દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 1 એપ્રિલ 2020, બુધવાર
ટેક ઓફ
ટેક ઓફ
વચન આપો કે કોરોના લૉકડાઉન પછી પણ તમારાં મા-બાપ સાથે
ભરપૂર સમય ગાળવાનું તમે ચાલુ રાખશો.
આજે પહેલી એપ્રિલ છે. કાશ... આ કોરોના વાઇરસનું કમઠાણ એપ્રિલ ફૂલ પૂરવાર
થાય. કાશ... આપણે સવારે ઉઠીએ ને ખબર પડે કે કોરોના-ફોરોના જેવું કશું છે જ નહીં, આ
તો આપણે ખરાબ સપનું જોઈ રહ્યા હતા. કમનસીબે આવું કશું થવાનું નથી. હા, વર્ષો પછી
આપણે યાદ કરીશું ત્યારે 2020નો આ સમયગાળો દુઃસ્વપ્ન જેવો જરૂર લાગશે. કદાચ ત્યારે
આપણે કોરોનાનો આભાર પણ માનતા હોઈશું. લૉકડાઉનને કારણે, દિવસો સુધી લાગલગાટ ઘરમાં
પૂરાઈ રહેવાને કારણે, આપણી લાઇફસ્ટાઇલમાં તોતિંગ ફેરફાર થવાને કારણે ઘણાં સત્યો
આપણી નજર સામે આવી રહ્યાં છે. વૈશ્વિક સત્યો, રાષ્ટ્રીય સત્યો, સામાજિક સત્યો,
અંગત સત્યો. આપણું ઘમંડ તોડવા માટે, આપણને મદમાં છકી જતાં અટકાવવા માટે, આપણા માટે
શું ઈષ્ટ છે ને શું અનીષ્ટ છે તે સમજાવવા માટે પ્રકૃતિએ જે કચકચાવીને લપડાક મારી
છે તે જરૂરી હતી.
શું જરૂરી છે એક સુખી અને સભર જીવન માટે? સાચુકલા, બનાવટ
વગરના, જેન્યુઇન સંબંધો. એવી વ્યક્તિઓ જેને તમારી ખરેખર ચિંતા છે, જેમનો ચહેરો તમને
જોઈને હસી ઉઠે છે, જેમની હાજરીમાં તમને સલામતીનો અહેસાસ થાય છે. સાથે સાથે તમને એ
પણ સમજાય છે કે તમને જીવનમાં એવી વ્યક્તિઓની જરાય જરૂર નથી જે તમારી ઉપર ન સમજાય
એવી નેગેટિવ એનર્જી સતત ફેંકયા કરે છે, જેની સૂકીભઠ્ઠ શુષ્ક આંખોમાં આત્મીયતાનું
નામોનિશાન વર્તાતું નથી, જે તમારાથી નજર ચોરીને દૂર ભાગ્યા કરે છે, જેનો તમારી
સાથેનો વહેવાર નિર્દોષ હોતો નથી. ભલે આંગળી મૂકીને સ્પષ્ટપણે બતાવી ન શકાય, પણ
તમારો માંહ્યલો પામી લે છે કે આ વ્યક્તિ તમારું સ્વજન કહેવડાવવાને લાયક નથી.
જો તમે ભાગ્ચશાળી હશો તો તમારાં મા-બાપ તમારી સાથે હશે, આસપાસ હશે અથવા
તમારી સાથે જોડાયેલાં હશે. જો કમનસીબ હશો તો તમારા માથા પરથી માતાની, પિતાની અથવા
બન્નેની છત્રછાયા ઝૂંટવાઈ ગઈ હશે. કટોકટીની પરિસ્થિતિમાં તમે મા-બાપને સૌથી વધારે
મિસ કરો છો, કેમ કે એમના જેવો પ્રેમ, હૂંફ અને ઇમોશનલ સિક્યોરિટીનો સ્રોત બીજો
એકેય નથી. મા-બાપ અને સંતાન વચ્ચેના સંબંધ તદ્દન વણસી ગયા હોય છે તેવા અપવાદરૂપ
પરિવારોની વાત આપણે અત્યારે કરતા નથી.
માતા-પિતા ક્યાંય જતાં નથી. મૃત્યુ માતા-પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ તોડી
શકતું નથી. એમની શાંત અને સુખદ હાજરી સતત વર્તાતી રહે છે. જાણે કે તેઓ અહીં જ છે
આપણું રક્ષણ કરવા, આપણું કોઈ અહિત ન કરી જાય એનું ધ્યાન
રાખવા. આપણે સાચો નિર્ણય લેતા હોઈએ ત્યારે તેમની મૌન સહમતી અનુભવી શકાય છે. ખોટી
દિશામાં વિચારી રહ્યા હોઈએ ત્યારે એમનો નકાર સાંભળી શકાય છે. ક્યારેક ગિલ્ટ સપાટી
પર આવી જાય છે કે આ બધી મીઠાશ, આ મધુરતા મા-બાપ
હયાત હતાં ત્યારે કેમ વ્યક્ત થતી નહોતી? સદેહે જીવતાં હતાં
ત્યારે કેમ તેમના પ્રત્યે કઠોર બની જવાતું હતું? અત્યારે કોરોના
લૉકડાઉનમાં તમે ઘરમાં પડ્યા જ છો, રાઇટ? તમારા વગર પૃથ્વીનું પરિભ્રમણ
પણ અટક્યું નથી. તો મા-બાપ જ્યારે હયાત હતાં ત્યારે એવા તો કયાં મહાન કામ કરીને
ઊંધા પડી જતા હતા કે એમને સમય આપી શકતા નહોતા? ખબર હતી કે એમની
અવગણના થઈ રહી છે તો પણ ખુદની લાઇફસ્ટાઇલમાં ફર્ક લાવવાની તસદી કેમ લેતા નહોતા?
મા-બાપ ક્યાંય જતાં નથી એ વાત અનુભૂતિના સ્તરે બરાબર છે, પણ નક્કર સચ્ચાઈ એ છે કે મા-બાપ જતાં રહે છે. મા-બાપ અમર હોતાં નથી. એક
દિવસ તેઓ મૃત્યુ જરૂર પામે છે. મા-બાપને કશુંય આપવાની સંતાનની હેસિયત ક્યારેય હોતી
જ નથી. પોતાના જન્મદાતાને આપણે એક જ વસ્તુ આપી શકતા હોઈએ છીએ - સમય. એટેન્શન.
મા-બાપ એ જ ઝંખતાં હોય છે સંતાન પાસેથી.
અત્યારે તક છે, મા-બાપને ભરપૂર સમય આપવાનો. એમની પાસે બેસો, જૂની વાતો
કઢાવો. એમનાં બાળપણ, જુવાની અને સંઘર્ષની વાતો રસપૂર્વક સાંભળો. તમે જોજો, પોતાની
વાત કરતાં કરતાં તેઓ ક્યારે તમારા બાળપણની વાતો કરવા માંડશે તેની ખબર પણ નહીં પડે,
કેમ કે એમના જીવનનું કેન્દ્ર જ તમે છો. એમનાં વ્યક્તિગત સપનાં કે મહત્ત્વાકાંક્ષા
જેવું ક્યાં કશું હતું? પોતાનાં સંતાનો અને પરિવારની સુખેથી રહે એ જ એકમાત્ર વિચારધારાની ધરી પર
તેઓ હંમેશાં જીવતાં રહ્યાં. એમણે જીવનના તમામ નિર્ણયો તમારી સુખાકારીને ધ્યાનમાં
રાખીને લીધા છે. એમનાં તમામ પગલાંનું રેફરન્સ પોઇન્ટ જ તમે છો.
કોરોના લૉકડાઉનને કારણે તમને મા-બાપ સાથે રહેવાની ફરજ પડી છે. લૉકડાઉન પછી
પણ તેમની સાથે ભરપૂર સમય ગાળવાનું તમે ચાલુ રાખશો. પ્રોમીસ?
0 0 0
No comments:
Post a Comment