દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 13 જૂલાઈ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
‘તમે મોટો લેખક જ લાવો તે જરુરી નથી. મને નવોદિત લેખક પણ ચાલશે. શરત માત્ર એટલી
કે એને ભાષાની પૂરતી સમજ હોવી જોઈએ.’
Javed Siddiqui |
બોલિવુડનાં નૃત્યોને એક
નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચાડનાર જન્નતનશીન કોરિયોગ્રાફર સરોજ ખાનનું સ્મરણ કરીને
આપણે ગયા રવિવારે શરૂ કરેલી વાતને આગળ વધારીએ. વાત એમ હતી કે ભારતમાં કટોકટી
લદાયેલી હતી તે અરસામાં મુંબઈની હોટલ પ્રેસિડન્ટમાં વર્લ્ડક્લાસ બંગાળી ફિલ્મમેકર
સત્યજિત રાય અને જાવેદ નામના એક યુવા પત્રકારની મિટીંગ થાય છે. કશી જ પિષ્ટપિંજણ
કર્યા વિના સત્યજિત રાય યુવાનના હાથમાં અંગ્રેજીમાં લખાયેલી એક ફિલ્મની સ્ક્રિપ્ટ
પકડાવીને કહે છેઃ આના ડાયલોગ્ઝ તારે લખવાના છે! આશ્ચર્ય અને આનંદથી મૂઢ થઈ ગયેલો
યુવાન પોતાની મિત્ર શમા ઝૈદીના ઘરે પહોંચી જાય છે,
‘યાર, શમા! આ મુનશી પ્રેમચંદની વાર્તા છે ને સત્યજિત રાય જેવા મહાન ફિલ્મમેકર તેના પરથી
ફિલ્મ બનાવવા માગે છે,’ જાવેદે કહ્યું, ‘સંવાદોમાં ક્યાંક જરાક અમથી પણ ભૂલ થઈ ગઈ તો લોકો મને પકડીને મારશે.’
‘રિલેક્સ! કોઈ તને નહીં મારે.’
આખરે એવું નક્કી થયું
કે જાવેદ અને શમા બન્ને સાથે મળીને આ ફિલ્મના સંવાદો લખશે. શમા પાસે ‘ગરમ હવા’ સહિતની કેટલીક ફિલ્મોનું સહલેખન લખવાનો
અનુભવ હતો. મુનશી પ્રેમચંદની ‘શતરંજ કે ખિલાડી’ નામની ટૂંકી વાર્તા પરથી સિનિયર
બંગાળી લેખક માણિકદાએ અંગ્રેજીમાં હાઇક્લાસ સ્ક્રીનપ્લે તૈયાર કર્યો હતો. 1850ના
દાયકામાં આકાર લેતી આ કથામાં મિરઝા સજ્જાદ અલી અને મિર રોશન અલી નામના અવધમાં વસતા બે કુલીન પુરુષો કેન્દ્રમાં
છે. તેમને શતરંજ રમવાનો ગજબનો શોખ છે. તેમની શતરંજની ચાલ અને અસલી રાજકીય કાવાદાવા
બન્ને સમાંતરે ચાલ્યા કરે છે. સત્યજિત રાયની આ પહેલી
હિન્દી ફિલ્મમાં સંજીવ કુમાર, સઈદ જાફરી, અમઝદ ‘ગબ્બર’ ખાન, શબાના આઝમી, ફારુક શેખ અને ‘ગાંધી’ ફિલ્મના ડિરેક્ટર રિચર્ડ એટનબરોની
તેમાં અભિનય કરવાનાં હતાં.
હવે સવાલ એ ઊભો થયો કે
જો ફિલ્મના સંવાદો ઓગણીસમી સદીની અવધ ભાષામાં લખાશે તો ઑડિયન્સને કશું સમજાશે
નહીં. સંવાદો એવી રીતે લખાવા જોઈએ જે આસાનીથી સમજાય પણ જાય ને તેમાંથી જૂના જમાનાની
લખનવી સુવાસ પણ આવ્યા કરે. આ કામ કોને સોંપવું? પ્રોડ્યુસર સુરેશ જિંદાલના મનમાં
રાજિન્દરસિંહ બેદીનું નામ હતું. સંજીવકુમાર ઇચ્છતા હતા કે સંવાદો ગુલઝાર પાસે જ લખાવવા
જોઈએ. શબાના આઝમી અને આર્ટ ડિરેક્ટર બંસી ચંદ્રગુપ્તાનું સૂચન હતું કે આ કામ કૈફી
આઝમી (શબાનાના પિતા) કરતાં બહેતર બીજું કોઈ ન કરી શકે. આ સિવાય અખ્તર-ઉલ-ઇમાન
નામના લેખક પણ રેસમાં શામેલ હતા. માણિકદાએ કહ્યું કે રાજિન્દરસિંહ બેદી અને ગુલઝાર
ઉચ્ચ દરજ્જાના લેખકો છે તેની ના નહીં, પણ તેમનું બૅકગ્રાઉન્ડ પંજાબનું છે. તેઓ
કદાચ લખનવી સેન્સિબિલિટીથી એટલી હદે વાકેફ ન પણ હોય. અખ્તર-ઉલ-ઇમાને અગાઉ બી.આર.
ચોપરાની ફિલ્મો માટે સંવાદો લખ્યા હતા. આ પ્રકારનું લખાણ આપણી ફિલ્મમાં નહીં ચાલે.
છેલ્લે એક જ નામ
બચ્યું – કૈફી આઝમી. એમની પાસે ‘હીર રાંઝા’ અને ‘ગરમ હવા’ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો લખવાનો અનુભવ પણ હતો. કૈફીસાહેબ અને સત્યજિત રાય જેવા
બે દિગ્ગજો વચ્ચે મિટીંગ ગોઠવાઈ. તકલીફ એ થઈ કે કૈફી આઝમીને અંગ્રેજીમાં ફાંફા,
જ્યારે સત્યજિત રાય ફક્ત બંગાળી અને અંગ્રેજી સિવાયની ત્રીજી કોઈ ભાષામાં કમ્યુનિકેટ
ન કરી શકે. શબાના કહે, કશો વાંધો નહીં.
સંવાદલેખનની આખી પ્રોસેસ દરમિયાન મારા
પિતાજી માટે હું ટ્રાન્સલેટર અને દુભાષિયાનું કામ કરીશ. સત્યજિત રાયનું માનવું હતું
કે ડિરેક્ટર અને લેખક વચ્ચેનો સંબંધ પતિ-પત્ની જેવો હોય છે. એમની વચ્ચે કોઈ ત્રીજી
વ્યક્તિની હાજરી ન જ હોવી જોઈએ. સત્યજિત રાયે પોતાની ટીમને કહ્યું, ‘તમે મોટો લેખક જ લાવો તે જરુરી નથી. મને નવોદિત લેખક પણ ચાલશે. શરત માત્ર એટલી
કે એને ભાષાની પૂરતી સમજ હોવી જોઈએ.’
આ તબક્કે શમા ઝૈદી, કે
જે ‘શતરંજ કે ખિલાડી’ માટે કોસ્ચ્યુમ
ડિઝાઇન કરવાનાં હતાં, તેમણે સૂચન કર્યુઃ જાવેદ સિદ્દીકી નામનો એક યંગ જર્નલિસ્ટ
છે, મુંબઇના ઉર્દૂ અખબારમાં સરસ કૉલમો લખે છે, એમને અજમાવી જુઓ. સત્યજિત રાયે
કહ્યુઃ તો પછી છોકરાને મેસેજ આપ કે મને આવીને મળી જાય. આ રીતે સત્યજિતદા અને જાવેદ
સિદ્દીકીની મુલાકાત થઈ.
તહેરાન ફિલ્મ
ફેસ્ટિવલમાં ભાગ લઈને આઠ દિવસ પછી સત્યજિત રાય મુંબઇ પાછા ફર્યા ત્યાં સુધીમાં તો
જાવેદ સિદ્દીકી અને શમા ઝૈદીએ સાથે મળીને આખી ફિલ્મના સંવાદો લખીને તૈયાર કરી
નાખ્યા હતા! ફરી પાછી મિટીંગ ગોઠવાઈ. હોટલની
રૂમમાં આ વખતે સત્યજિત રાય ઉપરાંત માણિકદા, પ્રોડ્યુસર જિંદાલ, આર્ટ ડિરેક્ટર
ઉપરાંત ઉર્દૂ ભાષાના ધૂરંધર નિષ્ણાતો પણ હાજર હતા. કોઈથી ન અંજાવાનો જર્નલિસ્ટીક
મિજાજ ધરાવતા જાવેદ સિદ્દીકીએ એક પછી એક સીનના સંવાદો મોટેથી વાંચવાનું શરૂ
કર્યું. દોઢ કલાકના પઠન બાદ સવાલો પૂછાયા. જાવેદ અને શમાએ સંતોષકારક જવાબો આપ્યા. મિટીંગનું
પરિણામ આવી ગયું. ‘શતરંજ કે ખિલાડી’ના સંવાદલેખક તરીકે જાવેદ સિદ્દીકીનું નામ ફાયનલ થઈ ગયું.
આ રીતે જાવેદ
સિદ્દીકીની ક્રિયિટિવ યાત્રાની શરૂઆત થઈ. પછી તો એમણે કેટલીય લેન્ડમાર્ક કૃતિઓ લખી - ‘ઉમરાવ જાન’ જેવી આર્ટિસ્ટિક અને ‘બાઝીગર’, ‘ડર’, ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’, ‘રાજા હિંદુસ્તાની’ જેવી સુપરહિટ
મેઇનસ્ટ્રીમ ફિલ્મો, ‘તુમ્હારી અમૃતા’ નાટક, ‘ભારત એક ખોજ’ ટીવી સિરીઝ વગેરે. ખુદ સત્યજિત રાયે જે હીરાને પસંદ કર્યો હોય તે ન ચમકે તો જ
નવાઈ!
shishir.ramavat@gmail.com
No comments:
Post a Comment