દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 28 જૂન 2020,
રવિવાર
મલ્ટિપ્લેક્સ
ઉત્તમ લખાવટ, અફલાતૂન ડિરેક્શન અને મસ્તમજાનાં પર્ફોર્મન્સીસવાળી ‘આર્યા’ વેબ સિરીઝ જોવાય.
ચોક્કસપણે જોવાય.
‘આર્યા’ વેબ શો વિશે ઉત્સુકતા જાગવાનાં બે મુખ્ય કારણો હોય.
એક તો, સુસ્મિતા સેને વર્ષો પછી અભિનેત્રી તરીકે પુનરાગમન કર્યું છે. ભૂતપૂર્વ મિસ
યુનિવર્સ રહી ચૂકેલી આ એક્ટ્રેસના ઇન્ટરવ્યુઝ જોવા-વાંચવાની હંમેશા મજા આવી છે.
આપણને થાય કે આટલી સુપર કૉન્ફિડન્ટ, આટલી ચાર્મિંગ અને ઠીક ઠીક પ્રતિભાશાળી એવી
સુસ્મિતાએ કેમ આટલું ઓછું અને પાંખું કામ કર્યું હશે? ‘આર્યા’માં રસ પડવાનું બીજું કારણ છે, વેબ શોના ડિરેક્ટર, રામ માધવાણી. એમની છેલ્લી
ફિલ્મ ‘નીરજા’ (2016) ખરેખર અસરકારક હતી. એમની પહેલી ફિલ્મ ‘લેટ્સ ટૉક’ (2002), કે જેના થકી બમન ઇરાનીએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો, તે પણ ખાસ્સી
ઇન્ટરેસ્ટિંગ હતી.
કોઈ પણ ફિલ્મ કે સિરીઝ સારી યા ખરાબ છે તે માપવાનો મૂળભૂત માપદંડ એ જ હોવાનો
કે તે તમને જકડી રાખી શકે છે કે કેમ. તો શું હોટસ્ટાર પર મૂકાયેલી ‘આર્યા’ દર્શકને સતત બાંધી રાખે છે? જવાબ છે, હા બિલકુલ. સરેરાશ પચાસેક મિનિટનો એક એવા નવ એપિસોડવાળો આ શો તમે માત્ર
જોતા નથી, તમે બિન્જ-વૉચ કરો છો, મતલબ કે ભૂખ્યો માણસ એકશ્વાસે આખી થાળી સફાચટ કરી
નાખે તેમ તમે પણ, જો સમયની પૂરતી મોકળાશ હોય તો, ‘આઇલ્લા... હવે શું
થશે, હવે શું થશે’ કરતાં કરતાં આખો શો સડસડાટ જોઈ કાઢો છો.
શું છે ‘આર્યા’માં? આ શો મૂળ ‘પેનોઝા’ (2010) નામની એક ડચ વેબ સિરીઝની રિમેક છે. થોડી
સ્પોઇલર-ફ્રી વિગતો જોઈ લઈએ. સુસ્મિતા સેન (આર્યા) એક રાજસ્થાનના એક અતિ ધનિક
પરિવારની સ્ત્રી છે. એ વાત અલગ છે કે પાત્રોની બોલચાલ અને લાઇફસ્ટાઇલ પરથી વાર્તાનું
લોકાલ રાજસ્થાનને બદલે મુંબઈ કે દિલ્હી જેવું વધારે લાગ્યા કરે છે. હવામાં ઊંધા
લટકીને એરિયલ એક્સરસાઇઝ કરતી સ્ટાઇલિશ આર્યા ત્રણ સંતાનોની મા છે. એનો
પ્રેમાળ બિઝનેસમેન પતિ (ચંદ્રચૂડ સિંહ,
યાદ છે?) નામ પૂરતી એક ફાર્માસ્યુટિકલ કંપની ચલાવે છે. મૂળ તો એ અફીણનો ગેરકાયદે ધંધો
કરે છે. આર્યાના પિતાએ આખી જિંદગી આ જ બેનામી ધંધો કરીને કરોડોની કમાણી કરી છે.
આર્યાનો માથાફરેલ લાલચુ ભાઈ પણ આ જ લાઇનમાં છે. ટૂંકમાં, ‘ગૉડફાઘર’ની માફક આ પણ એક માફિયા પરિવાર છે. શોના પ્રારંભમાં જ આર્યાના પતિની ધોળે
દિવસે હત્યા થઈ જાય છે. દુશ્મનો વસૂલી કરવા ડાઘિયા કૂતરાની જેમ પાછળ પડે છે. આર્યાએ
હવે પરિસ્થિતિની લગામ પોતાના હાથમાં લઈને પરિવારને સુરક્ષિત રાખવાનો છે. એણે (અને
ઑડિયન્સે) કલ્પના પણ ન કરી હોય તેવા ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ આવ્યા કરે છે ને
આખરે... વેલ, આખરે શું થાય છે તે તમારે જાતે જોઈ લેવાનું છે.
રામ માધવાણી ખરેખર તો ડચ શો ‘પેનોઝા’ પરથી ફિચર ફિલ્મ બનાવવા માગતા હતા. ફિલ્મ તો ન બની, પણ સાત વર્ષના સ્ટ્રગલ બાદ
વેબ શો જરૂર બન્યો. ‘આર્યા’ જોઈને આપણને જરૂર લાગે કે આ કથાનક પરથી એકાધિક સિઝન
ધરાવતી વેબ સિરીઝ બને તે જ સારું છે. રામ માધવાણી, કે જે આ શોના સહનિર્માતા અને
સહનિર્દેશક છે, તેમણે 59 દિવસોમાં આખી સિઝનનું શૂટિંગ પૂરું કરી નાખ્યું હતું.
કલાકારોએ ડબિંગ લૉકડાઉન દરમિયાન પોતપોતાના ઘરેથી કર્યું!
શૂટિંગ પહેલાં
વર્કશોપ વખતે જ કલાકારોને કહી દેવામાં આવ્યું હતું કે તમારે જાણે થિયેટરમાં રંગમંચ
પર પર્ફોર્મન્સ આપતા હો તે રીતે એક્ટિંગ કરવાની છે. કૅમેરા ટીમને સૂચના આપવામાં
આવી હતી કે તમારે એક્ટર્સને એમની રીતે હરવાફરવાની પૂરી છૂટ આપવાની છે. ધારો કે કોઈ
સીનમાં ડાઇનિંગ ટેબલ પર બેઠેલી સુસ્મિતા સેનને ડાયલોગ બોલતાં બોલતાં ઊભા થઈને
ફ્રિજમાંથી પાણી પીવાનું મન થાય તો એ આવું ચોક્કસ કરી શકે. સ્ક્રિપ્ટમાં આવી
ચેષ્ટા લખાયેલી ન હોય, તો પણ. કૅમેરા ટીમે તમામ એક્ટર્સનાં આવાં સ્પોન્ટેનિયસ
હલનચલનને કેપ્ચર કરવા માટે સતત એલર્ટ રહેવાનું. લાંબા લાંબા, દસ-દસ મિનિટના શોટ્સ
હોય. શોટની શરૂઆતમાં મજાકમસ્તી ચાલતાં હોય ને અચાનક એ જ શોટમાં કોઈ પાત્રને ખરાબ
ન્યુઝ મળે ને સ્ક્રિપ્ટ પ્રમાણે એણે ધ્રૂસકે ધ્રૂસકે રડવાનું હોય. સુસ્મિતા સેને
ડિરેક્ટરને પૂછ્યું પણ ખરું કે આંખમાં ગ્લિસરીન નાખ્યા વગર એકાએક હું કેવી રીતે
રડું? રામ માધવાણીએ કહી
દીધુઃ તો નહીં રડવાનું. સિમ્પલ. એક્ટરોને સમજાઈ ગયું કે અહીં અમારે ટિપિકલ ફિલ્મ
કે ટીવી શોની જેમ શૂટિંગ કરવાનું નથી, બલ્કે, ખરેખર પાત્રપ્રવેશ કરીને જે-તે
કિરદારની લાગણીઓને ભીતરથી અનુભવીને પર્ફોર્મ કરવાનું છે. રામ માધવાણીએ એક
ઇન્ટરવ્યુમાં સરસ વાત કરી કે એક્શનની કન્ટિન્યુટી કરતાં મને ઇમોશનની
કન્ટિન્યુટીમાં વધારે રસ હોય છે. ઘટનાઓ માત્ર શોટ ચાલુ હોય ત્યારે જ બનતી નથી.
ઘટનાઓ ‘એક્શન’નો આદેશ અપાય તે પહેલાં અને ‘કટ’ બોલાય તે પછી પણ ચાલતી હોય છે.\
‘આર્યા’ના પહેલાં એકાદ-બે એપિસોડ્સમાં સુસ્મિતા સેનનો અભિનય
સપાટ લાગે છે. તે દર્શકનાં મન-હૃદયમાં ખાસ સ્પંદનો પેદા કરી શકતી નથી. સદભાગ્યે આ
ફરિયાદ લાંબો સમય ટકતી નથી. સુસ્મિતા પછી તો પોતાના પાત્રને એવું તો બોચીએ પકડે છે
કે છેક સુધી પકડ ઢીલી કરતી નથી. લાગે છે, સુસ્મિતાની એક્ટ્રેસ તરીકેની આ ઇનિંગ્સ
ઘણી વધારે સંતોષકારક પૂરવાર થવાની.
તો શું ‘આર્યા’ જોવાય? જવાબ છેઃ હા. ઉત્તમ લખાવટ, અફલાતૂન ડિરેક્શન અને
મસ્તમજાનાં પર્ફોર્મન્સીસવાળી આ વેબ સિરીઝ જોવાય. ચોક્કસપણે જોવાય.
0 0 0
No comments:
Post a Comment