ વાપરવા. ધાર્મિક ફંકશનોના જમણવારમાં કેવળ વીગન વાનગીઓ જ પીરસવી. દૂધ એક સંપૂર્ણ આહાર છે તેવું આપણને બાળપણથી ક્હેવામાં આવે છે, પણ હવે આ થિયરી સામે પડકાર ઊભો થયો છે.

માણસ ગમે તેટલો પ્રાણીપ્રેમી કે અહિંસાવાદી હોય તો પણ એકઝાટકે વીગન બની શકતો નથી. અનુભવી વીગનોની સલાહ છે કે વીગન લાઈફ્સ્ટાઈલ ધીમે ધીમે અપનાવવી. જેમ કે, દિવસમાં ત્રણ વખત ચા પીવાની ટેવ હોય તો શરૂઆતમાં બે વાર, પછી એક વાર ચા પીઓ અને ક્રમશઃ બંધ કરી દો. દૂધની જગ્યાએ તમે આલ્મન્ડ મિલ્ક અને કોકોનટ મિલ્ક જેવી નોન-ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને ચા-કોફીની લિજ્જત માણવાનું ચાલુ રાખી શકો છો. શરૂઆતમાં દિવસનું કમસે કમ એક ટંકનું ભોજન વેગન ફૂડ હોય તેવી કાળજી રાખો. ધીમે ધીમે વીગન ખાણીપીણીની માત્રા વધારતા જવી.

આનંદ થાય એવી વિગત એ છે કે દુનિયામાં સૌથી ઓછું માંસ ખાનારા દેશોમાં ભારત બીજા નંબરે છે. સરેરાશ ભારતીય વર્ષે કેવળ 4.4 કિલો માંસ ખાય છે. ભારતીયોનો વિરાટ સમુદાય શાકાહારી હોવાથી સરેરાશ આંકડો ખૂબ નીચે આવી ગયો છો. બાંગલાદેશ આપણા કરતાંય આગળ, નંબર વન પોઝિશન પર છે – વર્ષે કેવળ ચાર કિલો. શ્રીલંકા ચોથા નંબર પર છે – 6.3 કિલો. તમારા ધર્મ તમને માંસ ખાવાની છૂટ આપતો હોય કે ન હોય, તમારી ભવિષ્યની પેઢીઓએ માંસ શું, દૂધથી પણ દૂર રહેવું પડશે. લિખ લો! 

0 0 0