Wednesday, June 10, 2020

સાહિત્યસર્જન અને સુથારીકામ વચ્ચે ઝાઝો ફર્ક નથી!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 10 June 2020, બુધવાર 
ટેક ઓફ 
લેખકે ખુદની અનુભૂતિઓની સચ્ચાઈના આધારે લખ્યું છે કે કેવળ વાંચેલી ને સાંભળેલી વાતોનો આધારે લખ્યું છે તે તરત પરખાઈ જતું હોય છે.

સાહિત્યનું નોબલ પ્રાઇઝ જીતનારા મહાન સાઉથ અમેરિકન લેખક ગેબ્રિયલ ગાર્શિયા માર્કેઝે લવ ઇન ટાઇમ ઑફ કૉલેરા (1985) નામની ઉત્તમ નવલકથા લખી હતી. જો માર્કેઝ આજે જીવતા હોત તો તેમને કદાચ લવ (અથવા હેટ) ઇન ટાઇમ ઑફ કોરોના લખવાનો વિચાર આવ્યો હોત. માર્કેઝે પોતાની સર્જનપ્રકિયા વિશે જુદા જુદા ઇન્ટરવ્યુઝમાં ખૂબ બધા અને ખૂબ સુંદર વિચારો શૅર કર્યા છે. માત્ર ઊભરતા લેખકોને જ નહીં, પણ સુસ્થાપિત લેખકોના દિમાગમાં પણ વિચારોના તણખા પ્રગટાવી દે તેવી એમની વાતો છે.

માર્કેઝ એક મુલાકાતમાં કહે છે, યંગ રાઇટર્સને મારે એટલી જ સલાહ આપવાની છે કે તમે એ લખો જે તમે અનુભવ્યું છે. કોઈ પણ લખાણ લેખકના સ્વાનુભવ કે ખુદની અનુભૂતિઓની સચ્ચાઇમાંથી આવ્યું છે કે કેવળ વાંચેલી ને સાંભળેલી વાતાનો આધારે લખાયેલું છે તે તરત પરખાઈ જતું હોય છે.
માર્કેઝ મૅજિક રિયલિઝમ માટે જાણીતા છે. મૅજિક રિયલિઝમ એટલે તદન અવાસ્તવિક કે જાદુઈ વાતોને એવી રીતે લખવી જાણે કે તે વાસ્તવિક હોય. આ કાલ્પનિક ઉદાહરણ લોઃ કાલે મધરાતે મારી ઊંઘ ઊડી ગઈ. મેં બારીનો પડદો હટાવીને જોયું તો આકાશનો ચંદ્ર મારા ઘરના કમ્પાઉન્ડમાં જે પેલો લીમડો છે એની એક ડાળી પર બેઠો બેઠો પોતાની શીતળતા પ્રસરાવી રહ્યો હતો. મેં ચંદ્રેને પૂછ્યુઃ કેમ શું થયું? કેમ આજે આકાશ છોડીને મારા આંગણે આવવું પડ્યું? ચંદ્રે જવાબ આપ્યોઃ મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છેને, એટલે.

આ મૅજિક રિયલિઝમ છે. ચાંદામામા આકાશ છોડીને આપણી સાથે ગપ્પાં મારવા છેક આપણા ઘર સુધી આવે તે એક ફેન્ટસી થઈ, પણ મૅજિક રિઅલિઝમ અજમાવતી વખતે આ આખી વાતને એટલી સહજતાપૂર્વક લખવામાં આવે કે જાણે તે સત્ય છે. માર્કેઝને અત્યંત પ્રતિષ્ઠા અપાવનારી નવલકથા વન હંડ્રેડ યર્સ ઑફ સોલિટ્યુડ (1967)માં મૅજિક રિયલિઝમનો ભરપૂર ઉપયોગ થયો છે. યુવા લેખકોને પોતાના અનુભવો પર મદાર રાખવાની સલાહ આપનારા માર્કેઝ સ્વયં માયાવી તત્ત્વોને એક શૈલી અથવા ફૉર્મ તરીકે વાપરે તે કેવું? આની સ્પષ્ટતા માર્કેઝની આ વાતમાં થાય છેઃ



મારાં જે કામની સૌથી વધારે પ્રશંસા થઈ છે તે મારી કલ્પનાશીલતામાંથી નીપજી છે, પણ સચ્ચાઈ એ છે કે મારાં લખાણોમાં એક પણ વાક્ય એવું હોતું નથી જેના મૂળિયાં વાસ્તવિક અનુભૂતિમાં દટાયેલાં ન હોય... મારી પાસે વન હંડ્રેડ યર્સ ઑફ સોલિટ્યુડનો આઇડિયા હતો, હું એના પરથી નવલકથા લખવાની કોશિશ પણ કરતો હતો, પણ મને સતત લાગ્યા કરતું હતું કે કંઈક ખૂટતું છે. મને સમજાતું નહોતું કે વાત કેમ જામતી નથી. આખરે એક દિવસ આ કથા કેવા સૂરમાં કહેવી જોઈએ તે મને સમજાયું. આ ટોન (એટલે કે મૅજિક રિયલિઝમ)નો પછી મેં વન હંડ્રેડ ઑફ સોલિટ્યુડમાં ઉપયોગ કર્યો. હું નાનો હતો ત્યારે મારી દાદીમા મને આ જ રીતે વાર્તાઓ સંભળાવતાં. વાત સુપરનેચરલ અને ફેન્ટસીની હોય, પણ દાદી તે એટલી સહજ રીતે વર્ણવે કે એવું લાગે કે જાણે આ બધું સાચું જ છે. મૅજિક રિયલિઝમનું ફૉર્મ પકડાતાં જ હું પાછો નવલકથા લખવા બેસી ગયો. હું રોજેરોજ લખતો. નવલકથાનો ડ્રાફ્ટ ફાયનલ કરતાં મને અઢાર મહિના લાગ્યા. મૅજિક રિયલિઝમનું તત્ત્વ લાવતાં પહેલાં મેં વન હંડ્રેડ...ના જે ડ્રાફ્ટ્સ લખ્યા હતા તેમાં મારી બિલીફ નહોતી. મને સમજાયું કે સૌથી પહેલાં તો મારે મારી જાત પર, મારા કન્વિક્શન પર અને મારા લખાણ પર ભરોસો મૂકવો પડે. કપોળકલ્પિત લાગતી ઘટનાઓ અને વર્ણનોને પણ એવી જ રીતે કાગળ પર વ્યક્ત કરવાં પડે જેવી રીતે મારી દાદી મને વાર્તાઓ સંભળાવતી હતી – સંપૂર્ણ ગંભીરતાથી, પૂરેપૂરી સહજતાથી.

કળા, સર્જન, ક્રિયેટિવિટી, અભિવ્યક્તિ, પૅશન... આ બધું બરાબર છે, પણ લખવું આખરે તો મજૂરી છે. માનસિક અને શારીરિક એમ બન્ને સ્તરે થતો પરિશ્રમ. માર્કેઝ સાહિત્યસર્જનને રીતસર સુથારીકામ સાથે સરખાવે છે. અહીં સાહિત્યસર્જન એટલે ઊંચું કામ અને સુથારીકામ એટલે તુચ્છ કામ એવો અર્થ મહેરબાની કરીને કોઈએ તારવવો નહીં, પ્લીઝ. માર્કેઝ કહે છે, આખરે તો સાહિત્ય બીજું કશું નહીં પણ સુથારીકામ જ છે. બન્નેમાં ખૂબ મહેનત કરવી પડે છે. લખવું એ લાકડાના ટુકડામાંથી ટેબલ બનાવવા જેટલું જ અઘરું છે. બન્નેમાં તમારો પનારો વાસ્તવ સાથે પડે છે અને વાસ્તવ લાકડા જેટલું જ કઠણ મટીરિયલ છે. બન્નેમાં ટ્રિક્સ અને ટૅક્નિકની ભરપૂર જરૂર પડે છે. તમે સાહિત્ય સર્જો કે ટેબલ બનાવો, બન્નેમાં જાદુ ઓછો ને મહેનત વધારે જોઈએ. ફ્રેન્ચ સાહિત્યકાર પ્રોસ્તે કહ્યું છે તેમ, સાહિત્યસર્જન માટે દસ ટકા ઇન્સ્પિરેશન (પ્રેરણા)ની અને નેવું ટકા પર્સપિરેશન (મહેનત)ની જરૂર પડે. મને સુથારીકામનો જાતઅનુભવ નથી, પણ કાષ્ઠકળા કરતા સુથારો પ્રત્યે મને સૌથી વધારે માન છે.

શું સર્જન કરવાનું બળ પૂરું પાડે એવી પ્રેરણાનો ઝરો આખી જિંદગી અખંડપણે વહેતો રહે છે? ના. માર્કેઝ કહે છે, ઉંમર વધે છે તેમ પ્રેરણાનો ઝરો સૂકાતો જાય છે. પરિણામે ટેક્નિક પર વધુ ને વધુ આધાર રાખતા જવું પડે છે. જો ટેક્નિક કે ક્રાફ્ટ પર હથોટી ન હોય તો બધું ખતમ થઈ જાય છે. મોટી ઉંમરે તમારી લખવાની ગતિ ઓછી હોય, તમે વધારે સતર્ક હો અને પ્રેરણા પાંખી હોય. પ્રોફેશનલ લેખકો સામે સૌથી મોટો પડકાર આ જ હોય છે.  

આથી જ ગેબ્રિયલ ગાર્શિયા માર્કેઝની આ સલાહ જુનિયર અને સિનિયર સૌ લેખકોએ ગાંઠે વાળી લેવા જેવી છેઃ (પ્રેરણા કે અંતઃ સ્ફૂરણાની ઝાઝી રાહ જોયા વિના) લખો... બસ, લખ્યા કરો, લખતા રહો.

0 0 0 

No comments:

Post a Comment