Tuesday, January 29, 2013

મણિનગરથી મેનહાટન સુધી


ચિત્રલેખા - અંક તા. 28 January 2013

કોલમ: વાંચવા જેવું


                                                                                                                              
વાન્ડા નામની એક વેશ્યા છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહે છે. કાળી પણ કામણગારી છે. બે છોકરાની માતા છે. એનામાં ધમધમતો રુઆબ પણ છે અને પાંત્રીસ વર્ષની ઉંમરમાં ભેગો થઈ ગયેલો સિત્તેર-એંસી વર્ષનો થાક પણ છે. એ નાની હતી ત્યારે મા-બાપ બેય કોકેન વેચવાનો ધંધો કરતાં. બાર વર્ષની થઈ ત્યારે શિયાળાની એક રાત્રે સગા બાપે એનો ઉપભોગ કર્યો, એક રાક્ષસની જેમ. આ સિલસિલો લાગલગાટ બે વર્ષ ચાલ્યો. એક રાતે બાપ બે દોસ્તારોને લઈને એના રુમમાં પ્રવેશ્યો. વાન્ડા બારીમાંથી ભુસકો મારીને છટકી ગઈ. ભયે એને ભાગતી કરી મૂકી. આખરે હારી થાકીને વેશ્યા બની.

બે દાયકા પછી પેન્સિલવેનિયાની સ્ટેટ જેલમાંથી સંદેશો આવે છે કે તમારો એઈડ્સગ્રસ્ત બાપ મરવા પડ્યો છે. જો કોર્ટમાં અરજી કરશો તો જીવનના છેલ્લા દિવસો એ કુટુંબ સાથે ગાળી શકશે. વાન્ડાને થાય છે કે જેવો છે એવો, બાપ છે મારો, લાચાર છે. એ કાનૂની વિધિ કરે છે, બાપને છોડાવે છે, એના છેલ્લા દિવસો સુખથી ભરી દે છે. બાપ કબૂલે છે કે દીકરી, મેં તારી જિંદગી છૂંદી નાખી, પણ તેં તો મારું મોત સુધારી દીધું. તું મારી દીકરીને બદલે સાક્ષાત મા બની ગઈ. બની શકે તો મને માફ કરજે. આટલું કહીને બાપ હંમેશ માટે આંખો મીંચી દે છે

સુચિ વ્યાસે લખેલી આ હૃદયદ્વાવક સત્યકથનાત્મક કહાણી આનંદયાત્રા - ગુર્જરી ડાયજેસ્ટના પચીસ વર્ષ પુસ્તકનો એક અંશ છેગુર્જરી ડાયજેસ્ટ એટલે, મધુ રાયના શબ્દોમાં કહીએ તો, અમેરિકાવાસી ગુજરાતી લેખકોને લાડ કરતું અને પોષણ આપતું કોડીલું મેગેઝિન. આ પુસ્તક એટલે અમેરિકામાં વસતા ગુજરાતી લેખકોના પચીસ વર્ષનો માટીડા જેવો જુવાન ચહેરો. પચીસ વર્ષની યાત્રા દરમિયાન આ સામયિકમાં છપાયેલા અસંખ્ય અભ્યાસલેખો, વાર્તાઓ, કવિતાઓ, નિબંધો અને પ્રતિભાવોમાંથી ઉત્તમ સામગ્રી ચૂંટીને એનો આખેઆખો બૂફે પુસ્તકમાં પેશ કરવામાં આવ્યો છે

કેટકેટલા લેખકો અને કેટકેટલી કલમો. મધુ રાયની હરિયા શ્રેણીની અફલાતૂન નવલિકા જુઠ્ઠાઈ તરત ધ્યાન ખેંચે છે. મન-હૃદયના ભાવો અને લાગણીઓને યથાતથ કમ્યુનિકેટ કરવા માટે શબ્દો અને ભાષા ટૂંકા પડે છે એની આમાં વાત છે. લેખક એમની લાક્ષણિક શૈલીમાં ભગવાનના મોઢે હરિયાને ઉદ્ેશીને બોલાવડાવે છે કે, જુઠ્ઠાઈ તો સંબંધોની સિમેન્ટ છે, ગાંડા. એના વિના દુનિયા ન ચાલે, જુઠ્ઠાઈ વિના બધું કડડભૂસ થઈને ભાંગી પડે. ધોતિયામાં બધા નાગા! ગગા, શબ્દો જુઠ્ઠાઈનાં ધોતિયાં પહેરે છે.કિશોર રાવળ લિખિત ટુ બી ઓર નોટ ટુ બીમાં સ્કૂલટીચર મિસિસ રુથ ઈઝો કેટલી સરસ વાત કરે છે: જીવનના સોગઠાં અવળાં પડે કે માણસ ગમે તેટલી ભુલ કરી બેસે તે છતાં એને આનંદ માણવાનો હક સૌને પૂરો છે અને કોઈએ એ જતો કરવો ન જોઈએ.  કન પટેલમાં ભોળી પત્નીને ભૂલી જઈને અમેરિકનને પરણી જતા અને પછી અહીંનું અહીં જ ભોગવતા પ્રોફેસરની કહાણી છે.

કવિતા વિભાગમાં ગીત, છંદોબદ્ધ, અછાંદસ, ગઝલ એવાં રીતસર વિભાજન થયાં છે. ચંદ્રકાન્ત શાહ અહીં ડિઝાઈનર લેબલ્સનું ગીત ગાય છે. વિજય દોશી શ્રદ્ધાંધને કોલોરોડોની કોતરોમાં પાર્વતીના નર્તનનો ઝણકાર સંભળાય છે, તો હિમાંશુ પટેલ ન્યુયોર્કના મેનહાટનને એના દાંતાવાળા મિશ્રણ સહિત સ્વીકારે છે ને ચાહે છે. વિરાફ કાપડિયાએ પોતાની કવિતામાં એક સુંદર શબ્દપ્રયોગ કર્યો છે- ભૂમિસ્વામીત્વ. પ્રશાંત પટેલ કલ્પના કરે છે કે જુગટું હાર્યા પછી પાંડવો દેશવટો ભોગવવા અમેરિકા આવ્યા છે

પ્રીતિ સેનગુપ્તા કર્મભૂમિ-મર્મભૂમિ લેખમાં સ્વાનુભાવને ટાંકતા કહે છે કે, શરુઆતમાં અમેરિકામાં કાંઈ ગમતું નહીં. દેશઝુરાપો અને દેશપ્રેમ તો એવો કે હું સાવ અન્યાયી અને એકપક્ષી બની ગઈ હતી. અમેરિકાનું બધું જુદું તો લાગતું જ, પણ ખરાબ પણ લાગતું. જાણે કશું ન ગમાડવાનો નિર્ણય કર્યો હતો. પણ પછી તો એ ખૂબ ઘુમ્યાં. અમેરિકાની વિસંગતીઓમાં તર્કયુક્તતા જોતાં થયાં. એકસમાન દેખાતી બાબતોમાં પણ આંખો પહોળી થઈ જાય એટલું વૈવિધ્ય જોઈ શક્યાં. આમ કરતાં કરતાં દેશની કંઈક સમજણ પડી. ગમી જાય એનો આનંદ માણી શકાય, અને ન ગમે તેને સહન કરી શકાય એવી સમજણ. લેખિકા ઉમેરે છે કે, ભારતમાં કદાચ એવો ખ્યાલ પ્રવર્તે છે કે અમેરિકામાં આવી વસનારાં બધાં બદલાઈ જતાં હોય છે - રીઢા, ધનપ્રેમી અને ભૌતિકવાદી થઈ જતા હોય છે. અહીં બધા બદલાય છે એવું નથી હોતું, ને તે જ રીતે ભારતમાં રહેનારું કોઈ બદલાતું જ નથી તેવું પણ નથી હોતું.આ ડાયાસ્પોરા સાહિત્ય છે. પુસ્તકમાં એનઆરઆઈ સાથે સંકળાયેલાં ક્લિશે એટલે કે બીબાંઢાળપણું ક્યાંક ક્યાંક જરુર ડોકાય છે. એ જોકે સ્વાભાવિક પણ છે. મજાની વાત એ છે કે લાગણીના આવેશમાં કંડારાયેલા લખાણમાંથી સાહિત્યિક પીઢતા તરફની ગતિ પણ સ્પષ્ટ વર્તાય છે. સંપાદક કિશોર દેસાઈ આ મામલે પૂરેપૂરા સભાન છે. તેથી જ એક જગ્યાએ એ નોર્થ અમેરિકન લેખકોને ઉદ્દેશીને લખે છે:

ભારતનું વાતાવરણ, ઘરઝુરાપો અને એવા માહોલમાં લખવાના આકર્ષણને દેશવટો આપો. તમારા કથાનાયક કે નાયિકાને બોરીવલીથી ચર્ચગેટ કે વડોદરાથી અમદાવાદને બદલે ન્યુયોર્કથી ટોરન્ટો કે લોસ એન્જલસથી લાસ વેગાસ કે સાન ફ્રાન્સિસ્કો જેવા સ્થળે વિહરવા દો. ગોકુળ કે વૃંદાવનની કુંજગલીઓમાં વિહરતા કાનજીને થોડા સમય માટે વિરામ આપો અને અહીંની હડસન, મિસીસિપી કે કોલોરાડો જેવી નદીઓમાં છબછબિયા કરવા દો... આ માત્ર તમારી જવાબદારી જ નહીં, પણ સમયની માગ પણ છે.

આ દળદાર પુસ્તક જહેમતપૂર્વક તૈયાર થયુંં છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓની માનસિકતા અને ભાવવિશ્વને સમજવા માટે એ  દૂરબીન અને માઈક્રોસ્કોપ બન્નેનું કામ કરે છે. વાંચવું અને મમળાવવું ગમે એવું સુંદર પુસ્તક.                                                                                        ૦ ૦ ૦


                                                            આનંદયાત્રા                                
સંપાદકકિશોર દેસાઈ
        પ્રકાશકગુર્જરી ચેરિટેબલ સોસાયટીમુંબઈ-૯૨
વિક્રેતા:  રંગદ્વાર પ્રકાશનઅમદાવાદ-
ફોન: (૦૭૯૨૭૯૧ ૩૩૪૪
કિંમત:  ૨૦૦ /
પૃષ્ઠ૫૯૮

Saturday, January 19, 2013

એન્ડ ઓસ્કર ગોઝ ટુ...


 દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 20 જાન્યુઆરી 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

 ઓસ્કરની સિઝન જામી ચૂકી છે. આ વખતે કઈ ફિલ્મો હોટ-એન્ડ-હેપનિંગ ગણાય છે?  વર્ષે ઓસ્કરની બેસ્ટ પિક્ચર કેટેગરીમાં નવ ફિલ્મો સામેલ છે. કઈ ફિલ્મ બાજી મારી જશે? શું છે આ ફિલ્મોમાં? પ્રત્યેકની વાત કરીએ, વન-બાય-વન.લિંકન: ફિલ્મમાં શું હશે એ સમજવા માટે સિર્ફ નામ હી કાફી હૈ. આપણા સૌના ફેવરિટ સ્ટીવન સ્પીલબર્ગ એના ડિરેક્ટર-પ્રોડ્યુસર છે. ડોરિસ ગુડવિન નામની લેખિકાએ ‘ટીમ ઓફ રાઈવલ્સ’ નામના પુસ્તકમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનની જીવનકથા આલેખી હતી, જે આ ફિલ્મનો મુખ્ય આધાર છે. ફિલ્મને 12 ઓસ્કર નોમિનેશન મળ્યાં છે. ‘લિંકન’ને જોકે સાત-સાત ગોલ્ડન ગ્લોબ નોમિનેશન્સ પણ જાહેર થયાં હતાં, પણ જીત્યો ફક્ત એક - બેસ્ટ એક્ટર (ડેનિયલ ડે-લેવિસ), ટાઈટલ રોલ માટે. જોઈએ, ઓસ્કરમાં આ ફિલ્મ કેવુંક જોર કરે છે.લાઈફ ઓફ પાઈ: એન્ગ લીની આ અફલાતૂન ફિલ્મ લગભગ ભારતીય છે, ‘સ્લમડોગ મિલિયોનેર’ની જેમ. ફિલ્મમાં તબુ છે, ઈરફાન ખાન છે, નવોદિત સૂરજ શર્મા છે, બેંગાલી ટાઈગર છે અને ‘જેને રામ રાખે એને કોણ ચાખે’ પ્રકારની આધ્યાત્મિક ફિલોસોફી પણ છે. એક તરુણ અને ખૂંખાર વાઘ ભરદરિયે જે રીતે લાગલગાટ 227 દિવસ સુધી જીવસટોસટની બાજી ખેલે છે  તે વાત એટલી સરસ રીતે પેશ થઈ છે કે દર્શકની આંખો ચાર થઈ જાય. આ ફિલ્મ વિશે આપણે આ કોલમમાં નિરાંતે વાત કરી ચૂક્યા છીએ (‘મલ્ટિપ્લેક્સ’, 18 નવેમ્બર 2012) અને ઘણા વાચકો બિગ સ્ક્રીન પર તેને માણી પણ ચૂક્યા છે. આ વર્ષના ઓસ્કરમાં ‘લાઈફ ઓફ પાઈ’ મોસ્ટ ફેવરિટ ગણાય છે. જોકે તે એક જ ગોલ્ડન ગ્લોબ અવોર્ડ જીતી શકી છે -  બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો. ‘સ્લમડોગ મિલિયોનર’ને દસ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં હતાં. એમાંથી આઠ અવોર્ડ એણે જીતી લીધેલાં. ‘લાઈફ ઓફ પાઈ’ને 11 નોમિનેશન્સ મળ્યાં છે. તે ‘સ્લમડોગ...’ જેવો સપાટો બોલાવી શકશે? લેટ્સ સી.સિલ્વર લાઈનિંગ્સ પ્લેબૂક: આ એક સરસ મજાની રોમેન્ટિક કોમેડી છે. ફિલ્મનો હીરો તાજો તાજો પાગલખાનામાંથી છૂટ્યો છે.  એણે પોતાની પત્નીના પ્રેમીને બરાબરનો ધીબેડ્યો હતો. પછી નિદાન થયું કે હીરો બાપડો બાયપોલર ડિસઓર્ડર નામના માનસિક રોગથી પીડાય છે. એ પાગલખાનામાંથી મા-બાપ પાસે આવી તો ગયો પણ એનું પાગલપણું પૂરેપૂરું ગયું નથી. એને હવે કોઈ પણ ભોગે પત્ની પાછી જોઈએ છે. દરમિયાન એનો ભેટો એક અતરંગી સ્ત્રી સાથે થાય છે. એ તો આના કરતાંય મોટી પાગલ છે. ‘હેંગઓવર’ ફેમ બ્રેડલી કૂપર મુખ્ય ભુમિકામાં છે. એના પિતાના રોલમાં રોબર્ટ દ નીરોને જોવા એક લહાવો છે. ફિલ્મમાં અનુપમ ખેર પણ છે, ગુજરાતી માનસચિકિત્સકના રોલમાં. ઓસ્કર નોમિનેશન્સની સંખ્યા? આઠ. હિરોઈન જેનિફર લોરેન્સ ઓલરેડી બેસ્ટ એક્ટ્રેસનો ગોલ્ડન ગ્લોબ જીતીને બેઠી છે.લે મિઝરેબલ્સ: ખાસ નોંધ. આ ફિલ્મના ફ્રેન્ચ ટાઈટલનું સાચું ઉચ્ચારણ કેમેય કરીને ગુજરાતી લિપિમાં લખી શકાય એમ નથી એટલે હાલપૂરતું ‘લે મિઝરેબલ્સ’થી ચલાવજો. મૂળ આ વિક્ટર હ્યુગોની નવલકથાનું નામ છે. બિનફ્રેન્ચો જોકે ઘણું કરીને એ આ જ રીતે બોલે છે. એની વે. આ એક હળવી મ્યુઝિકલ ફિલ્મ છે. ઓગણીસમી સદીના લગભગ પ્રારંભમાં જ્યોં નામનો એક કેદી ઓગણીસ વર્ષના જેલવાસ પછી મુક્ત થાય છે. ધીમે ધીમે એ પોતાની ઓળખ ઊભી કરે છે. પોતાની અનૌરસ દીકરીની સંભાળ લેતા લેતા ફ્રાન્સના એક નગરનો મેયર સુદ્ધાં બને છે. જોકે એક પોલીસ ઈન્સપેક્ટર (અદભુત રસલ ક્રો) એની પાછળ આદુ ખાઈને પડ્યો છે. રાજકીય ઉથલપાથલના પશ્ચાદભૂમાં આકાર લેતી આ કથા 17 વર્ષના અંતરાલમાં ફેલાય છે. આ ફિલ્મને આઠ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે. એણે ચાર મહત્ત્વનાં ગોલ્ડન ગ્લોબ અવોર્ડઝ ઓલરેડી જીતી લીધા છે.અર્ગો: આ એક અમેરિકન થ્રિલર છે. હેન્ડસમ હીરો બેન એફ્લેક એનો ડિરેક્ટર છે. 2007માં પ્રકાશિત થયેલા એક લેખના આધારે આ ફિલ્મ બનાવવામાં આવી છે. વાત એમ હતી કે 1979માં ઈરાન ખાતની અમેરિકન એમ્બેસી પર સ્થાનિક ક્રાંતિકારીઓએ હલ્લો કરીને કેટલાય અમેરિકનોને બંદી બનાવીને લઈ ગયા હતા. છ અમેરિકનો જોકે છટકવામાં સફળ રહ્યા. એમને ઈરાનમાંથી બહાર કેવી રીતે કાઢવા? સીઆઈએ એક દિલધડક પ્લાન ઘડી કાઢે છે. કેનેડિયન ફિલ્મના શૂટિંગના બહાને સીઆઈએની ટોળકી ઈરાન પહોંચી જાય છે. એમનો ઉદ્દેશ એક જ છે - શૂટિંગનું નાટક કરતા રહીને પેલા છ અમેરિકનોનું  ‘સ્મગલિંગ’ કરીને દેશભેગા કરવા.  આ ફિલ્મને સાત ઓસ્કર નોમિનેશન મળ્યાં છે.જેન્ગો અનચેઈન્ડ: આ ફિલ્મના હોટશોટ ડિરેક્ટર છે, ક્વેન્ટિન ટેરેન્ટિનો. ‘ટાઈટેનિક’ ફેમ લિયોનાર્ડો દકેપ્રિયો અહીં નેગેટિવ રોલમાં છે. વાર્તાનો સમયગાળો ઓગણીસમી સદીનો છે. જેન્ગો એક મુક્ત થઈ ગયેલો ગુલામ છે, જેની પત્ની એક ક્રૂર અને ધનવાન આદમી (લિઓનાર્ડો)ના સકંજામાં છે. જેન્ગોનું મિશન છે, કોઈ પણ ભોગે પત્નીને છોડાવવી. આ ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં છે. તાજેતરમાં ઘોષિત થયેલા ગોલ્ડન ગ્લોબ અવોર્ડઝમાં આ ફિલ્મે બેસ્ટ સપોટિર્ંગ એક્ટર (ક્રિસ્ટોફર વોલ્ટ્ઝ) અને બેસ્ટ સ્ક્રીનપ્લે માટેના પુરસ્કાર ઓલરેડી જીતી લીધા છે.આમોર: અહા, આ અદભુત ફ્રેન્ચ વિશે આપણે આ કોલમમાં વિગતવાર વાત કરી ચૂક્યાં છીએ (‘મલ્ટિપ્લેક્સ’, 4 નવેમ્બર 2012). એંસીના દાયકામાં પ્રવેશી ચુકેલાં પતિ-પત્ની છે. પેરિસનાં એક નાનકડાં પણ સરસ મજાના ફ્લેટમાં એકલાં રહે છે. બન્ને વચ્ચે ગજબનો મનમેળ છે. અચાનક ડોસીમાનું અડધું શરીર પેરેલાઈઝ્ડ થઈ જાય છે. એમનું શાંત, ગોઠવાયેલું જીવન વેરવિખેર થઈ જાય છે. બીમારી એટલી હદે તીવ્ર બની જાય છે કે... આ હૃદયદ્રાવક ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે. આ વર્ષે ઓસ્કરમાં બેસ્ટ એક્ટ્રેસની રેસમાં એક છેડા પર ‘બીસ્ટ્સ ઓફ સધર્ન વાઈલ્ડ’ની નવ વર્ષની બાળ અભિનેત્રી છે તો તદ્ન વિરુદ્ધ અંતિમ પર ‘આમોર’નાં 85 વર્ષીય ઈમેન્યુએલ રીવા છે. બેસ્ટ એક્ટ્રેસના ઓસ્કર માટે નામાંકિત થનારાં એ અત્યાર સુધીનાં સૌથી સિનિયર અભિનેત્રી છે. આ ફિલ્મને બેસ્ટ ફોરેન ફિલ્મનો ગોલ્ડન ગ્લોબ અવોર્ડ ઓલરેડી મળી ચૂક્યો છે.ઝીરો ડાર્ક થર્ટી: આ એક સ્પાય-થ્રિલર છે. અમેરિકાએ જે રીતે ઓસામા બિન લાદેનનો ખાત્મો કર્યો એનું આ ફિલ્મમાં દિલધડક ચિત્રણ છે. ઓસ્કર વિનર ‘ધ હર્ટ લોકર’નાં ડિરેક્ટર કેથરીન બિગેલોએ  આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું સારું એવું શૂટિંગ ભારતમાં પણ થયું હતું. ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે. એણે ચાર ગોલ્ડન ગ્લોબ અવોર્ડઝ ઓલરેડી જીતી લીધા છે.
બીસ્ટ્સ ઓફ ધ સધર્ન વાઈલ્ડ: આ એક ફેન્ટસી ફિલ્મ છે, જે ‘જ્યુસી એન્ડ ડેલિશિયસ’ નામના એકાંકી પર આધારિત છે. આ ફિલ્મમાં એક તામસી સ્વભાવના બાપ અને એની છ વર્ષની દીકરીની વાત છે. તેઓ ધરતીના સાવ છેડે ધ્રુવપ્રદેશમાં રહે છે. બરફ પીગળે ત્યારે ઓરોચસ નામના ખૂંખાર જનાવર ગાંડા થાય છે, જેમનાથી કેવી રીતે બચવું એ અહીં સ્કૂલોમાં બચ્ચાઓને શીખવવામાં આવે છે. બને છે એવું કે બાપ સખ્ખત માંદો પડે છે. એ હવે ઝાઝું જીવે એમ નથી. આવી હાલતમાં દીકરી પોતાની વિખૂટી પડી ગયેલી માને શોધવા નીકળી પડે છે. આ ફિલ્મને ચાર ઓસ્કર નોમિનેશન મળ્યાં છે. દીકરીનો રોલ કરનાર ક્વેન્ઝહેન વોલિસ માત્ર નવ વર્ષની બેબલી છે, પણ એનેે બેસ્ટ એક્ટ્રેસ માટેનું નોમિનેશન મળ્યું છે! ઓસ્કારના ઈતિહાસમાં આટલી નાની એક્ટ્રેસનું અગાઉ ક્યારેય નામાંકન થયું નથી.

85મા ઓસ્કર અવોર્ડ સમારોહ 24 ફેબ્રુઆરીના રોજ લાઈવ ટેલિકોસ્ટ થશે. તમારી ડાયરીમાં નોંધી રાખજો.

શો-સ્ટોપર

મારી કેટલીય ફિલ્મો એવી છે જે પચાસ વર્ષ પહેલાં બની હોત તો પણ ચાલી જાત. એટલા માટે તો હું કહું છું કે હું થોડો જુનવાણી માણસ છું.

- સ્ટીવન સ્પીલબર્ગ (ફિલ્મમેકર)

Friday, January 18, 2013

હોલીવૂડ હંડ્રેડ: ફિલ્મ નંબર ૬: ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ : ગાતા રહે મેરા દિલ...


મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ - તા. ૧૬ જાન્યુઆરી ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

આપણી ફિલ્મોનાં સોંગ એન્ડ ડાન્સ રુટિન માટે આપણે જરાય સંકોચ અનુભવવાની જરુર નથી, કારણે કે હોલીવૂડ જ્યારે મ્યુઝિકલ બનાવે છે ત્યારે ગીતોનો રીતસર વરસાદ વરસાવી દે છે. જેમકે, આ યાદગાર અમેરિકન ફિલ્મમાં પૂરાં ૩૦ ગીતો છે!
ફિલ્મ નંબર ૬: ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક
જે એક અફલાતૂન મ્યુઝિકલ ફિલ્મની વાત કરીએ. તે મારિયા વોન ટ્રેપ લિખિત પુસ્તક ધ સ્ટોરી ઓફ ધ ટ્રેપ ફેમિલી સિંગર્સ પર આધારિત છે. આ પુસ્તક પરથી પહેલાં બ્રોડવે પર ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક નામનું હિટ મ્યુઝિકલ બન્યું અને પછી એ જ નામની ફિલ્મ બની. મા વગરનાં સાત બચ્ચાં, કડક બાપ, બાળકોની સારસંભાળ માટે લાવવામાં આવતી પતંગિયા જેવી નટખટ આયા અને ક્રમશ: બદલાતું જતું ઘરનું વાતાવરણ - આ થીમ અને એના પરથી બનેલી ફિલ્મ બન્ને એવરગ્રીન છે.

ફિલ્મમાં શું છે?

વાત ઓસ્ટ્રિયાના ખૂબસૂરત શહેર સાલ્ઝબર્ગની છે. કેપ્ટન વોન ટ્રેપ (ક્રિસ્ટોફર પ્લમર) એક વિધુર અને રિટાયર્ડ નેવલ ઓફિસર છે. એમને સાત બાળકો છે. મિજાજ લશ્કરી ધરાવતા કેપ્ટને ઘરમાં પણ વધુ પડતી શિસ્તનું વાતાવરણ લાદી દીધું છે. સંતાનો એનાથી ફફડે છે. બીજી બાજુ, મારિયા (જુલી એન્ડ્રુઝ) નામની ચુલબુલી યુવતી છે, જે એક કોન્વેન્ટમાં નન બનવા માટે તાલીમ લઈ રહી છે. મારિયાની હાલત પણ પેલાં છોકરાંવ જેવી છે. એનો મૂળ સ્વભાવ હસતાં-ગાતાં રહેવાનો છે, પણ ખ્રિસ્તી સાધ્વી બનવાનું છે એટલે એણે ધરાર ડિસીપ્લીનમાં રહેવું પડે છે. કેપ્ટન ટ્રેપને સંતાનો માટે આયાની જરુર છે. એ વડાં સાધ્વી એટલે કે મધર અબેસ (પેગી વૂડ)ને વાત કરે છે. વડાં સાધ્વી મારિયાને કેપ્ટનનાં ઘરે મોકલી આપે છે.

મારિયા તરત નોંધે છે કે કેપ્ટનને સંતાનો સાથે પ્રેમાળ બાપ જેવું વર્તન કરતાં આવડતું જ નથી. એ ઘરમાં ય વ્હીસલ મારે છે, કડકાઈથી આદેશ છોડે છે અને છોકરાઓ સેઈલર-સુટનો યુનિફોર્મ પહેરે એવો આગ્રહ રાખે છે. શરુઆતમાં પલટનને આયા દીઠી ગમતી નથી, પણ મારિયા કુનેહપૂર્વક સૌથી સાથે દોસ્તી કરી લે છે. સૌથી મોટી સોળ વર્ષની દીકરીને (જેને એક બોયફ્રેન્ડ પણ છે) એ કહે છે કે તને આ ઉંમરે ભલે ગર્વનેસની જરુર ન હોય, પણ હું તારી ફ્રેન્ડ તો બની જ શકુંને! મારિયા સૌને ગાતાં શીખવે છે, વાદ્યો વગાડતાં શીખવે છે. અત્યાર સુધી શુષ્કતા વચ્ચે જીવી રહેલાં ભાઈબહેનોનું જાણે જીવન પલટાઈ જાય છે. ઘરનો માહોલ બદલે છે. કેપ્ટન પણ સંતાનોની નિકટ આવે છે. કેપ્ટનને સમજાય છે કે મારિયાએ પોતાનાં સંતાનોને આઝાદીનો જે અહેસાસ કરાવ્યો છે એ કેટલો મૂલ્યવાન છે.ક્ેપ્ટનના જીવનમાં એક સ્ત્રી પણ છે - પૈસાદાર અને સોફિસ્ટીકેટેડ સોશ્યલાઈટ બેરોનેસ (ઈલેનોર પાર્કર), પણ કેપ્ટન હવે મારિયા તરફ  ઢળી રહ્યા છે. એ મારિયાના પ્રેમમાં પડે છે. મારિયા પણ કેપ્ટન તરફ ખેંચાઈ રહી છે. એણે તો સાધ્વી બનવાનું છે. એ કોઈ પુરુષના પ્રેમમાં કેવી રીતે પડી શકે? મૂંઝાયેલી મારિયા ઘર છોડીને પાછી કોન્વેન્ટમાં આવી જાય છે. મધર અબેસ એને સમજાવે છે કે તું પરિસ્થિતિથી ભાગ નહીં, એનો સામનો કર. મધર જાણે છે કે મારિયામાં નન બનવાનાં લક્ષણ આમેય પહેલેથી જ નહોતાં! મારિયા પાછી કેપ્ટનના ઘરે આવે છે, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું છે. પેલી સોશ્યલાઈટ બેરોનેસ સાથે કેપ્ટને સગાઈ કરી નાખી છે. કેપ્ટન જોકે બેરોનેસ પાસે નિખાલસતાથી કબૂલે છે કે પોતે મારિયાને પ્રેમ કરે છે. બેરોનેસ કહે છે: મને તો પહેલાંથી આ વાતની ગંધ આવી ગઈ હતી. એ સગાઈ તોડી નાખે છે. મારિયા અને કેપ્ટનનાં ધામધૂમથી લગ્ન થાય છે

ના, આ ઍન્ડ નથી. પિક્ચર અભી બાકી હૈ, મેરે દોસ્ત. વરઘોડિયાં હનીમૂન માટે પેરિસ ઉપડી જાય છે. પાછળ બચ્ચેલોગ સાલ્ઝબર્ગ મ્યુઝિક ફેસ્ટિવલની તૈયારીમાં બિઝી થઈ જાય છે. કેપ્ટન અને મારિયા પાછાં ફરે છે ત્યાં સુધીમાં દેશની પરિસ્થિતિ બદલાઈ ચૂકી હોય છે.  કેપ્ટનને આદેશ મળે છે કે તમારે બને એટલા જલદી જર્મન નેવલ હેડક્વાર્ટરમાં હાજર થઈ જવાનું છે. નાઝીવાદના વિરોધી એવા કેપ્ટનની આ આદેશને અનુસરવાની બિલકુલ ઈચ્છા નથી. જોકે નાઝી ગાર્ડસની નજરમાંથી બચવું મુશ્કેલ છે. કેપ્ટન એમને કહે છે કે આજે રાતે યોજાયેલા સાલ્ઝબર્ગ મ્યુઝિક ફેસ્ટિવલમાં મારા આખા પરિવારે ભાગ લીધો છે અને અમારું ત્યાં જવું જરુરી છે. એમને કહેવામાં આવે છે કે કે ઠીક છે, તમારું પર્ફોર્મન્સ પતાવી લો અને પછી સત્વરે જર્મની માટે રવાના થઈ જાઓ. ફેસ્ટિવલમાં તેઓ જે ગીત પર્ફોર્મ કરે છે એની કોરિયોગ્રાફી એવી છે કે એક પછી એક સૌને છટકતા જવાનો મોકો મળે છે. વિજેતાઓની ઘોષણા થાય છે એ દરમિયાન સૌ ગાયબ થઈ જાય છે. પહેલાં તેઓ કોન્વેન્ટમાં છુપાય છે, નાઝી સૈનિકો સાથે થોડો સંઘર્ષ પણ થાય છે, પણ મધર અને અન્ય સાધ્વીઓની મદદથી ભાગવામાં સફળ થાય છે. ફિલ્મના અંતિમ દશ્યમાં તેઓ આલ્પ્સના પહાડી રસ્તે સ્વિત્ઝર્લેન્ડ તરફ જતાં દેખાય છે.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મની ઓફર થઈ ત્યારે ડિરેક્ટર રોબર્ટ વાઈઝે પહેલાં તો ના પાડી દીધી હતી. એમને આ ફિલ્મની વાર્તા વધુ પડતી મીઠી અને સુષ્ઠુ સુષ્ઠુ લાગી. એમના ઈન્કાર પછી રોમન હોલીડેવાળા વિલિયમ વાઈલરને પસંદ કરવામાં આવ્યા. કોઈક કારણસર તેમણે પ્રોજેક્ટ છોડ્યો અને તેમના સ્થાને પાછા રોબર્ટ વાઈઝ ગોઠવાઈ ગયા. એક્ટ્રેસ જુલી એન્ડ્રુઝે અગાઉ માય ફેર લેડીના બ્રોડવે વર્ઝનમાં કામ કર્યું હતું. ેમેઈન હિરોઈન તરીકે રોબર્ટ વાઈઝની ફર્સ્ટ ચોઈસ એ જ હતી. ફિલ્મી દુનિયામાં જુલી હજુ નવી હતી. એની પહેલી ફિલ્મ મેરી પોપિન્સ હજુ સુધી રિલીઝ થઈ નહોતી.ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક રિલીઝ થઈ ત્યારે ખાસ કરીને બ્રોડવેના વિવેચકોએ દેખીતા કારણોસર એને વખોડી કાઢી હતી, પણ ફિલ્મ ચાલી, ખૂબ ચાલી. તીવ્ર નાણાભીડ અનુભવી રહેલો ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સ આ ફિલ્મને કારણે તરી ગયો. હોલીવૂડની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં એની ગણતરી થાય છે. દુનિયાભરની કેટલીય ફિલ્મો પર ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક વત્તીઓછી અસર જાઈ શકાય છેહોલીવૂડની કલ્ચરલી, હિસ્ટોરિકલી અને એસ્થેટિકલી સિગ્નીફિક્ધટ ફિલ્મોમાં તેનું નિશ્ચિત સ્થાન છે. ફિલ્મનું મ્યુઝિક આલ્બમ પણ ધૂમ વેચાયું. દસ ઓસ્કર નોમિનેશન્સ ઉપરાંત તેને ગ્રેમીનું આલ્બમ ઓફ ધ યરનું નોમિનેશન પણ મળ્યું.   

ધ સાઉન્ડ ઓફ મ્યઝિક રિલીઝ થઈ ત્યારે જે પુસ્તક પર તે આધારિત છે એની લેખિકા મારિયા વોન ટ્રેપને ન કોઈએ પ્રિવ્યુ શો માટે બોલાવ્યાં કે ન પ્રિમીયરમાં. મારિયા ટ્રેપે સામેથી સ્ટુડિયોના સાહેબોનો સંપર્ક કર્યો અને ડરતાં ડરતાં કહ્યું: હું પણ પ્રીમિયરમાં આવવા માગું છું. આવુંને? પ્રોડ્યુસરે ધડ દઈને કહી દીધું: સોરી, બધી સીટ્સ ફુલ થઈ ચુકી છે! શું બોલીવૂડ કે શું હોલીવૂડ, લેખકો બાપડાએ પહેલેથી જ સંઘર્ષ કરતા આવ્યા છે

ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર-પ્રોડ્યુસર : રોબર્ટ વાઈઝ
કલાકાર          : જુલી એન્ડ્રુઝ, ક્રિસ્ટોફર પ્લમર  
મૂળ લેખિકા      : મારિયા વોન ટ્રેપ  
ગીત-સંગીત      : રિચર્ડ રોજર્સ, ઓસ્કર હેમરસ્ટીન સેક્ધડ
દેશ               : અમેરિકા
રિલીઝ ડેટ        : ૨ માર્ચ, ૧૯૬૫
અવોર્ડઝ         : દસ ઓસ્કર નોમિનેશન્સમાંથી પાંચમાં વિજયી (બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ    એડિટિંગ                                                        ૦ ૦ ૦


Wednesday, January 16, 2013

તમે હેલિકોપ્ટર પેરેન્ટ છો કે સ્લો પેરેન્ટ?


ચિત્રલેખા - અંક તા. જાન્યુઆરી ૨૦૧૩

કોલમ: વાંચવા જેવું


                                                                                                                         
દિલ્હીમાં એક યુવતી પર ચાલુ બસે રુંવાટા ખડા થઈ જાય એવો ભયાનક સામૂહિક બળાત્કાર થયો અને દેશની જનતા, ખાસ કરીને જુવાનિયાઓ, ગુસ્સાથી પાગલ થઈ ગયા. ચારે તરફથી બુમરાણ મચ્યું: ગુનેગારોને તાત્કાલિક કડકમાં કડક સજા કરો, એમની ખસી કરી નાખો, જાહેરમાં ફાંસીએ ચડાવો... સરકાર કેમ ઠંડી થઈને બેઠી છે? આટલો વિલંબ શા માટે થાય છે? તકલીફ એ છે કે આપણી ક્ષતિપૂર્ણ ન્યાયપ્રક્રિયાના પ્રતાપે આ મામલો ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં જાય તો પણ ચુકાદો આવતા અને સજાનો અમલ થતાં થોડોઘણો વિલંબ તો થવાનો જ. હા, જો કાંગારુ કોર્ટ હોત તો વાત જુદી હતી. કાંગારુ કોર્ટમાં તો એક ઘા ને બે કટકા જેવો ત્વરિત ન્યાય થાય. આ કાંગારુ કોર્ટ છે શું, બાય ધ વે? આ પ્રશ્નનો ઉત્તર આજનાં પુસ્તક શબદ કીર્તનમાં વાંચવા જેવો છે.

ગુનેગારોને બચાવનો પૂરો મોકો આપ્યા વિના અવિધિસરની કોર્ટ ફટાફટ ન્યાય તોળી નાખે અને સજાનો અમલ પણ કરી નાખે એને કાંગારુ જસ્ટિસ કહે છે. આવી કોર્ટને કાંગારુ કોર્ટ કહે છે. કાંગારુ ચાલે નહીં, એ કૂદકા જ મારે. સર્વપ્રથમ ૧૮૫૩માં ફિલિપ ટેક્સટન નામના લેખકના લેખસંગ્રહમાં કાંગારુ કોર્ટ શબ્દનો પ્રયોગ થયો હતો. કેટલો મજાનો શબ્દપ્રયોગ.ભાષા વહેતી રહેવી જોઈએ. નદીની જેમ. જો એ બંધિયાર બને તો એમાં લીલ બાઝી જાય, પાણી ગંધાઈ ઉઠે. અંગ્રેજી આજે વિશ્વભાષા બની છે એનું એક મોટું કારણ એની લચક અને ફ્લેક્સિબિલિટી પણ છે. સતત પરિવર્તન પામતા સામાજિક-રાજકીય-સાંસ્કૃતિક માહોલ પ્રમાણે અંગ્રેજી ભાષા નવાનવા શબ્દો અને શબ્દપ્રયોગો પેદા કરી લે છે. એ પ્રચલિત બનતા જાય છે અને ક્રમશ: શબ્દકોષમાં સ્થાન પણ મેળવી લે છે. અંગ્રેજી એ રીતે સતત જીવતી અને વિસ્તરતી ભાષા છે. આ પુસ્તકમાં કાંગારુ કોર્ટ જેવા ૪૬ શબ્દપ્રયોગો એની આખેઆખી જન્મકુંડળી ઉપરાંત કેટલાંય એક્સ્ટ્રા ફીચર્સ સહિત જલસો પડી જાય એ રીતે સમજાવવામાં આવ્યા છે.

એક પ્રયોગ છે, હેલિકોપ્ટર પેરેન્ટ્સ. વધુ પડતાં ચિંતાખોર વાલીઓ પોતાનાં સંતાનની એકેએક હિલચાલ પર હેલિકોપ્ટરની જેમ માથે ને માથે ચકરાવા લેતાં રહેતાં હોય છે. એકવીસમી સદીનાં આવાં મા-બાપને હેલિકોપ્ટર પેરેન્ટ્સ કહે છે. ડો. હૈમ ગિનોટે નામના મનોચિકિત્સકે ૧૯૬૯માં બિટવીન પેરેન્ટ્સ એન્ડ ટીનેજર નામનું પુસ્તક લખ્યું હતું. એમાં એક ટીનેજરની ફરિયાદ ક્વોટ કરવામાં આવી હતી કે, માય મોમ ઈઝ હોવરિંગ લાઈક હેલિકોપ્ટર! સંભવત: હેલિકોપ્ટર પેરેન્ટ્સ શબ્દપ્રયોગનાં મૂળિયાં અહીં નખાયાં છેડેન્માર્ક-સ્વીડન જેવા ઠંડા દેશોમાં કર્લિંગ પેરેન્ટ્સ નામનો પ્રયોગ થાય છે. કર્લિંગ એટલે શિયાળામાં બરફાચ્છાદિત ભૂમિ પર મોટા પથ્થરને એક જગ્યાએ બીજી જગ્યાએ સરકાવવાની રમત. સફાઈ કામદારો રમત શરુ થાય એ પહેલાં બર્ફીલા રસ્તામાંથી નાના નાના પથ્થર વીણી લે છે કે જેથી મુખ્ય મોટા પથ્થરની ગતિમાં અવરોધ ઊભો ન થાય. સંતાનના રસ્તામાંથી સતત કાંટા-કંકર હટાવ્યાં કરતાં મા-બાપને કર્લિંગ પેરેન્ટ્સ કહે છે! લૉન મોવર પેરેન્ટ્સ શબ્દપ્રયોગ પણ આ જ અર્થમાં થાય છે. આ પ્રયોગોનો વિરુદ્ધાર્થી પ્રયોગ છે, સ્લો પેરેન્ટ્સ. યાદ રહે, સ્લો પેરેન્ટ્સ એટલે સંતાનને સાવ છટ્ટા મૂકી દેતાં બેદરકાર મમ્મીપપ્પાઓ નહીં, પણ દરેક કાર્ય યોગ્ય ગતિ તેમજ મોકળાશથી કરવા દેતાં પ્રેમાળ-સમજદાર વાલી

પશ્ચિમમાં આજકાલ ઊલટી ગંગા વહેવા લાગી છે. પુખ્ત થતાંની સાથે જ ઘર છોડીને સ્વતંત્ર જીવન જીવવાનું શરુ કરી દેતાં સંતાનો કેટલાંક વર્ષો પછી પાછાં મા-બાપ સાથે રહેવા લાગે છે. લેખકના શબ્દોમાં જ કહીએ તો, લાઈફ બનાવવા નીકળેલા જુવાનિયા ઘણી વાર વાઈફ સોતા પાછા ફરે છે. ક્યારેક તો ચિલ્ડ્રન પણ સાથે હોય! મંદી અને બેકારીના આ માહોલમાં એક આખેઆખી પેઢી માટે સ્વતંત્ર જીવવાનું દુષ્કર બનતું જાય છે. પિતૃગૃહે પરત ફરતી આ પેઢીને બૂમરેન્ગ જનરેશન નામ આપવામાં આવ્યું છે. બૂમરેન્ગ એટલે ૨૦થી ૩૦ ઈંચ લાંબી કાટખૂણે વળેલી પટ્ટી જેવું હથિયાર, જેને ચોક્કસ રીતે ફેંકવામાં આવે તો હવામાં ચક્રાકાર ગતિ કરીને પાછું ફેંકનારના હાથમાં પહોંચી જાય છે. સામાન્યપણે બૂમરેન્ગ થતા આ જુવાનિયા વીસથી ત્રીસ વર્ષના હોય છે. એનાથી મોટા પણ હોઈ શકે. લેખકે કોમેડિયન બિલ કોસ્બીનું સરસ ક્વોટ ટાંક્યું છે:

સમગ્ર પૃથ્વી પર માણસ એક જ એવું પ્રાણી છે કે જે પોતાનાં પુખ્ત સંતાનોને ઘરે પાછાં ફરવાની છૂટ આપે છે!

મોબાઈલ અને ઈન્ટરનેટ આધુનિક જમાનાની સંભવત: સૌથી પોપ્યુલર વસ્તુઓ છે. આપણી લાઈફસ્ટાઈલ સાથે એ એટલી હદે વણાઈ ગઈ છે કે એને લઈને કેટલાય નવા નવા શબ્દપ્રયોગો અંગ્રેજી ભાષામાં ઉમેરાઈ ગયા છે. જેમ કે, બટલર લાઈ. મોબાઈલ પર કોઈને ટાળવા હોય તો શું કહ્યું? સંભળાતું નથી... વાત કપાય છે...ટાવર મળતો નથી...કોઈનો ફોન આવી રહ્યો લાગે છે... હેલો હેલો હેલો કહીને ફોન ડિસકનેક્ટ કરી નાખવો એ બહુ કોમન ચેષ્ટા છે. મોબાઈલ પર જૂઠ બોલવાની કળાને બટલર લાઈ કહે છે. આ શબ્દપ્રયોગની વ્યુત્ત્પત્તિ પણ ઈન્ટેસ્ટિંગ છે. અમીર લોકો પાસે નોકરચાકરોની આખી ફોજ હોય છે, જેમાં કિચન અને મદિરાલય (ઘર-બાર) સંભાળતા સિનિયર નોકરને બટલર કહે છે. કોઈપણ મુલાકાતી ઘરે આવે તો એ માલિક કે માલિકણને સીધા ન મળી શકે. પહેલાં બટલર એને મળે, એનાં નામ-ઠામ જાણે અને માલિકને માહિતી આપે. જો માણસ મળવા જેવો ન હોય તો બટલર બહાર જઈ, નમ્રતાપૂર્વક જૂઠું બોલી પેલાને રવાના કરી દે. બસ, આના પરથી શબ્દપ્રયોગ બન્યો, બટલર લાઈ!કેટકેટલા શબ્દપ્રયોગો. સાયબર-વિડો, વીચ-હન્ટ, ચેક-બૂક જર્નલિઝમ, કોકટેલ, વાયરસ માર્કેટિંગ, સ્લટ, ફ્લેશમોબ, બનાના રિપબ્લિક... લેખક પરેશ વ્યાસ શબ્દપ્રેમી છે. સતર્ક પત્રકારની જેમ એ ચર્ચામાં રહેતા શબ્દપ્રયોગને ઝીલી લે છે, એની સાથે રોમાન્સ કરે છે અને પછી વાચક સાથે પોતાની મજા share કરતા જાય છે. દિવ્ય ભાસ્કરમાં છપાયેલા લેખોે આ રુપકડાં પુસ્તકમાં બેઠા છપાયા નથી, બલકે એમને સંવર્ધિત સ્વરુપ આપવામાં આવ્યું છે. ફન-ફેક્ટ્સ પુસ્તકને ઓર રોચક બન્યું છે. નિ:શંકપણે વાંચવા જેવું પુસ્તક. ૦ ૦ ૦

                                                                                    
શબદ કીર્તન
લેખકપરેશ વ્યાસ
       પ્રકાશકવંડરલેન્ડ પબ્લિકેશનરાજકોટ - 
વિક્રેતાબુકમાર્કઅમદાવાદ-
ફોન: (૦૨૮૧૩૦૫૩૫૭૭, (૦૭૯૨૬૫૮ ૩૭૮૭
કિંમત:  ૧૫૦ /
પૃષ્ઠ૧૯૦Tuesday, January 15, 2013

ફિલ્મ નંબર ૫: ‘ધ બાયસિકલ થીફ’: તેરી દો ટકીયા કી નૌકરી...


મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ - તા. ૯ જાન્યુઆરી ૨૦૧૩   

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ફિલ્મોમાં શહેરી જીવનની વિષમતામાંથી જન્મતા કારુણ્યની વાત આવે ત્યારે ધ બાયસિકલ થિફ આજેય એક સશક્ત રેફરન્સ પોઈન્ટ તરીકે જોવાય છે. મજાની વાત એ છે કે માસ્ટરપીસ ગણાતી આ ઈટાલિયન ફિલ્મના ડિરેક્ટરે એવા લોકો પાસે એક્ટિંગ કરાવેલી જેમને એક્ટિંગના ફિલ્ડ સાથે કોઈ લેવાદેવા નહોતી.  
 ફિલ્મ નંબર ૫: ધ બાયસિકલ થીફ
આજની ફિલ્મ ઈટાલિયન છે, જેનું ટાઈટલ ખરેખર તો બહુવચન સૂચક છે. ફિલ્મ અમેરિકામાં ધ બાયસિકલ થિફ નામે રિલીઝ થઈ, પણ ઈંગ્લેન્ડમાં રિલીઝ કરતી વખતે લાગતાવળગતાઓએ ટાઈટલ બદલાવીને બાયસિકલ થિવ્ઝ કરી નાખ્યું. મૂળ ઈટાલિયન શીર્ષકનો સાચો શાબ્દિક અનુવાદ બાયસિકલ થિવ્ઝ જ છે. બીજા વિશ્વયુદ્ધ પછીના રોમમાં આકાર લેતી આ હૃદયદ્રાવક ફિલ્મે દુનિયાભરના ફિલ્મમેકર્સ પર પ્રભાવ પાડ્યો છે. બિમલ રોયની દો બીઘા જમીન અને સત્યજિત રેની પાથાર પાંચાલી જેવી મહાન ભારતીય ફિલ્મો પર ધ બાયસિકલ થિફની ઘેરી અસર છે. આજના હોટશોટ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ તો ત્યાં સુધી કહે છે કે કાચી ઉંમરે ધ બાયસિકલ થિફ જોયા પછી જ મારા મનમાં પહેલી વાર ડિરેક્ટર બનવાની ખ્વાહિશ જાગી હતી.

 ફિલ્મમાં શું છે?

બીજા વિશ્વયુદ્ધ પછીનો સમય છે. રોમના ગરીબ વતની એન્તોેનિયો (લામ્બેર્તો માજ્યોરા)ની હાલત કફોડી થઈ ગઈ છે. બાપડો ઘાંઘો થઈને નોકરી શોધી રહ્યો છે કે જેથી જેમતેમ કરીને કુટુંબનું ગુજરાન ચાલી શકે. પરિવારમાં પત્ની મારિયા (લિઆનેલા કરેલ), આઠેક વર્ષનો દીકરો બ્રુનો (એન્ઝો સ્તઈઓલા) અને નાનકડું ભુલકું છે. આખરે એક કામ મળવાના યોગ ઊભા થાય છે. આખાં શહેરમાં ફરી ફરીને દીવાલો પર જાહેરાતના ચોપાનિયાં ચોંટાડવાનું કામ. કઠણાઈ જુઓ કે એન્તોનિયો આ નોકરી સ્વીકારી શકે તેમ નથી, કારણ કે આ કામ માટે સાયકલ જોઈએ અને એની સાયકલ તો ગિરવે મૂકેલી છે. પત્ની અમુક ઘરવખરી એકઠી કરે છે અને એના બદલામાં સાઈકલ છોડાવી લે છે. પત્નીને સાયકલ પર આગળ બેસાડીને એન્તોનિયા રાજી રાજી થતો ઘરે આવે છે. હવે નોકરી મળી જવાની છે એટલે એને તમામ સમસ્યાઓનો અંત આંખ સામે દેખાય છે.એન્તોનિયોની સુખ જોકે ઝાઝું ટકતું નથી. નોકરીના પહેલાં દિવસે એ નીસરણી પર ચડીને દીવાલ પર ચોપાનિયું લગાવતો હોય છે ત્યાં કોઈ જુવાનિયો એની સાયકલ ઉઠાવીને નાસી જાય છે. એન્તોનિયો એની પાછળ દોટ મૂકે છે, પણ પેલો કોણ જાણે ક્યાં રફૂચક્કર થઈ જાય છે. એન્તોલિયો પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી તો દે છે, પણ પોલીસ આમાં કંઈ ઝાઝું ઉકાળી શકે એમ નથી. એને ખબર પડે છે કે એક ચોક્કસ માર્કેટમાં ચોરીનો માલ-સામાન વેચાવા આવે છે. એન્તોનિયો દીકરા બ્રુનોને લઈને ત્યાં પહોંચી જાય છે. અહીં સાયકલ તો મળતી નથી, પણ પેલો ગઠિયો જરુર દેખાય છે. બાપ-દીકરો પેલાને પકડવાની ઘણી કોશિશ કરે છે, પણ એ પાછો હાથતાળી દઈને જતો રહે છે. એમનો પકડદાવ ખૂબ લાંબો ચાલે છે. દરમિયાન જાતજાતની ઘટનાઓ બનતી રહે છે. એન્તોનિયો ચોરનો પીછો કરતાં કરતાં એ વેશ્યાવાડા સુધી પહોંચી જાય છે. બૂમરાણ મચાવીને એ ટોળું એકઠું કરે છે, પણ લોકો ઊલટો એના પર જ આક્ષેપ મૂકે છે. એન્તોનિયો અપમાનિત થઈને દીકરા સાથે નીકળી જાય છે

બન્ને એક સ્ટેડિયમ પાસે પહોંચે છે. અંદર ફૂટબોલની મેચ ચાલી રહી છે અને બહાર પાર્કિંગમાં સાઈકલોની કતાર ખડી છે. એન્તોનિયો જુએ છે કે થોડે દૂર એક સાયકલ નધણિયાતી પડી છે. લાચાર એન્તોનિયો હવે જીવ પર આવી ગયો છે. એ દીકરાને થોડા પૈસા આપીને કહે છે: તું પેલી સ્ટ્રીટકારમાં બેસીને નીકળી જા. આગળ ફલાણી જગ્યા ઉતરીને મારી રાહ જોજે. બ્રુનો જાય છે. એન્તોનિયો હિંમત કરીને પેલી એકલીઅટૂલી પડેલી સાયકલ પર સવાર થઈને રફૂચક્કર થવાની કોશિશ કરે છે.


આ બાજુ સ્ટ્રીટકાર ચુકી ગયેલા બ્રુનોના કાને લોકોની રડારોડ સંભળાય છે. સામેનું દશ્ય જોતાં જ એ સ્તબ્ધ થઈ જાય છે. એ જુએ છે કે લોકો એના પિતાજીને સાયકલ પરથી ખેંચી રહ્યા છે. સાયકલનો માલિક રોષે ભરાઈને એના માથા પરથી હેટ ફેંકી દે છે. એન્તોનિયોને પોલીસ સ્ટેશન તરફ ખેંચી  જવાની પેરવી થઈ રહી છે ત્યાં જ સાયકલના માલિકની નજર બ્રુનો પર પડે છે. હેબતાઈ ગયેલો બ્રુનો બિચારો પપ્પાની હેટ પકડીને ઊભો છે. સાયકલના માલિકને દયા આવે છે. એ એન્તોનિયોને છોડી મૂકે છે.

બાપ-દીકરો ટોળાથી દૂર આવે છે. બ્રુનો પપ્પાને હેટ આપે છે. દીકરાની સામે ભયંકર અપમાનિત થઈ ગયેલો એન્તોનિયો શૂન્ય થઈ ગયો છે. એણે પ્રયત્નપૂર્વક પોતાનાં આંસુ આંખોની પાછળ ધકેલી દીધાં છે. સાયકલચોરની તલાશ કરી રહેલો એન્તોનિયો ખુદ દીકરાની નજરમાં સાયકલચોર બની ગયો છે. દીકરો એનો હાથ પકડે છે. ધીમે ધીમે બન્ને ભીડમાં ખોવાઈ જાય છે.

કથા પહેલાંની અને પછીની

૧૯૪૮માં રિલીઝ થયેલી આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ સેઝરે ઝેવેત્તીની નામના લેખકની નવલકથા પર આધારિત છે. ઈટાલિયન સિનેમામાં જે વાસ્તવદર્શી સિનેમાનો દૌર શરુ થયો હતો એમાંની આ શ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. ફિલ્મમેકર વિત્તોરિયો દી સિકા પાસે આ ફિલ્મ બનાવવાના પૈસા નહોતા, કોઈ મોટો સ્ટુડિયો એને સાથ આપવા તૈયાર નહોતો, આથી ગાંઠના પૈસેથી અને મિત્રો પાસેથી ઉછીઉધારા કરીને આ ફિલ્મ બનાવી. ફિલ્મ નિઓ-રિયલિઝમ શૈલીની હતી એટલે તમામ શૂટિંગ અસલી લોકેશન પર કરવામાં આવ્યુંં. વળી, ડિરેક્ટર એક પણ તાલીમબદ્ધ એક્ટરનો ઉપયોગ કરવા માગતા હતા. ફિલ્મની આખી કાસ્ટમાંથી કોઈએ જિંદગીમાં અગાઉ ક્યારેય એક્ટિંગ કરી નહોતી. એન્તોનિયો બનતો નાયક કારખાનાનો કારીગર હતો! બ્રુનો બનતો આઠ વર્ષનો ટાબરિયો અસલી જીવનમાં પોતાના પિતાજી સાથે રસ્તા પર ફુલો વેચવાનું કામ કરતો હતો. બન્યું એવું ફિલ્મનું કંઈક કામકાજ કોઈ જાહેર જગ્યા પર ચાલી રહ્યું હતું ત્યારે અને આ છોકરો ઊભો ઊભો જોઈ રહ્યો હતો. ડિરેક્ટરસાહેબનું એના પર ધ્યાન પડ્યું અને બ્રુનો જેવા મહત્ત્વના પાત્રમાં એને ફિટ  કરી લીધો! ફિલ્મમાં કામ કરનારા મોટા ભાગના લોકો અસલી જિંદગીમાં પણ પોતાનાં કિરદાર જેવા જ હતા તેથી ફિલ્મનું વાસ્તવદર્શી ચિત્રણ ઓર ધારદાર બન્યું.ધ બાયસિકલ થિફ ઈટાલીમાં રિલીઝ થઈ ત્યારે એની ટીકા થઈ હતી, કારણ કે ફિલ્મમાં ઈટાલિયનોને નકારાત્મક રીતે ચિતરવામાં આવ્યા છે એવી અસર ઊભી થતી હતી. જોકે ઈટાલીની બહાર એની જબરદસ્ત પ્રશંશા થઈ. ઢગલાબંધ અવોર્ડઝ મળ્યા. એને માસ્ટરપીસનો દરજ્જો મળ્યો. ૧૯૫૦માં એને એકેડેમી ઓનરરી અવોર્ડ આપવામાં આવ્યો. ફિલ્મ રિલીઝ થઈ એના ચોથા જ વર્ષ પછી એને ઓલ-ટાઈમ-ગ્રેટ ફિલ્મોની સૂચિમાં સામેલ કરી દેવામાં આવી. આજની તારીખે પણ સર્વકાલીન મહાનતમ ફિલ્મોની ચર્ચા ધ બાયસિકલ થિફ વગર અધૂરી રહી જાય છે. શહેરી જીવનની વિષમતા, એમાંથી જન્મતું કારુણ્ય, માસૂમ સંતાન સામે ગરીબીને કારણે થતું લાચાર બાપનું માનભંગ... આ બધું સંવેદનશીલ દર્શકના મન-મગજમાં હંમેશ માટે કોતરાઈ જાય એવું છે.

 ધ બાયસિકલ થિફ ફેક્ટ ફાઈલ 
  
ડિરેક્ટર-પ્રોડ્યુસર : વિત્તોરિઓ દી સિકા
કલાકાર          :  લામ્બેર્તો માજ્યોરાલિઆનેલા કરેલ, એન્ઝો સ્તઈઓલા 
મૂળ નવલકથાકાર: સેઝરે ઝેવેત્તીની  
દેશ               : ઈટાલી
રિલીઝ ડેટ        : ૨૪ નવેમ્બર ૧૯૪૮
મહત્ત્વના અવોર્ડઝ : ઓનરરી એકેડેમી અવોર્ડ, બેસ્ટ ફોરેન ફિલ્મનો ગોલ્ડન ગ્લોબ અવોર્ડ