Monday, June 29, 2020

વેલકમ બૅક, સુસ્મિતા!


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 28 જૂન 2020, રવિવાર 
મલ્ટિપ્લેક્સ
ઉત્તમ લખાવટ, અફલાતૂન ડિરેક્શન અને મસ્તમજાનાં પર્ફોર્મન્સીસવાળી આર્યા વેબ સિરીઝ જોવાય. ચોક્કસપણે જોવાય.


 ર્યા વેબ શો વિશે ઉત્સુકતા જાગવાનાં બે મુખ્ય કારણો હોય. એક તો, સુસ્મિતા સેને વર્ષો પછી અભિનેત્રી તરીકે પુનરાગમન કર્યું છે. ભૂતપૂર્વ મિસ યુનિવર્સ રહી ચૂકેલી આ એક્ટ્રેસના ઇન્ટરવ્યુઝ જોવા-વાંચવાની હંમેશા મજા આવી છે. આપણને થાય કે આટલી સુપર કૉન્ફિડન્ટ, આટલી ચાર્મિંગ અને ઠીક ઠીક પ્રતિભાશાળી એવી સુસ્મિતાએ કેમ આટલું ઓછું અને પાંખું કામ કર્યું હશે? આર્યામાં રસ પડવાનું બીજું કારણ છે, વેબ શોના ડિરેક્ટર, રામ માધવાણી. એમની છેલ્લી ફિલ્મ નીરજા’ (2016) ખરેખર અસરકારક હતી. એમની પહેલી ફિલ્મ લેટ્સ ટૉક (2002), કે જેના થકી બમન ઇરાનીએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો, તે પણ ખાસ્સી ઇન્ટરેસ્ટિંગ હતી.

કોઈ પણ ફિલ્મ કે સિરીઝ સારી યા ખરાબ છે તે માપવાનો મૂળભૂત માપદંડ એ જ હોવાનો કે તે તમને જકડી રાખી શકે છે કે કેમ. તો શું હોટસ્ટાર પર મૂકાયેલી આર્યા દર્શકને સતત બાંધી રાખે છે? જવાબ છે, હા બિલકુલ. સરેરાશ પચાસેક મિનિટનો એક એવા નવ એપિસોડવાળો આ શો તમે માત્ર જોતા નથી, તમે બિન્જ-વૉચ કરો છો, મતલબ કે ભૂખ્યો માણસ એકશ્વાસે આખી થાળી સફાચટ કરી નાખે તેમ તમે પણ, જો સમયની પૂરતી મોકળાશ હોય તો, આઇલ્લા... હવે શું થશે, હવે શું થશે કરતાં કરતાં આખો શો સડસડાટ જોઈ કાઢો છો.  



શું છે આર્યામાં? આ શો મૂળ પેનોઝા (2010) નામની એક ડચ વેબ સિરીઝની રિમેક છે. થોડી સ્પોઇલર-ફ્રી વિગતો જોઈ લઈએ. સુસ્મિતા સેન (આર્યા) એક રાજસ્થાનના એક અતિ ધનિક પરિવારની સ્ત્રી છે. એ વાત અલગ છે કે પાત્રોની બોલચાલ અને લાઇફસ્ટાઇલ પરથી વાર્તાનું લોકાલ રાજસ્થાનને બદલે મુંબઈ કે દિલ્હી જેવું વધારે લાગ્યા કરે છે. હવામાં ઊંધા લટકીને એરિયલ એક્સરસાઇઝ કરતી સ્ટાઇલિશ આર્યા ત્રણ સંતાનોની મા છે. એનો પ્રેમાળ  બિઝનેસમેન પતિ (ચંદ્રચૂડ સિંહ, યાદ છે?) નામ પૂરતી એક ફાર્માસ્યુટિકલ કંપની ચલાવે છે. મૂળ તો એ અફીણનો ગેરકાયદે ધંધો કરે છે. આર્યાના પિતાએ આખી જિંદગી આ જ બેનામી ધંધો કરીને કરોડોની કમાણી કરી છે. આર્યાનો માથાફરેલ લાલચુ ભાઈ પણ આ જ લાઇનમાં છે. ટૂંકમાં, ગૉડફાઘરની માફક આ પણ એક માફિયા પરિવાર છે. શોના પ્રારંભમાં જ આર્યાના પતિની ધોળે દિવસે હત્યા થઈ જાય છે. દુશ્મનો વસૂલી કરવા ડાઘિયા કૂતરાની જેમ પાછળ પડે છે. આર્યાએ હવે પરિસ્થિતિની લગામ પોતાના હાથમાં લઈને પરિવારને સુરક્ષિત રાખવાનો છે. એણે (અને ઑડિયન્સે) કલ્પના પણ ન કરી હોય તેવા ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ આવ્યા કરે છે ને આખરે... વેલ, આખરે શું થાય છે તે તમારે જાતે જોઈ લેવાનું છે.

રામ માધવાણી ખરેખર તો ડચ શો પેનોઝા પરથી ફિચર ફિલ્મ બનાવવા માગતા હતા. ફિલ્મ તો ન બની, પણ સાત વર્ષના સ્ટ્રગલ બાદ વેબ શો જરૂર બન્યો. આર્યા જોઈને આપણને જરૂર લાગે કે આ કથાનક પરથી એકાધિક સિઝન ધરાવતી વેબ સિરીઝ બને તે જ સારું છે. રામ માધવાણી, કે જે આ શોના સહનિર્માતા અને સહનિર્દેશક છે, તેમણે 59 દિવસોમાં આખી સિઝનનું શૂટિંગ પૂરું કરી નાખ્યું હતું. કલાકારોએ ડબિંગ લૉકડાઉન દરમિયાન પોતપોતાના ઘરેથી કર્યું! 

શૂટિંગ પહેલાં વર્કશોપ વખતે જ કલાકારોને કહી દેવામાં આવ્યું હતું કે તમારે જાણે થિયેટરમાં રંગમંચ પર પર્ફોર્મન્સ આપતા હો તે રીતે એક્ટિંગ કરવાની છે. કૅમેરા ટીમને સૂચના આપવામાં આવી હતી કે તમારે એક્ટર્સને એમની રીતે હરવાફરવાની પૂરી છૂટ આપવાની છે. ધારો કે કોઈ સીનમાં ડાઇનિંગ ટેબલ પર બેઠેલી સુસ્મિતા સેનને ડાયલોગ બોલતાં બોલતાં ઊભા થઈને ફ્રિજમાંથી પાણી પીવાનું મન થાય તો એ આવું ચોક્કસ કરી શકે. સ્ક્રિપ્ટમાં આવી ચેષ્ટા લખાયેલી ન હોય, તો પણ. કૅમેરા ટીમે તમામ એક્ટર્સનાં આવાં સ્પોન્ટેનિયસ હલનચલનને કેપ્ચર કરવા માટે સતત એલર્ટ રહેવાનું. લાંબા લાંબા, દસ-દસ મિનિટના શોટ્સ હોય. શોટની શરૂઆતમાં મજાકમસ્તી ચાલતાં હોય ને અચાનક એ જ શોટમાં કોઈ પાત્રને ખરાબ ન્યુઝ મળે ને સ્ક્રિપ્ટ પ્રમાણે એણે ધ્રૂસકે ધ્રૂસકે રડવાનું હોય. સુસ્મિતા સેને ડિરેક્ટરને પૂછ્યું પણ ખરું કે આંખમાં ગ્લિસરીન નાખ્યા વગર એકાએક હું કેવી રીતે રડું? રામ માધવાણીએ કહી દીધુઃ તો નહીં રડવાનું. સિમ્પલ. એક્ટરોને સમજાઈ ગયું કે અહીં અમારે ટિપિકલ ફિલ્મ કે ટીવી શોની જેમ શૂટિંગ કરવાનું નથી, બલ્કે, ખરેખર પાત્રપ્રવેશ કરીને જે-તે કિરદારની લાગણીઓને ભીતરથી અનુભવીને પર્ફોર્મ કરવાનું છે. રામ માધવાણીએ એક ઇન્ટરવ્યુમાં સરસ વાત કરી કે એક્શનની કન્ટિન્યુટી કરતાં મને ઇમોશનની કન્ટિન્યુટીમાં વધારે રસ હોય છે. ઘટનાઓ માત્ર શોટ ચાલુ હોય ત્યારે જ બનતી નથી. ઘટનાઓ એક્શનનો આદેશ અપાય તે પહેલાં અને કટ બોલાય તે પછી પણ ચાલતી હોય છે.\



આર્યાના પહેલાં એકાદ-બે એપિસોડ્સમાં સુસ્મિતા સેનનો અભિનય સપાટ લાગે છે. તે દર્શકનાં મન-હૃદયમાં ખાસ સ્પંદનો પેદા કરી શકતી નથી. સદભાગ્યે આ ફરિયાદ લાંબો સમય ટકતી નથી. સુસ્મિતા પછી તો પોતાના પાત્રને એવું તો બોચીએ પકડે છે કે છેક સુધી પકડ ઢીલી કરતી નથી. લાગે છે, સુસ્મિતાની એક્ટ્રેસ તરીકેની આ ઇનિંગ્સ ઘણી વધારે સંતોષકારક પૂરવાર થવાની.

તો શું આર્યા જોવાય? જવાબ છેઃ હા. ઉત્તમ લખાવટ, અફલાતૂન ડિરેક્શન અને મસ્તમજાનાં પર્ફોર્મન્સીસવાળી આ વેબ સિરીઝ જોવાય. ચોક્કસપણે જોવાય.                    


0 0 0 

Thursday, June 18, 2020

મેરી ઉસ્તાદિની કી ઉમ્મર ખુદા દરાઝ કરે...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 17 જૂન 2020, બુધવાર
ટેક ઓફ 
જ્યારે રેહાના આવ્યાં ત્યારે મેં મજાકમાં કહ્યું, તું આશ્રમવાસીઓને મુસલમાનો બનાવ, હું તને હિંદુ બનાવીશ. અહીં જે શીખે તેમનેય કંઈક આયાતો શીખવતી જા. તેણે શરૂ કર્યું. પછી પૂછવું જ શું? બઘા સાથે તે એકરૂપ થઈ ગયાં હતાં. ભક્તોએ આયાત શીખી લીધી.

રામકથાકાર મોરારીબાપુ છેલ્લા કેટલાક દિવસોથી અપ્રિય કારણોસર સમાચારમાં છે. અત્યંત ગલીચથી લઈને હળવી ભાષામાં એમની ટીકા કરનારાઓની વાતમાં એક મુદ્દો કૉમન છે કે ઈશ્વર અને અલ્લાહ એક જ છે તેવી ભાવના વ્યક્ત કરતી ચેષ્ટા ફક્ત બાપુ જ કેમ કરે છે? મુસ્લિમ સમાજ કેમ મસ્જિદમાં કે કોઈ જાહેર મંચ પરથી રામનામ કે કૃષ્ણનામના જાપ કરીને વળતો પ્રતિસાદ આપતો નથી? બન્ને ધર્મો પ્રત્યે સમાન દષ્ટિ ધરાવવાની લાગણી એકપક્ષી કેવી રીતે હોઈ શકે? તે પારસ્પરિક હોય તો જ તેનો અર્થ સરે ને!
આ ટીકાકારોના જીવને સહેજ નિરાંત થાય એવું એક અસલી કિરદાર નજીકના ભૂતકાળમાં થઈ ગયું છે. એમનું નામ રેહાના તૈયબજી. તેઓ ગાંધીજીનાં અંતેવાસી હતાં. 1901માં તેમનો જન્મ. જેવી અઠંગ એમની રાષ્ટ્રભક્તિ એટલી જ બળકટ એમની કૃષ્ણભક્તિ. એમને આખી ગીતા કંઠસ્થ હતી. એમણે હાર્ટ ઑફ ગોપી નામનું પુસ્તક લખ્યું હતું, જેનું બળવંતરાય ક. ઠાકોરે ગોપીહૃદય નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. રેહાના તૈયબજી વિશે વિગતે જાણવા જેવું છે.
રેહાના તૈયબજીનો પરિવાર સુલેમાની વહોરા. મૂળ તેઓ ઇજિપ્તના શિયા મુસલમાન. સુન્ની તુર્કોએ ઇજિપ્ત પર આક્રમણ કર્યું હતું ત્યારે તેઓ સમુદ્ર માર્ગે ગુજરાતના ખંભાત બંદરે પહોંચ્યા હતા અને પછી અહીં જ વસી ગયા. આ પરિવારના બદરૂદ્દીન તૈયબજી ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર બનેલા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના સ્થાપકોમાંના તેઓ એક. બદરૂદ્દીનના ભત્રીજા એટલે અબ્બાસ તૈયબજી. તેઓ પણ કાકાની માફક ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થયા ને ગાંઘીજીના તીવ્ર પ્રભાવ હેઠળ સ્વાતંત્ર્યસેનાની બન્યા. વર્ષો સુધી તેઓ વડોદરા રાજ્યના દીવાન રહ્યા. કૉંગ્રેસના અધિવેશનોમાં તેઓ નિયમિતપણે હાજરી આપતા. તેમની દીકરી એટલે આપણે જેમની વાત કરી રહ્યા છીએ એ, રેહાના તૈયબજી.
વડોદરામાં જન્મેલા રેહાના તૈયબજીમાં સ્વાભાવિક રીતે જ દેશભક્તિના સંસ્કાર ઉતરી આવ્યા હતા. પિતાનાં દેશહિતનાં કાર્યોનાં તેઓ પ્રત્યક્ષ સાક્ષી. તેમને થયું કે જો હું પરણી જઈશ તો આ પ્રકારનું કોઈ કાર્ય નહીં કરી શકું. આથી તેમને આજીવન અપરિણીત રહેવાનો નિર્ણય કયો. અસહકારના આંદોલનમાં ભાગ લઈ વડોદરાના સૂરસાગર તળાવના કાંઠે વિદેશી કપડાંની હોળી કરી. ગાંધીજી સાથે પત્રવ્યવહાર કરીને આશ્રમમાં રહેવાની અનુમતી માગી. ગાંધીજીએ તરત હા પાડી.

રેહાના તૈયબજીના આશ્રમપ્રવેશ વિશે સ્વયં ગાંધીજીએ એક જગ્યાએ લખ્યું છે કે, જ્યારે રેહાના આવ્યાં ત્યારે મેં મજાકમાં કહ્યું, તું આશ્રમવાસીઓને મુસલમાનો બનાવ, હું તને હિંદુ બનાવીશ. એનું સંગીત તો ઉત્કૃષ્ટ છે જ. તેની પાસે સર્વ પ્રકારનાં ભજનોનો ભંડાર છે. તે રોજ સંભળાવતાં. કુરાનમાંથી મીઠી અને ઊંચા અર્થવાળી આયાતો પણ સંભળાવતાં. મેં કહ્યું, અહીં જે શીખે તેમનેય કંઈક આયાતો શીખવતી જા. તેણે શરૂ કર્યું. પછી પૂછવું જ શું? બઘા સાથે તે એકરૂપ થઈ ગયાં હતાં. ભક્તોએ આયાત શીખી લીધી. એમાંની એક પ્રખ્યાત ફત્તેહ છે.
રેહાના તૈયબજીએ ગાંધીજીને પોતાના ગુરૂ બનાવીને અહિંસાના પાઠ શીખ્યા. શીખવાની પ્રક્રિયા દ્વિપક્ષી હતી. ગાંઘીજી રેહાના પાસથી ઉર્દૂ શીખતા! રેહાનાને તેઓ ઉસ્તાદિની કહેતા. રેહાનાને લખેલા એક પત્રમાં ગાંધીજીએ કેવું ઉર્દૂ લખ્યું હતું તે જુઓઃ
તુમ્હારા ખત પા કર કર બહોત ખુશી હાસિલ હુઈ. મૈં ગલતીયાં તો બહોત કરતા હૂં. ધીરજ રખના. જબ તુમકો થકાન આવે તબ દુરસ્ત કરનેકા છોડ દો. મૈં તો હર હફ્તે મેં લિખને કી કોશિશ કરુંગા. શરૂ કિયા હૈ ઉસે નહીં છોડુંગા. મેરી ઉસ્તાદિની કી ઉમ્મર ખુદા દરાઝ કરે.
જબ તુમકો થકાન આવે આ વાક્યમાં ગાંધીજીનું આયેને બદલે આવે અશુદ્ધ હોવા છતાં કેટલું મીઠું લાગે છે!
રેહાના તૈયાબજી આઝાદીના જંગમાં સક્રિય રહેવા માગતા હતાં, પણ નાનપણથી જ તબિયત સતત નરમગરમ રહ્યા કરતી હોવાથી તેઓ પાછળ પડી જતાં હતાં. ગાંધીજીને કાગળ લખીને એમણે આ વાતનો અફસોસ વ્યક્ત કરેલો. ગાંધીજીએ વળતા પત્રમાં જવાબ આપ્યોઃ
નિર્દોષની પ્રાર્થના પણ જાહેર કામ જેટલું જ બલ્કે વધારે કામ આપે છે. એટલે તું શરીર વતી કામ ન આપી શકે તો શું થયું? એનું દુખ ન લગાડતી... ગીતાના શબ્દોમાં કહીએ તો આપણી ફરજ તો કાર્ય કરીને છૂટવામાં અને પરિણામની દરકાર ન કરવામાં રહેલી છે. ઉદ્દેશ અને કાર્યશુદ્ધિ હોય તો તેમાંથી ઊભા થતાં વિવિધ પરિણામો માટે કર્તા જવાબદાર નથી.
1926માં એક યુવક સંમેલનમાં રેહાના તૈયબજીએ એટલા મીઠા સૂરે ભજનો સંભળાવ્યાં કે ગાંધીજી વાહ પોકારી ઉઠ્યા હતા. રેહાનાનો અવાજ તો રવીન્દ્રનાથ ટાગોરને પણ ખૂબ ગમતો. ગાંધીજીએ એક પત્રમાં રેહાના તૈયબજીને લખ્યું છેઃ તમારો કંઠ એવો મધુર છે કે સાંભળીને લોકો પોતાની ચિંતાઓ ભૂલી જાય છે, તો તમારી પોતાની ચિંતાઓ દૂર કરવા માટે તમે તમારા કંઠની જ આરાધના કરો.
રેહાના તૈયબજીએ કડી પ્રાંતમાં પ્રમુખ બનીને યુવક સંઘની લગામ પોતાના હાથમાં લીધી હતી. એમનું તન નબળું પણ મન ખૂબ મક્કમ હતું. પાટણની બજારમાં વિદેશી કાપડ વેચતા વેપારીઓ સામે એમણે સત્યાગ્રહ આદર્યો. કેટલાય લોકો એમની સાથે જોડાયા. રેહાના તૈયબજીના પ્રયત્નોને કારણે પાટણમાં વિદેશી કાપડના વેચાણ પર પ્રતિબંધ લાગી ગયો. હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈને તેઓ જેલમાં ગયાં ને ત્યાં તેમણે ભરતગૂંથણ કરવા માંડ્યું. પછી તેમને પ્રશ્ન થયો કે આમાં ચીનના રેશમનો ઉપયોગ કરાય કે નહીં? ગાંધીજીએ કહ્યું કે જેમને કળાની નાશ થવાની બીક છે તેઓ ભરતગૂંથણમાં ગમે તેટલું ચીની સૂતર વાપરી શકે. માત્ર જેના પર ભરતગૂંથણ કરવામાં આવે છે તે વસ્ત્ર હાથે કાંતેલા ખાદીનું હોવું જોઈએ!
કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનાં નિધન પછી રેહાના ગાંધીજીના અંતેવાસી બની ગયાં હતાં. ગાંધીજી મુંબઈમાં હોય ત્યારે રોજ સાંજે મીરાંબાઈનું મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ ભજન અચૂકપણે ગાય. ગાંધીજીના અવસાન પછી તેઓ કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યાં. રેહાના તૈયબજીએ આત્મકથાનું શીર્ષક સુનિયે કાકાસાહેબ છે. પોતાનું શેષ જીવન એમણે દિલ્હીમાં વિતાવ્યું. 17 મે, 1975ના રોજ દિલ્હીમાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા. ઓખલામાં જામિયા મિલિયા પાસે રેહાના તૈયબજીની કબર તૈયાર કરવામાં આવી.  
રેહાના તૈયબજીએ સૌથી પહેલી વાર અંગ્રેજીમાં ગીતાનું ભાષાંતર વાંચ્યું હતું. પછી તો તેઓ પૂરેપૂરા કૃષ્ણમય બની ગયાં હતાં. એમની કૃષ્ણપ્રીતિ એટલી તીવ્ર અને કૃષ્ણગીતો ગાતી વખતે ગાયકી એવી ભાવપૂર્ણ હોય કે લોકોએ તેમને આધુનિક મીરાંબાઈ કહેવાનું શરૂ કરી દીધેલું. તેઓ કહેતાં, શ્રીકૃષ્ણ સંપૂર્ણાવતાર છે. જે પુરુષોત્તમ છે એ જ કૃષ્ણ છે. રેહાના તૈયબજી સૂફી જીવ હતાં. ગીતા અને કુરાનને તેઓ એકબીજાની છાયા ઝીલતાં પૂરક ગ્રંથો ગણાવતાં. તેઓ કહેતાં, ગીતા એ મુસ્લિમોનું કુરાન છે અને કુરાન એ હિન્દુઓની ગીતા છે.
રેહાના તૈયબજી જો આજે જીવતાં હોત ને ધારો કે આ પ્રકારનું સ્ટેટમેન્ટ એમણે અત્યારે કર્યું હોત તો લોકોએ સોશિયલ મિડીયા પર કેવો હંગામો કરી નાખ્યો હોત એની કલ્પના કરી જોજો! 
0 0 0 

Wednesday, June 10, 2020

સાહિત્યસર્જન અને સુથારીકામ વચ્ચે ઝાઝો ફર્ક નથી!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 10 June 2020, બુધવાર 
ટેક ઓફ 
લેખકે ખુદની અનુભૂતિઓની સચ્ચાઈના આધારે લખ્યું છે કે કેવળ વાંચેલી ને સાંભળેલી વાતોનો આધારે લખ્યું છે તે તરત પરખાઈ જતું હોય છે.

સાહિત્યનું નોબલ પ્રાઇઝ જીતનારા મહાન સાઉથ અમેરિકન લેખક ગેબ્રિયલ ગાર્શિયા માર્કેઝે લવ ઇન ટાઇમ ઑફ કૉલેરા (1985) નામની ઉત્તમ નવલકથા લખી હતી. જો માર્કેઝ આજે જીવતા હોત તો તેમને કદાચ લવ (અથવા હેટ) ઇન ટાઇમ ઑફ કોરોના લખવાનો વિચાર આવ્યો હોત. માર્કેઝે પોતાની સર્જનપ્રકિયા વિશે જુદા જુદા ઇન્ટરવ્યુઝમાં ખૂબ બધા અને ખૂબ સુંદર વિચારો શૅર કર્યા છે. માત્ર ઊભરતા લેખકોને જ નહીં, પણ સુસ્થાપિત લેખકોના દિમાગમાં પણ વિચારોના તણખા પ્રગટાવી દે તેવી એમની વાતો છે.

માર્કેઝ એક મુલાકાતમાં કહે છે, યંગ રાઇટર્સને મારે એટલી જ સલાહ આપવાની છે કે તમે એ લખો જે તમે અનુભવ્યું છે. કોઈ પણ લખાણ લેખકના સ્વાનુભવ કે ખુદની અનુભૂતિઓની સચ્ચાઇમાંથી આવ્યું છે કે કેવળ વાંચેલી ને સાંભળેલી વાતાનો આધારે લખાયેલું છે તે તરત પરખાઈ જતું હોય છે.
માર્કેઝ મૅજિક રિયલિઝમ માટે જાણીતા છે. મૅજિક રિયલિઝમ એટલે તદન અવાસ્તવિક કે જાદુઈ વાતોને એવી રીતે લખવી જાણે કે તે વાસ્તવિક હોય. આ કાલ્પનિક ઉદાહરણ લોઃ કાલે મધરાતે મારી ઊંઘ ઊડી ગઈ. મેં બારીનો પડદો હટાવીને જોયું તો આકાશનો ચંદ્ર મારા ઘરના કમ્પાઉન્ડમાં જે પેલો લીમડો છે એની એક ડાળી પર બેઠો બેઠો પોતાની શીતળતા પ્રસરાવી રહ્યો હતો. મેં ચંદ્રેને પૂછ્યુઃ કેમ શું થયું? કેમ આજે આકાશ છોડીને મારા આંગણે આવવું પડ્યું? ચંદ્રે જવાબ આપ્યોઃ મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છેને, એટલે.

આ મૅજિક રિયલિઝમ છે. ચાંદામામા આકાશ છોડીને આપણી સાથે ગપ્પાં મારવા છેક આપણા ઘર સુધી આવે તે એક ફેન્ટસી થઈ, પણ મૅજિક રિઅલિઝમ અજમાવતી વખતે આ આખી વાતને એટલી સહજતાપૂર્વક લખવામાં આવે કે જાણે તે સત્ય છે. માર્કેઝને અત્યંત પ્રતિષ્ઠા અપાવનારી નવલકથા વન હંડ્રેડ યર્સ ઑફ સોલિટ્યુડ (1967)માં મૅજિક રિયલિઝમનો ભરપૂર ઉપયોગ થયો છે. યુવા લેખકોને પોતાના અનુભવો પર મદાર રાખવાની સલાહ આપનારા માર્કેઝ સ્વયં માયાવી તત્ત્વોને એક શૈલી અથવા ફૉર્મ તરીકે વાપરે તે કેવું? આની સ્પષ્ટતા માર્કેઝની આ વાતમાં થાય છેઃ



મારાં જે કામની સૌથી વધારે પ્રશંસા થઈ છે તે મારી કલ્પનાશીલતામાંથી નીપજી છે, પણ સચ્ચાઈ એ છે કે મારાં લખાણોમાં એક પણ વાક્ય એવું હોતું નથી જેના મૂળિયાં વાસ્તવિક અનુભૂતિમાં દટાયેલાં ન હોય... મારી પાસે વન હંડ્રેડ યર્સ ઑફ સોલિટ્યુડનો આઇડિયા હતો, હું એના પરથી નવલકથા લખવાની કોશિશ પણ કરતો હતો, પણ મને સતત લાગ્યા કરતું હતું કે કંઈક ખૂટતું છે. મને સમજાતું નહોતું કે વાત કેમ જામતી નથી. આખરે એક દિવસ આ કથા કેવા સૂરમાં કહેવી જોઈએ તે મને સમજાયું. આ ટોન (એટલે કે મૅજિક રિયલિઝમ)નો પછી મેં વન હંડ્રેડ ઑફ સોલિટ્યુડમાં ઉપયોગ કર્યો. હું નાનો હતો ત્યારે મારી દાદીમા મને આ જ રીતે વાર્તાઓ સંભળાવતાં. વાત સુપરનેચરલ અને ફેન્ટસીની હોય, પણ દાદી તે એટલી સહજ રીતે વર્ણવે કે એવું લાગે કે જાણે આ બધું સાચું જ છે. મૅજિક રિયલિઝમનું ફૉર્મ પકડાતાં જ હું પાછો નવલકથા લખવા બેસી ગયો. હું રોજેરોજ લખતો. નવલકથાનો ડ્રાફ્ટ ફાયનલ કરતાં મને અઢાર મહિના લાગ્યા. મૅજિક રિયલિઝમનું તત્ત્વ લાવતાં પહેલાં મેં વન હંડ્રેડ...ના જે ડ્રાફ્ટ્સ લખ્યા હતા તેમાં મારી બિલીફ નહોતી. મને સમજાયું કે સૌથી પહેલાં તો મારે મારી જાત પર, મારા કન્વિક્શન પર અને મારા લખાણ પર ભરોસો મૂકવો પડે. કપોળકલ્પિત લાગતી ઘટનાઓ અને વર્ણનોને પણ એવી જ રીતે કાગળ પર વ્યક્ત કરવાં પડે જેવી રીતે મારી દાદી મને વાર્તાઓ સંભળાવતી હતી – સંપૂર્ણ ગંભીરતાથી, પૂરેપૂરી સહજતાથી.

કળા, સર્જન, ક્રિયેટિવિટી, અભિવ્યક્તિ, પૅશન... આ બધું બરાબર છે, પણ લખવું આખરે તો મજૂરી છે. માનસિક અને શારીરિક એમ બન્ને સ્તરે થતો પરિશ્રમ. માર્કેઝ સાહિત્યસર્જનને રીતસર સુથારીકામ સાથે સરખાવે છે. અહીં સાહિત્યસર્જન એટલે ઊંચું કામ અને સુથારીકામ એટલે તુચ્છ કામ એવો અર્થ મહેરબાની કરીને કોઈએ તારવવો નહીં, પ્લીઝ. માર્કેઝ કહે છે, આખરે તો સાહિત્ય બીજું કશું નહીં પણ સુથારીકામ જ છે. બન્નેમાં ખૂબ મહેનત કરવી પડે છે. લખવું એ લાકડાના ટુકડામાંથી ટેબલ બનાવવા જેટલું જ અઘરું છે. બન્નેમાં તમારો પનારો વાસ્તવ સાથે પડે છે અને વાસ્તવ લાકડા જેટલું જ કઠણ મટીરિયલ છે. બન્નેમાં ટ્રિક્સ અને ટૅક્નિકની ભરપૂર જરૂર પડે છે. તમે સાહિત્ય સર્જો કે ટેબલ બનાવો, બન્નેમાં જાદુ ઓછો ને મહેનત વધારે જોઈએ. ફ્રેન્ચ સાહિત્યકાર પ્રોસ્તે કહ્યું છે તેમ, સાહિત્યસર્જન માટે દસ ટકા ઇન્સ્પિરેશન (પ્રેરણા)ની અને નેવું ટકા પર્સપિરેશન (મહેનત)ની જરૂર પડે. મને સુથારીકામનો જાતઅનુભવ નથી, પણ કાષ્ઠકળા કરતા સુથારો પ્રત્યે મને સૌથી વધારે માન છે.

શું સર્જન કરવાનું બળ પૂરું પાડે એવી પ્રેરણાનો ઝરો આખી જિંદગી અખંડપણે વહેતો રહે છે? ના. માર્કેઝ કહે છે, ઉંમર વધે છે તેમ પ્રેરણાનો ઝરો સૂકાતો જાય છે. પરિણામે ટેક્નિક પર વધુ ને વધુ આધાર રાખતા જવું પડે છે. જો ટેક્નિક કે ક્રાફ્ટ પર હથોટી ન હોય તો બધું ખતમ થઈ જાય છે. મોટી ઉંમરે તમારી લખવાની ગતિ ઓછી હોય, તમે વધારે સતર્ક હો અને પ્રેરણા પાંખી હોય. પ્રોફેશનલ લેખકો સામે સૌથી મોટો પડકાર આ જ હોય છે.  

આથી જ ગેબ્રિયલ ગાર્શિયા માર્કેઝની આ સલાહ જુનિયર અને સિનિયર સૌ લેખકોએ ગાંઠે વાળી લેવા જેવી છેઃ (પ્રેરણા કે અંતઃ સ્ફૂરણાની ઝાઝી રાહ જોયા વિના) લખો... બસ, લખ્યા કરો, લખતા રહો.

0 0 0 

Wednesday, June 3, 2020

ગાળ, સેક્સ અને ‘ન્યુ નૉર્મલ’


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 30 May 2020

મલ્ટિપ્લેક્સ

ગંદામાં ગંદી ગાળો હવે મેઇનસ્ટ્રીમ મનોરંજનનો ભાગ છે. ક્રમશઃ અર્ધ અને પૂર્ણ નગ્નતા પણ મેઇનસ્ટ્રીમ બનતી જવાની.

વીરુ ઉર્ફ ધર્મેન્દ્ર ગુસ્સાથી ફાટફાટ થઈ રહ્યો છે. જો એનું ચાલે તો એ ગબ્બરસિંહને જીવતો ચીરી નાખે, પણ એ લાચાર છે. આથી પોતાનો લાવા જેવો ક્રોધ તે આ રીતે વ્યક્ત કરે છેઃ
કૂત્તે... કમીને... મૈં તેરા ખૂન પી જાઉંગા...
બસ, આટલું જ. આજથી 45 વર્ષ પહેલાં આવેલી શોલે ફિલ્મનો આ સીન છે. અગાઉ હિન્દી ફિલ્મોમાં પુરુષો સખ્ખત મારપીટ કરતા હોય તો પણ એમના ક્રોધની શાબ્દિક અભિવ્યક્તિ કૂત્તે, કમીને, હરામી અને ગંદી નાલી કે કીડે પર અટકી જતી. ઇવન સડકછાપ ટપોરીઓના મોઢેથી ગાળ ન નીકળતી. આજે આપણે આ ફિલ્મો જોઈએ ત્યારે થાય કે આહા, કેવા સંસ્કારી પુરુષો છે!
...અને પછી તમે કમ્પ્યુટર કે મોબાઇલ પર ભારતના સૌથી લોકપ્રિય યુટ્યુર્સમાં સ્થાન પામતા કૅરી મિનાટી, આશીષ ચંચલાની કે બીબી કી વાઇન્સ (ભુવન બામ)નો કોઈ પણ વિડીયો ચાલુ કરો છો. અહીં ત્રિઅક્ષરી, ચતુરાક્ષરી કે પંચાક્ષરી ગાળોનો મુશળધાર વરસાદ વરસે છે. વાતે-વાતે ને વાક્યે-વાક્યે મા-બહેનની ગાળો, પ્રાંત-પ્રાંતની ગાળો, જિંદગીમાં ક્યારેય સાંભળી ન હોય તેવી અવનવી, ગ્રાફિકલ ને ક્રિયેટિવ ગાળોની અહીં રેલમછેમ છે. એક સમય હતો જ્યારે ફિલ્મમાં જરાક અમથો અભદ્ર શબ્દપ્રયોગ થયો હોય તો પબ્લિક અને મિડીયા અશ્લીલ... અશ્લીલ કરીને કાગારોળ મચાવી મૂકતાં. તે ઑફલાઇન મનોરંજનનો યુગ હતો. આજના ઓનલાઇન કોન્ટેન્ટની ડિક્શનરીમાં અશ્લીલ કે બીભત્સ જેવા શબ્દો જ નથી. યુટ્યુબની ચેનલો હોય, સ્ટેન્ડ-અપ કોમેડી હોય કે પાતાળલોક અને મિરઝાપુર જેવા વેબ શોઝ હોય, અહીં બધું જ બોલી શકાય છે, બધું જ દેખાડી શકાય છે. અહીં બધું જ સ્વીકાર્ય છે. અભદ્રતા, અસંસ્કાર.. એ વળી શું? એક સમયે જે સાંભળીને શાલીન લોકોના કાનમાંથી કીડા ખરી પડતા હતા તે ગંદામાં ગંદી ગાળો હવે મેઇનસ્ટ્રીમ મનોરંજનનો ભાગ છે. આ ગાળો સાંભળીને હવે કોઈના પેટનું પાણી પણ હલતું નથી. ગાળો હવે ન્યુ નૉર્મલ છે!

ગાળ બોલવી જેમના માટે કોઈ ઈશ્યુ જ નથી તેવા આ યુટ્યુબર્સ અને સ્ટેન્ડ-અપ કોમેડીઅન્સ આજના સ્ટાર્સ છે, રોલ મોડલ છે. તેમને દેશ-વિદેશમાં શોઝ માટે, હાઇ પ્રોફાઇલ ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે આમંત્રણો મળે છે. ભુવન બામ જેવો યુટ્યુબર ગ્લોસી અંગ્રેજી મૅગેઝિનોનાં કવરપેજ પર ચમકે છે. વિશ્વકક્ષાના ફિલ્મી હસ્તીઓના ઇન્ટરવ્યુ કરતાં અનુપમા ચોપડા અને રાજીવ મસંદ જેવાં ટોચનાં એન્ટરટેઇનમેન્ટ જર્નલિસ્ટ્સ ભુવન બામને પણ એટલા જ માનપાન આપે છે ને શોખથી એમની લાંબી મુલાકાતો લઈ પોતાની ચેનલો પર અપલોડ છે. ટોચના યુટ્યુબર્સના વિડીયોઝને લાખો-કરોડો વ્યુઝ મળે છે એટલે શાહરૂખ ખાન અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર્સ સુધ્ધાં પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવા આ યુટ્યુબર્સની ચેનલો પર હોંશે હોંશે પહોંચી જાય છે. જુદી જુદી કંપનીઓ સૌથી પોપ્યુલર યુટ્યુબર્સ સાથે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લાખો રૂપિયાની ડીલ કરે છે. આ બધા માત્ર યુટ્યુબર કે સ્ટેન્ડ-અપ કોમેડીઅન નથી, તેઓ ઇન્ફ્લુઅર્સ પણ છે, તેઓ લોકોનો અભિપ્રાય ઘડે છે, ઑડિયન્સ પર તેમના કોન્ટેન્ટનો પ્રભાવ પડે છે. સહજપણે પણ અતીશય ગાળો બોલતા સફળ યુટ્યુબર્સ અને સ્ટેન્ડ-અપ કોમેડીઅનનું સેલિબ્રિટી હોવું તે આજનું ન્યુ નૉર્મલ છે.    
હજુ થોડાં વર્ષ પહેલાં સુધી હીરો અને હિરોઈન સ્ક્રીન પર ચુંબન કરતાં તો હોબાળો મચી જતો. છાપાં-મૅગેઝિનોમાં દિવસોના દિવસો સુધી તેની ચર્ચા થતી. પાંચ-દસ સેકન્ડનો એક કિસિંગ સીન જાણે લોહચુંબકની જેમ પ્રેક્ષકોને ખેંચી લાવવાનો હોય તેમ ફિલ્મમેકરો આ દશ્ય ફરતે પુષ્કળ હાઇપ ઊભી કરતા. આજે નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, મેક્સપ્લેયર જેવા ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર મૂકાતા ઇન્ડિયન વેબ શોઝમાં સેક્સનાં દશ્યોની ભરમાર હોય છે. ચુંબન ભૂલી જાઓ, હવે સંભોગસૂચક દશ્યો પણ કૉમન બની રહ્યાં છે. સેક્સનાં ઉત્કટ દશ્યો હવે ન્યુ નૉર્મલ છે.
જે પશ્ચિમની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં થાય છે તે વહેલામોડું આપણે ત્યાં થવાનું જ છે. હોલિવુડની ફિલ્મોમાં એફ-વર્ડ છૂટથી બોલાતો જોઈને એક સમયે આપણે ત્યાં લોકોને હેરત થતી. ખાસ હીરો-હિરોઈનને છૂટથી રોમાન્સ કરતાં જોવા લોકો ફોરેનની ફિલ્મો જોતાં. અમુક અપવાદને બાદ કરતાં આજનાં આપણા લગભગ તમામ હીરો-હિરોઈનોને સ્ક્રીન પર કિસિંગથી માંડીને માપસરનો રોમાન્સ કરવામાં કશો છોછ નથી. નગ્નતાના મામલામાં, અફ કોર્સ, ડિજિટલ કોન્ટેન્ટ ઘણું આગળ છે. આજે સેક્રેડ ગેમ્સ જેવા ભારતીય શોમાં નાયિકા કૅમેરા સામે પોતાનાં સ્તનોને સંપૂર્ણપણે નિર્વસ્ત્ર કરી શકે છે. થોડો સમય જવા દો. નાની અને મોટી સ્ક્રીન પર ક્રમશઃ અર્ધ નગ્નતા અને પૂર્ણ નગ્નતા પણ ન્યુ નૉર્મલ ગણાવા લાગશે.
પરિવર્તનોને રોકી શકાતાં નથી. નૈતિકતાની ફૂટપટ્ટી, મનોરંજનની વ્યાખ્યા, શું સ્વીકાર્ય છે ને શું અસ્વીકાર્ય છે એના માપદંડો, શૉક વેલ્યુની તીવ્રતા – આ બધું જ સમયની સાથે બદલાય છે. આપણે ફક્ત સ્વીકારી લેવું પડે છે. સારું કે નરસું બધું જ મને-કમને સ્વીકારી લેવું તે પણ કદાચ ન્યુ નૉર્મલનું જ એક સ્વરૂપ છે!     
0 0 0  





Tuesday, June 2, 2020

અનર્થઘટનઃ લોટમાં પાણી નાખીને ‘માંસ’ પકાવવાની કળા!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 3 June 2020, બુધવાર
ટેક ઓફ  
શું જૂના જમાનામાં યજ્ઞોમાં પશુઓની બલિ ચડાવવાની છૂટ હતી? શું આપણા ઋષિ-મુનિઓ પણ ગૌ-માંસ ખાતા?

ભાષા ભારે અજાયબ ચીજ છે. ભાષાઓની રંગછટાઓ ને અર્થચ્છાયાઓ આપણને મુગ્ધ કરી દે છે. ભાષા જેટલી વધારે સમૃદ્ધ એટલી એમાં સૂક્ષ્મતાઓ વધારે, મસ્તી વધારે, ઇવન કોમ્પ્લીકેશન્સ પણ વધારે. એક જ શબ્દના ઘણી વાર એકમેક કરતાં સાવ જુદા જ અર્થ નીકળતા હોય છે. સાચો વિદ્વાન એ છે જે ભાષાને વધારે ગૂંચવી ન મારે, બલ્કે તેને સિમ્પ્લિફાય કરે, અર્થનો અનર્થ થતાં રોકે. કમનસીબે પ્રતિષ્ઠિત વિદ્વાનો પણ ક્યારેક અજાણપણે અથવા ઇરાદાપૂર્વક સાચા અર્થને દબાવી રાખીને ભળતાસળતા અર્થને ફેલાવા દે છે. ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન સાહિત્ય આવા અનર્થઘટનનો પુષ્કળ ભોગ બન્યું છે.
શાકાહારને અપનાવવાની ને માંસાહારને ત્યજવાની વાત આવે ત્યારે ઘણા અદકપાંસળીઓ ઉછળી ઉછલીને દલીલ કરે છે કે આપણે ત્યાં જૂના જમાનામાં યજ્ઞોમાં પશુઓના બલિ ચડાવવાનો રિવાજ હતો. તે શું હિંસા નહોતી? ઇવન આપણા ઋષિ-મુનિઓ પણ ગૌમાંસ ખાતા. જો વૈદિક સંસ્કૃતિમાં જીવહિંસા સામે કોઈને વાંધો નહોતો તો હવે શા માટે દોઢડાહ્યા થાઓ છો?
આ અર્ધજ્ઞાનીઓ જાણતા નથી કે 14મી સદીમાં દક્ષિણ ભારતમાં થઈ ગયેલા આચાર્ય સાયણ નામના સંસ્કૃતના પંડિત અને તેમનું જોઈને મેક્સમૂલર તેમજ ગ્રિફિથ જેવા પશ્ચિમના વિદ્વાનોએ વેદગ્રંથોના શ્લોકોનાં કેવાં ભયાનક અનર્થઘટનો કર્યાં હતાં. તેમણે કાઢેલાં ખોટા અર્થો પછી રેફરન્સ તરીકે લેવાતા ગયા ને તે પ્રચલિત થતા ગયા. સાયણાચાર્યે કરેલા વેદોના અર્થઘટનનો સ્વામી દયાનંદ સરસ્વતી અને શ્રી અરવિંદે કેવળ આંશિક સ્વીકાર જ કર્યો છે. સાયણાચાર્ય સામે ગંભીર આક્ષેપ એ છે કે એમણે કેટલાય વેદશ્લોકોનો ખોટો ને હિંસાત્મક અર્થ તારવ્યો છે. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના વેદ સંબંધિત દષ્ટિકોણ વિશે સ્વામી વિદ્યાનંદ સરસ્વતીએ વેદાર્થ-ભૂમિકા નામનું સરસ પુસ્તક લખ્યું છે. તેઓ લખે છે કે ચારેય વેદોમાં યજ્ઞ શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે અથવા વિશેષણ રૂપે અસંખ્ય વખત અધ્વર શબ્દ વપરાયો છે. અધ્વર ઇતિ યજ્ઞનામ – ધ્વરતિ હિંસાકર્મા તત્પ્રતિષેધઃ. અર્થાત યજ્ઞનું નામ અધ્વર છે – અધ્વરનો અર્થ થાય છે, હિંસારહિત કર્મ. આમ, યજ્ઞ શબ્દમાં  જ, બાય ડેફિનેશન, અહિંસાનું મહાત્મ્ય કરવામાં આવ્યું છે.    

વેદોમાં સંજ્ઞપન શબ્દ છે. તેનો એક અર્થ બકરાને કાપવો એવો થાય છે. સંજ્ઞપનનો બીજો અર્થ સમ્યક્ જ્ઞાન કરાવવું એવો પણ થાય છે. તોય કોણ જાણે કેમ બકરાને કાપવો અર્થને ધરાર પ્રચલિત કરી દેવામાં આવ્યો. અમુક લોકો પ્રતાપતયે પુરુષાન્ હસ્તિન આલભતે – આ પ્રકારના વાક્યો ટાંક્યા જ કરે છે, કેમ કે આલભ્ય શબ્દને તેઓ હત્યા કરવી કે બલિદાન આપવુંના અર્થમાં જુએ છે. આલભ્યનો અર્થ સ્પર્શ કરવો અથવા સારી રીતે પ્રાપ્ત કરવું તેવો પણ થાય છે, પણ યજ્ઞમાં પશુહિંસા થવા સામે જેને જરાય વાંધો નથી તેવા લોકોને આ સાત્ત્વિક અર્થમાં રસ નથી! 

વેદશ્લોકોના અનર્થઘટન વિશે ઘણા વિદ્વાનોએ વિસ્તારપૂર્વક, દાખલા-દલીલ સાથે લખ્યું છે. જેનો સૌથી વધારે અનર્થ કરવામાં આવ્યો હોય તે શબ્દો છે – અશ્વમેધ, નરમેધ, અજમેધ અને ગોમેધ. મેધ શબ્દના ત્રણ અર્થ થાય છે – એક, મેધા અટલે કે શુદ્ધ બુદ્ધિ વધારવી. બે, લોકોમાં એકતા અને પ્રેમભાવ વધારવો અને ત્રણ, હિંસા. દુષ્ટ લોકો પહેલાં બે અર્થોને ચાતરી જાય છે અને ઇરાદાપૂર્વક મેધ એટલે હિંસા એવું ઠસાવીને વેદસાહિત્ય વિષે દુષ્પ્રચાર કરતા રહે છે.  
વૈદિક સાહિત્યમાં સતત, અવારનવાર, કેટલીય જગ્યાએ ગાયની હત્યાને મહાપાપ ગણવામાં આવ્યું છે. ગોમેધ શબ્દનો અર્થ થાય છે વાણીનો સંસ્કાર કરવો, પૃથ્વીને ખેતીલાયક બનાવવી, ગાયથી પ્રાપ્ત થતાં ઘી-દૂધ વગેરે પદાર્થોની વૃદ્ધિ કરવી વગેરે. છતાંય ગોમેધ શબ્દ ટાંકીને અર્થનો અનર્થ કરનારા દ્વેષીઓ વારંવાર એવું કહ્યા કરે છે કે જુઓને ઇવન વેદોમાં પણ ગોમેધના ઉલ્લેખો છે એટલે કે ગાયનો વધ સ્વીકાર્ય હોવાનું કહેવામાં આવ્યું છે!

વેદમાં માંસ શબ્દ પણ આવે છે, પણ આ આપણે જેને માંસ કહીએ છીએ તે નહીં. જેમ કે અથર્વવેદનો આ શ્લોકઃ અશ્વાઃ કણા ગાવસ્તણ્ડુલા મશકાસ્તુષાઃ / શ્યામમયોસ્ય માંસાનિ લોહિસમસ્ય લોહિતમ્ અર્થાત્ ચોખાના કણ અશ્વ છે, છડેલા ચોખા ગૌ (ગાય) છે, ભૂંસુ મશક છે, ચોખામાં જોવા મળતો શ્યામ ભાગ માંસ છે અને લાલ ભાગ રક્ત છે. સ્વામી વિદ્યાનંદ સરસ્વતી લખે છે કે વેદોમાં આવા સેંકડો શબ્દો છે, જે પહેલી નજરે પશુઓનાં નામ લાગે, પણ આયુર્વેદના ગ્રંથો પરથી સ્પષ્ટ થાય છે કે પશુ કે તેના અવયવ જેવા લાગતા આ શબ્દો વાસ્તવમાં વનસ્પતિ તેમજ ઔષધિવાચક શબ્દો છે.  સંસ્કૃતમાં લોટ માટે લોમ શબ્દ છે. તેમાં પાણી ભેળવીને ગૂંદીને લોટનો પિંડો બનાવવામાં આવે તે માંસ કહેવાય છે... અને લોટના આ પિંડાને પકાવી લેવામાં આવે તો તે પશુ કહેવાય છે! પ્રાચીન કાળમાં લોકો અન્ન-પશુથી યજ્ઞ કરતા એવું કહેવાય છે તે આ અર્થમાં! પણ ધૂર્ત લોકોએ અપપ્રચાર શરૂ કરી દીધો કે અગાઉના જમાનામાં યજ્ઞ કરતી વખતે અગ્નિમાં અનાજ ઉપરાંત પશુઓનું માંસ પણ નાખવામાં આવતું. હદ થાય છે!

સો વાતની એક વાત. આપણી વૈદિક સંસ્કૃતિએ જીવહિંસાની ક્યારેય પરવાનગી આપી નથી. ક્યારેય નહીં.   
    
0 0 0