Friday, August 28, 2020

તમારે મર્યા પછી પછી ડિજિટલ અવતાર ધારણ કરવો છે?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ - 23 ઓગસ્ટ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
અપલોડ વેબ શોનું ક્લેવર ભલે સાયન્સ ફિક્શન વત્તા રોમાન્ટિક કૉમેડીનું હોય, પણ વાસ્તવમાં આ એક કટાક્ષિકા છે.


શ્વર તમને સો વર્ષના કરે, પણ થોડી પળો માટે ધારી લો કે તમે મૃત્યુ પામો છો. છેલ્લી ઘડીએ તમારી પતિ/ પત્ની/ પ્રેમી/ પ્રેમિકા તમારી અંતિમ ઇચ્છા પૂછે છેઃ ડિયર, એટલે તારે હવે પૂરેપૂરા મરી જ જવું છે કે તારો ડિજિટલ અવતાર હું સાચવી રાખું? જો તું હા પાડ તો તારા પાર્થિવ શરીરને અપલોડ કરવાની હું વ્યવસ્થા કરું. આ રીતે આપણે અનંત કાળ સુધી એકબીજાના કૉન્ટેક્ટમાં રહી શકીશું!’  
તમે હા પાડો છો. મૃત્યુ પછી તમે ફાઇવ સ્ટાર નહીં, પણ એક ફિફ્ટીન સ્ટાર લકઝરી રિસોર્ટ જેવી અદભુત જગ્યાએ ટ્રાન્સપોર્ટ થઈ જાઓ છો. જાણે સ્વર્ગ જ જોઈ લો. તમે જાણો છો કે તમે ખુદ અને તમારી આસપાસ જે કંઈ છે તે સઘળું સિમ્યુલેટેડ રિયાલિટી છે, ડિજિટલી ક્રિયેટ કરવામાં આવ્યું છે. 

અહીં ટૅક્નોલોજી નેક્સ્ટ લેવલ પર પહોંચી ચૂકી છે. તમે હથેળી પહોળી કરો એટલે અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચેના એલ આકારમાં ફટાક કરતો મોબાઇલ સ્ક્રીન ઉપસી આવે. વાત પૂરી કરીને તમે મૂઠ્ઠી વાળો એટલે મોબાઇલ ગાયબ થઈ જાય. માનવલોકમાં કોઈ પ્રસંગ હોય તો તમે ડિજિટલી ઉપસ્થિત રહી શકો. મોટી સ્ક્રીન પર તમે હાલતાચાલતા દેખાવ. તમારો દોસ્તાર આ સ્ક્રીન નજીક આવીને તમને કહી પણ શકે કે, સોરી યાર, તું ગુજરી ગયો ત્યારે હું બહારગામ ગયો હતો એટલે તારી અંતિમક્રિયામાં હાજરી નહોતો આપી શક્યો!’ તમે જવાબમાં કહો કે, કશો વાંધો નહીં, બોસ, ચાલ્યા કરે. અચ્છા, તને પેલો કૉન્ટ્રેક્ટ મળવાનો હતો એનું પછી શું થયું?’

વિસ્મિત થઈ જવાય એવી વાત છેને! અપલોડમાં તમને ડગલે ને પગલે તમને આવું વિસ્મય થયા કરશે. અપલોડ એ અમેઝોન પ્રાઇમ વિડિયો પર મૂકાયેલો દસ એપિસોડવાળો નવોનક્કોર વેબ શો છે. શોની વાર્તા 2033ની સાલમાં આકાર લે છે. તમે જો સાયન્સ ફિક્શનના રસિયા હશો તો શો શરૂ થતાં જ તમને બ્લેક મિરર (નેટફ્લિક્સ)નો સેન જુનિપેરો (2016) નામનો અફલાતૂન સ્ટૅન્ડ-અલોન એપિસોડ જરૂર યાદ આવશે. તેમાં સેન જુનિપેરો નામનું એક રળિયામણું નગર છે, જેમાં મૃત્યુ પામેલા લોકોના ડિજિટલ અવતારો વસે છે. સમજોને કે અપલોડ આ જ આઇડિયાનું એક્સટેન્શન છે.

અપલોડનો હેન્ડસમ નાયક નેથન એક સોફ્ટવેર એન્જિનીયર છે. એ કોઈ જબરદસ્ત પ્રોડક્ટને લૉન્ચ કરવાની અણી પર છે ત્યાં જ એની કમ્પ્યુટર-કંટ્રોલ્ડ, ડ્રાઇવર-રહિત કારનું એક્સિડન્ટ થઈ જાય છે. એની ગર્લફ્રેન્ડ ઇન્ગ્રિડ અતિ ધનિક બાપની ચાંપલી ઔલાદ છે. એ ચિક્કાર પૈસા ખર્ચીને અકસ્માતમાં મૃત્યુ પામેલા નેથનને વૈભવી ડિજિટલ આફ્ટરલાઇફ મળે તેવી વ્યવસ્થા કરે છે. ડિજિટલ આફ્ટરલાઇફ ઑફર કરતી કેટલીય એજન્સીઓ છે ને તેમની વચ્ચે પાછી કટ્ટર હરીફાઈ ચાલે છે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની જેમ પ્રવાસીઓને અલગ અલગ પૅકેજ ઑફર કરે તેમ અહીં પણ તમે મરતાં પહેલાં ડિજિટલ આફ્ટરલાઇફ માટેનું પૅકેજ પસંદ કરી શકો છો. નેથન જે એજન્સી દ્વારા અપલોડ થયો છે તેમાં નોરા નામની એક કસ્ટમર કેર રિપ્રેઝન્ટેટિવ કામ કરે છે. નોરા વીઆર (વર્ચ્યુઅલ રિયાલિટી)નાં ડાબલા જેવાં ચશ્માં પહેરે એટલે ડિજિટલ સ્વર્ગમાં નેથન જે કંઈ કરતો હોય તે પોતાના કમ્પ્યુટરની સ્ક્રીન પર લાઇવ નિહાળી શકે, તેની સાથે વાતો કરી શકે. આપણી હિન્દી પૌરાણિક સિરિયલોમાં જેમ દૈવી પાત્રો ગમે ત્યારે પ્રગટ થઈ શકે છે ને ગમે ત્યારે અંતર્ધ્યાન થઈ શકે છે તેમ નોરા પણ ઇચ્છે ત્યારે ડિજિટલ સ્વર્ગમાં એન્ટ્રી-એક્ઝિટ મારી શકે છે.     




પછી ઘણું બધું બને છે. નેથન અને નોરા વચ્ચે લાગણીનો સંબંધ વિકસે છે. ધીરે ધીરે ખબર પડે છે કે નેથનનું કાર એક્સિડન્ટમાં મોત નહોતું થયું, બલકે એનું મર્ડર થયું હતું. લવસ્ટોરીમાં હવે થ્રિલ અને સસ્પેન્સનાં તત્ત્વો ઉમેરાય છે. નેથનને એ પણ સમજાય છે કે પોતાના ડિજિટલ અસ્તિત્ત્વનો સંપૂર્ણ કંટ્રોલ તો માનવલોકમાં વસતી પોતાની પ્રેમિકા ઇન્ગ્રિડ મુઠ્ઠીમાં રાખીને બેઠી છે. એ ઇન્ગ્રિડનું રમકડું બની ગયો છે. જેમ કે, ઇન્ગ્રિડ કામાતુર થાય ત્યારે સેક્સ-સુટ પહેરી લે, ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરે ને નેથન સાથે શરીરસુખ માણી લે. નેથનને આ સંબંધમાં ગૂંગળામણ થવા લાગે છે. મરી ગયા પછી પણ તેને સંબંધમાં સ્પેસ જોઈએ છે!  

અપલોડનું ક્લેવર ભલે સાયન્સ ફિક્શન વત્તા રોમાન્ટિક કૉમેડીનું હોય, પણ તમે જેમ જેમ શોમાં આગળ વધતાં જાઓ છો તેમ તેમ તમને સમજાય છે કે વાસ્તવમાં આ એક કટાક્ષિકા છે. હળહળતો ઉપભોક્તાવાદ, અમીર-ગરીબ વચ્ચેનો વર્ગભેદ અને ટૅકનોલોજીની અવળી અસરો પર અહીં સૉલિડ વ્યંગ કરવામાં આવ્યો છે. આ ફીલ ગુડ શોનો કથાપ્રવાહ તમને ક્યારેક ધીમો લાગશે, પણ શોની અફલાતૂન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બધી કસર પૂરી કરી નાખે છે. પ્રાઇમ વિડિયો પર અપલોડ જોઈ કાઢજો. મોજ પડશે.       

0 0 0 

No comments:

Post a Comment