દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 3 નવેમ્બર 2019 રવિવાર
મલ્ટિપ્લેક્સ
મલ્ટિપ્લેક્સ
'નવા નવા આઇડિયાઝ માટે હું ફિલ્મો જોઉં છું. જે આઇડિયા તમારા મન પર કબ્જો જમાવી દે એના પર જ તમે વહેલામોડા કામ કરતા હો છો. વધુમાં વધુ લોકોને મળવું, જુદા જુદા પ્રકારના લોકોને મળવું – આ પણ એક ઉત્તમ સોર્સ છે, નવા વિચારોને જન્માવવા માટે.'
એક અફલાતૂન પુસ્તક વાંચવામાં આવ્યું - ‘ધ વન હંડ્રેડ એન્ડ વન
હેબિટ્સ ઑફ સક્સેસફુલ સ્ક્રીન રાઇટર્સ’. હોલિવુડના સૌથી સફળ
ફિલ્મલેખકોની 101 આદતો. કાર્લ ઇગ્લેસિઅસ નામના લેખક હોલિવુડમાં હિટ ફિલ્મો લખી
ચુકેલા કેટલાય લેખકોને વારાફરતી મળ્યા, તેમની રાઇટિંગ પ્રોસેસ વિશે જાતજાતના સવાલ
કર્યા. જે જવાબો મળ્યા એના આધારે એમણે આ સરસ મજાનું અંગ્રેજી પુસ્તક લખ્યું. મજાની
વાત એ છે કે આ પુસ્તક માત્ર ઊભરતા ફિલ્મલેખકોને જ નહીં, પરંતુ વાર્તાકાર,
નવલકથાકાર, નાટ્યલેખક, કોલમિસ્ટ, નિબંધલેખક વગેરેમાંથી કંઈ પણ બનવા માગતી વ્યક્તિને
પણ અપીલ કરે એવું છે. પ્રસ્થાપિત થઈ ચુકેલા લેખકોને સુધ્ધાં આમાંથી બે નવી વાત
જાણવા મળશે.
કોઈ પણ ફિલ્મનો સ્ટોરી-આઈડિયા ક્યાંથી અને કેવી રીતે મળે?
‘ડાઇ હાર્ડ’ના પહેલા બે ભાગ, ‘ધ રનિંગ મેન’, ‘ધ ફ્લિન્ટસ્ટોન્સ’ જેવી ફિલ્મોના લેખક સ્ટીવન દ સૂઝા કહે છે, ‘મને છાપાં-મેગેઝિનનાં
કટિંગ ભેગાં કરવાની જબરી આદત છે. મારા રૂમની એક આખી દીવાલને લગોલગ મોટો કબાટ છે ને
એમાં કેટલાંય ખાનાં છે. એમાંથી અડધોઅડધ ખાનામાં કટિંગ્સ ભર્યાં છે. આ કટિંગ કોઈ પણ
વિષયને લગતાં હોઈ શકે – ક્રાઇમ, અજીબોગરીબ ઘટનાઓ, મિલિટરી
વેપન્સ, લેટેસ્ટ ટેક્નોલોજી, કંઈ પણ. મારું દિમાગ સતત રિસર્ચ કરતું હોય છે, વિષયો શોધતું
હોય છે. હું માહિતી ભેગી કરી રાખું છું પછી ભલે એમાંથી કશું નીપજવાનું હોય કે ન
હોય. ઇન્ટરનેટ અદભુત વસ્તુ છે. હું રોજ અચુક અડધી-એક કલાક સુધી ન્યુઝ વેબસાઇટ્સનું
સર્ફિંગ કરું છું. સ્ટોરી આઇડિયાઝ મને આ જ રીતે મળે છે.’
અસલી ઘટનાઓ ક્યારેક એટલી વિચિત્ર, એટલી અજાયબ હોય છે કે એની સામે
કલ્પના પણ ફિક્કી પડી જાય. સ્કૉટ રોઝમબર્ગ (‘ગોન ઇન સિક્સ્ટી સેકન્ડ્સ’, ‘કોન એર’) નવા નવા આઇડિયાઝ માટે ફિલ્મો જુએ છે. તેઓ
કહે છે કે જે આઇડિયા તમારા મન પર કબ્જો જમાવી દે એના પર જ તમે વહેલામોડા કામ કરતા
હો છો. વધુમાં વધુ લોકોને મળવું, જુદા જુદા પ્રકારના લોકોને મળવું – આ પણ એક ઉત્તમ
સોર્સ છે, નવા વિચારોને જન્માવવા માટે. ઇડ સોલોમન (‘મેન ઇન
બ્લેક’, ‘ચાર્લીઝ એન્જલ્સ’) કહે છે, ‘આઇડિયાઝની ગતિ ન્યારી છે. તમે પ્રયત્નપૂર્વક
આઇડિયાઝ શોધવા નીકળશો તો તે છૂપાઈ જશે. માત્ર દિમાગ ખુલ્લું રાખો. આઇડિયાઝ આપોઆપ
તમારી પાસે આવશે.’
ઓકે. સ્ટોરી આઇડિયા મળી ગયો. પછી? લેઇટા કાલોગ્રિડીસ (‘શટર
આઇલેન્ડ’) કહે છે, ‘સામાન્યપણે મને એવું
કશુંક મળી જતું હોય છે – કોઈ દશ્ય, કોઈ ગીત, કોઈ લખાણ – કે જે મને વિચારતી કરી
મૂકે. હું પછી એના પર કામ કરવાનું શરૂ કરી દઉં છું. પાત્રો બનાવું, તેઓ કેવા
માહોલમાં રહેતાં હશે, કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયાં હશે એવું વિચારું, એક આગવું
વિશ્વ ઊભું કરવાની કોશિશ કરું. મારી આ આઉટલાઇન અથવા તો માળખું ચાલીસેક પાનાં
જેટલું હોય. પછી હું વિધિવત સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કરું. પહેલો ડ્રાફ્ટ લખાઈ જાય
પછી દોસ્તોને તે વંચાવું. તેઓ મને ફીડબેક આપે. તેના આધારે હું નવો ડ્રાફ્ટ લખું.
એક નહીં પણ અનેક નવા ડ્રાફ્ટ્સ.’
રિ-રાઇટિંગ. પુનર્લેખન. એક વાર લખાઈ ચુકેલા લખાણને ફરી ફરીને મઠારવું.
ઉત્તમ લખાણની આ ગુરૂચાવી છે. રિ-રાઇટિંગ વિશે ‘ધ દા વિન્ચી કોડ’ અને ‘અ બ્યુટીફુલ માઇન્ડ’
જેવી સુંદર ફિલ્મો લખી ચુકેલા અકિવા ગોલ્ડ્સમેન કહે છે, ‘સૌથી પહેલાં તો હું મારી
વાર્તાનું યા તો સ્ક્રિપ્ટનું માળખું બને એટલી સ્પષ્ટતાથી ઘડી કાઢું. પછી ખરેખરી
સ્ક્રિપ્ટ લખવાની શરૂ કરું. શરૂઆતનું લખાણ સાવ કચરા જેવું હોય, કેમ કે મારો મુખ્ય ઉદ્દેશ
બને એટલા જલદી ધી એન્ડ સુધી પહોંચી જવાનો હોય. ક્યારેક સીન ડાયલોગ સહિત લખું તો
ક્યારેક આ સીન અહીંથી શરૂ થશે, અહીં પૂરો થશે ને આખા સીનમાં આવું-આવું બનશે એવું
ટૂંકી નોંધની જેમ લખી નાખું. એક વાર પહેલો ડ્રાફ્ટ પૂરો થઈ જાય પછી પાછું એકડેએકથી
ચાલુ કરું. એકેએક પાનું, એકેએક સીન, એકેએક સિકવન્સ. જ્યાં સુધી એને આખરી ઘાટ ન
મળે, જ્યાં સુધી મને ખુદને સંતોષ ન થાય ત્યાં સુધી રિ-રાઇટિંગ કર્યા જ કરું. આ
રીતે ધીમે ધીમે લખાણમાંથી બિનજરૂરી ચરબી ઓગળતી જાય, તે ચુસ્ત બનતું જાય.’
ડેરેક હાસ (‘ટુ ફાસ્ટ ટુ ફ્યુરિયસ’) પોતાના પહેલા
ડ્રાફ્ટને ‘વૉમિટ ડ્રાફ્ટ’ કહે છે. તેઓ કહે છે કે, ‘સૌથી પહેલાં તો હું જે કંઈ મનમાં હોય એને કાગળ પર ઊલટી કરીને બહાર કાઢી
નાખું છું. કેરેક્ટર્સ બરાબર ઊપસે છે કે નહીં, સીનમાં કંઈ ઢંગધડા છે કે નહીં, સબ-ટેક્સ્ટ
બરાબર કામ કરે છે કે નહીં – આવી કશી જ ચિંતા હું પહેલો ડ્રાફ્ટ લખતી વખતે કરતો
નથી. મારે કોઈ પણ રીતે સો-એકસો દસ પાનાની સ્ક્રિપ્ટ પૂરી કરવી હોય છે. એક વાર આખી
સ્ક્રિપ્ટ લખાઈ જાય પછી હું મારા સાથીલેખક માઇકલ બ્રાન્ટને મળું, એને સ્ક્રિપ્ટ વંચાવું ને ત્યાર બાદ ખરેખરું
સ્ક્રિપ્ટરાઇટિંગ શરૂ થાય. અમે ચર્ચા - દલીલબાજી – ઝઘડા કરીએ, નકામાં સીનને કેન્સલ
કરીએ, નવાં સીન ઉમેરીએ, એક પછી એક સીનને નવેસરથી લખતા જઈએ. આ રીતે ધીમે ધીમે સ્ક્રિપ્ટને
અંતિમ ઘાટ મળે.’
ફટાફટ પહેલો ડ્રાફ્ટ લખી નાખવો એ એક અપ્રોચ થયો. ઘણા લેખકો પહેલા
ડ્રાફ્ટમાં આગળ વધતી વખતે જ રી-રાઇટિંગ કરવાનું શરૂ કરી દે છે. બિલ માર્સિલી (‘દેજા
વુ’) કહે છે, ‘મારી સવાર અને બપોરનો
થોડો ભાગ મેં આગલી રાતે જે લખ્યું હોય તેને મઠારવામાં જાય છે. ધારો કે આગલી રાત્રે
મેં બે સીન લખ્યાં હોય તો બીજા દિવસે બપોર સુધીમાં એ જ બે સીન પર હું નવેસરથી કામ
કરું, તેને બે-ત્રણ વાર મઠારું ને વ્યવસ્થિત આકાર આપું. રાત્રે બે-ત્રણ નવાં સીન
લખું, જેના પર બીજા દિવસે નવેસરથી કામ થાય. ‘કાગળ પર ઊલટી
કરી નાખવી’ જેવા ભયંકર શબ્દો હું ક્યારેય ઉચ્ચારતો નથી.
તમારા ખુદના લખાણને તમે ઊલટી કેવી રીતે કહી શકો? લિઓનાર્ડો દ
વિન્ચી મોનાલિસાનું પેઇન્ટિંગ બનાવવા બેઠો હશે ત્યારે એણે કંઈ સૌથી પહેલાં કેનવાસ
પર લપેડા નહીં કરી નાખ્યા હોય. એમણે એણે એવું નહીં વિચાર્યું હોય કે આ લપેડામાંથી આખરે
કંઈક તો બની જ જશે. લખાણનું પણ એવું જ.’
આખું પુસ્તક વાંચજો. ફરી ફરીને વાંચજો. જલસો પડશે.
0 0 0
No comments:
Post a Comment