Monday, May 28, 2018

તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તાળાં કેમ લાગ્યાં?


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 27 મે 2018 

મલ્ટિપ્લેક્સ       
            
તમિળ નિર્માતાઓને એવી કે કઈ સમસ્યા નડી ગઈ કે તેમણે 48 દિવસ માટે આખી તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હડતાળ પર ઉતારી દીધી ? આ સ્ટ્રાઇકનું ધાર્યું પરિણામ આવ્યું ખરુંતમિળ જેવી અત્યંત વિકસિત અને સધ્ધર ઇન્ડસ્ટ્રીને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરોની કે અન્ય કોઈ પણ પ્રકારની મોનોપોલી યા તો પોલિટિક્સ પાટા પરથી નીચે ઉતારી શકતી હોય, તો હજુ તો ઊગીને ઊભી થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તો કેટલું બધું સંભાળવું પડે!



48 દિવસ! આટલા બધા દિવસ સુધી આખેઆખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ રહે એ કેવું? તામિલનાડુ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (ટીએફપીસી)એ ઘોષિત કર્યું હતું કે પહેલી માર્ચથી અનિયતકાલીન સમય માટે આખી ઇન્ડસ્ટ્રી હડતાળ પર ઉતરશે. થિયેટરોમાં એક પણ નવી તમિળ ફિલ્મ રિલીઝ નહીં થાય, એક પણ તમિળ ફિલ્મનું શૂટિંગ, પોસ્ટ પ્રોડકશન કે પ્રમોશન નહીં થાય. જ્યાં સુધી સમસ્યાનો નિવેડો આવશે નહીં ત્યાં સુધી આ સ્થિતિ યથાવત રહેશે. આ સ્થિતિ એટલે કઈ સ્થિતિ? તમિળ નિર્માતાઓ એવી તો કઈ વિકરાળ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા કે કે સાત-સાત વીક સુધી બહું કામકાજ ઠપ્પ કરી દેવામાં આવ્યું? વિશેષ રસ પડે એવી વાત એ છ કે મામલો માત્ર તમિળ ઇન્ડસ્ટ્રી પૂરતો જ સીમિત નહોતો રહ્યો, બલકે તેલુગુ, કન્નડ અને મલયાલમ ઇન્ડસ્ટ્રી પણ થોડા સમય માટે હડતાળમાં જોડાઈ હતી. એવું તે શું બન્યું કે આખેઆખી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક જ સૂરમાં હમ સાથ સાથ હૈ ગીત ગાવા લાગી હતી? 

સ્ટ્રાઇકને કારણે પરિસ્થિતિમાં શું જમીન-આસમાનનો ફરક પડ્યો ખરો?  ઓર એક સવાલઃ સાઉથમાં જે થવું હોય તે થાય, આપણે એટલે કે હિન્દી અને ગુજરાતી ફિલ્મો સાથે સંબંધ ધરાવનારાઓએ શા માટે એમાં રસ લેવો જોઈએ?

તમિળ ભારતની સૌથી વિકસિત ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીઓમાંની એક છે. રજનીકાંત, કમલ હાસન, મણિરત્નમ, એ.આર. રહેમાન જેવાં મોટાં માથાં તમિળ ઇન્ડસ્ટ્રીના સદસ્યો છે. સમસ્યાનું મુખ્ય કારણ નિર્માતાઓ અને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર્સ વચ્ચે પડી ગયેલી મડાગાંઠ છે. આગળ વધતા પહેલાં આ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર એટલે શું તે સમજી લેવું પડે. 

આ જમાનો ડિજિટલ ટેકનોલોજીનો છે. આજે આપણે ઘરમાં લેપટોપ ખોલીને, પલંગ પર લાંબા થઈને ઇન્ટરનેટ પર ફિલ્મો જોઈએ, ડીવીડી કે પેનડ્રાઇવ ઇન્સર્ટ કરીને ફિલ્મો જોઈએ કે યુટ્યુબ-નેટફ્લિક્સ-એમેઝોન પ્રાઇમ જેવાં માધ્યમો પર ફિલ્મો કે શોઝ જોઈએ આ બધું ડિજિટલ ટેકનોલોજીનો પ્રતાપ છે. આપણે મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન ખાતાં ખાતાં ફિલ્મ જોઈએ છીએ તે પણ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ છે. સિનેમાઘરમાં ફિલ્મ દેખાડવાની પરંપરાગત રીત એટલે પ્રોજેક્ટરમાં કચકડાની ફિલ્મ-પટ્ટી (રીલ) ચડાવીને સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ ઊપસાવવાં. પરંપરાગત પ્રોજેક્ટરો પ્રમાણમાં સસ્તાં હોય, એનું મેન્ટેનન્સ પણ સોંઘું હોય. એની સામે જોકે પ્રિન્ટનો ખર્ચ ખાસ્સો મોટો હોય. પછી ડિજિટલ ટેકનોલોજી આવી. પડદા પર દેખાતાં દશ્યોની ક્વોલિટી તો અફલાતૂન બની જ, પણ તે સિવાય ડિજિટલ ટેકનોલોજીના ઘણા ફાયદા હતા.

નવી ટેકનોલોજી આવી એટલે સ્વાભાવિકપણે જ કચકડાની પટ્ટી અને ખર્રર્રર્ર અવાજ કરતાં પ્રોજેક્ટરો આઉટ-ઓફ-ડેટ થવાં માંડ્યાં. સમયની સાથે ચાલવા માટે થિયેટરના માલિકોએ નવી ટેકનોલોજીને અનુરૂપ મોંઘાદાટ ઉપકરણો વસાવવા પડે. ડિજિટલ ઇક્વિપમેન્ટ્સનું મેન્ટેનન્સ ખર્ચાળ હોય. વળી થોડા થોડા સમયે તે અપડેટ કરાવતા રહેવું પડે. અલબત્ત, પરંપરાગત પ્રિન્ટની તુલનામાં ડિજિટલ પ્રિન્ટ સસ્તી હોય. કચકડાની પરંપરાગત એક પ્રિન્ટ માટે લગભગ 60 હજાર રૂપિયા ખર્ચવા પડતા. તેની સામે એક ડિજિટલ પ્રિન્ટનો સરેરાશ ખર્ચ 15થી 20 હજાર જેટલો થાય. ખેર, પ્રિન્ટ પરંપરાગત હોય કે ડિજિટલ - તેનો ખર્ચ પ્રોડ્યુસરોએ ઉપાડવાનો હોય, પણ ફિલ્મ દેખાડવા માટેનાં ઉપકરણો વસાવવાની જવાબદારી સિનેમાઘરના માલિકોની રહે.  
સિનેમાઘરના માલિકો કહેઃ નવી ડિજિટલ ટેકનોલોજી માટે જરૂરી એવાં મોંઘાદાટ મશીનો વસાવવા માટે જે તોતિંગ ભંડોળ જોઈએ તે અમે ક્યાંથી લાવીએ? વળી, માત્ર મશીનો વસાવી લેવાથી વાત ક્યાં વાત પૂરી થાય છે0 આ ડિજિટલ મશીનો ચલાવતાં અને અપડેટ કરતાં પણ આવડવું જોઈએને! વળી, અમે ડિજિટલ ટેકનોલોજીમાં આવડું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીએ, પણ એનો ફાયદો (ફિલ્મની પ્રિન્ટનો ખર્ચ ઘટીને ત્રીજા-ચોથા ભાગનો થઈ જતો હોવાથી) પ્રોડ્યુસરોને થાય તે કેવું?

ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર (ડીએસપી)ની એન્ટ્રી અહીં થાય છે. આ પ્રોવાઇડરો કહે, ડોન્ટ વરી. ફાયનાન્સની જવાબદારી અમારી. થિયેટરોમાં ડિજિટલ ઉપકરણો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ઊભું કરી આપીશું. નિર્માતાઓને જે ટેક્નિકલ સર્વિસ જોઈએ તે પણ અમે પૂરી પાડીશું. બદલામાં તમારે (પ્રોડ્યુસરોએ અને સિનેમાઘરના માલિકોએ સાથે મળીને) અમને વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી (વીપીએફ) ચૂકવી દેવાની.

આમ જોવા જઈએ તો આ નિર્માતાઓ, થિયેટરઓનરો, ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરો અને દશર્કો બધા માટે વિન-વિન સિચ્યુએશન કહેવાય. નિર્માતાઓનો પ્રિન્ટનો ખર્ચ ખાસ્સો ઘટ્યો અને તેથી તેમના માટે એક સાથે અનેક સ્ક્રીન પર એકસાથે ફિલ્મ રિલીઝ કરવાનું આસાન બન્યું, થિયેટરના માલિકોને અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજી મળી, ઓડિયન્સને ઉત્તમ મૂવી-વોચિંગ એક્સિપિરિયન્સ મળ્યો અને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરને એમની ફી મળી. આ વ્યવસ્થા અમલમાં મૂકાઈ અને છેલ્લાં દસેક વર્ષમાં ધીમે ધીમે કચકડાની પટ્ટીવાળાં પ્રોજેક્ટરોની જગ્યાએ ડિજિટલ ઇક્વિપમેન્ટ્સ ગોઠવાતાં ગયાં. મલ્ટિપ્લેક્સ કલ્ચર અને સિનેમાની ડિજિટલ ટેકનોલોજી બન્નેનો સાથે સાથે વિકાસ થયો.

ક્યુબ, યુએફઓ, સ્ક્રેબલ, રિઅલ ઇમેજ, પીએક્સડી વગેરે ભારતના ફિલ્મોદ્યોગમાં ઓપરેટ કરતા મુખ્ય ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરો છે. (આ નામો આપણે ફિલ્મ શરૂ થાય તેની પહેલાં નંબરીયા પડે એમાં વાંચીએ છીએ.) તમિળ પ્રોડ્યુસરોનો વાંધો આ પ્રોવાઇડરો સામે જ હતો. તમિળનાડુમાં ક્યુબ, યુએફઓ અને પીએક્સડી મુખ્ય ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરો છે. તમિળ પ્રોડ્યુસરોની ફરિયાદ હતી કે આ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરો પોતાની મોનોપોલીનો ગેરલાભ ઉઠાવવા લાગ્યા છે, દાદાગીરી કરવા લાગ્યા છે. ધીમે ધીમે કરતાં તેઓ એટલા પાવરફુલ બની ગયા છે કે અમને (એટલે કે નિર્માતાઓને), થિયેટરના માલિકોને અને લગભગ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાની આંગળીએ નચાવી રહ્યા છે!



નિર્માતાઓની મુખ્ય માંગણી શું હતી? તેમનું કહેવું હતું કે આ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરો અમારી પાસેથી અને થિયેટરના માલિકો પાસેથી સંયુક્તપણે જે વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી વસૂલ કરે છે (સ્ક્રીન દીઠ સરેરાશ 20 હજાર રૂપિયા) તે ભયંકર વધારે છે. આ ફીનું ડિંડવાણું જોઈએ જ નહીં. બીજું, એ પ્રોવાઇડરોએ આ ફિલ્ડમાં એન્ટ્રી કરી ત્યારે એવું કહ્યું હતું કે અમે થિયેટરોમાં ડિજિટલ ટેકનોલોજી માટે જરૂરી હોય તે ઉપકરણો ગોઠવીશું અને એક વાર અમારું ઇન્વેસ્ટમેન્ટ સરભર થઈ જશે એટલે તે મશીનો પર થિયેટરોની માલિકી થઈ જશે. આપણે કાર માટે બેંકમાંથી લોન લઈએ એટલે ટેક્નિકલી કાર પર બેન્કનો અધિકાર રહે, પણ ત્રણ-ચાર વર્ષે લોનના તમામ હપ્તા ભરાઈ જાય એટલે કારની સંપૂર્ણ માલિકી આપણી થઈ જાય, એમ.

ગરબડ કે અસ્પષ્ટતા અહીં જ છે. ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરોએ સામી દલીલ કરી કે આવી કોઈ વાત જ નહોતી. તમે ઉબર કે ઓલાની ટેક્સીમાં બસ્સો વાર મુસાફરી કરો એટલે કંઈ ટેક્સી તમારી ન થઈ જાય. અમે તો ડિજિટલ ઇક્વિપ્મેન્ટ્સ તમને માત્ર વાપરવા માટે આપ્યાં હતાં! એમની બીજી પ્રતિદલીલ એવી છે કે જો તમે આખી ફિલ્મનું બજેટ ધ્યાનમાં લો તો એમાં અમારી વર્ચ્યુઅલ પ્રિન્ટ ફીનો ભાગ ત્રણ ટકા જેટલો માંડ થાય. આવડો અમથો હિસ્સો પ્રોડ્યુસરોને ભારે પડે છે? જો કોસ્ટ-કટિંગ કરવું જ હોય તો તમે હીરો-હિરોઈનને અને સ્ટાર-ડિરેક્ટરોને જે કરોડો રૂપિયાની ફી ચૂકવો છે તેમાં કેમ કાપ મૂકતા નથી? વળી, તામિલનાડુની બહાર ભારતનાં અન્ય રાજ્યોમાં કે વિદેશમાં તમિળ ફિલ્મો રિલીઝ થાય ત્યાં આ લોકોને વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી ચુકવવામાં કશો વાંધો આવતો નથી. એમને માત્ર તામિલનાડુમાં જ વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી પોસાતી નથી. આ કઈ ટાઇપનું લોજિક છે? આજે દુનિયા ડિજિટલ બની રહી છે ત્યારે આ નિર્માતાઓ ઊંધાં પગલાં ભરીને પાછા જૂનવાણી એનેલોગ યુગમાં જવા માગે છે? ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરોનો એક તર્ક એવો પણ હતો કે નિર્માતાઓ લોકો ખરેખર તો ડિજિટલ સર્વિસ પૂરી પાડનારા નવા ખેલાડીઓને ઘૂસાડવા માગે છે એટલે આ બધાં નાટક કરે છે?

સામસામા બેસીને ખૂબ ચર્ચાઓ થઈ. ગરમાગરમી થઈ, પણ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરો ન માન્યા તે ન જ માન્યા. અગાઉ નોંધ્યું તેમ, પહેલી માર્ચથી તામિલનાડુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટ્રાઇક શરૂ થઈ  ને પછી અન્ય સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઓએ પોતાનો સર્પોટ જાહેર કર્યો. તમિળનાડુ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલે (ટીએફપીસી) અન્ય મુદ્દાઓ પણ સામેલ કરી દીધા હતા. જેમ કે, થિયેટરના માલિકોએ ટિકિટોના દર ઓછા અને ફ્લેક્સિબલ કરવા, ઓનલાઇન બુકિંગ ઘટાડવું, અમુક સિંગલ સ્ક્રીન થિયેટરવાળા ખૂબ ગોબાચારી કરતા હોવાથી તમામ કામકાજ કમ્પ્યુટર પર જ કરવું, વગેરે. 

દિવસો વીત્યા, અઠવાડિયાં વીત્યા, મહિનો પસાર થઈ ગયો. અરે, 14 એપ્રિલે તામિલનાડુનું નવું વર્ષ પણ પસાર થઈ ગયું. 45 નવી તમિળ ફિલ્મો રિલીઝ માટે કતારમાં ખડી હતી, પણ થિયેટરોમાં માત્ર જૂની ફિલ્મો અને તમિળ સિવાયની ભાષાઓની ફિલ્મો ચાલતી રહી. તમિળ નવા વર્ષની આસપાસ કોઈ નવી ફિલ્મ રિલીઝ ન થાય એવું તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં પહેલી વાર બન્યું.  શટ-ડાઉનને કારણે તમિળ ઇન્ડસ્ટ્રીને રોજના છ કરોડ રૂપિયાનું નુક્સાન થતું હતું. કેટલાય લોકો કામકાજ વગર નવરા બેઠા હતા. આખરે સરકારે આ મામલામાં ઝંપલાવવું પડ્યું.  

મિટીંગોના કંઈકેટલાય દોર પછી સર્વસહમતીથી એવું નક્કી કરવામાં આવ્યું કે ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરોને ચુકવવી પડતી વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી, ફિલ્મના લાઇફટાઇમ રન માટે, 20 હજારથી ઘટાડીને 10 હજાર કરવી. આ ઉપરાંત, બોક્સઓફિસ પર સંપૂર્ણપણે પારદર્શિતા જાળવવી, ટિકિટનું વેચાણ કમ્પ્યુટર દ્વારા જ કરવું, ટિકિટના ભાવ ફ્લેક્સિબલ રાખવા અને ઓનલાઇન બુકિંગના ચાર્જિસ ઓછા કરવા. સ્ટ્રાઇકનો અંત આવ્યો અને 20 એપ્રિલથી નવી તમિળ ફિલ્મો રિલીઝ થવી શરૂ થઈ. શૂટિંગ, પોસ્ટ-પ્રોડક્શન, પ્રમોશન વગેરે પણ પુનઃ શરૂ થયાં.

સ્ટ્રાઇક પૂરી થઈ એટલે 48 દિવસના ફિલ્મી ઉપવાસ પછી તમિળ પ્રજા ભૂખી ડાંસ થઈને થિયેટરોમાં ઉમટી પડી હશે, ખરું? ના, એવું ન થયું. સ્ટ્રાઇકની સમાપ્તિ પછી થિયેટરોમાં ફૂટ-ફોલ્સ એટલું સાધારણ છે કે નિર્માતાઓ નવેસરથી ટેન્શનમાં આવી ગયા છે. આવું કેમ બન્યું? લોકો ફિલ્મો મિસ કરવાને બદલે અન્ય માધ્યમો તરફ વળી ગયા કે શું? સ્ટ્રાઇકને કારણે સરવાળે તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ભલું થયું કે નહીં? આનો પાક્કો જવાબ મળતા છ મહિના લાગી જશે. સરકાર પણ આટલા સમયગાળામાં નવાં ધારાધોરણો ઘડી કાઢશે.

કલ્પના કરો. તમિળ જેવી અત્યંત વિકસિત અને સધ્ધર ઇન્ડસ્ટ્રીને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરોની કે અન્ય કોઈ પણ પ્રકારની મોનોપોલી યા તો પોલિટિક્સ પાટા પરથી નીચે ઉતારી શકતી હોય, તો હજુ તો ઊગીને ઊભી થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તો કેટલું બધું સંભાળવું પડે!  


0 0 0

Thursday, May 24, 2018

વિનોદ ભટ્ટ: ચાલો, હવે મને નિરાંત થઈ!




ઠ વર્ષ પહેલાં ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણીનો ફોન આવ્યો, વિનોદ ભટ્ટ હવે વાંચવા જેવું કોલમમાંથી રિટાયર થવા માગે છે. તમે ટેક-ઓવર કરશો?’

જલસો પડી જાય અને સાથે સાથે ડરી જવાય એવો આ પ્રસ્તાવ હતો. વાંચવા જેવુંચિત્રલેખાની બુક-રિવ્યુ કોલમ છે, જે દર બીજા અંકમાં પ્રગટ થાય છે. દરેક વખતે એક નવા ગુજરાતી પુસ્તક વિશે આખું પાનું ભરીને વાત કરવાની. વિનોદ ભટ્ટે આ કોલમ મસ્ત જમાવી હતી. ઇન ફેક્ટ, ચિત્રલેખાએ કરાવેલા એક સર્વેમાં ચિત્રલેખાના સૌથી પોપ્યુલર વિભાગ તરીકે વાંચવા જેવું કોલમનું નામ આવ્યું હતું. ઇવન આપણા ગુજરાતી પ્રકાશકોનો એવો ફીડબેક હતો કે વિનોદભાઈ ચિત્રલેખામાં જે પુસ્તક વિશે લખે છે એના વેચાણમાં ફરક પડી જાય છે.

ભરતભાઈનો પ્રસ્તાવ સાંભળીને જલસો એટલા માટે પડ્યો કે મારા જેવા એક પુસ્તકપ્રેમી માટે પુસ્તક વાંચીને એના વિશે લખવા કરતાં વધારે મોટો આનંદ બીજો કયો હોવાનો! અને ડર એટલા માટે કે વિનોદ ભટ્ટ જેવા સુપર સિનિયર, સુપર સેલિબ્રેટેડ અને સુપર પોપ્યુલર લેખક, કે જેના આપણે સુપર ચાહક હોઈએ અને જેમને નાનપણથી વાંચતા આવ્યા હોઈએ એના સીધા ઉત્તરાધિકારી બનવાનું હતું! વિનોદ ભટ્ટે કાળજીપૂર્વક ઉછેરેલી આવી સફળ કોલમ ટેક-ઓવર કરવી એટલે કેટલું મોટું જવાબદારીભર્યું કામ.

પણ અફ કોર્સ, મારો જવાબ હતોઃ યેસ! હું વાંચવા જેવું કોલમ ચોક્કસ લખીશ!

અને કોલમ શરૂ થઈ. 22 ફેબ્રુઆરી 2010 તારીખના અંકમાં પહેલો લેખ છપાયો. તેનો વિષય હતો, તારક મહેતા અને એમનાં લખાણોના આધારે તૈયાર થયેલી ફોટો-બુક, એવરગ્રીન. આ અફલાતૂન પુસ્તકના સંપાદક પણ સંજય વૈદ્ય અને પુસ્તકમાં તારક મહેતાની જુદી જુદી મુદ્રાઓની જે બહેતરીન તસવીરો હતી એ ક્લિક કરનારા પણ સંજય વૈદ્ય. વાંચવા જેવુંની નવી સિઝન શરૂ કરવા માટે આના કરતાં બહેતર પુસ્તક બીજું કયું હોવાનું.

અંક છપાયા પછી વિનોદ ભટ્ટનો ફોન આવ્યો. એમણે કહ્યુઃ  તમે પુસ્તકને બરાબર ન્યાય આપ્યો છે. મને સૌથી વધારે મજા એ વાતની આવી કે તમે મારી નકલ કરવાની કોશિશ નથી કરી. તમે તમારી ઓરિજિનાલિટી જાળવીને તમારી શૈલીમાં કોલમ લખી છે. ચાલો, હવે મને નિરાંત થઈ!’

આ સાંભળીને બંદા તો હવામાં! એવું લાગ્યું કે પરીક્ષા ભલે અઘરી હતી, પણ આપણે મસ્ત માર્ક્સ સાથે પાસ થઈ ગયા. સ્વયં વિનોદ ભટ્ટનું અપ્રુવલ મળી ગયું... ઔર ક્યા ચાહિએ? એમનું આ મોંઘેરું અપ્રુવલ પછી તો અવારનવાર મળતું રહ્યું.  

વિનોદ ભટ્ટ સાથે અગાઉ ક્યારેય સંપર્કમાં આવવાનો મોકો મળ્યો નહોતો. વાંચવા જેવું કોલમને લીધે મને એમના સીધા સંપર્કમાં રહેવાનું સરસ માધ્યમ મળ્યું. વાંચવા જેવું કોલમ માટે વિનોદ ભટ્ટ અને ભરતભાઈએ જે ધારાધોરણો નક્કી કર્યાં હતાં તે મેં સ્વીકાર્યાં છે, કેમ કે તે એકદમ પરફેક્ટ છે. વાંચવા જેવું એ કંઈ એકેડેમિક વિવેચનની કોલમ નથી. હું વિવેચક છું પણ નહીં. આ કોલમમાં જે પુસ્તક વાંચવાની ખુદને મજા આવી હોય તે મજા અને ઉમળકો વાચકો સાથે શેર કરવાનો ઉપક્રમ હોય છે. બેઝિકલી, આમાં ગમતાને ગુલાલ કરવાનો આશય હોય છે. એવું પુસ્તક જ પસંદ કરવાનું જે ગમ્યું હોય. જો પુસ્તક ન ગમે તો એના વિશે લખવાનું જ નહીં.

લોકોનો ફીડબેક હંમેશા એવો મળ્યો છે કે પુસ્તકસમીક્ષાના વિભાગ તો બીજાં ઘણાં ગુજરાતી અખબારો-સામયિકો ચલાવે છે, પણ આ બધા કરતાં ચિત્રલેખાની વાંચવા જેવું કોલમ અલગ પડે છે. વાચકોને આવું લાગવાનું કારણ એ છે કે અહીં આખેઆખી કોલમ કોઈ એક જ પુસ્તક માટે ફાળવવામાં આવે છે, બે-ચાર-અડધો ડઝન પુસ્તકો માટે નહીં. જગ્યાની મોકળાશ હોવાથી પુસ્તક વિશે નિરાંતે, માંડીને વાત થઈ શકે છે. એના કરતાંય વધારે મહત્ત્વની વાત એ છે કે કોલમ લખતા પહેલાં પુસ્તકમાંથી રીતસર પસાર થવામાં આવે છે. માત્ર પ્રસ્તાવના વાંચીને કે બેકકવર પર લખાયેલી માહિતીના આધારે લેખ ઘસડી નાખવામાં આવતો નથી. આને કારણે વાંચનારને જે-તે પુસ્તકના મિજાજની, એના કોન્ટેન્ટના ટેક્સચરની અને પુસ્તકની ઓવરઓલ અપીલની નક્કર ઝલક મળે છે.

ગુજરાતી ભાષાના તમામ પ્રમુખ પ્રકાશકો તરફથી પુસ્તકોના થપ્પેથપ્પા ચિત્રલેખાની ઓફિસે એકધારા આવતા રહે છે. એમાંથી પહેલી નજરે જ રિજેક્ટ કરવા જેવા લાગે એ પુસ્તકો ભરતભાઈ બાજુ પર મૂકી દે અને સંકોચાયેલા થપ્પા મારા ઘરે મોકલી આપે. એ થપ્પાઓમાંથી પછી કોલમ માટે યોગ્ય હોય એવાં પુસ્તકો સિલેક્ટ કરી, તેમાંથી ધ્યાનપૂર્વક પસાર થઈ, એકાંતરે અઠવાડિયે કોલમ લખવાની.

આ આઠ વર્ષમાં વિનોદ ભટ્ટનાં કેટલાંક પુસ્તકો વિશે પણ વાંચવા જેવું કોલમમાં લખ્યું છે. એમનાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહાર પડેલાં પુસ્તકો વિશે મારી કાયમ ફરિયાદ રહેતી કે કોન્ટેન્ટ આટલું ફાંકડું હોવા છતાં મુખપૃષ્ઠ કેમ કાયમ એકસરખું ને ડલ રાખો છો? વિનોદ ભટ્ટ કહેતાઃ રમૂજ-વ્યંગના પુસ્તકનું મુખપૃષ્ઠ પણ રમૂજી હોવું જરૂરી નથી!  વિનોદભાઈનો ફોન ધારો કે દસેક મિનિટ ચાલે તો તે દરમિયાન આપણે કમસે કમ પાંચ-સાત વાર તો સોલિડ મોટેથી હસ્યા જ હોઈએ. હું બક્ષીબાબુનો અઠંગ ચાહક એની એમને ખબર એટલે બક્ષીની કોઈક રમૂજી વાત તેઓ અચૂક કરે. તેઓ ખરેખર કુદરતી, ગિફ્ટેડ અને નખશિખ હ્યુમરિસ્ટ હતા. ફોન પૂરો થાય પછી આપણને સવાલ થાય કે સાલું, છેલ્લે આટલા મોટેથી, આટલા દિલથી અને આટલા ખૂલીને ક્યારે હસ્યા હતા?

વિનોદભાઈ, જ્યારે જ્યારે ચિત્રલેખાની ઓફિસેથી પુસ્તકોના થપ્પા આવશે ત્યારે તમે બહુ યાદ આવશો.  વાંચવા જેવું માટે પુસ્તક વાંચતી વખતે, તેનાં પાનાં પર પેન્સિલથી લીટા કરીને કે રંગીન પટ્ટીઓ ચોંટાડીને નિશાની કરતી વખતે કે પાનાંના ખૂણા વાળતી વખતે તમને ખૂબ મિસ કરીશ.

જ્યાં હો ત્યાં હસતા રહેજો અને હસાવતા રહેજો...



 0 0 0 

Wednesday, May 23, 2018

એક કોફી, પ્લીઝ!

સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 23 મે 2018 
ટેક ઓફ    
બાર વર્ષની ઉંમરે છાપાં નાખવાનું કામ કરતા છોકરાનું ભવિષ્ય કેવું હોય? માની લો કે બાપની માફક એ સાવ ગરીબ ન રહે તોય બહુ બહુ તો એ કેટલી મોટી છલાંગ લગાવી શકે? એ કયું તત્ત્વ છે જેના જોરે અમુક માણસો પોતાના તદ્દન દરિદ્ર બેકગ્રાઉન્ડને તોડીફોડીને અચંબિત થઈ જવાય એટલી પ્રગતિ કરી લેતા હોય છે?




ક ગરીબ પરિવારનો છોકરો છે, શહેરના સાવ દરિદ્ર અને પછાત વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પિતાજી ટ્રક ડ્રાઇવર છે. મા-બાપ બન્ને ખૂબ મહેનત-મજૂરી કરે કે જેથી સંતાનોને ભણાવીગણાવી શકાય. છોકરો જુએ કે મારા પપ્પા સારી નોકરી શોધવા માટે ખૂબ કોશિશ કરે છે, પણ ક્યાંય મેળ પડતો નથી. એક વાર પિતાજીનો કોઈક કારણસર પગ ભાંગી ગયો. મેડિકલ ઇન્શ્યોરન્સ જેવું તો કંઈ હતું નહીં. સારવારમાં એટલો બધો ખર્ચ થયો કે ગરીબ પરિવાર વધારે ગરીબ થઈ ગયો. પિતાજીના આત્મસન્માન અને ગરિમા પર વારંવાર ઘા પડતા હતા. છોકરાને બહુ સમજાય નહીં, પણ એને એટલી ખબર જરૂર પડે કે મારા પપ્પા દુખી છે અને કાયમ ઉદાસ રહે છે.

ઘરની આર્થિક હાલત થોડીક સુધરે તે માટે છોકરાએ બાર વર્ષની ઉંમરે છાપાં નાખવાનું કામ શરૂ કર્યું. સાંજે નજીકની રેસ્ટોરાંમાં કામ કરે. સત્તર-અઢાર વર્ષનો થયો ત્યાં સુધીમાં એણે ખૂબ મજૂરી કરી. શું હોઈ શકે આવા બેકગ્રાઉન્ડ ઘરાવતા છોકરાનું ભવિષ્ય? માની લો કે બાપની માફક એ સાવ ગરીબ ન રહે પણ તોય બહુ બહુ તો કેટલી મોટી છલાંગ લગાવી શકે?  

જવાબ જાણવા માટે સમયચક્રને થોડાંક વર્ષ આગળ ઘુમાવો. છોકરો હવે જુવાન થઈ ગયો છે અને એ કોફી પિરસતી રેસ્ટોરાં ચલાવે છે. સમયચક્રને હજુય આગળ ઘુમાવીને વર્તમાનમાં લઈ આવો. એ છોકરાની ગણના આજે અમેરિકાના સેલિબ્રિટી અબજોપતિઓમાં થાય છે. એની પેલી કોફી પિરસતી દુકાન ઇન્ટરનેશનલ ચેઇન બની ગઈ છે. દુનિયાભરના દેશોમાં એના 27 હજાર કરતાંય વધારે આઉટલેટ્સ છે. વિશ્વની સૌથી ધનિક કંપનીઓના ફોર્ચ્યુન ફાઇવ-હન્ડ્રેડ લિસ્ટમાં તેનું નામ મૂકાય છે. મલ્ટિ-બિલિયોનેર બની ગયેલા એ છોકરાનું નામ છે હાવર્ડ શુલ્ટ્ઝ અને કોફી પિરસતી એની રેસ્ટોરાં ચેઇનનું નામ છે, સ્ટારબક્સ!

આપણામાંથી જે લોકો મહાનગરોમાં વસતા હશે અને ખાવાપીવાના શોખીન હશે એમણે ક્યારેક તો સ્ટારબક્સમાં જઈને, ત્યાંના મસ્તમજાના માહોલમાં કોફી પીતાં પીતાં દોસ્તો કે પરિવાર સાથે નિરાંતે ગપશપ જરૂર કરી હશે. સ્ટારબક્સની કોફી મોંઘીદાટ હોય છે કે એના કરતાં તો ફલાણી જગ્યાએ સસ્તી કોફી સર્વ કરે છે ને એવી બધી પળોજણમાં આપણે અત્યારે પડવું નથી. આપણને એ જાણવામાં રસ છે કે સાવ ગરીબ ઘરના પેલા છોકરામાં એવું તે શું હતું અથવા એવું તો એણે શું કર્યુ કે એ આવી હાઇ-પ્રોફાઇલ ઇન્ટરનેશનલ બ્રાન્ડનો સર્વેસર્વા બની ગયો!

ન્યુ યોર્કમાં જન્મેલા ને મોટા થયેલા હાવર્ડ શુલ્ટ્ઝ નાનપણથી સ્પોર્ટ્સ હોશિયાર હતા. ભણતરમાં કદાચ ગરીબાઈ અવરોધરૂપ બની શકી હોત, પણ સ્પોર્ટ્સના જોરે એમને મિશિગન યુનિવર્સિટીમાં સ્કોલરશિપ મળી  ને તેઓ કમ્યુનિકેશનમાં બેચલર ડિગ્રી મેળવી શક્યા.  કોલેજ પછી તેઓ પહેલાં ઝેરોક્સ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે જોડાયા અને ત્યાર બાદ હોમ અપ્લાયન્સ વેચતી લોકલ કંપનીમાં કામ કરવા લાગ્યા. એમણે જોયું કે સીએટલ શહેરમાં સ્ટારબક્સ નામની કોઈક ટચૂકડી કંપની છે જે કોફી બનાવતાં મશીનો બીજી દુકાનો કરતાં વધારે ખરીદે છે. (યાદ રહે, હાવર્ડ શુલ્ટ્ઝ સ્ટારબક્સના સંસ્થાપક નથી.) હાવર્ડ એકવાર પર્સનલી સ્ટારબક્સના માલિકોને મળવા સીએટલ ગયા. સ્ટારબક્સનાં તે વખતે સીએટલમાં એક કરતાં વધારે આઉટલેટ્સ હતાં. એના માલિકો ગ્રાહકોને કોફી શી રીતે બનાવવી તે પણ ભારે હોંશથી શીખવતા. હાવર્ડ આ કોફીના પ્રેમમાં પડી ગયા. એમને આ જગ્યાએ બહુ ગમી. તેમણે મનોમન પોતાની જાતને કહ્યુઃ વાઉ! આ કોફીનો બિઝનેસ તો કમાલનો છે. સીઅટેલ શહેર પણ મસ્ત છે. આઇ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધિસ!
Howard Schultz - CEO and Chairman, Starbucks


એ વખતે હાવર્ડ 29 વર્ષના હતા. તેમની ઇચ્છા એટલી બળવત્તર હતી કે તેઓ સ્ટારબક્સના તે વખતના માલિકોની રીતસર પાછળ પડી ગયા. ફોન પર ફોન કર્યા જ કરે અને રીતસર આજીજી કરીઃ મને તમે ગમે તેમ કરીને સ્ટારબક્સમાં નોકરીએ રાખી જ લો! એક માલિકે એક વાર આખરે કંટાળીને કહી દીધું કે સારું ચાલ, આવી જા, પણ તને અત્યારે જે પગાર મળે છે એના કરતાં અમે અડધી જ સેલરી આપીશું. બોલ, છે મંજૂર? હાવર્ડે એક સેકન્ડનો વિચાર કર્યા વગર કહ્યુઃ મંજૂર છે. ડન!

1982માં હાવર્ડ શુલ્ટ્ઝ સ્ટારબક્સમાં જોડાઈને માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરવા લાગ્યા. પછીને વર્ષે તેઓ ઇટલી ગયા ને ત્યાંથી લાતે અને કાપુચીનો કોફીની રેસિપી શીખતા આવ્યા. એમને ઇટાલિયન કોફી શોપ્સનો કોન્સેપ્ટ બહુ ગમ્યો. એમણે જોયું કે લોકો અહીં ફક્ત કોફી પીવા નહીં, પણ એકબીજા સાથે સમય પસાર કરવા, આનંદ કરવા, મિટીંગ કરવા આવે છે. હાવર્ડને થયું કે આ કોન્સેપ્ટ સ્ટારબક્સમાં કેમ દાખલ કરી ન  શકાય?  એમણે જઈને માલિકોને વાત કરી. માલિકો જૂનવાણી વિચારના હતા. એમણે ચોખ્ખી ના પાડી દીધીઃ જે છે તે બરાબર છે. સ્ટારબક્સને મિટીંગ-પ્લેસ બનાવવાનાં નખરાં આપણને ન પોસાય. તું તારા કામમાં ધ્યાન આપ.    

હાવર્ડને પોતાના આઇડિયામાં ભરપૂર કોન્ફિડન્સ હતો. તેઓ આ કોન્સેપ્ટને કોઈ પણ ભોગે અમલ કરવા માગતા હતા. એમણે સ્ટારબક્સના માલિકા સામે રાજીનામું ધરી દીધું. પછી મૂડી એકઠી કરી ને એપ્રિલ 1986માં, એટલે કે સ્ટારબક્સમાં ચાર વર્ષ કામ કર્યા પછી, સીએટલમાં જ પોતાની સ્વતંત્ર કોફી શોપ ખોલી. હાવર્ડ શુલ્ટ્ઝના શરીરમાં આમેય યહૂદી લોહી વહેતું હતું. બિઝનેસ-માઇન્ડેડ યહૂદીઓને સાધારણ નોકરી કરવાનું માફક ન આવે! પોતાની કોફી શોપનું હાવર્ડે ઇટાલિયન નામ રાખ્યુઃ ઇલ જોરનાલે. ઇલ જોરનાલે એટલે ન્યુઝપેપર!   


હાવર્ડની આ નવી કોફી શોપ પહેલાં જ દિવસથી હિટ થઈ ગઈ. જોતજોતામાં આખા શહેરમાં પોપ્યુલર બની ગઈ. કોફી શોપ ખોલ્યે હજુ વર્ષ માંડ થયું હશે ત્યાં હાવર્ડને સમાચાર મળ્યા કે સ્ટારબક્સના એના જૂના માલિકોથી કામકાજ મેનેજ થતું ન હોવાથી તેમણે સ્ટારબક્સ વેચવા કાઢી છે. હાવર્ડ આ મોકો છોડે? તાબડતોબ લોન માટે તેઓ બેન્કોમાં ફરી વળ્યા, પૈસા ધીરનાર ક્રેડિટર્સને સમજાવ્યા (જેમાંના એક ક્રેડિટર માઇક્રોસોફ્ટવાળા બિલ ગેટ્સ પણ હતા) અને ગમે તેમ કરીને ચાર મિલિયન ડોલરનો મેળ પાડ્યો. આ રીતે હાવર્ડ શુલ્ટ્ઝ સ્ટારબક્સના તે વખતે જે કોઈ થોડાંઘણાં આઉટલેટ્સ હતા તે, રોસ્ટિંગ ફેક્ટરી અને બ્રાન્ડનેમ આ તમામના એકમેવ માલિક બન્યા. એ વખતે એમની ઉંમર હતી, 33 વર્ષ.

પોતાના આઇડિયાઝનો અમલ કરતા અટકાવવાવાળું હવે કોઈ નહોતું. હાવર્ડ પાછા ઇટલી ગયા. ત્યાંના લોકલ કોફી શોપ્સમાં કાઉન્ટર પર ઊભેલો માણસ (ઇટાલિયન ભાષામાં એને બરિસ્તા કહે છે) ગ્રાહકો સાથે હસીમજાક કરતાં કરતાં, જાણે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતો હોય તેમ ભારે સ્ટાઈલથી કોફી બનાવીને સર્વ કરતા. આ બધું હાવર્ડે વિડીયો કેમેરાથી શૂટ કરી લીધું. કેટલાય ફોટા પાડ્યા. આ બધું મટીરિયલ એકઠું કરીને તેઓ પાછા અમેરિકા આવ્યા. સ્ટાફ માટે ખાસ પ્રેક્ટિકલ ટ્રેનિંગના ક્લાસ ગોઠવ્યા. હાવર્ડે કહ્યુઃ આપણે આ ઇટાલિયન બરિસ્તાઓની સીધી નકલ કરવાની નથી, પણ માત્ર એમનો અપ્રોચ અને ટેક્નિક સમજવાનાં છે. આપણે આપણા અમેરિકન ગ્રાહકોની તાસીર અને લાઇફસ્ટાઇલ અનુસાર આ બધું કઈ રીતે અમલમાં મૂકી શકાય તે શોધી કાઢવાનું છે. ટૂંકમાં, આપણે સ્ટારબક્સને એક જીવંત, રમતિયાળ અને લોકોને વારે વારે આવવાનું મન થાય એવી જગ્યા બનાવવાની છે!

હાવર્ડે આપેલી આ પ્રેક્ટિકલ ટ્રેનિંગ સ્ટારબક્સ માટે પાયાના પથ્થર જેવી સાબિત થઈ. સ્ટારબક્સને ટેકઓવર કર્યા પછી પહેલાં જ વર્ષે હાવર્ડે શિકાગો અને વાનકુવર (કેનેડા)માં નવાં આઉટલેટ્સ ખોલ્યાં. તે સાથે સ્ટારબક્સના કુલ આઉટલેટ્સની સંખ્યા 17 પર પહોંચી. હાવર્ડે પોતાને પૈસા ધીરનારા ક્રેડિટર્સને વચન આપ્યુઃ પાંચ વર્ષમાં હું સ્ટારબક્સની બ્રાન્ચનો આંકડો સત્તર પરથી સવાસો પર પહોંચાડી દઈશ!

હાવર્ડ એક વાતે બિલકુલ સ્પષ્ટ હતાઃ સ્ટારબક્સમાં હું કોઈ કસ્ટમરને સિગારેટ પીવા નહીં દઉં. 'નો સ્મોકિંગ' સૂત્રનું પાલન સખ્તાઈથી કરવામાં થશે. ખાટલે મોટી ખોડ એ હતી કે અમેરિકામાં તે વખતે રેસ્ટોરાં જેવી જાહેર જગ્યાએ ધૂમ્રપાનની મનાઈ હોઈ શકે એવું વિચારી પણ શકાતું નહોતું. હાવર્ડ સાથે કામ કરતા સાથીઓએ વિરોધ નોંધાવ્યોઃ સર, જો આપણે સ્મોકિંગ કરવાની મનાઈ કરીશું તો જેમને ફૂંક્યા વગર ચાલતું નથી એવા લોકો આપણે ત્યાં બિલકુલ નહીં આવે. એમને સ્ટારબક્સની કોફી વગર ચાલશે, સિગારેટ વગર નહીં ચાલે. અમેરિકામાં સ્મોકર્સનો આંકડો તોતિંગ છે. આ રીતે તો આપણું બહુ નુક્સાન થઈ જશે. હાવર્ડે ઠંડકથી કહ્યુઃ નો મીન્સ નો.  

પછી શું થયું? 'નો સ્મોકિંગ' સૂત્રનો અમલ થઈ શક્યો ખરો? કે પછી, સૂત્રને ન છૂટકે પડતું મૂકવું પડ્યું? અને હાવર્ડે મોટા ઉપાડે સત્તર બ્રાન્ચમાંથી સવાસો બ્રાન્ચ ખોલવાની જે શેખી કરેલી તે સાચી પડી કે ખોટી? શું સ્ટારબક્સની કથામાં બધું સુષ્ઠુ સુષ્ઠુ જ છે? હાવર્ડે ક્યારેય પડતી જોઈ જ ન હોય એવું કેવી રીતે બને?

આ બધા સવાલના જવાબ આવતા બુધવારે.

 0 0 0 

Monday, May 21, 2018

ખૂન કરવાની કળા!


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 20 મે 2018

મલ્ટિપ્લેક્સ                   

એક અતિબુદ્ધિશાળી સિરીયલ કિલર છે, જે લોકોનો જીવ ખેંચી લેવાની અમાનવીય હરકતને એક કળા તરીકે જુએ છે! આવો અળવીતરો આઇડિયા લાર્સ વન ટ્રિઆ જેવા અતરંગી ફિલમમેકરના ભેજામાં જ પેદા થઈ શકે! કાન ફિલ્મ ફેસ્ટિવલની કેટલીય ફિલ્મો હવે આગામી ઓસ્કર સિઝન સુધી તરંગો પેદા કરતી રહેવાની.
The House That Jack Built


રૂઆત એક ગુડ ન્યુઝથી કરીએ. આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જેનું પ્રિમીયર યોજાયું એ નંદિતા દાસે ડિરેક્ટ કરેલી અને નવાઝુદ્દિન સિદ્દીકીની મુખ્ય ભુમિકાવાળી 'મન્ટો' ફિલ્મના સુંદર રિવ્યુઝ આવ્યા છે. વિવાદાસ્પદ ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મન્ટોના જીવન પર આધારિત આ ફિલ્મની રાહ જોવાની મજા આવશે. બીજા ગુડ ન્યુઝ એ છે કે કાન ફિલ્મોત્સવમાં (જે 8 મેએ શરૂ થયો હતો અને શનિવારે, 19 મેએ પૂરો થયો) આપણે ગયા અઠવાડિયે વાત કરી એના કરતાં વધારે સંખ્યામાં ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું હતું. આ એક રુટિન સમસ્યા છે કે કાન ફિલ્મોત્સવમાં ભારતથી એક્ઝેક્ટલી કેટલી અને કઈ કઈ ફિલ્મો જઈ રહી છે એની પૂરેપૂરી માહિતી છેક સુધી ઉપલબ્ધ બનતી નથી. ધીમે ધીમે ફેસ્ટિવલ આગળ વધતો જાય તેમ તેમ ભારતીય ફિલ્મોનાં નવાં નવાં નામ સપાટી પર આવતાં જાય ને આપણને થાય કે અચ્છા, આ ફિલ્મ પણ કાન ગઈ છે.



જેનો ઉલ્લેખ કરવાનો બાકી હતો એ ઇન્ડિયન ફિલ્મો કઈ છે? એક છે, 'ટી ફોર તાજમહલ'. એના ડિરેક્ટર છે, કિરીટ ખુરાના. એમની પાંચ-પાંચ શોર્ટ ફિલ્મોને નેશનલ અવોર્ડ મળી ચુક્યો છે. ભારતની પહેલી લાઇવ-એક્શન થ્રીડી એનિમેશન ફિલ્મ તરીકે જેને પ્રમોટ કરવામાં આવી હતી તે ફ્લોપ 'ટૂનપુર કા સુપરહીરો' (અજય દેવગણ, કાજોલ)નું ડિરેક્શન પણ એમણે કર્યું હતું. 'ટી ફોર તાજમહલ' ફિલ્મમાં એક એવા અભણ ગામડિયાની વાત છે, જે અનોખી રીતે પોતાના ગામમાં સાક્ષરતા અભિયાન ચલાવે છે. બીજી ફિલ્મ હતી, 'ધ તાશ્કંદ ફાઇલ્સ'. એના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી છે. ફિલ્મનો વિષય ઇન્ટરેસ્ટિંગ છે. સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીનું મોત કુદરતી હતું કે એમની હત્યા થયેલી તે મામલાની છાનબીન કરવાની કોશિશ 'ધ તાશ્કંદ ફાઇલ્સ'માં થઈ છે. કલાકારો? નસીરુદ્દીન શાહ અને મિથુન ચક્રવર્તી. વોટ અ કોમ્બિનેશન!  

આ ઉપરાંત નેશનલ અવોર્ડ જીતી ચુકેલી અને પ્રાદેશિક ભાષામાં બનેલી ચાર ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. 'વિલેજ રોકસ્ટાર' (ડિરેક્ટર રિમા દાસ)માં આસામના એક અંતરિયાળ ગામડાની એવી નાનકડી છોકરીની વાત છે, જે ગિટાર પ્લેયર બનવાનાં સપનાં જુએ છે. ગિટાર હાથે ચડે પછી એ પોતાના ગામમાં મ્યુઝિકલ બેન્ડ શરૂ કરવા માગે છે! મલયાલમ ફિલ્મમેકર જયરાજે બનાવેલી 'ભયંકરમ્' ત્રણ-ત્રણ નેશનલ અવોર્ડ જીતી ચુકી છે. જ્ઞાનપીઠ અવોર્ડવિજેતા મલયાલી લેખક થાકઝી શિવશંકર પિલ્લાઇ (નામના ઉચ્ચારણમાં ભૂલચુક લેવીદેવી) લિખિત નવલકથા 'કયાર'ના એક પ્રકરણ પર આ ફિલ્મ આધારિત છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ ઇન્ડિયન આર્મીમાં ભરતી થયેલા યુવાનોની એમાં વાત છે. 'સિંજર' નામની ફિલ્મ જેસરી ભાષામાં બની છે. જેસરી એ લક્ષદ્વીપમાં વપરાતી અને મલયાલમમાંથી ઉતરી આવેલી એક બોલી છે. આમાં  ઇરાનમાં ઘરકામ કરતી બે સ્ત્રીઓ શી રીતે આઇએસઆઇએસના ચુંગાલમાંથી બચીને નાસી જાય છે એની કહાણી છે. ડિરેક્ટર, સંદીપ પેમ્પલી. ચોથી ફિલ્મનું ટાઇટલ છે, 'નગર કિર્તન'. આ બંગાળી ફિલ્મ છે, કૌશિક ગાંગુલી નામના ડિરેક્ટરે તે બનાવી છે. આ ફિલ્મની કથા એક વાંસળીવાદક અને એક ટ્રાન્સજેન્ડરની આસપાસ ઘુમરાય છે. 

ઊભા રહો, હજુ બે ઇન્ડિયન ફિલ્મોની વાત બાકી છે. એક છે, અનીક ચૌધરીની બંગાળી ફિલ્મ 'વ્હાઇટ', જે સાયલન્ટ મૂવી છે! એમાં બળાત્કારનો ભોગ બનેલી ત્રણ સ્ત્રીઓની કહાણી છે. મનોજ બાજપાઈએ પણ આ વખતે કાન ફિલ્મોત્સવમાં હાજરી આપેલી, પોતાની આગામી ફિલ્મ 'ભોંસલે'ને પ્રમોટ કરવા. દેવાશિષ મખીજાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં એક એવા એકલવાયા હવાલદારની વાત છે જે રિટાયર થઈ ગયા પછી પણ નોકરી ચાલુ રાખવા માગે છે.

ફાઇન. હવે આ વખતની કેટલીક હોટ-એન્ડ-હેપનિંગ વિદેશી ફિલ્મો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ.

એવરીબડી નોઝઃ 

કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ અને ક્લોઝિંગ ફિલ્મનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વખતના કાન ફિલ્મોત્સવનો શુભારંભ 'એવરીબડી નોઝ'થી થયો. આ ફિલ્મના ઇરાનીઅન ડિરેક્ટર અસગર ફરહદીની અવોર્ડવિનિંગ ફિલ્મ 'ધ સેલ્સમેન' વિશે આપણે ભૂતકાળમાં વિગતવાર કરી ચુક્યા છીએ ('મલ્ટિપ્લેક્સ', 9 એપ્રિલ 2017). 'એવરીબડી નોઝ'માં નાયિકા (પેનેલોપી ક્રુઝ) આર્જેન્ટિનીઅન પતિ (જેવિઅર બર્ડેમ) તેમજ બાળકો સાથે પોતાના વતન સ્પેન જાય છે. આમ તો આ વતનની ઉડતી મુલાકાત હતી, પણ અહીં આવ્યા પછી અમુક એવી અણધારી ઘટનાઓ બને છે અને એવાં રહસ્યો સામે આવે છે કે બધાનાં જીવનમાં ઉથલપાથલ મચી જાય છે.  

સોલોઃ અ સ્ટાર વોર્સ સ્ટોરીઃ


ફિલ્મ ફેસ્ટિવલોમાં સામાન્યપણે મેઇનસ્ટ્રીમ ઇવેન્ટ ફિલ્મો ઓછી હોય, પણ આ વખતે 'સ્ટાર વોર્સ' સિરીઝની આ લેટેસ્ટ ફિલ્મે હાજરી પૂરાવી હતી. 'સોલોઃ અ સ્ટાર વોર્સ સ્ટોરી' એ સિક્વલ નહીં, પણ પ્રિક્વલ છે. એમાં અવકાશી ચાંચિયા હેન સોલોના શરૂઆતના દિવસોની વાત છે. હોલિવૂડના મોટા મજાના ફિલ્મમેકર રોન હાવર્ડે તે ડિરેક્ટ કરી છે. 'ધ ગેમ ઓફ થ્રોન્સ'માં ડ્રેગનમાતા બનતી એમિલિયા ક્લર્કે આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ કર્યો છે.

ધ હાઉસ ધેટ જેક બિલ્ટઃ


આ ફિલ્મના ડેનિશ ડિરકેટર લાર્સ વન ટ્રિઆની અગાઉની 'એન્ટિક્રાઇસ્ટ' અને 'નિમ્ફોમેનિયાક' જેવી ચક્કર આવી જાય એવી અને લગભગ એક્સટ્રીમ કહી શકાય એવી વિવાદાસ્પદ ફિલ્મો તમે જોઈ હશે તો એક મેકર તરીકેના એમના મિજાજથી તમે વાકેફ હશો. અમેરિકામાં આકાર લેતી આ અંગ્રેજી ફિલ્મમાં એક અત્યંત ઇન્ટેલિજન્ટ એવા સિરીયલ કિલર (મેટ ડિલન)ની વાત છે, જે હત્યા કરવાની ક્રિયાને એક કળા તરીકે જુએ છે! સાચ્ચે, આવો અળવીતરો આઇડિયા લાર્સ વન ટ્રિઆના ભેજામાં જ પેદા થઈ શકે! ફિલ્મમાં 'કિલ બિલ' ફેમ ઉમા થર્મન પણ છે.   

વ્હિટનીઃ


શ્રીદેવીનું અકાળે મોત થયું ત્યારે અમેરિકન સિંગર-એક્ટ્રેસ વ્હિટની હ્યુસ્ટનને વારે વારે યાદ કરવામાં આવતી હતી. આ સુપર ટેલેન્ટેડ કલાકારનું મોત પણ હોટલરૂમના બાથટબમાં આકસ્મિક રીતે થયું હતું. વ્હિટનીના કેસમાં જોકે વધુ પડતો શરાબ અને કોકેન ઓવરડોઝ જેવાં પરિબળોએ સામે આવ્યાં હતાં. 'બોડીગાર્ડ' (સલમાન ખાનવાળી નહીં, કેવિન કોસનરવાળી) ફિલ્મમાં વ્હિટનીએ ગાયેલાં ગીતો આપણને આજે પણ સાંભળવા ગમે છે. 'બોડીગાર્ડ'માં એની એક્ટિંગ પણ મસ્ત હતી. સુપર ટેલેન્ટેડ વ્હિટની હ્યુસ્ટનના જબરદસ્ત ઘટનાપ્રચુર જીવન પરથી ડોક્યુમેન્ટરી ફિલ્મ ન બને તો જ આશ્ચર્ય કહેવાત. કેવિન મેકડોનાલ્ડ નામના સ્કોટિશ ડિરેક્ટરે બનાવેલી આ ડોક્યુમેન્ટરીમાં વ્હિટનીનાં કેટલાંક અનરિલીઝ્ડ રેકોર્ડિંગ્સ, અગાઉ ક્યારેય જોવા મળ્યા ન હોય એવા હોમ વિડીયો તેમજ લાઇવ પર્ફોર્મન્સીસનું ફૂટેજ પણ આવરી લેવાયું છે. વ્હિટનીના ચાહકો માટે આ ફિલ્મ મસ્ટ-સી છે.

ક્લાઇમેક્સઃ 


અહીં ક્લાઇમેક્સ એટલે સંભોગને અંતે અનુભવાતી પરાકાષ્ઠા, ઓર્ગેઝમ. ગાસ્પર નોએ નામના મૂળ આર્જેન્ટિનાના પણ ફ્રાન્સમાં સ્થાયી થયેલા ફિલ્મમેકરની આ વિવાદાસ્પદ ફિલ્મ ખાસ્સી ન્યુઝમાં છે. ગયા વર્ષે  કાન ફેસ્ટિવલમાં જ એમની 'લવ' નામની ઇરોટિક થ્રીડી ફિલ્મ જોઈને ઓડિયન્સ ચોંકી ગયું હતું. અગાઉ એમની 'ઇરરિવર્સીબલ' નામની ફિલ્મમાં નવ મિનિટ લાંબો રેપ સીન જોઈને પણ પ્રેક્ષકો હાંકાબાંકા થઈ ગયા હતા. ઓડિયન્સને આઘાત આપવામાં ગાસ્પરસાહેબ માહેર છે. આ વખતની 'ક્લાઇમેક્સ' ફિલ્મમાં પણ માથું ચકરાવી દે એવાં કામુક દશ્યોની ભરમાર છે. આ ફિલ્મમાં એમણે એક્ટિંગનો જરાય અનુભવ ન હોય એવા સાવ નવાનિશાળિયાઓને કાસ્ટ કર્યા છે. એમાંના મોટા ભાગના ડાન્સર છે. યાદ રહે, ગાસ્પરની ગણના એક માસ્ટર ફિલ્મમેકર તરીકે થાય છે.        

 બર્નિંગઃ 


હારુકી મુરાકામી વિશ્વવિખ્યાત જપાની વાર્તાકાર છે, જે મેરેથોન દોડવાના શોખીન છે. એમની એક ટૂંકી વાર્તા પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. બે દોસ્તારોની આ કહાણીમાં રહસ્યનું તત્ત્વ પણ છે. ડિરેક્ટરનું નામ છે, લી ચાંગ-ડોંગ.   

ધ મેન હુ કિલ્ડ ડોન કિહોટેઃ


સત્તરમી સદીમાં લખાયેલી 'ડોન કિહોટે' એક માસ્ટરપીસ છે. તે એક સર્વકાલીન, સર્વસ્વીકૃત મહાન નવલકથા ગણાય છે. ડોન કિહોટે આ સ્પેનિશ કથાના મુખ્ય નાયકનું નામ છે. આ કિરદારને કેન્દ્રમાં મૂકીને 'ધ મેન હુ કિલ્ડ ડોન કિહોટે' ફિલ્મ બનાવવાની કોશિશ છેક 2000ની સાલથી ચાલતી હતી. કંઈકેટલાય વિઘ્નો પાર કર્યા બાદ માંડ આ ફિલ્મ બની શકી. કાન ફિલ્મોત્સવનું ક્લોઝિંગ આ ફિલ્મથી થયું હતું. 

સૂચિ ઘણી લાંબી થઈ શકે તેમ છે, પણ અહીં અટકીએ. આ લેખમાં ઉલ્લેખ પામેલી અને એ સિવાયની કાન ફિલ્મોત્સવ 2018ની કેટલીય ફિલ્મો હવે આગામી ઓસ્કર સિઝન સુધી ચર્ચામાં રહેવાની.



0 0 0