Sandesh - Ardh Saptahik purti - January 4, 2017
ટેક ઓફ
લો, ૨૦૧૭નું વર્ષ બેસતાંની સાથે ઘડઘડાટ કરતી એક પછી એક ઘટનાઓ બનવા પણ લાગી. ઉત્તરપ્રદેશના યાદવ પરિવારમાં રાજકીય ભાંગફોડ થઈ, તમારા ફેવરિટ એકટર ઓમ પુરીનું આકસ્મિક મૃત્યુ થયું. આ બધી ખેર, બાહ્ય ઘટનાઓ થઈ. વિક્રમ સંવતના નવા વર્ષ અને અંગ્રેજી કેલેન્ડરના નવા વર્ષની મનોવૈજ્ઞાાનિક અપીલ લગભગ એકસરખી હોય છે. દિવાળી વખતે ઘરની સાફ્સફાઈ થાય છે તે પ્રમાણે અંગ્રેજી નવું વર્ષ શરૂ થઈ રહ્યું હોય ત્યારે માનસિક બાવાજાળાં દૂર કરવાની કમસે કમ કોશિશ કરવી જોઈએ.
સમયની સાથે ઘણું બધું બિનજરૂરી જમા થતું જતું હોય છે – પછી એ મગજની બખોલ હોય કે કમ્પ્યૂટર હોય. કમ્પ્યૂટર સાથે સતત પનારો પાડનારાઓ પોતપોતાનાં કામ પ્રમાણે નવાં નવાં ફોલ્ડર બનાવતા જાય છે. તેમાંના કેટલાય ફોલ્ડર નકામાં થઈ ગયા હોય તોય કમ્પ્યૂટરની કોઈ ડ્રાઈવમાં જગ્યા રોકીને પડયાં હોય છે. નકામી ફાઈલોને ડિલીટ કરવા બેસીએ ત્યારે જાતજાતના સંવેદનો થાય છે.
સૌથી પહેલાં તો જૂના ફોલ્ડરો-ફાઈલોનો ઢગલો જોઈને આભા બની જવાય. કેવું કેવું જમા કર્યું હતું આ કમ્પ્યૂટરાઈઝડ પટારામાં? એક ‘બિલ્સ’ નામના ફોલ્ડરમાં મોબાઈલ, ક્રેડિટ કાર્ડસ, ઇલેકિટ્રસિટી અને એવા બધાંના વર્ષો ડાઉનલોડ કરેલા જૂનાં બિલ પડયા છે જે હવે કોઈ કામમાં આવવાના નથી. જેમાં થોડાઘણા પૈસા રોકયા હતા તે મ્યુચ્યુઅલ ફ્ંડની કંપનીઓ નિતનવી ઇર્ન્ફ્મેશન મોકલ-મોકલ કર્યા જ કરતી હતી. હરામ બરાબર આ આંકડાબાજીમાં આજની તારીખેય કંઈ ગતાગમ પડતી હોય તો. વળી, એ મ્યુચ્યુઅલ ફ્ંડના પૈસા તો ત્રણ વર્ષ પહેલાં એન્કેશ કરીને કયારના વાપરી બી નાખ્યા. ભગવાન જાણે ‘મની મેટર્સ’ નામના ફોલ્ડરમાં આ બધું હજુ સુધી શું કામ રાખ્યું હશે. કરો ડિલીટ. એક ફાઈલમાં સગાંઓ-દોસ્તારોને ઉધાર આપેલા પૈસાની વિગતો છે, બીજીમાં તમે જેની પાસેથી લોન લીધી હતી તેની વિગતો છે. આ બધી લેણીદેણી પૂરી થઈ ગઈ? શ્યોર? તો કરો ડિલીટ. ના, એક મિનિટ. રહેવા દો. ભલે પડી આ ફાઈલ તમારા રેકોર્ડ માટે. રોકી રોકીને કેટલી જગ્યા રોકશે?
વચ્ચે તમને જિમમાં જઈને એકસરસાઈઝ કરવાનું અને જોગિંગ-રનિંગનું ભૂત વળગ્યું હતું ત્યારે મોટા ઉપાડે ‘માય ફ્ટિનેસ રૂટિન’ નામની રીતસર એક એક્સેલ ફાઈલ બનાવી હતી. સવારે કેટલા વાગે ઊઠયા, પેટ બરાબર સાફ્ થયું કે નહીં, જિમમાં જઈને શું ઉકાળ્યું, કેટલું દોડયા-ચાલ્યા ને એવી બધી વિગતો તમે તારીખ-વાર સહિત ભારે ચીવટથી કોઠામાં ભરતા હતા. તમે જુઓ છો કે શરૂઆતના વીસ-પચ્ચીસ દિવસ તો ગાડી સરસ ચાલી હતી, પણ પછી ઠાગાઠૈયા શરૂ થઈ ગયા હતા. તારીખોની સામે ખાનાં ખાલી રહેવા લાગ્યા. ધીમે ધીમે અઠવાડિયાના સાતમાંથી ત્રણ દિવસ જિમ જવાનું, પછી બે દિવસ, એક દિવસ… ને બે-અઢી મહિના પછી બધું બંધ. કેમ ફ્ટિનેસનો ક્રેઝ ઉતરી ગયો? તમે યાદ કરો છો. ઓહ, રાઈટ! શું છે કે તે વખતે તો જોબના ટાઈમિંગ્સ એવા વિચિત્ર થઈ ગયા હતા કે…
બહાનાં, માત્ર બહાનાં! તમે તમારા ઉપસેલા પેટ તરફ્ જોઈને વિચાર કરો છો. આ બધું નહીં જ ચાલે. બસ, નવું વર્ષ ઓલરેડી બેસી ગયું છે. આવતા સોમવારથી એકસરસાઈઝ પાછી ચાલુ! આ છે તમારો નવા વર્ષનો પહેલો સંકલ્પ. પેલી જૂની એકસેલ શીટને ડિલીટ કરીને તમે જૂના ફ્ટિનેસ ફોલ્ડરને લગભગ ખાલી કરી નાખો છો.
…અને આ શું? કમ્પ્યૂટરાઈઝડ પટારામાંથી તમને એક મસ્તમજાનું ફોલ્ડર હાથ લાગે છેઃ ‘માય અપકમિંગ પ્રોજેકટ્સ’! ફોલ્ડર પર કિલક કરીને તમે જુઓ છો કે તમે નવલકથાઓ, નાટકો, ટૂંકી વાર્તાઓ વગેરેના કેટલાય વિષયો તૈયાર કરી રાખ્યા હતા. મેઈન ફોલ્ડરમાં દરેક વિષયનું પાછું અલાયદું સબ-ફેલ્ડર છે. અમુક વિષયો પર તો તમે થોડું ઘણું કામ પણ કરી નાખ્યું હતું. ઓહ, આમાંનું કેટલુંક તો સાવ ભુલાઈ જ ગયેલું. અચાનક તમારું ક્રિયેટિવ દિમાગ ગરમાટો અનુભવવા લાગે છે. અહા! આ વિષયો તો આજે પણ એટલા જ એકસાઈટિંગ અને રિલેવન્ટ છે. કયારે અંજામ આપીશું આ બધા ‘અપકમિંગ’ પ્રોજેકટ્સને? લાઈફ્માં જ્યારે આટલું બધું કરવાનું હજુ બાકી છે ત્યારે ફાલતું બાબતોમાં સમય વેડફ્વાનો સવાલ જ કયાં ઊભો થાય છે? હાનિકારક નેગેટિવ વિચારો કરી કરીને માનસિક ઊર્જા ખર્ચી જ શી રીતે શકાય?
આપણે સૌએ પોતપોતાનાં ક્ષેત્ર પ્રમાણે અમુક પ્રોજેકટ્સ વિચાર્યા હોય છે, જબરા પેશન સાથે યોજનાઓ ઘડી હોય છે, ભવિષ્યનો નકશો દોર્યો હોય છે, સપનાં જોયાં હોય છે, મહત્ત્વાકાંક્ષા સેવી હોય છે. મનમાં જે આછીપાતળી રૂપરેખા ઊપસી હોય તે કદાચ કોઈ ફાઈલમાં લખી રાખી હોય છે. શકય છે કે સમયની સાથે આમાંનું કેટલુંક અથવા ઘણું બધું વિસરાઈ ગયું હોય. જૂનું ફોલ્ડર ખોલીને બેસીએ ત્યારે આ રૂપરેખા પર નજર પડતાં એક ધક્કા સાથે આ બધું એકદમ સપાટી પર આવી જાય છે. તરત મન લેખાંજોખાં કરવા લાગે છે. શું શું કરવા ઘાર્યું હતું છેલ્લાં બે-પાંસ-સાત-દસ વર્ષોમાં? એમાંનંુ કેટલું થઈ શકયું? ધાર્યા મુકામે પહોંચી શકાયું? કેવી રહી યાત્રા? કે પછી, જ્યાં પહોંચવંુ હતું તે ગંતવ્યસ્થાન હજુ એટલું જ દૂર છે? કેમ પાછળ રહી ગયા? હજુય શું થઈ શકે તેમ છે? જેના માટે એક સમયે દિલ-દિમાગ તીવ્ર આવેગ અનુભવતા હતાં એવા કોઈપણ પ્રોજેકટ- યોજના-સપનાં પર હંમેશ માટે ચોકડી મારી દેવી જરૂરી છે? શા માટે હથિયાર હેઠા મૂકી દીધાં છે? હાર માની લીધી છે? હજુય કયાં મોડંુ થયું છે? તમે મનોમન કશોક નિર્ધાર કરો છો.
તમારી ડિજિટલ સાફ્સફઈ આગળ વધે છે. અમુક જૂની તસવીરો, જૂના વીડિયો, ગીતો, ડાયરીનાં પાનાં અને અન્ય ડોકયુમેન્ટ્સ સાથે જૂના દોસ્તની જેમ એકાએક ભેટો થઈ જાય છે. એક સમયે તમે બસ્સો પાનાંના મોટા ચોપડામાં ડાયરી લખતા હતા, છેલ્લાં કેટલાક વર્ષથી કમ્પ્યૂટર પર લખો છો. અમુક ફાઈલો અલગ-અલગ ફોલ્ડરોમાં બબ્બે, ત્રણ-ત્રણ વખત સેવ થઈ ગઈ છે. બિનજરૂરી ફાઈલો ઉડાવતા જઈને તમે કામની વસ્તુઓ અલગ ફોલ્ડરમાં તારવી લો છો.
એક-દોઢ-બે કલાકમાં સારો એવો ડિજિટલ કચરો દૂર થઈ જાય છે. કચરો સાફ કરતાં કરતાં તમને કેટલાક મૂલ્યવાન રત્નો પણ હાથ લાગ્યા છે. તમારા કમ્પ્યૂટરમાં હવે ઠીક ઠીક સ્પેસ ખાલી થઈ છે. શેરી, ઘર, ટેબલના ખાના, કમ્પ્યૂટરના ફેલ્ડરની જેમ મનનો કચરો પણ થોડા થોડા સમયે સાફ કરતાં રહેવો જોઈએ. વર્ષ શરૂ થઈ રહૃાું હોય ત્યારે તો ખાસ.
0 0 0
No comments:
Post a Comment