દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 13 સપ્ટેમ્બર 2020, રવિવાર
ટેક-ઓફ
મિડિયાવાળા લોકોને ઉખાણા પૂછતા કે કહો જોઈએ, નીના
ગુપ્તા પેટમાં કોનું બાળક હશે? ...ને નીચે જવાબમાં વિકલ્પ તરીકે નીના ગુપ્તાના
પાંચ પુરુષમિત્રોનાં નામ મૂકતા!
નેટફ્લિક્સ પર હમણાં એક નાનકડો, પણ સરસ શો મૂકાયો - ‘મસાબા મસાબા’. અહીં ‘સરસ’ શબ્દ જરા ટ્રિકી છે. આ શો તમામ વર્ગને એકસરખો અપીલ કરે તેવો નથી (આમ જોવા જઈએ ક્યો શો તમામ વર્ગને એકસરખો અપીલ કરે તેવો હોય છે?), પણ જો તમે નીના ગુપ્તાના ફૅન હશો તો આ શો જરૂર ગમશે. શક્ય છે કે આ શો પછી તમને મસાબા ગુપ્તા (નીનાની દીકરી) પણ ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે. તમને શો સહેજ નાવીન્યભર્યો લાગશે, કેમ કે અહીં વાસ્તવિક જીવનમાં બનેલી ઘટનાઓ અને કાલ્પનિક કહાણીને એકબીજા સાથે સરસ રીતે વણી લેવાઈ છે.
એકત્રીસ વર્ષ પહેલાં નીના ગુપ્તાએ કુંવારી માતા
બન્યાંનો નિર્ણય જાહેર કર્યો ત્યારે કેવો જબરદસ્ત ઊહાપોહ થયો હતો તે સિનિયર
વાંચકોને જરૂર યાદ હશે. આ લવ-ચાઇલ્ડ વિખ્યાત વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટર વિવિયન રિચાર્ડઝનું હતું, તેમ છતાંય પ્રિન્ટ
મિડિયાવાળા લોકોને રીતસર ઉખાણા પૂછતાઃ કહો જોઈએ, નીના ગુપ્તા પેટમાં કોનું બાળક
હશે? સાચા નામ પર ટિકમાર્ક કરો... ને પછી નીચે જવાબમાં વિકલ્પ તરીકે નીના ગુપ્તાના
પાંચ પુરુષમિત્રોનાં નામ મૂક્યાં હોય!
નીના ગુપ્તાએ આ
અર્ધઅશ્વેત-અર્ધભારતીય મસાબાને કન્સિવ કરી ત્યારે વિવિયન રિચર્ડ્ઝ પરિણીત હતા અને
પત્નીથી અલગ રહેતા હતા. નીના ગુપ્તા સ્વયં એક સાદા મધ્યમવર્ગીય માબાપનું ફરજંદ છે.
એમના પપ્પા સરકારી નોકરી કરતા, મમ્મી સ્કૂલ-ટીચર હતાં. મમ્મી ચુસ્ત ગાંધીવાદી.
સ્વભાવે એટલાં કડક કે નીનાને બહેનપણીઓ સાથે પણ ફિલ્મ જોવા જવા ન દે. નીના જોકે
કુંવારી માતા બન્યાં ત્યારે જોકે એમનું નિધન થઈ ચૂક્યું હતું. પિતાજી માટે નીનાનો
આ નિર્ણય વસમો હતો, પણ એમણે જોયું કે દીકરીની જગહસાઈ થઈ રહી છે ને આખું મિડિયા હાથ
ધોઈને એની પાછળ પડી ગયું છે. આવા સંજોગોમાં તેઓ દીકરીની પડખે ઊભા રહ્યા. મા-બાપની આ
તાસીર છે. તેઓ સંતાનને વઢશે, નારાજ થશે, ઝઘડા કરશે, પણ અણીના સમયે હાજર થઈ જશે -
સંતાનને હૂંફ દેવા, સંતાન દુનિયાનો સૌથી મોટો પાપી બની ગયો હોય તો પણ.
મસાબા નાની હતી ત્યારે એને હિન્દી ફિલ્મની હિરોઈન
બનવું હતું. નીનાએ એને એમ કહીને રોકી કે બેટા, તારો દેખાવ એવો ટિપિકલ છે કે તું
બોલિવુડની હિરોઇન તરીકે નહીં ચાલે. મસાબાએ આ વાત માની લીધી. એણે ફૅશન ડિઝાઇનિંગમાં
રસ લેવાનું શરૂ કર્યું. 2009માં લેકમે ફૅશન વીકમાં ભાગ લેનારી એ સૌથી નાની વયની સફળ
ફૅશન ડિઝાઇનર બની. ફૅશનના મામલામાં નંબર વન ગણાતી સોનમ કપૂરે 2011માં અતિપ્રતિષ્ઠિત
કેન ફિલ્મ ફેસ્ટિવલમાં મસાબાએ ડિઝાઇન કરેલી સાડી ધારણ કરી. પછી તો કંગના રનૌત,
શિલ્પા શેટ્ટી, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ સહિતની જેવી હિરોઈનોની એ માનીતી બની
ગઈ. મસાબા સાડી પર ગાયનું ચિત્ર મૂકે, હથેળી કે કૅમેરાનું ચિત્ર મૂકે. કોઈએ કલ્પી
ન હોય એવી ડિજિટલ પ્રિન્ટ્સવાળી મસાબાની સાડીઓ ખૂબ વખણાય છે. તેની નકલ પણ ખૂબ થાય
છે.
મસાબાએ સાડીને ઇનવેન્ટ કરી તો નીના ગુપ્તાએ
પોતાની કરીઅરને રી-ઇન્વેન્ટ કરી છે. એમણે એકવાર ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મમેકરોને
ઉદ્દેશીને રીતસર પોસ્ટ મૂકી હતી કે મેં ભલે દિલ્હીના બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં
હોય, પણ હું મુંબઈમાં રહું છું ને કામ શોધી રહી છું. મને પ્લીઝ કામ આપો! નીનાની
આ પોસ્ટ ખૂબ ચર્ચાઈ હતી. એમને ‘બધાઈ હો’નો યાદગાર રોલ તે પછી જ મળ્યો હતો. ‘મસાબા
મસાબા’માં આવી ઘણી બધા અસલી પ્રસંગો સરસ રીતે વણી લેવાયા છે. આ શોના ચાહકોએ
તો સેકન્ડ સિઝનની રાહ જોવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે!
0 0 0
‘’?!
No comments:
Post a Comment