દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 15 March 2019, રવિવાર
મલ્ટિપ્લેક્સ
મલ્ટિપ્લેક્સ
શશી કપૂર સાચા અર્થમાં લવરબૉય હતા. અઢાર વર્ષની ઉંમરે જેનિફરના
પ્રેમમાં પડેલા શશી કપૂર એમને જીવનની અંતિમ ક્ષણ સુધી ચાહતા રહ્યા.
18 માર્ચે, શશી કપૂરની જન્મજયંતિ છે. તેઓ જીવતા હોત તો
આ બુધવારે 80મા વર્ષમાં પ્રવેશ કરત. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લવરબૉયની ઇમેજ તો ઘણા
હીરોની છે, પણ વાસ્તવિક જીવનમાં શશી કપૂર જેવા લવરબૉય બોલિવુડમાં શું, બોલિવુડની
બહાર પણ ઓછા હોય છે.
પત્ની જેનિફર કેંડલને તેઓ પહેલી વાર ક્યાં મળ્યાં હતાં તે વિશે
જેનિફરનાં પિતા જેફ્રી અને બહેન ફેલિસિટીનાં વર્ઝનમાં થોડોક ફર્ક છે. જેફ્રી કૅન્ડલે
પોતાની આત્મકથા ‘થિયેટરવાલા’માં લખ્યું છે કે શશી
અને જેનિફરની સૌથી પહેલી મુલાકાત 1956માં કલકત્તાના એમ્પાયર થિયેટરમાં થઈ હતી. પૃથ્વીરાજ
કપૂરની માફક જેફ્રી પણ નાટક કંપની ચલાવતા હતા અને દુનિયાભરના દેશોમાં ફરીને શોઝ
કરતા હતા. એક વાર એમ્પાયર થિયેટરના મેનેજરથી એક વાર ગરબડ થઈ ગઈ. એણે બન્ને થિયેટર
ગ્રુપને ભૂલથી એક જ તારીખો આપી દીધી. પછી બન્ને વચ્ચે સમજૂતી થઈ કે એક દિવસ પૃથ્વી
ગ્રુપનો શો થશે, બીજા દિવસે થિયેટરવાલા ગ્રુપનો.
નાટક શરૂ થાય તે પહેલાં નર્વસ કલાકાર-કસબીઓને પડદો સહેજ હટાવીને,
નાનકડા છિદ્રમાંથી નજર કરીને આજે ઑડિયન્સ કેવુંક આવ્યું છે તે જોઈ લેવાની આદત હોય
છે. તે દિવસે શશી કપૂરે પણ એવું જ કર્યું. એમનું ધ્યાન ઑડિયન્સમાં બેઠેલી એક
રૂપકડી છોકરી પર અટકી ગયું. છોકરીએ હૉલ્ટર નૅકલાઇનવાળું બ્લૅક-એન્ડ-વ્હાઇટ પોલ્કા
ડોટ્સવાળો મસ્તમજાનો ડ્રેસ પહેર્યો હતો... ને બસ, શશી કપૂરને જેનિફર નામની એ બ્રિટીશ
છોકરી સાથે પહેલી નજરે પ્રેમ થઈ ગયો.
બીજું વર્ઝન એવું છે કે શશી કપૂર બૅક સ્ટેજ પર હતા અને જેનિફર મંચ પર
શેક્સપિયરનું કોઈ પાત્ર ભજવી રહ્યાં હતાં. શશી એમને જોતાં જ રહ્યા ને એમને લવ-એટ-ફર્સ્ટ-સાઇટ
થઈ ગયો. શશી કપૂર કરતાં જેનિફર ચાર વર્ષ મોટાં હતાં. જેનિફરના ઊંધેકાંધ પ્રેમમાં
પડ્યા ત્યારે શશી માંડ અઢાર વર્ષના હતા અને જેનિફર ત્રેવીસનાં. હવે બન્યું એવું કે
જેફ્રીના ગ્રુપમાં કલાકારો ઓછા પડતા પડતા હતા. એમણે પૃથ્વીરાજને વિનંતી કરી કે તમે
શશીને થોડા સમય માટે મને ‘લૉન’ પર આપશો? પૃથ્વીરાજે હા પાડી. શશી કપૂરને તો ગોળનું ગાડું મળી ગયું. તેમણે પાંચ
મહિના જેનિફરની નાટક કંપનીમાં સતત કામ કરવાનો મોકો મળ્યો. વળી, શશી કપૂરને તાલીમ
આપવાનું કામ જેનિફરને જ સોંપાયું હતું. જેનિફર આ હેન્ડસમ છોકરાને શેક્સપિયર અને
જ્યૉર્જ બર્નાર્ડ શૉનાં નાટકોના સંવાદો શીખવતાં. શરૂઆતમાં શશી કપૂરનો પ્રેમ
એકપક્ષી હતો, પણ પછી જેનિફર પણ એમની તરફ આકર્ષાયા. બન્ને થિયેટરના બૅકગ્રાઉન્ડવાળા
પરિવારમાંથી આવતાં હતાં તે વાત સાચી, પણ તેમની રહેણીકરણીમાં ઘણો ફર્ક હતો. હોવાનો
જ, કેમ કે શશી કપૂર રહ્યા પાક્કા પંજાબી ને જેનિફર નખશિખ બ્રિટીશ. જેફ્રીએ જોયું
કે પોતાની દીકરી આ છોકરડા તરફ ખેંચાઈ રહી છે. તેમને આ સંબંધ મંજૂર નહોતો. એમણે
બન્નેને છૂટા પાડવાનો ભરચક પ્રયાસ કર્યો. શશી કપૂર સાથે અપમાનજનક વર્તન કર્યું. જેનિફર
પાસે હવે શશી સાથે ચાલી નીકળવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો.
બન્ને લગભગ નાસીને મલેશિયા અને પછી સિંગાપોર પહોંચી ગયાં. અહીં બીજા
કોઈ ગ્રુપનાં નાટકમાં તેઓ કામ કરવાનાં હતાં. કમનસીબે નાટકના બધા શોઝ કૅન્સલ થઈ
ગયા. શશી અને જેનિફરે જેમતેમ કરીને ગાડું ગબડાવવાનો પ્રયાસ કરી જોયો, પણ પરિસ્થિતિ
બહુ જ વિકટ થઈ ગઈ એટલે શશીએ આખરે મોટા ભાઈ રાજ કપૂરને ફોન કરીને મદદ માગી. રાજ
કપૂરે એમને ફ્લાઇટની બે ટિકિટો મોકલી આપી. બન્ને મુંબઈ આવ્યાં. અત્યાર સુધી માત્ર
ભાઈ શમ્મી કપૂર અને ભાભી ગીતા બાલીને જ શશી-જેનિફરના લવઅફૅરની જાણ હતી. હવે આખા
કપૂર ખાનદાનને હવે ખબર પડી ગઈ. જુલાઈ 1958માં શશી કપૂર અને જેનિફરનાં વિધિવત લગ્ન
કરવામાં આવ્યાં. હનીમૂન માટે તેઓ કલકત્તા ગયાં હતાં. ફેરલૉન હોટલના રૂમ નંબર 17માં
તેઓ થોડા દિવસ રહ્યા. શશી કપૂર ફેમસ ફિલ્મસ્ટાર બની ગયા પછી હોટલના મેનેજમેન્ટે તે
રૂમનું નામ ‘ધ શશી કપૂર રૂમ’ પાડી દીધું હતું!
પતિદેવ કરતાં પત્ની ઉંમરમાં મોટી હોય ત્યારે લગ્નસંબંધ નાજુક બની જતો
હોય છે. શશી કપૂર અને જેનિફરનો સંબંધ સુખદ અપવાદરૂપ પૂરવાર થયો. શશી કપૂરને જેનિફર
પ્રત્યે કંઈ ઉપરછેલ્લું આકર્ષણ નહોતું. જેનિફર પ્રત્યેનો એમનો પ્રેમ અંતિમ ક્ષણ
સુધી જળવાઈ રહ્યો. 1959માં પહેલાં સંતાન કુનાલનો જન્મ થયો. જેનિફરનું સમગ્ર ધ્યાન
હવે એના ઉછેર પર કેન્દ્રિત થયું હતું. છ વર્ષની ઉંમરથી પોતાના પિતા સાથે નાટકો કરી
રહેલા શશી કપૂરને હવે સમજાયું કે માત્ર થિયેટર કરીને પરિવારને સારી રીતે નિભાવી
શકાશે નહીં. આથી એમણે પોતાના ભાઈઓની માફક ફિલ્મોમાં ઝંપલાવવાનું નક્કી કર્યું.
શશી કપૂર ફિલ્મી હીરો બન્યા, પણ એમની લાઇફસ્ટાઇલ એક પાક્કા સદગૃહસ્થ
જેવી રહી. રવિવારે કામ નહીં જ કરવાનું. રવિવારનો દિવસ ફક્ત પરિવાર સાથે ગાળવાનો. ફિલ્મલાઇનમાં
હીરો-હિરોઈન વચ્ચે ‘કંઈક છે’ એવી વાતો સતત સંભળાતી
હોય છે. શશી કપૂરના કેસમાં એકસ્ટ્રામેરિટલ અફેર તો દૂર રહ્યું, આવી કોઈ અફવા
સુધ્ધાં ઉડી નથી. જેનિફર અને સંતાનોએ એમનું જીવન તર-બ-તર કરી નાખ્યું હતું.
1970ના ઉત્તરાર્ધમાં શશી કપૂર વ્યાવસાયિક સ્તરે અસ્વસ્થતા અનુભવવા માંડ્યા
હતાં. એમને એક પ્રકારની દિશાહીનતાની લાગણી થઈ રહી હતી. આ તબક્કે જેનિફરે જ એમને
સૂચન કર્યું કે તમને શું કરવામાં સૌથી વધારે આનંદ મળે છે?
તારું અસલી શું પૅશન છે? જવાબ હતો, થિયેટર.
1978માં શશી કપૂર અને જનિફરે મુંબઇના જુહુ વિસ્તારમાં પૃથ્વીરાજ
કપૂરની સ્મૃતિમાં ‘પૃથ્વી’ નામના થિયેટરની સ્થાપના કરી. પૃથ્વીરાજના મૃત્યુ પછી
આમેય આ નાટ્યપ્રવૃત્તિ અટકી પડી હતી. આજની તારીખે પણ રાષ્ટ્રીય સ્તરે પૃથ્વી
થિયેટરનું મોટું નામ છે. જેનિફર માટે આ તબક્કો કરીઅરની બીજી ઇનિંગ્સ સમાન હતો.
એમણે પૃથ્વીનાં નાટકોમાં દરેક સ્તરે રસ લેવાનું શરૂ કર્યું. પતિ-પત્ની બન્ને
પોતાની જ માલિકીના પૃથ્વી થિયેટરમાં ચાલતાં નાટકો ટિકિટ ખરીદીને જોતાં. મુખ્ય
દરવાજો ખુલે તે પહેલાં રીતસર લાઇનમાં ઊભાં રહેતાં. જેનિફરે હોમ પ્રોડક્શનની ‘જુનૂન’ અને ’36 ચૌરંધી લેન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મો બૉક્સઑફિસ પર ભલે ન ચાલી, પણ કળાના
સ્તરે ખૂબ વખણાઈ. આર્થિક તંગી વચ્ચે પણ પતિ-પત્ની ખુશ હતાં.
આ ખુશી લાંબી ન ચાલી. 1982માં જેનિફરને કૅન્સર હોવાનું નિદાન થયું. બે
વર્ષ પછી, ફક્ત પચાસ વર્ષની ઉંમરે, તેમનું નિધન થયું. જેનિફરનાં મૃત્યુએ શશી
કપૂરને તોડી નાખ્યાં. એમનું આખું જીવન જેનિફર વડે ડિફાઇન થયેલું હતું. જેનિફરનો
દેહવિલય થયો ત્યારે તેઓ રડી નહોતા શક્યા. થોડા દિવસો પછી ગોવાના દરિયામાં તેઓ બોટને
ઊંડે સુધી લઈ ગયા ને ક્ષિતિજો સુધી ફેલાયેલા દરિયા વચ્ચે મોંફાટ રડ્યા.
જેનિફરના મૃત્યુ વખતે શશી કપૂરની ઉંમર 46 વર્ષ હતી. તેઓ ધારત તો પુનઃ
લગ્ન કરી શક્યા હોત, પણ ન તો એમણે આ દિશામાં ક્યારેય વિચાર્યું, ન કોઈ પ્રેમસંબંધ
બાંધ્યો કે ન કોઈની સાથે ‘ખાસ દોસ્તી’ કરી. તેઓ કહેતા, ‘હું હિંદુ છું ને હું આત્મા અમર છે તે થિયરીમાં માનું છું. જેનિફર ક્યાંય
ગઈ નથી. મને હંમેશાં એની હાજરી વર્તાય છે.’
જેનિફરે શરૂઆતથી શશી કપૂરની લાઇફસ્ટાઇલને સતત શિસ્તમાં રાખી હતી. એટલે
જ તેઓ દાયકાઓ સુધી ચુસ્તદુરસ્ત રહ્યા હતા, પણ જેનિફરનાં મૃત્યુ પછી તેઓ બેદરકાર
બની ગયા. અન્ય કપૂરોની માફક તેમણે બેફામ ખાવા-પીવાનું શરૂ કરી દીધું. પરિણામે તેઓ
પણ પોતાના ભાઈઓ-ભત્રીજાઓની માફક ફૂલી ગયા
હતા. 4 ડિસેમ્બર 2017ના રોજ શશી કપૂરે વિદાય લીધી. જેનિફરના 28 વર્ષના સથવારા બાદ
તેમણે 33 વર્ષ સુધી એકલતા સહી. જો સથવારો સજ્જડ અને સત્ત્વશીલ હોય તો જ માણસ આટલી
પ્રલંભ એકલતાનો સામનો કરી શકે!
0 0 0
No comments:
Post a Comment