Wednesday, May 27, 2020

યુટ્યુબ ચડે કે ટિકટોક?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 24 March 2020

મલ્ટિપ્લેક્સ
આ લોકપ્રિય પ્લેટફૉર્મ્સ વચ્ચે ફાટી નીકળેલા જોરદાર રમખાણે એક વાત પુનઃ સાબિત કરી આપી છે કે ભવિષ્ય પર વિડીયો કોન્ટેન્ટ રાજ કરવાનું છે


વું ઘમાસાણ સાયબરયુદ્ધ અથવા કહો કે સોશિયલ મિડીયા યુદ્ધ આપણે અગાઉ ક્યારેય નહોતું ભાળ્યું. બે પ્રતિસ્પર્ધીઓ છે. એક બાજુ છે, અમિર સિદ્દીકી નામનો મુંબઇનો જુવાનિયો કે જે ટિકટોકનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ છે, કૅરી મિનાટી ઉર્ફ અજેય નાગર નામનો ફરિદાબાદનો યુવાન કે જે યુટ્યુબનું પ્રતિનિધિત્વ કરે છે. ટિકટોક નામની મહામાયા વિશે તમે હજુ સુધી અજાણ હો તો જાણી લો કે આ એક અત્યંત પોપ્યુલર વિડીયો-શૅરિંગ પ્લેટફૉર્મ છે, જેના પર તમે પંદર સેકન્ડથી લઈને એક મિનિટ સુધીના ગીત-સંગીત-ડાન્સ-અભિનય-કૉમેડી કે એવા કોઈ પણ પ્રકારના વિડીયો અપલોડ કરીને દુનિયા સાથે શૅર કરી શકો છો. જેમણે પોતાના મોબાઇલમાં ટિકટોક ઍપ ડાઉનલોડ કરી હોય તે લોકો આ વિડીયોને લાઇક્સ આપે, કમેન્ટ કરે, વિડીયો બનાવનાર વ્યક્તિના ફૉલોઅર બને. અમિર સિદ્દીકીને ટિકટોક પર 3.7 મિલિયન અથવા 37 લાખ લોકો ફૉલો કરે છે, જ્યારે કૅરી મિનાટીની યુટ્યુબ ચેનલને 19.7 મિલિયન (1 કરોડ 97 લાખ) લોકોએ સબસ્ક્રાઇબ કરી છે.  
બન્યું એવું કે મે મહિનાની શરૂઆતમાં અમિર સિદ્દીકીએ પોતાના એક વિડીયોમાં યુટ્યુબર્સને ખૂબ ખરીખોટી સંભળાવી. એણે કહ્યું કે તમારા યુટ્યુબ કરતાં અમારું ટિકટોક ક્યાંય વધારે સારું છે. અમારા ટિકટોક-સમાજ જેવી એકતા તમને સાયબરજગતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. તમે ટિકટોકવાળા તો અમારા કોન્ટેન્ટની કૉપી કરો છો, વગેરે.
અમિરની આ ટિપ્પણીઓ સાંભળીને કૅરી મિનાટીને હાડોહાડ લાગી આવ્યું. એક સણસણતો જવાબી વિડીયો બનાવીને એ 14 મેના રોજ રણમેદાનમાં કૂદી પડ્યો. કૅરી મિનાટી આમેય બીજાઓને રોસ્ટ કરવા માટે જાણીતો છે. એ સેલિબ્રિટીઓ, બીજા શોઝ વગેરેની એકધારો ધોલાઈ કરતો હોય છે. એટલે જ તો યુટ્યુબ પર એ આટલો પોપ્યુલર બન્યો છે. પોતાના નવા વિડીયોમાં એણે અમિર સિદ્દીકીની એકેએક વાતનો કચકચાવીને જવાબ આપ્યો. અમિરને રોસ્ટ કરવામાં એ પ્રમાણભાન ચૂકીને ન બોલવાનું પણ બોલ્યો.

પત્યું. યુટ્યુબ અને ટિકટોક પર જાણે એટમ બોમ્બ ફૂટ્યો હોય તેવો માહોલ સર્જાઈ ગયો. કૅરી મિનાટીનો વિડીયો જોઈને આખેઆખું ટિકટોક ખળભળી ઉઠ્યું. કૅરીના વફાદાર ચાહકોએ આઇ સપોર્ટ કૅરી મિનાટી અને જસ્ટિસ ફોર કૅરી હેશટેગ સાથે એવો કાગારોળ મચાવ્યો કે ટ્વિટર પર તે ટ્રેન્ડિંગ થવા લાગ્યાં. કૅરી મિનાટીનો યટ્યુબ વિડીયો એવો વાઇરલ થયો કે એના વ્યુઝની સંખ્યા 78 મિલિયનના આંકડાને વટાવી  ગઈ. બે-ત્રણ દિવસમાં 7 કરોડ 80 લાખ વ્યુઝ કોને કહેવાય! આ વિડીયોએ યુટ્યુબ પર લોકપ્રિયતાના અગાઉના રેકોર્ડ્ઝ તોડી નાખ્યા. કૅરી મિનાટીની ચેનલને સબસ્ક્રાઇબ કરનારાઓની સંખ્યા હજારો કે લાખોમાં નહીં, મિલિયન્સમાં વધી ગઈ. આ લેખ 29 મે 2020ના રોજ બપોરે 12 વાગે અપડેટ થઈ રહ્યો છે ત્યારે કૅરી મિનાટીના સબસ્ક્રાઇબર્સની સંખ્યા, અગાઉ નોંધ્યું તેમ, 19.7 મિલિયન છે. કૅરી મિનાટી ભારતનો બીજા નંબરનો સૌથી પોપ્યુલર યુટ્યુબર બની ગયો છે. નંબર વન પોઝિશન પર અમિત બધના નામનો કોમિક યુટ્યુબર છે. એના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 20.1 મિલિયન છે. કૅરી કરતાં થોડાક જ વધારે. કૅરી ઓલરેડી આશીષ ચંચલાણીને પછાડીને પાછળ રાખી દીધા છે. આશીષ નંબર થ્રી પોઝિશન પર છે - 18.5 મિલિયન. યુટ્યુબનો બેતાજ બાદશાહ ગણાતો ભુવન બામે (બીબી કી વાઇન્સ)  સિંહાસન ક્યારનું ખાલી કરી  નાખ્યું છે.  17.8 મિલિયન ફૉલોઅર્સ સાથે હવે નંબર ફોર પર પહોંચી ગયો છે.
અસલી ક્લાઇમેક્સ, રાધર, એન્ટિ-ક્લાઇમેક્સ તો ત્યારે આવી જ્યારે યુટ્યુબે કૅરી મિનાટીના આ વિડીયોને પ્લેટફૉર્મ પરથી હટાવી દીધો. યુટ્યુબના સાહેબોને લાગ્યું કે આ વિડીયોએ બિનજરૂરી નેગેટિવિટી પેદા કરી નાખી છે. કૅરીએ એવા મતલબની કમેન્ટ કરી હતી કે ટિકટોક વિડીયો બનાવવાવાળા અભણ, ગમાર ને ગરીબ હોય છે. ગૅ (કે હિજડા) શબ્દનો એણે ગાળની જેમ ઉપયોગ કર્યો હતો. વળી, છોકરાઓ કરતાં છોકરીઓ કમજોર છે એવા મતલબની જાતિવાદી ટિપ્પણી પણ કરી હતી. આ બધું દેખીતી રીતે જ પોલિટિકલી ઇનકરેક્ટ હતું. જોકે વિડીયો ડિલીટ થયો ત્યાં સુધીમાં પ્રિન્ટ મિડીયા તેમજ જુદી જુદી વેબસાઇટ્સ પર તેની ખૂબ ચર્ચા થઈ ગઈ. ઇવન યુટ્યુબ પર કેટલાંય રિએક્શન વિડીયો બની ગયા. હજુય મૂળ વિડીયોના છૂટાછવાયા ટુકડા ઓનલાઇન અવેલેબલ છે.
યુટ્યુબ અને ટિકટોક બન્ને વિડીયો-શૅરિંગ પ્લેટફૉર્મ્સ છે તે બરાબર છે, પણ બન્નેની તાસીર એકબીજા કરતાં સાવ જુદી છે. યુટ્યુબ પર જે-તે વિષય પર વિસ્તારપૂર્વક વાત થઈ શકે છે, જ્યારે મહત્તમ એક મિનિટની સમયમર્યાદા ધરાવતા ટિકટોક વિડીયોઝ ચ્યુંઇગ ગમ જેવા છે. તમારી આંખો એક પછી એક વિડીયો નોનસ્ટોપ ચાવ્યા કરે, પણ એમાંથી કંઈ સત્ત્વ ન મળે. એવું નથી કે યુટ્યુબ પર બધું સારું-સારું જ છે. અહીં પુષ્કળ માત્રામાં કચરો ઠલવાયેલો છે જ, પરંતુ યુટ્યુબ પર મનોરંજનથી લઈને માહિતી સુઘીનું અને અઘ્યાત્મથી લઈને એકેડેમિક્સ સુધીનું સત્ત્વશીલ કોન્ટેન્ટ પણ પ્રચુર માત્રામાં સંઘરાયેલું છે. એમ તો ટિકટોક પર પણ ક્યારેક પ્રતિભાના ચમકારા ક્યારેક દેખાઈ જતા હોય છે.
કૅરી મિનાટી અને ભુવન બામ જેવા યુટ્યુબરોએ શહેરી ભારતીયોના કલ્ચરલ ફેબ્રિક પર કેવી અસર કરી છે તેની વાત પછી કરીશું, પણ અત્યારનો મુદ્દો એ છે કે આવનારા સમય પર વિડીયો કોન્ટેન્ટનો જોરદાર દબદબો રહેવાનો છે એવું આ કન્ટ્રોવર્સીએ ફરી એક વાર પુરવાર કરી દીધું છે. વિડીયો અને ઑડિયો કોન્ટેન્ટની સામે કાગળ પર છપાયેલા શબ્દો પોતાના દમ પર છાતી કાઢીને કેવી ઊભા રહે છે તે હવે જોવાનું છે.         
000




No comments:

Post a Comment