Tuesday, June 2, 2020

અનર્થઘટનઃ લોટમાં પાણી નાખીને ‘માંસ’ પકાવવાની કળા!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 3 June 2020, બુધવાર
ટેક ઓફ  
શું જૂના જમાનામાં યજ્ઞોમાં પશુઓની બલિ ચડાવવાની છૂટ હતી? શું આપણા ઋષિ-મુનિઓ પણ ગૌ-માંસ ખાતા?

ભાષા ભારે અજાયબ ચીજ છે. ભાષાઓની રંગછટાઓ ને અર્થચ્છાયાઓ આપણને મુગ્ધ કરી દે છે. ભાષા જેટલી વધારે સમૃદ્ધ એટલી એમાં સૂક્ષ્મતાઓ વધારે, મસ્તી વધારે, ઇવન કોમ્પ્લીકેશન્સ પણ વધારે. એક જ શબ્દના ઘણી વાર એકમેક કરતાં સાવ જુદા જ અર્થ નીકળતા હોય છે. સાચો વિદ્વાન એ છે જે ભાષાને વધારે ગૂંચવી ન મારે, બલ્કે તેને સિમ્પ્લિફાય કરે, અર્થનો અનર્થ થતાં રોકે. કમનસીબે પ્રતિષ્ઠિત વિદ્વાનો પણ ક્યારેક અજાણપણે અથવા ઇરાદાપૂર્વક સાચા અર્થને દબાવી રાખીને ભળતાસળતા અર્થને ફેલાવા દે છે. ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન સાહિત્ય આવા અનર્થઘટનનો પુષ્કળ ભોગ બન્યું છે.
શાકાહારને અપનાવવાની ને માંસાહારને ત્યજવાની વાત આવે ત્યારે ઘણા અદકપાંસળીઓ ઉછળી ઉછલીને દલીલ કરે છે કે આપણે ત્યાં જૂના જમાનામાં યજ્ઞોમાં પશુઓના બલિ ચડાવવાનો રિવાજ હતો. તે શું હિંસા નહોતી? ઇવન આપણા ઋષિ-મુનિઓ પણ ગૌમાંસ ખાતા. જો વૈદિક સંસ્કૃતિમાં જીવહિંસા સામે કોઈને વાંધો નહોતો તો હવે શા માટે દોઢડાહ્યા થાઓ છો?
આ અર્ધજ્ઞાનીઓ જાણતા નથી કે 14મી સદીમાં દક્ષિણ ભારતમાં થઈ ગયેલા આચાર્ય સાયણ નામના સંસ્કૃતના પંડિત અને તેમનું જોઈને મેક્સમૂલર તેમજ ગ્રિફિથ જેવા પશ્ચિમના વિદ્વાનોએ વેદગ્રંથોના શ્લોકોનાં કેવાં ભયાનક અનર્થઘટનો કર્યાં હતાં. તેમણે કાઢેલાં ખોટા અર્થો પછી રેફરન્સ તરીકે લેવાતા ગયા ને તે પ્રચલિત થતા ગયા. સાયણાચાર્યે કરેલા વેદોના અર્થઘટનનો સ્વામી દયાનંદ સરસ્વતી અને શ્રી અરવિંદે કેવળ આંશિક સ્વીકાર જ કર્યો છે. સાયણાચાર્ય સામે ગંભીર આક્ષેપ એ છે કે એમણે કેટલાય વેદશ્લોકોનો ખોટો ને હિંસાત્મક અર્થ તારવ્યો છે. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના વેદ સંબંધિત દષ્ટિકોણ વિશે સ્વામી વિદ્યાનંદ સરસ્વતીએ વેદાર્થ-ભૂમિકા નામનું સરસ પુસ્તક લખ્યું છે. તેઓ લખે છે કે ચારેય વેદોમાં યજ્ઞ શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે અથવા વિશેષણ રૂપે અસંખ્ય વખત અધ્વર શબ્દ વપરાયો છે. અધ્વર ઇતિ યજ્ઞનામ – ધ્વરતિ હિંસાકર્મા તત્પ્રતિષેધઃ. અર્થાત યજ્ઞનું નામ અધ્વર છે – અધ્વરનો અર્થ થાય છે, હિંસારહિત કર્મ. આમ, યજ્ઞ શબ્દમાં  જ, બાય ડેફિનેશન, અહિંસાનું મહાત્મ્ય કરવામાં આવ્યું છે.    

વેદોમાં સંજ્ઞપન શબ્દ છે. તેનો એક અર્થ બકરાને કાપવો એવો થાય છે. સંજ્ઞપનનો બીજો અર્થ સમ્યક્ જ્ઞાન કરાવવું એવો પણ થાય છે. તોય કોણ જાણે કેમ બકરાને કાપવો અર્થને ધરાર પ્રચલિત કરી દેવામાં આવ્યો. અમુક લોકો પ્રતાપતયે પુરુષાન્ હસ્તિન આલભતે – આ પ્રકારના વાક્યો ટાંક્યા જ કરે છે, કેમ કે આલભ્ય શબ્દને તેઓ હત્યા કરવી કે બલિદાન આપવુંના અર્થમાં જુએ છે. આલભ્યનો અર્થ સ્પર્શ કરવો અથવા સારી રીતે પ્રાપ્ત કરવું તેવો પણ થાય છે, પણ યજ્ઞમાં પશુહિંસા થવા સામે જેને જરાય વાંધો નથી તેવા લોકોને આ સાત્ત્વિક અર્થમાં રસ નથી! 

વેદશ્લોકોના અનર્થઘટન વિશે ઘણા વિદ્વાનોએ વિસ્તારપૂર્વક, દાખલા-દલીલ સાથે લખ્યું છે. જેનો સૌથી વધારે અનર્થ કરવામાં આવ્યો હોય તે શબ્દો છે – અશ્વમેધ, નરમેધ, અજમેધ અને ગોમેધ. મેધ શબ્દના ત્રણ અર્થ થાય છે – એક, મેધા અટલે કે શુદ્ધ બુદ્ધિ વધારવી. બે, લોકોમાં એકતા અને પ્રેમભાવ વધારવો અને ત્રણ, હિંસા. દુષ્ટ લોકો પહેલાં બે અર્થોને ચાતરી જાય છે અને ઇરાદાપૂર્વક મેધ એટલે હિંસા એવું ઠસાવીને વેદસાહિત્ય વિષે દુષ્પ્રચાર કરતા રહે છે.  
વૈદિક સાહિત્યમાં સતત, અવારનવાર, કેટલીય જગ્યાએ ગાયની હત્યાને મહાપાપ ગણવામાં આવ્યું છે. ગોમેધ શબ્દનો અર્થ થાય છે વાણીનો સંસ્કાર કરવો, પૃથ્વીને ખેતીલાયક બનાવવી, ગાયથી પ્રાપ્ત થતાં ઘી-દૂધ વગેરે પદાર્થોની વૃદ્ધિ કરવી વગેરે. છતાંય ગોમેધ શબ્દ ટાંકીને અર્થનો અનર્થ કરનારા દ્વેષીઓ વારંવાર એવું કહ્યા કરે છે કે જુઓને ઇવન વેદોમાં પણ ગોમેધના ઉલ્લેખો છે એટલે કે ગાયનો વધ સ્વીકાર્ય હોવાનું કહેવામાં આવ્યું છે!

વેદમાં માંસ શબ્દ પણ આવે છે, પણ આ આપણે જેને માંસ કહીએ છીએ તે નહીં. જેમ કે અથર્વવેદનો આ શ્લોકઃ અશ્વાઃ કણા ગાવસ્તણ્ડુલા મશકાસ્તુષાઃ / શ્યામમયોસ્ય માંસાનિ લોહિસમસ્ય લોહિતમ્ અર્થાત્ ચોખાના કણ અશ્વ છે, છડેલા ચોખા ગૌ (ગાય) છે, ભૂંસુ મશક છે, ચોખામાં જોવા મળતો શ્યામ ભાગ માંસ છે અને લાલ ભાગ રક્ત છે. સ્વામી વિદ્યાનંદ સરસ્વતી લખે છે કે વેદોમાં આવા સેંકડો શબ્દો છે, જે પહેલી નજરે પશુઓનાં નામ લાગે, પણ આયુર્વેદના ગ્રંથો પરથી સ્પષ્ટ થાય છે કે પશુ કે તેના અવયવ જેવા લાગતા આ શબ્દો વાસ્તવમાં વનસ્પતિ તેમજ ઔષધિવાચક શબ્દો છે.  સંસ્કૃતમાં લોટ માટે લોમ શબ્દ છે. તેમાં પાણી ભેળવીને ગૂંદીને લોટનો પિંડો બનાવવામાં આવે તે માંસ કહેવાય છે... અને લોટના આ પિંડાને પકાવી લેવામાં આવે તો તે પશુ કહેવાય છે! પ્રાચીન કાળમાં લોકો અન્ન-પશુથી યજ્ઞ કરતા એવું કહેવાય છે તે આ અર્થમાં! પણ ધૂર્ત લોકોએ અપપ્રચાર શરૂ કરી દીધો કે અગાઉના જમાનામાં યજ્ઞ કરતી વખતે અગ્નિમાં અનાજ ઉપરાંત પશુઓનું માંસ પણ નાખવામાં આવતું. હદ થાય છે!

સો વાતની એક વાત. આપણી વૈદિક સંસ્કૃતિએ જીવહિંસાની ક્યારેય પરવાનગી આપી નથી. ક્યારેય નહીં.   
    
0 0 0  

No comments:

Post a Comment