Monday, May 14, 2018

સઆદત હસન મન્ટો હાઝિર હો...

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 13 May 2018 


મલ્ટિપ્લેક્સ    
               
અતિ પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલ હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. દુનિયાભરની ચુનંદી ફિલ્મોની વચ્ચે ભારતની કઈ કઈ ફિલ્મોનું આ વખતે અહીં સ્ક્રીનિંગ થવાનું છે?




જની કોલમ તમારા હાથમાં આવશે ત્યારે કાન ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયાને પાંચ દહાડા વીતી ગયા હશે. ફ્રાંસના દરિયાકાંઠે આવેલી કાન નામની રળિયામણી નગરીનાં નામનો સ્પલિંગ ભલે સી-એ-એન-એન-ઈ-એસ થાય, પણ એનો ઉચ્ચાર 'કાન્સ' નહીં પણ 'કાન' થાય છે તે 'મલ્ટિપ્લેક્સ'ના વાચકોને હવે કહેવાનું ન હોય. દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાં સ્થાન પામતી આ અતિ હાઇ પ્રોફાઇલ ઇવેન્ટ આઠમી મે, મંગળવારે શરૂ થઈ, જે 19 મે, શનિવાર સુધી લાગલગાટ ચાલતી રહેવાની.

આપણને સૌથી પહેલાં તો એ વાત જાણવામાં રસ હોય કે ભારતની કઈ કઈ ફિલ્મોનું સ્ક્રીનિંગ આ વખતે કાનમાં થવાનું છે. સૌથી મહત્ત્વનું નામ આ છેઃ 'મન્ટો'. વિવાદાસ્પદ વાર્તાકાર સઆદત હસન મન્ટો (જન્મઃ 1912, મૃત્યુઃ 1955)ના જીવન પરથી નંદિતા દાસે આ ફિલ્મ બનાવી છે. 'ફાયર' (1996) જેવી અતિ વિવાદાસ્પદ ફિલ્મથી અભિનેત્રી તરીકે કરીઅરનો પ્રારંભ કરનાર નંદિતાએ પછી અમિતાભ બચ્ચન સાથે 'અક્સ' અને આમિર ખાન સાથે '1947 અર્થ' સહિત દસેક ભાષાઓમાં ચાલીસેક જેટલી ફિલ્મો કરી. એમાં 'ધાડ' નામની ગુજરાતી ફિલ્મ પણ આવી ગઈ. નંદિતા અંગત જીવનમાં પણ પાક્કી ગુજરાતણ જેવું સડસડાટ અને સુંદર ગુજરાતી બોલે છે, કેમ કે એમનાં મમ્મી વર્ષા દાસ ગુજરાતી લેખિકા છે. નંદિતાના બંગાળી પિતા જતિન દાસ જાણીતા ચિત્રકાર છે. નંદિતાની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ એટલે 'ફિરાક', જેમાં ગોધરાકાંડ અને તે પછીના રમખાણોની સામાન્ય લોકોના જીવન પર થયેલી અસરો વિશે વાત હતી. ફિલ્મમેકર રાહુલ ઘોળકિયાએ 'પરઝાનિયા'માં ગુજરાતના આ ગમગીન પ્રકરણમાં તદન ખોટી વિગતો ઘુસાડીને ભયંકર કુચેષ્ટા કરી નાખી હતી, પણ નંદિતાની 'ફિરાક' ખાસ્સી સંતુલિત ફિલ્મ હતી.

'ફિરાક'ના દસ વર્ષ પછી નંદિતા હવે 'મન્ટો' લઈને ઉપસ્થિત થયાં છે. નવાઝુદ્દીન સિદ્દીકી જેવા અવ્વલ દરજ્જાના અદાકારે મન્ટોનું કિરદાર ભજવ્યું છે. યુટ્યુબ પર તમે 'મન્ટો' સર્ચ કરશો તો નંદિતાની 'ઇન ડિફેન્સ ઓફ ફ્રીડમ' નામની છ મિનિટની શોર્ટ ફિલ્મ દેખાશે. સંભવતઃ આ ફુલલેન્થ 'મન્ટો' ફિલ્મનો જ એક ટુકડો છે. ભારે ઇન્ટરેસ્ટિંગ છે આ શોર્ટ ફિલ્મ. જો આ ટુકડાને નમૂના તરીકે લઈએ તો કહી શકાય કે આખેઆખી 'મન્ટો' ફિલ્મ જોઈને જલસો પડવાનો.  

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 'મન્ટો'નું સિલેક્શન થયું એટલે તરત બૂમાબૂમ શરૂ થઈ ગઈઃ કાનવાળા પાર્શિયાલિટી કરે છે. નંદિતા દાસ બે વખત કાન ફિલ્મોત્સવમાં જ્યુરી (હરીફાઈમાં ઉતરેલી ફિલ્મોનું મૂલ્યાંકન કરતી નિર્ણાયક સમિતિની સભ્ય) રહી ચુક્યાં છે એટલે એમની ફિલ્મને તો ફટાક કરતી એન્ટ્રી મળી જ જાયને!  તાજેતરમાં હૈદરાબાદ સ્થિત માઇક્રોસોફ્ટ કંપનીના કેમ્પસમાં નંદિતા દાસનું એક ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેક્ટિવ સેશન ગોઠવાયું હતું. દેખીતું છે કે 'મન્ટો' વિશે વાત નીકળે જ. કાર્યક્રમના એન્કરના સવાલમાં જવાબમાં નંદિતાએ કહેલું કે, 'હું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી રહી ચુકી છું તે વાત ખરી, પણ એનો અર્થ એવો જરાય થતો નથી કે એ લોકો આંખ બંધ કરીને મારી ફિલ્મ સિલેક્ટ કરી લે. મારા જ એક કલીગ, જે જ્યુરી કમિટીના હેડ હતા, એમની ફિલ્મ એક નહીં પણ બબ્બે વખત કાનમાં રિજેક્ટ થઈ ચુકી છે. હા, એટલું ખરું કે કાન ફિલ્મોત્સવ સાથે સંકળાઈ ચુકી છું એટલે એ લોકોએ મારી ફિલ્મ એટલીસ્ટ જોવાની તસ્દી જરૂર લીધી. એમને કાન ફિલ્મ ફેસ્ટિવલનાં ધારાધોરણ પ્રમાણે 'મન્ટો' યોગ્ય લાગી એટલે જ એન્ટ્રી આપી, નહીંતર 'મન્ટો' પણ રિજેક્ટ થઈ જાત.'  

નવાઝુદ્દીન સિદ્દીકીને કાન્સ ફિલ્મોત્સવમાં મહાલવાની આદત થઈ ગઈ છે! 2012માં એની 'ગેન્ગ્સ ઓફ વાસેપુર'નું અહીં સ્ક્રીનિંગ થયેલું ત્યારે નવાઝભાઈ સૌથી પહેલી વાર બનીઠનીને રેડ કાર્પેટ પર પોતાની ટીમની સાથે મલપતા મલપતા ચાલ્યા હતા. 2013માં 'લન્ચબોક્સ' અને 2016માં 'રામન રાઘવ' દેખાડાઈ. આ સિવાય નવાઝભાઈની 'મિયાં કલ આના' નામની શોર્ટ ફિલ્મ અને 'મોનસૂન શૂટઆઉટ' નામની ફુલલેન્થ ફિલ્મ કાનપ્રવાસ કરી ચુકી છે. સમજોને કે નવાઝભાઈ અત્યાર સુધીમાં બધું મળીને અડધો ડઝન વાર કાનની રેડ કાર્પેટ પર પગલાં પાડી ચુક્યા છે.

કાન 2018માં આ વખતે 'મન્ટો' ઉપરાંત રાજકુમાર રાવની 'ફાઇવ વેડિંગ્સ' નામની ફિલ્મ છે, જે નમ્રતા સિંહ ગુજરાલ નામની અપિરિચિત ડિરેક્ટરે બનાવી છે. નાયિકા છે, નરગીસ ફકરી (યાદ છે 'રોકસ્ટાર'માં રણબીર કપૂરની હિરોઈન બનેલી અતિ મોઢા હોઠવાળી કન્યા?). મુંબઈ આવેલી એક અમેરિકન જર્નલિસ્ટને બોલિવૂડના કોઈ સિતારાની શાદી કવર કરતી વખતે જે જાતજાતના અનુભવો થાય છે એની આ ફિલ્મમાં વાત છે. આ સિવાય કાનમાં આ વખતે રોહેના ગેરા નામના ફર્સ્ટટાઇમ ડિરેક્ટરની 'સર' નામની ફિલ્મ છે, જેમાં તિલોત્તમા શોમે અભિનય કર્યો છે. ક્યુટ સ્માઇલ ધરાવતા સેલિબ્રિટી શેફ વિકાસ ખન્ના હવે નિતનવી વાનગીઓની સાથે ફિલ્મો પણ બનાવવા લાગ્યા છે. ડિરેક્ટર તરીકેની એમની પહેલી ફિલ્મ 'ધ લાસ્ટ કલર'ને કાનમાં એન્ટ્રી મળે તે સારી વાત કહેવાય. 'રાંઝણા' ફેમ ધનુષને ચમકાવતી 'ધ એક્સ્ટ્રાઓર્ડિનરી જર્ની ઓફ ધ ફકીર હુ ગોટ ટ્રેપ્ડ ઈન અન આઇકિયા વોર્ડરોબ' જેવું લાંબલચ્ચ ટાઇટલ ધરાવતી એક વિદેશી ફિલ્મનું પણ આ વખતે કાનમાં સ્ક્રીનિંગ થવાનું છે. આ એક ઇન્ડો-ફ્રેન્ચ કો-પ્રોડક્શન છે. કેન સ્કોટના  ડિરેક્શનમાં બનેલી આ રોમેન્ટિક કોમેડી ટ્રેલર પરથી તો એક ટિપિકલ મેઇનસ્ટ્રીમ ફિલ્મ જેવી લાગે છે.



ઇન્ડિયન શોર્ટ ફિલ્મોની વાત કરીએ તો આ વખતે અંતરા રાવની 'અસ્થિ' અને અભિજીત ખુમાણની 'દૈવાર'ને કાન ફિલ્મોત્મસવમાં સ્થાન મળ્યું છે. રાઇટર-ડિરેક્ટર અભિજીતની 'કલ્પવૃક્ષ' નામની શોર્ટ ફિલ્મે ગયા વર્ષે  સિનેમેટોગ્રાફીનો નેશનલ અવોર્ડ જીત્યો હતો. આ કોલમમાં આપણે તેના વિશે વિગતવાર વાત પણ કરી ચુક્યા છીએ. અભિજીત પાક્કા કાઠિયાવાડી છે, પણ એમણે 'દૈવાર' મરાઠીમાં બનાવી છે. દૈવાર એટલે પરોઢનું ઝાકળબિંદુ. દેવામાં ડૂબેલો ખેડૂત આત્મહત્યા કરે ત્યારે સરકાર તરફથી એના પરિવારને આર્થિક વળતર જાહેર થતું હોય છે. આ નાણું પરિવારને ખરેખર મળતું હોય છે ખરું? બસ, આ એક તંતુને ઊંચકીને અભિજીત ખુમાણે શોર્ટ ફિલ્મ બનાવી છે. વિષય ગંભીર હોવા છતાં એ રોતલ એટલા માટે બનતી નથી એમાં રોમાન્સનો, એક અધૂરા રહી ગયેલા પ્રેમસંબંધનો અનપ્રિડિક્ટેબલ રંગ ઉમેરાયો છે.

'મારી ફિલ્મનું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થવાનું છે તે સાચું, પણ તે કોમ્પિટીશનનો હિસ્સો નથી,' અભિજીત ખુમાણ સ્પષ્ટતા કરે છે, 'તે શોર્ટ ફિલ્મ કોર્નર (એસએફસી) નામના વિભાગમાં રજૂ થવાની છે. અમે એકચ્યુઅલી 'દૈવાર' કોમ્પિટીશન માટે જ સબમિટ કરેલી, પણ કાનનો નિયમ છે કે શોર્ટ ફિલ્મ 15 મિનિટ કરતાં વધારે લાંબી ન હોવી જોઈએ. 'દૈવાર'ની લંબાઈ 26 મિનિટ છે. આથી એ લોકોએ 'દૈવાર'ને શોર્ટ ફિલ્મ કોર્નરમાં મૂકી.'

શોર્ટ ફિલ્મ કોર્નરનો હિસ્સો હોવું તે પણ કંઈ નાની વાત નથી. આ સેક્શનમાં દુનિયાભરના ફિલ્મમેકરોએ બનાવેલી ચુનંદી શોર્ટ ફિલ્મોનું સ્ક્રીનિંગ થતું હોય છે. કાન ફિલ્મ ફેસ્ટિવલ સાથે સંકળાવું તે ઘટના સ્વયં શોર્ટ કે ફુલલેન્થ ફિલ્મને એક અધિકૃત વજન આપી દે છે.

વેલ, કાનમાં આ વખતે કઈ કઈ ફુલલેન્થ ફિલ્મો હોટ-એન્ડ-હેપનિંગ ગણાય છે? શાના પર સૌની નજર છે? કઈ ફિલ્મો હવે આવનારા લાંબા સમય સુધી ગાજતી રહેવાની છે? આનો જવાબ આવતા રવિવારે.        

shishir.ramavat@gmail.com

No comments:

Post a Comment