દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ - 6 સપ્ટેમ્બર 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
એક સમયે હોલિવૂડમાં 'નેક્સ્ટ સ્પીલબર્ગ' કહેતા મનોજ નાઇટ શ્યામલનની ક્રમશઃ એવી પડતી થઈ કે એમની ખુદની ફિલ્મના પોસ્ટરમાંથી એમનું નામ કાઢી નાખવામાં આવતું. આ ક્રિયેટિવ કટોકટીમાંથી તેઓ શી રીતે બહાર આવ્યા?
'મને સમજાતું નથી કે ઓડિયન્સ સાથે હવે હું શા માટે કનેક્ટ કરી શકતો નથી. શું
હું કંઈક ભળતી જ સિનેમેટિક ભાષા બોલી રહ્યો છું? ખરેખર ખબર નથી પડતી, કારણ કે આજે પણ મારા કામમાં હું
એટલો સિન્સિયર અને પેશનેટ છું જેટલો હું મારી સુપરડુપર હિટ થયેલી પહેલી
ફિલ્મ બનાવતી વખતે હતો.’
કોઈ
ફિલ્મમેકરે આવા શબ્દો ઉચ્ચારવા પડે એના જેવી કરૂણતા બીજા કોઈ નહીં. કલાકારનો
માંહ્યલો કરપ્ટ થઈ જાય અને એ નિષ્ફળ જવા માંડે તો તે સમજાય એવું છે, પણ એની નિષ્ઠામાં લેશમાત્ર ફર્ક
પડયો ન હોય છતાંય ઉત્તરોત્તર ઓડિયન્સ સાથેનું એનું સંધાન તૂટતું જાય ત્યારે શું
સમજવું?
વાત હોલિવૂડમાં
મેઇન્સ્ટ્રીમ ફિલ્મો બનાવતા ભારતીય મૂળના ફિલ્મમેકર મનોજ નાઇટ શ્યામલન વિશે થઈ રહી
છે. તેમણે જે સુપરડુપર હિટ ફિલ્મનો ઉલ્લેખ કર્યો તેનું ટાઇટલ છે, ‘ધ સિક્સ્થ સેન્સ’ (1999). આ સુપરનેચરલ ફિલ્મ પર આખું જગત આફરીન
પોકારી ઉઠ્યું હતું. મનોજ શ્યામલનની બીજી ફિલ્મ 'અનબ્રેકેબલ' (૨૦૦૦) 'ધ સિક્સ્થ સેન્સ' જેવી સુપરડુપર હિટ તો ન થઈ, પણ તેણે એક વાત નીચે અન્ડરલાઇન કરી
આપી કે ઓડિયન્સને એક ચોક્કસ દિશામાં દોરતા જઈને ક્લાઇમેક્સમાં જબરદસ્ત ટ્વિસ્ટ
આપવામાં, અમૂર્ત - અસ્પષ્ટ અને ભેદી કહી શકાય એવાં પાત્રો કે ઘટનાઓને
આકાર આપવામાં મનોજ શ્યામલનની માસ્ટરી છે. તેઓ હજુ પણ મિડિયાના ડાર્લિંગ હતા. આ હોનહાર
માણસ હોલિવૂડની સિકલ બદલી નાખશે, એને રિ-ડિફાઇન કરશે એવું કહેવાતું રહ્યું. તે પછી આવી
એલિયન્સના આક્રમણના વિષયવાળી 'સાઇન્સ', જેમાં મેલ ગિબ્સન મુખ્ય હીરો હતો.
આ ફિલ્મના રિલીઝ વખતે પ્રતિષ્ઠિત 'ન્યૂઝવીક' વીકલીએ શ્યામલનને 'નેક્સ્ટ સ્પીલબર્ગ'નું ભારેખમ બિરુદ આપી દીધું હતું. 'સાઇન્સે' સારો બિઝનેસ કર્યો, રિવ્યુ પણ પ્રમાણમાં સારા આવ્યા, પણ આમાંય 'ધ સિક્સ્થ સેન્સ' જેવી મજા નહોતી.
બસ, મનોજ
શ્યામલનની ક્રિયેટિવ અધોગતિની શરૂઆત હવે થઈ. ‘સાઇન્સ’ પછી 'ધ વિલેજ', 'લેડી ઇન ધ વોટર' અને 'ધ હેપનિંગ' વારાફરતી આવી. શ્યામલન હવે
રિપિટીટિવ બની રહ્યા હતા. ચાહકો અને સમીક્ષકોની નારાજગી, અકળામણ તેમજ ગુસ્સો વધતાં જતાં
હતાં. તે પછી આવેલી 'ધ લાસ્ટ એરબેન્ડર' (2010)ની ભયાનક ટીકા થઈ. 'ડેવિલ' નામની ફિલ્મની સ્ક્રિપ્ટ એમણે લખી.
પડદા પર શ્યામલનનું નામ આવતું ત્યારે પ્રેક્ષકો અણગમાથી ડચ્ ડચ્ કરતા ડચકારા
બોલાવતા. તે પછીની ફિલ્મ 'આફ્ટર અર્થ' (2013) વખતે મામલો એટલો કથળી ગઈ હતી કે પોસ્ટરોમાંથી રાઇટર-ડિરેક્ટર
શ્યામલનનું નામ જ કાઢી નાખવામાં આવ્યું! માર્કેટિંગ સ્ટ્રેટેજી ઘડનારાઓનો
ડર સાચો પડયો. વિલ સ્મિથ જેવો સુપરસ્ટાર હોવા છતાં 'આફ્ટર અર્થ' પીટાઈ ગઈ. જે હોનહાર માણસ
હોલિવૂડની સિકલ બદલી નાખશે, હોલિવૂડને રિ-ડિફાઇન કરશે એવું કહેવાતું હોય એ માણસ
એટલા બૂંદિયાળ થઈ જાય કે એની ખુદની ફિલ્મના પોસ્ટરમાં એનું નામ છાપવામાં ન આવે, એ
બીકે કે ફિલ્મને નુકસાન ન થઈ જાય.... કોઈ પણ ફિલ્મમેકર માટે, ફોર ધેટ મેટર, કોઈ પણ કલાકાર માટે આના કરતાં
વધારે ક્ષોભજનક અને દયાજનક સ્થિતિ બીજી કઈ હોવાની?
આવી
સ્થિતિમાં એક કલાકાર શું કરી શકે? જો એનામાં વિત્ત હોય તો ખુદને રિ-ઇન્વેન્ટ કરી શકે. અત્યાર
સુધી ખર્ચાળ ફિલ્મો બનાવતા આવેલા મનોજ શ્યામલને હવે પોતાની સ્ટ્રૅટેજી બદલી. એમણે
ફિલ્મના બજેટ પર કુહાડો મારી દીધો. ‘આફ્ટર અર્થ’નું બજેટ 130 મિલિયન ડોલર હતું, પણ તે પછીની ફિલ્મ ‘ધ
વિઝિટ’ (2015) એમણે ફક્ત પાંચ મિલિયનમાં બનાવી નાખી. આ ફિલ્મે
98.5 મિલિયન ડોલરનો બિઝનેસ કર્યો. તે પછી આવી ‘સ્પ્લિટ’ (2016). 9 મિલિયનના બજેટમાં બની ગયેલી આ ફિલ્મે બોક્સઑફિસ પર કેટલા કમાવી
આપ્યા? 278.5 મિલિયન ડોલર! મનોજ
શ્યામલનની તળિયે પહોંચી ગયેલી પ્રતિષ્ઠા પાછી ઊંચકાવા લાગી હતી. ટકી રહેવાની, સફળ
થવાની ફૉર્મ્યુલા તેમને જડી ગઈ હતી - બજેટ ઓછામાં ઓછું, બિઝનેસ વધુમાં વધુ.
શ્યામનનની છેલ્લી ફિલ્મ ગ્લાસ (2019)માં પણ આ જ ફૉર્મ્યુલા કારગત નીવડી - બજેટ 20
મિલિયન, કમાણી 247 મિલિયન.
મનોજ
શ્યામલન હાલ ‘સર્વન્ટ’ નામની વેબસિરીઝની બીજી સિઝન બનાવી રહ્યા
છે. નેટફ્લિકસ અને અમેઝોન પ્રાઇમ વિડિયો પ્રકારના એપલ ટીવી પ્લસ નામના સ્ટ્રીમિંગ
પ્લેટફૉર્મ પર તે ગયા વર્ષે રિલીઝ થઈ છે. આ સાઇકોલોજિકલ હોરર શોના સારા એવા વખાણ
થયા છે. ટૂંકમાં, આપણા મનોજભાઈ ધીમે ધીમે તળિયે પહોંચી ગયેલા પોતાના ક્રિયેટિવ
ગ્રાફને પુનઃ લઈ જવામાં સફળ થઈ રહ્યા છે. એક મેકર તરીકે એમની સૌથી મોટી મર્યાદા એ
છે કે તેઓ સુપરનેચરલ અને હોરરકેન્દ્રી વિષયોમાંથી બહાર આવી શકતા નથી. બસ, હવે તેઓ
પોતાની ક્રિયેટિવ રેન્જ વધારી શકે છે કે કેમ તે આપણે જોવાનું છે.
0 0 0
No comments:
Post a Comment