Sunday, March 29, 2020

ફિલ્મ કે આગાહી?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 29 માર્ચ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
 નવ વર્ષ પહેલાં બનેલી કન્ટેજિયન ફિલ્મમાં કોરાના વાઇરસના હાહાકાર વિશે આટલી સચોટ ભવિષ્યવાણી કઈ રીતે થઈ હતી?

શ્ચર્યચકિત થઈ જવાય છે આ ફિલ્મ જોઈને. આપણને થાય કે આવું કેવી રીતે શક્ય છે? આ ફિલ્મ બનાવનારા જ્યોતિષવિદ્યાના જાણકાર હતા કે શું? તે સિવાય 2020માં કોરાના વાઇરસ દુનિયાભરમાં હાહાકાર મચાવવાનો છે તેની આગોતરી જાણ આ લોકોને નવ વર્ષ પહેલાં કેવી રીતે થઈ ગઈ?
વાત થઈ રહી છે સ્ટીવન સોડનબર્ગ નામના માસ્ટર ફિલ્મમેકર બનાવેલી મેડિકલ થ્રિલર કન્ટેજિયન વિશે. કન્ટેજિયન શબ્દનો અર્થ થાય છે, ચેપ. હોલિવુડની આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2011ના રોજ રિલીઝ થઈ હતી. જ્યારથી કોરોનાએ ઉપાડો લીધો છે ત્યારથી આ ફિલ્મ મહામારીના એક્યુરેટ ચિત્રણને કારણે એકદમ પ્રકાશમાં આવી ગઈ છે. ઘરમાં પૂરાઈ ગયેલા લોકો કન્ટેજિયન જાણે પહેલી વાર રિલીઝ થઈ હોય તેમ યુટ્યુબ, આઇટ્યુન જેવાં પ્લૅટફૉર્મ્સ પર જોઈ રહ્યા છે ને ફિલ્મના લેખક-ડિરેક્ટરની ભરપૂર તારીફ કરી રહ્યા છે.
શું છે કન્ટેજિયનમાં? ફિલ્મની શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે ઑફિશિયલ કામ માટે હોંગકોંગ ગયેલી  બેથ નામની એક મધ્યવયસ્ક સ્ત્રી (ગિનિથ પેલ્ટ્રો) અમેરિકા પાછી આવી રહી છે. પોતાના શહેરમાં લૅન્ડ થતાં પહેલાં એણે શિકાગોમાં થોડો સમય રોકાવું પડે તેમ છે, કેમ કે કનેક્ટિંગ ફ્લાઇટ પાંચ કલાક પછી ઉપડવાની છે. સ્ત્રી પરિણીત છે, એક દીકરાની મા છે, તોય આ પાંચ કલાક દરમિયાન એ શિકાગોમાં રહેતા પોતાના ભૂતપૂર્વ પ્રેમીને મળી આવે છે, એની સાથે શારીરિક સુખ પણ માણી લે છે.
ઘરે પહોંચ્યા પછી એક-બે દિવસ તો બધું બરાબર લાગે છે, પણ પછી એની તબિયત એકાએક બગડે છે. શરૂઆતમાં એણે માની લીધું હતું કે જેટલેગને કારણે કદાચ આવું લાગતું હશે. એક દિવસ એ કિચનમાં કામ કરતાં કરતાં એકાએક પડી જાય છે, એનું શરીર ઝાટકા ખાવા લાગે છે, વાઇ આવી હોય તેમ મોંમાંથી ફીણ બહાર આવી જાય છે. એનો પતિ મિચ (મેટ ડેમન) એને તરત હોસ્પિટલભેગી કરે છે. ડૉક્ટરો એને બચાવી શકતા નથી. ડૉક્ટરો કહી પણ શકતા નથી કે બેથને એક્ઝેક્ટલી કઈ બીમારી લાગુ પડી હતી. વાત અહીં પૂરી થતી નથી. બેથનો પાંચ વર્ષનો દીકરો પણ રહસ્યમય રીતે મૃત્યુ પામે છે. હવે સ્પષ્ટ થાય છે કે મા-દીકરાનો ભોગ કોઈ અજાણ્યા વાઇરસે લીધો છે. બેથ હોંગકોંગથી આ વાઇરસ પોતાની સાથે લેતી આવી હતી, જેનો ચેપ એના દીકરાને લાગ્યો હતો. ચેપ તો એના વરને પણ લાગે હતો, પણ સદનસીબે એ બચી જાય છે.

...અને હવે શરૂ થાય છે આ દુનિયાને ઘરમોળી મૂકતો ઘટનાક્રમ. હોમલૅન્ડ સિક્યોરિટીવાળાઓ માને છે કે આ વાઇરસ વાસ્તવમાં બાયોલોજિકલ વેપન હોવું જોઈએ. ઘણાં બધાં કિરદારો કામે લાગી જાય છે - એપિડેમિક ઇન્ટેલિજન્સ સર્વિસ ઑફિસર ડૉ. એરિન (કેટ વિન્સલેટ), સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલમાં કામ કરતા ડૉ. ઍલી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ, ખાંખાખોળા કરીને ઇન્ફર્મેશન ખોદી લાગવતો એક બ્લોગર (જુડ લૉ) વગેરે.  ફિલ્મમાં જે વાઇરસ દેખાડ્યો છે તેનાં લક્ષણ બિલકુલ કોરોના વાઇરસ જેવાં જ છે. તે સ્પર્શથી, સરફેસ-ટુ-સરફેસ ફેલાય છે. જેને તેનો ચેપ લાગુ પડ્યો હોય એ વ્યક્તિને ક્વૉરન્ટાઇન કરી નાખવો પડે છે. બેથ હોંગકોંગમાં હતી ત્યારે કોને કોને મળી હતી તે શોધવાની અને તે સૌને ક્વૉરન્ટાઇન કરવાની કવાયત શરૂ થાય છે. રાગચાળો ફેલાતાં આખેઆખા શહેરોને ક્વોરન્ટાઇન કરવા પડે છે. આંધાધૂંધીનો પાર નથી. મેડિકલ સ્ટોરોના કાચના દરવાજા તોડીને લોકો લૂંટફાટ કરે છે, સરકારી સહાય પર લોકો જંગલીની માફક તૂટી પડે છે.          
ફિલ્મમાં પછી તો ઘણું બધું બને છે. આપણે અત્યારે યુરોપ-અમેરિકાની જે ન્યુઝ ક્લિપ્સ જોઈએ છીએ અદ્લ એવાં જ એ દશ્યો છે. ફિલ્મમાં આ  વાઇરસને લીધે એકલા અમેરિકામાં પચ્ચીસ લાખ લોકોનો જીવ જાય છે. આખી દુનિયાનો મૃત્યુઆંક અઢી કરોડ કરતાંય વધી જાય છે. ફિલ્મના અંતે પ્રતિપાદિત થાય છે કે આ વાઇરસ ચામાચિડીયામાંથી ફેલાયો હતો. એક ચામાચિડીયાનું કોઈ ફળ મોંમાં દબાવીને ઉડતું હતું જે છટકીને નીચે પડી ગયું. આ એઠું ફળ એક ભૂંડ ખાઈ ગયું. તે ભૂંડ કતલખાનામાં હલાલ થયું. તેના માંસમાંથી બનેલી વાનગી હોટલમાં ઉતરેલી બેથને પિરસાઈ અને આ રીતે બેથ પેલા ખતરનાક વાઇરસની પહેલી વાહક બની. બેથ પોતાના મોબાઇલ, દરવાજા, ગ્લાસ, રેસ્ટોરાંનું મેનુ વગેરેને સ્પર્શતી હોય તેના ક્લોઝ-અપ્સ વારે વારે દેખાડવામાં આવે છે. તે જોઈને આપણો શ્વાસ અધ્ધર થઈ જાય છે, કેમ કે આપણે જાણીએ છીએ કે બેથ વાઇરસની કૅરીયર છે. હાથ થોડી થોડી વારે ધોતા રહો... હાથ ચહેરા પર ન લગાવો જેવા ડાયલોગ્ઝ પણ ફિલ્મમાં આવતા રહે છે. 
કન્ટેજિયનના ડિરેક્ટર સ્ટીવન સોડનબર્ગ અને લેખક સ્કૉટ બર્ન્સે 2009માં ધ ઇન્ફૉર્મન્ટ નામની ફિલ્મ બનાવી હતી. પછી તેઓ કોઈ બાયોગ્રાફિકલ ફિલ્મ બનાવવા માગતા હતા, પણ સ્કૉટ બર્ન્સને રોગચાળાને કેન્દ્રમાં રાખીને મેડિકલ થ્રિલર બનાવવાનો વિચાર આવ્યો. ધારો કે કોઈ ઘાતક વાઇરસ દુનિયામાં ફેલાય તો શું શું થાય? આ સમજવા માટે તેઓ કેટલાય ડૉક્ટરો, ફિઝિશિયનો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓ વગેરેને મળ્યા. જેમ જેમ નિષ્ણાતોને મળતા ગયા તેમ તેમ ફિલ્મમાં કયા ક્યા એંગલ ઉમેરાઈ શકે છે તે સ્પષ્ટ થતું ગયું. આ રિસર્ચ પૂરું થયું એના છ જ મહિના પછી, 2009માં, ફ્લ્યૂએ ઉપાડો લીધો. તે વખતે જે અસલી ઘટનાઓ બની તેની વિગતો ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં મદદરૂપ બની.

દુનિયાના કેટલાય દેશોમાં મલ્ટિસ્ટારર કન્ટેજિયનનું શૂટિંગ થયું. ટાઇટેનિકની હિરોઈન કેટ વિન્સલેટનો આમાં દમદાર રોલ છે, પણ એનું શૂટિંગ ફક્ત દસ દિવસમાં પૂરું થઈ ગયું હતું. ફિલ્મ રિલીઝ થઈ તે વખતે ય મેડિકલ એક્યુરસી માટે તેના ખૂબ વખાણ થયા હતા. ફિલ્મમાં ક્યાંય બિનજરૂરી નાયકીયતા નથી. તે રિયલિસ્ટિક છે તેથી જ વધારે ધારદાર, વધારે ભયાનક લાગે છે.    
અત્યારે આપણે બધા પોતપોતાનાં ઘરોમાં નજરકેદ છીએ અને આપણી પાસે પુષ્કળ સમય છે ત્યારે કન્ટેજિયન જોજો. શરત એક જ છે કે તમને ડિપ્રેશન ન આવવું જોઈએ. યુટ્યુબ પ્રિમીયમ પર આ ફિલ્મ ઉપલબ્ધ છે. ફ્રી નથી, થોડા રૂપિયા ખર્ચવા પડશે, પણ આ ખર્ચ કરવા જેવો છે.       
0 0 0 


No comments:

Post a Comment