Sunday, February 27, 2011

વર્લ્ડ કપ ફિવર અને અધ્યાત્મ

                                                 અહા! જિંદગી  - માર્ચ  ૨૦૧૧માં-  પ્રકાશિત

                                                                        કોલમ : ફલક

ગ્રીક ભાષામાં અરેટી (arete) નામનો શબ્દ છે, જેનો અર્થ છે, એક્સેલન્સ. શ્રેષ્ઠતા. એક ગ્રીક કોન્સેપ્ટ પ્રમાણે, માણસે  લાઈફ ઓફ અરેટી એટલે કે શ્રેષ્ઠતાભર્યું જીવન પ્રાપ્ત કરવું હોય તો મન, શરીર અને આત્મા ત્રણેયનો વિકાસ સાધવો પડે. આમ, શરીરને શ્રેષ્ઠ બનાવવા માટે એથ્લેટિક્સનો જન્મ થયો. સત્ત્વશીલ ખેલાડીઓ આ વાત સારી રીતે સમજે છે. 
ગભગ યુદ્ધ જેવો માહોલ છવાયો છે. વિશાળ સ્ટેડિયમમાં પ્રચંડ માનવમેદની સતત ચિલ્લાઈ રહી છે. લાખો લોકો પોતપોતાનાં ઘરોમાં, ઓફિસમાં કે રસ્તા પર ઈલેક્ટ્રોનિક શો રૂમની પારદર્શક દીવાલ પાસે ખોડાઈને ટીવી પરથી ફેંકાતી તસવીરોને પાગલની જેમ રિએક્ટ કરી રહ્યા છે. ભારત જેવા ‘ક્રિકેટ-નેશન’નો તરફડાટ વર્લ્ડ કપની આ મોસમમાં પરકાષ્ઠાએ પહોંચી ગયો છે. તમને લાગે છે કે અસંખ્ય દષ્ટિઓનાં ત્રાટક વચ્ચે જીવ પર આવીને બાજી ખેલી રહેલા બન્ને બેટ્સમેન, બોલર અને ફિલ્ડર્સ આધ્યાત્મિક મનઃસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે? માત્ર ક્રિકેટરો જ શા માટે, ફૂટબોલ ગ્રાઉન્ડ પર દોડતા અને એકબીજા સાથે અફળાતા ખેલાડીઓ, બોક્સિંગ રિંગમાં એકમેકને પર એટેક કરતા બોક્સરો,  ટૂંકમાં, દુનિયાભરના ઉત્તમ સ્પોર્ટસમેન એક પ્રકારની આધ્યાત્મિકતાનો અનુભવ કરતા હોય છે. અલબત્ત, પોતાની અનુભૂતિને વર્ણવવા માટે તેઓ ‘અધ્યાત્મ’ કે ‘આધ્યાત્મિકતા’ જેવા શબ્દો વાપરતા નથી તે અલગ વાત થઈ.

અધ્યાત્મિકતા એટલે, સાદી ભાષામાં, એવું કશુંક જે શારીરિકતા અને ભૌતિકતાથી પર છે, જેનો સંબંધ આત્મા સાથે, માણસના ખુદના હોવાપણાં સાથે છે. સ્પોર્ટ્સ અને સ્પિરિચ્યુઆલિટીનો સંબંધ પહેલી દષ્ટિએ વિરોધાભાસી લાગે. રમતગમત એટલે જ ભરપૂર શારીરિકતા, પરસેવો, કષ્ટ. શ્રેષ્ઠ ખેલાડી કે એથ્લેટ એ જે પોતાની શારીરિક ક્ષમતાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકે, તો પછી શરીરને અતિક્રમી જવાની વાતનો કેવી રીતે મેળ પડે?

અમિત શેઠ નામના મુંબઈવાસી ગુજરાતી એક અઠંગ મેરેથોનરનર છે. પ્રચંડ શિસ્ત સાથે તેમણે પોતાનાં મન અને શરીરને કેળવ્યાં છે. વિશ્વભરના દેશોમાં યોજાતી મેરેથોનમાં તેઓ ભાગ લે છે. દુનિયાની સૌથી કઠિન અને ‘ધ અલ્ટિમેટ હ્યુમન રેસ’ ગણાતી ૮૯ કિલોમીટરની કોમરેડ્સ મેરેથોનમાં તેમણે ભાગ તો લીધો, પણ નિયત સમયમાં પૂરી ન કરી શક્યા. માત્ર ૪૦૦ મીટરનું છેટંુ રહી ગયું. તેમણે મનોમન ગાંઠ બાંધી લીધી, અૌર કઠિન ટ્રેનિંગ લઈને પોતાના શરીરને અૌર તૈયાર કર્યું અને પછીના વર્ષે એટલે કે ૨૦૧૦માં ૧૧ કલાક-૫૦ મિનિટ-૫૩ સેકન્ડ્સમાં આ અલ્ટ્રા-મેરેથોન સફળતાપૂર્વક પૂરી કરી નાખી. તેમનાં પત્ની નીપા કોમરેડ્સ મેરેથોન પૂરી કરનારાં પ્રથમ ભારતીય મહિલા હોવાનું માન ખાટી ગયાં.અમિત શેઠે પછી પોતાના અનુભવો વર્ણવતું ‘ડેર ટુ રન’ નામનું અદભુત પુસ્તક લખ્યું છે. તેમાં એક જગ્યાએ તેઓ કહે છેઃ ‘હું કાયમ મારી જાત સાથે વાતો કરતો હોઉં છું. મારું દિમાગ ક્યારેય ચૂપ હોતું નથી. હું ઊંઘતો હોઉં ત્યારે પણ એ ચાલ્યા કરતું હોય છે. હું હંમેશાં ખોવાયેલો હોઉં છું, વિચારોનાં ટોળાંમાં. મારું દિમાગ ક્યારેય ‘મૌન’ હોતું નથી. ઓશો જેને ‘નો-માઈન્ડ’ કહે છે તે અવસ્થાની હું શોધમાં છું. મારે માત્ર ‘હોવું’ છે. મારે વિચારોથી સંપૂર્ણપણે મુક્ત એવી અવસ્થામાં, માત્ર અને માત્ર વર્તમાનમાં રહેવું છે. મારે વિચારોને ઠાલવી નાખવા છે. આ પ્રકારની અવસ્થાએ પહોંચવા માટે કેટલાક લોકો ધ્યાન ધરે છે. મને આવી ક્ષણો દોડતી વખતે પ્રાપ્ત થાય છે. દોડતો હોઉં તે દરમિયાન ક્યારેક અચાનક જ જાદુઈ ક્ષણ આવે અને મારામાં સભાનતા જાગે કે હું કશું જ વિચારી રહ્યો નથી, અનુભવી રહ્યો નથી. જાણે કે હું મારી જાતમાંથી બહાર આવીને ખુદને નિહાળી રહ્યો છું. જાણે કે હું માત્ર ‘છું’, વિચારમુક્ત, શૂન્ય... અને માત્ર સાક્ષીભાવે મારી જાતને દોડતો જોઈ રહ્યો છું. પ્યોર કોન્શિયસનેસ! નિર્ભેળ સુખની આવી ક્ષણો જોકે બહુ ઓછી આવતી હોય છે. તે થોડી સેકન્ડો તો માંડ ટકે પણ એક વાર સ્વાદ ચાખી લીધા પછી અવારનવાર તેની પ્રતીતિ કરતાં રહેવાનું મન થયા કરે. મજાની વાત એ છે કે આવી પળ ત્યારે જ આવતી હોય છે, જ્યારે હું સભાનતાપૂર્વક એની રાહ ન જોતો હોઉં. આમ, મારા માટે દોડવું તે કોઈ મંઝિલ સુધી પહોંચવાની પ્રક્રિયા નથી. મારા માટે દોડવું એ જ મંજિલ છે. મને દોડવું ગમે છે, કેમ કે જ્યારે હું દોડું છું ત્યારે બીજું કશું જ કરતો હોતો નથી. હું માત્ર દોડતો હોઉં છું. હું માત્ર ‘હોઉં’ છું.’

સ્પોર્ટસ યા તો એથ્લેટિક્સ સાથે અધ્યાત્મ કેવી રીતે સંબંધાઈ શકે તેનો જવાબ અમિત શેઠની આ વાતમાંથી મળે છે.

મનોવિજ્ઞાનમાં ‘ફ્લો’ નામનો એક શબ્દ પ્રયોજાય છે. ‘ફલો’ એટલે એવી અવસ્થા, જ્યારે માણસની સમગ્ર એકાગ્રતા કોઈ એક જ પ્રવૃત્તિમાં કેન્દ્રિત થઈ ગઈ હોય અને આસપાસ શું ચાલી રહ્યું છે એ તો ઠીક, પણ એના પોતાના વિશેની સભાનતા પણ એક તરફ હડસેલાઈ ગઈ હોય. યાદ રહે, આપણે સોફા પર પડ્યા પડ્યા એકધ્યાનથી ટીવી જોતાં હોઈએ અને ફેવરિટ સિરિયલમાં ખોવાઈ ગયા હોઈએ તે નિષ્ક્રિય યા તો ‘પેસિવ’ એેકાગ્રતા છે. સામે પક્ષે ખેલાડીની એકાગ્રતા ‘એક્ટિવ’ છે. એક સ્પોર્ટ્સમેન એકાગ્ર બને છે ત્યારે તે પોતાની તમામ માનસિક તાકાત કોઈ ચોક્કસ પ્રવૃતિમાં લગાવી દે છે. સામાન્યપણે આપણે ‘સાઈકિક એન્ટ્રોપી’ એટલે કે જાતજાતનાં વિચારો, ચિંતા, સ્ટ્રેસ વગેરેનો માનસિક કોલાહલ અનુભવતા હોઈએ છીએ, પણ ‘ફ્લો’થી માણસના હાથમાં ખુદની કોન્શિયસનેસ, ખુદની જાગૃતિની લગામ આવી જાય છે. ‘ફ્લો’ દરમિયાન માણસ આંતરિક શાંતિ અનુભવે છે, એક પ્રકારની આંતરિક તાકાતનો અને વધારે જીવંત હોવાનો અહેસાસ કરે છે. ઉત્તમ સ્પોર્ટ્સમેન પોતાની જાતને એવી રીતે ટ્રેઈન કરે છે કે જેથી તે ખુદને ‘ફ્લો’ની અવસ્થામાં વધુને વધુ લાંબો સમય કેદ કરી શકે. એની એકાગ્રતા ક્રમશઃ ઘૂંટાઈને જે સપાટી પર પહોંચે છે તે ધ્યાન કે ઈવન સમાધિની સ્થિતિ સાથે સામ્ય ધરાવે છે.આધ્યાત્મિક ગુરુઓ ઘણી વાર ‘ઈન ધ ઝોન’ એવો શબ્દપ્રયોગ કરતા હોય છે. માણસ જાગૃતિની એક ઉચ્ચતર સ્થિતિ પર પહોંચે એટલે જાણે કે અચાનક જ કશુંક ‘ક્લિક’ થઈ જાય, એકદમ જ તેમની કાબેલિયત એવી કક્ષાએ પહોંચી જાય કે તેમનામાં કશુંક અસાધારણ કરી દેખાડે. શાંત ચિત્તે અને કુદરતી રીતે જ તેમનું પર્ફોર્મન્સ પરફેકશનની સીમાને આંબી લે. યુવરાજ સિંહ કે રવિ શાસ્ત્રીએ છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા ત્યારે તેઓ ચોક્કસપણે આ ‘વન્ડર ઝોન’માં હોવાના. અસરકારક લેખક અને વક્તા તરીકે ઊભરેલા ઇંગ્લેન્ડના ડેવિડ ઈક એક જમાનામાં પ્રોફેશનલ સોકર પ્લેયર હતા. એક મેચમાં શોર્ટ રેન્જથી ફેંકાયેલા બોલને લગભગ અશક્ય ગણાય તે રીતે તેમણે ગોલકીપર તરીકે રોકેલો. આ ઈન-ધ-ઝોન-એક્સપિરિયન્સને વર્ણવતા તેઓ કહે છે, ‘સામેની ટીમના ખેલાડીએ બોલને ફટકાર્યો એ પળે જાણે બધું જ સ્લોમોશનમાં જતું રહ્યું. કોઈએ જાણે મ્યુટ બટન દાબી દીધું હોય તેમ સઘળો કોલાહલ બિલકુલ શાંત થઈ ગયો. મેં ચિત્તાની જેમ ડાઈવ મારીને બોલને રોકી લીધો અને તે સાથે જ ક્ષણાર્ધમાં બધું નોર્મલ થઈ ગયું. બીજા ખેલાડીઓની હિલચાલ, અવાજો, બધું જ.’

ઉત્તમ ખેલાડી એ છે જેણે ઈચ્છા પ્રમાણે વત્તેઓછે અંશે ‘ઝોન’માં જઈ શકવાની કળાને હસ્તગત કરી લીધી છે. યુરો વ્લેસોવ નામના રશિયન વેઈટલિફ્ટરની વાત પણ સાંભળવા જેવી છે. ‘વેઈટ-લિફ્ટિંગના વિજયી પ્રયાસની જ્યારે એક્સટ્રીમ મોમેન્ટ આવે ત્યારે મસ્તકમાં લોહીનું ઘોડાપૂર વહેતું હોય તેવું લાગે. તે સાથે જ મારી ભીતર એકદમ શાંતિ પ્રસરી જાય. બધું જ પહેલાં કરતાં વધારે સ્પષ્ટ રીતે સમજાવા લાગે, દેખાવા લાગે. એ ક્ષણે એવો વિશ્વાસ પેદા થઈ જાય કે મારામાં આખા બ્રહ્માંડની તાકાત છે અને હું કંઈ પણ કરવા સમર્થ છું...’

એ અલગ વાત છે કે સ્પોર્ટ્સમેન પોતાના પીક પર્ફોર્મન્સિસ વિશે વાત કરતી વખતે યુરોસ્લેવ જેવી યા તો ‘ફ્લો’ કે ‘ઈન ધ ઝોન’ કે ‘સ્પિરિચ્યુઆલિટી’ પ્રકારની ભાષા વાપરતા નથી. કદાચ સ્પોર્ટ્સ કલ્ચરમાં બહુપરિમાણી સ્વાનુભવોને યથાતથ કમ્યુનિકેટ કરવા માટે પૂરતા શબ્દો ચલણમાં નથી પણ તેથી આ પ્રતીતિની સચ્ચાઈ કે એની ઘટ્ટતામાં કશો ફરક પડતો નથી. અધ્યાત્મને આમેય આપણે ધાર્મિકતા કે આસ્તિક હોવા સાથે સાંકળી લેતા હોઈએ છીએ. તો શું ઉત્કૃષ્ટ કક્ષાનો ખેલાડી નાસ્તિક હોય એટલે પોતાના શ્રેષ્ઠ પર્ફોર્મન્સ સાથે સંકળાયેલી આધ્યાત્મિક અનુભૂતિનો છેદ ઊડી જાય? ના. વ્યાખ્યાઓ બદલાઈ શકે છે, અભિવ્યક્તિ જુદી હોય છે, પણ મૂળ વાત તો એ જ રહે છે.

મેડિટેશન યા તો ધ્યાન એટલે આપણે જેને જાગ્રતશક્તિ કહીએ છીએ તેને શુદ્ધ કરવાની, વધારે ધારદાર બનાવવાની પદ્ધતિ. આ જીવનબળ છે, જે રોજિંદાં કામકાજમાં અને વાતોવિચારોમાં સતત ખર્ચાતી રહે છે. સફળ મેડિટેશન મનને એકાગ્ર કરીને એનર્જીને વહેતી કે ખર્ચાતી અટકાવી શકે. સ્પોર્ટ્સ પણ એ જ કરે છે. તે મનને એકાગ્ર કરે છે, વિચારોને બિનજરૂરી દિશામાં વહેતા અટકાવે છે, જેના લીધે જાગ્રતશક્તિનો વેડફાટ થતો અટકે છે. આ વાત માત્ર સ્પોર્ટ્સ સુધી સીમિત ક્યાં છે? નૃત્યકાર જ્યારે મગ્ન નૃત્ય કરે છે, પેઈન્ટર જ્યારે પોતાના કેનવાસ અને રંગોમાં લીન થઈ જાય છે ત્યારે ધ્યાનની આ જ સ્થિતિ પેદા થાય છે.

અમેરિકાની લેખિકા સુસાન સિંગે ‘સ્પિરિચ્યુઆલિટી ઓફ સ્પોર્ટ્સઃ બેલેન્સિંગ બોડી એન્ડ સોલ’ નામના પુસ્તકમાં લખ્યું છે કે એથ્લેટિક્સ અને સ્પોર્ટ્સનો ખરો અર્થ સમય જતાં ખોવાતો ગયો છે. સ્પોર્ટ્સની વિભાવનાને માત્ર મેડલ જીતવા કે પૈસા કમાવા પૂરતી સીમિત કરી દેવા જેવી નથી, સ્પોર્ટ્સ એના કરતાં ઘણું વિશેષ છે. ગ્રીક ભાષામાં અરેટી (arete) નામનો શબ્દ છે, જેનો અર્થ છે, એક્સેલન્સ. શ્રેષ્ઠતા. એક ગ્રીક કોન્સેપ્ટ પ્રમાણે, માણસે  લાઈફ ઓફ અરેટી એટલે કે શ્રેષ્ઠતાભર્યું જીવન પ્રાપ્ત કરવું હોય તો મન, શરીર અને આત્મા ત્રણેયનો વિકાસ સાધવો પડે. આમ, શરીરને શ્રેષ્ઠ બનાવવા માટે એથ્લેટિક્સનો જન્મ થયો. સત્ત્વશીલ ખેલાડીઓ આ વાત સારી રીતે સમજે છે.

વર્લ્ડ કપની મેચો એન્જોય કરતી વખતે કોઈ ક્રિકેટરને આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ આપતાં જુઓ ત્યારે શોરશરાબા અને હલ્લાગુલ્લા વચ્ચે એ વાત યાદ કરી લેજો કે એ માણસ આધ્યાત્મિકતાના સીમાડાને ક્યાંક સ્પર્શી આવ્યો છે...

0 0 0

Friday, February 25, 2011

કસ્ટમર કિંગ નથી, શહેનશાહ બની ગયો છે એ!

ચિત્રલેખા અંક તારીખ ૭ માર્ચ ૨૦૧૧સ્લગઃ વાંચવા જેવું

ધારો કે તમે બિઝનેસમેન છો અને કામકાજ વિસ્તારવા માગો છો. સૌથી પહેલાં તો આ પાંચ સવાલોના જવાબ આપોઃ (૧) તમારા કસ્ટમર કોણ છે? (૨) તમારા કસ્ટમર કોણ નથી? (૩) શા કારણે મારા કસ્ટમર ‘મારા’ કહી શકાય? (૪) એવું તો શું કારણ છે કે બીજા લોકો મારા કસ્ટમર બની શક્યા નથી? (૫) મારા કસ્ટમર્સ મારી કઈ પ્રોડકટ્સ કે કઈ સર્વિસ ખરીદે છે અને એવું શું છે જે વેચવા માટે મારે ખરેખર પ્રયાસ કરવો પડે છે?

પહેલી દષ્ટિએ સરળ દેખાતા પણ વાસ્તવમાં ઊંડા એવા આ પ્રશ્નો પ્રસ્તુત પુસ્તકનો નાનકડો અંશ માત્ર છે. જો એણે તમને એવી બાબતો વિશે વિચારવા પ્રેર્યા હોય જેની તમે જાણેઅજાણે અવગણના કરી છે, તો કલ્પના કરો કે આખેઆખું પુસ્તક તમને કેટલું બધું ‘ફૂડ ફોર થોટ’ પૂરું પાડશે. પુસ્તક નાના અને મધ્યમ કદના બિઝનેસમેનને ધ્યાનમાં રાખીને લખાયું છે. ઈન્ટરેસ્ટિંગ છે એનું ફોર્મેટ. ડોક્ટર જે રીતે દર્દીને દવા લખી આપે એમ ‘માર્કેટિંગ ડોક્ટર’ અશ્વિન મર્ચન્ટ પોતાના બિઝનેસ વધારવા માગતા વેપારીને રોજનો એક ડોઝ પ્રિસ્ક્રાઈબ કરે છે.  ૩૦ દિવસની ૩૦ સલાહો. તેમણે મુખપૃષ્ઠ પર જ સૂચના લખી છેઃ રોજ એક પ્રિસ્ક્રિપ્શન વાંચો, બિઝનેસની તંદુરસ્તી જાળવો!

૧૯૯૧થી ઉદારીકરણના પગલે દેશમાં આર્થિક સુધારાઓની શરૂઆત થઈ. હવે વિકલ્પો પાર વગરના છે. કસ્ટમરની જાગૃતિ વધી છે તેથી વેપારીઓએ કોમ્પિટિટીવ બન્યા વગર ચાલે તેમ નથી. અગાઉ લોકો માલ લેવા જાય ત્યારે MRP જોતા હતા, આજે  EMI જુએ છે. અગાઉ દુકાનદાર રોકડાનો આગ્રહ રાખતો, આજે ક્રેડિટ કાર્ડ પર વેચવા મથામણ કરી રહ્યો છે. પહેલાં લોન લેવા બેન્ક જવું પડતું, હવે ઘરબેઠા લોન મળી જાય છે. અગાઉ કસ્ટમર સર્વિસનો મતલબ ‘આફ્ટર સેલ્સ સર્વિસ’ થતો હતો. આજે ગ્રાહક ‘પ્રી-સેલ્સ’ દરમિયાન જ વેપારીને માપી લે છે. એડવર્ટાઝિંગ, એસએમએસ, ઈમેઈલ પરથી કે પછી એક્ઝિબિશન, ટ્રેડ ફેર કે રોડશો દરમિયાન કસ્ટમર ઈન્કવાયરી કરીને પ્રોડક્ટ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એસએમએસ દ્વારા ૮થી ૧૨ કલાકમાં, ઈમેઈલ દ્વારા ૨૪ કલાકમાં અને ફોન દ્વારા એ જ ક્ષણે રિસ્પોન્સ મળે તેવી અપેક્ષા કસ્ટમર રાખે છે. જો રિસ્પોન્સ મળવામાં આના કરતાં વધારે સમય નીકળી જાય તો એ નારાજ થઈ જશે!

જમાનો ‘કસ્ટમર ડિલાઈટ’નો છે એમ કહીને લેખક ઉમેરે છે કે  ક્સ્ટમરને માત્ર સંતુષ્ટ કરવાથી નહીં વળે, કસ્ટમર ખુશખુશાલ થઈ જવો જોઈએ. કસ્ટમરને એવું કશુંક આપો જે એણે વિચાર્યું પણ ન હોય  ખરીદતા પહેલાં અને ખરીદતી વખતે. હોટલની રૂમમાં પ્રવેશતાં જ કસ્ટમરને વેલકમ કાર્ડ, કૂકીઝ અને વાઈનની ફ્રી બોટલ મળે તો? રિસોર્ટમાંથી ચેકઆઉટ કરતી વખતે એને ગિફ્ટ વાઉચર કે ચોકલેટનું બોક્સ મળે તો? કાર સર્વિસ પછી ડિલીવરી સમયે કારપરફ્યુમની બોટલ યા તો વધારાના ત્રણ મહિનાની ફ્રી સર્વિસ મળે તો? કસ્ટમર આમેય તમારી પ્રોડક્ટ કે સર્વિસથી સંતુષ્ટ થઈને ૧૦૦માંથી ૮૦થી ૯૦ માર્ક્સ આપવાનો હતો, પણ જો આવું કશુંક અણધાર્યું ઓફર થાય તો એ તમને સોમાંથી સો કે ઈવન સોમાંથી ૧૧૦ માર્ક આપે કે નહીં! કસ્ટમર ડિલાઈટ એટલે આ જ!

આ ત્રણ 'C'  સતત રંગ બદલતા રહે છે - કસ્ટમર, કોમ્પિટિશન અને ચેન્જ. કસ્ટમરના મનમાં રહો, કોમ્પિટિશન ધ્યાનમાં રાખો અને ચેન્જ એટલે કે પરિવર્તનને હંમેશા સ્વીકારો.  સાહસિક અને સફળ વેપારી બિઝનેસ કરતી વખતે જાણેઅજાણે આ ચાર ‘P’નો ઉપયોગ કરતા આવ્યા છે - પ્રોડક્ટ, પ્રાઈઝ, પ્લેસ અને પ્રમોશન. પણ આજે માત્ર આટલા ‘P’થી કામ નહીં ચાલે એમ કહીને લેખકે સફળ બિઝનેસમેન બનવા માટે જરૂરી એવા વધારાના તેર  ‘P’નું લિસ્ટ આપ્યું છેઃ પેકેજિંગ, પીપલ, પર્સનાલિટી, પર્ક્સ, પ્લાનિંગ, પેમેન્ટ, પ્રોફિટ, પ્રાઈઝ, પ્રોફેશનલિઝમ, પર્ફોર્મન્સ, પ્રોડક્ટિવિટી, પ્રેસ્ટિજ અને પોઝિશનિંગ!

સમય સાથે કદમ મિલાવ્યા વગર ચાલે તેમ નથી. કહે છે ને કે ઈફ યુ આર નોટ ઓન નેટ, યુ આર નોટ ઈન બિઝનેસ! બિઝનેસ આગળ ધપાવવા ઈન્ટરનેટનો ઉપયોગ અનિવાર્ય છે અને ઈમાર્કેટિંગના ઘણા ફાયદા છે તે સાચું, પણ કોઈપણ વ્યક્તિને એની ઈચ્છા કે મંજૂરી વગર મોકલાવેલો ઈમેઈલ કે મેસેજ નેગેટિવ ઈમેજ ઊભી કરે છે. લેખક ટેલિમાર્કેટિંગ વિશે લખે છે, ‘ કસ્ટમરને ગમે તે સમયે ફોન ન કરી શકાય. હકારાત્મક રિસ્પોન્સ હોય તો જ માર્કેર્ટંિગ શરૂ કરવું. કસ્ટમર ના પડે તો એનું નામ લિસ્ટમાંથી કાઢી નાખવું.  ‘ડુ-નોટ-કોલ’ લિસ્ટ કાયદેસર છે.’

આ પુસ્તકની મજા એ છે કે એક તો તે વાંચવામાં અને સમજવામાં ખૂબ સરળ છે. બીજું, તેમાં કહેવાયેલી વાતો  અવ્યવહારુ નહીં, પણ પ્રેક્ટિકલ અને ચોટડુક છે. પુસ્તકમાં લેખકના માર્કેટિંગ કન્સલ્ટન્ટ તરીકેના વર્ષોના  અનુભવનો નિચોડ છે. અશ્વિન મર્ચન્ટ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘ગુજરાતી વેપારીઓ સાહસિક તો છે જ, પણ તેમને આગળ વધવા માટે માત્ર પ્રોફેશનલ ઈનપુટ્સ જોઈતા હોય છે. ઈનોવેશન (કશુંક નવું કરવું) અને માર્કેટિંગ આ બે જ ટૂલ્સ એવા છે, જેના થકી વેપારીની આવક વધે છે. માર્કેટિંગ અને એડવર્ટાઈઝિંગ બન્ને જુદી વસ્તુઓ છે તે ખાસ સમજવું જોઈએ. આજે SME એટલે કે સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ માટે સરકારની કેટલીય સ્કીમ્સ છે, જેના વિશે વેપારીઓને જાણકારી જ નથી. ખાસ કરીને મેન્યુફેક્ટરિંગ સેક્ટરના વેપારીઓએ લોન, એક્સપોર્ટ્સ વગેરે સંબંધિત ગવર્મેન્ટ સ્કીમ્સનો લાભ લેવો જોઈએ.’

પુસ્તકનો ગંભીર માઈનસ પોઈન્ટ કોઈ હોય તો તે એની ભાષાકીય અશુદ્ધિ. પુસ્તકનું મોટાભાગનું લખાણ જાણે લેખકે સેમિનારમાં આપેલા વકતવ્યોને કાગળમાં ઉતારીને પુસ્તકના પાનાં પર ઢાળી દીધું હોય તે પ્રકારનંું છે. બોલાતી ભાષા એક બાબત છે અને લખાતી ભાષા તદ્દન જુદી બાબત છે. વાત કાગળ પર ઉતરીને છપાવાની હોય ત્યારે એની શિસ્ત અલગ હોય અને તે નિષ્ઠાપૂર્વક જાળવવી જ પડે. અહીં ખામીભરી વાક્યરચનાઓ, સંધાન વગરના લટકતા શબ્દો, ખોટા ભાષાપ્રયોગો વગેરેને કારણે સ્વાદિષ્ટ થાળીમાં સતત કાંકરા આવતા હોય તેવો અનુભવ થતો રહે છે. અલબત્ત, લેખકને જે કહેવું છે તે વાચક સુધી ચોક્કસ પહોંચે છે, પણ એટલું પૂરતું નથી. હવે પછીની આવૃત્તિ બહાર પાડતાં પહેલાં આખા પુસ્તકનું પાક્કું એડિટિંગ થઈ જશે તેવું પ્રોમીસ લેખક અને પ્રકાશક બન્ને પાસેથી લઈ લઈશું? (૩૦ માર્કેટિંગ પ્રિસ્ક્રિપ્શન્સ
 
લેખકઃ અશ્વિન મર્ચન્ટ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર,
અશોક પ્રકાશન મંદિર, પહેલે માળે, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧
અને
૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ- ૪૦૦૦૦૨

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩

કિંમતઃ રૂ. ૧૦૦/

 કુલ પૃષ્ઠ સંખ્યાઃ ૧૧૪)
Thursday, February 10, 2011

કૃષ્ણત્વનું મેનેજમેન્ટ

ચિત્રલેખા - તારીખ 21 ફેબ્રુઆરી 2011


સ્લગઃ
વાંચવા જેવું


શોએ ‘કૃષ્ણ સ્મૃતિ’ નામનાં દળદાર પુસ્તકમાં કહ્યું છેઃ ‘જીવનમાં કશાયથી ભાગવાનું નથી અને જીવનમાં કશાયને છોડવાનું નથી. જીવનનો પૂર્ણ સ્વીકાર કરીને જીવવાનું છે. આ જાગૃતિની સાથે ક્રમશઃ  ભવિષ્યમાં કૃષ્ણની સાર્થકતા વધતી જવાની. વર્તમાન આપણને સતત એ ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યું છે જેમાં કૃષ્ણની છબી વધુને વધુ નિખરતી જશે.’

... અને એટલે જ કૃષ્ણ સાથે આજનો યુવાન શક્ય તેટલી વધારે નિકટતા કેળવે તે ઈચ્છનીય છે. ડો. મનીષા મનીષે સંપાદિત કરેલાં ગુણવંત શાહનાં પુસ્તક ‘કૃષ્ણં શરણં ગચ્છામિ’નો આ જ એટિટ્યુડ છે. ગુણવંત શાહ રચિત ‘કૃષ્ણનું જીવનસંગીત’ અને ‘સંભવામિ યુગયુગે’ જેવાં પુસ્તકો ઓલરેડી ખૂબ વખણાઈ ચૂક્યાં છે. પ્રસ્તુત પુસ્તકને તમે આ  શૃંખલાની એનર્જેટિક કડી કહી શકો. પુસ્તકના પહેલા ભાગમાં છેલ્લાં ૨૦ - ૩૦ વર્ષોમાં લખાયેલા કૃષ્ણલેખો છે, બીજા હિસ્સામાં સંપાદિકા સાથે થયેલી સંવર્ધિત પ્રશ્નોત્તરી છે અને અંતિમ ભાગમાં પદ્યમય ગદ્યખંડો છે.

લેખક કહે છે, ‘જેમ જેમ માણસ યંત્રવત થતો જાય છે, તેમ તેમ એની જાત સાથેની મૈત્રી ઘટતી જાય છે. સહજ હોવું એટલે કૃષ્ણની સમીપે હોવું. કૃષ્ણની સમીપે હોઈએ ત્યારે દોષ ટકી જ ન શકે. સહજ હોવું એટલે માંહ્યલાના કહ્યામાં હોવું.’

આજના જમાનાના મહારોગ એવા ડિપ્રેશનનું એક મોટું કારણ માણસ માંહ્યલાના કહ્યામાં રહી શકતો નથી,  એ હશે? ગુણવંત શાહ કહે છે, ‘ડિપ્રેશન આખરે શું છે? એ સ્વ-ધર્મ ભૂલેલા, સ્વ-રૂપનું ભાન ગુમાવી બેઠેલા અને સ્વ-ભાવથી ભિન્ન એવા વ્યવહારભાવને ધારણ કરનારા નગરમાનવનો વિષાદ છે અને એ વિષાદનું કુળ અને મૂળ ‘અર્જુનવિષાદયોગ’ છે... ડિપ્રેશનને વેડફી મારવામાં ડહાપણ નથી. વિસ્મયની માફક જ વિષાદ પણ તત્ત્વજ્ઞાનની જન્મભૂમિ બની શકે છે.’

લેખક  તો ત્યાં સુધી કહે છે કે હૃદય લગભગ વલોણું બની જાય એવો ઘેરો વિષાદ જીવનમાં પ્રત્યેક માનવીને મળવો જ જોઈએ. તેઓ ઉમેરે છેઃ ‘લાગણીઓનું ઘમ્મર વલોણું પણ એક આધ્યાત્મિક ઘટના છે. જીવનગીતા કદી વિષાદયોગ વગર જામતી નથી. વિષાદ માટે પ્રયત્ન કરવો પડતો નથી. જીવનમાં ગમે ત્યારે ત્રણ દુર્ઘટનાઓ ગમે તે દિશામાંથી આવી પડે છેઃ (૧) સ્વજન કે પ્રિયજનનું અણધાર્યું મૃત્યુ, (૨) અત્યંત પ્રિય પાત્ર તરફથી થયેલી દગાબાજી, (૩) કોઈ ભયંકર રોગ ઓચિંતો પેધો પડે.’

કૃષ્ણ શબ્દ ‘કૃષ્’ ધાતુ પરથી આવ્યો છે. ‘કૃષ્’ એટલે વશ કરવું, જીતી લેવું, આકર્ષવું. જે સૌને આકર્ષે છે તે કૃષ્ણ છે. એક જગ્યાએ ગુણવંત શાહ કહે છે, ‘ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ મળીને જીવનયોગનું જે સૌંદર્ય પ્રગટ થાય, તેમાં કૃષ્ણની મૌલિક જીવનમીમાંસાનો સાર આવી જાય છે. કૃષ્ણની ખૂબીને સમજવા માટે આજની મેનેજમેન્ટની પરિભાષામાં પ્રયોજાતો ‘સીનર્જી’ શબ્દ બરાબર સમજી લેવો પડશે. સાદી ભાષામાં સીનર્જી એટલે બે વત્તા બે બરાબર પાંચ. આવો જાદુ શી રીતે શક્ય બને? જવાબ છેઃ ‘સીનર્જી’. જ્ઞાન, કર્મ અને ભક્તિ વચ્ચે પણ સિનર્જેટિક રિલેશનશિપ રહેલી છે.’

ભક્તિની બે રૂપાળી વ્યાખ્યાઓ આ પુસ્તકમાંથી જડી આવે છે  ‘પરિણામનો સહજ સ્વીકાર એ જ ભક્તિ’ અને  ‘ભક્તિ એટલે ઈમોશનલ ઈન્ટેલિજન્સ’!  કૃષ્ણને ગુણવંત શાહ ‘વિશ્વના આદ્ય મેનેજમેન્ટ ગુરુ’નું બિરુદ આપે છે. સંપાદિકા ડો. મનીષા મનીષ તેમનાં પુત્રી થાય. તેઓ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મારી અને ભાઈની વચ્ચે એક કોમન લિન્ક છે  ફિલોસોફી. (પપ્પાને હું ‘ભાઈ’ કહીને સંબોધું છું.) એકવાર મારે પિયર ગઈ હતી ત્યારે મારા હાથમાં બાએ કાળજીપૂર્વક સાચવી રાખેલી ફાઈલો આવી, જેમાં ભાઈના જૂના લેખોનાં કટિંગ્સ હતાં.  શરૂઆતમાં તો હું તેને સ્કેન કરીને ઈફોર્મ આપવા માગતી હતી, પણ જેમ જેમ લખાણ વાંચતી ગઈ અને મારી રીતે નોંધ કરતી ગઈ તેમ તેમ સ્પષ્ટ થવા લાગ્યું કે આમાંથી કૃષ્ણ વિશેનું હજુય વધુ એક પુસ્તક સર્જાઈ શકે તેમ છે.  મનમાં નવા સવાલો પણ જાગી રહ્યા હતા. હિંચકામંથન કરતાં કરતાં હું ભાઈને કૃષ્ણ વિશે સવાલો પૂછતી જાઉં અને તેઓ મને ઉત્તર આપતા જાય.’

સંપાદિકા લેખકને પૂછી શકે છે કે વિયોગિની રાધા સાથે દગો થયો એમ નથી લાગતું? અથવા તો, ‘આર્ગ્યુમેન્ટેટિવ ઈન્ડિયન’ એવો અર્જુન જો કૃષ્ણનો સખા હતો તો એ કૃષ્ણને શરણે કેમ ગયો? શું એક મિત્ર બીજા મિત્રને શરણે જાય ખરો?  કે પછી, ક્રિકેટક્ષેત્ર અને કુરુક્ષેત્ર વચ્ચે શો સંબંધ?

ખરેખર તો સંપાદિકા લોજિક અને રિઝનિંગથી જ રિઝાઈ શકતી નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. એમની પ્રશ્નોત્તરીવાળો વિભાગ પુસ્તકનો સૌથી જીવંત હિસ્સો બની શક્યો છે.  બાકી આજનો યુવાન ભગવદ્ગીતા શા માટે વાંચે એવા સવાલનો લેખકને એક જ જવાબ જડે છે અને તે એ કે, ‘પોતાના જીવનની સમસ્યાઓનો ઉકેલ જો ગીતામાંથી મળી શકે તો જ તેઓ એને વાંચવા વારંવાર તૈયાર થાય. મને તો લાગે છે કે આ જ કારણસર, માત્ર આ જ કારણસર હું આ ગ્રંથ વાંચવાની તસ્દી લઉં છું. આપણે કૃષ્ણને રાજી કરવા માટે ગીતાનો અભ્યાસ નથી કરવાનો, પણ આપણા જીવનમાં પ્રસન્નતા પાંગરતી રહે તે માટે કરવાનો છે.’

આ પુસ્તકનું એકેએક પાનું, એકેએક ફકરો ક્વોટેબલ ક્વોટ્સથી માલામાલ છે. તેમાંથી શું ટાંકવું ને કેટલું ટાંકવું! ગુણવંત શાહના મૌલિક ચિંતનમાં પારદર્શિતા છે અને અભિવ્યક્તિમાં હળવાશ છે. મંચ પર બિરાજમાન થઈને ઉપદેશ ફટકારતા ભારેખમ મનુષ્યપ્રાણીની મુદ્રાથી તેઓ જોજનો દૂર રહે છે. તેમની લોકપ્રિયતાનું આ એક મોટું કારણ છે.

જહેમતપૂર્વક તૈયાર થયેલી કૃષ્ણ-વકતવ્યોની સીડી સાથેનું ‘કૃષ્ણં શરણં ગચ્છામિ’ પુસ્તક જેટલું સમૃદ્ધ છે એટલું જ સ્માર્ટ  છે અને ગીતા સુધી પહોંચવાના માર્ગ પર મજબૂત હમસફર પૂૂરવાર થાય એવું છે. કૃષ્ણના ભક્તો જ નહીં બલકે કૃષ્ણ વિશે ઉત્સુકતા ધરાવતા તમામ વયના ભાવકો માટે તે ઉત્તમ વાંચન બની રહે છે.( કૃષ્ણં શરણં ગચ્છામિ

લેખકઃ ગુણવંત શાહ

સંપાદિકાઃ   ડો. મનીષા મનીષ

પ્રકાશકઃ આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

‘દ્વારકેશ’, રોયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-૧.

પ્રિન્સેસ સ્ટ્રીટ, કેશવબાગ, મુંબઈ-૧. 

ફોનઃ (૦૭૯) ૨૫૫૦૬૫૭૨, (૦૨૨) ૨૨૦૧૩૪૪૧

કિંમતઃ રૂ. ૩૯૯/ (સીડી સાથે)

પૃષ્ઠ સંખ્યાઃ ૩૯૬ )


Monday, February 7, 2011

અભી ના જાઓ છોડકર..

 દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  તા. ૬ ફેબ્રુઆરી ૨૦૧૧ માં પ્રકાશિત

કોલમઃ મલ્ટિપ્લેક્સ

.
ક્યુટ અને માસૂમ ચહેરાવાળી વીતેલા જમાનાની એક્ટ્રેસ સાધના આજકાલ મુંબઈમાં કઈ રીતે એકાકી જીવન ગાળે છે? ૮૭ વર્ષનો નાયક દેવ આનંદ. ૬૨ વર્ષનો ઈતિહાસ ધરાવતું બેનર  નવકેતન ફિલ્મ્સ. ૫૦ વર્ષ જૂની ફિલ્મ ‘હમ દોનો’. નવકેતનની આ અંતિમ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ છે, જે આ અઠવાડિયે કલરમાં રી-રિલીઝ થઈ. વીતેલા જમાનાની ક્લાસિક ફિલ્મો નવા સ્વરૂપે નવી પેઢી સામે પેશ થાય અને તે બહાને તેની ચર્ચા થતી રહે તે મજાની વાત છે. જયદેવે કંપોઝ કેટલાં અદભુત ગીતો આ ફિલ્મમાં છે લતા મંગેશકરનાં સર્વશ્રેષ્ઠ ગીતોની સૂચિમાં હંમેશાં સ્થાન પામતું ‘અલ્લાહ તેરો નામ’, મોહમ્મદ રફીઆશા ભોંસલેનું સુપર રોમેન્ટિક ‘અભી ના જાઓ છોડકર’ અને અલ્લડ અલગારીપણાનો ભાવ મસ્ત રીતે પેશ કરતું મોહમ્મદ રફીનું ‘મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા...’ (નોંધઃ ‘દિવ્ય ભાસ્કર’માં છપાયેલા લેખમાં ‘મૈં જિંદગી કા સાથ નિભાતા...’ ગીત કિશોર કુમારે ગાયું છે એ રીતે નોંધાયું છે. આ ભૂલ બદલ સોરી અને તેના તરફ ધ્યાન દોરનાર તમામ વાચકોને થેન્કયુ.)

ખેર, આજે વાત કરવી છે ‘હમ દોનો’ની ખૂબસૂરત હિરોઈન સાધનાની. સાધનાનું નામ વિખ્યાત બંગાળી અભિનેત્રી સાધના બોઝ પરથી પાડવામાં આવ્યું છે.  તેના નામનો સ્પેલિંગ પહોળા બંગાળી ઉચ્ચાર પ્રમાણે ‘સાધોના’ (એસ-એ-ડી-એચ-ઓ-એન-એ) કરવામાં આવતો હતો, પણ પછી તે હિન્દી ફિલ્મલાઈનમાં આવી એટલે ‘સાધોના’નું ‘સાધના’ થઈ ગયું. (ખરેખર તો વયસ્ક વ્યક્તિને તુંકારે બોલાવવામાં અવિવેક ગણાય, પણ આપણે લાડકા ફિલ્મસ્ટારોના મામલામાં આદરપૂર્વક આવી છૂટ લેતા હોઈએ છીએ. ‘માધુરી દીક્ષિત ફિલ્મફેર અવોર્ડ્ઝ ફંકશનમાં સ્ટેજ પર નાચ્યાં’ એવું બોલીએ કે સાંભળીએ તો કેવું વિચિત્ર લાગે! એની વે.) 

સાધનાનો જન્મ કરાંચીમાં થયો. દેશના ભાગલા પડ્યા ત્યારે તેનો પરિવાર હિજરત કરીને આખરે મુંબઈમાં સેટલ થયો. સાધના જયહિંદ કોલેજમાં ભણતી હતી ત્યારે કોઈ પ્રોડ્યુસરે તેને હિરોઈન તરીકે લઈને ‘અબાના’ (૧૯૫૮) નામની સિંધી ફિલ્મ બનાવી. ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારે ‘સ્ક્રીન’ સામયિકમાં સાધનાની તસવીર છપાઈ. પ્રોડ્યુસર એસ. મુખર્જીનું તેના પર ધ્યાન ગયું અને ફિલ્માલય સ્ટુડિયોએ સાધનાને સાઈન કરી લીધી. સાધનાને એક્ટિંગના ક્લાસમાં દાખલ કરવામાં આવી અને પછી તેની પહેલી હિન્દી ફિલ્મ આવી  ‘લવ ઈન શિમલા’. બસ, સાધના કી ગાડી ચલ પડી.

સાધનાનું સૌથી મોટું ‘પ્રદાન’ હોય તો તે છે સાધના-કટ હેરસ્ટાઈલ. કપાળ પર પથરાયેલા વણાંકદાર વાળની લટોને આપણે આજે પણ સાધના-કટ તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે આવી આ હેરસ્ટાઈલ? બન્યું એવું કે હજુ નવા નવા શરૂ થયેલા ફિલ્માલય સ્ટુડિયોમાં એકવાર નવો કેમેરા આવ્યો. કોઈ કહે, ‘અચ્છા, નયા કેમેરા લિયા, ચલો ટેસ્ટ લેતે હૈ. વો રહી સાધના. ચલો ઉસકા ટેસ્ટ લો. પણ એનું કપાળ બહુ પહોળું છે. એમ કરો, એને વિગ પહેરાવી દો અને કેમેરા સામે ઊભી કરી દો.’ સાધનાને ‘લવ ઈન શિમલા’માં ડિરેક્ટ કરનાર આર. કે. નૈયર કહે, ‘નહીં, સાધનાને વિગ કે હેરપેચ નથી લગાડવો. મારે એને ફેશનેબલ લૂક આપવો છે.’
RK Nayyar, OP Nayyar and Mohammad Rafi

આર. કે. નૈયર એને કેમ્પસ કોર્નરમાં એક ચાઈનીઝ હેરડ્રેસર પાસે લઈ ગયા. નૈયરને હોલીવૂડ એક્ટ્રેસ ઓડ્રી હેપબર્ન બહુ ગમતી. ઓડ્રી હેપબર્ન એ વખતે કપાળ પર વણાંકદાર લટો રાખતી. આથી સાધનાના વાળ પણ એ રીતે કાપવામાં આવ્યા અને  આ રીતે ફેમસ સાધનાકટનો જન્મ થયો!

ટાઈટ ચુડીદાર-કૂરતા અને નીચે મોજડી પહેરવાની ફેશન પણ સાધનાએ ઈન્ટ્રોડ્યુસ કરી હતી. ‘વક્ત’ (૧૯૬૪) ફિલ્મમાં સાધનાનો કેવો લૂક આપવો તે વિશે યશ ચોપડા વિચારી રહ્યા હતા ત્યારે સાધનાએ સૂચન કર્યુંઃ સર, હું સલવાર અને સ્લીવલેસ કૂરતું પહેરું તો? યશ ચોપડા કહેઃ નહીં નહીં, યે તો મુસ્લિમ લૂક હો જાયેગા. સાધના ફેશન ડિઝાઈનર ભાનુ અથૈયાને મળી. બન્નેએ ચર્ચા કરી અને આખરે ભાનુ અથૈયાએ એક ડ્રેસ તૈયાર કર્યો  - સિલ્કનું વ્હાઈટ કૂર્તું, એમાં ગોલ્ડ એમ્બ્રોડરી અને ચુડીદાર. યશ ચોપડાએ ખુશ થઈને આ પોશાક  અપ્રુવ કર્યો. ‘વક્ત’ હિટ થઈ અને સાધનાએ પહેરેલાં ટાઈટ ચુડીદાર-કૂરતા-મોજડીનો જોરદાર ક્રેઝ પેદા થઈ ગયો. 

સાધના બહુ જ ક્યુટ અને માસૂમ દેખાતી. અભિનય પણ સારો કરતી. ભાગ્યે જ મિડીયા સામે આવતી સાધના એક તાજા અને રેર ઈન્ટરવ્યુમાં કહે છેઃ ‘મારા જમાનામાં ત્રણ હિરોઈનોનાં નામ સાથે લેવાતાં  સાયરા બાનુ, આશા પારેખ અને હું. સાયરા બ્યુટીફુલ એક્ટ્રેસ ગણાતી, આશા પારેખ સારી ડાન્સર કહેવાતી અને હું સારી અભિનેત્રી ગણાતી.’

સાધનાએ આર. કે. નૈયર સાથે લગ્ન કર્યાં હતાં અને તે પછી ‘એક ફુલ દો માલી’, ‘ ઈન્તકામ’ અને ‘ગીતા મેરા નામ’ જેવી હિટ ફિલ્મો આપી. થાઈરોઈડની સમસ્યાની લીધે સાધનાનો સુંદર ચહેરો કુરૂપ થતો ગયો અને તેની કરીઅર ટૂંકાઈ ગઈ. ૧૯૭૮માં રિલીઝ થયેલી ‘મહેફિલ’ તેની અંતિમ ફિલ્મ બની રહી. નૈયરના નિધન પછી સાધના મુંબઈમાં એકલાં રહે છે અને મોજથી સમય વિતાવે છે. એ કહે છે, ‘જુઓને, હું સવારે સાડા નવે આરામથી ઉઠું,  છાપાં વાચંુ, ફ્રેશ થાઉં. આગલી સાંજે કોઈ સિરિયલ મિસ થઈ ગઈ હોય તો બીજે દિવસે એનું રિપીટ ટેલિકાસ્ટ યાદ રાખીને જોઈ લઉં! અઠવાડિયે ત્રણેક વખત લંચ પછી ઓટર્સ ક્લબ જાઉં અને પત્તા રમું. વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન સાથે મારાં સારાં બહેનપણાં છે. અમે ક્યારેક સાથે લંચ પર જઈએ, ફિલ્મ જોવા જઈએ. સાંજે ફ્રેન્ડ્ઝ સાથે શોપિંગ કરવા ઉપડી જાઉં. ફિલ્મી ફંકશન્સમાં કે ડિનર પાર્ટીઓમાં જવાનું જોકે મને ગમતું નથી. હું વર્ષોથી રિટાયર્ડ છું પણ મારું જીવન ભર્યુંભર્યું છે. ટચવૂડ! સંતાન હોત તો સારું થાત, પણ સંતાન નથી તો એનું દુખ પણ નથી. મારું બાળપણ સરસ ગયું, સમજદાર વર મળ્યો, કરીઅર સરસ રહી, નામ-દામ-સન્માન બધું જ મળ્યું... આનાથી વધારે બીજું શું જોઈએ?’

સેલિબ્રિટી રહી ચૂકેલી વ્યક્તિ બુઢાપામાં સાવ એકાકી હોય છતાંય એ સંતુલિત રહી શકી હોય અને તેનો જીવનરસ સૂકાયો ન હોય તે નાનીસૂની વાત નથી!

શો સ્ટોપર

મારો નાનો ભાઈ (વિજય આનંદ) દિલીપ કુમાર, રાજ કપૂર અને મને એકસાથે લઈને ફિલ્મ બનાવવા માગતો હતો. એણે સ્ક્રિપ્ટ પણ તૈયાર કરી હતી, પણ દિલીપ અને રાજ કેમેય કરીને કન્વિન્સ ન થયા. આખરે આ ફિલ્મ બનાવવાનો આઈડિયા જ પડતો મૂકાયો. 


-  દેવ આનંદ


Wednesday, February 2, 2011

ધારો કેઆપણું મિડીયા...

‘અહા! જિંદગી’ અંક ફેબ્રુઆરી ૨૦૧૧માં પ્રકાશિત


કોલમ ઃ ફલક


મિડીયા બરાબર જાણતું હોય છે કે અમુક નઠારા તત્ત્વોની ગાડી કઈ દિશામાં આગળ વધી રહી છે. તો પછી આ બધાને શા માટે અન્ડરપ્લે ન કરી શકાય? આ જમાતને બિનજરૂરી મહત્ત્વ ન આપીને મોટા ભા બનતા અટકાવવાનું શું ખરેખર એટલું બધું અઘરું છે?તમે જાણો છો કે આ કદીય સાકાર થવાનું નથી, છતાંય થોડી વાર પૂરતી એક કલ્પના કરી જુઓ. ધારો કે દુનિયાભરનું પ્રિન્ટ અને ટેલિવિઝન મિડીયા સંપી જાય છે અને એક વાતની ગાંઠ વાળે છેઃ અમે બનાવોને અને વ્યક્તિઓને એના ખરેખરાં મૂલ્ય જેટલું જ મહત્ત્વ આપીશું. અમે નઠારા માણસોની અને ઘટનાઓની બુદ્ધિપૂર્વક અવગણના કરીશું. અમે નેગેટિવ તત્ત્વો વિશે છાપછાપ કરીને કે દેખાડદેખાડ કરીને તેને ગ્લેમરાઈઝ પણ નહીં કરીએ કે તેનો પ્રચાર પણ નહીં કરીએ.તમે કહેશો કે આ તો શેખચલ્લી જેવી વાત થઈ. ખરું છે. આ ખરેખર યુટોપિઅન કલ્પના જ છે. મિડીયા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા બન્ને બચ્ચાં જેવાં છે. નાનું બાળક એકનાં એક રમકડાંથી કંટાળી જાય છે. તેને હંમેશાં કશુંક નવું નવું જોઈતું હોય છે. મિડીયાનું પણ એવું જ છે. એનેય ‘રમવા’ માટે સતત ચટાકાની, સનસનીની અને નવા ચહેરાની જરૂર પડે છે. ચહેરો જેટલો વધારે વાયડો અને ‘ઘટનાપ્રચુર’ હશે એટલો મિડીયાને એમાં વધારે રસ પડશે.એક ઉદાહરણ લો. થોડા મહિનાઓ પહેલાં શિવસેનાએ આદત મુજબ રાડ પાડીઃ બૂકર પ્રાઈઝ માટે નોમિનેટ થઈ ચૂકેલા લેખક રોહિંગ્ટન મિસ્ત્રીનાં ‘સચ અ લોંગ જર્ની’ પુસ્તકને મુંબઈ યુનિવર્સિટીના સિલેબસમાંથી દૂર કરો. શા માટે? તેમાં શિવસેના વિશે માટે ઘસાતું લખવામાં આવ્યું છે, એટલે. બસ, થઈ ગયો વિવાદ. વાઈસ ચાન્સેલરે પ્રેશરમાં આવીને પુસ્તક પાછું ખેંચી લીધું, પુસ્તક સેલેબસમાંથી જ નહીં, પુસ્તકોની દુકાનમાંથી પણ ગાયબ થઈ ગયું. આ આખા હોબાળાના કેન્દ્રમાં એક એવી વ્યક્તિ હતી જેની અટક તો જૂની હતી, પણ નામ નવું હતું. આદિત્ય ઠાકરે. વીસેક વર્ષનો, લબરમૂછિયો યુવાન. એકવડિયો બાંધો, આંખે ચશ્માં, મામૂલી દેખાવ. શિવસેનાના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ ઉદ્ધવ ઠાકરેનો એ સુપુત્ર અને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનો પૌત્ર. મિડીયા માટે આ નવો ચહેરો હતો.‘સચ અ લોંગ જર્ની’ના વિવાદને લીધે મિડીયામાં હજુ આદિત્ય.. આદિત્ય થવાનું બંધ થાય તે પહેલાં શિવસેનાની વાર્ષિક રેલી યોજાઈ. પરફેક્ટ સેટિંગ હતું. ટકોરાબંધ ટાઈમિંગ હતું. રેલીમાં બ્રાન્ડન્યુ યુવાસેના ઊભી કરવામાં આવી તેના પ્રેસિડેન્ટ તરીકે આદિત્યને બેસાડી દેવામાં આવ્યો. આ પદ માટે આદિત્યની લાયકાત શી? એ ઠાકરે પરિવારમાં પેદા થયો છે, એટલી જ. બીજે દિવસે દેશભરમાં અખબારોમાં એક તસવીર છપાઈ. જોઈને એકાદ ક્ષણ સ્થિર થઈ જવાય એવી, નેગેટિવિટીની અપ્રિય લહેરખી પેદા કરી દે તેવી એક તસવીર. આદિત્ય કોઈ યોદ્ધાની જેમ ધારદાર, ચમકતી તલવાર ઉગામીને ઊભો છે. એવી અસર પેદા થાય છે કે જાણે કોઈ પાટવી કુંવરનો રાજ્યાભિષેક થઈ રહ્યો હોય. આદિત્યના ચહેરા પરના અર્ધસ્મિતમાં વ્યંગાત્મક ગર્વ છલકાય છે. પાછળ લાલચટ્ટાક બેકગ્રાઉન્ડમાં ત્રાડ પાડતાં વાઘનું ચિતરેલું મોઢું અને આગળ સ્ટેજ પર ચડી ગયેલા શિવસેનાના નેતાઓના હસતા ચહેરાઓની કતાર દેખાય છે. આ તસવીરે મહારાષ્ટ્રને અને ખાસ કરીને મુંબઈગરાઓને ચોખ્ખો સંદેશો આપી દીધોઃ શિવસેનાની ત્રીજી પેઢી તૈયાર થઈ ગઈ છે, આદિત્ય ઠાકરે નામનો આ છોકરડો ‘શિવસેનાનું ભવિષ્ય’ છે... સાવધાન!શિવસેનાની આ સભા અને આદિત્યનું યુવાસેનાના ઓફિશીયલ લીડર તરીકે નિમાવું એક ‘વેલિડ ન્યુઝ’ ગણાય. મિડીયાએ તેને ઠીક ઠીક કવરેજ આપ્યું. ઠીક છે. આદિત્યની સવારી હવે નીકળી પડી છે. થોડા અરસા પછી શિવસેનાની સ્ટુડન્ટ વિંગ, ભારતીય વિદ્યાર્થી સેના મુંબઈ યુનિવર્સિટીનું સેનેટ ઈલેકશન જીતી જાય છે. એ અલગ વાત છે કે આ ચૂંટણી જીતવા માટે શિવ સેના મહિનાઓથી ઊંધું ઘાલીને તૈયારી કરી રહી હતી. આદિત્યને ‘મહારાષ્ટ્રના રાજકારણના ઊભરતા સિતારા’ તરીકે પ્રમોટ કરવા માટે આટલી મહેનત તો કરવી જ પડે.થોડા દિવસો પસાર થાય છે અને આ ‘ઊભરતો સિતારો’ પોતાનું કેરેક્ટર દેખાડે છે. ઓલ ઈન્ડિયા ઈન્ટર-યુનિવર્સિટી હોકી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે મુંબઈ યુનિવર્સિટીની ટીમ સિલેક્ટ થાય છે. તેમાં ખાલસા કોલેજમાં ભણતા પણ મૂળ હરિયાણાના એવા પાંચ સ્ટુડન્ટનો એની યોગ્યતાના આધારે સમાવેશ કરવામાં આવે છે. પત્યું. પચાસ જેટલા શિવ સૈનિકોનું ધાડું ધડ્ ધડ્ ધડ્ કરતું સિલેકશન કમિટી પાસે પહોંચી જાય છેઃ આપણા (એટલે કે સ્થાનિક) છોકરાઓને પડતા મૂકીને તમે ‘બહાર’ના છોકરાઓને શું કામ ટીમમાં લીધા? ઘટતું કરો નહીંતર...પાંચમાંથી ત્રણ છોકરાઓને ડ્રોપ કરવામાં આવે છે અને તેમના સ્થાને ઓછી યોગ્યતા ધરાવતા મુંબઈના મુલગાઓને લેવામાં આવે છે. બીજે દિવસે સ્થાનિક પેપરોમાં ફ્રન્ટ પેજ ન્યુઝ છપાય છેઃ ‘રોહિંગ્ટન મિસ્ત્રીની બૂક બાળ્યા પછી સેનાએ યુનિવર્સિટીની હોકી ટીમમાં ધાર્યું કરાવ્યું.’ સમાચારની સાથે આદિત્ય ઠાકરેની મોટી તસવીર છપાઈ છે. શાબાશ. આદિત્ય કી તો ભઈ નિકલ પડી. આ ઘટનાને એવી રીતે ચમકાવવામાં આવે છે કે મુંબઈગરાઓ ‘રાઈઝિંગ સ્ટાર’ની ફરી એક વાર પાકી નોંધ લે. શિવસેનાના સાહેબોને આ જ તો જોઈતું હતું.શિવસેનાની ડિકશનરીમાં કે રૂપરેખામાં કે રાજકીય ફિલોસોફીમાં સર્જનાત્મકતા જેવો કોઈ શબ્દ નથી. કન્સ્ટ્રક્ટિવ હોવું એટલે શું વળી? શિવસેના તો ડિસ્ટ્રક્ટિવ એટલે કે ખંડનાત્મક, તોડફોડનાં કામો કરી જાણે. અને આદિત્યને જે રીતે પ્રમોટ કરવામાં આવી રહ્યો છે તે પરથી સ્પષ્ટ છે કે એણે શિવસેનાના કુસંસ્કારો બરાબર અપનાવ્યા છે. ધ્યાન ખેંચવું છે? હીરો બનનું છે? નેતાવેડા કરવા છે? તો પ્રહાર કરો, સળગાવો, ધમકાવો. અને હા, આ બધાં કારનામાં ચુપચાપ ક્યારેય નહીં કરવાનાં. એના ઢોલનગારાં વાગવાં જોઈએ, હો-હા થવી જોઈએ, ભલે ગાળો ખાવી પડે પણ એની ચર્ચા થવી જોઈએ. જ્યાં સુધી છાપામાં ને ટીવી પર તમારા તસવીરો નહીં દેખાય, તમારા વિશેની ખબરો નહીં છપાય ત્યાં સુધી બધું નકામું છે. યાદ રહેે, નેગેટિવ પબ્લિસિટી ઈઝ ધ બેસ્ટ પબ્લિસિટી. મિડીયા તો રાહ જોઈને બેઠું જ છે, ફોગટમાં પબ્લિસિટી આપવા. કશું પણ સનસનાટીભર્યું બને એટલે મિડીયાને ગોળનું ગાડું મળી જાય છે. નવું રમકડું જોઈને કિલકિલાટ કરી મૂકતાં નાના છોકરાની જેમ તે ફોર્મમાં આવી જાય છે ને હુડુડુડુ કરતું સેન્સેશન પેદા કરનાર વ્યક્તિ કે વિષય તરફ સાગમટે હડી કાઢે છે.આદિત્ય ઠાકરે પોતાના નામના સ્પેલિંગમાં એક્સ્ટ્રા ‘એ’ ઉમરે તો છાપાં આવી ફાલતુ વાતની ન્યુઝ આઈટમ બનાવે છે. ચાંપલા આંકડાશાસ્ત્રી આ વિશે ફલાણુંઢીંકણું કહે છે તે મતલબના ક્વોટ પણ છાપે છે. ફેન્સી મેગેઝિનોનાં અપરિપક્વ છોકરડા-છોકરડીઓ એને લગભગ યુથ આઈકોન તરીકે ચિતરતાં ઈન્ટરવ્યુ લઈને પછી કાલાં થઈને લખે છેઃ અરરર... બિચારો આદિત્ય આટલી નાની ઉંમરે કન્ટ્રોવર્સીઝનો ભોગ બન્યો છે, એના પર છાણાં થપાય છે, પણ રાજકારણ એના લોહીમાં વસે છે એટલે આ કડવી વાસ્તવિકતાનો સામનો કરતાં તે જલદી શીખી જ જશે. અરે? શેનો ભોગ? કેવાં છાણાં? કઈ કડવી વાસ્તવિકતા?આપણે ત્યાં શેકેલો પાપડ તોડ્યા વગર સેલિબ્રિટી બનવા માટે જાણીતા પરિવારમાં જન્મ લેવો કાફી છે. વંશપરંપરાગત નેતૃત્વનું વળગણ આમજનતાને વધારે છે કે મિડીયાને તે નક્કી કરવું મુશ્કેલ છે. ગાંધીપરિવારમાં જન્મેલા રાહુલને ‘યુવરાજ’નું બિરુદ આપી ન દીધું ત્યાં સુધી મિડીયાને ચેન ન પડ્યું. વૈચારિક પક્વતા, કોઠાસૂઝ, સ્વબળમાંથી જન્મતી આભા... આ કઈ ચિડિયાનું નામ છે?રાજ ઠાકરેએ આજ સુધીમાં કરેલાં સમાજકલ્યાણનાં ફક્ત ત્રણ કાર્યો ગણાવો, ચલો. શિવસેનામાંથી અલગ થયા તે પછી તેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તો મારપીટના, બસોટ્રકો બાળવાનાં અને શહેરને બાનમાં લઈ લેવાના ઘટિયા કામો ર્ક્યા. ન્યુઝ ચેનલોએ આ બધું એટલું ચગાવ્યું કે રાજ ઠાકરેનું નામ એકદમ જ રાષ્ટ્રીય સ્તરે જાણીતું થઈ ગયું. તે વખતે ઊંચાનીચા થઈ ગયેલા ઉદ્ધવ ઠાકરે અને બાળાસાહેેબ હવે નિશ્ચિંત થઈ જાય. આદિત્યના ‘ઉદય’ને ચારેક મહિના માંડ થયા છે, પણ ટીઆરપી અને સરક્યુલેશન ભૂખ્યાં મિડીયાએ તેને બળપૂર્વક પોતાની ભ્રમણકક્ષામાં ખેંચી લીધો છે. મિડીયા હવે એને હીરો બનાવીને જ છોડશે.મિડીયા બરાબર જાણે છે કે આ નમૂનાઓની ગાડી કઈ દિશામાં આગળ વધી રહી છે. તો પછી આ જમાતને શા માટે અન્ડરપ્લે ન કરી શકાય? આ લોકોને બિનજરૂરી મહત્ત્વ ન આપીને મોટા ભા બનતા અટકાવવાનું શું ખરેખર એટલું બધું અઘરું છે? દાઉદ ઈબ્રાહિમ જેવા અંડરવર્લ્ડના આદમીઓને અને ઈવન આતંકવાદીઓને મિડીયાએ જ ગ્લેમરાઈઝ કર્યા છે. પોઝિટિવ કે નેગેટિવ પબ્લિસિટી સત્ત્વહીન રાજકારણીઓ અને અમુક કહેવાતી સેલિબ્રિટીઓ માટે પ્રાણવાયુનું કામ કરે છે. સારુંનરસું મિડીયા કવરેજ એક નિશ્ચિત જમાતને પોષે છે. જો એમના વિશે લખાતું-ચર્ચાતું-દેખાડાતું બંધ થઈ જાય તો તેઓ ઘાંઘા થઈ જશે, તેમનો પાવર ખતમ થઈ જશે. પણ શું આવું થવું શક્ય છે? ના. ખેર, માણસની કિસ્મતની શું લખાયું છે તે કોઈ જાણતું નથી પણ પોતે શું લખવું, કેટલું લખવું અને કેવી રીતે લખવું (કે દેખાડવું) એ તો મિડીયા ખુદ નક્કી કરી શકે.પણ મિડીયા એવું કરશે નહીં. છતાંય એક કલ્પના કરો. ધારો કે.... ૦૦૦Tuesday, February 1, 2011

છેલભાઈ ઈન્ટરવ્યુ : લાકડાની કાયા, લૂગડાંની માયા

હા! જિંદગી - ફેબ્રુઆરી  ૨૦૧૧માં પ્રકાશિત

લાકડાની કાયા, લૂગડાંની માયા

ગુજરાતી રંગભૂમિ પર આર્ટ ડિરેકશન ક્ષેત્રે ચારચાર દાયકા સુધી જબરદસ્ત પ્રભુત્વ જમાવી રાખનારા છેલ-પરેશમાંના છેલભાઈ આણંદજી વાયડા આ મહિને આયુષ્યનાં ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.  અહીં તેઓ પોતાનાં જીવનનાં રસપ્રદ પાનાં ખોલે છે...


મની ભૂરાશ પડતી કાળી કીકીઓમાં સામેના માણસને તરત પારખી લેતી તીક્ષ્ણતા છે. લાંબી જીવનયાત્રાની અનુભવસમૃદ્ધિ એમના વાળ અને દાઢી પર ચળકતો શ્વેત રંગ ધારણ કરીને છવાઈ ગઈ છે. એક પળે તેઓ ક્રોધે ભરાશે તો બીજી પળે મુક્ત મને ખડખડાટ હસી પડશે. એમની ઊર્જા એમના કરતાં ત્રીજા ભાગની ઉંમર ધરાવતી વ્યકિતને પણ ક્ષોભ પમાડી દે છે. ગુજરાતી રંગભૂમિ પર કલા, સન્નિવેશ કે સેટ ડિઝાઈનિંગનાં ક્ષેત્ર પર તેઓ છવાયેલા છે, દાયકાઓથી. તેમનું નામ તેમનાં કામનું સમાનાર્થી બની ગયું છે. કોઈ પણ કલાકાર કે પ્રોફેશનલ માટે આના કરતાં ઊચ્ચતર સ્થિતિ બીજી કઈ હોવાની?

છેલભાઈ વાયડા. છેલપરેશ તરીકે મશહૂર થઈ ચૂકેલી જોડીનું તેઓ અડધું અંગ.
2 ફેબ્રુઆરી 2011એ તેમણે આયુષ્યના ૭૫મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ચચ્ચાર દાયકાથી સતત કાર્યરત રહેલા છેલભાઈ તેમણે કરેલાં નાટકોના લેટેસ્ટ આંકડાનું પગેરું રાખી શક્યા નથી. અંધેરી પશ્ચિમમાં ફોર બંગલોઝસ્થિત પોતાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફ્લેટમાં વાતચીતની શરૂઆત કરતાં છેલભાઈ કહે છે, ‘આ આંકડો ૪૫૦થી ૫૦૦ની આસપાસ હોવાનો. વચ્ચે મેંે એમ જ ડિરેક્ટરોનું લિસ્ટ બનાવ્યું હતું. ૧૯૬૦ના દાયકાના હની છાયા અને કાંતિ મડિયાથી માંડીને આજે ૨૦૧૧માં વિપુલ મહેતા  સુધીની ત્રણ પેઢીના કુલ ૪૭ ડિરેક્ટરો સાથે હું કામ કરી ચૂક્યો છું.’


"હું ને મડિયા ખૂબ ઝઘડતા. હું રિસાઈ જાઉં, એ મનાવે.
મારા વગર એને ચાલે જરાય નહીં. મડિયા સારા ક્રાફ્ટમેન હતા,
જ્યારે પ્રવીણ જોશી પાસે સારું વિઝન હતું."


બહુ ઇન્ટરેસ્ટિંગ છે છેલભાઈની જીવનયાત્રા. દ્વારકાવાસી આણંદજી છેલ અને જયાકુંવરના ઘરે છેલભાઈનો જન્મ. ચાર ભાઈઓ અને ત્રણ બહેનોમાં તેઓ સાતમા ક્રમે. ‘મારાં પહેલા દસ વર્ષ દ્વારકામાં વીત્યાં. પછી અમે ભુજ આવી ગયા. મેટ્રિક પછી મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી ભુજની સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન લીધું અને પેઈન્ટિંગમાં એલિમેન્ટરી અને ઈન્ટરમીડિયેટ પછીના એડવાન્સ તબક્કા સુધીનો અભ્યાસ કર્યો. ભણતાં ભણતાં નાનાંમોટાં પેઇન્ટિંગ્સ તૈયાર કરવાં, વાહનોની નંબર પ્લેટ બનાવવી  વગેરે નાનાંમોટાં કામ પણ કરતો. તે પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)માં આસિસ્ટન્ટ ડ્રાફ્ટમેન તરીકે નોકરીએ લાગી ગયો, જ્યાં મારે નકશા બનાવવા, બિલ્ડિંગ્સના માપ લેવા વગેરે કામ કરવાનાં રહેતાં. ડ્રોઇંગનું ટેક્નિકલ નોલેજ મને આ રીતે મળ્યું,’ છેલભાઈ કહે છે.

દરમિયાન મોટા ભાઈ મુંબઈ આવી ચૂક્યા હતા. પાર્લે ઈસ્ટમાં છગનલાલ ત્રિવેદીની ચાલમાં રહેતા ભાઈએ લૉની પે્રક્ટિસ કરવાનું શરૂ કરેલું.  છેલભાઈ એકવાર તેમને ત્યાં આવ્યા. ભાઈએ કહ્યું, ચાલ તને કોઈ સાથે તારી મુલાકાત કરાવું.  ભાઈએ તેમને ડો. ડી. જી. વ્યાસ સામે ખડા કરી દીધા. છેલભાઈ કહે છે, ‘ડો. વ્યાસ આઈસર્જન હોવા ઉપરાંત સારા આર્ટ ક્રિટિક પણ હતા અને જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં તેઓ ડિરેક્ટર હતા. એમને જોઈને હું તો હેબતાઈ ગયો. ભુજની આર્ટ સ્કૂલમાં અમને મળતાં સર્ટિફિકેટ્સમાં નીચે જેની સહી રહેતી તે ડો. વ્યાસ મારી સામે ઊભા હતા! એમણે તેમની સ્ટાઈલમાં પૂછ્યુંઃ શું કરે છે છોરા તું? મારી વિગતો જાણ્યા પછી ભાઈને કહ્યુંઃ આને ક્યાં રણમાં બેસાડી રાખ્યો છે? મને કહે, બોલ, આવવું છે મુંબઈ? એમણે જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં મારું એડમિશન કરાવી આપ્યું. નોકરીમાં રાજીનામું આપીને હું ૧૯૬૦માં મુંબઈ આવી ગયો.’


Chhelbhai at Bhaidas...
 છેલભાઈને રોજના બે રૂપિયા મળતા. આટલામાંથી પચાસ પૈસાની રાઈસપ્લેટ, પચીસ પૈસાનું ચારમિનાર સિગારેટનું પાકિટ, લોકલ ટ્રેનનું ભાડું અને ડ્રોઇંગનો સામાન આ બધું કેવી રીતે મેનેજ થાય? દરમિયાન અશોક મહેતા નામના છોકરા સાથે દોસ્તી થઈ. ર્ફ્સ્ટ યરમાં તે બે વખત નાપાસ થઈ ચૂક્યો હતો.

‘અશોકને જે કામ અઘરું લાગતું તે મને રમતવાત લાગતી. હું એને ભણવામાં મદદ કરું અને બદલામાં જે. જે. સ્કૂલનાં ચાર વર્ષ દરમિયાન એપ્રનથી માંડીને ડ્રોઇંગના મટિરિયલ સુધીનું બધું જ એના તરફથી આવતું રહ્યું. એ મને ચાનાસ્તો કરાવે, જમાડે. ટૂંકમાં, અશોક તરફથી મને સીધુસામગ્રી મળતાં થઈ ગયાં! ’ છેલભાઈ હસી પડે છે.

મોટાબેનના નણદોયા કવિ સુંદરજી બેટાઈના સાઉથ ઈન્ડિયન જમાઈ મિસ્ટર જગમોહન ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ સાથે સંકળાયેલા આર્ટ ક્રિટિક હતા. તેમણે છેલભાઈને મુંબઈ યુનિવર્સિર્ટી સામે આવેલા કલાકારોના અડ્ડા જેવા કૉફી હાઉસમાં આવતાજતા કર્યા. કોફી હાઉસના માલિક એલેકઝાન્ડરને એમણે કહી દીધેલુંઃ આ છોકરાને જે જોઈતું હોય તે આપવાનું પણ એની પાસેથી પૈસા નહીં લેવાના! મિસ્ટર જગમોહન લોકોને છલભાઈનો રેફરન્સ આપે અને ચિત્રોની નકલ કરવાં જેવાં નાનાંમોટાં કામ અપાવે. આ જ અરસામાં છેલભાઈનો હની છાયા સાથે લોકલ ટ્રેનમાં આકસ્મિકપણે ભેટો થઈ ગયો. છેલભાઈએ એમને ‘મહેંદી રંગ લાગ્યો’ ફિલ્મમાં અભિનેતા રૂપે જોયા હતા. છેલભાઈ કહે છે, ‘વાતવાતમાં મેં એમને કહ્યું કે મારી મૂળ ઈચ્છા તો આર્ટ ડિરેક્ટર બનવાની છે. હની છાયાએ મને રંગભૂમિ નાટ્ય એકેડેમીની ઓપેરા હાઉસ પર આવેલી ઓફિસે આવવા કહ્યું. વિષ્ણુકુમાર વ્યાસ એકેડેમીના પ્રિન્સિપાલ હતા અને હની છાયા પ્રોફેસર. મને ફ્રીશિપમાં એડમિશન આપવામાં આવ્યું. રંગમંચનો આ મારો પહેલો સ્પર્શ.’

૧૯૬૩માં  સ્ટેટ લેવલની નાટ્યસ્પર્ધામાં એકેડેમીએ ‘ઈન્સ્પેક્ટર કૌલ’ નામનું હિન્દી નાટક ઊતાર્યું હતું. એના સેટડિઝાઈનને મોડિફાઈ કરવાનું કામ છેલભાઈને સોંપવામાં આવ્યું. નાગપુરમાં સ્પર્ધા હતી અને આ નાટકની સેટ ડિઝાઈનની ખૂબ પ્રશંસા થઈ. બેઘર થઈને અઠવાડિયું રીતસર ફૂટપાથ પર રહેવાનો પીડાદાયી તબક્કો આ જ વર્ષે આવ્યો.
‘એક વર્ષ મારા પારસી મિત્ર ફેરી નાનજીને ત્યાં રહ્યો.  બે મહિના ચર્નીરોડ વિસ્તારમાં આવેલી ગાયવાડીના એક ગોડાઉનમાં કાઢ્યા. અહીં ‘શાહજહાં’ નાટકનો સામાન પડ્યો હતો. હું એમાંથી તકિયાં અને પાથરણાં આમતેમ ગોઠવીને ખુદ શાહજહાંની જેમ રહેતો!’ છેલભાઈ પાછા હસી પડે છે.મંચ પર અમારે ત્રણ દીવાલો વડે દર્શકને ચાર દીવાલનો આભાસ કરાવવાનો
 હોય. વાત તો આખરે લૂગડાં અને લાકડાની જ છે.


૧૯૬૪માં ‘પરિણીતા’ નામનું ગુજરાતી નાટક સ્પર્ધામાં મુકાયું. ઈન્ડિપેન્ડન્ટ સેટ ડિઝાઈનર તરીકેનું આ છેલભાઈનું પહેલું નાટક. ઈન્ટરવલમાં જજ દીના પાઠકે એમના માથે હાથ મૂકીને કહ્યુંઃ ચિંતા ન કર, આના કરતાં સારી રીતે ડિઝાઈન થયેલો સેટ હવે આવવાનો નથી. આ નાટકને સેટ ડિઝાઈનિંગનું ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું. કોઈ ગુજરાતી નાટકને પહેલું ઈનામ મળ્યું હોય એવો આ પહેલો પ્રસંગ હતો.

‘હની છાયા મારા ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ બની રહ્યા. મારો ફિલ્મોમાં અને ટેલિવિઝનમાં પહેલી વાર પ્રવેશ પણ એમણે જ કરાવ્યો,’ છેલભાઈ કૃતાર્થતાપૂર્વક કહે છે.
આ જ વર્ષે દ્વારકાની કુસુમ નામની કન્યા સાથે છેલભાઈનાં લગન્ લેવાયાં. છેલભાઈએ જોકે વડીલોને સ્પષ્ટપણે જણાવી દીધુંઃ જ્યાં સુધી ઘરની બહાર મારા નામની તકતી નહીં હોય ત્યાં સુધી કુસુમને મુંબઈ નહીં તેડાવું! (એ અવસર આવ્યો છેક ૧૯૭૨માં. પાર્લા ઈસ્ટમાં ટેરેસ પરના એક આવાસમાં તેમનું સહજીવન સાચા અર્થમાં શરૂ થયું હતું.)
૧૯૬૫માં છેલભાઈનાં બે નાટકો સ્પર્ધામાં ઊતર્યાં. જોકે પ્રાઈઝ છેલભાઈના સમકાલીન આર્ટ ડિઝાઈનર વિજય કાપડિયા લઈ ગયા. અખબારોમાં છેલભાઈનું કામ વખાણતાં લખાણો પ્રગટ થવા લાગ્યાં હતાં. આ વર્ષના ઊત્તરાર્ધમાં એક નિર્ણાયક ઘટના બની. જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં વિદ્યાર્થીઓને હાઉસ ડેકોરેશનના પાઠ શીખવતા પ્રોફેસરે છેલભાઈ સામે પ્રસ્તાવ મૂક્યોઃ ચાલો, આપણે સાથે કામ કરીએ. છેલભાઈએ અચકાઈને કહ્યુંઃ સર, આપણે કઈ રીતે સાથે કામ કરી શકીએ? સરે તો એમના આસિસ્ટન્ટ બનવાની તૈયારી સુધ્ધાં દેખાડી. છેવટે ડિસેમ્બર ૧૯૬૬માં તેઓ પાટર્નર બન્યા.  આ પાર્ટનર એટલે પરેશ દરૂ, છેલ-પરેશની પ્રસિદ્ધ જોડીનો બીજો હિસ્સો!

‘મને સૂરજ આપો’ નામનું નાટક સ્પર્ધા માટે સબમિટ થઈ રહ્યું હતું. એમાં સેટ ડિઝાઈનર તરીકે છેલ વાયડાનું નામ હતું. છેલ્લી ઘડીએ ‘વાયડા’ ભૂંસીને તેની જગ્યાએ ‘પરેશ’ લખવામાં આવ્યું. તે વખતે કોઈએ કલ્પના સુધ્ધાં કરી હશે ખરી કે આ માણસ અટક બનીને છેલભાઈનાં નામ સાથે આજીવન જોડાઈ જવાનો છે અને આવનારાં વર્ષોમાં છેલ-પરેશની જોડી અનેક ઊંચાઈઓ કર કરવાની છે?

... અને એક મહાયાત્રાનો પ્રારંભ થઈ ગયો.

ચંદ્રવદન ભટ્ટ, કાંતિ મડિયા, હની છાયા, વિજય દત્ત, પ્રવીણ જોશી, અરવિંદ જોશી, અરવિંદ ઠક્કર, શૈલેશ દવે જેવા દિગ્ગજો સાથે એક પછી એક નાટકો આવતાં ગયાં. છેલ વાયડા અને પરેશ દરૂ દ્વિવચનમાંથી એકવચન બનતા ગયા. છેલભાઈ કહે છે, ‘તે વખતે આઈએનટી, રંગભૂમિ, નાટ્યસંપદા અને રંગમોહિની આ ચાર સંસ્થાઓ નાટકો બનાવતી. કાંતિ મડિયાના ૩૨માંથી ૩૧ નાટકો મેં કર્યાં. એક નાટક એટલા માટે ન કરી શક્યો કે તે અરસામાં હું લંડન હતો. એ નાટક જોકે એક જ શોમાં બંધ થઈ ગયું હતું! હું ને મડિયા ખૂબ ઝઘડતા. હું રિસાઈ જાઉં, એ મનાવે. મારા વગર એને ચાલે જરાય નહીં. મડિયા સારા ક્રાફ્ટમેન હતા, જ્યારે પ્રવીણ જોશી પાસે સારું વિઝન હતું. તેઓ નાટકની થીમ પ્રમાણે સેટ ડિઝાઈનર સિલેક્ટ કરતા. જેમકે ‘અને ઈન્દ્રજિત’ નામનું નાટક એમણે એમ.એસ. સથ્થુ પાસે ડિઝાઈન કરાવ્યું હતું. એ જમાનામાં નાટક બનાવનારા અમારી સાથે બેસતા, ડિસ્કસ કરતા. આખું નાટક પહેલેથી લખાઈને તૈયાર હોય. મુહૂર્ત વખતે આખું નાટક વંચાય. બધા ડિરેક્ટરોને પોતપોતાની શક્તિઓ હતી, પોતપોતાની શૈલીઓ હતી. ખેલદિલીની ભાવના પણ એટલી જ. હરીફ ડિરેક્ટરનું કામ ગમે તો દિલથી વખાણે.’
આટલું કહીને છેલભાઈ ઉમેરે છે, ‘ધીમે ધીમે અમે ઘડાતા ગયા. મંચ પર અમારે ત્રણ દીવાલો વડે દર્શકને ચાર દીવાલનો આભાસ કરાવવાનો હોય. વાત તો આખરે લૂગડાં અને લાકડાની જ છે. જયંતી દલાલે લખેલાં એક સુંદર પુસ્તકનું શીર્ષક જ આ છે ને  ‘કાયા લાકડાની, માયા લૂગડાંની.’’


"સેટ ડિઝાઈનરે માત્ર ઈન્ટિરિયર ડિઝાઈનિંગ નથી કરવાનું,
એણે હિસ્ટ્રી ઓફ આર્ટ પણ જાણવી પડે."


 છેલભાઈ આજની તારીખે પણ અડધી રાતે કોઈ નવો વિચાર આવે તો ઊભા થઈને લખી લે. સવાર સુધીમાં તે વિચાર દિમાગમાંથી છટકી ગયો તો? તેઓ કહે છે, ‘સેટ ડિઝાઈનરે માત્ર ઈન્ટિરિયર ડિઝાઈનિંગ નથી કરવાનું, એણે હિસ્ટ્રી ઓફ આર્ટ પણ જાણવી પડે. જેમ કે તમે રબારીનું ઘર બતાવો તો સ્ટીલનાં વાસણો ન ચાલે. રબારીનાં વાસણો કાંસાનાં જ હોય. આપણે ત્યાં દરેક કોમનું આગવું ભરતકામ છે. સુથાર અને લુહાર સફેદ કપડાં પર ભરતકામ કરશે, જ્યારે ચારણ રંગીન કપડાં પર.’

છેલભાઈએ ‘કંકુ’, ‘ઉપર ગગન વિશાળ’. ‘દાદા હો દીકરી’, ‘લાખો ફુલાણી’ જેવી પસંદગીની ડઝનેક ગુજરાતી ફિલ્મોમાં સૂઝપૂર્વક આર્ટ ડિરેકશન કર્યું છે. ‘તેરે શહર મેં’, ‘લૌરી’ અને ‘ખૂબસૂરત’ જેવી હિન્દી ફિલ્મો માટે પણ કામ કર્યું. જોકે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું વાતાવરણ તેમને ખાસ માફક ન આવ્યું. ૧૯૭૦માં ‘મહેફિલ’ નામના ગઝલના કાયક્રમ માટે ઝુમ્મર તથા વિશાળ કદની સુરાહી જેવા એલિમેન્ટ્સ વડે સુસંગત માહોલ ઊભો કરતો અફલાતૂન સણિવેશ ખડો કર્યો અને પછી તો ટ્રેન્ડ શરૂ થઈ ગયો. ડાયરાના સેટમાં ઘેઘૂર વડલો અને ચબૂતરો એમનો ટ્રેડમાર્ક બની ગયા. એની નકલ પણ ખૂબ થઈ. આ સિવાય ભજનસંધ્યા, સુગમ સંગીત તેમ જ સાહિત્યિક કાર્યક્રમોમાં છેલપરેશના સેટ ડિઝાઈનની અલગ છટા દેખાવા માંડી.

‘નાટક સિવાયના કાર્યક્રમોમાં પણ મંચ પર સણિવેશ ઊભો કરવાની અમે સૌને આદત લગાડી દીધી છે!’ છેલભાઈ સ્મિત કરે છે.  ધીરુભાઈ અંબાણીના પરિવારનાં લગ્નોમાં લગ્નસ્થળોનું ડિઝાઈનિંગ પણ તેમણે એક્ઝિક્યુટ કર્યું છે.

છેલભાઈના પુત્ર સંજય છેલે ટેલિવિઝન અને હિન્દી ફિલ્મોની દુનિયામાં રાઈટર-ડિરેક્ટર તરીકે નામ કાઢ્યું છે. તેમની ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત થતી સાપ્તાહિક  કોલમ ‘અંદાઝ-એ-બયાં’ ખાસ્સી પોપ્યુલર થઈ છે. છેલભાઈનાં પુત્રી અલ્પના રંગમંચ અને ટેલિવિઝનનાં અભિનેત્રી તરીકે સક્રિય છે. હાલ તેઓ ‘પાપડપોલ’ સિરિયલમાં હીરો વિનયનાં માતા તરીકે દેખાય છે. જાણીતા એક્ટર-ડિરેક્ટર-મોડેલ મેહુલ બૂચ છેલભાઈના જમાઈ થાય. છેલપરેશના હાથ નીચે સુભાષ આશર, વંદન નાયક (જેનું કાચી વયે અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું), પ્રદીપ પાલેકર અને પી. ખરસાણીના દીકરા ચીકા ખરસાણી જેવા સેટ ડિઝાઈનર્સ તૈયાર થયા છે.

ગુજરાતી રંગભૂમિ પર ડિરેક્ટર્સ-પ્રોડ્યુસર્સ-રાઈટર્સ-એક્ટર્સની પેઢીઓ બદલાતી ગઈ, પણ આર્ટ ડિરેક્ટર તરીકે છેલપરેશની જોડી હજુ અણનમ છે. છેલભાઈ સમાપન કરે છે, ‘ મરાઠી રંગભૂમિના આર્ટ ડિરેક્ટર રાજારામ ચૌહાણનું મહારાષ્ટ્ર સરકારે બહુમાન કર્યું હતું. આપણે ત્યાં આવું નથી. જોકે હું અપેક્ષાઓ પણ રાખતો નથી. જીવવાની મજા આવે છે. શાંતિ છે. લગાવ અને નિષ્ઠા હશે તો કામથી ક્યારેય થકાતું નથી. આનંદ કરવો. કામચોરી ન કરવી. દુશ્મન સારું કામ કરે તો એનેય ‘વાહ!’ કહેવી. મારા હમઉમ્ર મિત્રો પથારીવશ છે ત્યારે હું સક્રિય છું એ વાતની ખુશી છે. બસ, એક જ મહેચ્છા છે. હું મૃત્યુ પામું પછી મને યાદ કરીને કોઈ એમ બોલે કે કલાજગતનો એક સિતારો ખરી પડ્યો.. તો હું  સંતોષ પામીશ. જોકે આવું સાંભળવા અને સંતોષ પામવા હું હાજર નહીં હોઉં!’

લોંગ લિવ છેલભાઈ!


૦૦૦૦૦૦૦


છેલભાઈના ટોપ ફાઈવ


છેલભાઈને એમની લાંબી કારકિર્દી દરમિયાન આ પાંચ નાટકો માટે આર્ટ ડિઝાઈનિંગ કરવાનું સૌથી વધુ ચેલેન્જિંગ અને સંતોષકારક લાગ્યુંં. પહેલાં ચાર નાટકના દિગ્દર્શક કાંતિ મડિયા હતા, જ્યારે પાંચમું ગિરેશ દેસાઈએ ડિરેક્ટ કરેલું.

 - આતમને ઓઝલમાં રાખો મા
 - મૂઠી ઉંચેરા માનવી
 - આંખની અટારી સાવ સૂની
 - બહોત નાચ્યો ગોપાલ
 - નોખી માટીના નોખા માનવી

                                                                              (All photographs by Anil Pandya)
00000000