Showing posts with label કોલમ્બસના હિંદુસ્તાનમાં. Show all posts
Showing posts with label કોલમ્બસના હિંદુસ્તાનમાં. Show all posts

Wednesday, April 25, 2018

સ્વામી પ્રવાસાનંદની યુએસકથા

 ચિત્રલેખા - માર્ચ ૨૦૧૮

 કોલમ: વાંચવા જેવું 

 ‘થોડાક અપવાદો બાદ કરતાં એવું જોવા મળે છે કે અમેરિકા આવેલો દેશી, જે સાલમાં ભારત છોડ્યું હોય તે સાલનું માનસ જાળવી રાખે છે. પછીનાં વર્ષોેમાં ભારત ખાસ્સું આગળ નીકળી જાય તોય બિચારો ત્યાં જ ચોંટેલો રહે છે. (લેભાગુ, ધંધાદારી) સ્વામીજીઓ તો એ બિચારાને તેથીય આગળની સાલમાં ધકેલી મૂકે છે... ભારતથી રોજ એક્સપોર્ટ ક્વોલિટીના બાવાઓ ત્યાં પહોંચે છે. દોરા-ધાગા-જંતર-મંતર-મંત્રેલું પાણી અને જ્યોતિષની બોલબાલા ઓછી નથી. ભગવું વસ્ત્ર જોયું કે વાંસડાની જેમ ભોંય પર પડીને નમન કરાનારાં બબૂચક બૈરાં અને નાદાન માટીડા અહીં ઓછાં નથી.’  



ચાલો, આ લખાણમાં પૂર્વગ્રહના ખાડા કે અતિ મુગ્ધતાના સ્પીડબ્રેકર નથી જ આવવાનાં!
 ગુણવંત શાહ જેવી વિચારશીલ વ્યક્તિ વિદેશ વિશે વાત માંડે ત્યારે આપણા મનમાં આ વાતની સતત ધરપત હોય છે. આપણને ખબર હોય છે કે આ શબ્દસફર દરમિયાન જે સામે આવશે હશે એ આકર્ષક નિરીક્ષણો તેમજ એેક જ સ્થિતિને અનેક સંદર્ભમાં નિહાળી શકવાનો તટસ્થ અભિગમ હશે.

 આજે જે પુસ્તકની વાત કરવી છે એ ‘કોલમ્બસના હિન્દુસ્તાન’ કંઈ અમેરિકાની ટિપિકલ પ્રવાસકથા નથી. ન જ હોય. લેખક એને સંવેદનકથા તરીકે ઓળખાવે છે. એ પહેલી વાર ૧૯૬૭માં અમેરિકા ગયા હતા, યુનિવર્સિટી ઓફ મિશિગનના વિઝિટિંગ પ્રોફેસર તરીકે. એ વખતે લેખક સળંગ આઠ મહિના પત્ની સાથે અમેરિકા રહેલા. બીજી વખત ૧૯૮૫માં એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં ચાર મહિના કાર્યરત રહ્યા હતા. આ સિવાય પણ અમેરિકાના નાના નાના પ્રવાસ ઘણા થયા. ફરવાના શોખીન લેખક કહે છે કે ભૂલથી પણ જો એ સાધું બન્યા હોત તો પોતાનું નામ એમણે પ્રવાસાનંદ રાખ્યું હોત!

લેખક અમેરિકા વિશેની વાતોની સાથે સાથે ખૂબ બધી વિચારોત્તેજક વાતો પણ કરતા જાય છે. દેશ-દેશાવર ફરનારા લોકોને એ ત્રણ જૂથમાં વિભાજિત કરે છે - સહેલાણીવૃત્તિ ધરાવનારા (ટુરિસ્ટ), પ્રવાસવૃત્તિ ધરાવનારા (ટ્રાવેલર) અને યાત્રાવૃત્તિ ધરાવનારા (પિલગ્રિમ). ટુરિસ્ટને ઓછા સમયમાં ખૂબ બધી જગ્યાઓ ‘કવર’ કરી નાખવાની ઉતાવળ અને અભરખો હોય. એ ખર્ચે ઘણું, પણ પામે ઓછું. ફરે ઘણું, પણ શીખે ઓછું. પ્રવાસવૃત્તિ ધરાવનાર ટ્રાવેલરમાં કશુંક ઊંડાણથી પામવાની ઝંખના હોય છે. એ જે-તે સ્થળે પહોંચતા પહેલાં હોમવર્ક કરી લે, ફરતાં ફરતાં નોંઘ કરતો રહે. એને મોઢું ત્રાંસુ કરીને સેલ્ફી પાડ્યા કરવામાં નહીં, પણ યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે કેમેરાની ચાંપ દાબવામાં રસ હોય છે. આ બન્નેની તુલનામાં યાત્રાવૃત્તિ ધરાવતી વ્યક્તિ એક ઊંચી અવસ્થા પર હોય છે. લેખકે બાંધેલી વ્યાખ્યા પ્રમાણે, જે-તે સ્થળે સાહજિક રીતે ઉદભવેલાં વિચારતીર્થ અને ભાવતીર્થ સાથે એકરુપ થવાની સાચુકલી આકાંક્ષાનું પરિણામ એટલે યાત્રાવૃત્તિ. જોવાલાયક જગ્યા એટલે જીવવાલાયક જગ્યા, માણસને રહી પડવાનું મન થાય એવી જગ્યા. આવી ઇચ્છા યાત્રાવૃત્તિ હોય તો જ શક્ય બને.

 ગુણવંત શાહ લખે છે:

 ‘અમેરિકા મને ખૂબ ગમે છે. ત્યાં જઈને વસવાનું મન કદી નથી થયું, પણ દર બે વર્ષે એકાદ મહિનો ત્યાં ગાળવાનું મળે તે ખૂબ ગમતું... મને સતત એવી લાગણી રહે છે કે તમામ વૈભવ વચ્ચેય અમેરિકન આદમીની અંદર પલાંઠી વાળીને બેઠેલો ‘આદિમાનવ’ (એટલે કે સહજ, સાચુકલો, ઓથેન્ટિક માનવ) હજી મર્યો નથી. અમેરિકા પ્રત્યેના મારા ખેંચાણનું રહસ્ય આવી લાગણીમાં રહેલું છે.’

 અમેરિકા સારા અને ખરાબ બન્ને પ્રકારના ગ્લોબલ ટ્રેન્ડ્ઝ સેટ કરવામાં આગેવાની લેતું રહ્યું છે. લેખક અમેરિકાના નેતૃત્વને બટાટા છોલવાના ચપ્પુ સાથે સરખાવે છે. કાળજી રાખીએ તો બટાટા છોલાય અને ચપ્પુ ઊંધું પકડાય તો આંગળી છોલાય! 

 માત્ર સાડાચાર સદી જેટલી ઉંમર ધરાવતું અમેરિકા સાચા અર્થમાં યંગ નેશન છે. નાની ઉંમરે હોય એવી ઉર્જા, જોશ, નાદાની, વિસ્મય, ખુલ્લાપણું આ બઘાં જ અમેરિકાનાં પ્રમુખ લક્ષણ છે. હજારો વર્ષોેમાં ફેલાયેલી આપણા પ્રાચીન સભ્યતાની તુલનામાં અમેરિકાનો ઇતિહાસ સાવ નહીં જેવો, તોય અહીંની પ્રજાને પુરાતન બાબતમં બહુ રસ પડે.

 શ્ર્વેત-શ્યામ અમેરિકનોના વ્યક્તિત્ત્વના જુદા જુદા રંગ દોરવાની સાથે લેખકે ત્યાં વસેલા ભારતીયો વિશે કલમ ન ચલાવે એ કેમ બને. એક બાજુ અમેરિકામાં સ્થાયી થઈને આંતરિક-બાહ્ય સ્તરે સમૃદ્ધ જીવન જીવનારા ગરિમાભર્યા ભારતીયો છે, તો સામે છેડે કેટલાક નમૂનાઓ એવા છે જેમને જોઈને લાગે કે મૂળ તો એ મુંબઇ સેન્ટ્રલ સ્ટેશને હમાલી કરવા માટે સર્જાયેલા હતા, પરંતુ ભૂલથી અમેરિકા પહોંચી છે! લેખક કહે છે કે આવા લોકોને અમેરિકાથી તગેડી મૂકવામાં આવે તો ભારતની છબી સુધરે તેમ છે. આગળ લખે છે: 

 ‘થોડાક અપવાદો બાદ કરતાં એવું જોવા મળે છે કે અમેરિકા આવેલો દેશી, જે સાલમાં ભારત છોડ્યું હોય તે સાલનું માનસ જાળવી રાખે છે. પછીનાં વર્ષોેમાં ભારત ખાસ્સું આગળ નીકળી જાય તોય બિચારો ત્યાં જ ચોંટેલો રહે છે. (લેભાગુ, ધંધાદારી) સ્વામીજીઓ તો એ બિચારાને તેથીય આગળની સાલમાં ધકેલી મૂકે છે... ભારતથી રોજ એક્સપોર્ટ ક્વોલિટીના બાવાઓ ત્યાં પહોંચે છે. દોરા-ધાગા-જંતર-મંતર-મંત્રેલું પાણી અને જ્યોતિષની બોલબાલા ઓછી નથી. ભગવું વસ્ત્ર જોયું કે વાંસડાની જેમ ભોંય પર પડીને નમન કરાનારાં બબૂચક બૈરાં અને નાદાન માટીડા અહીં ઓછાં નથી.’ 

 પુુસ્તકના પ્રત્યેક લેખના અંતે મૂકાયેલું અવતરણ કે માહિતી પણ મજેદાર છે. જેમ કે, આ આંકડાબાજી પર નજર ફેરવો:

 દુનિયાની વસ્તીની પાંચ ટેકા જેટલા અમેરિકનો દુનિયાની ૨૪ ટકા ઊર્જા વાપરે છે. સરેરાશ ૧૨ ચીના, ૩૧ ભારતીય, ૧૨૮ બાંગ્લાદેશી અને ૩૭૦ ઇથિયોપિયાવાસી જેટલી એનર્જી એક અમેરિકન ખર્ચી નાખે છે. હજુ આગળ સાંભળો. અમેરિકનો રોજ બે લાખ ટન ખાવાલાયક ખોરાક ફેંકી દે છે. આખા અમેરિકાની પ્રજા ૮૧૫ અબજ કેલરી રોજ ખાય છે. જેટલી હોવી જોઈએ એના કરતાં ૨૦૦ અબજ કેલરી વધારે. કેલરીના આ વધારેના જથ્થામાંથી બીજા આઠ કરોડ લોકોને પોષણ આપી શકાય!

 પુસ્તકનું મૂળ લખાણ વર્ષો પહેલાં લખાયં હોવા છતાં આજે પણ એટલું જ રિલેવન્ટ લાગે છે એનું એક કારણ એ પણ છે કે સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરતી વખતે લેખકે આદત મુજબ સારી એવી જહેમત લીધી છે. વાંચવા વંચાવવા જેવું મસ્તમજાનું પુસ્તક.                                                                                                0 0


 કોલમ્બસના હિંદુસ્તાનમાં  

 લેખક:  ગુણવંત શાહ
 પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની 
 ખાનપુર, અમદાવાદ-૧ અને પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૧
 ફોન: (૦૭૯)૨૫૫૦૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
 કિંમત: ૧૫૦/ રુપિયા
  પૃષ્ઠ: ૧૪૬
 0 0 0