Sandesh - Ardh Saptahik Purti - 11 Jan 2017
ટેક ઓફ
વીસમી સદીનાં સૌથી પ્રભાવશાળી સર્જકોમાંનાં એક એવાં એન રેન્ડે સૌથી પહેલી 'આઈડીઅલ' નામની નવલકથા લખી હતી, પણ આ કૃતિ એમણે ક્યારેય છપાવી નહીં. તેઓ વર્લ્ડ-ફેમસ રાઈટર બની ગયાં પછી પણ નહીં. આ નવલકથા એમનાં મૃત્યુનાં છેક 33 વર્ષ પછી બહાર પડી. સિદ્ધહસ્ત લેખક સર્જન કર્યા પછી તેને લોકો સામે ન મૂકવાનું ક્યારેક પસંદ કરતો હોય છે તેનું કારણ શું?
ધારો કે તમે પ્રિયંકા ચોપરાના જબરદસ્ત ફેન છો. પ્રિયંકા મિસ વર્લ્ડ બની ત્યારથી તમે એની પાછળ પાગલ છો. એમાંય બોલિવૂડની ટોપની હિરોઈન બન્યા પછી પ્રિયંકા હાલ જે રીતે હોલિવૂડમાં ધામા નાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે તરંગો સર્જી રહી છે એ જોઈને તમારી છાતી ગજ ગજ ફૂલે છે. તમે એવા હરખાઓ છો કે જાણે તમારું હૃદય છાતીનું પિંજરું ફડીને બહાર આવી જશે. તમે કેટલાય વર્ષોથી એના બર્થડે પર એને ગિફ્ટ અને બુકે મોકલો છો. સાથે સાથે ફેન-લેટર પણ બીડો છો. દર વર્ષે તમે પત્રમાં તમે એક વાત જરૂર લખો છોઃ પ્રિયંકા, હું તારો એટલો મોટો ફેન છું અને તને એટલો બધો ચાહું છું કે તારા માટે મારો જીવ આપી શકું. પ્રિયંકાએ એક વાર સામે તમને ‘થેન્કયુ’નું કાર્ડ મોકલ્યું હતું જે તમે ભારે ગર્વથી મઢાવીને ડ્રોઇંગરૂમમાં ટાગ્યું છે.
હવે કલ્પનાને આગળ વધારો. ધારો કે અસલી પ્રિયંકા ચોપરાનાં હાથે હોલિવૂડના કોઈ મોટા ડિરેકટરનું ખૂન થઈ જાય છે. શૂટિંગ દરમિયાન કેમેરા સામે નહીં, પણ સાચેસાચું, ભયાનક ક્રોધના પરિણામ રૂપે ડિરેકટરના ઘરની ચાર દીવાલ વચ્ચે થઈ ગયેલું અસલી ખૂન. જ્યાં સુધીમાં પોલીસ-મીડિયા વગેરેની નજરમાં હત્યાનો મામલો ચડે ત્યાં સુધીમાં પ્રિયંકા ઇન્ડિયા ભાગી આવે છે. એ કોઈ સલામત જગ્યાએ સંતાવા માગે છે, પણ એને ખબર નથી કે કયાં અને કોની પાસે જવું. અચાનક તેના દિમાગમાં તમારું નામ ઝબકે છે. એ વિચારે છે કે મિસ્ટર સો-એન્ડ-સો મારો આવડો મોટો ફેન છે, દર વર્ષે મારા માટે જાન હથેળી પર હાજર કરવાની વાત કરે છે, તો એ મને જરૂર મદદ કરશે. ધારો કે પ્રિયંકા ચોપડા તમને ફોન કરીને કાકલૂદી કરે કે દોસ્ત, હું મુસીબતમાં છું, પ્લીઝ મારી મદદ કરો… તો? તમે સારી રીતે જાણો છો કે આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસ હવે આખી દુનિયામાં ગાજી રહૃાો છે અને ઇવન ભારતની પોલીસ પણ સાબદી થઈ ગઈ છે એટલે જો તમે પ્રિયંકાને સહેજ અમથી મદદ કરશો તો પણ ભેખડે ભરાઈ જશો. તો હવે તમે શું કરશો?
બસ, આ છે મહાન લેખિકા એન રેન્ડની સૌથી પહેલી નવલકથા ‘આઈડીઅલ’નો પ્લોટ, જે એમના મૃત્યુના ૩૩ વર્ષ પછી, છેક ૨૦૧૫માં પ્રકાશિત થઈ. નવલકથામાં એન રેન્ડે આ પ્લોટને ખૂબ બહેલાવ્યો છે. આમાં હત્યાના આરોપથી ખરડાયેલી હોલિવૂડની ટોચની હીરોઈન પોતાના પર જીવ ન્યોછાવર કરવા તૈયાર હોય એવા એક નહીં પણ છ-છ ચાહકોની મદદ માગે છે. એક ગૃહસ્થ છે, બીજો ડાબેરી એકિટવિસ્ટ, ત્રીજો ચિત્રકાર, ચોથો ઉપદેશક, પાંચમો પ્લેબોય અને છઠ્ઠો ફ્કકડ ગિરધારી આદમી છે. જેને તેઓ પોતાની ડ્રિમગર્લ કે આદર્શ સ્ત્ર્રી માનતા હતા એ હીરોઈન સાક્ષાત જ્યારે મદદ માટે હાથ લંબાવે છે ત્યારે બધાની પ્રતિક્રિયાઓ સાવ જુદી જુદી આવે છે. આ પ્રતિક્રિયાઓમાંથી સૌનું ખરું વ્યકિતત્વ છતું થાય છે.
અફ્લાતૂન પ્લોટ છે. ૧૯૩૪માં આ નવલકથા લખી ત્યારે એન રેન્ડ પૂરાં ત્રીસ વર્ષનાં પણ નહોતાં. રશિયામાં જન્મેલાં અને પણ પછી અમેરિકાને પોતાની કર્મભૂમિ બનાવનારાં એન રેન્ડની પહેલી પ્રકાશિત નવલકથા ‘વી ધ લિવિંગ’ ૧૯૩૬માં આવી. તે પછી બહાર પડેલી ‘ધ ફાઉન્ટનહેડ’ (૧૯૪૩) અને ‘એટલાસ શ્રગ્ડ’ (૧૯૫૭) સર્વકાલીન કલાસિક કૃતિઓ ગણાય છે. આ અદભુત નવલક્થાઓ વાંચીને દુનિયાભરની કેટલીય પેઢીઓ તીવ્રતાથી પ્રભાવિત થઈ છે, આજેય થઈ રહી છે. ‘ધ ફાઉન્ટનહેડ’ બહાર પડી ત્યારે એન રેન્ડ ૩૮ વર્ષનાં હતાં અને ‘એટલાસ શ્રગ્ડ’ વખતે બાવનનાં.
આજે આપણે વાત ‘આઈડીઅલ’ની કરવી છે. એને રેન્ડ એક વાર કોઈ અઠંગ ફ્લ્મિપ્રેમી સાથે વાતચીત કરી રહૃાાં હતાં ત્યારે પેલો બોલ્યો હતો કે ફ્લાણી હીરોઈન તો મને એટલી બધી ગમે છે કે એના માટે હું જીવ આપી દેતા ન ખચકાઉં. એન રેન્ડનાં મનમાં તરત સવાલ ઝબકયોઃ ખરેખર? બસ, આ વિચારબીજ પરથી એમણે સો-સવાસો પાનાંની (ટુ બી પ્રિસાઈઝ, ૩૪ હજાર શબ્દોની) 'આઈડીઅલ' નામની આ નવલકથા લખી નાખી.
એન રેન્ડે આ કૃતિ લખી ખરી, પણ છપાવી નહીં. આમાં એક પછી એક છ પાત્રોની વાત વારાફરતી આવે છે એટલે એન રેન્ડે વિચાર્યુ કે વાચકોને કદાચ આ નવલકથા ધીમી લાગશે. એમને આ વિષય નવલકથા કરતાં નાટક માટે વધારે યોગ્ય લાગ્યો. આથી એમણે ‘આઈડીઅલ’ શીર્ષક યથાવત્ રહેવા દઈને આ જ પ્લોટ પરથી ફુલલેન્થ નાટક લખ્યું. નવલકથાનાં કાગળિયાં તેઓ ૧૯૮૨માં મૃત્યુ પામ્યાં ત્યાં સુધી ફાઈલમાં એમ જ પડી રહૃાાં.
એન રેન્ડનાં એક વિશ્વાસુ મિત્ર હતા – લિઓનાર્ડ પિકોફ. તેઓ સ્વયં લેખક-વિચારક છે અને આજની તારીખેય હયાત છે. એમણે ૧૯૮૫માં એન રેન્ડ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી. એન રેન્ડનાં નિધનના થોડા અરસા પછી એક વાર તેઓ એન રેન્ડનાં કાગળિયાં, પુસ્તકો વગેરે ગોઠવી રહૃાા હતા ત્યારે અચાનક તેમના હાથમાં ‘આઈડીઅલ’ નવલકથાની પેલી જૂની ફાઈલ આવી ગઈ. આ નામનાં નાટક વિશે લિઓનાર્ડ જાણતા હતા, પણ એને રેન્ડે નાટકની પહેલાં આ નવલકથા પણ લખી હતી તેનો તેમને અંદાજ નહોતો. લિઓનાર્ડે જસ્ટ એમ જ ઉપરઉપરથી પાનાં ફેરવવાનું શરૂ કર્યું, પણ આમ કરતાં કરતાં કયારે વાર્તાના પ્રવાહમાં તણાઈ ગયા એનું એમને ભાન ન રહૃાું. નવલકથા પૂરી થઈ ત્યાં સુધીમાં તેમની આંખો છલકાઈ ચૂકી હતી. લિઓનાર્ડને થયું કે આટલી સરસ રચના… એને દુનિયાભરમાં ફેલાયેલા એન રેન્ડનાં ચાહકો સામે ન મૂકીએ તો તો પાપ પડે!
આ પ્રોજેકટ વર્ષો પછી એન રેન્ડનાં લખાણોનું ડિજિટાઈઝેશનની ગતિવિધિ શરૂ થઈ ત્યારે પાર પડયું. લિઓનાર્ડ આ નવલકથાને એન રેન્ડનું જુવેનાઈલ (બચ્ચા જેવું, બાલિશ, કાચું) લખાણ કહે છે. એને રેન્ડે જ્યારે આ કૃતિ લખી ત્યારે બીજાઓ શું, એમણે પોતે પણ કલ્પના કરી નહીં હોય કે ભવિષ્યમાં તેઓ કેવું વિરાટ કામ કરવાનાં છે. એન રેન્ડ જેવાં પ્રભાવશાળી સર્જકના પ્રારંભિક અને ‘બચ્ચા જેવા’ લાગતાં લખાણોમાં પણ તેમના ચાહકોને જ નહીં, અભ્યાસુઓને પણ ઊંડો રસ પડતો હોય છે. મસ્ત વાત એ છે કે જો તમે ‘આઈડીઅલ’ નવલકથા ખરીદશો કે ઓનલાઈન ઓર્ડર કરશો તો નાટક તમને ફ્રીમાં મળશે, કારણ કે ચોપડીમાં આ બન્નેને એકસાથે સમાવી લેવામાં આવ્યાં છે. આને કહેવાય ડબલ બોનાન્ઝા. એન રેન્ડના ચાહકોએ આ નવલકથા અને નાટક બન્ને વારાફરતી વાંચી બન્નેમાં ક્યાં અને કેવા ફેરફાર કર્યા છે તેનો અભ્યાસ કરવા જેવો છે. જલસો પડે એવી એકસરસાઈઝ છે આ.
હા, તો ફરી એ જ સવાલ. ધારો કે તમારી ફેવરીટ હીરોઈન કે હીરો કે લેખક કે ઉપદેશક કે નેતા કોઈપણ સફળ સેલિબ્રિટી કે જેના પ્રત્યે તમને જબરદસ્ત પ્રેમ અને આદર છે અને જેનાથી તમે ખૂબ પ્રભાવિત છો એવી વ્યક્તિ ખૂન જેવો ભયંકર ગુનો કરીને ભાગેડુ બની ગઈ હોય તો તમે એની મદદ કરો ખરા?
હા, તો ફરી એ જ સવાલ. ધારો કે તમારી ફેવરીટ હીરોઈન કે હીરો કે લેખક કે ઉપદેશક કે નેતા કોઈપણ સફળ સેલિબ્રિટી કે જેના પ્રત્યે તમને જબરદસ્ત પ્રેમ અને આદર છે અને જેનાથી તમે ખૂબ પ્રભાવિત છો એવી વ્યક્તિ ખૂન જેવો ભયંકર ગુનો કરીને ભાગેડુ બની ગઈ હોય તો તમે એની મદદ કરો ખરા?
0 0 0
No comments:
Post a Comment