સંદેશ - અર્ધ
સાપ્તાહિક પૂર્તિ - 11 ફેબ્રુઆરી 2018
ટેક ઓફ
અપંગ છોકરાએ નાસીપાસ થઈને પિતાને કહ્યુઃ ડેડી,
હું બીજાઓ જેવો કેમ નથી? હું નોર્મલ
કેમ નથી? પિતાજીએ જવાબ આપ્યો
હતોઃ તારે શા માટે બીજાઓ જેવા બનવું છે? તારે બેટર
ધેન નોર્મલ બનવાનું છે!
શાનદાર
ઓડિટોરિયમ હકડેઠઠ ભરાયું છે. સામે આઇટી ઇન્ડસ્ટ્રીના તેજસ્વી એન્જીનિયરો અને બીજા
લોકો ઉત્સુક ચહેરે બેઠા છે. મંચ પર વિરાટ ડિજીટલ સ્ક્રીન પર જુદી જુદી ઇમેજીસ
ફ્લેશ થઈ રહી છે. થોડી વારમાં એક યુવાન મંચ પર આવે છે. પાતળિયો બાંધો, ટ્રિમ કરેલી
દાઢી, ચમકતી આંખો પર ચશ્માં. તમે નોંધો છો કે એની ચાલ નોર્મલ નથી, સહેજ જુદી છે. એ
બોલવાનું શરૂ કરે છે અને તમે ફરીથી નોંધો છો કે એની વાણી પણ નોર્મલ નથી, જુદી છે.
યુવાન પોતાની જીવનની વાતો શેર કરવાનું શરૂ કરે છે અને તરત એક વાત પ્રસ્થાપિત થઈ
જાય છે કે હા, આ યુવાન નોર્મલ નથી જ. એ
નોર્મલ કરતાં અલગ છે. અલગ નહીં, બહેતર છે. બેટર ધેન નોર્મલ!
આ છવીસ વર્ષના યુવાનનું
નામ છે, હિતેશ રામચંદાની. ચકિત કરી દે એવી છે એની જીવનની કહાણી. આપણને થાય કે
હિતેશે અત્યારે પોતે જે છે તે બનવા માટે, પોતે જ્યાં છે તે સ્તરે પહોંચવા માટે
કેટલી પ્રચંડ મહેનત કરી હશે, પોતાના મનોબળ પાસેથી કેવું કમાલનું કામ લીધું હશે!
હિતેશને સેરેબ્રલ
પાલ્સીની બીમારી છે. આ એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. એમાં શરીરના સ્નાયુઓ મગજના
આદેશો ઝીલી ન શકે. એને કારણે માણસ સીધો બેસી ન શકે, ઊભો ન રહી શકે, હલનચલન કરી ન
શકે, બોલી ન શકે. જાણે નિર્જીવ પોટલું પડ્યું હોય એમ પડ્યો રહે. ગરદન પરથી મસ્તક
એક બાજુ લબડી પડ્યું હોય. બોલવા જાય તો મોઢામાંથી અસ્પષ્ટ અવાજ નીકળે. કોઈ ખવડાવે
તો ખાવાનું, કોઈ પીવડાવે તો પીવાનું, કોઈ મદદ કરે તો કુદરતી હાજતે જવાનું.
ટૂંકમાં, સંપૂર્ણપણે પરાધીન જીવન. સેરેબ્રલ પાલ્સીમાં જોકે અલગ અલગ તીવ્રતાઓ હોય
છે. આ રોગ ધરાવતા અમુક લોકોની તકલીફ અન્ય રોગીઓ કરતાં વત્તીઓછી હોઈ શકે.
હિતેશનાં જન્મની
સાથે જ એનાં સિંગાપોરવાસી મા-બાપને ખબર પડી કે આપણે ત્યાં અપંગ બાળક જન્મ્યું છે.
પોતાનું પહેલા ખોળાનું સંતાન દુર્ભાગ્યને સાથે લઈને અવતર્યું છે એવી પ્રતીતિ કોઈ
પણ મા-બાપને તોડી નાખવા માટે પૂરતી હોય છે, પણ મિસ્ટર એન્ડ મિસિસ રામચંદાનીએ
નિશ્ચય કર્યોઃ કુદરતે પોતાનું કામ કરી લીધું, હવે આગળ શું કરવાનું છે એ આપણે નક્કી
કરીશું! સૌથી પહેલાં તો એમણે હિતેશને અપંગ ગણ્યો જ નહીં, પોતાનો દીકરો બીજા
કરતાં કોઈ પણ રીતે ઊતરતો છે એ વાત જ સ્વીકારી નહીં. અલબત્ત, વિચારવું એક વસ્તુ છે,
વાસ્તવ સાથે પનારો પાડવો તદ્દન જુદી વસ્તુ છે. નાનકડા હિતેશને ગોદમાં લઈને દૂધની
એક બોટલ પીવડાવવામાં એની મમ્મીને કલાકો વીતી જતા, કેમ કે હિતેશના ફેંફસા નબળાં
હતાં એટલે જો સાવ ધીરે ધીરે પ્રવાહી આપવામાં ન આવે તો શ્વાસ રુંધાઈ જાય.
ઘરમાં માબાપનો
ભલે બસ્સો ટકા પ્રેમ અને તકેદારી હોય, પણ બહારની દુનિયાના સંપર્કમાં આવવાનું થાય
ત્યારે મામલો બદલાઈ જતો હોય છે. હિતશને બગીચામાં લઈ જવામાં આવે તો બીજાં 'નોર્મલ' બાળકો એની મજાક
ઉડાવે. એ જાણે પરગ્રહનું પ્રાણી હોય કે અશ્પૃશ્ય હોય તે રીતે વર્તે. માસૂમ બાળકો અતિ
ક્રૂર બની શકતાં હોય છે! હિતેશ ચાર વર્ષનો થયો ત્યારે ઘરમાં બીજું બાળક અવતર્યું - એની
નાનકડી મીઠડી બહેન. એ ભાખોડિયાં ભરતી ભરતી ધીમે ધીમે ડગલાં માંડવા લાગી ત્યારે
હિતેશને ભારે નવાઈ લાગતી. એને થાય કે આ આવડીક અમથી છોકરી જો બે પગે ચાલી શકતી હોય
તો હું કેમ ન ચાલી શકું? બહેનની સાથે હિતેશે પણ હાલકડોલક થતાં ચાલતા શીખવાનું શરૂ કર્યુ.
ડોક્ટરોએ અને
મિત્રોસંબંધીઓએ સલાહ આપી કે હિતેશને અપંગ બાળકો માટેની સ્પેશિયલ સ્કૂલમાં બેસાડજો,
પણ હિતેશનાં મા-બાપ મક્કમ હતાઃ ના, મારો દીકરો નોર્મલ બાળકોની સાથે જ ભણશે.
સ્કૂલમાં હિતેશનો ક્લાસ છેક ત્રીજા માળે. સ્કૂલ તરફથી એને લિફ્ટનો ઉપયોગ કરવાની
પરવાનગી મળી હતી, પણ મા-બાપે કહ્યુઃ ના દીકરા, તું લિફ્ટ પણ નહીં વાપરે ને
વ્હીલચેરનો ઉપયોગ પણ નહીં કરે. ભલે ગમે એટલું કષ્ટ પડે, પણ તારે ચડઉતર તો દાદરાથી
જ કરવી પડશે. નાનકડો હિતેશ રોજ પગથિયાં પર અળસિયાની જેમ ઘસડાતો, સરકતો, હાંફતો
ત્રણ માળ ચડે ને ઉતરે. સ્ટુડન્ટ્સ અને ટીચરો દંગ થઈને એને જોઈ રહે.
ભણવામાં હિતેશ
ઠીકઠાક. પાસિંગ માર્ક્સ મળી જાય. ક્યારેક 'એ' ગ્રેડ પણ આવે
ક્યારેક ફેલ પણ થાય, પણ હિતેશ હિંમત ન હારે. એ સાઇકલ ચલાવતા પણ શીખ્યો અને
સ્વિમિંગ કરતાં પણ શીખ્યો. જે શીખતા સાજાસારા છોકરાને બે-ત્રણ અઠવાડિયાં થાય એ
શીખતા હિતેશને મહિલાઓ લાગે. એક વાર એણે સ્પોર્ટ્સ ડે વખતે દોડવાની સ્પર્ધામાં ભાગ લીધો. શરૂઆતમાં ટીચરોએ
ના પાડી, પણ હિતેશે બહુ વિનંતી કરી એટલે પરવાનગી આપી. કલ્પના કરો, જે છોકરો હજુ
થોડા સમય પહેલાં સીધો ઊભો પણ રહી શકતો નહોતો અને જે હજુય વ્યવસ્થિત ચાલી શકતો નથી એ
રનિંગ કોમ્પિટીશનમાં ભાગ લે છે! હિતેશના
પપ્પાએ કહ્યુઃ દીકરા, એક વાત યાદ રાખજે. ચેમ્પિયન એ નથી જે ફર્સ્ટ આવે છે,
ચેમ્પિયન એ છે જે વારે વારે પડ્યા પછી પણ દરે વખતે ઊભો થઈ શકે છે અને છેક સૂધી
ઝઝૂમે છે.
એવું જ થયું. હિતેશને બેલેન્સની અને બોડી-માઇન્ડ કો-ઓર્ડિનેશનની તીવ્ર
સમસ્યા હોવાથી દોડવાની કોશિશ કરે ને ભફાંગ કરતો પડે. આવું કેટલીય વાર થયું. ઘૂંટણ
છોલાઈ ગયાં, લોહી નીકળવા લાગ્યું, પણ એણે તંત ન છોડ્યો. ગમે તેમ કરીને એણે દોડનું
અંતર તો પૂરેપૂરું કાપ્યું જ. કહેવાની જરૂર નથી કે રેસ પૂરી થઈ ત્યાં સુધીમાં એ
સ્કૂલનો હીરો બની ચુક્યો હતો.
તરૂણાવસ્થા નવી સમસ્યાઓ લઈને આવી. પોતાની ઉંમરના છોકરાઓને ગર્લફ્રેન્ડ્સ હોય,
પણ હિતેશને જોઈને છોકરીઓ કાં મોઢું મચકોડે અથવા દયા ખાય. એક વાર એક છોકરાએ હિતેશને
ધક્કો મારીને પછાડી દીધો. હિતેશને સમજાઈ ગયું કે ફિઝિકલ સ્ટેમિના વગર નહીં ચાલે.
એણે જિમ જવાનું શરૂ કર્યું. યોગસાધના અને કિક બોક્સિંગ શરૂ કર્યાં. કિક બોક્સિંગને
કારણે શરીરને સંતુલિત રાખવામાં, માઇન્ડ-બોડીનું
કોઓર્ડિનેશન કરવામાં અને મસલ્સ મજબૂત કરવામાં ખૂબ ફાયદો થયો. હિતેશનો
કોન્ફિડન્સ પણ વધ્યો. વચ્ચે એક વર્ષ માટે એ ટ્રીટમેન્ટ અને થેરાપી માટે ભારત
આવ્યો. રોજ કમસેકમ પાંચ-છ કલાક એની ટ્રેનિંગ ચાલતી, જેમાં જિમ, સ્પીચ થેરાપી,
સ્વિમિંગ, યોગ બધું જ આવી ગયું. એક વર્ષ પછી એ પાછો સિંગાપોર ગયો ત્યારે એને જોઈને
બધા હેરત પામી ગયા. હવે હિતેશ અત્યંત કષ્ટપૂર્વક, મોઢું વાંકુંચુકું કરીને પણ જે
કંઈ બોલતો હતો તે સ્પષ્ટ સમજી શકાતું હતું.
હિતેશે મેનેજમેન્ટ સ્ટડીઝમાં ડિપ્લોમા મેળવ્યો. ફૂટબોલ ટીમનો કેપ્ટન
સુધ્ધાં બન્યો. હિતેશ આજેય ચાલતો હોય ત્યારે ઓકવર્ડ દેખાય છે, એ બોલતો હોય ત્યારે
એણે કેટલો બધો શ્રમ કરવો પડે છે તે આપણને સમજાય છે, પણ એનો જુસ્સો અસાધારણ છે.
સામાન્ય માણસ કરતા હોય તે બધું જ એ કરી શકે છે. એ મેરેથોન સુધ્ધામાં ભાગ લે છે.
આજે એ મોટિવેશનલ સ્પીકર તરીકે દુનિયાભરમાં સતત ઉડાઉડ કરે છે, જુદી જુદી કંપનીઓમાં
કર્મચારીઓને પર્ફોર્મન્સ સુધારવા માટે કોચિંગ આપે છે. મસ્ત કમાય છે. એણે 'બેટર ધેન નોર્મલ' નામનું પુસ્તક પણ લખ્યું છે. હિતેશે
નાનપણમાં એક વાર નાસીપાસ થઈને પિતાને કહેલુઃ ડેડી, હું બીજાઓ જેવો કેમ નથી? હું નોર્મલ કેમ નથી? પિતાજીએ ત્યારે જવાબ આપ્યો હતોઃ તારે શા
માટે નોર્મલ બનવું છે? તારે બેટર
ધેન નોર્મલ બનવાનું છે. તું મહેનત કરતો રહે, ફોકસ અકબંધ રાખ, પછી જો, તું બીજાઓ
કરતાં બહેતર પૂરવાર થઈશ.
હિતેશનું આખું જીવન એક કેસ-સ્ટડી છે. સેરેબ્રલ પાલ્સીના દર્દીઓ વિશેની
કેટલીય ધારણાઓ એણે ખોટી પાડી છે. આજે મંચ
પર હિતેશ એક સુપરસ્ટારની જેમ પેશ થાય છે, એ જે આત્મવિશ્વાસ સાથે વાત કરે છે તે
જોઈને આશ્ચર્ય થાય. સ્પીચ દરમિયાન એ ખુદની મજાક કરે, ઓડિયન્સની પણ ટાંગ ખેંચે. એના
આખા વ્યક્તિત્વમાં ગજબની ખુમારી છે. ક્યાંય ગરીબડાપણું નહીં, દરિદ્રતા કે લાચારીનું
નામોનિશાન નહીં. આપણને થાય કે ભગવાને જેને બધું જ આપ્યું છે એવા મારા-તમારા જેવા
લોકોને રોદણાં રડવાનો કે ફરિયાદો કરવાનો શો અધિકાર છે?
હિતેશ કહે છેઃ
'મેં લાઇફને એક ચેસેન્જની જેમ જોઈ છે. મેં
નિર્ધાર કર્યો હતો કે શારીરિક સ્થિતિ અનુકૂળ ન હોવા છતાં હું તમામ પડકારો ઝીલીશ,
હું જીવીશ, લાઇફને ભરપૂર એન્જોય કરીશ. મારે લોકોમાં આ જ સંદેશો ફેલાવવો છેઃ મુશ્કેલીઓથી
ક્યારેય ડરવાનું નહીં. સામનો કરવાનો. વિઘ્ન જેટલું મોટું હશે એટલી વધારે ઊંચાઈ તમે
આંબી શકશો. અંત સુધી લડતા રહો. નેવર ગિવ અપ!'
0 0 0
No comments:
Post a Comment