દિવ્ય
ભાસ્કર – રસરંગ પૂર્તિ – 24 Nov 2019
મલ્ટિપ્લેક્સ
'આગવાળા સીન પછી સ્ટંટ
ડિરેક્ટરને વળગીને હું જે રડ્યો છું! આટલું બધું હું
જિંદગીમાં અગાઉ એક જ વખત રડ્યો હતો - મારા ફાધરનાં મૃત્યુ વખતે.’
‘ફિલ્મના ભલે ગમે તેટલા વખાણ થતા હોય, પણ કોઈ પણ ફિલ્મમેકરને
પોતાની કૃતિથી સોએ સો સંતોષ ન જ થાય,’ આજકાલ જે સૉલિડ
ન્યુઝમાં છે એ ‘હેલ્લારો’ ફિલ્મના
ડિરેક્ટર અને કૉ-રાઇટર અભિષેક શાહ વાતચીતની શરૂઆત કરે છે, ‘જો
ફિલ્મમેકર પોતાની જ ફિલ્મના પ્રેમમાં પડીને માનવા લાગે કે પોતે અદભુત વસ્તુ બનાવી નાખી
છે તો નક્કી એની થૉટ-પ્રોસેસમાં કશીક ગરબડ હોવાની!’
ભારતની તમામ ભાષાની બધ્ધેબધ્ધી
ફિલ્મોને પાછળ રાખીને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવૉર્ડ જીતી જનાર ‘હેલ્લારો’થી ઑડિયન્સ અતિ ખુશ છે. ફિલ્મને જે કક્ષાનો પ્રતિસાદ મળી રહ્યો છે એનાથી ‘હેલ્લારો’ની ટીમ અતિ અચંબિત છે, પણ ફિલ્મે જન્માવેલા
તીવ્ર ઉન્માદ વચ્ચે અભિષેકે પોતાની સમતા આકર્ષક રીતે જાળવી રાખી છે. ‘હેલ્લારો’એ પહેલા વીકમાં કેટલો બિઝનેસ કર્યો? સંબંધિત ટીમ મેમ્બરને પાક્કી પૃચ્છા કરીને અભિષેક આંકડો ટાંકે છે, ‘પાંચ કરોડ રૂપિયા.’
‘હેલ્લારો’ નખશિખ પરફેક્ટ ન હોવા
છતાં ઉત્તમ ફિલ્મ છે. ફિલ્મનાં પાત્રોની ભાષા અને પહેરવેશ વિશે અભિષેક કહે છે, ‘અમે ફિલ્મની ભાષા જાણી જોઈને નિર્ભેળ કચ્છી નહીં, પણ બધાને સમજાય એવી
ગ્રામ્ય ગુજરાતી રાખી છે. નાયિકાઓએ આભલા કે ભરતગૂંથણવાળાં કપડાં શા માટે પહેર્યાં
નથી તે સમજાવવા માટે તો આખેઆખો ફ્લેશબેક મૂક્યો છે. બિનજરૂરી વિવાદ ન થાય તે માટે અમે
કોઈ ચોક્કસ સ્થાનિક કોમના પહેરવેશનો સંદર્ભ સભાનતાપૂર્વક ટાળ્યો છે.’
ફેર ઇનફ. ‘હેલ્લારો’નાં ગીત-સંગીત-કોરિયોગ્રાફી-પર્ફોર્મન્સીસના બે મોઢે વખાણ થાય છે. તેનો ક્લાઇમેક્સ
એટલો પ્રભાવશાળી છે કે એની પ્રશંસાના વજન નીચે ફિલ્મની સંભવતઃ એટલી જ સશક્ત ઑર એક સિકવન્સનો
અવાજ થોડો દબાઈ ગયો છે. તે છે, તરસ છીપાવ્યા પછી ઢોલી દાંડી પીટે છે અને સ્ત્રીઓ
જ્યારે પહેલી વાર ગરબો કરે છે, તે દશ્ય. આ એક લાંબો, 2 મિનિટ
46 સેકન્ડ્સનો સિંગલ-શોટ છે,
જેમાં ખૂબ બધું બને છે. કોઈ સ્ત્રી આનંદથી હિલ્લોળે ચડી છે તો કોઈ ભયભીત છે. કોઈ પાપનો
બોજ અનુભવે છે તો કોઈ મૂંઝારો. સજ્જડબમ પાંજરુ પહોળું થવાની આ પહેલી ક્ષણ છે. અભિષેક
કહે છેઃ
‘અમે જ્યારે રિહર્સલ કરી રહ્યા હતા ત્યારે સમીર તન્નાએ
સૂચન કર્યું હતું કે આ સીનમાં નાયિકાઓની લાગણીઓને અલગ અલગ શોટ્સમાં વિભાજિત કરવાને
બદલે આ આખી સિકવન્સને સળંગ શૂટ કરવી જોઈએ. સિનેમેટોગ્રાફર ત્રિભુવન બાબુ તો જાદુગર
છે જ, પણ આ ચોક્કસ દશ્ય માટે કિશોર જાઘવનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. તેઓ સ્ટેડી-કેમ
ઓપરેટર છે. તેમણે પોતાના શરીર પર ચાલીસ-પચાસ કિલો વજનનો કેમરા બાંધ્યો હતો. આમથી
તેમ દોડીને, ગોળ ગોળ ઘુમીને, ખુદને બેલેન્સ કરતાં કરતાં, અગાઉથી નક્કી થયું હતું તે
પ્રમાણે ફ્રેમિંગ મેન્ટેઇન કરતાં કરતાં એમણે આખું દશ્ય શૂટ કર્યું છે. અમુક બીટ પર
ચોક્કસ નાયિકાની એન્ટ્રી કેપ્ચર થાય, ક્યાંક કેમેરા પાત્રની નજીક જઈને એના હાવભાવ પકડે,
ક્યાંક કેમેરા પાછળ જાય, ચોક્કસ સમયે ઢોલી દેખાવો જોઈએ - આ તમામ મૂવમેન્ટ્સ સહેજ
પણ ગરબડ વગર કેમેરામાં ઝિલાવી જોઈએ. આ સિકવન્સમાં કેમેરા 360 ડિગ્રીએ ગોળ ગોળ ઘુમે છે એટલે ફ્રેમમાં કલાકારો સિવાય
બીજું કશું જ ઝડપાવું ન જોઈએ. શૂટિંગ વખતે અર્શ - સમીર તન્નાની દીકરી તમન્ના કે જે
એમને આસિસ્ટ કરે છે એ, વિવેક ગાંજાવાલા નામનો બીજો એક આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર, ત્રિભુવન
બાબુ, એમનો આસિસ્ટન્ટ, ફિલ્મનું મેકિંગ શૂટ કરી રહેલો માણસ અને હું – આટલા લોકોનું
ટોળું કિશોર જાધવની પાછળ પાછળ દોડાદોડ કરતું હતું. અમે રિહર્સલ એટલાં બધાં કર્યાં
હતાં કે ત્રણ જ ટેકમાં શોટ ઓકે થઈ ગયો. ‘હેલ્લારો’ના મેકિંગની મારી ત્રણ બેસ્ટ મોમેન્ટ્સમાંની આ એક.’
અને બાકીની બે મોમેન્ટ્સ?
‘એક તો ઓબ્વિયસલી, ફિલ્મનો ક્લાઇમેક્સ. બે કેમેરા
સેટ-અપ સાથે સતત બે રાત સુધી ક્લાઇમેક્સનું શૂટિંગ ચાલ્યું હતું. મને યાદ છે, એક
રાતે મેં 65 જેટલા શોટ્સ લીધા હતા. એક તો કચ્છની ઠંડી ને પાછું કૃત્રિમ વરસાદમાં
ભીંજાવાનું. શૂટિંગ વખતે બહેનો રીતસર ધ્રૂજતી હતી. બે શોટ્સની વચ્ચે અમે એમને
ધાબળા ઓઢાડતાં, એમને તાપણાં પાસે બેસાડતાં. જમીન પર કીચડ થઈ જવાને કારણે બાપડી ક્યારેક
લપસી પડતી. અભિનેત્રીઓને મેં એવી બ્રિફ આપી હતી કે આ સિકવન્સમાં તમારે જીવ પર
આવીને ગરબા કરવાના છે. મનમાં એવો ભાવ રાખવાનો છે કે જાણે આ રણમેદાન છે, આ ગરબા પછી
તમારે જાણે કે મરી જવાનું છે. તમારી સામે પુરુષો તલવાર લઈને ઊભા છે ને તમારી પાસે
ગરબા સિવાય બીજું કોઈ અસ્ત્રશસ્ત્ર નથી. તમારી આંખોમાં, ચહેરા પર ભયાનક તાકાત હોવી
જોઈએ. ગરબે ઘુમતી વખતે મનમાં ગાળો બોલજો, જિંદગીમાં કોઈને નફરત કરી હોય તો તે યાદ
કરજો.’
‘હેલ્લારો’નો આ અંત ઑડિયન્સ ભુલી
શકવાનું નથી. ફિલ્મના મેકિંગ દરમિયાન ત્રીજી યાદગાર ક્ષણ ઢોલીનો ફ્લેશબેક શૂટ કરતી
વખતે આવી. શૂટિંગના 30-32 દિવસ પૂરા થઈ ગયા હતા. બાકીની આખી ફિલ્મ શૂટ થઈ ગઈ હતી. કલાકારો
પૅકઅપ કરીને ક્ચ્છ છોડીને પોતાપોતાના ઘરે જતા રહ્યા હતા. હવે ગામલોકો ઢોલીના
પરિવારને ભૂંગા સહિત સળગાવી મારે છે એ જ દશ્ય ફિલ્માવવાનું બાકી હતું. ફાયર
સિકવન્સમાં એક્સપર્ટાઇઝ ધરાવતી ટીમ મુંબઈથી આવી હતી. શૂટિંગ શરૂ થયું ને અભિષેકનું
મન ભારે થવા માંડ્યું.
‘મેં તો અમદાવાદના મારા ઘરમાં ટેબલખુરસી પર બેસીને કાગળ
પર લખી નાખ્યું હતું કે ઢોલીની પત્ની-દીકરી આગમાં બળીને ભડથું થઈ જાય છે ને એ પોતે
દાઝી જાય છે... પણ અહીં આ લોકો ખરેખર પોતાના શરીર પર આગ ચાંપી રહ્યા હતા. અફ
કોર્સ, એ પ્રોફેશનલ અને અનુભવી લોકો હતા, પણ તોય એમને આ ફાયર-સ્ટંટ કરતાં જોઈને
હું કાંપી ઉઠ્યો હતો. છેલ્લા એક મહિનાના શૂટ દરમિયાન મારી ટીમ જે રીતે ભયંકર તાપ
અને ટાઢમાં હેરાન થઈ હતી તે બધું પણ મને યાદ આવતું હતું. જયેશ મોરે (ઢોલી)ના
છેલ્લા આક્રંદવાળા શોટ પછી મને પૂછવામાં આવ્યું કે સર, બધું બરાબર છે? મારાથી હવે ન રહેવાયું. છેલ્લા એક મહિનાથી જે ડૂમો છાતીમાં દબાવી રાખ્યો
હતો તે હવે ધક્કા સાથે ઊછળ્યો... ને સ્ટંટ ડિરેક્ટરને વળગીને હું જે રડ્યો છું! આટલું બધું હું જિંદગીમાં અગાઉ એક જ વખત રડ્યો હતો - મારા ફાધરનાં મૃત્યુ
વખતે.’
આ ધન્યતાની, કૃતકૃત્યતાની લાગણીનો
ઉછાળ હતો. અત્યારે સૌના મનમાં જે સવાલ ઉછળી રહ્યો છે તે આ છેઃ ‘હેલ્લારો’ પછી શું? ‘આઇ ડોન્ટ નો!’ અભિષેક હસીને સમાપન કરે છે, ‘મને હિન્દી ફિલ્મોની
ઑફર પણ આવી છે, પણ આ તબક્કે હું જાણતો નથી કે મારી હવે પછીની ફિલ્મ કઈ હશે અને તે કઈ
ભાષામાં હશે. માત્ર એટલી ખબર છે કે મારી આગલી ફિલ્મનો વિષય પણ એવો જ હશે જે મને
ખુદને અત્યંત સ્પર્શી ગયો હોય.’
બિલકુલ. આખરે તો
હૃદયને આંદોલિત કરી નાખનારા વિચારમાંથી જ ‘હેલ્લારો’ જન્મતો હોય છે!
shishir.ramavat@gmail.com