દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ - 30 ઓગસ્ટ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
‘દિપ્તિ સેહતમંદ હૈ, ખુશમિજાજ હૈ. ઝિંદગી સે બહુત લગાવ હૈ. ઔર કભી ઉદાસ હો તો ઉસકા ઉતના હી મઝા લેતી હૈ જિતના હંસને-ખેલને કા.’
હવે તો ખેર, સુશાંતસિંહ રાજપૂતના ડિપ્રેશન તેમજ આત્મહત્યાની થિયરીનો છેદ ઉડી ગયો છે, પણ એનું કમોત તાજું તાજું હતું ને સૌએ લગભગ માનવાનું શરૂ કરી દીધું હતું કે સુશાંત માનસિક રોગનો શિકાર બની ગયો છે ત્યારે સિનિયર એક્ટ્રેસ દીપ્તિ નવલે પોતાના ફેસબુક અકાઉન્ટ પર એક વાત કહી હતી. એમણે લખ્યું હતું કે 1990ના દાયકાના પ્રારંભમાં હું ખુદ ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી. તીવ્ર બેચેની, આપઘાતના વિચાર... આ બધામાંથી હું પસાર થઈ ચૂકી છું. આટલું લખીને દીપ્તિ નવલે આ પીડાદાયી મનઃસ્થિતિનો ચિતાર આપતી ‘બ્લેક વિન્ડ’ નામની પોતાની એક જૂની કવિતા શૅર કરી હતી.
‘ચશ્મે બદ્દૂર’ ફિલ્મની આ મિસ ચમકો આજે
68 વર્ષની વૃદ્ધા થઈ ગઈ છે તે માની શકાતું નથી! ‘કથા’, ‘કમલા’, ‘મિર્ચ મસાલા’, ‘મોહન જોશી હાઝિર હો’ જેવી એમની કેટલીય
ફિલ્મો આપણને હંમેશાં યાદ રહેવાની છે. દીપ્તિ નવલ માત્ર સમાંતર સિનેમાનાં ઉત્તમ
એક્ટ્રેસ નથી, તેમણે એક ફિલ્મ અને એક ટીવી શો ડિરેક્ટ કર્યા છે, તેઓ ચિત્રકાર છે
અને તેમના નામે બે કવિતાસંગ્રહ તેમજ એક વાર્તાસંગ્રહ પણ બોલે છે. આજે આપણે
દીપ્તિની કવિતાઓમાં ડૂબકી મારવી છે. દીપ્તિએ ડિપ્રેશનની જે
વાત કરી તેનો એક તંતુ કદાચ નીચેની કવિતાને પણ સ્પર્શે છે.
દીપ્તિની પ્રકૃતિ ગંભીર
છે. લોકો એમને કહેતા કે તું કેમ મૂંઝાયેલી-મૂંઝાયેલી અને બંધ-બંધ રહે છે? તું જાણે અટકી-અટકીને જીવતી હો એવું કેમ લાગે છે? તું તારી જાતને મુક્તપણે વહેવા કેમ દેતી નથી? કદાચ આના જ જવાબમાં દીપ્તિ લખે છેઃ
‘બહુત ઘુટી-ઘુટી રહતી હો...
બસ ખુલતી નહીં તો તુમ?’
ખુલને કે લિએ જાનતે હો
બહુત સે સાલ પીછે જાના
હોગા
ઔર ફિર વહીં સે ચલના હોગા
જહાં સે કાંધે પે બસ્તા
ઉઠાકર
સ્કૂલ જાના શૂરૂ કિયા થા
ઇસ ઝેહન કો બદલકર
કોઈ નયા ઝેહન લગવાના
હોગા
ઔર ઇસ સબકે બાદ રોઝ
ખુલકર
ખિલખિલાકર
ઠહાકા લગાકર
કિસી બાત પે જબ હંસૂંગી
તબ પહચાનોગે ક્યા?
દીપ્તિ સાચા અથર્મા જીવનને કદાચ ત્યારે
માણે છે જ્યારે તેઓ પ્રવાસ કરતાં હોય. હજુય દિલથી તેઓ પહાડી કન્યા જ છે. હિમાલયના
પહાડોમાં એમણે પુષ્કળ ટ્રેકિંગ કર્યું છે. નાનપણમાં ઉનાળાના વેકેશનમાં એમનો પરિવાર
પૂરા બે મહિના માટે કુલુમાં ધામા નાખતો. નાનકડી દીપ્તિના દિમાગમાં પ્રશ્ર્ન જાગતો
કે ચારે બાજુ દેખાતા આ પહાડોની પેલે પાર શું હશે? આમ,
નાનપણથી જ દીપ્તિ નવલને પહાડો પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું જે
આજીવન ટકી રહ્યું.
‘હું જરા
અલગ પ્રકારની પ્રવાસી છું,' દીપ્તિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મારા
માટે અમુક-તમુક જગ્યાએ જઈને ફલાણી-ફલાણી જગ્યાઓ કવર કરી નાખવાનું મહત્ત્વ હોતું
નથી. હું મુકતપણે રખડવામાં માનું છું. શૂટિંગ કે શેડ્યુલ કેન્સલ થયું નથી ને મેં
દિલ્હીની ફ્લાઈટ પકડી નથી. દિલ્હીથી પછી લોકલ બસમાં બેસીને હિમાચલ પ્રદેશમાં મન
ફાવે ત્યાં ઉપડી જવાનું. મારા માટે પ્રવાસ બહારની નહીં, પણ આંતરિક વસ્તુ
છે. મારી ખોપડીમાં મને મારો પોતાનો અવાજ સંભળાવો જોઈએ.'
દીપ્તિનો આ અલગારી સ્વભાવ અને નિરીક્ષણવૃત્તિ આ કવિતામાં
સુંદર રીતે ઉપસી છેઃ
મૈંને દેખા હૈ દૂર કહીં પર્બતોં કે પેડોં પર
શામ જબ ચુપકે સે બસેરા
કર લે
ઔર બકરીયોં કા ઝુંડ લિએ
કોઈ ચરવાહા
કચ્ચી-કચ્ચી પગદંડિયોં
સે હોકર
પહાડ કે નીચે ઉતરતા હો.
મૈંને દેખા હૈ જબ ઢલાનોં
પે સાએ-સે ઉમડને લગેં
ઔર નીચે ઘાટી મેં
વો અકેલા-સા બરસાતી
ચશ્મા
છૂપતે સૂરજ કો છૂ લેને
કે લિએ ભાગે.
હાં, દેખા હૈ ઐસે મેં ઔર
સુના ભી હૈ
ઇન ગહરી ઠંડી વાદિયોં
મેં ગૂંજતા હુઆ કહીં પર
બાંસુરી કા સૂર કોઈ...
તબ યૂં હી કિસી ચોટી પર
દેવદાર કે પેડ કે નીચે
ખડે-ખડે
મૈંને દિન કો રાત મેં
બદલતે હુએ દેખા હૈ!
0 0 0
No comments:
Post a Comment