Thursday, March 5, 2020

ચીંથરે વીંટ્યું રતન


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 4 March 2019, બુધવાર
ટેક ઓફ 
હું ભિખારીને ત્યાં જન્મી શક્યો હોત, પણ ભગવાને મને ઘર અને પરિવાર તો આપ્યાં. મારા હનીફસરે નાનપણમાં ચા-રોટલીથી પેટ ભરવું પડતું હતું, જ્યારે મને તો દાળ- રોટલી તો ખાવા મળે છે. ફરિયાદો શા માટે કરવાની?’

પણે વાત માંડી હતી અમદાવાદના મેહુલસિંહ પરમારની. શાહપુરની ઝૂંપડપટ્ટીમાં જન્મેલો ને ઉછરેલો આ એકવીસ વર્ષનો છોકરો રાષ્ટ્રીય કક્ષાનો કુસ્તીબાજ છે. માત્ર દાળ અને રોટલી ખાઈને એ ખેલો ઇન્ડિયા સહિતની કેટલીય પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં ગણ્યા ગણાય નહીં તેટલાં મેડલો જીતી લાવ્યો છે. મેહુલનો જીવનસંઘર્ષ હજુ અટક્યો નથી. એ પેસેન્જરને પોતાની ઓલા બાઇક પર પાછળ બેસાડે છે, એને એના ગંતવ્યસ્થાને મૂકી આવે છે અને બદલામાં જે થોડા ઘણા રૂપિયા મળે છે તેમાંથી એને ઘરનું ગાડું ગબડાવવામાં મદદ મળે છે. એ નવમા ધોરણમાં પહોંચ્યો ત્યાં સુધીમાં સાયકલનું પંચર કરવા સુધીના ઘણાં નાનાંમોટાં કામ કરી ચૂક્યો હતો ને વુશુ માર્શલ આર્ટ્સ શીખીને નેશનલ લેવલના ત્રણ અવોર્ડઝ જીતી ઇન્ટરનેશનલ કોમ્પિટીશન માટે ક્વૉલિફાય થઈ ચૂક્યો હતો. 
નવમા ધોરણના વેકેશનમાં આકસ્મિક રીતે એ લાલ દરવાજા પાસે આવેલા વસંત અખાડામાં પહોંચી ગયો. ખુલ્લામાં દંડબેઠક અને માર્શલ આર્ટ્સના દાવ કરતા છોકરાઓને જોઈને એને કૂતુહલ થયું. અહીં જે મહાશય સાથે એનો ભેટો થયો એમનું નામ હતું, હનીફરાજ શેખ. વસંત અખાડાને તેઓ સર્વાસર્વા.
મેં અહીં કરાટે શીખવા માંડ્યું, મેહુલ વાતનો તંતુ સાંધે છે, અખાડાના મેદાનમાં એક દાદરો હતો. એ ચડીને એક વાર હું ઉપર ગયો તો મેં જોયું કે અહીં ઘણા બધા છોકરાઓ બથ્થંબથ્થા કરતા હતા ને એકબીજાને ઊંચકીઊંચકીને નીચે પટકતા હતા. મેં હનીફસરને પૂછ્યું કે સર, આ શું છે? સરે કહ્યું કે આને કુસ્તી યા તો રેસલિંગ કહેવાય. મેં કહ્યું કે મારે પણ આ શીખવું છે. હનીફસર કહે કે તું પહેલાં તારા શરીરને મજબૂત બનાવ, પછી બીજી વાત. એ વખતે મને ખબર નહોતી કે હનીફસર રેસલિંગ માટે ઇન્ટરનેશનલ કક્ષાના કૉચ રહી ચૂક્યા છે!’
મેહુલને ત્યારે એ પણ કયાં ખબર નહોતી કે હનીફરાજ શેખનું માર્ગદર્શન એનું જીવન પલટી નાખવાનું છે!  શરૂઆતના ચાર-પાંચ મહિના એમણે મેહુલ પાસે દંડબેઠક અને ઉઠકબેઠક જેવી કસરત કરાવી. મેહુલનું દસમું ધોરણ શરૂ થઈ ગયું હતું તો પણ સાંજે સાડાપાંચથી નવ સુધીનો સમય અખાડા પર જ વીતે. કસરતની એને એવી લત લાગી ચુકી હતી કે જીદ કરીને, રડી-ઝઘડીને, ચાલુ પરીક્ષાએ પણ અખાડે જાય. દરમિયાન એને નાઇટશિફટમાં જમીનના એક પ્લોટની સિક્યોરિટી કરવાનું કામ મળી ગયું હતું. મહિને અઢી હજાર રૂપિયાનો પગાર.
સ્કૂલમાં અમુક સર મને કારણ વગર ક્લાસની બહાર કાઢી મૂકતા, મેહુલ કહે છે, વાંકગુનો ન હોય તો પણ પનિશમેન્ટ મળે એટલે મને બહુ લાગી આવે. આ સાહેબોને દેખાડી દેવાનું ઝનૂન કહો કે કંઈ પણ કહો, પણ મેં ધ્યાન દઈને ભણવાનું શરૂ કર્યું. ટ્યુશનના પૈસા હોય નહીં એટલે ભાઈબંધોનાં પેમ્ફલેટ અને નોટ્સની ઝેરોક્સ કૉપી કરાવી લઉં, સરકારી લાઇટના થાંભલા નીચે વાંચું. આ રીતે મેં એસએસસીની પરીક્ષા આપી.

માત્ર પરીક્ષા આપી એમ નહીં, પણ 87 ટકા લાવીને મેહુલ સ્કૂલનો ટૉપર બન્યો. બીજાઓને તો ઠીક શરૂઆતમાં એને ખુદને શરૂઆતમાં માન્યામાં નહોતું આવ્યું. દસમા-અગિયારમા-બારમા ધોરણ દરમિયાન  એણે રેસલિંગની આઠ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, જેમાંથી બેમાં મેડલ જીતી લાવ્યો. એનસીસી (નેશનલ કૅડેટ કોર) જૉઇન કરીને, શૂટિંગ શીખીને એ બેસ્ટ કેડેટનો ખિતાબ પણ જીત્યો. બારમા ધોરણમાં મેહુલ 62 ટકા માર્ક્સ સાથે પાસ થયો. આ બધાને સમાંતરે સાંજે અખાડામાં જઈને સખત ટ્રેનિંગ લેવાનું અને નાઇટશિફ્ટમાં નોકરી કરવાનું તો નિરંતર ચાલુ જ હતું. એક સંસ્થા સાથે જોડાઈને ગરીબ બાળકોને ગણિત-વિજ્ઞાન શીખવવા પણ જાય. એ ખુદ બારમા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં સિક્યોરિટીની નોકરીમાં એનો પગાર અઢીમાંથી પાંચ હજાર જેટલો થઈ ગયો હતો. મેહુલ અત્યાર સુધીમાં એટલા બધાં મેડલ અને ખિતાબો જીતી ચુક્યો હતો કે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના સ્પોર્ટ્સ ક્વૉટામાંથી એને બીએસસી ઇલેક્ટ્રોનિક્સમાં આસાનીથી એડમિશન મળી ગયું.
મેહુલ કહે છે, ઝેવિયર્સના આ ત્રણ વર્ષે મારી દુનિયા ખોલી નાખી. કૉલેજમાં આવ્યા પછી મેં જિંદગીમાં પહેલી વાર બ્રેડ ખાધી, પહેલી વાર શોપિંગ મૉલમાં પગ મૂક્યો. અગાઉ મેં એક જ ફિલ્મ જોઈ હતી. મારા પપ્પા ત્યારે જીવતા હતા અને તેઓ મને બાગબાનમાં લઈ ગયેલા. ત્યારે હું ચાર વર્ષનો હતો. તે પછી મેં સીધા કૉલેજના ફર્સ્ટ યરમાં સુલતાન (2016) જોઈ, જેમાં સલમાન ખાને પહેલવાનનો રોલ કર્યો હતો. કૉલેજના બીજા જ દિવસે મને એક સરસ દોસ્ત મળી ગયો હતો. રોહિત પ્રકાશ એનું નામ. એના પપ્પા રેલવેમાં સિનિયર પોઝિશન પર છે ને મમ્મી વૃશાલી પેઇન્ટર-ફોટોગ્રાફર છે. રોહિતનાં મમ્મી-પપ્પાએ મને ખૂબ પ્રેમ આપ્યો, સતત સપોર્ટ કર્યો, મારો ઘણોખરો ખર્ચ ઉપાડી લીધો. રોહિતનાં મમ્મી મારા માટે લંચબૉક્સ સુધ્ધાં મોકલતાં. હું ખરેખર નસીબદાર માણસ છું કે મને હંમેશાં સારા માણસો મળ્યા છે.
એક તો, મેહુલ નેશનલ લેવલની ઘણી કોમ્પિટીશનમાં ભાગ લઈને કૉલેજ માટે મેડલો જીતી લાવતો હતો અને બીજું, એ સ્વભાવે વાતોડિયો અને રમતિયાળ હોવાથી ખૂબ પોપ્યુલર બની ગયો હતો. સૌ એને પહેલવાન કહીને બોલાવતા અને પોતાનું લંચબૉક્સ બચાવતા, કેમ કે એ સૌનાં લંચબૉક્સ સફાચટ કરી જતો. ખાસ કરીને છોકરીઓનાં! ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર મેહુલનું મસ્તમજાનું ફેન ફોલોઈંગ છે. મેહુલની સૌથી ધ્યાનાકર્ષક વાત આ જ છેઃ જન્મ્યો ત્યારથી એણે સતત ગરીબી જોઈ છે, પણ તેને કારણે એનામાં કોઈ પ્રકારની લઘુતાગ્રંથિ જન્મી નથી, કોઈ હીનભાવનાનો શિકાર એ થયો નથી. એનામાં બહુ જ સહજપણે આત્મગૌરવની નક્કર લાગણી વિકસી ગઈ છે. એકધારા સંઘર્ષે એને સહેજ પણ કુંઠિત કર્યો નથી, બલકે એને વધારે માયાળુ બનાવી દીધો છે. મેહુલનાં વાણી-વર્તનમાં સતત આત્મવિશ્વાસની ચમક દેખાય છે,  જે લોકોને આકર્ષે છે.  

સેંકડો-હજારો છાકરાછોકરીઓને પાછળ રાખીને સ્પોર્ટ્સ ક્વોટામાં ઝેવિયર્સ જેવી પ્રતિષ્ઠિત કૉલેજમાં એડમિશન મળ્યું હતું એટલે મેહુલને કૉલેજજીવનના પહેલા જ દિવસથી પોતાની ટેલેન્ટનું મૂલ્ય સમજાઈ ગયું હતું. એ મનોમન સ્પષ્ટ થઈ ગયો હતો કે હવે એક પણ મિનિટ નિરર્થક મોજમજામાં વેડફાવી ન જોઈએ. સઘળા સમયનો ઉપયોગ ફક્ત કુસ્તી માટે થવો જોઈએ.
મેહુલ કહે છે, ફરિયાદો શા માટે કરવાની? હું તો નસીબદાર કહેવાઉં. હું ભિખારીને ત્યાં જન્મી શક્યો હોત, પણ ભગવાને મને ઘર અને પરિવાર તો આપ્યાં. મારા હનીફસરે નાનપણમાં ચા-રોટલીથી પેટ ભરવું પડતું હતું, જ્યારે મને તો દાળ અને રોટલી ખાવા મળે છે.      
મેહુલના ઘરમાં લીલાં શાકભાજી ક્યારેક જ જોવા મળે. મહિને એક વાર પાલકની સબ્જી મળે તો પણ નસીબની વાત ગણાય. ફ્રુટ્સ તો ભૂલી જ જાઓ. રોજનું મેનુ નક્કી જ છેઃ દાળ અને રોટલા જેવી જાડી રોટલી. મેહુલ ક્યારેક કંટાળીને કહે પણ ખરો કે શું ભાભી, રોજ એકની એક દાળ ખાવાની? જવાબમાં ભાભી કહે છેઃ લે! એકની એક દાળ ક્યાં છે? કાલે અડદની દાળ બનાવી હતી, આજે તુવેળની દાળ છે, આવતી કાલે મિક્સ દાળ બનાવીશ. આટલી બધી વરાયટી તો છે!
આ વાત કરતી વખતે મેહુલ ભલે ખડ ખડ કરતો હસી પડતો હોય, પણ એની વાસ્તવિકતાને ગંભીરતાથી લેવાવી જોઈએ. મેહુલ દાળ-રોટલી ખાઈને રાષ્ટ્રીય કક્ષાએ તો પહોંચી ગયો, પણ આ સ્તરથી આગળ જવા માટે એના શરીર વ્યવસ્થિત પોષણ મેળવ્યા વગર ચાલવાનું નથી. કૉલેજના થર્ડ યરમાં હતો ત્યારથી જ એણે કમાણી કરવા ઓલા બાઇક ચલાવવાનું શરૂ કરી દીધું હતું. હવે એ પસર્નલ ફિટનેસ ટ્રેલર તરીકે પણ કામ કરે છે. બે-ત્રણ મહિના પહેલાં એણે પોતાના પરિવારને જૂની બસ્તીની નજીક એક ભાડાના પાકા મકાનમાં શિફ્ટ કર્યો છે. બે રૂમ-રસોડાના આ રિસ્પેક્ટેબલ ઘરમાં કોથળામાં ઠાંસી રાખેલાં મેડલો વરસાદના પાણીથી ખરાબ નહીં થાય એવી ધરપત છે. અહીં વ્યવસ્થિત દીવાલો છે, જેના પર ખીલી ઠોકીને મેડલોને લટકાવી શકાય છે. મેહુલનાં મમ્મીને હજુ વિશ્વાસ બેસતો નથી. એ વારે વારે કહ્યા કરે છેઃ મહિને આઠ હજાર રૂપિયા ભાડું? આટલા બધા પૈસા તે કોઈ દી અપાતા હશે, દીકરા?
મેહુલને જોઈને, મળીને, એની વાતો સાંભળીને આપણે વિચારમાં પડી જઈએ છે. એક તરફ ભણેલાંગણેલાં સંપન્ન મા-બાપો છે, જે પેરેન્ટિંગની થિયરીઓની ચર્ચા કરે છે, પોતાનાં સંતાનોને ભણાવવા માટે, એમને એક્સપોઝર આપવા માટે, એમને આગળ વધારવા માટે, એમની પ્રતિભાને – જો હોય તો – વિકસાવવા માટે બેહિસાબ સમય-શક્તિ ખર્ચતાં રહે છે. આમ છતાંય કશું જ ઊકાળી ન શકતાં એમનાં સંતાનો સતત વિરોધ ને ફરિયાદો કર્યા કરે છે ને એમનાં વર્તન-વ્યવહારમાં ન સમજાય એવી સંવેદનહીનતા કે ઉદ્ધતાઈ ઊછળ્યાં કરે છે. સામે પક્ષે, મેહુલ જેવું ઝૂંપડપટ્ટીમાં જન્મેલું સંતાન છે, જેની અશિક્ષિત વિધવા માએ પારકાં કામ કરીને એનું પેટ ભર્યું છે ને આ છોકરો આશ્ચર્ય થાય એટલી સ્વયંશિસ્ત કેળવીને, કઠોર પરિશ્રમ કરીને, સાવ કાચી ઉંમરથી પોતાના પગ પર ઊભા રહીને એક પછી એક સિદ્ધિ મેળવતો જાય છે. બાળઉછેરના કયા પાઠ અહીં લાગુ પડે છે? પેરેન્ટિંગની તમામ થિયરીઓને ઊંધીચત્તી કરી નાખે એવો મેહુલનો કિસ્સો છે.    
      
મારું હવે એક જ સપનું છે, મેહુલ સમાપન કરે છે, મારે રેસલિંગની ઇન્ટરનેશનલ કોમ્પિટીશનમાં ભાગ લઈને ભારત માટે મેડલ જીતવો છે.
મેહુલમાં આ સપનું સાકાર કરી શકવાની ભરપૂર ક્ષમતા છે જ. બસ, એના આર્થિક સંઘર્ષ પર પૂર્ણવિરામ મૂકાઈ જવું જોઈએ કે જેથી એ પોતાની ટ્રેનિંગ પર ફોકસ કરી શકે. એની ખાણીપીણી પર પૂરતું ધ્યાન અપાવું જોઈએ કે જેથી એનું કસરતી શરીર આંતરરાષ્ટ્રીય મુકાબલા માટે સજ્જ બની શકે. મેહુલસિંહ પરમાર ગુજરાતનું ચીંથરે વીટ્યું રતન છે. બસ, એ પ્રકાશિત થાય એટલી જ વાર છે.   
 0 0 0 

No comments:

Post a Comment