Thursday, May 24, 2018

વિનોદ ભટ્ટ: ચાલો, હવે મને નિરાંત થઈ!




ઠ વર્ષ પહેલાં ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણીનો ફોન આવ્યો, વિનોદ ભટ્ટ હવે વાંચવા જેવું કોલમમાંથી રિટાયર થવા માગે છે. તમે ટેક-ઓવર કરશો?’

જલસો પડી જાય અને સાથે સાથે ડરી જવાય એવો આ પ્રસ્તાવ હતો. વાંચવા જેવુંચિત્રલેખાની બુક-રિવ્યુ કોલમ છે, જે દર બીજા અંકમાં પ્રગટ થાય છે. દરેક વખતે એક નવા ગુજરાતી પુસ્તક વિશે આખું પાનું ભરીને વાત કરવાની. વિનોદ ભટ્ટે આ કોલમ મસ્ત જમાવી હતી. ઇન ફેક્ટ, ચિત્રલેખાએ કરાવેલા એક સર્વેમાં ચિત્રલેખાના સૌથી પોપ્યુલર વિભાગ તરીકે વાંચવા જેવું કોલમનું નામ આવ્યું હતું. ઇવન આપણા ગુજરાતી પ્રકાશકોનો એવો ફીડબેક હતો કે વિનોદભાઈ ચિત્રલેખામાં જે પુસ્તક વિશે લખે છે એના વેચાણમાં ફરક પડી જાય છે.

ભરતભાઈનો પ્રસ્તાવ સાંભળીને જલસો એટલા માટે પડ્યો કે મારા જેવા એક પુસ્તકપ્રેમી માટે પુસ્તક વાંચીને એના વિશે લખવા કરતાં વધારે મોટો આનંદ બીજો કયો હોવાનો! અને ડર એટલા માટે કે વિનોદ ભટ્ટ જેવા સુપર સિનિયર, સુપર સેલિબ્રેટેડ અને સુપર પોપ્યુલર લેખક, કે જેના આપણે સુપર ચાહક હોઈએ અને જેમને નાનપણથી વાંચતા આવ્યા હોઈએ એના સીધા ઉત્તરાધિકારી બનવાનું હતું! વિનોદ ભટ્ટે કાળજીપૂર્વક ઉછેરેલી આવી સફળ કોલમ ટેક-ઓવર કરવી એટલે કેટલું મોટું જવાબદારીભર્યું કામ.

પણ અફ કોર્સ, મારો જવાબ હતોઃ યેસ! હું વાંચવા જેવું કોલમ ચોક્કસ લખીશ!

અને કોલમ શરૂ થઈ. 22 ફેબ્રુઆરી 2010 તારીખના અંકમાં પહેલો લેખ છપાયો. તેનો વિષય હતો, તારક મહેતા અને એમનાં લખાણોના આધારે તૈયાર થયેલી ફોટો-બુક, એવરગ્રીન. આ અફલાતૂન પુસ્તકના સંપાદક પણ સંજય વૈદ્ય અને પુસ્તકમાં તારક મહેતાની જુદી જુદી મુદ્રાઓની જે બહેતરીન તસવીરો હતી એ ક્લિક કરનારા પણ સંજય વૈદ્ય. વાંચવા જેવુંની નવી સિઝન શરૂ કરવા માટે આના કરતાં બહેતર પુસ્તક બીજું કયું હોવાનું.

અંક છપાયા પછી વિનોદ ભટ્ટનો ફોન આવ્યો. એમણે કહ્યુઃ  તમે પુસ્તકને બરાબર ન્યાય આપ્યો છે. મને સૌથી વધારે મજા એ વાતની આવી કે તમે મારી નકલ કરવાની કોશિશ નથી કરી. તમે તમારી ઓરિજિનાલિટી જાળવીને તમારી શૈલીમાં કોલમ લખી છે. ચાલો, હવે મને નિરાંત થઈ!’

આ સાંભળીને બંદા તો હવામાં! એવું લાગ્યું કે પરીક્ષા ભલે અઘરી હતી, પણ આપણે મસ્ત માર્ક્સ સાથે પાસ થઈ ગયા. સ્વયં વિનોદ ભટ્ટનું અપ્રુવલ મળી ગયું... ઔર ક્યા ચાહિએ? એમનું આ મોંઘેરું અપ્રુવલ પછી તો અવારનવાર મળતું રહ્યું.  

વિનોદ ભટ્ટ સાથે અગાઉ ક્યારેય સંપર્કમાં આવવાનો મોકો મળ્યો નહોતો. વાંચવા જેવું કોલમને લીધે મને એમના સીધા સંપર્કમાં રહેવાનું સરસ માધ્યમ મળ્યું. વાંચવા જેવું કોલમ માટે વિનોદ ભટ્ટ અને ભરતભાઈએ જે ધારાધોરણો નક્કી કર્યાં હતાં તે મેં સ્વીકાર્યાં છે, કેમ કે તે એકદમ પરફેક્ટ છે. વાંચવા જેવું એ કંઈ એકેડેમિક વિવેચનની કોલમ નથી. હું વિવેચક છું પણ નહીં. આ કોલમમાં જે પુસ્તક વાંચવાની ખુદને મજા આવી હોય તે મજા અને ઉમળકો વાચકો સાથે શેર કરવાનો ઉપક્રમ હોય છે. બેઝિકલી, આમાં ગમતાને ગુલાલ કરવાનો આશય હોય છે. એવું પુસ્તક જ પસંદ કરવાનું જે ગમ્યું હોય. જો પુસ્તક ન ગમે તો એના વિશે લખવાનું જ નહીં.

લોકોનો ફીડબેક હંમેશા એવો મળ્યો છે કે પુસ્તકસમીક્ષાના વિભાગ તો બીજાં ઘણાં ગુજરાતી અખબારો-સામયિકો ચલાવે છે, પણ આ બધા કરતાં ચિત્રલેખાની વાંચવા જેવું કોલમ અલગ પડે છે. વાચકોને આવું લાગવાનું કારણ એ છે કે અહીં આખેઆખી કોલમ કોઈ એક જ પુસ્તક માટે ફાળવવામાં આવે છે, બે-ચાર-અડધો ડઝન પુસ્તકો માટે નહીં. જગ્યાની મોકળાશ હોવાથી પુસ્તક વિશે નિરાંતે, માંડીને વાત થઈ શકે છે. એના કરતાંય વધારે મહત્ત્વની વાત એ છે કે કોલમ લખતા પહેલાં પુસ્તકમાંથી રીતસર પસાર થવામાં આવે છે. માત્ર પ્રસ્તાવના વાંચીને કે બેકકવર પર લખાયેલી માહિતીના આધારે લેખ ઘસડી નાખવામાં આવતો નથી. આને કારણે વાંચનારને જે-તે પુસ્તકના મિજાજની, એના કોન્ટેન્ટના ટેક્સચરની અને પુસ્તકની ઓવરઓલ અપીલની નક્કર ઝલક મળે છે.

ગુજરાતી ભાષાના તમામ પ્રમુખ પ્રકાશકો તરફથી પુસ્તકોના થપ્પેથપ્પા ચિત્રલેખાની ઓફિસે એકધારા આવતા રહે છે. એમાંથી પહેલી નજરે જ રિજેક્ટ કરવા જેવા લાગે એ પુસ્તકો ભરતભાઈ બાજુ પર મૂકી દે અને સંકોચાયેલા થપ્પા મારા ઘરે મોકલી આપે. એ થપ્પાઓમાંથી પછી કોલમ માટે યોગ્ય હોય એવાં પુસ્તકો સિલેક્ટ કરી, તેમાંથી ધ્યાનપૂર્વક પસાર થઈ, એકાંતરે અઠવાડિયે કોલમ લખવાની.

આ આઠ વર્ષમાં વિનોદ ભટ્ટનાં કેટલાંક પુસ્તકો વિશે પણ વાંચવા જેવું કોલમમાં લખ્યું છે. એમનાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહાર પડેલાં પુસ્તકો વિશે મારી કાયમ ફરિયાદ રહેતી કે કોન્ટેન્ટ આટલું ફાંકડું હોવા છતાં મુખપૃષ્ઠ કેમ કાયમ એકસરખું ને ડલ રાખો છો? વિનોદ ભટ્ટ કહેતાઃ રમૂજ-વ્યંગના પુસ્તકનું મુખપૃષ્ઠ પણ રમૂજી હોવું જરૂરી નથી!  વિનોદભાઈનો ફોન ધારો કે દસેક મિનિટ ચાલે તો તે દરમિયાન આપણે કમસે કમ પાંચ-સાત વાર તો સોલિડ મોટેથી હસ્યા જ હોઈએ. હું બક્ષીબાબુનો અઠંગ ચાહક એની એમને ખબર એટલે બક્ષીની કોઈક રમૂજી વાત તેઓ અચૂક કરે. તેઓ ખરેખર કુદરતી, ગિફ્ટેડ અને નખશિખ હ્યુમરિસ્ટ હતા. ફોન પૂરો થાય પછી આપણને સવાલ થાય કે સાલું, છેલ્લે આટલા મોટેથી, આટલા દિલથી અને આટલા ખૂલીને ક્યારે હસ્યા હતા?

વિનોદભાઈ, જ્યારે જ્યારે ચિત્રલેખાની ઓફિસેથી પુસ્તકોના થપ્પા આવશે ત્યારે તમે બહુ યાદ આવશો.  વાંચવા જેવું માટે પુસ્તક વાંચતી વખતે, તેનાં પાનાં પર પેન્સિલથી લીટા કરીને કે રંગીન પટ્ટીઓ ચોંટાડીને નિશાની કરતી વખતે કે પાનાંના ખૂણા વાળતી વખતે તમને ખૂબ મિસ કરીશ.

જ્યાં હો ત્યાં હસતા રહેજો અને હસાવતા રહેજો...



 0 0 0 

No comments:

Post a Comment